પ્રકાશના શહેરમાં જ્યોતિની જેમ ચમકવું
પ્રકાશના શહેરમાં જ્યોતિની જેમ ચમકવું
ફૂલુટુઆર નૅક મર્ગીટુર, અર્થાત્ “એના પર મોજાના સપાટા લાગ્યા છતાં એ સમુદ્રની લહેરો પર તરતું રહ્યું” એવું પૅરિસ શહેર વિષે કહેવામાં આવે છે.
બે હજાર વર્ષથી, પૅરિસ પર અસંખ્ય વિદેશી આક્રમણો થયાં છે અને અંદરોઅંદર લડાઈઓ થઈ છે તોપણ, એ વહાણની જેમ હજુ પણ ટકી રહ્યું છે. પૅરિસ દુનિયાનાં સૌથી સુંદર શહેરોમાંનું એક છે અને એની ભવ્ય ઇમારતો, રાજમાર્ગની આજુબાજુ વૃક્ષો અને દુનિયાના પ્રખ્યાત મ્યુઝિયમ માટે જાણીતું છે. કેટલાક લોકો માને છે કે પૅરિસ કવિઓ, ચિત્રકારો અને ફિલસૂફોનું મનપસંદ સ્થળ છે. બીજા કેટલાક લોકોને એનું સ્વાદિષ્ટ ભોજન અને એની ફૅશન ખૂબ જ પ્રિય છે.
ઐતિહાસિક રીતે, પૅરિસમાં કૅથલિક ધર્મનો ઘણો પ્રભાવ રહ્યો છે. બસો વર્ષ પહેલાં, યુરોપમાં પુષ્કળ જ્ઞાનીઓ વધી ગયા હોવાથી, એ શહેર પ્રકાશ તરીકે જાણીતું થયું. આમ, પૅરિસને એક પ્રકાશનું શહેર પણ કહેવામાં આવ્યું. આજે, જાણે-અજાણે, મોટા ભાગના પૅરિસના લોકો પર ધર્મ કરતાં એ સમયની ફિલસૂફીની વધારે અસર જોવા મળે છે.
તેમ છતાં, ધારણા હતી તેમ, વધતું જતું જ્ઞાન લોકોના જીવનને પ્રકાશિત કરી શક્યું નથી. પરંતુ, આજે ઘણા લોકો બીજી જગ્યાએથી જ્ઞાનનો પ્રકાશ મેળવી રહ્યા છે. કંઈક ૯૦ વર્ષથી, યહોવાહના સાક્ષીઓ પૅરિસમાં ‘જ્યોતિની જેમ પ્રકાશી’ રહ્યા છે. (ફિલિપી ૨:૧૫, સંપૂર્ણ બાઇબલ) કુશળ નાવિકોની જેમ, તેઓએ પાણીના બદલાતા પ્રવાહની કે સંજોગોની સાથે ઘણા ફેરફાર કરવા પડ્યા છે, જેથી “સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ” વહાણમાં ભરી શકે.—હાગ્ગાય ૨:૭.
પડકારમય શહેર
વર્ષ ૧૮૫૦માં, પૅરિસની વસ્તી ૬,૦૦,૦૦૦ હતી. પરંતુ, હાલમાં ઉપનગરો સહિત ૯૦ લાખ કરતાં વધારે વસ્તી છે. આ વધારાના કારણે પૅરિસમાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે છે. એ જગતના ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર છે અને એમાં દુનિયાની સૌથી જૂની વિશ્વવિદ્યાલયો પણ જોવા મળે છે જેમાં કંઈક ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે. પરંતુ, પૅરિસમાં એક તરફ એવા કેટલાક વિસ્તારો પણ છે કે જ્યાં મોટી મોટી ઇમારતોમાં બેકારી અને ગુનાઓ જોવા મળે છે, જે પૅરિસના અંધકારને બતાવે છે. તેથી, દરેક પ્રકારના લોકોને પરમેશ્વરના રાજ્યનો સંદેશો જણાવવો એ યહોવાહના સાક્ષીઓ માટે કંઈ સહેલું નથી. તેઓએ પ્રચાર કાર્યની આવડતમાં હંમેશા સંજોગો પ્રમાણે જરૂરી ફેરફારો કરવા પડે છે.—૧ તીમોથી ૪:૧૦.
દર વર્ષે લગભગ બે કરોડ લોકો પૅરિસની મુલાકાત લે છે. તેઓ એફિલ ટાવર પર જવાનો, સેન નદીના કિનારે ફરવાનો કે કૉફી બાર અથવા નાઈટક્લબમાં જવાનો આનંદ માણે છે. તેમ છતાં, પૅરિસના લોકોનું જીવન વ્યસ્ત છે. પૂરા સમયની સેવા કરતી ક્રિષ્ટિના કહે છે, “લોકો હંમેશા ઉતાવળમાં જ હોય છે. તેઓ કામ પરથી પાછા ઘરે આવે છે ત્યારે, થાકીને ચૂર થઈ ગયા હોય છે.” આવા વ્યસ્ત લોકો સાથે વાત કરવી એ કંઈ રમતની વાત નથી.
પૅરિસના યહોવાહના સાક્ષીઓ માટે લોકોનો તેઓના ઘરે સંપર્ક સાધવો એ કંઈ સહેલું નથી. કેટલાંક મકાનોમાં ઇન્ટરકોમ વ્યવસ્થા હોય છે. તેમ છતાં, વધતા જતા ગુનાઓને લીધે, એપાર્ટમેન્ટનાં મકાનોના દરવાજામાં ઇલેક્ટ્રોનિક સલામતી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આથી અંદર જવું અશક્ય હોય છે. એના લીધે કેટલાક વિસ્તારોમાં ૧,૪૦૦ લોકોને પ્રચાર કરવા માટે ફક્ત એક જ યહોવાહના સાક્ષી હોય છે. તેથી, આવા લોકોને મળવા ટૅલિફોન અને અવિધિસરના સાક્ષીકાર્યનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. શું બીજી કોઈ રીતોએ યહોવાહના સાક્ષીઓ પોતાનું ‘અજવાળું પ્રકાશિત’ કરી શક્યા છે?—અવિધિસરની સાક્ષી માટે ઘણી તકો અને જગ્યાઓ મળી આવે છે. માર્ટિનાએ એક દિવસ એક ઉદાસ સ્ત્રીને બસસ્ટોપ પર ઊભેલી જોઈ. હાલમાં જ તે સ્ત્રીએ પોતાની એકની એક દીકરી મરણમાં ગુમાવી હતી. માર્ટિનાએ તેને બાઇબલની ફરી સજીવન થવાની આશા ધરાવતી મોટી પુસ્તિકા આપી. થોડા મહિનાઓ સુધી તે તેને ફરી મળી નહિ. પછી માર્ટિના ફરીથી તે સ્ત્રીને મળી અને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પતિના વિરોધ છતાં, તે સ્ત્રી યહોવાહની સાક્ષી બની.
અવિધિસરના સાક્ષીકાર્યમાં સફળતા
પૅરિસની જાહેર વાહનવ્યવહારની વ્યવસ્થા આખી દુનિયામાં સૌથી પ્રખ્યાત છે. ત્યાંના જાણીતા ભૂગર્ભ પરિવહન તંત્રમાં, દરરોજ લગભગ ૫૦,૦૦,૦૦૦ મુસાફરો અવરજવર કરે છે. પૅરિસના કેન્દ્રમાં આવેલું ભૂગર્ભીય સ્ટેશન, શાંતલે-લે-આલને દુનિયાનું સૌથી મોટું અને એકદમ વ્યસ્ત સ્ટેશન કહેવામાં આવે છે. તેથી, ત્યાં લોકોને મળવાની તકો ઘણી છે. એલેક્સઝાંડ્રિયા દરરોજ ભૂગર્ભ માર્ગે કામ પર જાય છે. એક દિવસ તેણે એક યુવાન માણસ સાથે વાત કરી કે જેને લાંબા સમયથી લ્યૂકેમિયાનું કૅન્સર હતું. એલેક્સઝાંડ્રિયાએ તેને પારાદેશમાં સુખ-શાંતિવાળા જીવનની આશા બતાવતી પત્રિકા આપી. છ અઠવાડિયા સુધી દરરોજ એ જ સમયે અને એ જ સ્થળે બાઇબલ ચર્ચાની ગોઠવણ કરવામાં આવી. ત્યાર પછી, એ માણસે આવવાનું બંધ કરી દીધું. એના થોડા જ સમય પછી, એ યુવાન માણસની પત્નીએ એલેક્સઝાંડ્રિયાને ફોન કરીને હૉસ્પિટલમાં આવવાનું કહ્યું કેમ કે તેના પતિની હાલત ખૂબ જ નાજુક હતી. પરંતુ, દુઃખની વાત છે કે એલેક્સઝાંડ્રિયા મોડી પડી. એ માણસના મરણ પછી, તેની પત્ની ત્યાંથી ફ્રાન્સના નૈઋત્યમાં આવેલા બોર્ડોમાં રહેવા ગઈ કે જ્યાંના સ્થાનિક યહોવાહના સાક્ષીઓએ તેની મુલાકાત લીધી. એક વર્ષ પછી, એલેક્સઝાંડ્રિયાને એ સાંભળીને કેટલો આનંદ થયો હશે કે તે વિધવા, ખ્રિસ્તી સાક્ષી બની હતી અને પોતાના પતિને પુનરુત્થાન પછી ફરી જોવાની આશા રાખે છે!—યોહાન ૫:૨૮, ૨૯.
પૅરિસથી ફ્રાન્સના મધ્યમાં આવેલા લીમોઝ સુધી ટ્રેનમાં મુસાફરી કરતી રેનેતા સાથે એક વયોવૃદ્ધ ખ્રિસ્તી બહેને વાતચીત કરી. રેનેતાએ પોતાના વતન પોલૅન્ડની ધર્મશાળામાં હેબ્રી અને ગ્રીક શાસ્ત્રનો પાંચ વર્ષ અભ્યાસ કર્યો હતો. પરંતુ, તે હવે પરમેશ્વરમાં માનતી ન હતી. ત્રણ મહિના પહેલાં તેણે પરમેશ્વરને પ્રાર્થના કરી હતી. રેનેતાને વાસ્તવમાં આ વૃદ્ધ બહેન જે કહી રહ્યાં હતા એમાં રસ ન હતો. તે તેમની સાથે ફરી વાત કરવાનું પણ ઇચ્છતી ન હતી તોપણ, તેણે તેમને પોતાનો ફોન નંબર આપ્યો. તેમ છતાં, તે બહેન રેનેતા સાથે સંપર્કમાં રહ્યા અને જલદી જ તેની મુલાકાત લેવામાં આવે એવી ગોઠવણ કરી. એક યુગલે રેનેતાની મુલાકાત લીધી ત્યારે તેણે વિચાર્યું, ‘તેઓ મને શું શીખવવાના છે?’ રેનેતા ધર્મશાળામાં ભણી હતી છતાં, તે નમ્રપણે બાઇબલ સત્ય તરફ આકર્ષાઈ. તે કહે છે, “હું સમજી શકી કે સત્ય આ જ છે.” હવે તે પોતે બીજાઓને બાઇબલ સંદેશ જણાવવામાં આનંદ માણે છે.
મિશેલ વાહન ચલાવવાનું શીખી રહી હતી. તેના થિયરીના વર્ગમાં બીજા વિદ્યાર્થીઓએ લગ્ન પહેલાં જાતીય આનંદ માણવાના વિષય પર વાત કરવાનું શરૂ કર્યું. મિશેલે તેઓને સ્પષ્ટ જણાવી દીધું કે તે એવી બાબતોની વિરુદ્ધમાં છે. એક અઠવાડિયા પછી, ડ્રાઈવિંગ શીખવતી શિક્ષિકા સિલ્વીયાએ તેને પૂછ્યું: “શું તું યહોવાહની સાક્ષી છે?” સિલ્વીયા, મિશેલના બાઇબલ આધારિત દૃષ્ટિબિંદુથી ઘણી પ્રભાવિત થઈ. પછી બાઇબલ અભ્યાસ શરૂ થયો અને એક વર્ષ બાદ સિલ્વીયાએ બાપ્તિસ્મા લીધું.
પૅરિસના અસંખ્ય સુંદર બાગ-બગીચાઓ પણ લોકો સાથે વાત કરવાનો આનંદી મોકો પૂરો પાડે છે. આરામના સમયનો લાભ લઈને ઝોઝેટ એક બગીચામાં ગઈ કે જ્યાં એક વયોવૃદ્ધ સ્ત્રી આલીન ફરવા માટે આવી હતી. ઝોઝેટે તેમને બાઇબલમાંથી પરમેશ્વરે આપેલાં વચનો વિષે વાત કરી. પછી આલીન સાથે બાઇબલ અભ્યાસની ગોઠવણ કરવામાં
આવી અને ઝડપથી તેમણે પ્રગતિ કરીને બાપ્તિસ્મા લીધું. હવે ૭૪ વર્ષની વયે, આલીન કુશળ પાયોનિયર છે અને તે બીજાઓને યહોવાહ પરમેશ્વર વિષે સત્ય જણાવવાનો આનંદ માણે છે.સર્વ દેશના લોકો માટે પ્રકાશ
પૅરિસના યહોવાહના લોકોએ સાંસ્કૃતિક વિવિધતાનો આનંદ માણવા માટે અલગ અલગ દેશોમાં મુસાફરી કરવી પડતી નથી. કેમ કે ત્યાં લગભગ ૨૦ ટકા વસ્તી પરદેશીઓની છે. ત્યાં વિવિધ ભાષાના કંઈક ૨૫ ખ્રિસ્તી મંડળો અને વૃંદો છે.
સુવાર્તિકના આ ખાસ કાર્યમાં સારું પરિણામ મેળવવા શીખવવાની આવડત હોવી ખૂબ જરૂરી છે. ફિલિપાઇન્સના એક યહોવાહના સાક્ષીએ પોતાનો ખાસ પ્રચાર વિસ્તાર ઊભો કર્યો. તે ખરીદી કરવા જતી ત્યારે, દુકાનમાં બીજા ફિલિપાઇન્સના લોકો સાથે વાતચીત શરૂ કરતી. એમ કરવાથી તે ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકી.
પ્રચાર કાર્યમાં પહેલ કરવાથી સારાં પરિણામ મળે છે. ડિસેમ્બર ૧૯૯૬માં, એક જગપ્રસિદ્ધ સરકસ શહેરમાં આવી રહ્યું છે એ જાણીને, વિદેશી ભાષાના મંડળના સાક્ષીઓએ સરકસના કલાકારોને મળવાનું નક્કી કર્યું. એક સાંજે, કાર્યક્રમ પૂરો થયા પછી પોતાની હોટલમાં પાછા ફરી રહેલા કલાકારો સાથે તેઓએ વાત કરી. તેઓએ પહેલ કરી હોવાના કારણે ૨૮ બાઇબલ, ૫૯ પુસ્તકો, ૧૩૧ મોટી પુસ્તિકાઓ અને ૨૯૦ સામયિકો આપી શક્યા. ત્રણ અઠવાડિયાં એ શહેરમાં રહ્યા પછી, એક કલાકારે પૂછ્યું: “હું કઈ રીતે યહોવાહનો સાક્ષી બની શકું?” બીજાએ કહ્યું: “હું મારા દેશમાં જઈને પ્રચાર કરીશ!”
સંતાયેલો ખજાનો મળ્યો
પૅરિસમાં જ્યાં પણ નજર નાખીએ ત્યાં, મુલાકાતીઓ પ્રાચીન સમયની સ્થાપત્ય કળાની અજોડ ઈમારતો શોધી કાઢીને એનો આનંદ માણે છે. તેમ છતાં, સૌથી મૂલ્યવાન બાબત તો હજુ શોધવાની બાકી છે. અનીઝા પોતાના કાકા સાથે ફ્રાન્સમાં આવી કે જે ત્યાં એક રાજદૂત છે. તે ઘરે નિયમિત બાઇબલ વાંચે છે. એક દિવસ તે ઉતાવળે ક્યાંક જવાની તૈયારીમાં જ હતી ત્યારે, એક પાયોનિયરે તેને તમે શા માટે બાઇબલમાં ભરોસો મૂકી શકો પત્રિકા આપી. બીજા જ અઠવાડિયે તેની મુલાકાત લેવામાં આવી અને બાઇબલ અભ્યાસ શરૂ થયો. અનીઝાએ કુટુંબ તરફથી ઘણો વિરોધ સહન કરવો પડ્યો. પરંતુ, તેણે અભ્યાસ કરીને બાપ્તિસ્મા લીધું. બીજાઓને બાઇબલ સત્ય જણાવવા વિષે તેને કેવું લાગે છે? “હું શરમાળ હોવાથી પહેલાં તો પ્રચાર કાર્ય મને ખૂબ અઘરું લાગતું હતું. તોપણ, હું બાઇબલ વાંચું છું ત્યારે, મને ઉત્તેજન મળે છે. હું પ્રચાર ન કરું તો મને મનની શાંતિ મળતી નથી.” પૅરિસમાં મોટા ભાગના સાક્ષીઓના વલણથી જોવા મળે છે કે તેઓ ‘પ્રભુના કામમાં સદા મચ્યા રહે’ છે.—૧ કોરીંથી ૧૫:૫૮.
પૅરિસની સરહદે પણ બાઇબલ સત્ય “રત્નની” જેમ ચમકે છે. બ્રૂસ હાલમાં જ યહોવાહના સાક્ષી બનેલા તેના મિત્રના ઘરે કેટલીક કૅસેટ ઉછીની લેવા ગયો. મિત્ર બીજા પરિચિતો સાથે બાઇબલ ચર્ચા કરી રહ્યો હતો એ જોઈને, તેણે ધ્યાનથી વાતચીત સાંભળી. પછી તેણે પણ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો, પરંતુ તેને કેટલીક સમસ્યાઓ હતી. બ્રૂસ કહે છે: “હું મારા વિસ્તારમાં બદનામ હતો. મારો મોટો ભાઈ હંમેશા ઝઘડતો હતો અને હું ઘોંઘાટવાળી નાચગાનની પાર્ટીઓનું આયોજન કરતો હતો. હું એક યહોવાહનો સાક્ષી બનવાનો છું એ હકીકત બીજાઓ કેવી રીતે સ્વીકારશે?” પછી બ્રૂસને ઘણી વાર પાર્ટીનું આયોજન કરવાની વિનંતી કરવામાં આવી, પરંતુ તેણે એ સદંતર બંધ કરી દીધું. એક મહિના પછી તેણે પ્રચાર કાર્ય શરૂ કર્યું: “મારા વિસ્તારના દરેક લોકો જાણવા ઇચ્છતા હતા કે હું શા માટે યહોવાહનો સાક્ષી બન્યો.” ત્યાર પછી જલદી જ તે બાપ્તિસ્મા પામ્યો. સમય જતાં, તેને સેવકાઈ તાલીમ શાળામાં જવાનો લહાવો મળ્યો.
ખજાનો શોધવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. તેમ છતાં, આપણી મહેનતનાં ફળ મળે છે ત્યારે ખરેખર આપણને આનંદ થાય છે! ઝાખી, બ્રૂનો અને દામીયેન પૅરિસમાં બેકરીની વસ્તુઓ બનાવતા હતા. ઝાખી કહે છે, “અમે ક્યારેય ઘરે રહેતા ન હતા. હંમેશા કામ કરતા હોવાને કારણે અમને મળવું શક્ય જ ન હતું.” એક નિયમિત પાયોનિયર, પેટ્રીકે જોયું કે મકાનના છેલ્લા માળે નાના નાના ઓરડાઓ હતા. તેમણે ધ્યાનથી જોયું તો એમાંના એકમાં કોઈ રહેતું હતું. તે ત્યાં રહેતી વ્યક્તિને મળવા વારંવાર પ્રયત્ન કરતા હતા. છેવટે એક બપોરે તે ત્યાં રહેતા ઝાખીને મળ્યા. એનું શું પરિણામ આવ્યું? ત્રણે મિત્રો સાક્ષી બન્યા અને તેઓ દેવશાહી પ્રવૃત્તિમાં પૂરેપૂરા સહભાગી થઈ શકે માટે બીજી જગ્યાએ કામ શોધ્યું.
તોફાન શાંત પાડવું
તાજેતરમાં જ, ફ્રાન્સના પ્રચાર માધ્યમોમાં યહોવાહના સાક્ષીઓને એક ખતરનાક ધાર્મિક પંથ તરીકે બતાવવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૯૬માં, યહોવાહના સાક્ષીઓ—તેઓ વિષે તમારે શું જાણવાની જરૂર છે શિર્ષકવાળી ખાસ માહિતી ધરાવતી પત્રિકાઓ વહેંચવા સાક્ષીઓ હૃદયપૂર્વક જોડાયા અને ૯૦ લાખ કરતાં પણ વધારે પ્રતોનું વિતરણ કર્યું. એના ઘણા સારાં પરિણામો આવ્યાં.
દરેક વ્યક્તિને મળવાના ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા સરકારી અધિકારીઓએ સાક્ષીઓ પ્રત્યે પોતાની કદર વ્યક્ત કરી. એક જિલ્લાના સલાહકારે લખ્યું: “યહોવાહના સાક્ષીઓએ આ પત્રિકાનું વિતરણ કરીને ઘણું સારું કામ કર્યું છે. એનાથી તેમના પર મૂકવામાં આવેલા આરોપો જૂઠા સાબિત થયા છે.” એક ડૉક્ટરે આમ કહ્યું: “હું આ માહિતી માટે લાંબા સમયથી રાહ જોતો હતો!” પૅરિસના એક વિસ્તારની વ્યક્તિએ લખ્યું: “મેં યહોવાહના સાક્ષીઓ—તેઓ વિષે તમારે શું જાણવાની જરૂર છે પત્રિકા અનાયાસે જ વાંચી. મારે એ વિષે વધારે જાણવું છે અને વિનામૂલ્ય બાઇબલ અભ્યાસનો લાભ લેવો છે.” બીજી એક સ્ત્રીએ લખ્યું: “તમારી પ્રામાણિકતા માટે આભાર.” એક કૅથલિક સ્ત્રીએ સાક્ષીઓને કહ્યું: “વાહ! તમે છેવટે જૂઠા આરોપોનો પ્રત્યુત્તર આપ્યો છે!”
વર્ષ ૧૯૯૭માં, કૅથલિક વર્લ્ડ યુથ ડેઝ દરમિયાન પ્રચારની ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી ત્યારે, પૅરિસના યુવાન સાક્ષીઓ માટે એ ખાસ આનંદનું કારણ હતું. તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હતું છતાં, લગભગ ૨,૫૦૦ સાક્ષીઓએ એમાં ભાગ લીધો. તેઓએ ફક્ત થોડા જ દિવસોમાં પૃથ્વીના વિવિધ ભાગોમાંથી આવેલા યુવાનોને સર્વ લોકો માટેનું પુસ્તક મોટી પુસ્તિકાની ૧૮,૦૦૦ પ્રતો વહેંચી. યહોવાહના નામની સારી સાક્ષી આપવા અને સત્યના બી વાવવા ઉપરાંત, આ ઝુંબેશે યુવાન સાક્ષીઓને પણ ઉત્તેજન આપ્યું. એક યુવાન બહેને પોતાનું વેકેશન ઓછું કર્યું જેથી તે આ ખાસ ઝુંબેશમાં પૂરેપૂરો ભાગ લઈ શકે. તેણે લખ્યું: “યહોવાહ પાસે પૃથ્વી પર સુખી લોકો છે કે જેઓ તેમના નામની સ્તુતિ કરવા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. એ બે દિવસો, ભરપૂર આશીર્વાદ આપનારા અને વેકેશનનો સમય આપવાને યોગ્ય હતા! (ગીતશાસ્ત્ર ૮૪:૧૦)”
હિટલરે જર્મનીમાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પ્રતિબંધ મૂકતો હુકમ આપ્યો એની ફેબ્રુઆરી ૨૮, ૧૯૯૮માં ૬૫મી સંવત્સરી હતી. ફ્રાન્સના સાક્ષીઓએ એ દિવસે, યહોવાહના લોકોએ સહન કરેલી સતાવણીની વિગતવાર માહિતી આપતી, નાઝી હુમલા સામે યહોવાહના સાક્ષીઓ દૃઢ રહ્યા (અંગ્રેજી) વીડિયો કૅસેટ જાહેરમાં બતાવવા હૉલ ભાડે રાખ્યા. લગભગ ૭૦ લાખ કરતાં વધારે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. એ કૅસેટમાં ઇતિહાસકારોએ અને જુલમી છાવણીમાં રહી ચૂકેલા લોકોએ હૃદયસ્પર્શી પુરાવાઓ આપ્યા છે. પૅરિસના વિસ્તારોમાં, લગભગ ૫,૦૦૦ લોકો આવ્યા જેઓમાં સારા એવા પ્રમાણમાં બિન-સાક્ષીઓ પણ હતા.
પૅરિસના ઘણા લોકો આત્મિક પ્રકાશની કદર કરે છે. તેઓ એ જોઈને પણ આનંદિત થાય છે કે રાજ્ય પ્રચારકો જ્યોતિઓની જેમ વધારે ચમકી રહ્યાં છે. ઈસુએ કહ્યું તેમ, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.” (માત્થી ૯:૩૭) સાક્ષીઓ એ શહેરમાં મુશ્કેલીઓનો સામનો કરીને પણ પ્રચાર કરતા રહ્યા છે અને યહોવાહની સ્તુતિ કરીને એક ખાસ અર્થમાં પૅરિસને પ્રકાશિત કર્યું છે.
[પાન ૯ પર ચિત્ર]
સીટી હૉલ
[પાન ૯ પર ચિત્ર]
લુવ્ર મ્યુઝિયમ
[પાન ૯ પર ચિત્ર]
ઓપેરા ગાર્નિઅર
[પાન ૧૦ પર ચિત્રો]
જ્યાં પણ મળે ત્યાં વ્યસ્ત લોકો સાથે બાઇબલ સંદેશના સહભાગી થવું