સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોટા ભાગના યુવાનોને એ પુસ્તકમાં રસ નથી

મોટા ભાગના યુવાનોને એ પુસ્તકમાં રસ નથી

મોટા ભાગના યુવાનોને એ પુસ્તકમાં રસ નથી

“મને કઈ રીતે ખબર પડે કે બાઇબલ ખરેખર પરમેશ્વરનો શબ્દ છે? મને એ પુસ્તકમાં કંઈ જ રસ પડતો નથી,” બેસૉટ નામની યુવતી કહે છે.

બેસૉટ જર્મનીમાં રહે છે અને ત્યાંના મોટા ભાગના યુવાનોને પણ તેના જેવું જ લાગે છે; તેથી, તેઓ બાઇબલ વાંચનનું મહત્ત્વ સમજતા નથી. ત્યાં તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું કે અંદાજે ૧ ટકા યુવાનો વારંવાર, ૨ ટકા ઘણી વાર અને ૧૯ ટકા ભાગ્યે જ બાઇબલ વાંચે છે. જ્યારે કે ૮૦ ટકા યુવાનો તો બાઇબલને બિલકુલ વાંચતા જ નથી. બીજા દેશોમાં અને કદાચ તમારા પોતાના દેશમાં પણ આંકડાઓ સરખા જ હશે. એનાથી સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના યુવાનો બાઇબલમાં રસ ધરાવતા નથી.

તેથી, સ્વાભાવિક જ છે કે યુવાન પેઢી બાઇબલ વિષે બહુ જ ઓછું જાણતી હોય! લાઉઝીટ્‌સ રુન્ટશાઉ છાપાના અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં કરવામાં આવેલા સર્વેક્ષણે બતાવ્યું કે કેટલા લોકો દસ આજ્ઞાઓ જાણે છે અને કેટલા લોકો એ આજ્ઞાઓને માર્ગદર્શક તરીકે પોતાના જીવનમાં લાગુ પાડે છે. સાઠ વર્ષની ઉપરના લોકોની પેઢીમાં, ૬૭ ટકા લોકો ૧૦ આજ્ઞાઓ જાણતા હતા અને પોતાના જીવનમાં લાગુ પાડતા હતા; ત્રીસ વર્ષથી ઓછી ઉંમરવાળા લોકોમાંથી ફક્ત ૨૮ ટકા લોકો જ દસ આજ્ઞાઓ જાણતા હતા. ખરેખર, ઘણા યુવાનો પરમેશ્વરના શબ્દ, બાઇબલથી અજાણ્યા છે.

કેટલાક લોકો એને અલગ દૃષ્ટિએ જૂએ છે

બીજી બાજુ જોઈએ તો, જગતમાં એવા લાખો યુવાનો છે કે જેઓ બાઇબલને ખૂબ જ મૂલ્યવાન ગણે છે. દાખલા તરીકે, એલેક્ષાંડર નામનો ૧૯ વર્ષનો યુવાન, દરરોજ સવારે પોતાનું કામ શરૂ કરતા પહેલાં બાઇબલ વાંચે છે. તે કહે છે, “એના કરતાં દિવસની બીજી કોઈ સારી શરૂઆત હોય શકે એ હું વિચારી જ શકતો નથી.” સૉન્ડ્રાએ દરરોજ સાંજે બાઇબલમાંથી થોડો ભાગ વાંચવાની ટેવ પાડી છે. તે જણાવે છે, “એ મારા નિત્યક્રમનો એક ભાગ બની ગયું છે.” જુલિયા નામની ૧૩ વર્ષની બહેન, રાત્રે સૂતા પહેલાં બાઇબલનો એક અધ્યાય વાંચવાના પોતાના ધ્યેયને વળગી રહી છે. તે કહે છે, “મને એ વાંચવું ખૂબ ગમે છે અને હું એ રીતે જ ચાલુ રાખવા માંગું છું.”

આ બેમાંથી કઈ દૃષ્ટિ સાચી અને ડહાપણભરી છે? શું બાઇબલ ખરેખર વાંચવા યોગ્ય છે? શું એ યુવાન પેઢી માટે મૂલ્યવાન અને ઉપયોગી છે? તમને શું લાગે છે?