વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
અયૂબે કેટલા લાંબા સમય સુધી પીડા સહન કરી હતી?
કેટલાક લોકો વિચારે છે કે અયૂબની કસોટી ઘણાં વર્ષો સુધી ચાલી હતી. પરંતુ અયૂબનું પુસ્તક એવું કંઈ બતાવતું નથી કે તેમણે કેટલા સમય સુધી પીડા સહન કરી હતી.
અયૂબની કસોટીમાં સૌ પ્રથમ તેમણે, કુટુંબના સભ્યો અને સંપત્તિ ગુમાવી. આ બધું ટૂંકા સમયમાં જ બન્યું હોય એમ લાગે છે. આપણે વાંચીએ છીએ: “એક દિવસે તેના [અયૂબના] પુત્રો તથા તેની પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં, તે વખતે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) પછી અયૂબે જે બાબતો ગુમાવી હતી એની એક પછી એક ઘટનાઓ વિષે તેમને જણાવવામાં આવ્યું. તેમણે પોતાના બળદો, પોતાનાં ગધેડાં, પોતાનાં ઊંટો અને ઢોરઢાંકની સંભાળ રાખતા ચાકરો ગુમાવ્યા. દેખીતી રીતે જ, અયૂબને પોતાના દીકરા દીકરીઓના મરણ વિષે જલદી જ જાણવા મળ્યું હશે, જેઓ “તેમના વડા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં.” એવું લાગે છે કે આ બધી જ ઘટનાઓ એક જ દિવસમાં બની હતી.—અયૂબ ૧:૧૩-૧૯.
અયૂબની બીજી કસોટીઓ થઈ એને લાંબો સમય લાગ્યો જ હશે. શેતાને, યહોવાહ પાસે જઈને એવો દાવો કર્યો કે અયૂબને પોતાને અર્થાત્ તેના શરીરને પીડા આપવામાં આવે તો તે પોતાની પ્રામાણિકતા છોડી દેશે. ત્યાર પછી, શેતાને અયૂબને “પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગૂમડાંનું દુઃખદાયક દરદ ઉત્પન્ન કર્યું.” આ રોગ આખા શરીરમાં ફેલાતા થોડો ઘણો સમય લાગ્યો હશે. અને દેખીતી રીતે જ તેમની આ “સર્વ વિપત્તિ” વિષેની જાણકારી તેમના કહેવાતા દિલાસો આપનારા મિત્રો સુધી પહોંચતા પણ સમય લાગ્યો હશે.—અયૂબ ૨:૩-૧૧.
અલીફાઝ, અદોમ દેશના તેમાનનો રહેવાસી હતો અને સોફાર, ઉત્તરપશ્ચિમી અરબસ્તાન વિસ્તારમાંથી આવતો હતો. તેથી, તેઓ અયૂબના ઘર ઉરથી બહુ દૂર રહેતા ન હતા, કેમ કે ઉર લગભગ ઉત્તર અરબસ્તાનમાં આવેલું હતું. તેમ છતાં, બિલ્દાદ શૂહી હતો અને દેખીતું છે કે તેના લોકો ફ્રાત નદીને પેલે પાર રહેતા હતા. જો બિલ્દાદ એ સમયે તેના ઘરે હોત તો, અયૂબની પરિસ્થિતિ વિષે જાણતા અને ઉર દેશમાં પહોંચતા તેને અઠવાડિયાંઓ કે મહિનાઓ લાગી ગયા હોત. જોકે, એ શક્ય છે કે અયૂબ પર આફત આવી પડી ત્યારે એ ત્રણેય વ્યક્તિઓ અયૂબની આસપાસ જ રહેતી હતી. બાબત ગમે તે હોય, અયૂબના ત્રણ મિત્રો આવ્યા ત્યારે, તેઓ કંઈ પણ બોલ્યા વગર, “સાત દિવસ તથા સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા.”—અયૂબ ૨:૧૨, ૧૩.
ત્યાર પછી અયૂબની છેલ્લી કસોટી આવે છે કે જેની માહિતીથી પુસ્તકના ઘણાં પ્રકરણો ભરાય જાય છે. એમાં તેમના કહેવાતા દિલાસો આપનારાઓ સતત વાદવિવાદ કરે છે અથવા ભાષણ આપે છે અને ઘણી વાર અયૂબ એનો પ્રત્યુત્તર આપે છે. એના અંતે, યુવાન અલીહૂએ ઠપકો આપ્યો અને યહોવાહે સ્વર્ગમાંથી અયૂબની વિચારસરણીમાં ફેરફાર કર્યો.—અયૂબ ૩૨:૧-૬; ૩૮:૧; ૪૦:૧-૬; ૪૨:૧.
તેથી, અયૂબની કસોટી અને તેમની પરિસ્થિતિ સારી થયાને થોડા મહિનાઓ કે એક વર્ષ કરતાં થોડો ઓછો સમય લાગ્યો હોય શકે. તમે પોતાના અનુભવ પરથી જાણતા હશો કે મુશ્કેલ કસોટીઓનો સમયગાળો કેટલો લાંબો લાગે છે. તોપણ, આપણે યાદ રાખવું જોઈએ કે અયૂબની કસોટીની જેમ એનો પણ અંત આવશે. એ ઉપરાંત, આપણે સતત મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે યાદ રાખવું જોઈએ કે પરમેશ્વર આપણને જરૂર મદદ કરશે. કેમ કે તેમનો પ્રેરિત શબ્દ, બાઇબલ કહે છે: “કેમકે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારૂ અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે.” (૨ કોરીંથી ૪:૧૭) પ્રેષિત પીતરે લખ્યું: “સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારૂ બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.”—૧ પીતર ૫:૧૦.