સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારું કરતા થાકો નહિ

સારું કરતા થાકો નહિ

સારું કરતા થાકો નહિ

“સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.”—ગલાતી ૬:૯.

૧, ૨. (ક) પરમેશ્વરની સેવા કરવા ધીરજ શા માટે મહત્ત્વની છે? (ખ) ઈબ્રાહીમે કઈ રીતે ધીરજ બતાવી અને કઈ રીતે તેમને સહન કરવામાં મદદ મળી?

 યહોવાહના સાક્ષીઓ તરીકે, આપણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવામાં આનંદ માણીએ છીએ. આપણે શિષ્ય બનાવવાની “ઝૂંસરી” ઉપાડવામાં પણ તાજગી અનુભવીએ છીએ. (માત્થી ૧૧:૨૯) જોકે, ઈસુ સાથે યહોવાહની સેવા કરવી એ કંઈ સહેલું નથી. પ્રેષિત પાઊલે પોતાના ખ્રિસ્તી ભાઈઓને અરજ કરતા કહ્યું: “દેવની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.” (હેબ્રી ૧૦:૩૬) ધીરજ રાખવી જરૂરી છે કારણ કે પરમેશ્વરની સેવા કરવી સહેલું નથી.

ઈબ્રાહીમનું જીવન ખરેખર એનો પુરાવો આપે છે. ઘણી વખત તેમણે મુશ્કેલ પરિસ્થિતિ અને કપરા સંજોગોનો સામનો કર્યો હતો. ઉર દેશમાંનું એશઆરામી જીવન છોડવાની આજ્ઞા તો માત્ર એક શરૂઆત હતી. થોડા જ સમયમાં તેમણે દુકાળ, પડોશીઓનો વિરોધ, કેટલાક સગાઓની દુશ્મનાવટ અને યુદ્ધનો સામનો કરવો પડ્યો. હજુ મોટી મુશ્કેલીઓ તો આવવાની બાકી જ હતી. પરંતુ, સારું કરવામાં ઈબ્રાહીમે કદી પણ પડતું મૂક્યું નહિ. આપણે તેમનો વિચાર કરીએ છીએ ત્યારે, એ આપણને આશ્ચર્ય પમાડે છે કેમ કે તેમની પાસે આપણી જેમ આખું બાઇબલ પણ ન હતું. તેમ છતાં, પરમેશ્વરે આપેલી પ્રથમ ભવિષ્યવાણી વિષે તે જાણતા હતા: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ.” (ઉત્પત્તિ ૩:૧૫) ઈબ્રાહીમ જાણતા હતા કે તેમના વંશમાં સંતાન આવવાનું છે આથી, સ્વાભાવિક રીતે જ તેમણે શેતાનના દબાણો પર વધારે ધ્યાન આપ્યું. આ હકીકતો જાણવાથી ઈબ્રાહીમને સાચે જ આનંદથી મુશ્કેલીઓ સહન કરવા મદદ મળી હશે.

૩. (ક) શા માટે યહોવાહના લોકોએ આજે સતાવણીની અપેક્ષા રાખવી જોઈએ? (ખ) ગલાતી ૬:૯ આપણને કયું ઉત્તેજન આપે છે?

યહોવાહના લોકોએ પણ આજે સતાવણીની અપેક્ષા રાખવી જોઈએ. (૧ પીતર ૧:૬, ૭) પ્રકટીકરણ ૧૨:૧૭ ચેતવણી આપે છે કે શેતાન અભિષિક્ત શેષભાગ વિરુદ્ધ ‘લડવા ચાલી નીકળ્યો’ છે. “બીજાં ઘેટાં” અભિષિક્તો સાથે ગાઢ સંબંધ રાખે છે એ કારણે, તેઓ પણ શેતાનના ક્રોધનું નિશાન બન્યા છે. (યોહાન ૧૦:૧૬) ખ્રિસ્તીઓને સેવાકાર્યમાં સતાવણી થઈ શકે છે. એ ઉપરાંત, તેઓને પોતાના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. પાઊલ આપણને સલાહ આપે છે: “સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” (ગલાતી ૬:૯) હા, શેતાન આપણા વિશ્વાસનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે છતાં, આપણે વિશ્વાસમાં દૃઢ રહીને તેની વિરૂદ્ધ મક્કમ રહેવું જોઈએ. (૧ પીતર ૫:૮, ૯) સહન કરવાથી શું પરિણમી શકે? યાકૂબ ૧:૨, ૩ સમજાવે છે: “મારા ભાઈઓ, જ્યારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો; કેમકે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્‍ન થાય છે.”

સીધો હુમલો

૪. શેતાન પરમેશ્વરના લોકોની પ્રામાણિકતા તોડવા માટે કેવા હુમલા કરે છે?

ઈબ્રાહીમની જેમ આજે ખ્રિસ્તીઓને પણ ‘તરેહ તરેહનાં પરીક્ષણોનો’ સામનો કરવો પડી શકે. દાખલા તરીકે, શિનઆરના રાજાએ કરેલા હુમલા સામે ઈબ્રાહીમે લડવું પડ્યું હતું. (ઉત્પત્તિ ૧૪:૧૧-૧૬) શેતાન આજે પણ સીધેસીધા હુમલાનો ઉપયોગ કરીને સતાવણી લાવવાનું ચાલુ રાખે છે. બીજા વિશ્વયુદ્ધના અંત પછીથી, યહોવાહના સાક્ષીઓના કાર્ય પર અનેક દેશોમાં સરકારે પ્રતિબંધ મૂક્યો છે. યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક ૨૦૦૧ (અંગ્રેજી) પ્રમાણે અંગોલાના યહોવાહના સાક્ષીઓએ દુશ્મનોના હિંસક હુમલાનો સામનો કરવો પડ્યો છે. યહોવાહ પર આધાર રાખીને, આપણા ભાઈઓ આવા દેશોમાં પણ દૃઢ રહ્યા છે! તેઓએ ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે, પ્રચાર કાર્યમાં લાગુ રહીને દુશ્મનોની હિંસા સહન કરી છે.—માત્થી ૨૪:૧૪.

૫. ખ્રિસ્તી યુવાનો શાળામાં કઈ રીતે સતાવણીનો ભોગ બની શકે?

તેમ છતાં, સતાવણી ફક્ત હિંસાથી જ કરવામાં આવતી નથી. પરમેશ્વરે ઈબ્રાહીમને છેવટે ઈસ્હાક અને ઈશ્માએલ, એમ બે દીકરાથી આશીર્વાદ આપ્યો. ઉત્પત્તિ ૨૧:૮-૧૨માં આપણને જોવા મળે છે કે એક પ્રસંગે ઈશ્માએલ ઈસ્હાકની “ચેષ્ટા કરતો” હતો. પાઊલે ગલાતી મંડળને પત્રમાં જણાવ્યું કે ઈશ્માએલ, ઈસ્હાક સાથે ફક્ત મસ્તી કરતો ન હતો પરંતુ તે તેને સતાવતો હતો! (ગલાતી ૪:૨૯) શાળામાં થતી મશ્કરી અને વિરોધીઓ તરફથી સાંભળવા પડતા કડવા શબ્દોને પણ સતાવણી કહી શકાય. રાયન નામનો એક ખ્રિસ્તી તેના વર્ગના વિદ્યાર્થીઓએ કરેલી સતાવણી યાદ કરતા કહે છે: “બસમાં શાળાએ જતા-આવતા મને સતાવવામાં આવતો હતો ત્યારે, એ ૧૫ મિનિટની મુસાફરી કલાકો જેવી લાગતી હતી. તેઓ કાગળ પર લગાવવાની પિનને લાઈટરથી ગરમ કરીને મને દઝાડતા હતા.” આ પ્રકારની કઠોર સતાવણીનું કારણ શું હતું? “યહોવાહના સંગઠન દ્વારા મેળવેલી તાલીમને લીધે હું બીજા યુવાનો કરતા અલગ પડતો હતો.” તોપણ, રાયન પોતાના માબાપની મદદથી વિશ્વાસુપણે સહન કરી શક્યો. યુવાનો, શું તમારા સાથી વિદ્યાર્થીઓના મહેણાંથી તમે નિરાશ થઈ જાવ છો? હિંમત ન હારશો! વિશ્વાસુ રહીને સહન કરશો તો તમે ઈસુના શબ્દો અનુભવશો: “જ્યારે લોક તમારી નિંદા કરશે, ને પૂઠે લાગશે, ને મારે લીધે તમારી વિરૂદ્ધ તરેહ તરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે.”—માત્થી ૫:૧૧.

રોજિંદી ચિંતાઓ

૬. આજે કેવી બાબતો ખ્રિસ્તી ભાઈબહેનોનો સંબંધ બગાડી શકે?

આજે આપણે જે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ એમાં મોટે ભાગે રોજની ચિંતાઓ હોય છે. ઈબ્રાહીમે પણ તેમના અને તેમના ભત્રીજા લોટના ગોવાળિયાઓ વચ્ચે થતા ઝઘડાઓનો સામનો કરવો પડતો હતો. (ઉત્પત્તિ ૧૩:૫-૭) એવી જ રીતે આજે, અલગ અલગ સ્વભાવ અને થોડી ઘણી ઈર્ષાથી ખ્રિસ્તી ભાઈઓના સંબંધો બગડી શકે. અરે, એ મંડળની શાંતિમાં પણ ખલેલ પહોંચાડી શકે છે. “કેમકે જ્યાં અદેખાઈ તથા ચરસાચરસી છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે.” (યાકૂબ ૩:૧૬) ઈબ્રાહીમની જેમ આપણે પણ અભિમાનને આપણી શાંતિમાં ખલેલ ન પાડવા દઈએ અને પોતાનું નહિ પણ બીજાઓનું હિત જોઈએ એ કેટલું મહત્ત્વનું છે!—૧ કોરીંથી ૧૩:૫; યાકૂબ ૩:૧૭.

૭. (ક) કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો, તમારે શું કરવું જોઈએ? (ખ) બીજાઓ સાથે સારો સંબંધ જાળવવા વિષે આપણે ઈબ્રાહીમ પાસેથી શું શીખી શકીએ?

આપણા ખ્રિસ્તી ભાઈબહેનોએ આપણી સાથે અન્યાય કર્યો છે એવું લાગે ત્યારે, શાંતિ જાળવવી ઘણું અઘરું હોય છે. નીતિવચનો ૧૨:૧૮ કહે છે: “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.” ભલે અજાણતા કહ્યું હોય, પણ વિચાર્યા વગર બોલેલા શબ્દોથી ઊંડું દુઃખ પહોંચી શકે છે. એવું લાગે કે આપણા પર ખોટો આરોપ મૂકાયો છે અથવા આપણી કૂથલી કરવામાં આવી છે ત્યારે, આપણને વધારે દુઃખ થાય છે. (ગીતશાસ્ત્ર ૬:૬, ૭) પરંતુ, પોતાની લાગણી ઘવાઈ હોવાને કારણે, ખ્રિસ્તીઓએ પડતું ન મૂકવું જોઈએ! જો તમને એમ થયું હોય તો, બાબતો થાળે પાડવા પહેલ કરો અને તમને ખોટું લગાડનાર સાથે શાંતિથી વાત કરો. (માત્થી ૫:૨૩, ૨૪; એફેસી ૪:૨૬) તેને માફ કરવા તૈયાર રહો. (કોલોસી ૩:૧૩) આપણે કોઈ પણ વાતને મનમાં ભરી નહિ રાખીને, મનની શાંતિ જાળવીશું અને આપણા ભાઈ સાથેનો સંબંધ સુધારી શકીશું. ઈબ્રાહીમે પણ લોટ પ્રત્યે મનમાં ઝેર ભરી રાખ્યું ન હતું. શું ઈબ્રાહીમ, લોટ અને તેના કુટુંબનો બચાવ કરવા ઉતાવળે દોડી ગયા ન હતા?—ઉત્પત્તિ ૧૪:૧૨-૧૬.

પોતાના પગ પર કુહાડી મારવી

૮. (ક) કઈ રીતે એક ખ્રિસ્તી ‘પોતાને ઘણાં દુઃખોથી વીંધી શકે?’ (ખ) શા માટે ઈબ્રાહીમ ભૌતિક બાબતો પ્રત્યે સમતોલ રહી શક્યા?

એ સાચું છે કે અમુક મુશ્કેલીઓ તો આપણે પોતે જ ઊભી કરી હોય છે. દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી: “પૃથ્વી પર પોતાને સારૂ દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે.” (માત્થી ૬:૧૯) તોપણ, કેટલાક ભાઈઓએ યહોવાહના રાજ્યને બદલે, ભૌતિક બાબતોને પોતાના જીવનમાં પ્રથમ મૂકી હોવાથી તેઓએ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’ (૧ તીમોથી ૬:૯, ૧૦) યહોવાહને પ્રસન્‍ન કરવા ઈબ્રાહીમ એશઆરામનું જીવન પણ છોડવા તૈયાર હતા. “વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તેજ વચનના સહવારસો ઈસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો; કેમકે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો.” (હેબ્રી ૧૧:૯, ૧૦) ઈબ્રાહીમે ભાવિ ‘શહેર,’ અથવા પરમેશ્વરની સરકારમાં વિશ્વાસ રાખ્યો હોવાથી તે સંપત્તિના દાસ ન થયા. શું આપણે પણ એમ જ ન કરવું જોઈએ?

૯, ૧૦. (ક) પદવી મેળવવાની ઇચ્છા કઈ રીતે મુશ્કેલીઓ ઊભી કરી શકે? (ખ) આજે કઈ રીતે એક ભાઈ પોતાને ‘નાનો’ ગણી શકે?

તેની સાથે બીજી એક બાબતનો વિચાર કરો. બાઇબલ આપણને સખત ચેતવણી આપે છે કે, “જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.” (ગલાતી ૬:૩) વધુમાં, આપણને વિનંતી કરવામાં આવે છે કે “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી નહિ, પરંતુ દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.” (ફિલિપી ૨:૩) કેટલાક આ સલાહની અવગણના કરીને પોતાના જ પગ પર કુહાડી મારે છે. કેટલાક મંડળમાં “ઉમદા કામની” નહિ, પણ પદવી મેળવવાની ઇચ્છા રાખે છે. તેથી, તેઓને કોઈ લહાવા મળતા નથી ત્યારે, તેઓ નિરાશ થઈને કચકચ કરવા લાગે છે.—૧ તીમોથી ૩:૧.

૧૦ ઈબ્રાહીમે ‘પોતાને જેવા ગણવા જોઈએ, તે કરતાં વિશેષ ન ગણીને’ એક સારું ઉદાહરણ બેસાડ્યું. (રૂમી ૧૨:૩) તે મેલ્ખીસેદેકને મળ્યા ત્યારે, એવી રીતે વર્તાવ ન કર્યો કે પોતાના પર પરમેશ્વરની કૃપા છે એટલે પોતે તેમનાથી ચઢિયાતા છે. એને બદલે, તેમણે મેલ્ખીસેદેકને દસમો ભાગ આપીને યાજક તરીકે તેમને ચઢિયાતા ગણ્યા. (હેબ્રી ૭:૪-૭) એવી જ રીતે, આજે ખ્રિસ્તીઓએ પોતાને ‘નાના’ ગણીને ચઢિયાતા બનવાનું ટાળવું જોઈએ. (લુક ૯:૪૮) મંડળમાં આગેવાની લેનારાઓ તમને અમુક લહાવા ન આપતા હોય તો, પ્રમાણિક રીતે વિચાર કરો કે તમારા સ્વભાવમાં કે બીજી કોઈ બાબતોમાં તમારે કેવા ફેરફાર કરવાની જરૂર છે. તમારી પાસે જે લહાવો નથી એ માટે કડવાશ રાખવાને બદલે, બીજાઓને યહોવાહ વિષે શીખવવા તમારી પાસે જે લહાવો છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવો. હા, “દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.”—૧ પીતર ૫:૬.

જે જોયું નથી, એમાં વિશ્વાસ

૧૧, ૧૨. (ક) શા માટે મંડળમાં કેટલાક ઠંડા પડી ગયા હોય શકે? (ખ) ઈબ્રાહીમ કઈ રીતે યહોવાહનાં વચનો પ્રમાણે જીવ્યા અને આપણા માટે કયું સુંદર ઉદાહરણ બેસાડ્યું?

૧૧ આ દુષ્ટ જગતનો અંત જલદી આવતો નથી એ સહેવું મુશ્કેલ લાગી શકે. બીજો પીતર ૩:૧૨ અનુસાર, ખ્રિસ્તીઓ યહોવાહનો ‘એ દિવસ આવવાની આતુરતાથી અપેક્ષા રાખે’ છે. તેમ છતાં, ઘણાએ વર્ષો કે દાયકાઓથી એ ‘દિવસની’ રાહ જોઈ છે. તેથી અમુક નિરુત્સાહી થઈને ઠંડા પડી ગયા હોય શકે.

૧૨ ફરી એક વાર ઈબ્રાહીમનો વિચાર કરો. તેમના જીવનમાં પરમેશ્વરે આપેલાં બધાં વચનો પરિપૂર્ણ થવાની કોઈ જ શક્યતા ન હતી. તોપણ, તે એ વચનો પર પૂરો ભરોસો રાખીને જીવ્યા. હા, એ સાચું છે કે તે પોતાનો દીકરો ઈસ્હાક મોટો થયો ત્યાં સુધી જીવ્યા હતા. પરંતુ, “આકાશના તારા” તથા “સમુદ્રના કાંઠાની રેતી” જેટલા ઈબ્રાહીમના વંશજો થાય, એને તો સદીઓ લાગવાની હતી. (ઉત્પત્તિ ૨૨:૧૭) તેમ છતાં, ઈબ્રાહીમે નિરુત્સાહ થઈને, એ વિષે કડવાશ અનુભવી નહિ. પ્રેષિત પાઊલે ઈબ્રાહીમે અને બીજા વિશ્વાસુ જનો વિષે આમ કહ્યું: “એ સઘળાં વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતા વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.”—હેબ્રી ૧૧:૧૩.

૧૩. (ક) આજે ખ્રિસ્તીઓ કઈ રીતે “પ્રવાસી” જેવા છે? (ખ) શા માટે યહોવાહ આ જગતનો અંત લાવશે?

૧૩ પરમેશ્વરે આપેલાં વચનો પરિપૂર્ણ થવામાં “વેગળે” હતાં છતાં, ઈબ્રાહીમનો વિશ્વાસ ડગ્યો નહિ. તો પછી, એ વચનો જલદી જ પૂરાં થવાના છે એવા સમયે, આપણે એવો જ વિશ્વાસ રાખીએ એ કેટલું મહત્ત્વનું છે! ઈબ્રાહીમની જેમ, આપણે પણ આ શેતાનના જગતમાં સુખ-સગવડના જીવનથી સંતોષ માણવાને બદલે, પોતાને “પ્રવાસી” ગણવા જોઈએ. આપણે આ “સર્વનો અંત” નજીક છે એમ જ નહિ, પણ આવી જ પહોંચ્યો છે, એમ માનીને જીવવું જોઈએ. (૧ પીતર ૪:૭) આપણે ખૂબ બીમાર હોઈએ અથવા પૈસાની તંગી હોય શકે. પરંતુ, આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાહ ફક્ત આપણને બચાવવા માટે નહિ, પણ પોતાનું નામ પવિત્ર મનાવવા આ જગતનો અંત લાવશે. (હઝકીએલ ૩૬:૨૩; માત્થી ૬:૯, ૧૦) એ અંત આપણે ધારીએ છીએ ત્યારે નહિ, પરંતુ યહોવાહના નિયુક્ત સમયે જરૂર આવશે.

૧૪. પરમેશ્વરની ધીરજ કઈ રીતે ખ્રિસ્તીઓને લાભ કરે છે?

૧૪ એ પણ યાદ રાખો કે, “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) નોંધ લો કે પરમેશ્વર “તમારે વિષે ધીરજ રાખે છે,” એટલે કે ખ્રિસ્તી મંડળના લોકો માટે ધીરજ રાખે છે. મોટે ભાગે, આપણામાંના કેટલાકને ફેરફારો કરવા માટે વધારે સમયની જરૂર હોય શકે. જેથી, ‘તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહી શકીએ.’ (૨ પીતર ૩:૧૪) તો પછી, યહોવાહે આપણા પ્રત્યે જે ધીરજ રાખી છે એ માટે શું આપણે આભારી ન થવું જોઈએ?

મુશ્કેલી છતાં આનંદિત રહીએ

૧૫. ઈસુએ મુશ્કેલીઓ છતાં કઈ રીતે આનંદ જાળવી રાખ્યો અને તેમના પગલે ચાલવાથી આપણને કઈ રીતે લાભ થઈ શકે?

૧૫ ઈબ્રાહીમનું જીવન આજે આપણને ઘણું શીખવે છે. તેમણે ફક્ત વિશ્વાસ જ નહિ, પરંતુ ધીરજ, ચતુરાઈ, હિંમત અને નિઃસ્વાર્થ પ્રેમ પણ બતાવ્યો. તેમણે યહોવાહની ઉપાસનાને પોતાના જીવનમાં પ્રથમ રાખી. તેમ છતાં, આપણે શ્રેષ્ઠ ઉદાહરણ બેસાડનાર, ઈસુ ખ્રિસ્તને પણ યાદ રાખવા જોઈએ. તેમણે પણ ઘણી મુશ્કેલીઓ અને સતાવણીનો સામનો કર્યો હતો. તેમ છતાં, તેમણે પોતાનો આનંદ ગુમાવ્યો ન હતો. કેવી રીતે? કેમ કે તેમણે પોતાની આગળ મૂકેલા આનંદ તરફ લક્ષ રાખ્યું. (હેબ્રી ૧૨:૨, ૩) તેથી, પાઊલે પ્રાર્થના કરી: “એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માંહોમાંહે એક જ મનના થાઓ, એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો.” (રૂમી ૧૫:૬) શેતાન ભલે આપણા માર્ગમાં કાંટા બિછાવે તોપણ, યોગ્ય વલણ રાખીને આપણે પોતાનો આનંદ જાળવી શકીએ છીએ.

૧૬. આપણને મુશ્કેલીમાંથી કોઈ માર્ગ ન દેખાતો હોય તો, શું કરવું જોઈએ?

૧૬ તમને મુશ્કેલીમાંથી કોઈ માર્ગ ન મળે ત્યારે, યાદ રાખો કે યહોવાહ ઈબ્રાહીમની જેમ જ તમને પણ ચાહે છે. તે ઇચ્છે છે કે તમે પણ સફળ થાવ. (ફિલિપી ૧:૬) યહોવાહમાં પૂરો ભરોસો મૂકો અને વિશ્વાસ રાખો કે, “તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.” (૧ કોરીંથી ૧૦:૧૩) દરરોજ પરમેશ્વરનો શબ્દ, બાઇબલ વાંચવાની ટેવ પાડો. (ગીતશાસ્ત્ર ૧:૨) પ્રાર્થનામાં લાગુ રહો અને મુશ્કેલીઓ સહન કરવા માટે યહોવાહની મદદ માંગો. (ફિલિપી ૪:૬) તે ‘જેઓ માંગે છે તેમને પવિત્ર આત્મા આપશે.’ (લુક ૧૧:૧૩) યહોવાહે આત્મિક રીતે ટકી રહેવા આપણા બાઇબલ આધારિત પ્રકાશનો જેવી જે મદદ પૂરી પાડી છે, એનો લાભ લો. વળી, ભાઈબહેનોની મદદ માંગો. (૧ પીતર ૨:૧૭) નિયમિત ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપો, કેમ કે ત્યાંથી તમે ટકી રહેવા જરૂરી ઉત્તેજન મેળવશો. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) એવી ખાતરી રાખીને આનંદી બનો કે તમે ટકી રહેશો તો, પરમેશ્વરની કૃપા મેળવશો અને તમે વિશ્વાસુ સાબિત થઈને તેમના હૃદયને આનંદ પમાડો છો!—નીતિવચનો ૨૭:૧૧; રૂમી ૫:૩-૫.

૧૭. શા માટે ખ્રિસ્તીઓ નિરાશ થઈ જતા નથી?

૧૭ પરમેશ્વરને ઈબ્રાહીમ એટલા વહાલા હતા કે તેમણે તેમને “મિત્ર” કહ્યા. (યાકૂબ ૨:૨૩) તેમ છતાં, ઈબ્રાહીમનું જીવન મુશ્કેલીઓ અને સતાવણીથી ભરેલું હતું. આ દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં” ખ્રિસ્તીઓ પણ એવી જ અપેક્ષા રાખી શકે. હકીકતમાં, બાઇબલ ચેતવણી આપે છે કે “દુષ્ટ માણસ તથા ધુતારાઓ . . . વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧, ૧૩) તેથી નિરાશ થવાને બદલે, યાદ રાખીએ કે આ દબાણો જ પુરાવો આપે છે કે શેતાનના દુષ્ટ જગતનો અંત એકદમ નજીક છે. પરંતુ, ઈસુ યાદ દેવડાવે છે કે “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) તેથી, ‘સારૂં કરતાં થાકો નહિ!’ ઈબ્રાહીમનું અનુકરણ કરો અને “વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ” બનો.—હેબ્રી ૬:૧૨.

શું તમે નોંધ લીધી?

• શા માટે યહોવાહના લોકોએ સતાવણી અને મુશ્કેલીઓની અપેક્ષા રાખવી જોઈએ?

• કઈ રીતોએ શેતાન સીધો હુમલો કરી શકે?

• ખ્રિસ્તી ભાઈબહેનો વચ્ચેના ઝઘડાઓ કઈ રીતે હલ કરી શકાય?

• કઈ રીતે અભિમાન અને સ્વાર્થ મુશ્કેલીઓ લાવી શકે?

• પરમેશ્વરનાં વચનો પૂરા થવાની રાહ જોવામાં ઈબ્રાહીમે કઈ રીતે સારું ઉદાહરણ બેસાડ્યું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૬ પર ચિત્ર]

ઘણા ખ્રિસ્તી યુવાનોને, સાથી વિદ્યાર્થીઓ મહેણાં મારીને સતાવે છે

[પાન ૨૯ પર ચિત્ર]

ઈબ્રાહીમના સમયમાં પરમેશ્વરે આપેલાં વચનો પરિપૂર્ણ થવામાં “વેગળે” હતા છતાં, એમાંથી તેમનો વિશ્વાસ ડગ્યો નહિ