સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખ્રિસ્તની શાંતિ કઈ રીતે આપણાં હૃદયોમાં રાજ કરી શકે?

ખ્રિસ્તની શાંતિ કઈ રીતે આપણાં હૃદયોમાં રાજ કરી શકે?

ખ્રિસ્તની શાંતિ કઈ રીતે આપણાં હૃદયોમાં રાજ કરી શકે?

“ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારૂ તમે એક શરીર થવાને તેડાએલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે.”—કોલોસી ૩:૧૫.

૧, ૨. “ખ્રિસ્તની શાંતિ” કઈ રીતે આપણાં હૃદયોમાં રાજ કરે છે?

 ઘણા લોકોને કોઈ પોતાના પર રાજ કરે એ જરાય ગમતું નથી, કારણ કે એનાથી અત્યાચાર કે જુલમનાં દૃશ્યો મનમાં આવે છે. તેથી, પાઊલે કોલોસી મંડળના ખ્રિસ્તી ભાઈઓને વિનંતી કરી કે ‘ખ્રિસ્તની શાંતિને તમારાં હૃદયોમાં રાજ કરવા દો’ ત્યારે, કેટલાક લોકોને એ ગમ્યું નહિ હોય. (કોલોસી ૩:૧૫) શું આપણને સ્વતંત્ર ઇચ્છા નથી? તો પછી, શા માટે આપણે કોઈને આપણાં હૃદયો પર રાજ કરવા દેવા જોઈએ?

જોકે, પાઊલ અહીં કોલોસીના ખ્રિસ્તીઓને પોતાની સ્વતંત્ર ઇચ્છા છોડી દેવાનું જણાવતા ન હતા. કોલોસી ૩:૧૫માં ભાષાંતર થયેલો “રાજ” શબ્દ, અમ્પાયર ભાષાંતર થયેલા ગ્રીક શબ્દ સાથે સંબંધિત છે. એ દિવસોમાં અમ્પાયરો હરીફાઈમાં ભાગ લેનારાઓને ઇનામ આપતા હતા. ખરું કે હરીફાઈના ખેલાડીઓને રમતોના નિયમોમાં અમુક હદે સ્વતંત્રતા હતી. પરંતુ, છેવટે તો અમ્પાયર જ નક્કી કરતા કે કોણે નિયમો પાળ્યા છે અને કોણ હરીફાઈ જીત્યું છે. એવી જ રીતે, આપણને જીવનમાં ઘણા નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. પરંતુ, નિર્ણયો લેતી વખતે ખ્રિસ્તની શાંતિ હંમેશા “અમ્પાયર” હોવી જોઈએ. એક ભાષાંતરકાર એડગર જે. ગુડસ્પીડ કહે છે તેમ, આપણાં હૃદયોમાં એ ‘ખરું-ખોટું નક્કી કરનાર’ હોવી જોઈએ.

૩. “ખ્રિસ્તની શાંતિ” શું છે?

“ખ્રિસ્તની શાંતિ” શું છે? એ મન અને હૃદયની એવી શાંતિ છે, જે ખ્રિસ્તના શિષ્યો બનવાથી અને યહોવાહ તથા તેમનો દીકરો આપણને ચાહે છે અને સ્વીકારે છે એ શીખવાથી મળે છે. ઈસુ શિષ્યોને છોડીને સ્વર્ગમાં જવાના હતા ત્યારે, તેમણે તેઓને જણાવ્યું: “મારી શાંતિ હું તમને આપું છું; . . . તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.” (યોહાન ૧૪:૨૭) લગભગ ૨,૦૦૦ વર્ષથી ખ્રિસ્તના અભિષિક્ત સભ્યો એ શાંતિનો આનંદ માણે છે. તેમ જ, આજે તેઓના સંગાથીઓ “બીજાં ઘેટાં” પણ એનો આનંદ માણે છે. (યોહાન ૧૦:૧૬) એ શાંતિ આપણાં હૃદયોમાં રાજ કરતી હોવી જોઈએ. આપણે સખત સતાવણી સહેતા હોઈએ ત્યારે, બીકથી કે વધારે પડતી ચિંતાથી હિંમત ન હારવામાં એ મદદ કરે છે. ચાલો આપણે જોઈએ કે પૃથ્વી પર આપણને અન્યાય થયો હોય, આપણે ચિંતાઓમાં ડૂબેલા હોઈએ અને પોતે નકામા છીએ એમ લાગે ત્યારે એ આપણને કઈ રીતે મદદ કરે છે.

આપણને અન્યાય થાય ત્યારે

૪. (ક) ઈસુને કઈ રીતે અન્યાય થયો હતો? (ખ) ખ્રિસ્તીઓને અન્યાય થયો ત્યારે તેઓએ શું કર્યું?

રાજા સુલેમાને જોયું કે “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) ઈસુ એનો અર્થ સારી રીતે જાણતા હતા. તે સ્વર્ગમાં હતા ત્યારે પણ, તેમણે જોયું કે માનવીઓ એકબીજા પર ઘોર અન્યાય કરે છે. પછી તે પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમણે સૌથી વધારે અન્યાય સહન કર્યો. તે નિર્દોષ હતા તોપણ, તેમના પર પરમેશ્વરની નિંદા કરનાર તરીકેનું તહોમત મૂકીને, એક ગુનેગાર તરીકે તેમને મારી નાખવામાં આવ્યા. (માત્થી ૨૬:૬૩-૬૬; માર્ક ૧૫:૨૭) આજે પણ અન્યાય કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેથી, સાચા ખ્રિસ્તીઓ પણ ‘સર્વ પ્રજાઓથી દ્વેષ’ પામીને વધારે અન્યાય સહન કરી રહ્યા છે. (માત્થી ૨૪:૯) તેઓએ નાઝી અને સોવિયેટ ગુલાગની જુલમી છાવણીઓમાં ભયંકર જુલમો સહન કર્યાં છે, તેઓ પર હિંસક હુમલાઓ થયા અને જૂઠાં તહોમતો મૂકવામાં આવ્યાં છે. તોપણ, ખ્રિસ્તની શાંતિએ તેઓને ટકાવી રાખ્યા છે. તેઓએ ઈસુનું અનુકરણ કર્યું છે, જેમણે “નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો.”—૧ પીતર ૨:૨૩.

૫. મંડળમાં કોઈની સાથે અન્યાય થયો છે એમ લાગે ત્યારે, સૌ પ્રથમ શું કરવું જોઈએ?

એની સરખામણીમાં, સાવ નાની બાબતે આપણને લાગી શકે કે મંડળમાં કોઈને અન્યાય કરવામાં આવ્યો છે. એવા કિસ્સામાં આપણે પાઊલ જેવું અનુભવતા હોય શકીએ, જેમણે કહ્યું: “કોને ઠોકર ખવડાવવામાં આવે છે, અને મારૂં હૃદય બળતું નથી?” (૨ કોરીંથી ૧૧:૨૯) આપણે શું કરી શકીએ? આપણે પોતાને પૂછી શકીએ કે ‘શું એ ખરેખર અન્યાય છે?’ ઘણી વાર આપણને પૂરેપૂરી માહિતી હોતી નથી. પોતાને બધી જ ખબર છે એવો દાવો કરનાર વ્યક્તિને સાંભળ્યા પછી, આપણે વધારે ઉશ્કેરાઈ જતા હોય શકીએ. એટલે જ, બાઇબલ કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે.” (નીતિવચનો ૧૪:૧૫) તેથી, આપણે સાવચેત રહેવાની જરૂર છે.

૬. મંડળમાં આપણી સાથે અન્યાય થયો છે એવું લાગે ત્યારે આપણે શું કરીશું?

ધારો કે આપણને પોતાને જ અન્યાય થયો હોય એમ લાગે તો શું? ખ્રિસ્તની શાંતિ જેના હૃદયમાં હશે એ કેવી રીતે વર્તશે? આપણી સાથે જેણે અન્યાય કર્યો છે તેની સાથે આપણને વાત કરવી જરૂરી લાગી શકે. ત્યાર પછી, શું આપણી વાત સાંભળે એવી વ્યક્તિ સાથે એ વિષે વાતો કરીશું? ના, એને બદલે, યહોવાહને પ્રાર્થનામાં બધું જ જણાવીને, તે પોતે ન્યાય કરશે એવા ભરોસાથી બાબત તેમના હાથમાં છોડી દેવામાં જ શું શાણપણ નથી? (ગીતશાસ્ત્ર ૯:૧૦; નીતિવચનો ૩:૫) એમ કર્યા પછી, આપણા મનમાં શાંતિ વળશે અને આખી વાત આપણા હૃદયમાં જ રાખીને “છાના” રહેવામાં મદદ મળશે. (ગીતશાસ્ત્ર ૪:૪) મોટા ભાગના કિસ્સાઓમાં, આપણને પાઊલની સલાહ લાગુ પડશે: “એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.”—કોલોસી ૩:૧૩.

૭. મંડળના ભાઈબહેનો સાથેના આપણા વ્યવહારમાં આપણે શું યાદ રાખવું જોઈએ?

કોઈ પણ પગલું ભરતા પહેલાં, આપણે યાદ રાખવું જોઈએ કે જે બની ગયું, એ બની ગયું. પરંતુ, હવે જે કંઈ આપણે કરીએ, એ સમજી-વિચારીને કરીએ. આપણી સાથે અન્યાય થયો છે એવું લાગે ત્યારે, આપણે યોગ્ય વલણ નહિ રાખીએ તો, એનાથી આપણી શાંતિ છીનવાઈ જશે. (નીતિવચનો ૧૮:૧૪) આપણે હઠીલા બની જઈ શકીએ અને આપણને ગમતો ન્યાય ન મળે ત્યાં સુધી, મંડળની સંગત પણ છોડી દઈએ. ગીતશાસ્ત્રના લેખકે લખ્યું કે પરમેશ્વરના નિયમો પર પ્રેમ રાખનારાને “ઠોકર ખાવાનું કંઈ કારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫) હકીકત તો એ છે કે દરેક વ્યક્તિને કોઈક સમયે અન્યાય થયો હોય છે. તમને એમ થાય તો, યહોવાહની સેવામાં એને ક્યારેય દખલ કરવા ન દો. એને બદલે, ખ્રિસ્તની શાંતિને તમારા હૃદય પર રાજ કરવા દો.

ચિંતાઓમાં ડૂબી જઈએ ત્યારે

૮. ચિંતાના કયાં કારણો છે અને એનાથી કેવાં પરિણામો આવી શકે?

આ “છેલ્લા સમયમાં” ચિંતાઓ જીવનનો એક ભાગ બની ગઈ છે. (૨ તીમોથી ૩:૧) ખરું કે ઈસુએ કહ્યું: “તમારા જીવને સારૂ ચિંતા ન કરો, કે અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને સારૂ પણ ન કરો, કે અમે શું પહેરીશું.” (લુક ૧૨:૨૨) પરંતુ, બધી જ ચિંતાઓ કંઈ ભૌતિક બાબતો વિષે હોતી નથી. લોટ સદોમની ઘોર અનૈતિકતાને લીધે “ત્રાસ પામતો હતો.” (૨ પીતર ૨:૭) પાઊલને “બધી મંડળીઓ વિષેની ચિંતા” કોરી ખાતી હતી. (૨ કોરીંથી ૧૧:૨૮) ઈસુ પોતાના મરણની આગલી રાત્રે એટલી બધી ચિંતામાં હતા કે “તેનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.” (લુક ૨૨:૪૪) દેખીતી રીતે જ, બધી જ ચિંતાઓ વિશ્વાસની ખામી બતાવતી નથી. એનું કારણ ગમે તે હોય, છતાં વધુ પડતી અને લાંબા સમય સુધી ચિંતા રહે તો, એ આપણી શાંતિ છીનવી શકે છે. કેટલાક લોકો ચિંતાઓમાં એટલા ડૂબી ગયા હોય છે કે તેઓને એવું લાગે છે કે યહોવાહની સેવામાં તેઓ જવાબદારીઓ ઉપાડવા યોગ્ય નથી. બાઇબલ કહે છે: “મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે.” (નીતિવચનો ૧૨:૨૫) ચિંતાને લીધે આપણે કચડાઈ ગયા છીએ એવું લાગે તો, આપણે શું કરી શકીએ?

૯. ચિંતા ઓછી કરવા કેવાં પગલાં લઈ શકાય, પરંતુ કેવી ચિંતાઓ દૂર કરી શકાતી નથી?

કેટલીક પરિસ્થિતિમાં, આપણે અમુક વ્યવહારુ પગલાં લઈ શકીએ. બીમારીના કારણે આપણે ચિંતા કરતા હોઈએ તો, એને ધ્યાન આપીએ એ મહત્ત્વનું છે, પણ એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. * (માત્થી ૯:૧૨) આપણા પર ઘણી જવાબદારીઓ આવી પડી હોય તો, આપણે એમાંની કેટલીક બીજાઓને આપી શકીએ. (નિર્ગમન ૧૮:૧૩-૨૩) પરંતુ, માબાપ જેવી વ્યક્તિઓ વિષે શું, જેઓ પોતાની જવાબદારીઓ બીજાઓને સોંપી શકતા નથી? તેમ જ, કોઈના લગ્‍નસાથી વિરોધ કરે તો શું? કુટુંબમાં પૈસાની સખત તંગી હોય કે યુદ્ધના વિસ્તારમાં રહેતા હોય તેઓ વિષે શું? દેખીતી રીતે જ, આપણે આ જગતની બધી ચિંતાઓ દૂર કરી શકતા નથી. તોપણ, આપણે આપણા હૃદયમાં ખ્રિસ્તની શાંતિ જાળવી શકીએ છીએ. કઈ રીતે?

૧૦. આજે આપણે કઈ બે રીતોએ ચિંતામાંથી રાહત મેળવી શકીએ?

૧૦ એક રીત છે, પરમેશ્વરના શબ્દમાંથી દિલાસો મેળવવો. રાજા દાઊદે લખ્યું: “મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૧૯) યહોવાહનો ‘દિલાસો’ બાઇબલમાંથી મળી શકે છે. એ પ્રેરિત પુસ્તકને નિયમિત વાંચીશું તો, એ આપણાં હૃદયોમાં ખ્રિસ્તની શાંતિ જાળવી રાખવામાં મદદ કરશે. બાઇબલ કહે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) એવી જ રીતે પ્રેષિત પાઊલે લખ્યું: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) આજીજીપૂર્વક, નિયમિત પ્રાર્થના કરવાથી આપણને શાંતિ જાળવી રાખવા જરૂર મદદ મળશે.

૧૧. (ક) ઈસુએ પ્રાર્થના વિષે કઈ રીતે સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું? (ખ) આપણે પ્રાર્થનાને કેટલું મહત્ત્વ આપીએ છીએ?

૧૧ આ વિષે ઈસુએ સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે. અમુક પ્રસંગે, તેમણે પ્રાર્થનામાં પોતાના પિતા, યહોવાહ પરમેશ્વર સાથે કલાકો સુધી વાત કરી. (માત્થી ૧૪:૨૩; લુક ૬:૧૨) પ્રાર્થના દ્વારા તેમને સૌથી આકરી કસોટી સહેવામાં મદદ મળી. પોતાના મરણની આગલી રાતે, ઈસુ ખૂબ જ કષ્ટમાં હતા ત્યારે તેમણે શું કર્યું? તેમણે “વિશેષ આગ્રહથી” પ્રાર્થના કરી. (લુક ૨૨:૪૪) હા, પરમેશ્વરના સંપૂર્ણ દીકરા પણ હંમેશા પ્રાર્થના કરતા હતા. તો પછી, તેમના અપૂર્ણ શિષ્યો પ્રાર્થના કરવાની ટેવ પાડે એ કેટલું સારું છે! ઈસુએ તેમના શિષ્યોને શીખવ્યું કે “હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ થવું નહિ.” (લુક ૧૮:૧, પ્રેમસંદેશ) આપણા પોતાના કરતાં, આપણને સારી રીતે જાણનાર યહોવાહ પાસેથી પ્રાર્થના દ્વારા મદદ મેળવવી એ ખૂબ જ મહત્ત્વનું છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) જો આપણે આપણા હૃદયમાં ખ્રિસ્તની શાંતિ જાળવી રાખવા ચાહતા હોઈએ તો, આપણે “નિત્ય પ્રાર્થના” કરવી જ જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૧૭.

આપણી મર્યાદાઓ પર જીત મેળવવી

૧૨. કયાં કારણોથી કેટલાકને એવું લાગી શકે કે તેઓ પરમેશ્વરની સેવા કરવાને લાયક નથી?

૧૨ યહોવાહની નજરમાં તેમના બધા જ સેવકો મૂલ્યવાન છે. (હાગ્ગાય ૨:૭) તોપણ, ઘણાને એ સ્વીકારવું અઘરું લાગે છે. ઘણા લોકો વૃદ્ધાવસ્થા, કુટુંબની જવાબદારી અથવા બગડતી જતી તંદુરસ્તીને લીધે નિરાશ થઈ જાય છે. બીજાઓને અગાઉના અનુભવોને કારણે, પોતે નકામા છે એવું લાગી શકે. કેટલાકને અગાઉની ભૂલો હેરાન કરતી હોય શકે અને એવું લાગી શકે કે યહોવાહ પોતાને ક્યારેય માફ નહિ કરે. (ગીતશાસ્ત્ર ૫૧:૩) આવી લાગણીઓ વિષે શું કરી શકાય?

૧૩. પોતાને નકામા માને છે તેઓને બાઇબલ કયો દિલાસો આપે છે?

૧૩ ખ્રિસ્તની શાંતિ આપણને યહોવાહના પ્રેમની ખાતરી આપે છે. ઈસુએ ક્યારેય એવું કહ્યું ન હતું કે આપણી બીજાઓ સાથે સરખામણી થશે અને પછી નક્કી થશે કે આપણે કામના છીએ કે નકામા છીએ. આ હકીકત પર મનન કરવાથી આપણને મનની શાંતિ મળશે. (માત્થી ૨૫:૧૪, ૧૫; માર્ક ૧૨:૪૧-૪૪) ઈસુએ તો વફાદારી પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “અંત સુધી જે કોઈ ટકશે તેજ તારણ પામશે.” (માત્થી ૨૪:૧૩) ઈસુને લોકોએ ‘ધિક્કાર્યા’ હતા, તોપણ તેમને ખાતરી હતી કે તેમના પિતા, યહોવાહ તેમને ખૂબ ચાહે છે. (યશાયાહ ૫૩:૩; યોહાન ૧૦:૧૭) તેમણે પોતાના શિષ્યોને પણ કહ્યું કે યહોવાહ તેઓને ખૂબ જ ચાહે છે. (યોહાન ૧૪:૨૧) એ સમજાવવા ઈસુએ કહ્યું: “પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (માત્થી ૧૦:૨૯-૩૧) યહોવાહના પ્રેમની તેમણે કેવી ખાતરી આપી!

૧૪. યહોવાહ આપણ સર્વને મૂલ્યવાન ગણે છે એની શું ખાતરી છે?

૧૪ ઈસુએ એ પણ કહ્યું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) યહોવાહ પરમેશ્વરે આપણને ઈસુ પાસે ખેંચ્યા હોવાથી, તે જરૂર ચાહતા હશે કે આપણે બચી જઈએ. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “આ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી.” (માત્થી ૧૮:૧૪) એ કારણે, તમે પૂરા હૃદયથી યહોવાહની સેવા કરતા હોવ તો, તમે તમારાં સારાં કાર્યોમાં આનંદ કરી શકો. (ગલાતી ૬:૪) અગાઉ કરેલી ભૂલો તમને કોરી ખાતી હોય તો, ખાતરી રાખો કે સાચો પસ્તાવો કરનારને યહોવાહ સંપૂર્ણ “ક્ષમા કરશે.” (યશાયાહ ૪૩:૨૫; ૫૫:૭) તેમ જ, બીજા કોઈ કારણોસર તમે નિરાશ થતા હોવ તો, યાદ રાખો કે “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

૧૫. (ક) શેતાન કઈ રીતે આપણી શાંતિ છીનવી લેવાનો પ્રયત્ન કરે છે? (ખ) યહોવાહમાં આપણે કેવો ભરોસો રાખી શકીએ?

૧૫ તમારી શાંતિ છીનવી લેવામાં શેતાનને ઘણો જ આનંદ થાય છે. આપણ સર્વને તેના કારણે જ વારસામાં પાપ મળ્યું, જેને કારણે આપણે સતત સંઘર્ષ કરીએ છીએ. (રૂમી ૭:૨૧-૨૪) તે આપણા મનમાં એવું ઠસાવવા ઇચ્છે છે કે અપૂર્ણતાને કારણે આપણી ઉપાસના યહોવાહને સ્વીકાર્ય નથી. પરંતુ, શેતાનને કદી પણ જીતવા દેશો નહિ! તેના કપટથી ચેતીને ચાલો અને એમ તમને ટકી રહેવામાં મદદ મળશે. (૨ કોરીંથી ૨:૧૧; એફેસી ૬:૧૧-૧૩) યાદ રાખો, “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે, અને તે સઘળું જાણે છે.” (૧ યોહાન ૩:૨૦) યહોવાહ ફક્ત આપણી ભૂલો જ નથી જોતા. તે આપણા ધ્યેયો અને ઇરાદાઓ પણ જોઈ શકે છે. તેથી, ગીતશાસ્ત્રના શબ્દોમાંથી દિલાસો મેળવો: “યહોવાહ પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.”—ગીતશાસ્ત્ર ૯૪:૧૪.

ખ્રિસ્તની શાંતિમાં એક બનીએ

૧૬. કઈ રીતે આપણે ટકી રહેવામાં એકલા નથી?

૧૬ પાઊલે લખ્યું કે ખ્રિસ્તની શાંતિને આપણાં હૃદયોમાં રાજ કરવા દઈએ, કેમ કે આપણે “એક શરીર થવાને તેડાએલા” છીએ. પાઊલે જે અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યું, તેઓને અને આજે બાકી રહેલા અભિષિક્તોને ખ્રિસ્તના શરીરના એક ભાગ થવા માટે બોલાવવામાં આવ્યા છે. તેઓના સંગાથીઓ, “બીજાં ઘેટાં” તેમની સાથે એકતામાં છે અને તેઓ “એક ઘેટાંપાળક” ઈસુ ખ્રિસ્ત હેઠળ ‘એક ટોળામાં’ છે. (યોહાન ૧૦:૧૬) આખી પૃથ્વી પર લાખો લોકોના એક ‘ટોળા’ તરીકે, તેઓ પોતાના હૃદયમાં ખ્રિસ્તની શાંતિને રાજ કરવા દે છે. આપણે એકલા નથી, એ જાણવાથી આપણને ટકી રહેવામાં ઘણી મદદ મળે છે. પીતરે લખ્યું: “તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની [શેતાનની] સામા થાઓ, કેમકે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એજ પ્રકારનાં દુઃખો પડે છે, તે તમે જાણો છો.”—૧ પીતર ૫:૯.

૧૭. ખ્રિસ્તની શાંતિને આપણે શા માટે આપણા હૃદયમાં રાજ કરવા દેવી જોઈએ?

૧૭ તેથી, ચાલો આપણે સર્વ શાંતિ કેળવતા રહીએ, કેમ કે એ પરમેશ્વરના પવિત્ર આત્માનું મહત્ત્વનું ફળ છે. (ગલાતી ૫:૨૨, ૨૩) જેઓ નિષ્કલંક, નિર્દોષ અને શાંતિચાહકો છે, તેઓને યહોવાહ છેવટે સુંદર બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટેના જીવનનો આશીર્વાદ આપશે, જ્યાં ન્યાયીપણું વસશે. (૨ પીતર ૩:૧૩, ૧૪) આમ, ખ્રિસ્તની શાંતિને આપણા હૃદયમાં રાજ કરવા દઈએ, એમાં આપણું જ ભલું છે.

[ફુટનોટ]

^ કેટલાક કિસ્સાઓમાં, ડિપ્રેશન જેવી બીમારીને લીધે ચિંતા થઈ શકે કે વધી શકે છે.

શું તમને યાદ છે?

• ખ્રિસ્તની શાંતિ શું છે?

• આપણને અન્યાય થયો હોય ત્યારે, ખ્રિસ્તની શાંતિ કઈ રીતે આપણા હૃદયમાં રાજ કરી શકે?

• આપણે ચિંતામાં હોઈએ ત્યારે, ખ્રિસ્તની શાંતિ કઈ રીતે મદદ કરે છે?

• આપણને પોતે નકામા છીએ એવું લાગે ત્યારે, ખ્રિસ્તની શાંતિ કઈ રીતે દિલાસો આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈસુએ તેમના દુશ્મનોની સામે, પોતાને યહોવાહના હાથમાં સોંપ્યા

[પાન ૧૬ પર ચિત્ર]

પ્રેમ વરસાવતા પ્રેમાળ પિતાની જેમ, યહોવાહનો દિલાસો આપણને શાંતિ આપશે

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહ આપણી વફાદારીની કદર કરે છે