“ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે?”
“ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે?”
“સ્વતંત્રતા, વહાલી સ્વતંત્રતા.” આ શબ્દો ફ્રાન્સના રાષ્ટ્રગીત “લા મારસલાઈસ”ના છે. સાચે જ, સ્વતંત્રતા ઘણી મૂલ્યવાન છે. તોપણ, તાજેતરમાં ફ્રાન્સમાં થયેલો બનાવ ચિંતાનું મુખ્ય કારણ બન્યો છે, કેમ કે ત્યાં સ્વતંત્રતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એ કારણે શુક્રવાર, નવેમ્બર ૩, ૨૦૦૦ના રોજ એક લાખ કરતાં પણ વધારે સાક્ષીઓએ “ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે? શું ફરીથી સ્વતંત્રતા મળી શકે?” શિર્ષકવાળી લગભગ ૧ કરોડ ૨૦ લાખ પત્રિકાઓ વહેંચી.
કેટલાંક વર્ષોથી ફ્રાન્સમાં યહોવાહના સાક્ષીઓ પર ઘણા રાજકારણીઓ અને ધર્મવિરોધી જૂથોએ હુમલા કર્યા છે. એ કારણે સાક્ષીઓ વ્યક્તિગત રીતે, મંડળકીય રીતે અને રાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓમાં આવી પડ્યા છે. તેમ છતાં, કાઉન્સીલ ઑફ સ્ટેટ, ફ્રાન્સની ઉચ્ચ અદાલતે જૂન ૨૩, ૨૦૦૦માં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, જે ૩૧ નીચલી અદાલતોના ૧,૧૦૦ કરતાં વધારે મુકદ્દમામાં ચઢિયાતો નિર્ણય હતો. ઉચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે યહોવાહના સાક્ષીઓ ફ્રાન્સના કાયદાના સુમેળમાં ઉપાસના કરે છે. તેથી, બીજા ધર્મોની જેમ તેઓએ પણ રાજ્યગૃહો માટે કરવેરો ભરવાની જરૂર નથી.
તેમ છતાં, ફ્રાન્સના નાણાકીય વહીવટે આ ચુકાદાની અવગણના કરી. કાયદા પ્રમાણે ધાર્મિક સંસ્થાઓને કરવેરો ભરવામાંથી છૂટ હતી તોપણ, તેઓએ યહોવાહના સાક્ષીઓ પાસેથી સતત કર ઉઘરાવ્યો. આ વહીવટી વિભાગે ફ્રાન્સના ૧,૫૦૦ સ્થાનિક મંડળોમાંના સાક્ષીઓ અને મિત્રોએ આપેલાં પ્રદાનો પર ૬૦ ટકા કરવેરો નાંખ્યો. આ મુકદ્દમો હવે અદાલતમાં ચાલી રહ્યો છે.
ઉપર જણાવવામાં આવેલી પત્રિકાનું વિતરણ કરવાની ઝુંબેશનો મૂળ હેતુ, આ વિરોધાભાસને ખુલ્લો પાડવાનો અને મનમાની કરીને આમ કરવેરો *
ઉઘરાવવાના જોખમ પર ભાર મૂકવાનો હતો. વધુમાં, એવા કાયદાની યોજના કરવાની હતી જેનાથી સર્વને ધાર્મિક સ્વતંત્રતા મળે.લાંબો દિવસ
અમુક મંડળના યહોવાહના સાક્ષીઓએ સવારના બે વાગ્યાથી રેલવે સ્ટેશન, કારખાનાઓ અને હવાઈમથક બહાર પત્રિકાનું વિતરણ કરવાનું શરૂ કર્યું. પૅરિસમાં સવારે છ વાગ્યે ઝુંબેશ શરૂ થઈ. કંઈક ૬,૦૦૦ સ્વયંસેવકો અલગ અલગ સ્થળે ઊભા રહ્યા, જેથી કામ પર જતા લોકોને તેઓ મળી શકે. એક યુવાન સ્ત્રી ટીકા આપે છે: “તમે લોકો ધાર્મિક સ્વતંત્રતા માટે સારું કાર્ય કરો છો. એમાં કંઈ ફક્ત યહોવાહના સાક્ષીઓનો જ સમાવેશ થતો નથી.” માર્સેલ્ઝમાં ૩૫૦ કરતાં વધારે સાક્ષીઓએ ભૂગર્ભ રેલવે સ્ટેશનોમાં અને રસ્તાઓ પર પત્રિકાઓ વહેંચી. એકાદ કલાકમાં તો રાષ્ટ્રીય રેડિયો પ્રસારણે ઝુંબેશ વિષે જાહેરાત કરી અને સાંભળનારાઓને કહ્યું કે યહોવાહના સાક્ષીઓ તમને મળવા આવે તો એનાથી આશ્ચર્ય ન પામશો. સ્ટ્રાસબુર્ગમાં યુરોપની માનવ હક્કોની અદાલતના મુખ્યમથકના લોકો અને સેન્ટ્રલ સ્ટેશનના મુસાફરો પોતાની પ્રતો મેળવવા ધીરજથી હરોળમાં ઊભા રહ્યા. એક વકીલે ટીકા કરી કે તે ભલે આપણા વિશ્વાસમાં સહભાગી થતા નથી, પરંતુ તેમને આપણા મુકદ્દમામાં રસ છે કેમ કે આપણી લડત મહત્ત્વની અને વાજબી છે.
ધોધમાર વરસાદ છતાં, આઠ વાગ્યે ૫૦૭ સાક્ષીઓએ ગેરેનોબલ શહેરના અલ્પાઈન પર્વતોના રસ્તાઓ પર આવેલાં ઘરોના ટપાલ બૉક્સમાં પત્રિકાઓ નાખી. કાર અને ટ્રામ ચાલકોએ જોયું કે કોઈ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે, તેઓએ પત્રિકા માંગવા પોતાનાં વાહનો ઊભાં રાખ્યાં. પોવાઈટ્યાના પશ્ચિમ શહેરમાં જે મુસાફરો નવ વાગ્યાની ગાડીથી આવતા હતા, તેઓએ પણ પોતે જ્યાંથી આવ્યા એ સ્થળેથી પત્રિકાઓ મેળવી હતી. જર્મનીની સરહદ પાસે આવેલા મુલહાઊસમાં પણ ૪૦,૦૦૦ પ્રતો વહેંચવામાં આવી હતી.
ઘણાં મંડળોએ ૧૦ વાગ્યા સુધીમાં તો અડધોઅડધ પત્રિકાઓ વહેંચી દીધી હતી. સવારે ઝુંબેશની શરૂઆત કરવામાં આવી ત્યારે, બહુ જ થોડા લોકોએ પત્રિકા સ્વીકારવાનો નકાર કર્યો. તોપણ, ઘણા લોકોએ એમાં રસ પણ બતાવ્યો અને સારું પરિણામ આવ્યું. સ્વિટ્ઝરલૅન્ડની સરહદથી ૮૦ કરતા વધુ કિલોમીટર દૂર આવેલા બેસ્કૉનમાં રહેતા એક યુવાને બાઇબલમાં રસ બતાવ્યો અને તે જાણવા માગતો હતો કે શા માટે પરમેશ્વરે દુઃખ-તકલીફોને પરવાનગી આપી છે. સાક્ષીઓએ તેને ચર્ચા ચાલુ રાખવા નજીકના રાજ્યગૃહમાં આવવાનું આમંત્રણ આપ્યું, જ્યાં તેની સાથે જલદી જ દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.
ઘણા સાક્ષીઓ બપોરે જમવાની રીસેસના સમયે એકાદ બે કલાક પત્રિકાઓ વહેંચવા ગયા હતા. આખી બપોર દરમિયાન વિતરણનું કાર્ય ચાલુ રહ્યું અને ઘણાં મંડળોએ ત્રણ અથવા ચાર વાગ્યા સુધીમાં એ પૂરું કર્યું. રીમ્ઝના શહેરમાં અમુક એવા લોકોએ ફરીથી મંડળનો સંપર્ક સાધવાની ઇચ્છા બતાવી કે જેઓએ અગાઉ યહોવાહના સાક્ષીઓ સાથે અભ્યાસ કર્યો હતો અથવા તેઓ સાથે સંગત ધરાવતા હતા. બૉરડ્યુક્ષમાં ત્રણ ગૃહ બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યા. એ જ શહેરમાં એક સાક્ષી બહેન છાપું ખરીદવા એક દુકાનમાં ગયા ત્યારે, તેમણે કાઉન્ટર પર પત્રિકાઓનો ઢગલો જોયો. દુકાનદાર પહેલા યહોવાહના સાક્ષી હતા. તેથી, એ પત્રિકા મેળવ્યા પછી તેમને એનું મહત્ત્વ સમજાયું ત્યારે, એ પત્રિકા વધુ લોકોને આપવા તેમણે એની ઝેરોક્ષ કાઢી રાખી હતી.
લ આવ્ર, નૉરમેડીમાં રહેતી એક પ્રોટેસ્ટંટ સ્ત્રીએ રેડિયો પર સાંભળ્યું કે યહોવાહના સાક્ષીઓનાં પ્રદાનો પર કરવેરો નાખવામાં આવ્યો છે ત્યારે, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે ઉત્સુકતાથી પત્રિકાને સ્વીકારી અને સાક્ષીઓએ પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ જે ઝુંબેશ ઉપાડી છે એ માટે અભિનંદન આપ્યા. લીઓનમાં ટીવીના સાંજના ૭:૨૦ના સ્થાનિક સમાચારમાં, પત્રિકાની વહેંચણી વિષે કહેવામાં આવ્યું કે “યહોવાહના સાક્ષીઓએ કરેલા પત્રિકાઓના વરસાદ કરતાં વરસાદના ટીપાથી બચવું સહેલું છે.” બે સાક્ષીઓએ સમાચાર માધ્યમે લીધેલા ઇન્ટર્વ્યૂંમાં ઝુંબેશનું કારણ સમજાવ્યું.
નોકરી પરથી પાછા ફરતા સાક્ષીઓએ પણ અમુક પત્રિકા ઘરે પાછા ફરતા લોકોને આપી અને બીજી પત્રિકાઓ ઘરના ટપાલ બૉક્સમાં નાખી. ચિનાઈ માટીનાં વાસણો માટે પ્રખ્યાત, બ્રેસ્ટ અને લિમોઝ જેવાં શહેરોમાં રાતના ૧૧ વાગ્યે સિનેમાગૃહમાંથી બહાર નીકળતા લોકોને પણ પત્રિકાઓ આપવામાં આવી હતી. બાકી રહેલી પત્રિકાઓનું બીજા દિવસે સવારે વિતરણ કરવામાં આવ્યું.
પરિણામ
એક સાક્ષીએ લખ્યું: “અમારા પ્રતિસ્પર્ધી વિચારે છે કે તેઓ અમને નબળા પાડી રહ્યા છે. હકીકતમાં એનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે.” મોટા ભાગનાં મંડળોમાં ૭૫ ટકાથી વધારે સાક્ષીઓએ એ દિવસે ઝુંબેશમાં જોડાઈને ૧૦, ૧૨ કે ૧૪ કલાક પત્રિકાનું વિતરણ કર્યું હતું. ઉત્તર ફ્રાન્સના હેમમાં એક સાક્ષીએ રાતપાળી કર્યા પછી સવારના પાંચ વાગ્યાથી તે બપોરના ત્રણ વાગ્યા સુધી પત્રિકાનું વિતરણ કર્યું. ડેનમાં, કે જ્યાં ૧૯૦૬થી મંડળની રચના થઈ હતી, ૭૫ સાક્ષીઓએ શુક્રવારે ૨૦૦ કલાક પત્રિકાની વહેંચણી કરી. વૃદ્ધ, બીમાર અથવા તોફાની વાતાવરણ હોવા છતાં ઘણા સાક્ષીઓ એમાં સહભાગી થયા હતા. દાખલા તરીકે, લે મન્સમાં લગભગ ૮૦ વર્ષ કરતાં વધારે વર્ષની ત્રણ વૃદ્ધ બહેનોએ ઘર ઘરના લેટર બૉક્સમાં પત્રિકા નાખવામાં બે કલાક ગાળ્યા. એક સાક્ષી ભાઈ વ્હિલચેરમાં બેસીને રેલવે સ્ટેશનની બહાર આવતા-જતા લોકોને પત્રિકાઓ આપતા હતા. આ સાથે અનેક નિષ્ક્રિય સાક્ષીઓને પણ આ ખાસ પ્રવૃત્તિમાં ભાગ લેતા જોવા ખરેખર ઉત્તેજનકારક હતું!
ખરેખર, આ વિતરણ કાર્યએ મહાન સાક્ષી આપી છે. સર્વ પ્રકારના લોકો, જેઓ ભાગ્યે જ ઘરે મળતા હોય તેઓએ પણ પત્રિકા મેળવી હતી. અસંખ્ય લોકોએ અનુભવ્યું કે આ કાર્યથી ફક્ત સાક્ષીઓના લાભોનું જ રક્ષણ નથી થતું. પરંતુ, ઘણા લોકો એને મનની સ્વતંત્રતા અને ફ્રાન્સમાં ઉપાસના કરતા સર્વ લોકોના રક્ષણ તરીકે જોતા હતા. એના પુરાવા રૂપે, ઘણા લોકો પોતાના મિત્રોને, કૉલેજમાં અને સગા-સંબંધીઓને આપવા આ પત્રિકાની વધારે પ્રતો માંગતા હતા.
હા, ફ્રાન્સના યહોવાહના સાક્ષીઓ, યહોવાહનું નામ જાણીતું કરવા અને રાજ્ય હિતોનું રક્ષણ કરવા માટે ગર્વ અનુભવે છે. (૧ પીતર ૩:૧૫) તેઓ દિલથી એ આશા રાખે છે કે તેઓ ‘પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે, શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી’ શકશે અને બીજા હજારો તેમના સ્વર્ગના પિતા, યહોવાહની ઉપાસના કરવામાં જોડાશે.—૧ તીમોથી ૨:૨.
[ફુટનોટ]
^ આવી જ એક ઝુંબેશ જાન્યુઆરી ૧૯૯૯માં પણ ધાર્મિક ભેદભાવના રક્ષણ માટે કરવામાં આવી હતી. ઑગસ્ટ ૧, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૯ પર અને ર૦૦૦ યહોવાહના સાક્ષીઓનું વાર્ષિક પુસ્તક (અંગ્રેજી)ના પાન ૨૪-૨૬ પર જુઓ.