‘શાંતિ શોધો અને એની પાછળ મંડ્યા રહો’
‘શાંતિ શોધો અને એની પાછળ મંડ્યા રહો’
‘બધાની સાથે શાંતિમાં રહેવા તમારાથી બનતું બધું કરો.’—રૂમી ૧૨:૧૮, પ્રેમસંદેશ.
૧, ૨. મનુષ્યો જે શાંતિ લાવે છે, એ શા માટે ટકતી નથી?
એક એવા ઘરની કલ્પના કરો કે જેનો પાયો કાચો હોય, મોભ સડી ગયેલા હોય અને છત પણ પડું પડું થઈ રહી હોય. શું તમે એ ઘરમાં રહેવા જશો? ના, બિલકુલ નહિ. ભલેને એ ઘરને હમણાં જ રંગવામાં આવ્યું હોય તોપણ, હકીકત એ છે કે ઘર ખખડી ગયું છે. વહેલું કે મોડું એ પડવાનું જ છે.
૨ આ જગતની શાંતિ પણ એના જેવી જ છે. એ કાચા પાયા પર, એટલે કે માણસોનાં વચનો અને યોજનાઓ પર બંધાયેલી છે કે જેઓ “પાસે તારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) ઇતિહાસ બતાવે છે કે, દેશો અને પ્રજાઓ એકબીજા સાથે લડવામાંથી ઊંચા જ આવતા નથી. એ સાચું છે કે વચ્ચે થોડી શાંતિ હોય છે, પરંતુ કેવી શાંતિ? બે રાષ્ટ્રો લડી રહ્યાં હોય અને પછી શાંતિ જાહેર કરવામાં આવે ત્યારે, એનું કારણ એ હોય છે કે એક રાષ્ટ્ર હારી ગયું છે અથવા બંને રાષ્ટ્રો જોઈ શકે છે કે લડાઈ ચાલુ રાખવાથી કોઈને લાભ થવાનો નથી. તેથી, શું એને શાંતિ કહી શકાય? જે ધિક્કાર, શંકા અને ઈર્ષાના કારણે લડાઈ થઈ હતી, એ તો હજુ એવાને એવા જ છે. એ શાંતિનો ઢોંગ જાણે ‘હમણાં જ રંગ ન કર્યો’ હોય, એના જેવો છે. એવી શાંતિ લાંબો સમય ટકતી નથી.—હઝકીએલ ૧૩:૧૦.
૩. જગતની શાંતિથી પરમેશ્વરના લોકોની શાંતિ શા માટે અલગ છે?
૩ જોકે, આ યુદ્ધોવાળા જગતમાં પણ સાચી શાંતિ જોવા મળે છે. એ ક્યાં છે? એ શાંતિ ઈસુ ખ્રિસ્તના પગલે ચાલનારા તેમના સાચા શિષ્યોમાં જોવા મળે છે. તેઓ ઈસુના વચનને પોતાના જીવનમાં લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. (૧ કોરીંથી ૧૧:૧; ૧ પીતર ૨:૨૧) આજે દરેક જાતિમાંથી આવતા સાચા ખ્રિસ્તીઓમાં એ શાંતિ જોવા મળે છે, પછી ભલે સમાજમાં તેઓનું ગમે તે સ્થાન હોય કે ગમે ત્યાંના રહેવાસી હોય. એ સાચી શાંતિ છે, કેમ કે ઈસુ ખ્રિસ્તે આપેલા ખંડણી બલિદાનમાં વિશ્વાસ મૂકવાથી પરમેશ્વર સાથે જે શાંતિમય સંબંધ બંધાય છે, એમાંથી એ આવે છે. તેઓની શાંતિ પરમેશ્વર તરફથી ભેટ છે. એ માણસોએ ઊભી કરેલી શાંતિનો દેખાડો નથી. (રૂમી ૧૫:૩૩; એફેસી ૬:૨૩, ૨૪) એ ‘શાંતિના સરદાર,’ ઈસુ ખ્રિસ્તને આધીન રહેવાથી અને “શાંતિ આપનાર દેવ” યહોવાહની ઉપાસના કરવાથી મળે છે.—યશાયાહ ૯:૬; ૨ કોરીંથી ૧૩:૧૧.
૪. સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે શાંતિ શોધે છે?
૪ અપૂર્ણ લોકોમાં આપમેળે જ શાંતિ આવી જતી નથી. તેથી, પ્રેષિત પીતરે કહ્યું કે દરેક ખ્રિસ્તીએ ‘શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું’ જોઈએ. (૧ પીતર ૩:૧૧) આપણે એ કેવી રીતે કરી શકીએ? પ્રાચીન ભવિષ્યવાણી એનો જવાબ આપે છે. યહોવાહે, યશાયાહ દ્વારા કહ્યું: “તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” (યશાયાહ ૫૪:૧૩; ફિલિપી ૪:૯) હા, જેઓ યહોવાહના શિક્ષણ પ્રમાણે ચાલે છે તેઓ સાચી શાંતિ મેળવે છે. વધુમાં, શાંતિની સાથે ‘પ્રેમ, આનંદ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ’ જેવા ગુણો પણ જોવા મળે છે જે પરમેશ્વરના પવિત્ર આત્માનાં ફળો છે. (ગલાતી ૫:૨૨, ૨૩) પરંતુ, ક્રૂર, ઉદાસ, ઉતાવળા, નિર્દય, દુષ્ટ, અવિશ્વાસુ, હિંસક કે સહન ન કરનારા લોકો શાંતિનો આનંદ માણી શકતા નથી.
‘બધાની સાથે શાંતિમાં રહો’
૫, ૬. (ક) શાંત હોવું અને સુલેહ-શાંતિ કરવી વચ્ચે શું તફાવત છે? (ખ) ખ્રિસ્તીઓ કોની સાથે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરે છે?
૫ શાંતિની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે, “મન અને હૃદયની શાંતિ.” એમાં લડાઈ-ઝઘડા વિનાની પરિસ્થિતિનો સમાવેશ થાય છે. કેમ વળી, મરેલી વ્યક્તિઓ પણ આવી જ સ્થિતિમાં છે! તેમ છતાં, સાચી શાંતિનો આનંદ માણવા માટે ફક્ત શાંત હોવું જ પૂરતું નથી. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કહ્યું: “માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; [પરમેશ્વર] તેઓને પોતાના પુત્રો કહેશે.” (માત્થી ૫:૯, પ્રેમસંદેશ) અહીં ઈસુ એવા લોકો સાથે વાત કરી રહ્યા હતા, જેઓ દેવનાં આત્મિક છોકરાં બનીને સ્વર્ગમાં અમર જીવન મેળવવાના હતા. (યોહાન ૧:૧૨; રૂમી ૮:૧૪-૧૭) જોકે, છેવટે જેઓને સ્વર્ગની આશા નથી એવા સર્વ વિશ્વાસુ લોકો પણ ‘દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિનો’ આનંદ માણશે. (રૂમી ૮:૨૧) ફક્ત શાંતિચાહકો જ આ પ્રકારની શાંતિનો આનંદ માણશે. શાંતિચાહક ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ થાય છે, સુલેહ-શાંતિ કરનાર. મોટે ભાગે શાંત હોવું અને સુલેહ-શાંતિ કરવી, એમાં તફાવત છે. બાઇબલ પ્રમાણે શાંતિચાહક, શાંતિ મેળવવા પાછળ મંડ્યા રહે છે તેમ જ જ્યાં પહેલાં શાંતિ ન હતી ત્યાં શાંતિ કરાવે છે.
૬ એ ધ્યાનમાં રાખીને પ્રેષિત પાઊલે રૂમી મંડળને જે સલાહ આપી એનો વિચાર કરો: ‘બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું કરો.’ (રૂમી ૧૨:૧૮, પ્રેમસંદેશ) શાંત રહેવાથી મદદ મળે છે છતાં, પાઊલ રૂમીઓને ફક્ત શાંત રહેવાનું જ જણાવતા ન હતા. પરંતુ, તે તેઓને સુલેહ-શાંતિ કરવાનું ઉત્તેજન આપી રહ્યા હતા. કોની સાથે? “બધા” સાથે, એટલે કે કુટુંબના સભ્યો, ખ્રિસ્તી ભાઈબહેનો અને વિધર્મીઓની સાથે પણ શાંતિમાં રહેવાનું કહી રહ્યા હતા. તેમણે રૂમી ખ્રિસ્તીઓને બીજાઓ સાથે શાંતિ જાળવવા ‘પોતાનાથી બનતું બધું’ કરવાનું ઉત્તેજન આપ્યું. એનો અર્થ એમ નથી થતો કે તેઓએ શાંતિની ખાતર પોતાની માન્યતામાં ઢીલ મૂકવાની હતી. પરંતુ, જાણીજોઈને બીજાઓ સાથે દુશ્મની કરવાને બદલે, તેઓએ શાંતિથી રહેવાનું હતું. ખ્રિસ્તીઓએ મંડળની અંદર અને બહારની વ્યક્તિઓ સાથેના પોતાના વ્યવહારમાં શાંતિ જાળવવાની હતી. (ગલાતી ૬:૧૦) એના સુમેળમાં પાઊલે લખ્યું: “સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાને યત્ન કરો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૫.
૭, ૮. ખ્રિસ્તી ન હોય તેઓ સાથે કેવી રીતે અને શા માટે શાંતિ રાખવી જોઈએ?
૭ આપણે કઈ રીતે વિધર્મી કે આપણી માન્યતાનો વિરોધ કરનાર વ્યક્તિ સાથે શાંતિ જાળવી રાખી શકીએ? એક રીત એ છે કે આપણે પોતે કંઈક છીએ એમ ન બતાવીએ. દાખલા તરીકે, અપમાનજનક રીતે બોલીને આપણે લોકો સાથે શાંતિ રાખી શકતા નથી. યહોવાહે સંગઠનો અને સમાજના વર્ગો વિરુદ્ધ પોતાનો ન્યાયચુકાદો જાહેર કર્યો છે. પરંતુ, કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવાનો આપણને કોઈ અધિકાર નથી. ખરેખર, આપણે કોઈનો, અરે આપણા વિરોધીઓનો પણ ન્યાય કરવો ન જોઈએ. પાઊલે તીતસને જણાવ્યું કે ક્રિતના ખ્રિસ્તીઓએ અધિકારીઓ સાથે કેવો વ્યવહાર રાખવો એ વિષે તેઓને સલાહ આપે. પછી, તેમણે તેઓને યાદ કરાવવાનું કહ્યું કે “કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.”—તીતસ ૩:૧, ૨.
૮ ખ્રિસ્તી ન હોય એવી વ્યક્તિઓ સાથે શાંતિ રાખવાથી, તેઓને સત્ય જણાવવું ઘણું સહેલું બને છે. જોકે, આપણા “સદાચરણને બગાડે” એવા દોસ્ત આપણે રાખતા નથી. (૧ કોરીંથી ૧૫:૩૩) તોપણ, આપણે બીજાનું માન જાળવીને દરેકની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. પીતરે લખ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.”—૧ પીતર ૨:૧૨.
પ્રચારમાં શાંતિ જાળવવી
૯, ૧૦. ખ્રિસ્તી ન હોય તેઓ સાથે પાઊલ જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખી શકીએ?
૯ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ હિંમતવાળા હતા. તેઓએ પોતાના સંદેશાનું મૂલ્ય ઓછું આંક્યું નહિ અને પરીક્ષણો આવ્યાં ત્યારે, તેઓ માણસોના કરતાં પરમેશ્વરને આધીન રહ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯; ૫:૨૯) તોપણ, તેઓએ હિંમત બતાવવા કોઈનું અપમાન કર્યું નહિ. પાઊલે રાજા હેરોદ આગ્રીપા બીજા સમક્ષ પોતાનો વિશ્વાસ જાહેર કર્યો એ સમયનો વિચાર કરો. હેરોદ આગ્રીપાને, પોતાની બહેન બરનીસ સાથે અનૈતિક સંબંધો હતા. જોકે, પાઊલ આગ્રીપાને નૈતિકતા પર ભાષણ આપવા બેસી ગયા નહિ. એને બદલે, પાઊલે એવા મુદ્દાઓ પર ભાર મૂક્યો, જેમાં તેઓ બંને સહમત થતા હતા. આગ્રીપા યહુદી રિવાજ અને પ્રબોધકોમાં માનતા હતા, એ માટે પાઊલે તેમની પ્રશંસા કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨, ૩, ૨૭.
૧૦ પોતાને છોડી દેવામાં આવે એ માટે શું પાઊલ તેમની ખુશામત કરી રહ્યાં હતા? ના. પાઊલ પોતાની જ સલાહને અનુસરીને સત્ય બોલ્યા. તેમણે હેરોદ આગ્રીપાને કંઈ પણ ખોટું કહ્યું ન હતું. (એફેસી ૪:૧૫) પાઊલ શાંતિ રાખનાર હતા અને કેવી રીતે ‘સર્વની સાથે સર્વના જેવા’ થવું એ જાણતા હતા. (૧ કોરીંથી ૯:૨૨) તેમનો મુખ્ય હેતુ એ હતો કે ઈસુ વિષે પ્રચાર કરવાનો તેમને હક્ક મળે. પોતે સારા શિક્ષક હોવાથી, આગ્રીપા તેમની સાથે સહમત થઈ શકે એવા વિષય પર પાઊલે વાત કરવાનું શરૂ કર્યું. આમ, તેમણે અનૈતિક રાજાને ખ્રિસ્તી ધર્મ વિષે સાચી સમજ મેળવવા મદદ કરી.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮-૩૧.
૧૧. આપણે સેવાકાર્યમાં કઈ રીતે શાંતિ જાળવી શકીએ?
૧૧ આપણે કઈ રીતે આપણા સેવાકાર્યમાં શાંતિ જાળવનારા બની શકીએ? પાઊલની જેમ, આપણે પણ દલીલો કરવાનું ટાળવું જોઈએ. એ સાચું છે કે અમુક સમયે આપણને “પ્રભુની સુવાર્તા વિષે બોલવાની વિશેષ હિંમત” જરૂરી હોય છે. (ફિલિપી ૧:૧૪) પરંતુ, આપણો મુખ્ય ધ્યેય પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનો છે. (માત્થી ૨૪:૧૪) વ્યક્તિ જો પરમેશ્વરનું સત્ય સમજી શકે તો, તે જૂઠી ધાર્મિક માન્યતાઓથી અને અશુદ્ધ આચરણોથી મુક્ત થઈ શકશે. તેથી, શક્ય હોય ત્યાં સુધી લોકો સાથે આપણે સહમત થઈ શકીએ એવા વિષય પર વાત કરીએ એ મહત્ત્વનું છે. કોઈ વ્યક્તિ વિરોધ કરતી હોય તો, તેને ગુસ્સે કરવાને બદલે કુનેહથી જણાવવામાં આવે તો, તે કદાચ સાંભળશે.—૨ કોરીંથી ૬:૩.
કુટુંબમાં શાંતિ બનાવી રાખનારા
૧૨. આપણે કુટુંબમાં કઈ રીતે શાંતિ જાળવી શકીએ?
૧૨ પાઊલે કહ્યું કે લગ્ન કરશે તેઓને “શારીરિક દુઃખ થશે.” (૧ કોરીંથી ૭:૨૮) તેઓને અનેક મુશ્કેલીઓ સહેવી પડશે. એની સાથે યુગલોમાં ઘણી વાર ઝઘડાઓ પણ થશે. ઝઘડાનો ઉકેલ કઈ રીતે લાવવો જોઈએ? શાંતિચાહકો રાયનો પહાડ બનાવશે નહિ. સૌ પ્રથમ, તેઓ પોતાની જીભ પર કાબૂ રાખશે. જો જીભનો ખોટો ઉપયોગ કરીને મહેણાં મારીએ કે અપમાન કરીએ તો એ ‘ફેલાતી મરકી અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર’ બની શકે છે. (યાકૂબ ૩:૮) શાંતિચાહક પોતાની જીભનો ઉપયોગ કોઈને તોડી પાડવા નહિ, પણ ઉત્તેજન આપવા કરે છે.—નીતિવચનો ૧૨:૧૮.
૧૩, ૧૪. આપણે લાગણીશીલ બની જઈએ કે વગર વિચાર્યું બોલી ગયા હોય ત્યારે, કઈ રીતે શાંતિ જાળવી રાખી શકીએ?
૧૩ અપૂર્ણ હોવાથી, ઘણી વાર આપણે વગર વિચાર્યું બોલી જઈએ છીએ, પણ પછી પસ્તાવો થાય છે. એવું થાય ત્યારે, જલદીથી માફી માંગીને શાંતિ જાળવવા પ્રયત્ન કરો. (નીતિવચનો ૧૯:૧૧; કોલોસી ૩:૧૩) ‘શબ્દો’ અને નાની નાની વાત પર “કજિયા” કરવાનું ટાળો. (૧ તીમોથી ૬:૪, ૫) બાબતોને ઉપર ઉપરથી જોવાને બદલે તમારા સાથીની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરો. તમને ખરાબ શબ્દો કહેવામાં આવ્યા હોય તો, ઈંટનો જવાબ પથ્થરથી ન આપો. યાદ રાખો કે “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.”—નીતિવચનો ૧૫:૧.
૧૪ તમે નીતિવચનો ૧૭:૧૪ની સલાહને ધ્યાન આપી શકો: “વઢવાઢ થયા પહેલાં તકરાર મૂકી દો.” પરિસ્થિતિ વણસી જાય એ પહેલાં એને પડતી મૂકો. પછી, તમે ઠંડા પડી જાવ ત્યારે શાંતિથી સમસ્યાને હલ કરી શકશો. અમુક સંજોગોમાં, પરિપક્વ ખ્રિસ્તી વડીલોને બોલાવવાથી યોગ્ય મદદ મળી શકે. કુટુંબની શાંતિ જોખમમાં આવી પડી હોય ત્યારે, આ અનુભવી અને દયાળુ વડીલો યોગ્ય મદદ આપી શકે છે.—યશાયાહ ૩૨:૧, ૨.
મંડળમાં શાંતિ કરાવનારા
૧૫. યાકૂબ અનુસાર, અમુક ખ્રિસ્તીઓમાં કયું ખરાબ વલણ જોવા મળ્યું અને શા માટે એ “ઐહિક,” “વિષયી” અને “શેતાની” છે?
૧૫ દુઃખની વાત છે કે, પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓ અદેખાઈ અને ચરસાચરસીને કારણે શાંતિ ગુમાવી બેઠા હતા. યાકૂબે કહ્યું: “એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ તે ઐહિક, વિષયી તથા શેતાની છે. કેમકે જ્યાં અદેખાઈ તથા ચરસાચરસી છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે.” (યાકૂબ ૩:૧૩-૧૬) કેટલાક માને છે કે ગ્રીકમાંથી ભાષાંતર થયેલો “ચરસાસરસી” શબ્દ, સ્વાર્થી ઇચ્છાઓ કે હોદ્દા માટેની ખેંચતાણને લાગુ પડે છે. એટલે જ યાકૂબ એને “ઐહિક, વિષયી, શેતાની” કહે છે. સમગ્ર ઇતિહાસમાં, જગતના શાસકો જંગલી પ્રાણીઓની જેમ એકબીજા સાથે સ્વાર્થીપણે વર્ત્યા છે. ચરસાચરસી ખરેખર “ઐહિક” અને “વિષયી” છે. વળી, એ “શેતાની” પણ છે. સૌ પ્રથમ એક સ્વર્ગીય દૂત સત્તાનો ભૂખ્યો બન્યો હતો. તે યહોવાહ પરમેશ્વરની વિરુદ્ધ જઈને, શેતાન અને અપદૂતોનો ગુરુ બન્યો.
૧૬. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે શેતાન જેવું વલણ બતાવ્યું?
૧૬ યાકૂબે ખ્રિસ્તીઓને આવા વલણથી દૂર રહેવાની વિનંતી કરી, કેમ કે એ શાંતિની વિરુદ્ધ છે. તેમણે લખ્યું: “તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? તમારાં શરીરોની સાથે સતત લડાઈ કરતી તમારી મોજશોખની વાસનાઓથી તે આવે છે.” (યાકૂબ ૪:૧, પ્રેમસંદેશ) અહીં, “મોજશોખની વાસનાઓ” ભૌતિક બાબતો માટેની તીવ્ર લાલસા કે હોદ્દો, સત્તા કે પ્રભાવશાળી બનવાની લાલસાને બતાવે છે. મંડળમાં કેટલાક, ઈસુએ જે કહ્યું હતું એ ભૂલી ગયા હતા કે સાચા શિષ્યો પોતાને ‘સૌથી નાના’ ગણાવશે. તેઓ તો બીજાઓ કરતાં ચઢિયાતા થવા ઇચ્છતા હતા. (લુક ૯:૪૮) આવું વલણ મંડળમાંથી શાંતિ છીનવી લઈ શકે છે.
૧૭. ખ્રિસ્તીઓ કઈ રીતે મંડળમાં શાંતિચાહકો બની શકે?
૧૭ આજે, આપણે પણ ભૌતિકવાદ, અદેખાઈ કે હોદ્દા માટેની ઇચ્છા ટાળવી જોઈએ. આપણે સાચે જ શાંતિચાહકો હોઈશું તો, મંડળમાં બીજા અમુક બાબતમાં આપણા કરતાં વધારે કુશળ હોય ત્યારે, આપણે તેઓની અદેખાઈ કરીશું નહિ. તેમ જ, આપણે બીજાઓ સામે તેઓ પર શંકા કરીને તેઓને નીચા પાડીશું નહિ. જો આપણી પાસે કંઈક સારી આવડત હોય તો, બીજાઓ કરતાં આપણે સારા છીએ અથવા આપણી આવડત અને અનુભવને લીધે મંડળમાં પ્રગતિ થઈ રહી છે એવું અભિમાન ક્યારેય કરીશું નહિ. એવા વલણથી મંડળમાં ભાગલા પડશે અને શાંતિ છીનવાઈ જશે. શાંતિચાહકો પોતાની આવડતની જાહેરાત કરતા નથી. પરંતુ, તેઓ નમ્રતાથી પોતાના ભાઈ-બહેનોની સેવા કરવા અને યહોવાહને માન આપવામાં એનો ઉપયોગ કરે છે. તેઓ જાણે છે કે સાચા ખ્રિસ્તીઓ તેઓની આવડતથી નહિ, પણ પ્રેમથી ઓળખાઈ આવશે.—યોહાન ૧૩:૩૫; ૧ કોરીંથી ૧૩:૧-૩.
“અધિકારીઓને શાંતિરૂપ”
૧૮. વડીલો પોતે કઈ રીતે શાંતિચાહકો બની શકે?
૧૮ મંડળના વડીલો શાંતિચાહકો તરીકે સુંદર ઉદાહરણ બેસાડે છે. યહોવાહે પોતાના લોકો વિષે કહ્યું: “હું તારા અધિકારીઓને શાંતિરૂપ . . . કરીશ.” (યશાયાહ ૬૦:૧૭) આ શબ્દો પ્રમાણે, ખ્રિસ્તી વડીલો પોતાનામાં અને મંડળના ભાઈબહેનોમાં પણ શાંતિ જાળવી રાખવા ખૂબ મહેનત કરે છે. “જે જ્ઞાન ઉપરથી છે” એ પ્રમાણે, વડીલો શાંતિચાહક અને વાજબી બનીને બીજા વડીલો સાથે પણ શાંતિ જાળવી શકશે. (યાકૂબ ૩:૧૭) જીવનમાં જુદા જુદા અનુભવોને લીધે, મંડળના વડીલોના વિચારો અમુક સમયે અલગ હોય શકે. શું એનો અર્થ એમ થાય છે કે તેઓમાં શાંતિ નથી? જો એવા સંજોગોમાં યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવે તો તેઓમાં જરૂર શાંતિ રહેશે. શાંતિચાહકો પોતાના વિચારોને યોગ્ય રીતે વ્યક્ત કરે છે અને શાંતિથી બીજાઓને સાંભળે છે. મેં કહ્યું એમ જ થવું જોઈએ, એમ વિચારવાને બદલે, શાંતિચાહક વડીલ પ્રાર્થનાપૂર્વક પોતાના ભાઈઓના વિચારોને પણ ધ્યાનમાં લેશે. બાઇબલના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું ન હોય તો, સામાન્ય રીતે વિચારો અલગ હોય શકે છે. બીજાઓ તેમની સાથે સહમત ન થાય ત્યારે, શાંતિચાહક નમ્ર રીતે બહુમતીના નિર્ણયને ટેકો આપશે. આમ, તે વાજબી બનશે. (૧ તીમોથી ૩:૨, ૩) અનુભવી વડીલો જાણે છે કે પોતાની ઇચ્છાને બદલે શાંતિ જાળવવી એ વધારે મહત્ત્વનું છે.
૧૯. વડીલો મંડળમાં કઈ રીતે શાંતિ જાળવે છે?
૧૯ વડીલો મંડળના ભાઈબહેનોને ટોક-ટોક કરીને નહિ, પણ મદદ કરીને શાંતિચાહકો બની શકે. એ સાચું છે કે અમુક સમયે સુધારો કરવાની જરૂર હોય શકે. (ગલાતી ૬:૧) પરંતુ, ખ્રિસ્તી વડીલોનું મુખ્ય કાર્ય શિસ્ત આપવાનું નથી. તેઓ મોટે ભાગે પ્રશંસા કરે છે. પ્રેમાળ વડીલો બીજાઓમાં સારું જોવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાના ખ્રિસ્તી ભાઈબહેનોની મહેનતની કદર કરે છે. વળી, તેઓને ભરોસો છે કે ભાઈબહેનો પોતાનાથી બનતું બધું જ કરે છે.—૨ કોરીંથી ૨:૩, ૪.
૨૦. મંડળમાં દરેક શાંતિચાહક હોય તો કઈ રીતે લાભ થશે?
૨૦ તેથી, કુટુંબમાં, મંડળમાં અને બીજા લોકો સાથે વ્યવહાર કરતી વખતે આપણે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે શાંતિ રાખવા ખંતીલો પ્રયત્ન કરીશું તો, આપણે મંડળની શાંતિ વધારીશું. એ જ સમયે, આપણે પોતે ઘણી રીતોએ રક્ષણ મેળવીશું અને દૃઢ થઈશું જે આપણે હવે પછીના લેખમાં જોઈશું.
શું તમને યાદ છે?
• શાંતિચાહક બનવાનો શું અર્થ થાય છે?
• વિધર્મીઓ સાથે આપણે કઈ રીતે શાંતિ જાળવી શકીએ?
• કુટુંબમાં શાંતિ જાળવવાની કેટલીક રીતો કઈ છે?
• વડીલો મંડળમાં કઈ રીતે શાંતિ જાળવી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૯ પર ચિત્ર]
શાંતિચાહકો અભિમાની હોતા નથી
[પાન ૧૦ પર ચિત્રો]
ખ્રિસ્તીઓ સેવાકાર્યમાં, ઘરમાં અને મંડળમાં શાંતિચાહકો છે