સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાન તે ફક્ત અંધશ્રદ્ધા નથી

શેતાન તે ફક્ત અંધશ્રદ્ધા નથી

શેતાન તે ફક્ત અંધશ્રદ્ધા નથી

“નવા કરારમાં દરેક જગ્યાએ મોટો વિરોધાભાસ જોવા મળે છે, જેમાં એક બાજુ પરમેશ્વરની શક્તિ અને સારા માનવીઓ છે તો બીજી બાજુ શેતાન અને તેણે કરેલી દુષ્ટ બાબતો છે. નવા કરારમાં આ કંઈ એક કે બે લેખકોનો વિચાર નથી, પરંતુ એ સામાન્ય વિચાર છે. . . . નવા કરારનો પુરાવો સ્પષ્ટ છે. શેતાન ખરેખર એક દુષ્ટ વ્યક્તિ છે કે જે પરમેશ્વર અને તેમના લોકોનો વેરી છે.”—“નવા બાઇબલનો શબ્દકોષ.” (અંગ્રેજી)

તો પછી, શા માટે ઘણા કહેવાતા ખ્રિસ્તીઓ અને બાઇબલને માનવાનો દાવો કરનારાઓ શેતાનના અસ્તિત્વનો નકાર કરે છે? હકીકતમાં, તેઓ બાઇબલને પરમેશ્વરના શબ્દ તરીકે સ્વીકારતા જ નથી. (યિર્મેયાહ ૮:૯) કહેવાતા ખ્રિસ્તીઓ કહે છે કે બાઇબલ લેખકોનાં લખાણોમાં તેઓની આજુબાજુની પ્રજાની ફિલસૂફીની અસર જોવા મળે છે અને તેઓએ પરમેશ્વરના સત્યની ચોક્સાઈભરી જાણકારી આપી નથી. દાખલા તરીકે, કૅથલિક ધર્મશાસ્ત્રી હાન્સ કુન્જ લખે છે: “પૌરાણિક કથાના શેતાન અને તેના અસંખ્ય અપદૂતોનો કાલ્પનિક વિચાર . . . બાબેલોનની પુરાણી કથાઓથી લઈને શરૂઆતના યહુદી ધર્મ સુધી અને ત્યાંથી નવા કરાર સુધી જોવા મળે છે.”—એક ખ્રિસ્તી વ્યક્તિત્વ, (અંગ્રેજી પુસ્તક).

પરંતુ, બાઇબલ કંઈ માણસોએ પોતાના વિચારોથી લખ્યું નથી; એ ખરેખર પરમેશ્વરની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે. તેથી, એમાં શેતાન, ડેવિલ વિષે જે માહિતી આપવામાં આવી છે એને આપણે ગંભીરતાથી ધ્યાન આપીએ એ ડહાપણભર્યું છે.—૨ તીમોથી ૩:૧૪-૧૭; ૨ પીતર ૧:૨૦, ૨૧.

ઈસુ શું માનતા હતા?

ઈસુ ખ્રિસ્ત માનતા હતા કે શેતાન એક વાસ્તવિક વ્યક્તિ છે. ઈસુ પોતાનામાં રહેલી દુષ્ટતાથી કંઈ લલચાયા ન હતા. તેમનું એક વાસ્તવિક વ્યક્તિ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછીથી ઈસુએ તેને “આ જગતનો અધિકારી” કહ્યો. (યોહાન ૧૪:૩૦; માત્થી ૪:૧-૧૧) તે એ પણ માનતા હતા કે શેતાનની દુષ્ટ કુયુક્તિઓમાં બીજા આત્મિક દૂતોએ પણ ટેકો આપ્યો હતો. તેમણે “ભૂતવળગેલા” લોકોને સાજા કર્યા. (માત્થી ૧૨:૨૨-૨૮) નાસ્તિકોનું પ્રકાશન, તર્કવાદી શબ્દકોષ (અંગ્રેજી) મહત્ત્વની બાબત નોંધતા કહે છે: “ધર્મશાસ્ત્રીઓની હંમેશા મૂંઝવણ રહી છે કે ઈસુની સુવાર્તાએ કઈ રીતે શેતાનની માન્યતાને સ્વીકારી.” ઈસુએ શેતાન અને તેના અપદૂતોની વાત કરી ત્યારે, તે કંઈ બાબેલોનની દંતકથામાંથી આવેલી અંધશ્રદ્ધાનું પુનરાવર્તન કરી રહ્યા ન હતા. તે જાણતા હતા કે તેઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે.

ઈસુએ તેમના સમયના ધાર્મિક શિક્ષકોને કહેલા શબ્દોને ધ્યાન પર લેવાથી આપણે શેતાન વિષે ઘણું શીખી શકીએ. ઈસુએ તેઓને કહ્યું: “તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથીજ બોલે છે; કેમકે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪.

આમ, શેતાન, કે જેના નામનો ગ્રીક અર્થ ‘નિંદા કરનાર’ થાય છે તે “જૂઠો, અને જૂઠાનો બાપ” હતો. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે) તે એદન બાગમાં પરમેશ્વર વિષે જૂઠું બોલનાર સૌ પ્રથમ દૂત હતો. યહોવાહે આપણા પ્રથમ માબાપને કહ્યું હતું કે ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તેઓ ખાશે તો “મરશે જ મરશે.” શેતાને સર્પનો ઉપયોગ કરીને કહ્યું કે તમે નહિ જ મરશો. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૪) આ રીતે, શેતાનને યોગ્ય રીતે જ “જૂનો સર્પ” અને “દુષ્ટાત્મા તથા શેતાન” કહેવામાં આવ્યો.—પ્રકટીકરણ ૧૨:૯.

શેતાન ભલુંભૂંડું જાણવાના વૃક્ષ વિષે જૂઠું બોલ્યો હતો. તેણે દલીલ કરી કે પરમેશ્વરે વૃક્ષનું ફળ ખાવાની મનાઈ કરી એ યોગ્ય ન હતું; એટલે કે પરમેશ્વર પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હતા. આદમ અને હવાને તેણે કહ્યું કે ભલુંભૂંડું જાણવાથી તમે “દેવના જેવાં” થશો. શેતાને તેઓને બતાવ્યું કે તેઓ સ્વતંત્ર હોવાને લીધે તેઓએ જાતે જ નિર્ણયો લેવા જોઈએ. (ઉત્પત્તિ ૩:૧-૫) આ હુમલાએ પરમેશ્વરના શાસનને લગતો મહત્ત્વનો વાદવિષય ઊભો કર્યો હતો. તેથી, યહોવાહે આ વાદવિષયને થાળે પાડવા માટે સમય આપ્યો. એટલે કે યહોવાહે શેતાનને થોડા સમય માટે રહેવા દેવાની પરવાનગી આપી. તેનો એ મર્યાદિત સમય હવે જલદી જ પૂરો થવાનો છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) તેણે ઈસુના દિવસમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવા લોકોનો ઉપયોગ કરીને પોતાના શિક્ષણને ફેલાવ્યું હતું તેમ, આજે પણ તે જૂઠાણાં અને છેતરપિંડીથી માણસજાતને પરમેશ્વરથી દૂર કરી રહ્યો છે.—માત્થી ૨૩:૧૩, ૧૫.

ઈસુએ એ પણ કહ્યું કે શેતાન “પ્રથમથી મનુષ્યઘાતક હતો” અને “તે સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે) એનો અર્થ એ નથી કે યહોવાહે શેતાનને “મનુષ્યઘાતક” બનાવ્યો હતો. યહોવાહે શેતાનને રાક્ષસ જેવો બનાવીને નરકનો હવાલો સોંપ્યો ન હતો કે જેથી પરમેશ્વરનો વિરોધ કરનારાઓને ત્યાં પીડા આપવામાં આવે. વળી, બાઇબલ ‘નરકનું’ શેતાનના ઘર તરીકે પણ વર્ણન કરતું નથી. એ તો માણસજાતની સામાન્ય કબર છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૫-૨૭; પ્રકટીકરણ ૨૦:૧૩, ૧૪.

શેતાન સૌ પ્રથમ “સત્યમાં” હતો. શરૂઆતમાં, તે યહોવાહના સ્વર્ગીય કુટુંબમાં પરમેશ્વરના આત્મિક પુત્ર તરીકે સંપૂર્ણ દૂત હતો. પરંતુ, તે “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” તેણે પોતાની રીતે અને પોતાના જૂઠા સિદ્ધાંતો પર આધાર રાખ્યો. તેને “પ્રથમથી” પરમેશ્વરના દૂત તરીકે બનાવવામાં આવ્યો હતો. પરંતુ, તેણે જાણીજોઈને યહોવાહ વિરુદ્ધ બંડ પોકાર્યું અને આદમ તથા હવાને જૂઠું કહ્યું ત્યારથી તે શેતાન, દુષ્ટાત્મા તરીકે ઓળખાયો. આ શેતાન મુસાના સમયમાં યહોવાહ વિરુદ્ધ બંડ પોકારનારા જેવો છે. આપણે વાંચીએ છીએ: “તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેનાં છોકરાં રહ્યા નથી, એ તેઓની એબ છે.” (પુનર્નિયમ ૩૨:૫) એવું જ શેતાન વિષે પણ કહી શકાય. તેણે બંડ પોકાર્યું ત્યારે તે “મનુષ્યઘાતક” બન્યો અને તે આદમ તથા હવા અને હકીકતમાં આખા માનવ કુટુંબના મરણ માટે જવાબદાર બન્યો.—રૂમી ૫:૧૨.

અનાજ્ઞાંકિત દૂતો

બીજા દૂતો પણ શેતાનની સાથે બંડ પોકારવામાં જોડાયા. (લુક ૧૧:૧૪, ૧૫) આ દૂતોએ “પોતાનું સ્થાન છોડી દીધું” અને નુહના દિવસોમાં ‘માણસોની દીકરીઓ’ સાથે જાતીય સંબંધનો આનંદ માણવા માનવ સ્વરૂપ ધારણ કર્યું. (યહુદા ૬; ઉત્પત્તિ ૬:૧-૪; ૧ પીતર ૩:૧૯, ૨૦) ‘આકાશના તારાઓનો ત્રીજો ભાગ’ અથવા મોટા ભાગના દૂતોએ એ માર્ગ અપનાવ્યો હતો.—પ્રકટીકરણ ૧૨:૪.

ઉચ્ચ સાંકેતિક પુસ્તક પ્રકટીકરણ શેતાનનું વર્ણન “મોટો લાલ અજગર” તરીકે કરે છે. (પ્રકટીકરણ ૧૨:૩) શા માટે? એટલા માટે નહિ કે તે શાબ્દિક રીતે દેખાવે ભયંકર અને કદરૂપો છે. હકીકતમાં, આપણે જાણતા નથી કે દૂતોનું શરીર કેવું હોય છે. શક્યપણે, શેતાન પણ એ દૂતોથી કંઈ અલગ નહિ હોય. તેમ છતાં, “મોટો લાલ અજગર” તરીકેનું શેતાનનું વર્ણન યોગ્ય જ છે, કેમ કે તે લોભી, બિહામણો, શક્તિશાળી અને વિનાશક દૂત છે.

શેતાન અને તેના અપદૂતો હમણાં સખત નિયંત્રણ હેઠળ છે. તેઓ અગાઉની જેમ હવે ફરીથી ભૌતિક શરીર ધારણ કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્તે ૧૯૧૪માં પરમેશ્વરના રાજ્યની સ્થાપના કરી એના થોડા જ સમય પછી, તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે.—પ્રકટીકરણ ૧૨:૭-૯.

શેતાન શક્તિશાળી દુશ્મન છે

શેતાન શક્તિશાળી દુશ્મન હોવાથી, તે “ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” (૧ પીતર ૫:૮) તે કંઈ આપણા અપૂર્ણ શરીરમાં રહેલી દુષ્ટતા માત્ર નથી. ખરું કે આપણે દરરોજ આપણી પાપી ઇચ્છાઓ વિરુદ્ધ સંઘર્ષ કરીએ છીએ. (રૂમી ૭:૧૮-૨૦) પરંતુ, આપણો ખરેખરો સંઘર્ષ “આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.”—એફેસી ૬:૧૨.

શેતાન આપણા પર કેટલી હદે પ્રભાવ ધરાવે છે? પ્રેષિત યોહાન કહે છે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) જોકે, આપણે શેતાનથી પ્રભાવિત થઈને અથવા તેની બીકથી અંધશ્રદ્ધાને પરવાનગી આપવા ઇચ્છતા નથી. સત્ય પ્રત્યે આપણી આંખો આંધળી કરવાના અને પરમેશ્વર તરફ આપણી પ્રામાણિકતાને તોડવાના તેના પ્રયત્નોથી સાવચેત રહેવામાં જ આપણું ભલું છે.—અયૂબ ૨:૩-૫; ૨ કોરીંથી ૪:૩, ૪.

પરમેશ્વરની ઇચ્છા પૂરી કરનારાઓ પર તે હંમેશા નિર્દય હુમલાનો જ ઉપયોગ કરતો નથી. અમુક સમયે તે “પ્રકાશના દૂતનો” વેશ ધારણ કરે છે. પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને આ ભય વિષે જણાવતા લખ્યું: “પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.”—૨ કોરીંથી ૧૧:૩, ૧૪.

તેથી, આપણે ‘સાવચેત થઈને જાગતા રહીએ’ અને ‘વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થઈએ’ એ ખૂબ જરૂરી છે. (૧ પીતર ૫:૮, ૯; ૨ કોરીંથી ૨:૧૧) મંત્રતંત્રની સાથે સંકળાયેલી કોઈ પણ બાબતમાં રસ ન રાખો કેમ કે એનાથી શેતાન સહેલાઈથી છેતરી શકે છે. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) પરમેશ્વરના શબ્દનો ખંતપૂર્વક અભ્યાસ કરો અને યાદ રાખો કે શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું હતું ત્યારે, ઈસુએ વારંવાર પરમેશ્વરના શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. (માત્થી ૪:૪, ૭, ૧૦) પરમેશ્વરના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરો. એનાં ફળો તમને દેહનાં કાર્યો ટાળવામાં મદદ કરશે જેનો શેતાન અસરકારક રીતે ઉપયોગ કરે છે. (ગલાતી ૫:૧૬-૨૪) અમુક સમયે તમે શેતાન અને તેના ભૂત-પિશાચો તરફથી દબાણનો અનુભવ કરો ત્યારે ખંતપૂર્વક યહોવાહને પ્રાર્થના કરો.—ફિલિપી ૪:૬, ૭.

શેતાન, દુષ્ટાત્માથી બીવાની કોઈ જરૂર નથી. શેતાનની કોઈ પણ કુયુક્તિઓ વિરુદ્ધ રક્ષણ કરવાનું યહોવાહે વચન આપ્યું છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧-૪; નીતિવચનો ૧૮:૧૦; યાકૂબ ૪:૭, ૮) પ્રેષિત પાઊલ કહે છે, “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.” એમ કરીને તમે ‘શેતાનની કુયુક્તિઓની સામે દૃઢ રહી શકશો.’—એફેસી ૬:૧૦, ૧૧.

[પાન ૫ પર ચિત્ર]

ઈસુ જાણતા હતા કે શેતાન વાસ્તવિક વ્યક્તિ છે

[પાન ૬ પર ચિત્ર]

“આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે”

[ક્રેડીટ લાઈન]

NASA photo

[પાન ૭ પર ચિત્રો]

નિયમિત પરમેશ્વરના શબ્દનો અભ્યાસ અને પ્રાર્થના કરીને શેતાનની સામે દૃઢ થાઓ