સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું કોઈ બાબત લોકોને ખરેખર એકતામાં લાવી શકે?

શું કોઈ બાબત લોકોને ખરેખર એકતામાં લાવી શકે?

શું કોઈ બાબત લોકોને ખરેખર એકતામાં લાવી શકે?

તમે ભલે ગમે તે ધર્મમાં માનતા હોવ, પરંતુ તમે સહમત થશો કે લગભગ દરેક ધર્મમાં સત્યને ચાહનારા લોકો હોય છે. સત્યને પ્રેમ કરનારા અને એને શોધનારા લોકો હિંદુ, કૅથલિક, યહુદી અને બીજા ધર્મોમાં પણ જોવા મળી શકે છે. તોપણ, એમ લાગે છે કે ધર્મ માણસજાતમાં ભાગલા પડાવે છે. વળી, કેટલાક લોકો તો ખરાબ બાબતો કરવા માટે પણ ધર્મનો ઉપયોગ કરે છે. શું સત્યને પ્રેમ કરતા, સર્વ ધર્મના પ્રામાણિક લોકો ક્યારેય એક થઈ શકશે? શું તેઓ એક જ હેતુને પૂરો કરવા એકતામાં આવી શકે?

એ જોવું કેટલું દુઃખદ છે કે ધર્મને કારણે લડાઈ-ઝઘડા વધી રહ્યા છે! ધર્મને કારણે થયેલી કેટલીક લડાઈઓનો વિચાર કરો. શ્રીલંકામાં હિંદુઓ અને બૌદ્ધો લડે છે. પ્રોટેસ્ટંટ, કૅથલિક અને યહુદીઓએ અલગ અલગ લડાઈઓમાં લોહી વહેવડાવ્યું છે. કોસોવો, ઇન્ડોનેશિયા, ચૈચન્યા અને બોસ્નિયામાં “કહેવાતા ખ્રિસ્તીઓ” અને મુસલમાનો વચ્ચે લડાઈ થાય છે. માર્ચ ૨૦૦૦માં બે દિવસની ધાર્મિક લડાઈને કારણે ૩૦૦ નાઇજીરિયાના રહેવાસીઓ માર્યા ગયા. ખરેખર, ધાર્મિક ધિક્કારે આ લડાઈઓની ક્રૂરતામાં ઘી રેડ્યું છે.

પ્રામાણિક લોકો અવારનવાર ધર્મના નામે થતા ધતિંગ જોઈને નિરાશ થઈ જાય છે. દાખલા તરીકે, ચર્ચમાં જનારા ઘણા લોકોને એ જાણીને આઘાત લાગે છે કે ચર્ચના પાદરીઓ બાળકોનું જાતીય શોષણ કરે છે તોપણ, એ ચર્ચના અધિકારીઓ આ બધુ ચલાવી લે છે. બીજા કેટલાક લોકો, કહેવાતા ખ્રિસ્તીઓના પંથમાં સજાતીય કુકર્મ અને ગર્ભપાત જેવા વિષયથી ભાગલા પડ્યા હોવાથી, એકદમ ગૂંચવણમાં પડી ગયા છે. સાચે જ, ધર્મ માણસજાતને એકતામાં લાવી શક્યો નથી. તોપણ, ઘણા ધર્મોમાં સત્યને ચાહનારા લોકો છે, જે નીચેનાં ઉદાહરણો પરથી જોવા મળે છે.

તેઓ સત્ય માટે તરસતા હતા

લાપાઝ, બોલિવિયાના, સંત ફ્રાન્સિસ્કો કૅથલિક ચર્ચમાં, ફીડૅલ્યા નામની એક સ્ત્રી પ્રામાણિકતા અને વફાદારીથી ઉપાસના કરતી હતી. તે મેરીની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતી હતી અને ક્રોસ આગળ સૌથી સારી મીણબત્તી સળગાવતી હતી. તે ગરીબ લોકોમાં વહેંચવા માટે, દર સપ્તાહે પાદરીને મોટા પ્રમાણમાં ખોરાક દાનમાં આપતી હતી. તેમ છતાં, ફીડૅલ્યાના પાંચેય બાળકો બાપ્તિસ્મા લે એ પહેલાં જ મૃત્યુ પામ્યાં. પાદરીએ તેને કહ્યું કે તેઓ, લીમ્બોના [આકાશ અને પૃથ્વી વચ્ચેના અવકાશ] અંધકારમાં યાતના ભોગવી રહ્યા છે. તેથી, ફીડૅલ્યા વિચારમાં પડી ગઈ કે ‘પરમેશ્વર પ્રેમાળ અને દયાળુ હોય તો આમ કઈ રીતે થઈ શકે?’

નેપાળ, કાઠમંડુમાં તારા હિંદુ ધર્મમાં ઊછરી હતી જે એક ડૉક્ટર પણ છે. સદીઓથી ચાલી આવતી તેના પૂર્વજોની જૂની રીત પ્રમાણે તે મંદિરમાં દેવોની ઉપાસના કરતી હતી અને પોતાના ઘરમાં પણ મૂર્તિઓ રાખતી હતી. પરંતુ, તારાને અમુક પ્રશ્નો સતાવતા હતા: શા માટે આટલી બધી યાતના છે? શા માટે લોકો મરણ પામે છે? તે પોતાના ધર્મમાંથી આ પ્રશ્નોના સંતોષજનક જવાબો મેળવી શકી નહિ.

બીજી બાજુ, પેન્યા એક બૌદ્ધ તરીકે ઊછર્યો હતો અને થાઇલૅન્ડ, બૅંગકોકમાં એક નહેર નજીક રહેતો હતો. તેને શીખવવામાં આવ્યું હતું કે ગયા જનમનાં ખરાબ કૃત્યોને કારણે આપણે દુઃખ-તકલીફો ભોગવવી પડે છે અને આપણે પોતાની બધી ઇચ્છાઓને મારી નાખીએ તો જ એમાંથી છુટકારો મેળવી શકીએ. બીજા બૌદ્ધોની જેમ, તેને એ પણ શીખવવામાં આવ્યું હતું કે પીળાં કપડાં પહેરીને દરરોજ ઘરે ઘરે ભિક્ષા માગવા આવતા મઠવાસી સાધુઓના ડહાપણને ઊંડું માન આપવું. પછી તે ધ્યાન ધરવા લાગ્યો અને એવી માન્યતા સાથે બુદ્ધની પ્રતિમાઓ અને ચિત્રો એકઠા કરવા લાગ્યો કે એઓ આપણું રક્ષણ કરે છે. પરંતુ, થોડા જ સમયમાં પેન્યાને એક ગંભીર અકસ્માત થયો. એમાં તેનો ડાબી બાજુનો કમરનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હોવાથી તેણે ચમત્કારિક રીતે સાજા થવા બૌદ્ધ મઠોની મુલાકાત લીધી. પરંતુ, તે સાજો થયો નહિ અને તેને કોઈ આત્મિક જ્ઞાન પણ મળ્યું નહિ. એને બદલે, તેને ત્યાં પિશાચવાદ વિષે બતાવવામાં આવ્યું અને તેણે એમાં માનવાનું શરૂ કર્યું.

વર્જિલનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે કાળા મુસલમાનોની ધાર્મિક કૉલેજમાં જોડાયો હતો. તે ઉત્સાહથી તેઓનાં સાહિત્યની વહેંચણી કરતો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે ગોરા માણસો શેતાન છે. તેઓ એમ વિચારતા હતા કે ગોરા લોકો કાળા લોકો વિરુદ્ધ હિંસા આચરે છે. વર્જિલ દિલથી પોતાની માન્યતાઓને માનતો હોવા છતાં, તેને આ પ્રશ્નો મૂંઝવતા હતા: કઈ રીતે સર્વ ગોરા લોકો ખરાબ હોય શકે? આટલો બધો પ્રચાર કરીને પણ તેઓ શા માટે પૈસાને જ મહત્ત્વ આપે છે?

ચારો દક્ષિણ અમેરિકાના કૅથલિક ધર્મમાં ઊછરી હતી છતાં, તે એક ચુસ્ત પ્રોટેસ્ટંટ હતી. તે મૂર્તિઓની ઉપાસના કરવામાં ભાગ લેતી ન હતી. ચારો દર રવિવારે ચર્ચની ઉત્તેજિત કરતી ધાર્મિક વિધિમાં જોડાતી હતી. ત્યાં તે “હાલેલુયાહ” કરીને બૂમો પાડતી હતી અને ધાર્મિક ગીતો ગાવામાં જોડાઈને ડાન્સ કરતી હતી. ચારો ખરેખર એમ માનતી હતી કે તે તારણ પામી છે અને તેનો નવો જન્મ થયો છે. તે પોતાની આવકનો દસમો ભાગ ચર્ચમાં આપતી હતી અને તેનો માનીતો ટીવી સુવાર્તિક પ્રદાન માંગે ત્યારે તે આફ્રિકાના બાળકો માટે પ્રદાન પણ મોકલતી હતી. તેણે એક વાર પોતાના પાદરીને પૂછ્યું કે શા માટે પ્રેમના પરમેશ્વર નરકની યાતના આપે છે. તેણે જોયું કે પાદરી તેના પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શક્યા નથી. પછીથી, તેને એ પણ જાણવા મળ્યું કે તેનાં પ્રદાનોનો આફ્રિકાના બાળકોને મદદ કરવા માટે ઉપયોગ થતો ન હતો.

જુદા જુદા ધર્મોમાંથી આવતી હોવા છતાં, આ પાંચ વ્યક્તિઓમાં કંઈક સરખાપણું જોવા મળે છે: તેઓ સત્યને પ્રેમ કરનારી હતી અને પ્રામાણિકપણે પોતાના પ્રશ્નોના સાચા જવાબ શોધતી હતી. પરંતુ, શું તેઓ ખરેખર સાચી ઉપાસનામાં એક થઈ શકે? આ પ્રશ્નનો જવાબ આપણે હવે પછીના લેખમાં જોઈશું.

[પાન ૪ પર ચિત્ર]

શું જુદા જુદા ધર્મના લોકો એક થાય એ શક્ય છે?

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

G.P.O., Jerusalem