સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે?

શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે?

શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે?

“જો તું યહોવાહ તારા દેવની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે.”—પુનર્નિયમ ૨૮:૨.

૧. ઈસ્રાએલીઓને આશીર્વાદ કે શાપ મળે, એ શાના પર આધારિત હતું?

 ઈસ્રાએલી લોકો લગભગ ૪૦ વર્ષથી અરણ્યમાં હતા. ચાલીસમાં વર્ષના અંતે તેઓએ મોઆબના મેદાનમાં છાવણી નાખી. હવે વચનનો દેશ તેઓની નજર આગળ હતો. ત્યાં મુસાએ પુનર્નિયમનું પુસ્તક લખ્યું, જેમાં આશીર્વાદો અને શાપનો સમાવેશ થાય છે. જો ઈસ્રાએલના લોકો ‘યહોવાહ દેવની વાણી સાંભળતા રહીને’ તેમને આધીન રહે તો, તેઓ આશીર્વાદો મેળવવાના હતા. યહોવાહ તેઓને પોતાના “ખાસ ધન” તરીકે પ્રેમ કરતા હતા અને તેઓના લાભમાં પોતાની શક્તિ બતાવવા ઇચ્છતા હતા. પરંતુ, જો તેઓ તેમનું ના સાંભળે તો, તેઓ પર સાચે જ શાપ આવવાનો હતો.—પુનર્નિયમ ૮:૧૦-૧૪; ૨૬:૧૮; ૨૮:૨, ૧૫.

૨. પુનર્નિયમ ૨૮:૨માં “સાંભળશે” અને ‘આવશે ને મળશે,’ હેબ્રી ક્રિયાપદોનો શું અર્થ થાય છે?

પુનર્નિયમ ૨૮:૨માં “સાંભળશે” ભાષાંતર થયેલા હેબ્રી ક્રિયાપદનો અર્થ, સતત સાંભળતા રહેવું થાય છે. યહોવાહના લોકોએ મન ફાવે ત્યારે જ તેમનું સાંભળવાનું ન હતું. પરંતુ, તેઓએ હંમેશા દરેક બાબતમાં યહોવાહનું સાંભળતા રહેવાનું હતું. ત્યારે જ તેઓ પરમેશ્વરના આશીર્વાદો મેળવવાના હતા. ‘આવશે ને મળશે’ ભાષાંતર થયેલા હેબ્રી ક્રિયાપદનો અર્થ એવો થાય છે કે, જાણે શિકાર કરતી વ્યક્તિ એને “પકડી પાડે” કે “પહોંચી વળે.”

૩. આપણે કઈ રીતે યહોશુઆ જેવા બની શકીએ અને એ શા માટે મહત્ત્વનું છે?

ઈસ્રાએલી આગેવાન યહોશુઆએ યહોવાહનું સાંભળવું પસંદ કર્યું, જેના લીધે તેમણે ઘણા આશીર્વાદો મેળવ્યા. યહોશુઆએ કહ્યું: “તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો; . . . પણ હું અને મારા ઘરનાં તો યહોવાહની જ સેવા કરીશું.” ત્યારે લોકોએ જવાબ આપ્યો: “એવું ન થવા દો કે યહોવાહને મૂકી દઈને અમે બીજા દેવોની સેવા કરીએ.” (યહોશુઆ ૨૪:૧૫, ૧૬) યહોશુઆનું સારું વલણ હોવાથી, તેમની પેઢીના થોડા લોકો સાથે તેમને પણ વચનના દેશમાં પ્રવેશવાનો લહાવો મળ્યો હતો. આજે, આપણે વચનના દેશ કરતાં પણ વધારે ચઢિયાતા દેશ, એટલે કે બગીચા જેવી સુંદર પૃથ્વીના ઉંબરે આવીને ઊભા છીએ. તેથી, આપણા માટે યહોશુઆના સમયમાં પરમેશ્વરની સેવા કરનારાઓ કરતાં પણ વધારે આશીર્વાદો રહેલા છે. શું તમે એ આશીર્વાદો મેળવવા ત્યાં હશો? જો તમે યહોવાહનું સાંભળતા રહેશો તો, તમને પણ જરૂર એ આશીર્વાદો મળશે. તમે તમારા વિશ્વાસમાં વધુ દૃઢ થઈ શકો એ માટે પ્રાચીન ઈસ્રાએલના ઇતિહાસને તેમ જ કેટલીક વ્યક્તિઓનાં ઉદાહરણોને તપાસો.—રૂમી ૧૫:૪.

આશીર્વાદ કે શાપ?

૪. સુલેમાનની પ્રાર્થનાના જવાબમાં, યહોવાહે તેમને શું આપ્યું અને આવા આશીર્વાદો વિષે આપણને કેવું લાગવું જોઈએ?

રાજા સુલેમાનના સમયમાં, ઈસ્રાએલીઓએ યહોવાહ તરફથી પુષ્કળ આશીર્વાદો મેળવ્યા. તેઓએ સલામતી તેમ જ દરેક સારી વસ્તુઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. (૧ રાજા ૪:૨૫) જોકે, સુલેમાને પરમેશ્વર પાસેથી ધનસંપત્તિ માંગી ન હતી, તોપણ તેમણે પુષ્કળ ધન મેળવ્યું હતું. પોતે યુવાન અને બિનઅનુભવી હોવાથી, તેમણે આજ્ઞાંકિત હૃદય માટે પ્રાર્થના કરી. તેથી, યહોવાહે તેમના પર જ્ઞાન અને ડહાપણનો આશીર્વાદ વરસાવ્યો. એને લીધે સુલેમાન ખરા-ખોટાંનો ભેદ પારખીને લોકોનો સારી રીતે ન્યાય કરી શક્યા. યહોવાહે તેમને ધન અને મહિમા આપ્યા હોવા છતાં, એક યુવાન તરીકે, સુલેમાને આત્મિક ધન વધારે મૂલ્યવાન ગણ્યું. (૧ રાજા ૩:૯-૧૩) તેથી, ભલે આપણે ધનવાન હોઈએ કે ગરીબ એ મહત્ત્વનું નથી. પરંતુ, આપણા પર યહોવાહનો આશીર્વાદ અને કૃપા હોય તો આપણે કેટલા સુખી બની શકીએ!

૫. ઈસ્રાએલ અને યહુદાહના લોકોએ યહોવાહનું સાંભળ્યું નહિ ત્યારે શું થયું?

ઈસ્રાએલીઓ યહોવાહે આપેલા આશીર્વાદોની કદર કરવામાં નિષ્ફળ ગયા. તેઓએ યહોવાહનું ન સાંભળ્યું હોવાથી, ભાખવામાં આવ્યું હતું તેમ તેઓ પર શાપ આવ્યો. પરિણામે, ઈસ્રાએલ અને યહુદાહનાં રહેવાસીઓને તેમના દુશ્મનો હરાવીને ગુલામીમાં લઈ ગયા. (પુનર્નિયમ ૨૮:૩૬; ૨ રાજા ૧૭:૨૨, ૨૩; ૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૦) શું યહોવાહના લોકો એમાંથી શીખ્યા કે, તેઓ યહોવાહનું સાંભળતા રહેશે તો જ તેમના આશીર્વાદ મળશે? યહુદીઓનો શેષભાગ ૫૩૭ બી.સી.ઈ.માં પોતાના વતનમાં પાછો ફર્યો ત્યારે, તેઓ માટે એ સાબિત કરવાની સુંદર તક હતી કે તેઓએ “જ્ઞાનવાળું હૃદય” મેળવ્યું છે અને તેઓ હવે યહોવાહનું સાંભળતા રહેશે.—ગીતશાસ્ત્ર ૯૦:૧૨.

૬. (ક) શા માટે યહોવાહે હાગ્ગાય અને ઝખાર્યાહ પ્રબોધકોને પોતાના લોકો પાસે મોકલ્યા હતા? (ખ) હાગ્ગાય દ્વારા યહોવાહે આપેલા સંદેશામાં કયો સિદ્ધાંત જોવા મળે છે?

પાછા ફરેલા યહુદીઓએ વેદી બાંધી અને યરૂશાલેમના મંદિરનું બાંધકામ કરવાનું શરૂ કર્યું. પરંતુ, તેઓ પર સખત સતાવણી આવી ત્યારે, તેઓનો ઉત્સાહ ઠંડો થઈ ગયો અને બાંધકામ અટકી ગયું. (એઝરા ૩:૧-૩, ૧૦; ૪:૧-૪, ૨૩, ૨૪) તેઓએ એશઆરામને પણ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું. તેથી, યહોવાહે, હાગ્ગાય અને ઝખાર્યાહ પ્રબોધકોને મોકલીને સાચી ઉપાસના માટે તેઓને ફરીથી ઉત્સાહી કર્યા. હાગ્ગાય દ્વારા યહોવાહે કહ્યું: “આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે શું? . . . તમારા માર્ગો વિષે વિચાર કરો. તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; . . . અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.” (હાગ્ગાય ૧:૪-૬) હા, આત્મિક બાબતોને બદલે ભૌતિક બાબતો પાછળ મંડ્યા રહેવાથી યહોવાહનો આશીર્વાદ મળતો નથી.—લુક ૧૨:૧૫-૨૧.

૭. યહોવાહ શા માટે યહુદીઓને કહે છે કે “તમારા માર્ગો વિષે વિચાર કરો”?

રોજિંદી ચિંતાઓમાં ફસાઈ જઈને યહુદીઓ એ ભૂલી ગયા, કે તેઓ સતાવણીમાં પણ યહોવાહને આધીન રહેશે તો જ, તે તેઓને વરસાદ અને મહેનતનાં ફળથી આશીર્વાદિત કરશે. (હાગ્ગાય ૧:૯-૧૧) તેથી, આ સલાહ કેટલી યોગ્ય છે: “તમારા માર્ગો વિષે વિચાર કરો”! (હાગ્ગાય ૧:૭) હકીકતમાં, યહોવાહ તેઓને કહી રહ્યા હતા: ‘વિચાર કરો! ખેતરોમાં તમારી નકામી મહેનત અને ઉજ્જડ પડેલા મારા મંદિર વચ્ચેના સંબંધનો વિચાર કરો.’ આખરે, યહોવાહના પ્રબોધકો દ્વારા આ શબ્દો તેઓના હૃદય સુધી પહોંચ્યા. તેઓએ ફરીથી મંદિરનું બાંધકામ શરૂ કર્યું અને ૫૧૫ બી.સી.ઈ.માં પૂરું કર્યું.

૮. યહોવાહે માલાખીના સમયના યહુદીઓને શું આગ્રહ કર્યો અને શા માટે?

ત્યાર પછી, પ્રબોધક માલાખીના દિવસોમાં, યહુદીઓ ફરીથી આત્મિક રીતે ઠંડા પડી ગયા. અરે, તેઓ યહોવાહને અસ્વીકાર્ય બલિદાનો પણ ચઢાવવાં લાગ્યાં. (માલાખી ૧:૬-૮) તોપણ, યહોવાહ પોતાના ભંડારમાં યહુદીઓને તેઓની પેદાશનો દસમો ભાગ લાવવાનો આગ્રહ કરે છે અને એમ પોતાનું પારખું લેવાનું ઉત્તેજન આપે છે. તેઓ એમ કરશે તો, યહોવાહ જણાવે છે કે તે તેઓ માટે આકાશની બારીઓ ખોલીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય એટલો બધો આશીર્વાદ આપશે. (માલાખી ૩:૧૦) યહુદીઓ કેટલા મૂર્ખ હતા, કેમ કે જો તેઓ યહોવાહનું સાંભળે તો, જેની પાછળ તેઓ નકામી મહેનત કરતા હતા એ તેઓને પરમેશ્વર પોતે ભરપૂર પ્રમાણમાં આપવાના હતા!—૨ કાળવૃત્તાંત ૩૧:૧૦.

૯. આપણે કઈ ત્રણ વ્યક્તિઓ વિષે બાઇબલમાંથી શીખીશું?

બાઇબલ ઈસ્રાએલ રાષ્ટ્રના ઇતિહાસ ઉપરાંત, બીજી વ્યક્તિઓના અહેવાલો પણ જણાવે છે. એ અહેવાલો બતાવે છે કે જેઓએ યહોવાહનું સાંભળ્યું, તેઓએ આશીર્વાદ મેળવ્યા અને ન સાંભળ્યું તેઓ પર શાપ આવ્યો. ચાલો આપણે બોઆઝ, નાબાલ અને હાન્‍નાહના અહેવાલો જોઈએ અને એમાંથી શીખીએ. તેઓ વિષે વધુ જાણવા તમે, રૂથનું પુસ્તક, ૧ શમૂએલ ૧:૧–૨:૨૧ અને ૧ શમૂએલ ૨૫:૨-૪૨ વાંચી શકો.

બોઆઝે યહોવાહનું સાંભળ્યું

૧૦. બોઆઝ અને નાબાલમાં કઈ બાબતો સરખી હતી?

૧૦ બોઆઝ અને નાબાલ, તેઓ બંને જુદા જુદા સમયે થઈ ગયા હતા. તોપણ, તેઓમાં અમુક બાબતો સરખી હતી. દાખલા તરીકે, તેઓ બંને યહુદાહમાં રહેતા હતા. તેમ જ તેઓ ધનવાન હતા. વળી, તેઓ બંને પાસે નિઃસહાય વ્યક્તિઓને મદદ કરવાની ખાસ તક પણ હતી. પરંતુ, તેઓમાં ફક્ત આટલું જ સરખાપણું હતું.

૧૧. બોઆઝે કઈ રીતે બતાવ્યું કે તે યહોવાહનું સાંભળતા હતા?

૧૧ બોઆઝ ઈસ્રાએલના ન્યાયાધીશોના સમયમાં જીવતા હતા. તે બીજાઓ સાથે માનથી વર્તતા હતા. આથી, તેમના મજૂરો પણ તેમને ખૂબ માન આપતા હતા. (રૂથ ૨:૪) નિયમ પ્રમાણે બોઆઝે આજ્ઞા આપી હતી કે તેમના ખેતરમાંથી પાક લણી લીધા પછી ગરીબ અને દુઃખી વ્યક્તિઓ માટે કંઈક ધાન રહેવા દેવામાં આવે. (લેવીય ૧૯:૯, ૧૦) બોઆઝે રૂથ અને નાઓમી વિષે સાંભળ્યું અને રૂથ પોતાની વૃદ્ધ સાસુનું ભરણપોષણ કરવા સખત મહેનત કરતી હતી એ જોયું ત્યારે તેમણે શું કર્યું? તેમણે રૂથ પ્રત્યે વધારે દયા બતાવી અને તેમના માણસોને આજ્ઞા આપી કે તેને ખેતરમાંથી અનાજ ભેગું કરવા દે. આમ, બોઆઝે વાણી અને કાર્યોથી બતાવ્યું કે પોતે આત્મિક વ્યક્તિ હતા અને યહોવાહનું સાંભળતા હતા. તેથી, તેમણે યહોવાહની કૃપા અને આશીર્વાદો પણ મેળવ્યા.—લેવીય ૧૯:૧૮; રૂથ ૨:૫-૧૬.

૧૨, ૧૩. (ક) યહોવાહના નિયમ પ્રત્યે બોઆઝે કઈ રીતે ઊંડું માન બતાવ્યું? (ખ) યહોવાહે બોઆઝને કયા આશીર્વાદો આપ્યા?

૧૨ બોઆઝે યહોવાહનું સાંભળ્યું એનો સુંદર પુરાવો એ હતો કે, તેમણે મૂલ્ય આપીને છોડાવવાનો પરમેશ્વરનો નિયમ પાળવા કોઈ સ્વાર્થ વિના પગલાં લીધાં. નાઓમીના મરણ પામેલા પતિનું નામ અલીમેલેખ હતું. અલીમેલેખનો વારસો તેના કુટુંબમાં જ રહે એ માટે બોઆઝે તેનાથી બનતું બધું જ કર્યું. ‘ધણીના ભાઈ સાથે પરણવામાં’ એક વિધવા પોતાના પતિના નજીકના સગાં સાથે લગ્‍ન કરી શકતી હતી. જેથી, તેઓને જે દીકરો જન્મે એનાથી વંશવેલો ચાલુ રહે. (પુનર્નિયમ ૨૫:૫-૧૦; લેવીય ૨૫:૪૭-૪૯) નાઓમી વૃદ્ધ હોવાથી તેને બાળકો થઈ શકે એમ ન હતા. તેથી, નાઓમીની જગ્યાએ રૂથ લગ્‍ન કરવા તૈયાર થઈ. પરંતુ, અલીમેલેખના નજીકના સગાએ નાઓમીને મદદ કરવાની ના પાડી. તેથી, બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યા. પછી, તેઓને ઓબેદ નામે દીકરો થયો, જેને નાઓમીના દીકરા તરીકે ગણવામાં આવ્યો અને તે અલીમેલેખનો કાયદેસર વારસ બન્યો.—રૂથ ૨:૧૯, ૨૦; ૪:૧, ૬, ૯, ૧૩-૧૬.

૧૩ બોઆઝે આ સર્વ પરમેશ્વરના નિયમ પ્રમાણે કર્યું હોવાથી તેમને ભરપૂર આશીર્વાદ આપવામાં આવ્યા. તેમના દીકરા ઓબેદ દ્વારા, બોઆઝ અને રૂથને ઈસુ ખ્રિસ્તના પૂર્વજો બનવાનો લહાવો મળ્યો. (રૂથ ૨:૧૨; ૪:૧૩, ૨૧, ૨૨; માત્થી ૧:૧, ૫, ૬) બોઆઝનાં નિઃસ્વાર્થ કાર્યોથી, આપણને શીખવા મળે છે કે જેઓ બીજાઓ પર પ્રેમ રાખે છે અને યહોવાહના નિયમ પ્રમાણે જીવે છે, તેઓને તે અઢળક આશીર્વાદો આપે છે.

નાબાલે સાંભળ્યું નહિ

૧૪. નાબાલ કેવો માણસ હતો?

૧૪ બોઆઝની સરખામણીમાં નાબાલ, યહોવાહનું સાંભળવામાં નિષ્ફળ ગયો. તેણે પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન કર્યું: “જેમ પોતા પર તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ.” (લેવીય ૧૯:૧૮) નાબાલ આત્મિક માણસ ન હતો; તેમ જ તે “અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો.” અરે, તેના પોતાના ચાકરો પણ તેને “હઠીલો અને જડ” [IBSI] ગણતા હતા. યોગ્ય રીતે જ, નાબાલનો અર્થ “નાદાન” અથવા “મૂર્ખ” થાય છે. (૧ શમૂએલ ૨૫:૩, ૧૭, ૨૫) તેથી, યહોવાહના અભિષિક્ત, દાઊદ પ્રત્યે દયા બતાવવાની નાબાલને તક મળી ત્યારે તેણે શું કર્યું?—૧ શમૂએલ ૧૬:૧૩.

૧૫. નાબાલે દાઊદ સાથે કેવો વ્યવહાર કર્યો અને અબીગાઈલ કઈ રીતે પોતાના પતિથી ભિન્‍ન હતી?

૧૫ દાઊદ અને તેમના માણસો નાબાલના ઘેટાંના ટોળાની પાસે છાવણી નાખીને રહેતા હતા ત્યારે, તેઓ કોઈ પ્રકારનું મહેનતાણું માંગ્યા વગર, લૂંટારું ટોળકીથી એઓનું રક્ષણ કરતા હતા. નાબાલના એક ઘેટાંપાળકે કહ્યું, “રાત્રે તેમજ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા.” તેમ છતાં, દાઊદના માણસોએ ખોરાક માંગ્યો ત્યારે, નાબાલ “તેમના પર ઊતરી પડ્યો” અને તેઓને ખાલી હાથે પાછા મોકલ્યા. (૧ શમૂએલ ૨૫:૨-૧૬) પરંતુ, નાબાલની પત્ની, અબીગાઈલ દાઊદ માટે જરૂરી ખોરાક લઈ ઉતાવળે પહોંચી ગઈ. દાઊદ અતિશય ક્રોધે ભરાઈને નાબાલ અને તેના માણસોને મારી નાખવા જ જતા હતા. પરંતુ, અબીગાઈલના સારા વર્તનને લીધે ઘણા લોકોના જીવન બચી ગયાં અને દાઊદ રક્તદોષી બનતા અટકી ગયા. તોપણ નાબાલનો લોભ અને ક્રૂરતા ઘણી વધી ગઈ હતી. લગભગ દસ દિવસ પછી, “યહોવાહે નાબાલને એવો માર્યો કે તે મરણ પામ્યો.”—૧ શમૂએલ ૨૫:૧૮-૩૮.

૧૬. આપણે કઈ રીતે બોઆઝને અનુસરીને નાબાલ જેવા બનવાનું ટાળી શકીએ?

૧૬ બોઆઝ અને નાબાલ વચ્ચે કેવો આભ-જમીનનો તફાવત! આપણે નાબાલ જેવું નિર્દયી અને સ્વાર્થી વલણ ટાળવું જોઈએ. તેમ જ બોઆઝની જેમ દયાળુ અને નિઃસ્વાર્થ વલણ બતાવવું જોઈએ. (હેબ્રી ૧૩:૧૬) આપણે પ્રેષિત પાઊલની સલાહ લાગુ પાડીને એમ કરી શકીએ: “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) યહોવાહના ૧,૪૪,૦૦૦ અભિષિક્ત જનો સ્વર્ગમાં અમરપણું મેળવશે, તેઓમાંનો શેષભાગ હજુ પૃથ્વી પર છે. તેઓનું સારું કરવાનો લહાવો આજે ઈસુના “બીજાં ઘેટાં,” એટલે કે પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા ખ્રિસ્તીઓ પાસે છે. (યોહાન ૧૦:૧૬; ૧ કોરીંથી ૧૫:૫૦-૫૩; પ્રકટીકરણ ૧૪:૧,) આપણે તેઓ પ્રત્યે સારું કરીએ છીએ ત્યારે, જાણે પોતાની સાથે સારું કરવામાં આવ્યું હોય એ રીતે ઈસુ એને જુએ છે. એમ કરવાથી આપણને યહોવાહના ભરપૂર આશીર્વાદો પણ મળે છે.—માત્થી ૨૫:૩૪-૪૦; ૧ યોહાન ૩:૧૮.

હાન્‍નાહની કસોટી અને આશીર્વાદો

૧૭. હાન્‍નાહ પર કેવી કસોટી આવી અને તેણે કેવું વલણ બતાવ્યું?

૧૭ હાન્‍નાહ યહોવાહનો ભય રાખનારી સ્ત્રી હતી. તેથી, તેને પણ યહોવાહે આશીર્વાદ આપ્યો. હાન્‍નાહ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં પોતાના લેવી પતિ એલ્કાનાહ સાથે રહેતી હતી. નિયમમાં છૂટછાટ આપવામાં આવી હોવાથી, એલ્કાનાહને પનિન્‍નાહ નામે બીજી પત્ની પણ હતી. હાન્‍નાહને છોકરાં ન હતાં, જે ઈસ્રાએલી સ્ત્રી માટે કલંકરૂપ બાબત હતી, જ્યારે કે પનિન્‍નાહને ઘણાં બાળકો હતાં. (૧ શમૂએલ ૧:૧-૩; ૧ કાળવૃત્તાંત ૬:૧૬, ૩૩, ૩૪) પનિન્‍નાહ, હાન્‍નાહને દિલાસો આપવાને બદલે, તેની સાથે એટલી નિર્દયતાથી વર્તતી કે હાન્‍નાહ ઉદાસ થઈને ઘણી રડતી અને ખાતી પણ ન હતી. એટલું પૂરતું ન હોય એમ, “વરસોવરસ” તેઓનું કુટુંબ શિલોહમાં યહોવાહના મંદિરે જતું ત્યારે, પનિન્‍નાહ આ જ રીતે વર્તતી હતી. (૧ શમૂએલ ૧:૪-૮) પનિન્‍નાહ કેવા પથ્થર દિલની હતી અને હાન્‍નાહ માટે એ કેવો કસોટીનો સમય હતો! તોપણ, હાન્‍નાહે કદી પણ યહોવાહને દોષ આપ્યો ન હતો અને તેનો પતિ શિલોહમાં જતો ત્યારે, તે પણ ઘરે બેસી રહેવાને બદલે પતિ સાથે જતી હતી. તેથી, છેવટે તેણે ભરપૂર આશીર્વાદો મેળવ્યા.

૧૮. હાન્‍નાહે કેવું ઉદાહરણ બેસાડ્યું?

૧૮ હાન્‍નાહે આજના યહોવાહના લોકો માટે સારું ઉદાહરણ બેસાડ્યું, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓને બીજાઓની કઠોર ટીકાથી દુઃખ પહોંચ્યું હોય શકે. એવી પરિસ્થિતિમાં, પોતે બીજાઓથી અલગ રહેવાથી સમસ્યા હલ થશે નહિ. (નીતિવચનો ૧૮:૧) હાન્‍નાહને પોતાની મુશ્કેલીઓ હતી, તોપણ પરમેશ્વરનો શબ્દ શીખવવામાં આવતો હોય અને ઉપાસના માટે લોકો ભેગા મળ્યા હોય ત્યાં જવાનો તેનો ઉત્સાહ ઠંડો પડી ગયો ન હતો. તેથી, તે આત્મિક રીતે દૃઢ રહી. હાન્‍નાહને આત્મિક બાબતો માટે કેટલી ઊંડી કદર હતી એ આપણને ૧ શમૂએલ ૨:૧-૧૦માં નોંધવામાં આવેલી તેની સુંદર પ્રાર્થનામાંથી જોવા મળે છે. *

૧૯. આપણે આત્મિક બાબતો માટેની કદર કઈ રીતે બતાવી શકીએ?

૧૯ આજે યહોવાહના સેવકો તેમની ઉપાસના કોઈ મંદિરમાં કરતા નથી. તેમ છતાં, હાન્‍નાહની જેમ આપણે પણ આત્મિક બાબતો માટે કદર બતાવી શકીએ. દાખલા તરીકે, આપણે પણ નિયમિત રીતે ખ્રિસ્તી સભાઓમાં, સંમેલનોમાં અને મહાસંમેલનોમાં જઈને આત્મિક બાબતો માટે ઊંડી કદર બતાવી શકીએ. તેથી ચાલો, આપણે આ ગોઠવણથી એકબીજાને યહોવાહની સાચી ઉપાસના કરવા ઉત્તેજન આપીએ, જેમણે આપણને “નિર્ભયતાથી . . . શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેની સેવા” કરવાની તક આપી છે.—લુક ૧:૭૪, ૭૫; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૨૦, ૨૧. યહોવાહની શુદ્ધ ભક્તિ માટે હાન્‍નાહે જે પ્રેમ બતાવ્યો એનો તેને કેવો આશીર્વાદ મળ્યો?

૨૦ યહોવાહની શુદ્ધ ભક્તિ માટે હાન્‍નાહે જે ઊંડી કદર બતાવી એની તેમણે નોંધ લીધી અને તેને ભરપૂર આશીર્વાદ આપ્યો. તેમનું કુટુંબ દર વર્ષે શિલોહમાં જતું હતું. એવા જ એક વર્ષે હાન્‍નાહે શિલોહમાં આંસુ સહિત પરમેશ્વરને આજીજી કરીને પ્રાર્થના કરી અને માનતા લીધી: “હે સૈન્યોના દેવ યહોવાહ, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભારીશ, ને તારી દાસીને વિસરીશ નહિ, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાહને અર્પણ કરીશ.” (૧ શમૂએલ ૧:૯-૧૧) પરમેશ્વરે હાન્‍નાહની વિનંતી સાંભળી અને તેને દીકરાથી આશીર્વાદિત કરી, જેનું નામ તેણે શમૂએલ પાડ્યું. તેણે ધાવણ છોડ્યું ત્યારે, હાન્‍નાહ તેને લઈને શિલોહમાં ગઈ કે જેથી તે મંદિરમાં યહોવાહની સેવા કરી શકે.—૧ શમૂએલ ૧:૨૦, ૨૪-૨૮.

૨૧ હાન્‍નાહે પરમેશ્વર પ્રત્યે પ્રેમ બતાવ્યો અને શમૂએલને લગતી પોતાની માનતા પૂરી કરી. તેઓનો વહાલો દીકરો યહોવાહના મંદિરમાં સેવા કરતો હતો એ કારણે, હાન્‍નાહ અને એલ્કાનાહને જે ભરપૂર આશીર્વાદ મળ્યા એનો વિચાર કરો! આજે ઘણા ખ્રિસ્તી માબાપો પણ એવો જ આનંદ માણે છે અને આશીર્વાદ મેળવે છે. કેમ કે તેઓના દીકરા અને દીકરીઓ પૂરા સમયના પાયોનિયર સેવક તરીકે, બેથેલમાં અથવા બીજી રીતે સેવા કરીને યહોવાહને મહિમા આપે છે.

યહોવાહનું સાંભળતા રહો!

૨૨, ૨૩. (ક) આપણે યહોવાહનું સાંભળતા રહીશું તો, શાની ખાતરી રાખી શકીએ? (ખ) આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૨ આપણે યહોવાહનું સાંભળતા રહીશું તો કઈ ખાતરી રાખી શકીએ? આપણે પરમેશ્વરને પૂરા જીવથી ભજીશું અને આપણાં કાર્યોથી બતાવીશું કે આપણે તેમના સમર્પિત સેવકો છીએ તો, આપણે ભરપૂર આશીર્વાદો મેળવીશું. યહોવાહના માર્ગમાં ચાલવા ગમે તેવી સતાવણી સહેવી પડે તોપણ, આપણે ટકી રહીશું તો, આપણે કલ્પના પણ કરી નહિ હોય એવી રીતે તે આપણને આશીર્વાદ આપશે.—ગીતશાસ્ત્ર ૩૭:૪; હેબ્રી ૬:૧૦.

૨૩ યહોવાહના સેવકો ભવિષ્યમાં પણ બીજા ઘણા આશીર્વાદો મેળવશે. યહોવાહનું સાંભળતા રહીને “મોટી સભા,” “મોટી વિપત્તિમાંથી” બચી જશે અને પરમેશ્વરની નવી દુનિયામાં રહીને એનો આનંદ માણશે. (પ્રકટીકરણ ૭:૯-૧૪; ૨ પીતર ૩:૧૩) ત્યાં યહોવાહ પોતાના લોકોની સર્વ ઇચ્છાઓને તૃપ્ત કરશે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) હવે પછીનો લેખ બતાવશે કે હમણાં પણ જેઓ યહોવાહનું સાંભળે છે તેઓને ‘ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાનનો’ આશીર્વાદ આપવામાં આવ્યો છે.—યાકૂબ ૧:૧૭.

[ફુટનોટ]

^ હાન્‍નાહના શબ્દો અમુક અંશે કુંવારી મરિયમના શબ્દો જેવા જ છે, જે તેણે પોતે મસીહની માતા બનવાની છે એ સાંભળ્યા પછી કહ્યા હતા.—લુક ૧:૪૬-૫૫.

શું તમને યાદ છે?

• ઈસ્રાએલનો ઇતિહાસ આપણને પરમેશ્વરના આશીર્વાદો વિષે શું શીખવે છે?

• બોઆઝ અને નાબાલ કઈ રીતે ભિન્‍ન હતા?

• આપણે કઈ રીતે હાન્‍નાહનું અનુકરણ કરી શકીએ?

• આપણે શા માટે યહોવાહનું સાંભળતા રહેવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

રાજા સુલેમાને આજ્ઞાંકિત હૃદય માટે પ્રાર્થના કરી અને યહોવાહે તેમને ડહાપણથી આશીર્વાદિત કર્યા

[પાન ૧૨ પર ચિત્ર]

બોઆઝે બીજાઓને આદર આપ્યો અને દયા બતાવી

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો હોવાથી, હાન્‍નાહને ભરપૂર આશીર્વાદ આપવામાં આવ્યો