સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘સદાચારીના માર્ગે’ ચાલો

‘સદાચારીના માર્ગે’ ચાલો

‘સદાચારીના માર્ગે’ ચાલો

યશાયાહ પ્રબોધકે બતાવ્યું, “ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.” તેમણે એમ પણ કહ્યું, “ન્યાયીનો માર્ગ સીધો છે; તું ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવે છે.” (યશાયાહ ૩:૧૦; ૨૬:૭) તેથી, આપણે સારાં ફળો પેદાં કરવાં પરમેશ્વરની નજરમાં જે ખરું છે એ જ કરવું જોઈએ.

તો પછી, કઈ રીતે આપણે ન્યાયી કે સદાચારીના માર્ગમાં ચાલી શકીએ? એ માર્ગમાં ચાલવાથી આપણે કેવી સારી બાબતોની આશા રાખી શકીએ છીએ? પરમેશ્વરનાં ન્યાયી ધોરણોના સુમેળમાં ચાલવાથી એની બીજાઓ પર શું અસર પડી શકે? સદાચારીઓ અને દુષ્ટો વચ્ચે તફાવત બતાવતા, પ્રાચીન સમયના સુલેમાન રાજાએ આ પ્રશ્નોના જવાબ બાઇબલના નીતિવચનોના પુસ્તકના દસમા અધ્યાયમાં આપ્યા છે. અહીં તેમણે “સદાચારી” કે “નેક” વગેરે શબ્દનો ૧૩ વખત ઉપયોગ કર્યો છે. કલમ ૧૫થી ૩૨ સુધીમાં એનો નવ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીતિવચનો ૧૦:૧૫-૩૨ની ઉત્તેજન આપનાર ચર્ચાનો વિચાર કરો. *

શિસ્તને વળગી રહો

સુલેમાન સદાચારી હોવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. તે કહે છે: “દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે.” (આ લેખમાં અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—નીતિવચનો ૧૦:૧૫, ૧૬.

મજબૂત કિલ્લેબંધીવાળા નગરમાં રહેનારાઓનું અમુક હદે રક્ષણ થાય છે તેમ, જીવનની અમુક અનિશ્ચિત બાબતો સામે દ્રવ્ય આપણું રક્ષણ કરી શકે છે. અચાનક અમુક કારણસર પરિસ્થિતિ બદલાય ત્યારે, ગરીબી વિનાશક સાબિત થઈ શકે. (સભાશિક્ષક ૭:૧૨) તેમ છતાં, શાણા રાજા કદાચ દ્રવ્ય અને ગરીબી બંનેમાં રહેલા ભયનો ઉલ્લેખ કરે છે. ધનવાન માણસ, તેની મૂલ્યવાન વસ્તુઓ “કિલ્લેબંધીવાળું શહેર છે” એમ વિચારીને પોતાનો બધો જ ભરોસો સંપત્તિમાં મૂકી શકે. (નીતિવચનો ૧૮:૧૧) ગરીબ માણસ પણ એવું વિચારી શકે કે પોતાની ગરીબાઈને કારણે તેનું ભવિષ્ય આશા વગરનું છે. આમ, બંને વ્યક્તિઓ પરમેશ્વરની નજરમાં સારું નામ બનાવવામાં નિષ્ફળ જાય છે.

બીજી બાજુ, સદાચારી વ્યક્તિ પાસે ભૌતિક રીતે થોડું કે વધારે હશે તોપણ, તેનાં પ્રામાણિક કાર્યો તેને જીવન તરફ દોરી જાય છે. કઈ રીતે? તે પોતાની પાસે જે છે એનાથી સંતુષ્ટ હોય છે. તે પોતાની નાણાકીય સ્થિતિને પરમેશ્વર સાથેના તેના સારા સંબંધની આડે આવવા દેતી નથી. સદાચારી માણસ ભલે ધનવાન કે ગરીબ હોય, પરંતુ તે પોતાની જીવન ઢબથી હમણાં સુખ મેળવે છે અને તેના માટે ભવિષ્યમાં પણ અનંતજીવનની આશા રહેલી છે. (અયૂબ ૪૨:૧૦-૧૩) પરંતુ, દુષ્ટ વ્યક્તિ ધનવાન હોય તોપણ તે લાભ મેળવતી નથી. તે પોતાની સંપત્તિ માટે પરમેશ્વરનો આભાર માનવા અને તેમની ઇચ્છાના સુમેળમાં ચાલવાને બદલે, પોતાની સંપત્તિનો પાપી જીવન વિતાવવામાં ઉપયોગ કરે છે.

ઈસ્રાએલના રાજા આગળ કહે છે, “શિખામણને ગણકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.” (નીતિવચનો ૧૦:૧૭) એક બાઇબલ વિદ્વાન સૂચવે છે કે આ કલમને બે રીતે સમજી શકાય છે. એક શક્યતા એ છે કે વ્યક્તિ શિખામણને ધ્યાન આપે છે અને જીવનના માર્ગમાં સદાચારને વળગી રહે છે, જ્યારે બીજી તરફ, જે ઠપકાને ધ્યાન આપતો નથી તે માર્ગથી ભૂલો પડે છે. આ કલમનો અર્થ આવો પણ થઈ શકે કે “જે શિખામણને સાંભળે છે તેઓ જીવનનો માર્ગ [બીજાઓને બતાવે છે કેમ કે તેના સારા ઉદાહરણથી તેઓને લાભ થાય છે,] પરંતુ જેઓ ઠપકાનો ત્યાગ કરે છે તેઓ બીજાઓને પણ ખોટા માર્ગે દોરે છે.” (નીતિવચનો ૧૦:૧૭, ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે શિખામણને વળગી રહીએ અને ઠપકાનો ત્યાગ ન કરીએ!

ધિક્કારને પ્રેમમાં બદલો

પછી સુલેમાન બે ભાગના નીતિવચનોને રજૂ કરે છે કે જેમાં એક જ વિચાર રહેલો છે અને બીજો ભાગ પ્રથમ ભાગને ટેકો આપે છે. તે કહે છે: “જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે.” જો કોઈ વ્યક્તિને બીજા માટે ધિક્કાર હોય અને તે પોતાનો ધિક્કાર મીઠી બોલીથી કે ખુશામત કરીને છુપાવે તો તે મક્કાર છે અથવા તે “જૂઠા હોઠવાળો છે.” તેથી, શાણા રાજા ઉમેરે છે: “ચાડી કરનાર મૂર્ખ છે.” (નીતિવચનો ૧૦:૧૮) અમુક લોકો પોતાના ધિક્કારને છુપાવવાને બદલે તેઓ જેને ધિક્કારે છે તેઓ ઉપર ખોટા આરોપો મૂકે છે અથવા તેઓ વિષે જૂઠી વાતો ફેલાવે છે. આમ કરવું મૂર્ખતાભર્યું છે કેમ કે નિંદાત્મક જૂઠી વાતોથી કંઈ વ્યક્તિ બદલાઈ જતી નથી. પરંતુ, સમજુ સાંભળનારાઓ ધિક્કારને પારખી જશે અને નિંદા કરનારને તેઓ ઓછું માન આપશે. આમ, જૂઠી વાતો ફેલાવનારા પોતાને જ નુકસાન કરે છે.

સદાચારીનો માર્ગ નિંદાત્મક કે દગાખોરીનો હોતો નથી. પરમેશ્વરે ઈસ્રાએલીઓને કહ્યું: “તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર.” (લેવીય ૧૯:૧૭) વધુમાં, ઈસુએ પણ સલાહ આપી: “તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો; એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ.” (માત્થી ૫:૪૪, ૪૫) આપણે પણ આપણાં હૃદયોને ધિક્કારને બદલે પ્રેમથી ભરીએ તો કેવું સારું થશે!

‘હોઠો પર દાબ રાખો’

જીભને કાબૂમાં રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતા શાણા રાજા જણાવે છે: “ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.”નીતિવચનો ૧૦:૧૯.

“મૂર્ખ ઘણું બોલે છે.” (સભાશિક્ષક ૧૦:૧૪) તેઓ પોતાના મોઢે “મૂર્ખાઈને વહેતી મૂકે છે.” (નીતિવચનો ૧૫:૨) એનો અર્થ એમ નથી કે ઘણું બોલનાર દરેક વ્યક્તિ મૂર્ખ હોય છે. ઘણું બોલનાર વ્યક્તિ કેટલી સહેલાઈથી હાનિકારક કૂથલી અને જૂઠી અફવાઓ ફેલાવી શકે છે! ઘણું બોલવાથી શાખ બગડે છે, લાગણીઓ દુભાય છે, સંબંધો બગડે છે અને શારીરિક રીતે નુકસાન પણ થાય છે. “બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ.” (સુભાષિતો [નીતિવચનો] ૧૦:૧૯, સંપૂર્ણ બાઇબલ) વધુમાં, દરેક બાબતમાં કંઈને કંઈ બોલનારી વ્યક્તિની હાજરીથી બીજાઓ ચિડાઈ શકે. તેથી, આપણે ઘણું બોલવાનું ટાળવું જોઈએ.

જે વ્યક્તિ ખોટી અફવાઓ ફેલાવવાનું ટાળીને પોતાના હોઠોને વશમાં રાખે છે તે સમજદાર છે. તે બોલ્યા પહેલાં વિચાર કરે છે. યહોવાહનાં ધોરણો માટે પ્રેમ હોવાથી અને સાથી માનવીઓને મદદ કરવાની તીવ્ર ઇચ્છાથી પ્રેરિત થઈને, તે પોતાના બોલવાની બીજાઓ પર કેવી અસર પડશે એનો વિચાર કરે છે. તેનું બોલવું પ્રેમાળ અને માયાળુ હોય છે. તે પોતાનું બોલવું કઈ રીતે ખુશકારક અને મદદ કરનારું બની શકે એના પર મનન કરે છે. તેના શબ્દો “રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ” જેવા હોય છે તથા દરેક સમયે અનુભવી અને શોભનીય હોય છે.—નીતિવચનો ૨૫:૧૧.

“ઘણાને તૃપ્ત કરે છે”

સુલેમાન કહે છે, “સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પણ દુષ્ટનું હૃદય માલ વગરનું છે.” (નીતિવચનો ૧૦:૨૦) સદાચારીનું બોલવું શુદ્ધ, ઉચ્ચ ગુણવત્તાવાળું અને ચોખ્ખા ચાંદી જેવું હોય છે. સાચે જ, આ યહોવાહના સેવકો માટે સાચું ઠરે છે જેઓ બીજાઓને પરમેશ્વરના શબ્દનું જીવન બચાવનાર જ્ઞાન આપે છે. તેઓના મહાન શિક્ષક, યહોવાહ પરમેશ્વરે તેઓને શિક્ષણ આપવા અને ‘થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપવા માટે ભણેલાની જીભ આપી છે.’ (યશાયાહ ૩૦:૨૦; ૫૦:૪) ખરેખર, બાઇબલ સત્ય કહે છે તેમ તેઓની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે. તેથી, દુષ્ટ લોકો કરતાં તેઓ નમ્ર હૃદયના લોકોને જે કહે છે એ કેટલા વધારે મૂલ્યવાન છે! તેથી, ચાલો આપણે પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો અને તેમના રાજ્ય વિષે લોકોને આતુરતાથી જણાવીએ.

જેઓ મધ્યે સદાચારી વ્યક્તિ છે તેઓ માટે તે એક આશીર્વાદ છે. સુલેમાન કહે છે: “નેક જનના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.”નીતિવચનો ૧૦:૨૧.

કઈ રીતે ‘નેક જન ઘણાને તૃપ્ત કરે છે’? અહીં જે હેબ્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ “ઘેટાંપાળકના” વિચારને દર્શાવે છે. પ્રાચીન સમયમાં ઘેટાંપાળક જે રીતે પોતાના ઘેટાંઓને દોરી જતા હતા અને તેઓનું પોષણ કરતા હતા એ અર્થ અહીં બતાવવામાં આવ્યો છે. (૧ શમૂએલ ૧૬:૧૧; ગીતશાસ્ત્ર ૨૩:૧-૩; ગીતોનું ગીત ૧:૭) સદાચારી વ્યક્તિ બીજાઓને પણ ન્યાયના માર્ગમાં દોરે છે, તેની બોલી સાંભળનારાઓને લાભદાયી હોય છે. પરિણામે, તેઓ સુખી હોય છે, તેઓનું જીવન વધારે સંતોષકારક હોય છે અને તેઓ અનંતજીવન પણ મેળવી શકે છે.

તો પછી, મૂર્ખનું શું? મૂર્ખ હોવાથી તેનામાં સારાં કામ કરવાની સમજણ હોતી નથી અને તેને પોતાના ખરાબ કામોના પરિણામની પણ ચિંતા હોતી નથી. આવી વ્યક્તિ ફક્ત પોતે જે ઇચ્છે છે એ જ કરે છે અને એના પરિણામથી અજાણ હોય છે. તેથી, તે પોતાનાં કાર્યોનું ફળ ભોગવે છે. સદાચારીઓ બીજાઓને જીવંત રહેવામાં મદદ કરે છે જ્યારે કે હૃદયની ઇચ્છા પૂરી કરનારાઓ પોતાને પણ જીવતા રાખી શકતા નથી.

દુષ્ટતા ટાળો

એક વ્યક્તિના વ્યક્તિત્વ પરથી તેની પસંદગી અને નાપસંદગી જોવા મળે છે. આ હકીકતને જણાવતા ઈસ્રાએલના રાજા કહે છે: “દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે; પણ સમજણો માણસ જ્ઞાનથી આનંદ મેળવે છે.”નીતિવચનો ૧૦:૨૩.

અમુક લોકો રમત માટે કે ફક્ત થોડી વાર “મન બહેલાવવા” માટે દુષ્ટતા કરતા હોય છે. આવા લોકો પરમેશ્વરનો નકાર કરે છે કે જેમને આપણે સર્વએ હિસાબ આપવાનો છે. તેઓ પોતાના ખોટા માર્ગમાં આંધળા થઈ ગયા છે. (રૂમી ૧૪:૧૨) તેઓ પોતાની વિચારદલીલોમાં એટલા તો ભ્રષ્ટ બને છે કે એવું માનવા લાગે છે કે પરમેશ્વર તેઓની ખરાબ બાબતોને જોતા જ નથી. પોતાનાં કાર્યોથી, તેઓ વાસ્તવમાં કહે છે: “દેવ છે જ નહિ.” (ગીતશાસ્ત્ર ૧૪:૧-૩; યશાયાહ ૨૯:૧૫, ૧૬) કેવી મૂર્ખતા!

બીજી બાજુ, સમજુ વ્યક્તિ દુષ્ટતાને એક રમત તરીકે જોતી નથી. તે જાણે છે કે એનાથી પરમેશ્વરને દુઃખ પહોંચે છે અને તેમની સાથેનો સંબંધ પણ બગડે છે. તેથી, દુષ્ટતા કરવી એ મૂર્ખતા છે કેમ કે એ લોકોનું આત્મસન્માન ખૂંચવી લે છે, એનાથી લગ્‍નો ભાંગી પડે છે, વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે નુકસાન થાય છે અને તે પોતાની આત્મિકતા પણ ગુમાવે છે. તેથી, આપણે દુષ્ટતાને ટાળીએ અને જ્ઞાનને બહેનની જેમ કેળવીએ એ ડહાપણભર્યું છે.—નીતિવચનો ૭:૪.

ખરો પાયો બાંધો

વ્યક્તિનું જીવન યોગ્ય પાયા પર બાંધવાના મૂલ્યને સમજાવતા સુલેમાન જણાવે છે: “દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે; પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે. વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.”નીતિવચનો ૧૦:૨૪, ૨૫.

દુષ્ટ વ્યક્તિ બીજાઓ માટે ડરનું કારણ બની શકે. તેમ છતાં, છેવટે તે જેવું વાવે છે એવું જ લણે છે. તેનામાં પાયાના ન્યાયી સિદ્ધાંતોની ખામી હોવાને કારણે, તે એવા કાચા મકાન જેવો બને છે કે જેનો વાવાઝોડું આવતા વિનાશ થાય છે. તે દબાણમાં ફસાઈ જાય છે. બીજી બાજુ, સદાચારી વ્યક્તિ ઈસુએ જે કહ્યું હતું એના સુમેળમાં ચાલે છે. તે ‘ડાહ્યો માણસ છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.’ ઈસુએ કહ્યું, “અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહિ.” (માત્થી ૭:૨૪, ૨૫) આવી વ્યક્તિ મક્કમ હોય છે, તેના વિચારો અને કાર્યો પરમેશ્વરના મજબૂત સિદ્ધાંતો પર આધારિત હોય છે.

દુષ્ટો અને સદાચારીઓ વચ્ચેના તફાવત વિષે વધુ જોઈએ એ પહેલાં, શાણા રાજા નાની પરંતુ મહત્ત્વની ચેતવણી આપે છે. તે કહે છે: “જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો હેરાન કરે છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને હેરાન કરે છે.” (નીતિવચનો ૧૦:૨૬) સરકો દાંતને તકલીફ આપે છે. સરકામાં એસિડ હોવાથી એનો સ્વાદ ખાટો લાગે છે અને એનાથી વ્યક્તિના દાંત પણ ખટાઈ જાય છે. ધુમાડાથી આંખો બળે છે. એ જ પ્રમાણે, આળસુ વ્યક્તિને કામ પર રાખનાર અથવા તેનો પ્રતિનિધિ તરીકે ઉપયોગ કરનાર દુઃખને નોતરું આપે છે અને તેણે ખોટ પણ ખાવી પડે છે.

‘યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે’

ઈસ્રાએલના રાજા આગળ કહે છે: “યહોવાહનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે. સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.”નીતિવચનો ૧૦:૨૭, ૨૮.

સદાચારી વ્યક્તિ પરમેશ્વરનો ભય રાખે છે અને પોતાના વિચારો, શબ્દો તથા કાર્યોથી યહોવાહને ખુશ કરે છે. પરમેશ્વર આવા લોકોની કાળજી રાખે છે અને તેઓની ન્યાયી આશાઓને પરિપૂર્ણ કરે છે. તેમ છતાં, દુષ્ટ વ્યક્તિ નાસ્તિક જીવન જીવે છે. એક સમયે એમ લાગી શકે કે તેની આશાઓ પરિપૂર્ણ થાય છે પરંતુ એ ફક્ત મર્યાદિત સમય પૂરતું જ છે. તેની જીવન ઢબને લીધે તેના જીવનનો હિંસાથી કે બીમારીથી અંત આવી જાય છે. જે દિવસે તેનું મૃત્યુ થાય છે તે દિવસે તેની આશાઓ ધૂળધાણી થઈ જાય છે.—નીતિવચનો ૧૧:૭.

સુલેમાન કહે છે, “યહોવાહનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે; પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે.” (નીતિવચનો ૧૦:૨૯) અહીંયા યહોવાહના જે માર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જીવનનો માર્ગ નથી કે જેના પર આપણે ચાલવું જોઈએ પરંતુ, પરમેશ્વર માનવીઓ સાથે જે રીતે વ્યવહાર કરે છે એ માર્ગનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુસાએ કહ્યું, “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે.” (પુનર્નિયમ ૩૨:૪) પરમેશ્વરના ન્યાયી માર્ગોનો અર્થ, સદાચારી વ્યક્તિ માટે સલામતી અને દુષ્ટોનો વિનાશ થાય છે.

યહોવાહે પોતાના લોકો માટે કેવા કિલ્લાની જોગવાઈ કરી છે! “સદાચારીઓ કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ. સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે. સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે.”નીતિવચનો ૧૦:૩૦-૩૨.

સદાચારી વ્યક્તિ પ્રામાણિકતાના માર્ગે ચાલતી હોવાને કારણે તેને ચોક્કસ આશીર્વાદ આપવામાં આવશે. ખરેખર, “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.” (નીતિવચનો ૧૦:૨૨) તેથી, આપણે પણ હંમેશા પરમેશ્વરના સિદ્ધાંતના સુમેળમાં જીવવાની કાળજી રાખીશું. ચાલો આપણે આપણા હોઠો પર અંકુશ રાખીએ. પરમેશ્વરના શબ્દમાં રહેલા સત્યનું શિક્ષણ આપીને બીજાઓનું જીવન બચાવવા અને તેઓને ન્યાયીપણાના માર્ગે દોરવા આપણી જીભનો ઉપયોગ કરીએ.

[ફુટનોટ]

^ નીતિવચનો ૧૦:૧-૧૪ની વિગતવાર માહિતી જુલાઈ ૧૫, ૨૦૦૧ના ચોકીબુરજમાં પાન ૨૪-૨૭ પર જોવા મળે છે.

[પાન ૨૬ પર ચિત્ર]

જીભ “ચોખ્ખી ચાંદી” જેવી બની શકે