તમે “ભટકેલાં” બાળકને કઈ રીતે મદદ કરી શકો?
તમે “ભટકેલાં” બાળકને કઈ રીતે મદદ કરી શકો?
‘ખુશ થાવ તથા હરખાવ, કેમકે જે ખોવાએલો હતો, તે પાછો મળ્યો છે.’—લુક ૧૫:૩૨.
૧, ૨. (ક) કેટલાક યુવાનોએ સત્ય પ્રત્યે કેવું વલણ બતાવ્યું છે? (ખ) એવી પરિસ્થિતિમાં માબાપ અને બાળકો કેવું અનુભવે છે?
“મને હવે સત્યમાં રસ નથી!” પરમેશ્વરના માર્ગમાં ચાલતા અને પોતાનાં બાળકોને પરમેશ્વરના માર્ગમાં ઉછેરવા સખત મહેનત કરતા માબાપને, બાળકો પાસેથી આવા શબ્દો સાંભળીને કેવો આઘાત લાગે છે! બીજા કેટલાક યુવાનો, ધીમે ધીમે “દૂર ખેંચાઈ” જાય છે. (હેબ્રી ૨:૧) આમાંના ઘણા ઈસુએ આપેલા દૃષ્ટાંતમાંના ઉડાઉ દીકરા જેવા છે, કે જેણે તેના પિતાનું ઘર છોડી દીધું અને પોતાના હિસ્સાની સંપત્તિ દૂર દેશમાં જઈને વેડફી નાખી.—લુક ૧૫:૧૧-૧૬.
૨ હા, એ સાચું છે કે મોટા ભાગના યહોવાહના સાક્ષીઓને આવી કોઈ સમસ્યા નથી. તેમ છતાં, જે માબાપ આવી સમસ્યાનો સામનો કરે છે તેઓને, કોઈ દિલાસાના શબ્દો પૂરેપૂરી રાહત આપી શકતા નથી. વળી, ભટકી ગયેલાં બાળકો પોતે પણ હતાશાનો સામનો કરે છે. ઊંડે ઊંડે તેઓને પોતાનું અંતઃકરણ ડંખે છે. ઈસુના દૃષ્ટાંતમાં ઉડાઉ દીકરાને છેવટે ‘ભાન થાય’ છે જેનાથી તેના પિતાને ઘણો આનંદ થાય છે. તો પછી, માબાપ અને મંડળની બીજી વ્યક્તિઓ કઈ રીતે ઉડાઉ દીકરા જેવા ભટકી ગયેલાઓને ‘ભાન કરાવવામાં’ મદદ કરી શકે?—લુક ૧૫:૧૭.
શા માટે કેટલાંક બાળકો સત્ય છોડી દે છે?
૩. એવાં કેટલાંક કયાં કારણો છે કે જેને લીધે બાળકો મંડળોને છોડી દે છે?
૩ આજે, ખ્રિસ્તી મંડળોમાં લાખો બાળકો આનંદથી સેવા કરતા જોવા મળે છે. તો પછી, શા માટે બીજાં બાળકો મંડળોને છોડી દે છે? તેઓને એવું લાગે છે કે તેઓ આ દુનિયાની કંઈક બાબત ગુમાવી રહ્યાં છે. (૨ તીમોથી ૪:૧૦) અથવા, તેઓને એવું લાગે છે કે રક્ષણ આપનાર યહોવાહના મંડળમાં વધારે પડતા નિયમો છે. ડંખતું અંતઃકરણ, વિરુદ્ધ જાતિની વ્યક્તિમાં વધુ પડતો રસ કે સાથી યુવાનીયાઓ સાથે ભળી જવાની ઇચ્છાઓને કારણે બાળકો યહોવાહનાં મંડળને ધીમે ધીમે છોડી દે છે. અમુક વાર, બાળકને માબાપ અને મંડળના બીજા ભાઈબહેનો જે કરી રહ્યા છે એમાં ઢોંગ લાગે છે જેને લીધે પણ તે યહોવાહની સેવા કરવાનું છોડી દે છે.
૪. બાળકોનું ખોટે માર્ગે ચઢી જવાનું મુખ્ય કારણ શું છે?
૪ બાળકનું બંડખોર વલણ અને વર્તન સામાન્ય રીતે આત્મિક નબળાઈનું ચિહ્ન છે, જે તેઓનાં હૃદયમાં શું છે એ બતાવે છે. (નીતિવચનો ૧૫:૧૩; માત્થી ૧૨:૩૪) ભલે ગમે તે કારણસર બાળક ખોટે માર્ગે જતું હોય, પરંતુ, એનું મુખ્ય કારણ એ હોય છે કે, તેણે “સત્યનું જ્ઞાન” લીધું નથી. (૨ તીમોથી ૩:૭) યહોવાહની યંત્રવત્ રીતે ઉપાસના કરવાને બદલે, બાળકો તેમની સાથે ગાઢ સંબંધ વિકસાવે એ મહત્ત્વનું છે. કઈ બાબતો તેઓને ગાઢ સંબંધ વિકસાવવા મદદ કરશે?
દેવની પાસે જાઓ
૫. પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા યુવાનો માટે કઈ બાબત મહત્ત્વની છે?
૫ શિષ્ય યાકૂબે લખ્યું, “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) દેવની પાસે જવા માટે યુવાન વ્યક્તિએ તેમના શબ્દ, બાઇબલ માટે ખાસ પ્રેમ કેળવવો જ જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૪:૮) શરૂઆતમાં તેને ‘દૂધની’ અર્થાત્ બાઇબલના પાયારૂપ શિક્ષણની જરૂર હોય છે. પરંતુ, તે બાઇબલમાંથી ધીમે ધીમે “ભારે ખોરાક,” અર્થાત્ ઊંડી આત્મિક માહિતી લે છે ત્યારે, તે ઝડપથી સત્યમાં મક્કમ બનશે. (હેબ્રી ૫:૧૧-૧૪; ગીતશાસ્ત્ર ૧:૨) એક યુવાને કબૂલ્યું કે તે દુન્યવી જીવનમાં ડૂબી ગયો હતો. પછી તે આત્મિક બાબતોની કદર કરવા લાગ્યો. કઈ બાબતે તેને આ ફેરફાર લાવવા મદદ કરી? આખું બાઇબલ વાંચવાની સલાહ સાંભળીને, તેણે નિયમિત બાઇબલ વાંચનનું સમયપત્રક બનાવ્યું. હા, યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા નિયમિતપણે બાઇબલ વાંચવું એ મહત્ત્વનું છે.
૬, ૭. માબાપ પોતાનાં બાળકોને કઈ રીતે બાઇબલને પ્રેમ કરવાનું શીખવી શકે?
૬ માબાપ પોતાનાં બાળકોને બાઇબલ માટે પ્રેમ વિકસાવવા મદદ કરે એ કેટલું મહત્ત્વનું છે! નિયમિત કૌટુંબિક બાઇબલ અભ્યાસ હોવા છતાં, એક તરુણ છોકરીએ ખરાબ લોકોની સંગત રાખી. પોતાના કૌટુંબિક બાઇબલ અભ્યાસ વિષે યાદ કરતા તે કહે છે: “મારા પપ્પા પ્રશ્નો પૂછતા ત્યારે, હું તેમની સામે જોયા વિના સડસડાટ જવાબો વાંચી જતી.” કૌટુંબિક બાઇબલ અભ્યાસ દરમિયાન ફક્ત સામગ્રી આવરવાને બદલે, માબાપે શીખવવાની કળાનો ઉપયોગ કરવો જોઈએ. (૨ તીમોથી ૪:૨) યુવાને અભ્યાસમાંથી લાભ મેળવવો હોય તો, તેણે ચર્ચામાં હેતુપૂર્વક ભાગ લેવો જોઈએ. તેને એવા પ્રશ્નો પૂછો કે તેણે ખરેખર વિચાર કરીને જવાબ આપવો પડે. તેઓને આવરવામાં આવી રહેલી સામગ્રીને જીવનમાં લાગુ પાડવાનું ઉત્તેજન આપો. *
૭ વધુમાં, બાઇબલની ચર્ચા આનંદી બનાવો. યોગ્ય હોય ત્યારે, બાળકોને બાઇબલ અહેવાલ અને નાટકો ભજવવાનું કહો. ચર્ચા કરવામાં આવી રહેલી ઘટના કે બનાવો ક્યાં બન્યા હતા એ વિસ્તાર અને સ્થળની કલ્પના કરવામાં તેઓને મદદ કરો. એ માટે નકશા અને આલેખનો ઉપયોગ કરવો ખૂબ મદદરૂપ થશે. હા, થોડો વિચાર કરવાથી, કૌટુંબિક અભ્યાસને આનંદી અને નોખો બનાવી શકાય છે. માબાપે પોતે પણ યહોવાહ સાથેના પોતાના વ્યક્તિગત સંબંધને તપાસવો જોઈએ. તેઓ પોતે યહોવાહની નજીક જશે તેમ, પોતાનાં બાળકોને પણ યહોવાહની નજીક જવા મદદ કરી શકશે.—પુનર્નિયમ ૬:૫-૭.
૮. પ્રાર્થના કઈ રીતે વ્યક્તિને પરમેશ્વરની નજીક જવા મદદ કરી શકે?
૮ પ્રાર્થના પણ વ્યક્તિને પરમેશ્વરની નજીક જવા મદદ કરે છે. એક તરુણ છોકરી પરમેશ્વરના માર્ગમાં ચાલવાની અને પરમેશ્વરના માર્ગમાં ન ચાલતા તેના મિત્રો સાથે સંગત રાખવા વચ્ચે પસંદગી કરી શકતી ન હતી. (યાકૂબ ૪:૪) તેણે એ વિષે શું કર્યું? તેણે કબૂલ્યું, “મેં પહેલી વાર, મને કેવું લાગે છે એ વિષે હૃદયપૂર્વક પ્રાર્થના કરી.” પછી તેણે કહ્યું કે તેની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. તેને મંડળમાંથી એવી બહેનપણીઓ મળી કે જેના પર તે ભરોસો રાખી શકે. યહોવાહ પોતાને માર્ગદર્શન આપી રહ્યા છે એવું અનુભવીને, તેણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવાનું શરૂ કર્યું. માબાપ પોતાનાં બાળકોને તેઓની પ્રાર્થનાની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે. કુટુંબ તરીકે પ્રાર્થના કરતા હોય ત્યારે, માબાપ પોતાનું હૃદય પરમેશ્વર સમક્ષ રેડી શકે જેથી બાળકો માબાપ અને યહોવાહ વચ્ચેના વ્યક્તિગત સંબંધને અનુભવી શકે.
ધીરજ રાખો પરંતુ મક્કમ રહો
૯, ૧૦. યહોવાહે ખોટે માર્ગે ચઢી ગયેલા ઈસ્રાએલીઓ પ્રત્યે સહનશીલતા બતાવીને કેવું ઉદાહરણ બેસાડ્યું?
૯ કોઈ યુવાન ધીમે ધીમે સત્યથી દૂર જવાનું શરૂ કરે ત્યારે, તે પોતાને એકલા પાડવાનો અને માબાપ તેની સાથે આત્મિક બાબતોની ચર્ચા કરે ત્યારે એને ટાળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં માબાપ શું કરી શકે? યહોવાહ પ્રાચીન ઈસ્રાએલીઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા એનો વિચાર કરો. તેમણે “હઠીલા” ઈસ્રાએલીઓને લગભગ ૯૦૦ વર્ષ સુધી સહન કર્યા અને ત્યાર પછી તેઓને તેમના ભટકેલા માર્ગમાં છોડી દીધા. (નિર્ગમન ૩૪:૯; ૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧; રૂમી ૧૦:૨૧) તેઓએ યહોવાહની અવારનવાર “પરીક્ષા કરી” છતાં, યહોવાહે તેમના પર ‘રહેમ’ બતાવી. “વારંવાર તેણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.” (ગીતશાસ્ત્ર ૭૮:૩૮-૪૨) પરમેશ્વર તેઓની સાથેના વ્યવહારમાં નિર્દોષ હતા. બાળકો માબાપનાં મદદ કરવાના પ્રયત્નોને તરત જ ધ્યાન પર ન લે ત્યારે, પ્રેમાળ માબાપ યહોવાહનું અનુકરણ કરીને ધીરજ રાખી શકે.
૧૦ સહનશીલ અને ધીરજવાળા બનવાનો અર્થ, ફક્ત “લાંબા સમય સુધી સહન કરવું” થતો નથી; એનો અર્થ એ થાય છે કે સંબંધો સુધરવાની આશા છોડવી નહિ. કઈ રીતે સહનશીલ બનવું એના માટે યહોવાહે સારું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે ઈસ્રાએલીઓ પાસે “વારંવાર” સંદેશવાહકો મોકલીને પહેલ કરી. “ઈશ્વરના આ સંદેશવાહકોની લોકોએ મશ્કરી કરી અને તેઓના સંદેશાનો તિરસ્કાર કર્યો” છતાં, યહોવાહને ‘પોતાના લોકો ઉપર દયા આવતી હતી.’ (૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬, IBSI) તેમણે ઈસ્રાએલીઓને આમ કહીને વિનંતી કરી: “તમે પોતપોતાના કુમાર્ગથી તથા પોતપોતાનાં દુષ્કર્મોથી ફરો.” (યિર્મેયાહ ૨૫:૪, ૫) તોપણ, યહોવાહે પોતાના ન્યાયી સિદ્ધાંતો સાથે તડજોડ કરી નહિ. ઈસ્રાએલીઓને પરમેશ્વર અને તેમના માર્ગો તરફ ‘ફરવાનું’ શીખવવામાં આવ્યું હતું.
૧૧. ખરાબ માર્ગે ચઢી ગયેલા બાળક પ્રત્યે માબાપ કઈ રીતે સહનશીલતા બતાવીને મક્કમ રહી શકે?
૧૧ બાળક બંડખોર હોય ત્યારે ઝડપથી પડતું મૂકવાને બદલે, માબાપ યહોવાહની સહનશીલતાનું અનુકરણ કરી શકે. આશા ગુમાવ્યા વિના, તેઓ સારો વાતચીત વ્યવહાર જાળવી રાખી શકે અથવા વાતચીત વ્યવહાર ફરીથી શરૂ કરી શકે. પરમેશ્વરનાં ન્યાયી ધોરણોને વળગી રહીને, તેઓ બાળકને સત્યના માર્ગમાં પાછા વળવાનું “વારંવાર” ઉત્તેજન આપી શકે.
બાળકને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે
૧૨. બાળકને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છતાં, માબાપની કઈ જવાબદારી છે?
૧૨ બાળક કોઈ ગંભીર ખરાબ કાર્ય કરે અને તેના બિનપશ્ચાત્તાપી વલણને લીધે તેને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે તો શું? બાળક પોતાનાં માબાપ સાથે રહેતું હોવાથી, તેઓએ તેને બાઇબલના સુમેળમાં માર્ગદર્શન અને શિસ્ત આપવા જોઈએ. પરંતુ, તેઓ કઈ રીતે એમ કરી શકે?—નીતિવચનો ૬:૨૦-૨૨; ૨૯:૧૭.
૧૩. માબાપ કઈ રીતે પોતાના ભૂલ કરનાર બાળકનાં હૃદય સુધી પહોંચી શકે?
૧૩ બાળક સાથે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરતા હોય ત્યારે, માબાપ તેને માર્ગદર્શન અને શિસ્ત આપે એ સૌથી સારું છે. તેઓએ ફક્ત બાળકના જક્કી વલણને જ જોવું ન જોઈએ પરંતુ, તેના હૃદયમાં શું છે એ જોવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તેની આત્મિક બીમારીનું કારણ શું છે? (નીતિવચનો ૨૦:૫) શું તેના હૃદય સુધી પહોંચી શકાય? કયાં શાસ્ત્રવચનોને અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય? પ્રેષિત પાઊલ આપણને ખાતરી આપે છે: “દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (હેબ્રી ૪:૧૨) હા, માબાપે પોતાના બાળકને તે ફરીથી ખોટા કાર્યમાં ન સંડોવાય એ માટે સલાહ કે માર્ગદર્શન આપવા ઉપરાંત, તેને આત્મિક રીતે સાજાપણું મળે એ માટે શિક્ષણ આપવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ.
૧૪. ભૂલ કરનાર બાળકે યહોવાહ સાથે પોતાનો સંબંધ સુધારવા, સૌ પ્રથમ કયું પગલું લેવું જોઈએ અને એ માટે માબાપ બાળકને કઈ રીતે મદદ કરી શકે?
૧૪ ભૂલ કરનાર યુવાને યહોવાહ સાથે પોતાનો સંબંધ ફરીથી સુધારવાની જરૂર છે. એમ કરવા માટેનું પ્રથમ પગલું એ છે કે તે ‘પસ્તાવો કરે અને પાછો ફરે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯; યશાયાહ ૫૫:૬, ૭) યુવાન પોતાના ઘરે પસ્તાવો કરી શકે એ માટે મદદ કરવા, માબાપે તેને ‘સહનશીલ અને નમ્રતાથી સમજાવવો’ જોઈએ. કારણ કે તે એને તરત જ સ્વીકારી નહિ લે. (૨ તીમોથી ૨:૨૪-૨૬) માબાપે બાઇબલ કહે છે એ પ્રમાણે તેને “ઠપકો” આપવાની જરૂર છે. ‘ઠપકા’ માટેના મૂળ ગ્રીક શબ્દનું ભાષાંતર, ‘ખાતરી કરાવવી’ પણ થઈ શકે છે. (પ્રકટીકરણ ૩:૧૯; યોહાન ૧૬:૮) તેથી, ઠપકો આપવામાં બાળકે જે ખોટું કામ કર્યું છે એના પૂરતા પુરાવા બતાવવાનો સમાવેશ થાય છે. હા, એ સાચું છે કે એમ કરવું કંઈ સહેલું નથી. શક્ય હોય ત્યાં, માબાપ પોતાનાં ખોટા માર્ગે ચઢી ગયેલા બાળકને બાઇબલની યોગ્ય કલમોથી ખાતરી કરાવીને તેનાં હૃદય સુધી પહોંચી શકશે. વળી, તેઓએ ‘ભૂંડાને ધિક્કારી, ભલાને ચાહવાની’ જરૂર વિષે સમજવામાં પણ તેને મદદ કરવી જોઈએ. (આમોસ ૫:૧૫) એમ કરવાથી, ‘શેતાનના ફાંદામાં ફસાયેલાની બુદ્ધિ ઠેકાણે’ આવી શકે.
૧૫. ભૂલ કરનાર વ્યક્તિ યહોવાહ સાથે ફરી સારો સંબંધ બાંધી શકે એ માટે પ્રાર્થના કયો ભાગ ભજવે છે?
૧૫ પરમેશ્વર સાથે ફરી સારો સંબંધ બાંધવા માટે, વ્યક્તિ પ્રાર્થના કરે એ ખૂબ જ અનિવાર્ય છે. જોકે, એક સમયે મંડળ સાથે સંગત રાખનાર બિનપશ્ચાત્તાપીનું વર્તન જ ખરાબ હોય તો, કોઈએ તેના માટે “વિનંતી કરવી” જોઈએ નહિ. (૧ યોહાન ૫:૧૬, ૧૭; યિર્મેયાહ ૭:૧૬-૨૦; હેબ્રી ) હા, માબાપ યહોવાહ પાસેથી પરિસ્થિતિને કઈ રીતે હલ કરવી એ વિષેનું ડહાપણ માંગી શકે. ( ૧૦:૨૬, ૨૭યાકૂબ ૧:૫) બહિષ્કૃત થયેલી વ્યક્તિનું પશ્ચાત્તાપી વલણ દેખાઈ આવતું હોય પરંતુ, ‘ઈશ્વર પાસે જવાની હિંમત’ ન હોય તો, માબાપ પ્રાર્થના કરી શકે કે પરમેશ્વર યુવાનની ભૂલને માફ કરી દે. (૧ યોહાન ૩:૨૧, પ્રેમસંદેશ) આવી પ્રાર્થના સાંભળવાથી યુવાન જોઈ શકશે કે યહોવાહ દયાળુ પરમેશ્વર છે. *—નિર્ગમન ૩૪:૬, ૭; યાકૂબ ૫:૧૬.
૧૬. બહિષ્કૃત થયેલા બાળકના કુટુંબને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
૧૬ બાપ્તિસ્મા પામેલા યુવાનને બહિષ્કૃત કરવામાં આવે તો, મંડળના ભાઈબહેનોએ ‘તેની સાથે સંબંધ રાખવો’ જોઈએ નહિ. (૧ કોરીંથી ૫:૧૧, IBSI; ૨ યોહાન ૧૦, ૧૧) એનાથી તેને ‘ભાનમાં આવવા’ મદદ મળી શકે તેમ જ, પરમેશ્વરના રક્ષણ આપનારા મંડળમાં પણ તે પાછો ફરી શકે. (લુક ૧૫:૧૭) તે પાછો આવે કે ન આવે તોપણ, મંડળના ભાઈબહેનો બહિષ્કૃત થયેલા યુવાનના કુટુંબને ઉત્તેજન આપી શકે. આપણે સર્વએ “બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં” અને તેમના પ્રત્યે “કરુણાળુ તથા નમ્ર” બનવું જોઈએ.—૧ પીતર ૩:૮, ૯.
બીજાઓ કઈ રીતે મદદ કરી શકે
૧૭. નબળા પડી ગયેલા બાળકને મદદ કરતી વખતે, મંડળના ભાઈબહેનોએ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
૧૭ મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા ન હોય, પરંતુ વિશ્વાસમાં નબળા પડી ગયા હોય એવા યુવાનો વિષે શું? પ્રેષિત પાઊલે લખ્યું: “જો એક અવયવ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે.” (૧ કોરીંથી ૧૨:૨૬) બીજાઓ આવા યુવાનમાં રસ લઈ શકે. જોકે, સાવધાની રાખવી જરૂરી છે કેમ કે, આત્મિક રીતે નબળી બની ગયેલા યુવાનની બીજા યુવાનો પર ખરાબ અસર પડી શકે છે. (ગલાતી ૫:૭-૯) એક મંડળમાં, કેટલાક યુવાનો આત્મિક રીતે નબળા પડી ગયા હતા. તેથી, તેઓને ખરેખર મદદ કરવા ઇચ્છતા મંડળના પુખ્ત વયનાઓએ ભેગા મળીને પ્રખ્યાત સંગીત વગાડવા તેઓને આમંત્રણ આપ્યું. યુવાનોએ આ ગોઠવણનો આનંદ તો માણ્યો પરંતુ, એનાથી તેઓ પર ખરાબ અસર પડી અને તેઓએ ધીમે ધીમે મંડળમાં આવવાનું બંધ કરી દીધું. (૧ કોરીંથી ૧૫:૩૩; યહુદા ૨૨, ૨૩) આત્મિક ન હોય એવા સામાજિક મેળાવડાઓ બાળકોને આત્મિક રીતે સાજા થવામાં મદદ કરી શકતા નથી. પરંતુ, આત્મિક બાબતો માટે પ્રેમ કેળવે એવી સંગત તેઓને જરૂર મદદ કરે છે. *
૧૮. આપણે ઈસુના દૃષ્ટાંતમાંના ઉડાઉ દીકરાના પિતાનું કઈ રીતે અનુકરણ કરી શકીએ?
૧૮ એક યુવાન મંડળ છોડી દીધા પછી પાછો સભામાં કે સંમેલનોમાં આવે ત્યારે, તે કેવું અનુભવે છે એનો વિચાર કરો. શું આપણે પણ ઈસુના દૃષ્ટાંતમાંના ઉડાઉ દીકરાના પિતા જેવું આવકારનું વલણ ન બતાવવું જોઈએ? (લુક ૧૫:૧૮-૨૦, ૨૫-૩૨) મંડળમાં આવવાનું બંધ કરી દીધા પછી, મહાસંમેલનમાં હાજરી આપનાર એક તરુણે કહ્યું: “મને એમ લાગ્યું કે મારા જેવા છોકરાને કોઈ પણ બોલાવશે નહિ, પરંતુ ભાઈબહેનોએ મારી પાસે આવીને મારો આવકાર કર્યો. એની મારા પર ઊંડી અસર પડી.” તેણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને પછી તે બાપ્તિસ્મા પામ્યો.
હિંમત ન હારો
૧૯, ૨૦. ભટકી ગયેલાં બાળકો પ્રત્યે શા માટે હકારાત્મક વલણ રાખવું જોઈએ?
૧૯ “ઉડાઉ દીકરા” જેવા બાળકને ‘ભાન થાય’ એ માટે મદદ કરવા, ખરેખર ધીરજની જરૂર છે અને એ માબાપ તથા બીજાઓને મુશ્કેલ લાગી શકે. પરંતુ, હિંમત ન હારો. “વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) બાઇબલ આપણને ખાતરી આપે છે કે, આપણે પસ્તાવો કરીએ અને જીવીએ એમ યહોવાહ ઇચ્છે છે. હકીકતમાં, માણસજાત સાથે ફરી સમાધાન કરવાની ગોઠવણ કરવામાં તેમણે પહેલ કરી છે. (૨ કોરીંથી ૫:૧૮, ૧૯) તેમની ધીરજને લીધે આજે લાખો લોકો ભાનમાં આવ્યા છે.—યશાયાહ ૨:૨, ૩.
૨૦ તો પછી, શું માબાપે પોતાના ભટકી ગયેલાં બાળકોને ભાનમાં લાવવા, શાસ્ત્રીય રીતે બનતી બધી જ મદદ ન કરવી જોઈએ? તમે ધીરજ રાખીને બાળકને યહોવાહના માર્ગમાં પાછું લાવવા મદદ કરતા હોવ તો, યહોવાહનું અનુકરણ કરો. બાઇબલ સિદ્ધાંતોને મક્કમપણે વળગી રહો. એ ઉપરાંત, પ્રેમ, ન્યાય અને ડહાપણ જેવા યહોવાહના ગુણો બતાવો અને મદદ માટે તેમને પ્રાર્થના કરો. કઠણ હૃદયની ઘણી બંડખોર વ્યક્તિઓ યહોવાહના પ્રેમાળ આમંત્રણને સ્વીકારીને પાછી ફરી છે તેમ, તમારા ભટકી ગયેલાં બાળકો પણ પરમેશ્વરનાં રક્ષણ આપનાર મંડળમાં પાછા આવી શકે છે.—લુક ૧૫:૬, ૭.
[ફુટનોટ્સ]
^ બાળકોને અસરકારક રીતે કઈ રીતે શીખવી શકાય એનાં વધારે સૂચનો માટે, જુલાઈ ૧, ૧૯૯૯ ચોકીબુરજના પાન ૧૩-૧૭ પર જુઓ.
^ બહિષ્કૃત બાળક માટે મંડળની સભાઓમાં પ્રાર્થના કરવી જોઈએ નહિ, કેમ કે બહિષ્કૃત વ્યક્તિ વિષેની બીજાઓને ખબર હોતી નથી.—ચોકીબુરજ, (અંગ્રેજી) ઑક્ટોબર ૧૫, ૧૯૭૯ના પાન ૩૧ પર જુઓ.
^ ખાસ સૂચનો માટે, સજાગ બનો! (અંગ્રેજી) જૂન ૨૨, ૧૯૭૨ના પાન ૧૩-૧૬ અને સપ્ટેમ્બર ૨૨, ૧૯૯૬ના પાન ૨૧-૨૩ પર જુઓ.
શું તમને યાદ છે?
• યુવાન મંડળ છોડી દે એનું મુખ્ય કારણ શું હોય શકે?
• યુવાનોને યહોવાહ સાથે ગાઢ સંબંધ કેળવવા કઈ બાબત મદદ કરી શકે?
• માબાપે શા માટે ભટકી ગયેલાં બાળકને મદદ કરતી વખતે સહનશીલ, પરંતુ મક્કમ બનવાની જરૂર છે?
• મંડળ કઈ રીતે ભટકી ગયેલા યુવાનોને પાછા ફરવા મદદ કરી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્ર]
યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવા બાઇબલ વાંચવું મહત્ત્વનું છે
[પાન ૧૫ પર ચિત્ર]
માબાપની હૃદયપૂર્વકની પ્રાર્થનાથી બાળકો, માબાપ અને યહોવાહ વચ્ચેના વ્યક્તિગત સંબંધને અનુભવી શકે
[પાન ૧૭ પર ચિત્ર]
ભટકી ગયેલું બાળક ‘ભાનમાં આવે’ ત્યારે તેને આવકારો
[પાન ૧૮ પર ચિત્ર]
તમારું બાળક યહોવાહ પાસે પાછું ફરે એ માટે હકારાત્મક પગલાં લો