સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે સાચો વિશ્વાસ રાખી શકો

તમે સાચો વિશ્વાસ રાખી શકો

તમે સાચો વિશ્વાસ રાખી શકો

સારા જેન ૧૯ વર્ષની હતી ત્યારે, તેને જાણવા મળ્યું કે પોતાને ગર્ભાશયનું કેન્સર છે. સર્જરી પછી તેને સારું થયું હોવાથી તે બહુ જ ખુશ દેખાતી હતી. તે એટલી ખુશ હતી કે તેણે ૨૦ વર્ષે સગાઈ કરી અને લગ્‍નની પણ તૈયારીઓ કરવા લાગી. પરંતુ, એ જ વર્ષે કેન્સરે પાછો ઊથલો માર્યો. હવે તેને જાણવા મળ્યું કે તે ફક્ત બે જ અઠવાડિયાં જીવશે. સારા ૨૧ વર્ષની થાય એના થોડા દિવસો પહેલાં, જૂન ૨૦૦૦માં મૃત્યુ પામી.

સારા જેન હૉસ્પિટલમાં હતી ત્યારે, તેને ભાવિ વિષે પૂરો ભરોસો હતો. તેને પરમેશ્વરમાં અને તેમના શબ્દ, બાઇબલમાં પણ ઊંડો વિશ્વાસ હતો. એનાથી મુલાકાતીઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તે જાણતી હતી કે પોતે જલદી જ મૃત્યુ પામશે છતાં, તેને પૂરો વિશ્વાસ હતો કે મૂએલાઓને સજીવન કરવામાં આવશે અને તે ફરીથી પોતાના મિત્રોને મળી શકશે. (યોહાન ૫:૨૮, ૨૯) તેણે કહ્યું હતું, “પરમેશ્વરની નવી દુનિયામાં હું તમને બધાને મળીશ.”

જોકે, અમુક લોકો કહેશે કે એવી માન્યતા તો ફક્ત એક ભ્રમ છે. લુડોવિક કેનેડી પૂછે છે, “મરણ પછી કંઈક છે એવું ભોળા લોકો સિવાય બીજું કોણ માને છે? જેમ કે, છેલ્લું રણશિંગડું વાગતાં જ તેઓ એદન વાડી જેવી સુંદર જગ્યાએ પહોંચી જશે, જ્યાં સારામાં સારી ખાવાની વસ્તુઓ હશે અને અકલ્પ્ય સુખચેન હશે. વળી, તેઓની આગળ જેઓ મરી ગયા છે અને તેઓ પછી જેઓ પણ મરી જશે એ બધા ભેગા મળીને ખુશીઓ મનાવશે.” આ વિધાન વાંચ્યા પછી, આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ બેમાંથી શું વધારે વાજબી છે? કેનેડીએ સૂચવ્યું તેમ, શું “આ જીવન છે, એ જ બધું છે કે જેનો આપણે પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ”? કે પછી, પરમેશ્વરે મૂએલાઓને સજીવન કરવાનું જે વચન આપ્યું છે એમાં માનવું જોઈએ? સારાએ પરમેશ્વરના વચન પર ભરોસો મૂકવાનું પસંદ કર્યું હતું. પરંતુ, તેણે આવો વિશ્વાસ કઈ રીતે કેળવ્યો?

‘ઈશ્વરને શોધો અને તેમને પામો’

કોઈના પર ભરોસો મૂકતા પહેલાં, તમે તેને ઓળખો એ જરૂરી છે. જેમ કે તે કઈ રીતે વિચારે છે તથા કાર્ય કરે છે. એ આપણે હૃદય અને મનથી કરી શકીએ છીએ. એવી જ રીતે, પરમેશ્વરમાં વિશ્વાસ કેળવવા માટે પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. તેમને ઓળખવા માટે તમારે તેમના ગુણો અને વ્યક્તિત્વ વિષે જાણવાની જરૂર છે. વધુમાં, તમારે એ પારખવાની જરૂર છે કે તે પોતાનાં વચનો પાળનારા છે, એટલે કે તેમણે જે કંઈ કહ્યું છે એ પરિપૂર્ણ કર્યું છે.—ગીતશાસ્ત્ર ૯:૧૦; ૧૪૫:૧-૨૧.

અમુક લોકોને આ અશક્ય લાગે છે. તેઓ કહે છે કે પરમેશ્વર ખરેખર હોય તો, તે ઘણા દૂર છે અને તેમને સમજવા એ આપણા બસની વાત નથી. જેઓ પરમેશ્વરમાં માનતા નથી તેઓ પૂછે છે, “સારા જેન જેવા ખ્રિસ્તીઓ માટે પરમેશ્વર ખરેખર વાસ્તવિક વ્યક્તિ હોય તો, શા માટે પરમેશ્વર આપણને બધાને પોતાના વિષે જણાવતા નથી?” પરંતુ, શું પરમેશ્વર ખરેખર ઘણા દૂર છે અને તેમને શોધવા અશક્ય છે? આથેન્સના બૌદ્ધિકો અને તત્ત્વજ્ઞાનીઓને ભાષણ આપતા પ્રેષિત પાઊલે કહ્યું કે, “દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્‍ન કર્યું” છે અને લોકો ‘તેમને શોધે અને તેમને પામે’ એ માટે, જરૂરી બધું જ પૂરું પાડ્યું છે. હકીકતમાં, પાઊલે કહ્યું: “તે આપણામાંના કોઈથી વેગળો નથી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪-૨૭.

તો પછી, તમે કઈ રીતે પરમેશ્વરને શોધી શકો અને પામી શકો? અમુક લોકોએ પોતાની આજુબાજુની સૃષ્ટ વસ્તુઓને નિહાળીને એમ કર્યું છે. બીજા ઘણાઓ માટે આ અદ્‍ભુત વિશ્વ જ એની ખાતરી આપે છે કે ઉત્પન્‍નકર્તા હોવા જ જોઈએ. * (ગીતશાસ્ત્ર ૧૯:૧; યશાયાહ ૪૦:૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૬, ૧૭) તેઓ પ્રેષિત પાઊલની જેમ અનુભવે છે કે, “[પરમેશ્વરના] અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.”—રૂમી ૧:૨૦; ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.

તમારે બાઇબલની જરૂર છે

તેમ છતાં, ઉત્પન્‍નકર્તામાં પૂરો વિશ્વાસ કેળવવા માટે તમારે તેમણે જે પૂરું પાડ્યું છે એની જરૂર છે. એ શું છે? એ પરમેશ્વરનો પ્રેરિત શબ્દ, બાઇબલ છે, જેમાં તેમણે પોતાની ઇચ્છાઓ અને હેતુઓ જણાવ્યા છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) અમુક લોકો કહેશે, “પરંતુ થોભો! બાઇબલમાં માનવાનો દાવો કરનારાઓ જ ભયંકર બાબતો કરતા હોય તો, તમે કઈ રીતે બાઇબલ પર ભરોસો મૂકી શકો? એ ખરું છે કે, ખ્રિસ્તીરાષ્ટ્રનો ઇતિહાસ ઢોંગી, જુલમી અને અનૈતિક કાર્યોથી જાણીતો છે. પરંતુ, કોઈ પણ સમજુ વ્યક્તિ જોઈ શકશે કે ખ્રિસ્તીરાષ્ટ્ર બાઇબલમાં માનવાનો ફક્ત ઢોંગ જ કરે છે.—માત્થી ૧૫:૮.

બાઇબલમાં ચેતવણી આપવામાં આવી હતી કે ઘણા લોકો પરમેશ્વરની ઉપાસના કરવાનો દાવો તો કરશે પરંતુ, હકીકતમાં તેઓ પોતાનો “ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર” કરશે. તેથી, પ્રેષિત પીતરે કહ્યું, “તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.” (૨ પીતર ૨:૧, ૨) ઈસુ ખ્રિસ્તે આવા લોકોને “ભૂંડું કરનારાઓ” કહ્યા, જેઓ પોતાનાં દુષ્ટ કાર્યોથી ઓળખાઈ આવે છે. (માત્થી ૭:૧૫-૨૩) ખ્રિસ્તીરાષ્ટ્રના આવાં કાર્યોને લીધે પરમેશ્વરના શબ્દનો નકાર કરવો, એ આપણા ખાસ મિત્રના પત્રને ફેંકી દેવા જેવું છે, કેમ કે એ પત્ર એક બદમાશ ટપાલી લાવ્યો હતો.

પરમેશ્વરના શબ્દ, બાઇબલની મદદ સિવાય સાચો વિશ્વાસ કેળવવો અશક્ય છે. એક રીતે કહીએ તો, બાઇબલ દ્વારા યહોવાહ પોતાના વિષે હકીકત જણાવે છે. તે વર્ષોથી પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપે છે. જેમ કે, શા માટે તેમણે યાતના અને દુઃખ-તકલીફોને ચાલવા દીધી છે અને તે એના વિષે શું કરશે? (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; રૂમી ૧૫:૪) સારા જેન માનતી હતી કે બાઇબલ પરમેશ્વરનો પ્રેરિત શબ્દ છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૩; ૨ પીતર ૧:૧૯-૨૧) કઈ રીતે? તેના માબાપે તેને કહ્યું હતું ફક્ત એટલા માટે નહિ. પરંતુ, તેણે પ્રામાણિક રીતે બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો હતો જેથી, તે બધા જ પુરાવાઓ જોઈ શકે કે ખરેખર બાઇબલ પરમેશ્વર તરફથી એક અજોડ પુસ્તક છે. (રૂમી ૧૨:૨) દાખલા તરીકે, તેણે જોયું કે જેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે તેઓના જીવન પર કેવી સારી અસર પડે છે. બાઇબલ—પરમેશ્વરનો શબ્દ કે માણસનો? * (અંગ્રેજી) જેવાં પ્રકાશનોની મદદથી તેણે પરમેશ્વરની પ્રેરણાની સાબિતી આપતી ઘણી બાબતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.

“સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે”

તેમ છતાં, બાઇબલ હોવું અથવા એ પ્રેરિત પુસ્તક છે એમ માનવું એટલું જ પૂરતું નથી. પ્રેષિત પાઊલે લખ્યું કે “સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે.” (રૂમી ૧૦:૧૭) બાઇબલને સાંભળવાથી વિશ્વાસ બંધાય છે, ફક્ત બાઇબલ હોવાથી નહિ. એ વાંચવાથી અને એનો અભ્યાસ કરવાથી તમે ‘સાંભળી’ શકશો કે પરમેશ્વર શું કહે છે. યુવાન લોકો પણ આમ કરી શકે છે. પાઊલ કહે છે કે તીમોથીને તેની માતા અને દાદીએ “બાળપણથી પવિત્ર શાસ્ત્ર” શીખવ્યું હતું. શું એનો અર્થ એમ થાય કે કોઈક રીતે તેનું મન ફેરવવામાં આવ્યું હતું? બિલકુલ નહિ! તીમોથીને કોઈ રીતે છેતરવામાં કે ભોળવવામાં આવ્યો ન હતો. તે જે સાંભળતો અને વાંચતો હતો એનાથી તેને “ખાતરી થઈ” હતી.—૨ તીમોથી ૩:૧૪, ૧૫.

સારા જેનને પણ એ જ રીતે ખાતરી થઈ હતી. પ્રથમ સદીના બેરીઆના લોકોની જેમ, તેણે “પૂરેપૂરા ઉમંગથી [તેના માબાપ અને બીજા શિક્ષકો તરફથી] સુવાર્તાનો અંગીકાર” કર્યો. બાળપણમાં તેનાં માબાપે તેને જે શીખવ્યું હતું એમાં તેને પૂરો ભરોસો હતો. પછી, તે મોટી થતી ગઈ તેમ, તેને જે શીખવવામાં આવતું હતું એમાં તેણે આંધળો વિશ્વાસ કર્યો ન હતો. તે “એ વાતો એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન” કરતી હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.

તમે સાચો વિશ્વાસ કેળવી શકો

તમે પણ સાચો વિશ્વાસ કેળવી શકો છો. પ્રેષિત પાઊલે હેબ્રી ખ્રિસ્તીઓને લખેલા પોતાના પત્રમાં એ પ્રકારના વિશ્વાસનું વર્ણન કર્યું છે. તેમણે એના વિષે આમ કહ્યું: “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧, અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) આવો વિશ્વાસ રાખવાથી તમને ખાતરી થશે કે, પરમેશ્વર તમારી સર્વ આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરશે, જેમાં વચન આપ્યા પ્રમાણે તે મૂએલાંઓને પણ સજીવન કરશે. હા, તમને ખાતરી કરાવવામાં આવશે કે આવી આશાઓ ખાલી દિવાસ્વપ્ન નથી, પણ એ ચોક્કસ સાબિતી પર આધારિત છે. તમે જાણશો કે યહોવાહ વચન પાળનારા છે. (યહોશુઆ ૨૧:૪૫; યશાયાહ ૫૫:૧૦, ૧૧; હેબ્રી ૬:૧૮) પરમેશ્વરનું નવી દુનિયાનું વચન, જાણે આપણે નવી દુનિયામાં આવી ગયા હોય એમ તમારા માટે વાસ્તવિક બનશે. (૨ પીતર ૩:૧૩) તમે તમારી વિશ્વાસની આંખોથી સ્પષ્ટ જોઈ શકશો કે યહોવાહ પરમેશ્વર, તેમનું રાજ્ય અને ઈસુ ખ્રિસ્ત કોઈ ભ્રમ નહિ પણ વાસ્તવિક છે.

તમને એકલા છોડી દેવામાં આવ્યા નથી કે તમે જાતે સાચો વિશ્વાસ કેળવો. યહોવાહે પોતાના શબ્દ, બાઇબલ ઉપરાંત જગતવ્યાપી ખ્રિસ્તી મંડળોની જોગવાઈ કરી છે જેથી, પ્રામાણિક લોકોને પરમેશ્વરમાં સાચો વિશ્વાસ કેળવવામાં મદદ મળી શકે. (યોહાન ૧૭:૨૦; રૂમી ૧૦:૧૪, ૧૫) યહોવાહ તેમના સંગઠન દ્વારા જે જોગવાઈ પૂરી પાડે છે એનો લાભ લો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૦, ૩૧) સાચો વિશ્વાસ પવિત્ર આત્માનું ફળ હોવાથી, એ કેળવવા પવિત્ર આત્માની મદદ માટે પ્રાર્થના કરતા રહો.—ગલાતી ૫:૨૨.

નાસ્તિકોથી નિરુત્સાહ ન થાઓ, જેઓ પરમેશ્વર અને તેમના શબ્દ, બાઇબલ પર વિશ્વાસ કરનારાઓની હાંસી ઉડાવે છે. (૧ કોરીંથી ૧:૧૮-૨૧; ૨ પીતર ૩:૩, ૪) હકીકતમાં, આવા હુમલાઓ સામે તમે ટકી શકો એ માટે સાચો વિશ્વાસ બહુ મૂલ્યવાન છે. (એફેસી ૬:૧૬) સારા જેનના કિસ્સામાં એ સાચું હતું અને તે હંમેશા હૉસ્પિટલમાં તેની મુલાકાત લેનારાઓને પોતાના વિશ્વાસમાં દૃઢ રહેવા ઉત્તેજન આપતી હતી. તે કહેતી કે “સત્યમાં દૃઢ બનો. પરમેશ્વરના શબ્દ બાઇબલનો અભ્યાસ કરો. યહોવાહના સંગઠન સાથે ગાઢ સંબંધ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો. યહોવાહની સેવામાં લાગુ રહો.”—યાકૂબ ૨:૧૭, ૨૬.

પુનરુત્થાન અને પરમેશ્વરમાં તેનો દૃઢ વિશ્વાસ જોઈને એક નર્સે કહ્યું: “તું પૂરા જીવથી એ માને છે, ખરું ને.” તેને પૂછવામાં આવ્યું કે, મુશ્કેલીઓ હોવા છતાં તું કઈ રીતે આટલી ખુશ દેખાય છે? ત્યારે તેણે કહ્યું: “કારણ કે મને યહોવાહમાં દૃઢ વિશ્વાસ છે. તે મારા સાચા મિત્ર છે અને હું પણ તેમને ચાહું છું.”

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત શું કાળજી લે એવા કોઈ ઉત્પન્‍નકર્તા છે? (અંગ્રેજી) પુસ્તક જુઓ.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૬ પર ચિત્ર]

તીમોથીને તેની માતા અને દાદીએ “બાળપણથી પવિત્ર શાસ્ત્ર” શીખવ્યું હતું

[પાન ૬ પર ચિત્ર]

બેરીઆના લોકો દરરોજ શાસ્ત્રવચનો તપાસતાં હોવાથી તેઓની પ્રશંસા કરવામાં આવી

[ક્રેડીટ લાઈન]

From “Photo-Drama of Creation,” 1914

[પાન ૭ પર ચિત્રો]

ફક્ત બાઇબલ રાખવાથી નહિ, પણ એને વાંચીને લાગુ પાડવાથી વિશ્વાસ બંધાય છે

[પાન ૭ પર ચિત્ર]

“હું તમને સર્વને નવી દુનિયામાં મળીશ”