સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોને શીખવવામાં યહોવાહનું અનુકરણ કરો

બાળકોને શીખવવામાં યહોવાહનું અનુકરણ કરો

બાળકોને શીખવવામાં યહોવાહનું અનુકરણ કરો

“શું દરેક માબાપ પોતાનાં બાળકોને શિસ્ત આપતા નથી?”—હેબ્રી ૧૨:૭, કોન્ટેમ્પરરી ઈંગ્લીશ વર્શન.

૧, ૨. આજે માબાપે શા માટે બાળકોને ઉછેરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

 થોડાં વર્ષો પહેલાં, જાપાનમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ પ્રમાણે, ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યું હતું તેઓમાંથી અડધાથી વધારે લોકોએ અનુભવ્યું કે માબાપ અને બાળકો વચ્ચે બહુ જ ઓછો વાતચીત વ્યવહાર છે. તેમ જ, માબાપ પોતાનાં બાળકોને વધારે પડતા લાડ લડાવે છે. એ જ દેશમાં બીજા એક સર્વેક્ષણમાં, લગભગ ચોથા ભાગના લોકોએ કબૂલ્યું કે તેઓને બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો એની ખબર નથી. આવું વલણ પૂર્વના દેશોમાં બહુ સામાન્ય છે. ધ ટોરોન્ટો સ્ટાર અહેવાલ આપે છે, “કૅનેડાનાં ઘણા માબાપે કબૂલ્યું કે કઈ રીતે સારાં માબાપ બની શકાય એની તેઓને ખબર નથી.” હા, આજે દરેક જગ્યાએ, માબાપને પોતાનાં બાળકોને ઉછેરવાં મુશ્કેલ લાગે છે.

શા માટે માબાપને પોતાનાં બાળકોને ઉછેરવા અઘરું લાગે છે? એનું મુખ્ય કારણ એ છે કે આપણે “છેલ્લા સમયમાં” અને ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) વધુમાં, બાઇબલ બતાવે છે, “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) ખાસ કરીને યુવાનો શેતાનના હુમલાના જોખમ હેઠળ છે કે જે “ગાજનાર સિંહની પેઠે” બિનઅનુભવી લોકોને પોતાના ફાંદામાં ફસાવે છે. (૧ પીતર ૫:૮) સાચે જ, પોતાનાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરનાર ખ્રિસ્તી માબાપે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. (એફેસી ૬:૪) તો પછી, માબાપ કઈ રીતે પોતાનાં બાળકોને “ખરૂંખોટું” પારખવામાં અને યહોવાહના એક પરિપક્વ ઉપાસક તરીકે મોટા થવા મદદ કરી શકે?—હેબ્રી ૫:૧૪.

૩. બાળકોને સફળતાપૂર્વક ઉછેરવા માટે માબાપની સલાહ અને માર્ગદર્શન શા માટે મહત્ત્વનાં છે?

રાજા સુલેમાને કહ્યું: “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” (નીતિવચનો ૧૩:૧; ૨૨:૧૫) બાળકોના હૃદયમાંથી આવી મૂર્ખતા દૂર કરવા માટે, માબાપ તેઓને પ્રેમાળ શિસ્ત આપે એ જરૂરી છે. જોકે, યુવાનોને હંમેશા આવી શિસ્ત ગમતી નથી. તેથી, તેઓ સલાહ પ્રત્યે અણગમો બતાવે છે, પછી ભલે એ ગમે તેણે આપી હોય. એ કારણે માબાપે, “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં [ચાલવાનું]” શીખવવું જ જોઈએ. (નીતિવચનો ૨૨:૬) બાળકો આ શિક્ષણને વળગી રહે છે ત્યારે, એ તેઓને જીવન આપનાર બને છે. (નીતિવચનો ૪:૧૩) માબાપો માટે પોતાનાં બાળકોને ઉછેરવામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જાણવું કેટલું મહત્ત્વનું છે!

શિસ્ત એટલે શું?

૪. બાઇબલમાં ઉપયોગમાં લેવામાં આવેલા “શિસ્ત” શબ્દનો પ્રાથમિક અર્થ શું થાય છે?

બાળકોને શારીરિક, મૌખિક કે લાગણીમય રીતે દુઃખ પહોંચી શકે છે એ ભયના લીધે, કેટલાંક માબાપ પોતાનાં બાળકોને શિસ્ત આપતા નથી. પરંતુ, આપણે આ પ્રકારનો ભય રાખવો જોઈએ નહિ. બાઇબલમાં ઉપયોગમાં લેવામાં આવેલો “શિસ્ત” શબ્દ, કોઈ પણ પ્રકારના અત્યાચાર કે ક્રૂરતાને લાગુ પડતો નથી. “શિસ્ત” માટેનો ગ્રીક શબ્દ પ્રેમાળ શિક્ષાને લાગુ પડે છે એ જ સમયે, એ માર્ગદર્શન, શિક્ષણ અને ઠપકાને પણ લાગુ પડે છે.

૫. યહોવાહે પોતાના લોકોને જે રીતે શિસ્ત આપી છે એ ધ્યાનમાં લેવું શા માટે લાભદાયી છે?

આવી શિસ્ત આપવામાં યહોવાહ પરમેશ્વરે સંપૂર્ણ ઉદાહરણ બેસાડ્યું છે. યહોવાહને માનવીય પિતા સાથે સરખાવીને, પ્રેષિત પાઊલે લખ્યું: “શું દરેક માબાપ પોતાનાં બાળકોને શિસ્ત આપતા નથી? . . . આપણા પિતા તેઓને જે સારું લાગે છે એ રીતે આપણને થોડા સમય માટે શિસ્ત આપે છે. પરંતુ પરમેશ્વર આપણા ભલા માટે જ આપણને શિસ્ત આપે છે, કારણ કે આપણે પવિત્ર રહીએ એવું તે ઇચ્છે છે.” (હેબ્રી ૧૨:૭-૧૦, કોન્ટેમ્પરરી ઈંગ્લીશ વર્શન) હા, યહોવાહ પોતાના લોકોને શિસ્ત આપે છે જેથી તેઓ પવિત્ર અને શુદ્ધ રહી શકે. યહોવાહે કઈ રીતે પોતાના લોકોને તાલીમ આપી છે એ ધ્યાનમાં રાખીને, આપણે પણ આપણાં બાળકોને શિસ્ત આપવા વિષે ઘણું બધું શીખી શકીએ છીએ.—પુનર્નિયમ ૩૨:૪; માત્થી ૭:૧૧; એફેસી ૫:૧.

પ્રેમ ઉત્તેજન આપે છે

૬. યહોવાહના પ્રેમનું અનુકરણ કરવું શા માટે માબાપ માટે મુશ્કેલ હોય શકે?

પ્રેષિત યોહાન કહે છે, “દેવ પ્રેમ છે.” તેથી, યહોવાહ જે શિસ્ત આપે છે એ પ્રેમને લીધે આપે છે. (૧ યોહાન ૪:૮; નીતિવચનો ૩:૧૧, ૧૨) શું એનો અર્થ એમ થાય કે જે માબાપ પોતાનાં બાળકોને પ્રેમ કરે છે તેઓ સહેલાઈથી યહોવાહનું અનુકરણ કરી શકશે? ના, એવું જરૂરી નથી. પરમેશ્વરનો પ્રેમ સિદ્ધાંત પર આધારિત છે. એક ગ્રીક વિદ્વાન બતાવે છે કે આ પ્રકારનો પ્રેમ, કુદરતી પ્રેમ સાથે “હંમેશા સહમત થતો નથી.” પરમેશ્વરનો પ્રેમ આંધળો નથી. તે પોતાના લોકો માટે સૌથી સારું શું છે એ હંમેશા ધ્યાનમાં લે છે.—યશાયાહ ૩૦:૨૦; ૪૮:૧૭.

૭, ૮. (ક) યહોવાહે પોતાનાં લોકો સાથે વ્યવહાર કરતી વખતે કયા સૈદ્ધાંતિક પ્રેમનું ઉદાહરણ બેસાડ્યું? (ખ) બાળકોને બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં જીવવા મદદ કરવા માટે માબાપ કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે?

યહોવાહે ઈસ્રાએલીઓ સાથેના પોતાના વ્યવહારમાં બતાવેલા પ્રેમનો વિચાર કરો. યહોવાહના ઈસ્રાએલ રાષ્ટ્ર માટેના પ્રેમની ખૂબ સરસ સરખામણી કરીને મુસા આમ વર્ણન કરે છે: “જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા; એકલા યહોવાહે તેને ચલાવ્યો, ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો.” (પુનર્નિયમ ૩૨:૯, ૧૧, ૧૨) પોતાનાં નાનાં બચ્ચાંને ઊડવાનું શીખવવા માટે, ગરુડ માતા ‘પોતાના માળાને હલાવીને’ પાંખો ફફડાવી બચ્ચાંને ઊડવાનું કહે છે. બચ્ચું છેવટે પોતાનાં માળામાંથી નીચે કૂદે છે કે જે હંમેશા ઊંચી ભેખડો પર હોય છે. પછી, માતા પણ બચ્ચા ઉપર “પાંખો ફફડાવે” છે. જો એ બચ્ચું જમીન પર પટકાવાનું હોય તો, માતા એની નીચે જઈને એને ‘પોતાની પાંખો ઉપર’ ઊંચકી લે છે. એવી જ રીતે, યહોવાહે પોતાના નવાં જન્મેલાં ઈસ્રાએલ રાષ્ટ્રની પ્રેમાળ કાળજી રાખી હતી. તેમણે ઈસ્રાએલીઓને મુસાનો નિયમ આપ્યો. (ગીતશાસ્ત્ર ૭૮:૫-૭) ત્યાર પછી, પરમેશ્વર તેઓનું ધ્યાન રાખતા હતા અને જ્યારે પોતાના લોકો મુશ્કેલીમાં આવી પડે ત્યારે, તેઓને મદદ કરવા તૈયાર હતા.

માબાપો કઈ રીતે યહોવાહના પ્રેમનું અનુકરણ કરી શકે? સૌ પ્રથમ, તેઓએ પરમેશ્વરના શબ્દ, બાઇબલમાં જોવા મળતા સિદ્ધાંતો અને ધોરણો પોતાનાં બાળકોને શીખવવા જ જોઈએ. (પુનર્નિયમ ૬:૪-૯) તેઓનો ધ્યેય પોતાનાં બાળકોને બાઇબલનાં સિદ્ધાંતોનાં સુમેળમાં નિર્ણયો લેવા મદદ કરવાનો છે. એમ કરીને, પ્રેમાળ માબાપ પોતાનાં બાળકો પર દેખરેખ રાખે છે, જેથી તેઓ જે સિદ્ધાંતો શીખ્યા છે એ કઈ રીતે લાગુ પાડે છે એ જોઈ શકે. બાળકો મોટા થાય છે તેમ, ધીમે ધીમે વધારે સ્વતંત્રતા મેળવે છે અને મુશ્કેલીમાં આવી પડે ત્યારે, પ્રેમાળ માબાપ ‘પોતાનાં બાળકોને પોતાની પાંખો ઉપર’ ઊંચકી લેવા તૈયાર હોય છે. એ કેવા પ્રકારની મુશ્કેલીઓ હોય છે?

૯. ખાસ કરીને કયાં જોખમોથી માબાપે સાવધ રહેવું જોઈએ? સમજાવો.

યહોવાહ પરમેશ્વરે ઈસ્રાએલીઓને ખરાબ સંગત રાખવાથી આવનાર પરિણામો વિષે ચેતવણી આપી હતી. (ગણના ૨૫:૧-૧૮; એઝરા ૧૦:૧૦-૧૪) ખરાબ લોકોની સંગત રાખવી આજે એકદમ સામાન્ય બની ગયું છે. (૧ કોરીંથી ૧૫:૩૩) આ બાબતમાં માબાપે યહોવાહનું અનુકરણ કરવું જ જોઈએ. લીસા નામની એક ૧૫ વર્ષની છોકરી એક છોકરા પ્રત્યે આકર્ષાઈ કે જે બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં જીવતો ન હતો. લીસા બતાવે છે, “મારા માબાપે મારા વલણમાં આવેલા ફેરફાર પ્રત્યે તરત જ ધ્યાન આપ્યું અને મારા પ્રત્યે ચિંતા બતાવી. અમુક સમયે તેઓ મને સુધારતા અને કેટલીક વખત મને પ્રેમાળ ઉત્તેજન પણ આપ્યું.” તેઓ લીસા સાથે બેઠા અને ધ્યાનથી તેનું સાંભળ્યું. આમ, તેઓએ તેને પોતાના મિત્રોની સ્વીકૃતિ મેળવવાની સમસ્યાને હલ કરવામાં મદદ કરી. *

સારો વાતચીત વ્યવહાર રાખો

૧૦. યહોવાહે કઈ રીતે ઈસ્રાએલીઓ સાથે વાતચીત કરીને સારું ઉદાહરણ બેસાડ્યું?

૧૦ બાળકોને સફળતાપૂર્વક શિક્ષણ આપવા માટે, માબાપે તેઓ સાથે સારો વાતચીત વ્યવહાર રાખવો જોઈએ. આપણાં હૃદયમાં શું છે એનાથી યહોવાહ સારી રીતે વાકેફગાર હોવા છતાં, તે આપણને તેમની સાથે વાતચીત કરવાનું ઉત્તેજન આપે છે. (૧ કાળવૃત્તાંત ૨૮:૯) ઈસ્રાએલીઓને નિયમ આપ્યા પછી, યહોવાહે તેઓને માર્ગદર્શન આપવાનું કાર્ય લેવીઓને સોંપ્યું. વળી, તેમણે તેઓને શિસ્ત અને માર્ગદર્શન આપવા પ્રબોધકોને પણ મોકલ્યા. તે તેઓની પ્રાર્થનાઓ સાંભળવા પણ તૈયાર હતા.—૨ કાળવૃત્તાંત ૧૭:૭-૯; ગીતશાસ્ત્ર ૬૫:૨; યશાયાહ ૧:૧-૩, ૧૮-૨૦; યિર્મેયાહ ૨૫:૪; ગલાતી ૩:૨૨-૨૪.

૧૧. (ક) માબાપ પોતાનાં બાળકો સાથે કઈ રીતે સારો વાતચીત વ્યવહાર જાળવી શકે? (ખ) પોતાનાં બાળકો સાથે વાતચીત કરતી વખતે, માબાપ સારા સાંભળનારા બને એ શા માટે મહત્ત્વનું છે?

૧૧ માબાપ પોતાનાં બાળકો સાથે વાતચીત કરે ત્યારે કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે? સૌ પ્રથમ, તેઓએ પોતાનાં બાળકો માટે સમય ફાળવવો જોઈએ. માબાપે કડવી ટીકા કે તેઓની મજાક કરવાનું ટાળવું જોઈએ. જેમ કે, “બસ, આટલી નાની વાતથી તું ચિંતામાં પડી ગયો? મને એમ કે બહુ મહત્ત્વની વાત હશે”; “કેવી બુદ્ધિ વગરની વાત કરે છે?”; “તો તું શાની ઇચ્છા રાખે છે? તું તો હજુ બહુ નાનો છે, તારે વળી શું જોઈએ છે.” (નીતિવચનો ૧૨:૧૮) બાળકો વાતચીત કરે એ માટે માબાપે સારાં સાંભળનારા બનવું જોઈએ. બાળકો નાનાં હોય ત્યારે તેમની અવગણના કરનારા માબાપની, બાળકો મોટા થયા પછી અવગણના કરી શકે. યહોવાહે હંમેશા પોતાના લોકોનું સાંભળ્યું છે. નમ્રપણે યહોવાહને પ્રાર્થના કરનારાઓનું તે સાંભળે છે.—ગીતશાસ્ત્ર ૯૧:૧૫; યિર્મેયાહ ૨૯:૧૨; લુક ૧૧:૯-૧૩.

૧૨. બાળકો પોતાની પાસે સહેલાઈથી આવી શકે એ માટે માબાપે કયા ગુણો વિકસાવવાની જરૂર છે?

૧૨ યહોવાહના સ્વભાવનો વિચાર કરો, કે જેનાથી તેમના લોકો સહેલાઈથી તેમની પાસે મદદ માટે જઈ શકતા હતા. દાખલા તરીકે, પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કરીને ગંભીર પાપ કર્યું. અપૂર્ણ હોવાને લીધે, દાઊદે બીજી ગંભીર ભૂલો પણ કરી હતી. તોપણ, તે ક્યારેય યહોવાહ પાસેથી માફી અને ઠપકો મેળવવામાં પાછા પડ્યા નહિ. નિઃશંક, પરમેશ્વરની પ્રેમાળ કૃપા અને દયાને લીધે દાઊદ સહેલાઈથી પરમેશ્વર યહોવાહ તરફ પાછા ફરી શક્યા. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮) બાળકે ભૂલ કરી હોય ત્યારે પણ, માબાપ દયા અને માયાળુપણું જેવાં પરમેશ્વરનાં ગુણો બતાવીને તેને મુક્તપણે પોતાની સાથે વાતચીત કરવા મદદ કરી શકે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩; માલાખી ૩:૧૭.

વાજબી બનો

૧૩. વાજબી બનવાનો શું અર્થ થાય છે?

૧૩ માબાપ પોતાનાં બાળકોનું સાંભળતા હોય ત્યારે, તેઓએ વાજબી બનવું જોઈએ અને “જે જ્ઞાન ઉપરથી” છે એ પ્રમાણે વર્તવું જોઈએ. (યાકૂબ ૩:૧૭) પ્રેષિત પાઊલે લખ્યું, ‘તમારું [“વાજબીપણું”, NW] સર્વ માણસોના જાણવામાં આવે.’ (ફિલિપી ૪:૫) વાજબી બનવાનો શું અર્થ થાય છે? ભાષાંતર પામેલા ગ્રીક શબ્દ, ‘વાજબીપણાની’ વ્યાખ્યા “નિયમના શબ્દોને પકડી ન રાખવા” થાય છે. એ જ સમયે, નૈતિક અને આત્મિક ધોરણોને મક્કમપણે વળગી રહીને, માબાપ કઈ રીતે વાજબી બની શકે છે?

૧૪. યહોવાહે લોટ સાથે વ્યવહાર કરવામાં કઈ રીતે વાજબીપણું બતાવ્યું?

૧૪ યહોવાહ પરમેશ્વર વાજબીપણા માટે ઉત્તમ ઉદાહરણ બેસાડે છે. (ગીતશાસ્ત્ર ૧૦:૧૭) તેમણે લોટ અને તેના કુટુંબને વિનાશ થનાર સદોમ શહેર છોડી જવાનું કહ્યું ત્યારે, લોટ “વિલંબ કરતો હતો.” પછીથી, યહોવાહના દૂતે તેને પહાડ પર નાસી જવાનું કહ્યું ત્યારે, લોટે વિનંતી કરી: “હું પહાડ પર નાસી જઈ શકતો નથી, . . . હવે જો, આ [સોઆર] નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલ છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દે, (શું તે નાનું નથી?)” આ સમયે યહોવાહે કેવું વલણ બતાવ્યું? તેમણે કહ્યું: “આ વાત વિષે પણ મેં તારૂં સાંભળ્યું છે, જે નગર વિષે તું બોલ્યો છે તેનો નાશ હું નહિ કરીશ.” (ઉત્પત્તિ ૧૯:૧૬-૨૧, ૩૦) યહોવાહે લોટની વિનંતીને માન્ય રાખી. હા, યહોવાહે પોતાના શબ્દ, બાઇબલમાં જે ધોરણો બેસાડ્યાં છે એને માબાપે વળગી રહેવાની જરૂર છે. તેમ છતાં, બાઇબલ સિદ્ધાંતોનું ઉલ્લંઘન ન થતું હોય ત્યારે, માબાપ બાળકોની ઇચ્છાને ધ્યાનમાં રાખી શકે.

૧૫, ૧૬. યશાયાહ ૨૮:૨૪, ૨૫માં જોવા મળતા દૃષ્ટાંતમાંથી માબાપ કયો બોધપાઠ મેળવી શકે છે?

૧૫ વાજબી બનવામાં બાળકોનાં હૃદયને તૈયાર કરવાનો સમાવેશ થાય છે, જેથી તે સહેલાઈથી સલાહ સ્વીકારી શકે. દૃષ્ટાંતરૂપે, યશાયાહે યહોવાહની ખેડૂત સાથે સરખામણી કરતા કહ્યું: “શું ખેડૂત બીજ વાવવા સારૂ નિરંતર હળ ખેડ્યા કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે? તેની સપાટી સરખી કરી રહીને તે [તેમાં] કાળીજીરી નાખતો નથી? અને જીરૂ વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ઠરાવેલે ઠેકાણે જવ, ને મોસમમાં બાજરી તે ઓરતો નથી શું?”—યશાયાહ ૨૮:૨૪, ૨૫.

૧૬ યહોવાહ “બીજ વાવવા સારૂ નિરંતર હળ ખેડ્યા કરે છે” અને ‘પોતાના ખેતરમાં ખોદીને ઢેફાં ભાંગે છે.’ આમ, તે પોતાના લોકોને શિસ્ત આપતા પહેલાં તેઓનાં હૃદયને તૈયાર કરે છે. પોતાનાં બાળકોને શિસ્ત આપીને, માબાપ કઈ રીતે તેઓના હૃદયને ‘ખેડી’ શકે? એક પિતાએ પોતાના ચાર વર્ષના દીકરાને શિસ્ત આપવા યહોવાહનું અનુકરણ કર્યું. તેમના દીકરાએ પાડોશીના છોકરાને માર્યો ત્યારે, પિતાએ ધીરજપૂર્વક પોતાના દીકરાના બહાનાં સાંભળ્યા. ત્યાર પછી, તેના હૃદયને ખેડતા હોય તેમ, પિતાએ એક નાના છોકરાની વાર્તા કહી કે જે એક બદમાશ છોકરાની દાદાગીરીને સહન કરતો હતો. એ સાંભળ્યા પછી, દીકરાએ કહ્યું કે બદમાશ છોકરાને સજા થવી જ જોઈએ. આ રીતે ‘ખેડવાથી’ પિતાએ બાળકનાં હૃદયને તૈયાર કર્યું અને એનાથી તે સહેલાઈથી જોઈ શક્યો કે પાડોશીના છોકરા સાથે બદમાશ છોકરાની જેમ મારામારી કરવી એ ખોટું છે.—૨ શમૂએલ ૧૨:૧-૧૪.

૧૭. યશાયાહ ૨૮:૨૬-૨૯માંથી માબાપ કયો બોધપાઠ શીખી શકે?

૧૭ ત્યાર પછી, યહોવાહ જે રીતે શિસ્ત આપે છે એને ખેતીની બીજી પ્રક્રિયા, ઝાટકવા સાથે યશાયાહ સરખાવે છે. એક ખેડૂત અનાજનાં ફોતરાં કાઢવા માટે ધાન્યના પ્રકાર પ્રમાણે અલગ અલગ સાધન વાપરે છે. કાળીજીરી અને જીરાં માટે લાડકીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ, અમુક પ્રકારના અનાજ માટે ગાડાના પૈડાંનો ઉપયોગ કરવામાં આવે છે. તોપણ, તે આ સાધનનો એટલી હદે ઉપયોગ નહિ કરે કે અનાજનો ભૂક્કો થઈ જાય. એવી જ રીતે, યહોવાહ પોતાના લોકોમાંથી કંઈ પણ અયોગ્ય બાબતોને કાઢી નાખવા ઇચ્છે છે ત્યારે, તે તેઓની જરૂરિયાત અને સંજોગોને ધ્યાનમાં રાખીને એ રીતે વર્તે છે. તે ક્યારેય મન ફાવે એ રીતે કે નિષ્ઠુર બનીને વર્તતા નથી. (યશાયાહ ૨૮:૨૬-૨૯) કેટલાંક બાળકો ફક્ત ટકોરથી જ સમજી જાય છે, તેમને વધારે કંઈ કહેવાની જરૂર પડતી નથી. જ્યારે બીજાં બાળકોને અવારનવાર યાદ કરાવવું પડે છે. વળી, કેટલાકને એનાથી પણ કડક શિક્ષાની જરૂર પડે છે. વાજબી માબાપ પોતાના બાળકને જરૂરિયાત પ્રમાણે શિસ્ત આપશે.

કૌટુંબિક ચર્ચા આનંદી બનાવો

૧૮. માબાપ કઈ રીતે નિયમિત બાઇબલ અભ્યાસ માટે સમય ફાળવી શકે?

૧૮ બાળકોને શિક્ષણ આપવામાં નિયમિત કૌટુંબિક બાઇબલ અભ્યાસ અને દરરોજ શાસ્ત્રવચનોની ચર્ચા કરવી એ સૌથી સારી રીતો છે. કૌટુંબિક અભ્યાસ નિયમિત હોય ત્યારે, એ વધુ અસરકારક હોય છે. અભ્યાસ યોગ્ય સમયે કરવામાં ના આવે અથવા ઓચિંતા કરવાનો નિર્ણય લેવામાં આવે તો, સૌથી સારી પરિસ્થિતિમાં પણ એ કોઈ-કોઈ વાર જ થવાની સંભાવના રહે છે. તેથી, તમારે અભ્યાસ માટે ‘સમયનો સદુપયોગ કરવો’ જોઈએ. (એફેસી ૫:૧૫-૧૭) સર્વ માટે અનુકૂળ હોય એવો ચોક્કસ સમય પસંદ કરવો એ કંઈ સહેલું નથી. એક પિતાને જોવા મળ્યું કે બાળકો મોટા થાય છે તેમ, તેઓના અલગ અલગ સમયપત્રકના કારણે આખા કુટુંબને ભેગા મળવું મુશ્કેલ બને છે. તોપણ, કુટુંબના સભ્યો મંડળકીય સભાઓ પછી રાત્રે હંમેશા ભેગા મળતા હતા. તેથી, પિતાએ એમાંની એક રાત્રે બાઇબલ અભ્યાસની ગોઠવણ કરી. એ ગોઠવણથી સારી અસર પડી. હવે તેમનાં ત્રણેવ બાળકો યહોવાહના બાપ્તિસ્મા પામેલા સેવકો છે.

૧૯. કૌટુંબિક બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે, માબાપ કઈ રીતે યહોવાહનું અનુકરણ કરી શકે?

૧૯ તેમ છતાં, બાઇબલ અભ્યાસમાં ઉપરછલ્લી રીતે અમુક શાસ્ત્રીય સામગ્રીને આવરી લેવી, એટલું જ પૂરતું નથી. યહોવાહે પાછા ફરેલા ઈસ્રાએલીઓને યાજકો દ્વારા શીખવ્યું કે જેઓ નિયમશાસ્ત્રમાંથી ‘સ્પષ્ટ રીતે વાંચી સંભળાવતા હતા અને વાંચેલું સમજાવતા’ હતા. (નહેમ્યાહ ૮:૮) એક પિતાએ પોતાના સાતેવ બાળકોને યહોવાહને પ્રેમ કરવામાં મદદ કરી. તે કૌટુંબિક અભ્યાસની તૈયારી કરવા પોતાના ઓરડામાં જતા અને દરેક બાળકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સામગ્રી તૈયાર કરતા હતા. તે પોતાના બાળકો માટે અભ્યાસને આનંદપૂર્ણ બનાવતા. તેમનો એક દીકરો કહે છે કે, “અભ્યાસ હંમેશા આનંદદાયક રહેતો. અમે વાડામાં બોલ રમતા હોઈએ અને અમને કૌટુંબિક અભ્યાસ માટે બોલાવવામાં આવતા ત્યારે, અમે તરત જ બોલ મૂકીને અભ્યાસ માટે દોડી જતા. એ અઠવાડિયાની સૌથી આનંદપ્રદ સાંજ રહેતી.”

૨૦. બાળકોને ઉછેરતી વખતે કઈ સમસ્યા આવી શકે?

૨૦ ગીતશાસ્ત્રના લેખકે કહ્યું: “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે; પેટનાં ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) આપણાં બાળકોને તાલીમ આપવામાં સમય અને પ્રયત્ન માંગી લે છે. યોગ્ય તાલીમ આપવાથી આપણાં બાળકો અનંતજીવન મેળવી શકે છે. એ કેવો સુંદર આશીર્વાદ હશે! તો પછી, આપણાં બાળકોને તાલીમ આપતી વખતે યહોવાહને ગાઢપણે અનુસરો. બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવાની જવાબદારી આપવામાં આવી છે, તેમ છતાં, એની કોઈ ખાતરી નથી કે માબાપ એમાં સફળ થશે જ. (એફેસી ૬:૪) ઘણી કાળજી રાખવા છતાં, બાળક બંડખોર બનીને યહોવાહની સેવા કરવાનું છોડી દઈ શકે. એવા સંજોગોમાં શું કરી શકાય? એની હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.

[ફુટનોટ]

^ આ અને હવે પછીના લેખના અનુભવ તમારા દેશની સંસ્કૃતિ કરતા અલગ હોય શકે. પરંતુ એમાં રહેલા સિદ્ધાંતને સમજો અને તમારી સંસ્કૃતિ પ્રમાણે લાગુ પાડવાનો પ્રયત્ન કરો.

તમારો જવાબ શું છે?

પુનર્નિયમ ૩૨:૧૧, ૧૨માં વર્ણવેલા યહોવાહના પ્રેમનું માબાપ કઈ રીતે અનુકરણ કરી શકે?

• યહોવાહે ઈસ્રાએલીઓ સાથે જે રીતે વાતચીત વ્યવહાર કર્યો એમાંથી તમે શું શીખી શકો?

• યહોવાહે લોટની વિનંતીને જે રીતે સાંભળી એમાંથી આપણે શું શીખી શકીએ?

યશાયાહ ૨૮:૨૪-૨૯માંથી બાળકોને સુધારવામાં આપણે કયો બોધપાઠ લઈ શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૮, ૯ પર ચિત્ર]

યહોવાહ પોતાના લોકોને જે રીતે તાલીમ આપે છે એની સરખામણી, પોતાના નાનાં બચ્ચાંને તાલીમ આપતા ગરુડ સાથે મુસાએ કરી

[પાન ૧૦ પર ચિત્રો]

માબાપે પોતાનાં બાળકો માટે સમય ફાળવવો જોઈએ

[પાન ૧૨ પર ચિત્ર]

“એ અઠવાડિયાની સૌથી આનંદપ્રદ સાંજ રહેતી”