સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મળવું મુશ્કેલ હોય એવા લોકોને સંદેશો આપવો

મળવું મુશ્કેલ હોય એવા લોકોને સંદેશો આપવો

રાજ્ય પ્રચારકોના અનુભવ

મળવું મુશ્કેલ હોય એવા લોકોને સંદેશો આપવો

યહોવાહના સાક્ષીઓ પોતે મળી શકે એ દરેક વ્યક્તિને પરમેશ્વરના રાજ્યનો સંદેશો આપવાનો પ્રયત્ન કરે છે. ઘરે ન મળતા હોય એવા લોકોને સંદેશો આપવા કેટલીક વખત ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. (માર્ક ૧૩:૧૦) દક્ષિણ અમેરિકાના એક દેશના ખાસ પાયોનિયર, આ સંબંધી નીચેનો અનુભવ જણાવે છે.

“એક દિવસ મને જાણવા મળ્યું કે મને અને મારી પત્નીને જે પ્રચાર વિસ્તારમાં સોંપણી મળી છે ત્યાં જ રાજ્યના ગવર્નર મુલાકાત માટે આવવાના છે. દેખીતી રીતે જ તે એક એવી વ્યક્તિ હતી કે જેમને ઘરે મળીને સંદેશો આપવો મુશ્કેલ છે, તેથી મેં તેમને એક પત્ર લખ્યો. પત્ર સાથે મેં દેવ આપણી પાસે શું માગે છે? મોટી પુસ્તિકા, પરમેશ્વર માટે માણસજાતની શોધ (અંગ્રેજી) અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકો તથા અમુક સાહિત્ય પણ બીડ્યું. મોકલેલા દરેક પ્રકાશનનો હેતુ શું છે એ પણ મેં પત્રમાં સમજાવ્યું.

“તેમને સાહિત્ય ગમ્યું કે નહિ એ મારે જાણવું હતું, તેથી મેં તેમને મળવાની વિનંતી કરી. થોડાં અઠવાડિયાં પછી તેમને મળવાની મને પરવાનગી આપવામાં આવી ત્યારે, હું મારી સાથે યહોવાહના સાક્ષીઓ—નામ પાછળ રહેલું સંગઠન (અંગ્રેજી) વીડિયો કૅસેટ લઈ ગયો. અમારી વાતચીત લગભગ બે કલાક ચાલી. ગવર્નર સાથે વીડિયો કૅસેટ જોયા પછી, મેં તેમને પૂછ્યું કે એ તેમને કેવી લાગી. તેમણે કહ્યું: ‘પૃથ્વી પર તમારી સંસ્થા જેવી બીજી કોઈ સંસ્થા નથી. હું ઇચ્છું છું કે મારી પાસે પણ તમારા જેવા લોકો હોય કે જેઓ મને મારી સરકારી યોજનાઓ પૂરી કરવામાં મદદ કરે!’ પછી તેમણે મને પૂછ્યું કે મેં ક્યારેય આપણી સંસ્થાનું મુખ્યમથક જોયું છે કે કેમ. મેં કહ્યું કે હું ૧૪ વર્ષનો હતો ત્યારથી મને અમારું ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાંનું મુખ્યમથક જોવાની ઇચ્છા છે, પરંતુ, હજુ સુધી મને એની મુલાકાત લેવાની તક મળી નથી. એ એક એવો ધ્યેય છે જેને પહોંચવું મુશ્કેલ છે. તેમણે થોડી વાર સુધી મારી સામે જોયા કર્યું. પછી, તેમણે કહ્યું કે હું તમને એ તક આપવા ઇચ્છું છું. તેમણે અમારા માટે કાનૂની પરવાનાની વ્યવસ્થા કરી અને અમને ભેટ તરીકે વિમાનની ટિકિટો આપી!

“તે ગવર્નર નિયમિત રીતે ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકો મેળવે છે. અમે આશા રાખીએ છીએ કે બહુ જલદી જ અમે તેમની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરીશું.”