સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની સેવામાં આશ્ચર્યોથી ભરેલું જીવન

યહોવાહની સેવામાં આશ્ચર્યોથી ભરેલું જીવન

મારો અનુભવ

યહોવાહની સેવામાં આશ્ચર્યોથી ભરેલું જીવન

ઍરિક અને હાઝલ બેવરીજના જણાવ્યા પ્રમાણે

“આથી, હું તમને છ મહિનાની જેલની સજા કરું છું.” મને ઇંગ્લૅંડ, મૅંચિસ્ટરની સ્ટ્રેંજવેસ જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે, આ શબ્દોના પડઘા હજુ મારા કાનમાં પડતા હતા. એ ડિસેમ્બર ૧૯૫૦નું વર્ષ હતું અને હું ફક્ત ૧૯ વર્ષનો હતો. મેં લશ્કરી સેવામાં ભરતી થવાનો નકાર કર્યો હોવાથી, યુવાનીમાં મારે એ મુશ્કેલ કસોટીનો સામનો કરવો પડ્યો.—૨ કોરીંથી ૧૦:૩-૫.

હુંયહોવાહના સાક્ષીઓમાં પૂરા સમયનો સેવક હતો. પૂરા સમયના સેવકોને લશ્કરમાં ભરતી થવામાંથી મુક્તિ મળતી હતી. પરંતુ, બ્રિટિશ કાયદો અમને એક સેવક તરીકે સ્વીકારતો ન હતો. તેથી, હું એકલો જ જેલમાં હતો. હું મારા પપ્પા વિષે વિચારતો હતો. આડકતરી રીતે તો, તેમના લીધે જ હું જેલમાં હતો.

ચાલો હું તમને વિગતવાર જણાવું. મારા પપ્પા યૉક્સીરમાં જેલના એક અધિકારી હતા, તે તેમની માન્યતાઓ અને સિદ્ધાંતોમાં દૃઢ હતા. તેમને લશ્કરી સેવાનો અનુભવ હતો અને જેલના અધિકારી હોવાને કારણે તેમને કૅથલિક સંપ્રદાય પ્રત્યે ખૂબ ધિક્કાર હતો. સૌ પ્રથમ સાક્ષીઓ સાથે તેમનો સંપર્ક ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં થયો હતો, જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા હતા. પપ્પા તેઓથી છુટકારો મેળવવા દરવાજે ગયા પરંતુ, તે પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં સાક્ષીઓની અમુક પુસ્તિકાઓ હતી! પછી તેમણે કોન્સોલેશન (અત્યારનું સજાગ બનો!) સામયિકનું લવાજમ ભર્યું. સાક્ષીઓ સામયિકનું લવાજમ ચાલુ રાખવા દર વર્ષે તેમની મુલાકાત લેતા હતા. હું લગભગ ૧૫ વર્ષનો હતો ત્યારે, તેઓ પપ્પા સાથે એક વિષય પર ચર્ચા કરતા હતા. હું પણ તેઓની સાથે જોડાયો અને સાક્ષીઓનો પક્ષ લીધો. ત્યારથી મેં બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું.

માર્ચ, ૧૯૪૯માં ૧૭ વર્ષની વયે મેં યહોવાહને મારું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. પછી એ જ વર્ષે, હું જોન અને માઇકલ ચેરુકને મળ્યો. તેઓ ગિલયડ મિશનરિ શાળામાંથી સ્નાતક થઈને નાઇજીરિયા જઈ રહ્યા હતા. હું તેઓના મિશનરિ ઉત્સાહથી ઘણો પ્રભાવિત થયો હતો. તેઓ જાણતા પણ નહિ હોય કે તેઓએ મારા હૃદયમાં પણ એવો જ ઉત્સાહ જગાડ્યો હતો.

હું બાઇબલ અભ્યાસ કરતો હતો ત્યારે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો મારો રસ ઊડી ગયો. લંડનની કસ્ટમ ડ્યુટીની ઑફિસમાં નોકરી કરવા ઘર છોડ્યા પછી, એક જ વર્ષમાં મને લાગવા માંડ્યું કે સરકારી નોકરી ચાલુ રાખીને હું પરમેશ્વરને કરેલા મારા સમર્પણને પરિપૂર્ણ કરી શકતો નથી. છેવટે, મેં મારી ઑફિસની નોકરી છોડી દીધી. “અંતઃકરણ ડંખે એવી નોકરી” છોડવા બદલ ઑફિસના એક અનુભવી માણસે મને શુભેચ્છા પણ પાઠવી હતી.

આ નોકરી છોડ્યા પહેલાં મેં બીજી એક કસોટીનો સામનો કર્યો. મારા પપ્પાને એ કઈ રીતે કહેવું કે પૂરા સમયના સેવક બનવા હું મારી સલામત નોકરીને છોડવા માગું છું. રજાઓ પર હું ઘરે હતો ત્યારે, એક સાંજે મેં પપ્પાને આ આંચકો આપતા સમાચાર આપ્યા. પપ્પા એકદમ ગુસ્સે થઈ જશે એની હું રાહ જોતો હતો. પરંતુ, મારા આશ્ચર્ય વચ્ચે તેમણે શાંતિથી કહ્યું: “તું જે નિર્ણય લઈશ એનું પરિણામ તારે જ ભોગવવાનું છે. પરંતુ, પછીથી તારા ધ્યેયમાં નિષ્ફળ જાય તો, મદદ માટે મારી પાસે આવતો નહિ.” મેં મારી ડાયરીમાં જાન્યુઆરી ૧, ૧૯૫૦ના દિવસ વિષે લખ્યું છે: “પાયોનિયરીંગ કરવા વિષે પપ્પાને કહ્યું. તેમનું વાજબી મદદરૂપ વલણ જોઈને મને આશ્ચર્ય થયું. હું મારા પર કાબૂ રાખી શક્યો નહિ અને તેમના પ્રેમાળ વ્યવહારના લીધે હું ઘણો રડ્યો.” પછી મેં સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પૂરા સમયના સેવક તરીકે સોંપણી સ્વીકારી.

કાર્ય સોંપણીમાં “નાનું ઘર”

પરમેશ્વરની ઉપાસના કરવામાં જલદી જ મારી કસોટી થઈ. મને લેંકશાયરમાં વેલ્સના ખ્રિસ્તી ભાઈ લોઈડ ગીરીફીથ સાથે એક “નાના ઘરમાં” રહેવાનું જણાવવામાં આવ્યું. એ ઘર વિષે મેં ઘણાં સપનાં જોયાં હતાં અને એના વિચારથી હું ખૂબ જ રોમાંચિત હતો. પરંતુ, હું બેકઅપ શહેરમાં આવ્યો ત્યારે, એ નીરસ લાગતું હતું અને ત્યાં ખૂબ વરસાદ પડતો હતો. છેવટે, હું મારા “નાના ઘર” પાસે આવ્યો ત્યારે, ઘરને બદલે ભોંયરાને જોઈને જલદી જ મને વાસ્તવિકતાનું ભાન થયું! ત્યાં રાત્રે ઉંદરો અને વંદાઓ પણ અમને સાથ આપતા હતા. મેં મારું મન બદલીને ઘરે પાછા જવાનું વિચારવાને બદલે, આ કસોટીનો સામનો કરવા મનમાં પ્રાર્થના કરી. મને એકદમ જ શાંતિ થઈ હોય એમ લાગ્યું અને મેં પરિસ્થિતિને હકારાત્મક રીતે જોઈ. મારી એ સોંપણી યહોવાહના સંગઠન તરફથી હતી. મદદ માટે મારે યહોવાહ પર ભરોસો મૂકવાનો હતો. હું એ પરિસ્થિતિને સહન કરી શક્યો એ માટે કેટલો આભારી છું, કેમ કે જો મેં એ છોડી દીધું હોત તો, મારું આખું જીવન હંમેશ માટે બદલાઈ ગયું હોત!—યશાયાહ ૨૬:૩, ૪.

મેં લશ્કરમાં જોડાવાની ના પાડી હોવાથી, મને જેલમાં લઈ જવામાં આવ્યો એ પહેલાં લગભગ નવ મહિના મેં રોસેન્ડાલ ખીણમાં પ્રચાર કર્યો હતો. ત્યારે એ શહેર આર્થિક તંગીમાં હતું. સ્ટ્રેંજવેસ જેલમાં બે અઠવાડિયાં રહ્યા પછી, મને ઇંગ્લૅંડના દક્ષિણ કિનારાની લીવેસ જેલમાં ખસેડવામાં આવ્યો. આકસ્મિત રીતે, અમે પાંચ સાક્ષીઓ ત્યાં ભેગા થઈ ગયા અને ત્યાં અમે ઈસુ ખ્રિસ્તના મરણનો સ્મરણપ્રસંગ ઊજવી શક્યા.

એક વખત પપ્પા મને જોવા આવ્યા હતા. એ તેમના ઘમંડની એક કસોટી હતી, કેમ કે જેલના પ્રખ્યાત અધિકારી પોતાના દીકરાની જેલમાં મુલાકાત લેવા આવ્યા હતા! તેમની એ મુલાકાત માટે હું હંમેશા આભારી રહીશ. છેવટે એપ્રિલ ૧૯૫૧માં મને છોડવામાં આવ્યો.

લીવેસ જેલમાંથી છૂટ્યા પછી, હું ટ્રેનમાં વેલ્સ, કાર્ડિફમાં ગયો કે જ્યાં મારા પપ્પા જેલના મુખ્ય અધિકારી તરીકે કામ કરતા હતા. હું ચાર બાળકોમાં સૌથી મોટો હતો, જેમાં અમે ત્રણ ભાઈ અને એક બહેન હતા. મારે પાર્ટટાઈમ નોકરી શોધવાની હતી, જેથી હું મારો ખર્ચો ઉપાડી શકું અને પાયોનિયરીંગ પણ ચાલુ રાખી શકું. મેં કાપડની એક દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ, મારા જીવનનો મુખ્ય હેતુ ખ્રિસ્તી સેવાકાર્ય હતું. લગભગ એ જ સમયે મારી મમ્મી અમને બધાને છોડીને જતી રહી. એની મારા પપ્પા અને અમે ચાર ભાઈબહેનો પર ઊંડી અસર પડી. એ વખતે અમે આઠથી ઓગણીસ વર્ષના હતા. દુઃખની વાત છે કે મારા મમ્મી-પપ્પાએ છૂટાછેડા લીધા.

તેમણે સારી પત્ની મેળવી . . .

અમારા મંડળમાં કેટલાક પાયોનિયરો હતા. એમાં હાઝેલ ગ્રીન નામની એક બહેન પણ હતી જે નોકરી અને પ્રચાર કાર્ય માટે દરરોજ કોલસાની ખાણ માટે જાણીતી રાહોન્ડા ખીણમાંથી આવતી હતી. તે એક કુશળ પાયોનિયર હતી. હાઝેલ મારા કરતાં પણ વધારે વર્ષોથી સત્યને જાણતી હતી. તેના મમ્મી-પપ્પા બાઇબલ વિદ્યાર્થીઓની (હવે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે) સભાઓમાં ૧૯૨૦ના દાયકાથી હાજરી આપતા હતા. ચાલો, તેને જ પોતાનો અનુભવ જણાવવા દઈએ.

“વર્ષ ૧૯૪૪માં ધર્મ પર ચક્રવાતી વાવાઝોડું તૂટી પડ્યું છે (અંગ્રેજી) પુસ્તિકા વાંચ્યા પછી હું બાઇબલને ગંભીરતાથી લેવા લાગી. એ જ સમયે, મારી મમ્મીએ મને કારડીફમાં એક સરકીટ સંમેલનમાં હાજરી આપવાનું જણાવ્યું. મને બાઇબલનું થોડું જ જ્ઞાન હતું તોપણ, હું જાહેર ભાષણની જાહેરાત કરતા પોસ્ટરને (placard) ગળામાં પહેરીને મુખ્ય શોપિંગ સેન્ટર આગળ ઊભી હતી. પાદરીઓ અને બીજાઓએ મને ડરાવી-ધમકાવી તોપણ, હું હિંમત ન હારી. મેં ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું અને એ જ વર્ષના ડિસેમ્બરમાં મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી ૧૯૫૧માં એક યુવાન ભાઈ જેલમાંથી છૂટીને કાર્ડિફમાં આવ્યા. તે ઍરિક હતા.

“અમે પ્રચારમાં સાથે જતા હતા. અમે સારા મિત્રો બની ગયા. અમારા બંનેનો જીવનમાં એક સરખો ધ્યેય હતો કે પરમેશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપવું. તેથી, ડિસેમ્બર ૧૯૫૨માં અમે લગ્‍ન કર્યું. અમે બંને પૂરા સમયના સેવક હતા અને અમારી આવક પણ મર્યાદિત હતી તોપણ, અમે ક્યારેય પાયાની જરૂરિયાતની ખોટ અનુભવી ન હતી. અમુક સમયે અમે એક સાક્ષી બહેન તરફથી ભેટો મેળવતા હતા. તેણે જામ અને સાબુનો વધારે જથ્થો મંગાવી લીધો હોય અને અમને જરૂર હોય ત્યારે, તે તાત્કાલિક મદદ કરતી હતી! અમે આવી વ્યવહારુ ભેટો માટે તેના ઘણા આભારી હતા. પરંતુ, એક મોટું આશ્ચર્ય અમારી રાહ જોતું હતું.”

એક આશ્ચર્ય, જેનાથી અમારા જીવનમાં ફેરફાર આવ્યો

નવેમ્બર ૧૯૫૪માં હાઝેલ અને મારા માટે એક આશ્ચર્યજનક ઘટના બની. લંડનની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાંથી પ્રવાસી નિરીક્ષક માટેનું એક ફૉર્મ મારા પર આવ્યું, પ્રવાસી નિરીક્ષકે દર અઠવાડિયે અલગ અલગ મંડળોની મુલાકાત લેવાની હતી. અમને લાગ્યું કે એ ફૉર્મ ભૂલથી આવ્યું છે, તેથી અમે મંડળમાં કોઈને કંઈ કહ્યું નહિ. તેમ છતાં, મેં એ ફૉર્મને ભરીને મોકલી આપ્યું અને અમે જવાબની આતુરતાથી રાહ જોવા લાગ્યા. થોડા દિવસો પછી જવાબ આવ્યો: “તાલીમ માટે લંડન આવો”!

લંડનની ઑફિસે ગયા પછી, હું માની જ શકતો ન હતો કે આત્મિકતામાં પુખ્ત બીજા ભાઈઓ વચ્ચે હું એકલો જ ૨૩ વર્ષનો છું. પ્રાઈસ હ્યૂઝ, ઍમ્લીન વાઈન્સ, ઍરની બીવેર, ઍરની ગાઈવર, બૉબ ગોફ, ગ્લીન પાર, સ્ટેનલી અને માર્ટિન વુડબર્ન અને બીજા ઘણા ત્યાં હતા. તેઓમાંના મોટા ભાગના અત્યારે મૃત્યુ પામ્યા છે. આ સર્વએ બ્રિટનમાં ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં ઉત્સાહ અને પ્રામાણિકતાનો નક્કર પાયો બેસાડ્યો હતો.

ઇંગ્લૅંડમાં સરકીટ કાર્ય ક્યારેય કંટાળાજનક ન હતું

અમારા પ્રવાસી કાર્યની શરૂઆત ૧૯૫૪/૫૫ના હિમવર્ષાના શિયાળાથી થઈ. અમને પૂર્વ એંગ્લીઆમાં સોંપણી મળી હતી. ઇંગ્લૅંડના એ એકદમ સમતલ વિસ્તારમાં ઉત્તર સમુદ્રની ઠંડી હવા આવે છે. એ સમયે બ્રિટનમાં ફક્ત ૩૧,૦૦૦ સાક્ષીઓ હતા. અમે શીખતા હોવાથી પ્રથમ સરકીટ અમારા માટે મુશ્કેલ હતી; અમે મુલાકાત લેતા હતા એ દરેક ભાઈઓ માટે પણ એ સહેલું ન હતું. યૉક્સીરના ભાઈઓ ઘણા નિખાલસ હતા અને હું બિનઅનુભવી હોવાથી અમુક ભાઈઓને નારાજ પણ કર્યા હતા. વર્ષો પસાર થયા તેમ, હું શીખ્યો કે આવડત કરતાં સૌથી મહત્ત્વની બાબત સદ્‌વ્યવહાર છે અને કામ કરવાની પદ્ધતિ કરતાં લોકો વધારે મહત્ત્વના છે. હું બીજાઓને તાજગી આપવાના ઈસુના ઉદાહરણને અનુસરવાનો હજુ પણ પ્રયત્ન કરું છું, પરંતુ હંમેશા સફળ થતો નથી.—માત્થી ૧૧:૨૮-૩૦.

પૂર્વ એંજલીઆમાં ૧૮ મહિનાના સેવાકાર્ય પછી, અમને ઇંગ્લૅંડની ઉત્તર દિશાએ આવેલા ન્યૂકાસલ અપોન ટાયને અને નોર્થઅમ્બરલેન્ડમાં સોંપણી મળી. હું એ સુંદર પ્રદેશના પ્રેમાળ હૃદયના લોકોને ખૂબ પ્રેમ કરતો હતો. યુ.એસ.એ., વૉશિંગ્ટન, સિઍટલમાંથી આવેલા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક ડૉન વર્ડની મુલાકાત મારા માટે મોટી મદદ હતી. તે ગિલયડ શાળાના ૨૦માં વર્ગમાંથી સ્નાતક થયા હતા.એક વક્તા તરીકે હું માહિતીને ભારે રુઆબથી રજૂ કરતો હતો. તેમણે મને ધીમેથી, અટકીને વાર્તાલાપ આપતા શીખવ્યું.

એક બીજા આશ્ચર્યએ અમારું જીવન બદલ્યું

વર્ષ ૧૯૫૮માં અમે એક પત્ર મેળવ્યો જેણે અમારું જીવન બદલ્યું. અમને દક્ષિણ લૅન્સિંગ, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.ની ગિલયડ શાળામાં તાલીમ લેવાનું આમંત્રણ મળ્યું. અમે ૧૯૩૫ના મોડલની નાની કાર, ઑસ્ટીન સેવન વેચી દીધી અને ન્યૂયૉર્ક જવા માટેની ટિકિટ ખરીદી. પ્રથમ અમે ન્યૂયૉર્ક શહેરમાં યહોવાહના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનમાં ગયા. દક્ષિણની ગિલયડ શાળામાં જતા પહેલાં, અમે પીટરબોરોજ, ઑન્ટેરિયો ગયા અને ત્યાં છ મહિના પાયોનિયરીંગ કર્યું.

ગિલયડ શાળાના શિક્ષકોમાં આલ્બર્ટ શ્રોડર, મૅક્સવેલ ફ્રેંડ અને જેક રેર્ડફોર્ડ હતા, જેઓમાં ભાઈ શ્રોડર અત્યારે નિયામક જૂથના સભ્ય છે અને ભાઈ મેક્સવેલ અને જેક મૃત્યુ પામ્યા છે. ચૌદ દેશોમાંથી આવેલા ૮૨ વિદ્યાર્થીઓની એ સંગત ખરેખર ઉત્તેજનકારક હતી. અમે બીજા દેશોની સંસ્કૃતિ વિષે પણ થોડું જાણ્યું. અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડતી હતી એવા પરદેશી વિદ્યાર્થીઓ સાથે ભળવાથી, અમને જાણવા મળ્યું કે બીજી ભાષા શીખતા અમારે પણ કેવી મુશ્કેલીઓને સામનો કરવો પડશે. પાંચ મહિનાની અમારી તાલીમ પૂરી થઈ અને અમને બધાને ૨૭ દેશોમાં સોંપણી મળી. પછી સ્નાતક કાર્યક્રમનો દિવસ આવ્યો. અમે થોડા દિવસો ન્યૂયૉર્કમાં રહ્યા અને પછી યુરોપમાં જવા માટે અમે ક્વીન એલીઝાબેથ વહાણની રાહ જોતા હતા.

પરદેશની અમારી પ્રથમ સોંપણી

અમને પ્રથમ સોંપણી પોર્ટુગલમાં આપવામાં આવી હતી! અમે નવેમ્બર, ૧૯૫૯માં લિસ્બનમાં આવ્યા. હવે નવી ભાષા અને સંસ્કૃતિને અનુકૂળ થવાનું હતું. વર્ષ ૧૯૫૯માં પોર્ટુગલની લગભગ ૯૦ લાખની વસ્તીમાં ૬૪૩ સાક્ષીઓ હતા. પરંતુ, અમારા પ્રચાર કાર્યને કાયદેસરની સ્વીકૃતિ મળી ન હતી. અમારા રાજ્યગૃહો હોવા છતાં, ત્યાં રાજ્યગૃહનાં કોઈ બોર્ડ ન હતા.

મિશનરિ એલીસા પીકનૉનીએ અમને પોર્ટુગીઝ ભાષા શીખવ્યા પછી, અમે લિસ્બનના ફારૉ, ઈવૉર અને બેજા શહેરોનાં મંડળોની મુલાકાત લીધી. પછી ૧૯૬૧માં બાબતો બદલાવાની શરૂ થઈ. હું જૅઓ ગૉનકાલવેશ મેટુશ નામના યુવાન સાથે બાઇબલ અભ્યાસ કરતો હતો. તેને લશ્કરી સેવામાં જોડાવા બોલાવવામાં આવ્યો ત્યારે, તેણે ખ્રિસ્તી તટસ્થતા જાળવવાનો નિર્ણય કર્યો. પછી, થોડા જ સમયમાં મને મુખ્ય પોલીસચોકીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. થોડા જ દિવસો પછી, અમને ૩૦ દિવસમાં એ શહેર છોડવાનું જણાવવામાં આવ્યું! સાથી મિશનરિઓ ઍરિક અને ક્રિસ્ટીના બ્રિટીન તથા ડૉમીનીક અને એલીસા પીકનૉને પણ એમ જ જણાવવામાં આવ્યું.

મેં ખાનગી પોલીસના ઉપરીને મળવા માટે વિનંતી કરી અને તેમને મળવાની અમને પરવાનગી આપવામાં આવી. તેમણે સ્પષ્ટ અને કડક શબ્દોમાં અમને કહ્યું કે શા માટે અમારે એ શહેર છોડવાનું છે. તેમણે મારા બાઇબલ વિદ્યાર્થી, જૅઓ ગૉનકાલવેશ મેટુશના નામનો પણ ઉલ્લેખ કર્યો! તેમણે કહ્યું કે બ્રિટન કરતાં પોર્ટુગલો જુદા છે, તેઓને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી નથી. તેથી, અમારે પોર્ટુગલ છોડવું પડ્યું અને જૅઓ સાથેનો મારો સંપર્ક પણ તૂટી ગયો. પરંતુ, ૨૬ વર્ષ બાદ પોર્ટુગલમાં નવા બેથેલના સમર્પણ વખતે જૅઓ, તેની પત્ની અને ત્રણ દીકરીઓને જોઈને મને કેટલો આનંદ થયો હતો એનો વિચાર કરો! સાચે જ, પોર્ટુગલમાં અમારું પ્રચાર કાર્ય વ્યર્થ ગયું ન હતું.—૧ કોરીંથી ૩:૬-૯.

અમારી નવી કાર્ય સોંપણી શું હતી? અમને પાડોશી દેશ સ્પેનમાં મોકલવામાં આવ્યા! ફેબ્રુઆરી, ૧૯૬૨માં મડ્રિડ જવા અમે લિસ્બનથી ટ્રેનમાં બેઠા ત્યારે, અમારી આંખોમાં આંસુ આવી ગયા હતા.

બીજા દેશમાં અનુકૂળ થવું

સ્પેનમાં અમે ચોરીછૂપીથી પ્રચાર કાર્ય કરતા અને સભાઓ ભરતા હતા. ખાસ કરીને પ્રચારમાં અમે ક્યારેય બે ઘર સાથે કરતા ન હતા. એક ઘરે સાક્ષી આપ્યા પછી, અમે બીજી ગલીના બીજા મકાનમાં જતા હતા. એ કારણે પોલીસ અથવા પાદરીઓ અમને પકડી શકતા ન હતા. અમે કૅથલિક સરમુખત્યારશાહી શાસન હેઠળ જીવતા હતા અને અમારા પ્રચાર કાર્ય પર પ્રતિબંધ હતો. પરદેશી હોવાથી ઓળખાઈ ન જઈએ માટે અમે સ્પેનિશ નામ રાખ્યા હતા. હું પાબલો નામથી અને હાઝેલ જુઆનાથી ઓળખાવા લાગ્યા.

મડ્રિડમાં થોડા મહિનાઓ રહ્યા પછી, અમને બાર્સિલોનામાં સરકીટ કાર્ય માટે મોકલવામાં આવ્યા. અમે એ શહેરનાં મંડળોની મુલાકાત લીધી. અમે ઘણી વાર બેથી ત્રણ અઠવાડિયાં એક જ મંડળ સાથે પસાર કરતા હતા. મારે મંડળના દરેક પુસ્તક અભ્યાસ વૃંદની મુલાકાત લેવાની હતી અને હું અઠવાડિયામાં એક સાથે બે વૃંદને મળતો હતો. એ કારણે અમારી મંડળની મુલાકાત આટલી લાંબી થઈ જતી હતી.

અણધાર્યો ફેરફાર

વર્ષ ૧૯૬૩માં અમને સ્પેનમાં ડિસ્ટ્રીક્ટ કાર્ય માટેનું આમંત્રણ મળ્યું. લગભગ ૩,૦૦૦ સાક્ષીઓની મુલાકાત લેવા અમારે આખા દેશમાં ફરીને નવ સરકીટની મુલાકાત લેવાની હતી. અમે સેવિલ નજીકના જંગલોમાં, કીકોન નજીકની વાડીઓમાં અને મડ્રિડ, બાર્સિલોનામાં તથા લગ્રેન્યો નજીકની નદીઓ પાસે અમુક ખાનગી પરંતુ યાદગાર સરકીટ સંમેલનો ભર્યાં હતાં.

ઘરઘરના પ્રચાર કાર્યમાં અચાનક કોઈ મુશ્કેલી ઊભી થાય તો, નજીકની ગલીમાંથી ભાગી છૂટવાનો કોઈ રસ્તો છે કે નહિ એની હું હંમેશા તપાસ કરી સચેત રહેતો હતો. મડ્રિડમાં એક વખત હું અને બીજા એક ભાઈ ઉપરના માળે પ્રચાર કરતા હતા અને અચાનક અમને નીચેથી બૂમો સંભળાવા લાગી. અમે નીચેના માળે આવ્યા ત્યારે, ત્યાં કેટલીક યુવાન છોકરીઓનું જૂથ હતું. તેઓ કૅથલિક જૂથ, હીજા ડે મારીયાની (મેરીની દીકરીઓ) સભ્યો હતી. તેઓ પાડોશીઓને અમારાથી સાવધાન રહેવાની ચેતવણી આપતી હતી. અમે તેઓ સાથે દલીલ ન કરી, કેમ કે હું જાણતો હતો કે પોલીસ અથવા પાદરી આવે એ પહેલાં અમારે અહીંથી ભાગી જવાનું હતું. અમે જલદી જ ત્યાંથી નાસી છૂટ્યા!

સ્પેનમાં એ વર્ષો બહુ ઉશ્કેરાટભર્યા હતા. અમે ત્યાંના ભાઈ-બહેનો તેમ જ ખાસ પાયોનિયરોને ઉત્તેજન આપતા હતા. તેઓ પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવા, નવાં મંડળો સ્થાપવાં અને એને દૃઢ કરવા જેલનું જોખમ ઉઠાવતા હતા. ઘણી વાર તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ અછત સહેતા હતા.

આ સમય દરમિયાન અમે પણ એક ખરાબ સમાચાર મેળવ્યા. હાઝેલ જણાવે છે: “વિશ્વાસુ સાક્ષી, મારી માતા ૧૯૬૪માં મૃત્યુ પામી. દુઃખની બાબત એ હતી કે અમે તેને એક વાર પણ મળી શક્યા ન હતા. મિશનરિ કાર્યની આ એક કિંમત, અમારી સાથે બીજા ઘણાઓએ પણ ચૂકવવી પડે છે.”

છેવટે ધાર્મિક સ્વતંત્રતા મળી

વર્ષોથી સતાવણી સહન કર્યા પછી, છેવટે ૧૯૭૦માં ફાન્કો સરકાર તરફથી અમારા કાર્યને કાયદેસરની ઓળખ મળી. સૌ પ્રથમ મડ્રિડ અને પછી લીસેપ્સ, બાર્સિલોનામાં રાજ્યગૃહો ખોલવામાં આવ્યાં ત્યારે, મેં અને હાઝેલે અનોખો આનંદ અનુભવ્યો. રાજ્યગૃહના બોર્ડ મોટા અક્ષરોમાં બનાવવામાં આવ્યા હતા, જે હંમેશા પ્રકાશતા હતા. અમે લોકોને બતાવવા ઇચ્છતા હતા કે અમે કાયદેસર ઓળખ મેળવી છે અને અમે અહીં જ રહીશું! એ વખતે ૧૯૭૨માં સ્પેનમાં લગભગ ૧૭,૦૦૦ સાક્ષીઓ હતા.

લગભગ એ જ સમયે મેં ઇંગ્લૅંડથી ખુશીના સમાચાર મેળવ્યા. મારા પપ્પાએ ૧૯૬૯માં સ્પેનમાં અમારી મુલાકાત લીધી હતી. સ્પેનના સાક્ષી ભાઈ-બહેનોએ તેમની જે રીતે કાળજી રાખી એ જોઈને તે ઘણા પ્રભાવિત થયા હતા. તેથી, તેમણે ઇંગ્લૅંડ જઈને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પછી, ૧૯૭૧માં મને જણાવવામાં આવ્યું કે પપ્પાએ બાપ્તિસ્મા લઈ લીધું છે! અમે ઘરે ગયા ત્યારે, તેમને એક ખ્રિસ્તી ભાઈ તરીકે અમારા ભોજન પર યહોવાહનો આશીર્વાદ માગતા જોવા ખરેખર હૃદયસ્પર્શી હતું. મેં આ દિવસ જોવા ૨૦ વર્ષ રાહ જોઈ. મારો ભાઈ બૉબ અને તેની પત્ની આઈરીસ પણ ૧૯૫૮માં સાક્ષી બન્યા. હમણા તેમનો પુત્ર ફિલીપ, પોતાની પત્ની જીન સાથે સ્પેનમાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે. તેઓને એ સુંદર દેશમાં સેવા કરતા જોઈને અમને ઘણી ખુશી થાય છે.

અમારું નવું આશ્ચર્ય

ફેબ્રુઆરી ૧૯૮૦માં નિયામક જૂથના એક સભ્યએ ઝોન નિરીક્ષક તરીકે સ્પેનની મુલાકાત લીધી. આશ્ચર્યની વાત એ હતી કે તે સેવાકાર્યમાં મારી સાથે આવવા ઇચ્છતા હતા. મને તો ખબર જ ન હતી કે તે મારું નિરીક્ષણ કરતા હતા! પછી, સપ્ટેમ્બરમાં અમને બ્રુકલિન, ન્યૂયૉર્કના મુખ્યમથકે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું! એનાથી અમને ઘણું આશ્ચર્ય થયું હતું. અમારા સ્પેનિશ ભાઈઓને છોડવા સહેલું ન હતું, તોપણ અમે એ આમંત્રણને સ્વીકાર્યું. એ વખતે સ્પેનમાં ૪૮,૦૦૦ સાક્ષીઓ હતા!

અમે સ્પેન છોડ્યું ત્યારે, એક ભાઈએ મને એક ખિસ્સા ઘડિયાળ ભેટ તરીકે આપી. એના પર તેમણે “લુકાસ ૧૬:૧૦; લુકાસ ૧૭:૧૦” એમ બે કલમો કોતરાવી હતી. તેમણે કહ્યું કે એ મારી મુખ્ય કલમો હતી. લુક ૧૬:૧૦ નાનામાં નાની બાબતોમાં પણ આપણને વિશ્વાસુ રહેવા પર ભાર મૂકે છે અને લુક ૧૭:૧૦ કહે છે કે આપણે “નકામાં ચાકરો છીએ” અને બડાઈ મારવાનું કોઈ કારણ નથી. હું હંમેશા અનુભવતો હતો કે યહોવાહની સેવામાં આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એક સમર્પિત ખ્રિસ્તી તરીકેની આપણી ફરજ છે.

સ્વાસ્થ્યની અણધારી ઘટના

વર્ષ ૧૯૯૦માં મને હૃદયરોગની સમસ્યા ઊભી થઈ. મારી ધમની જામ થઈ ગઈ હોવાથી, એને ખોલવા એક નળી લગાવવામાં આવી હતી. શારીરિક નબળાઈના આ મુશ્કેલીના સમય દરમિયાન, હાઝેલે મને ઘણી રીતોએ ટેકો આપ્યો. હું સૂટકેસ અને બેગો ઉઠાવી શકતો ન હોવાથી, તે જ હંમેશા ઉઠાવતી હતી. પછી ૨૦૦૦માં મારા હૃદયના ધબકારાને ચાલુ રાખવા પેસમેકર લગાવવામાં આવ્યું. કેવી રાહત!

છેલ્લા ૫૦ વર્ષોથી મેં અને હાઝેલે જોયું છે કે યહોવાહે અમને ભરપૂર આશીર્વાદો આપ્યા છે અને તે આપણા નહિ પણ તેમના સમય અનુસાર પોતાના હેતુને પરિપૂર્ણ કરે છે. (યશાયાહ ૫૯:૧; હબાક્કૂક ૨:૩) અમારા જીવનમાં ઘણા આનંદી આશ્ચર્યો આવ્યા છે અને થોડાં દુઃખદાયી પણ હતા, પરંતુ એ સર્વ દરમિયાન યહોવાહે અમને ટકાવી રાખ્યા છે. અહીં યહોવાહના લોકોના મુખ્યમથકમાં દરરોજ નિયામક જૂથના સભ્યો સાથે રહેવાથી અમને ઘણો આનંદ થાય છે. ઘણી વાર હું પોતાને પૂછું છું, ‘શું અમે ખરેખર અહીં છીએ?’ એ એક અપાત્ર કૃપા છે. (૨ કોરીંથી ૧૨:૯) અમે યહોવાહમાં ભરોસો મૂકીએ છીએ કે તે શેતાનનાં ષડયંત્રોથી અમારું રક્ષણ કરશે અને અમે પૃથ્વી પરના તેમના ન્યાયી શાસનના દિવસનો આનંદ માણી શકીએ એ માટે અમારું ધ્યાન રાખશે.—એફેસી ૬:૧૧-૧૮; પ્રકટીકરણ ૨૧:૧-૪.

[પાન ૨૬ પર ચિત્ર]

મૅંચિસ્ટરની સ્ટ્રેંજવેસ જેલ, જ્યાં મને પહેલી વાર જેલની સજા થઈ હતી

[પાન ૨૭ પર ચિત્ર]

ઇંગ્લૅંડમાં સરકીટ કાર્ય કરતા ઑસ્ટીન સેવન કાર સાથે

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૨માં થ્રેસીડિલા, મડ્રિડ, સ્પેનમાં ચોરીછૂપીથી ભરેલું સંમેલન

[પાન ૨૯ પર ચિત્ર]

બ્રુકલિનમાં સાહિત્યને રજૂ કરતા અમારા ટેબલ સાથે