સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વફાદાર બનવાનો અર્થ શું થાય છે?

વફાદાર બનવાનો અર્થ શું થાય છે?

વફાદાર બનવાનો અર્થ શું થાય છે?

બીજી સદી બી.સી.ઈ.માં યહુદી હેસીડીમ લોકો પોતાને જ ખરા વફાદાર માનતા હતા. તેઓનું આ હેસીડીમ નામ, “વફાદાર” માટેના હેબ્રી શબ્દ હાસિદʼમાંથી આવ્યું છે. એ હેʼસેદ નામ પરથી લેવામાં આવ્યું છે, જેનું ઘણી વાર “પ્રેમાળ કૃપા,” “વફાદાર પ્રેમ” કૃપા,” “ભલાઈ,” કે “રહેમ” ભાષાંતર કરવામાં આવ્યું છે. થીઓલોજીકલ ડિક્શનરી ઓફ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ પ્રમાણે, હેʼસેદ, “સક્રિય, સાથ-સહકારવાળું, સહન કરવાવાળું, [અને] માનવ વલણને જ નહિ પરંતુ એ વલણને કારણે પરિણમતા કાર્યોને પણ દર્શાવે છે. એ એક એવું કાર્ય છે જેનાથી જીવન બચી જાય છે અથવા આયુષ્ય લાંબું થાય છે. એ દુઃખ કે યાતના ભોગવી રહેલાના ભલામાં કરવામાં આવતું કાર્ય છે. એ મિત્રતા બતાવે છે.”

દેખીતી રીતે જ બાઇબલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તેમ, આ હેબ્રી શબ્દ સાથે જોડાએલ પૂરેપૂરા અર્થને ઘણી ભાષાઓમાં એક શબ્દમાં વ્યક્ત કરી શકાતો નથી. બાઇબલમાં બતાવ્યા પ્રમાણે વફાદારીનો અર્થ, વચન આપ્યા પછી એને નિભાવવા કરતાં કંઈક વધુ થાય છે. એમાં પ્રેમાળ લાગણીના વિચાર સાથે બીજાઓનું ભલું કરવાનો પણ સમાવેશ થાય છે. સાચી વફાદારી કોને કહેવાય એ સમજવા, યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમ, મુસા, દાઊદ, ઈસ્રાએલી પ્રજા અને માણસજાત સાથે કઈ રીતે વ્યવહાર કર્યો એનો વિચાર કરો.

યહોવાહે વફાદારી બતાવી

યહોવાહે પોતાના મિત્ર ઈબ્રાહીમને કહ્યું: “હું તારી ઢાલ છું.” (ઉત્પત્તિ ૧૫:૧; યશાયાહ ૪૧:૮) તે એ શબ્દો બોલવા ખાતર જ બોલ્યા ન હતા. યહોવાહે ઈબ્રાહીમ અને તેમના કુટુંબનું ફારૂન અને અબીમેલેખથી રક્ષણ કર્યું તેમ જ તેઓને છોડાવ્યા. તેમણે ચાર રાજાઓના મોટા લશ્કરથી લોટને છોડાવવા માટે ઈબ્રાહીમને મદદ કરી. યહોવાહે ૧૦૦ વર્ષના ઈબ્રાહીમને અને ૯૦ વર્ષની સારાહને પ્રજનન શક્તિ પાછી આપી જેથી તેઓ દ્વારા વચનનું સંતાન આવી શકે. યહોવાહે ઈબ્રાહીમ સાથે સંદર્શનો, સ્વપ્નો અને દૂતો દ્વારા સંદેશાઓ મોકલીને નિયમિત રીતે વાતચીત કરી. હકીકતમાં, ઈબ્રાહીમ જીવતા હતા ત્યારે અને તેમના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી યહોવાહે તેમના પ્રત્યે વફાદારી બતાવી હતી. ઈબ્રાહીમના સંતાનો, ઈસ્રાએલી પ્રજા યહોવાહને અનાજ્ઞાધીન બની ગઈ હોવા છતાં, સદીઓ સુધી તેમણે ઈબ્રાહીમને આપેલાં વચનો પાળ્યાં. ઈબ્રાહીમ સાથે યહોવાહનો સંબંધ સાચી વફાદારીનો એક પુરાવો હતો, જેમાં ઈબ્રાહીમ પ્રત્યેના પ્રેમને કારણે તેમણે કૃત્યો કર્યાં.—ઉત્પત્તિ ૧૨થી ૨૫ અધ્યાય.

એમ કહેવામાં આવ્યું હતું કે “જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવાહ મુસાની સાથે મોઢામોઢ વાત કરતો.” (નિર્ગમન ૩૩:૧૧, અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) ઈસુ ખ્રિસ્ત પહેલાં થઈ ગયેલા સર્વ પ્રબોધકોમાં મુસાને યહોવાહ સાથે વધુ ગાઢ સંબંધ હતો. યહોવાહે મુસા પ્રત્યે કઈ રીતે વફાદારી બતાવી?

શક્તિ અને ક્ષમતા ધરાવતા ૪૦ વર્ષના મુસાએ, પોતાના લોકોને છોડાવવાની જવાબદારી આત્મવિશ્વાસથી ઉપાડી લીધી હતી. પરંતુ, એ માટે સમય આવ્યો ન હતો. તેમણે પોતાનું જીવન બચાવવા નાસી જવું પડ્યું. ચાળીસ વર્ષ સુધી તેમણે મિદ્યાનમાં ઘેટાં ચરાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૩-૩૦) પરંતુ, યહોવાહે તેમને તરછોડી દીધા ન હતા. યોગ્ય સમય આવ્યો ત્યારે, ઈસ્રાએલ પ્રજાને મિસરમાંથી કાઢી લાવવામાં આગેવાની લેવા મુસાને પાછા લાવવામાં આવ્યા.

એ જ રીતે, ઈસ્રાએલના બીજા વિખ્યાત રાજા દાઊદ પ્રત્યે પણ યહોવાહે વફાદારી બતાવી. દાઊદ યુવાન હતા ત્યારે, યહોવાહે પ્રબોધક શમૂએલને કહ્યું: “ઊઠીને એનો અભિષેક કર; કેમકે એજ તે છે.” ત્યારથી માંડીને, આખા ઈસ્રાએલના ભવિષ્યના રાજા બનવા દાઊદ પરિપક્વ થયા ત્યાં સુધી, યહોવાહે તેમનું રક્ષણ કર્યું અને માર્ગદર્શન આપ્યું. યહોવાહે તેમને “સિંહ તથા રીંછના પંજામાથી” છોડાવ્યા હતા અને કદાવર પલિસ્તી ગોલ્યાથના હાથમાંથી પણ બચાવ્યા. પરમેશ્વરે તેમને ઈસ્રાએલના શત્રુઓ પર એક પછી એક વિજય અપાવ્યા અને ઈર્ષાળુ, ક્રોધિત શાઊલના ભાલાથી પણ બચાવ્યા.—૧ શમૂએલ ૧૬:૧૨; ૧૭:૩૭; ૧૯:૧૦.

જોકે, દાઊદ કંઈ સંપૂર્ણ માણસ ન હતા. હકીકતમાં, તેમણે મરણકારક પાપ કર્યું હતું. તેમ છતાં, તેમને તરછોડી દેવાને બદલે, દાઊદે સાચો પસ્તાવો કર્યો ત્યારે યહોવાહે તેમના પ્રત્યે વફાદાર પ્રેમ બતાવ્યો. દાઊદના જીવનપર્યંત યહોવાહે વારંવાર તેમનું જીવન બચાવવાનું અને આયુષ્ય લંબાવવાનું કામ કર્યું. તેમણે દુઃખ ભોગવી રહેલા દાઊદના લાભમાં દરમિયાનગીરી કરી. ખરેખર, કેવી પ્રેમાળ કૃપા!—૨ શમૂએલ ૧૧:૧–૧૨:૨૫; ૨૪:૧-૧૭.

સિનાઈ પર્વત પાસે મુસાના નિયમશાસ્ત્રના કરાર સાથે આખી ઈસ્રાએલ પ્રજા સહમત થઈ ત્યારે, એ યહોવાહ સાથેના ખાસ સમર્પિત સંબંધમાં આવી. (નિર્ગમન ૧૯:૩-૮) તેથી, ઈસ્રાએલનું યહોવાહ સાથે લગ્‍ન થયું હોય એ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઈસ્રાએલને આમ કહેવામાં આવ્યું હતું: “પત્નીની પેઠે, યહોવાહે તને બોલાવી છે.” પછી યહોવાહે તેને કહ્યું: “હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ.” (યશાયાહ ૫૪:૬,) આ ખાસ સંબંધમાં યહોવાહે કઈ રીતે વફાદારી બતાવી?

યહોવાહે, ઈસ્રાએલીઓની જરૂરિયાતો પૂરી પાડવા અને તેઓ સાથેનો સંબંધ ગાઢ બનાવવા પહેલ કરી હતી. તે તેઓને મિસરમાંથી કાઢી લાવ્યા, એક પ્રજા તરીકે ભેગા કર્યા અને તેઓને ‘દૂધમધની રેલછેલવાળા દેશમાં’ લઈ આવ્યા. (નિર્ગમન ૩:૮) તેમણે યાજકો, લેવીયો અને એક પછી એક પ્રબોધકો તથા સંદેશવાહકો દ્વારા નિયમિત રીતે આત્મિક નિર્દેશનો પૂરાં પાડ્યાં. (૨ કાળવૃત્તાંત ૧૭:૭-૯; નહેમ્યાહ ૮:૭-૯; યિર્મેયાહ ૭:૨૫) ઈસ્રાએલ પ્રજા બીજા દેવોની ભક્તિ કરવા લાગી ત્યારે, યહોવાહે તેઓને શિક્ષા કરી. તેઓએ પસ્તાવો કર્યો ત્યારે તેમણે તેઓને માફી પણ આપી. એ સાચું છે કે ઈસ્રાએલ પ્રજા હઠીલી “પત્ની” હતી. તેમ છતાં, યહોવાહે તેને તરત જ તરછોડી દીધી નહિ. ઈબ્રાહીમને આપેલાં વચનોને કારણે, તેઓને લગતા પોતાના હેતુઓ પૂરા ન થયા ત્યાં સુધી પરમેશ્વર તેઓને વફાદારીથી વળગી રહ્યા. (પુનર્નિયમ ૭:૭-૯) આજે પરિણીત લોકો માટે કેવું સરસ ઉદાહરણ!

યહોવાહ, ન્યાયી અને અન્યાયી બધા જ લોકો માટે જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડીને આખી માણસજાત પ્રત્યે પણ વફાદારી બતાવે છે. (માત્થી ૫:૪૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૫) એનાથી પણ વધુ, તેમણે પોતાના પુત્રનું ખંડણીમય બલિદાન પૂરું પાડ્યું જેથી, આખી માણસજાત પાપ અને મરણના બંધનમાંથી મુક્ત થઈને પારાદેશમાં સંપૂર્ણ, કાયમી જીવનના ઉજ્જવળ ભાવિનો આનંદ માણી શકે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬) જીવન બચાવવા અને લંબાવવા ખંડણીની જોગવાઈ એ બહુ મહાન કાર્ય હતું. એ ખરેખર, “દુઃખ કે યાતના ભોગવી રહેલા લોકોના ભલામાં હસ્તક્ષેપ” હતો.

હકારાત્મક કામો કરીને તમારી વફાદારી પુરવાર કરો

વફાદારી પ્રેમાળ કૃપાની સમાનાર્થી હોવાથી, એ પરસ્પર મજબૂત અર્થ પણ ધરાવે છે. જો તમારા પ્રત્યે પ્રેમાળ કૃપા બતાવવામાં આવે તો, તમારી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી શકાય. એક વ્યક્તિ બીજાઓ પ્રત્યે જેટલી વફાદારી બતાવે એટલી જ વફાદારી તેના પ્રત્યે પણ બતાવવી જોઈએ. દાઊદ, હેʼસેદ સાથે સંકળાયેલા અર્થને સમજ્યા હતા, જેનો પુરાવો તેમના આ શબ્દોમાં જોવા મળે છે: “હું તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ.” શા માટે? “તારી કૃપા તથા સત્યતાને લીધે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૨) યહોવાહની પ્રેમાળ કૃપા મેળવનાર તરીકે, દાઊદ તેમની ઉપાસના અને સ્તુતિ કરવા પ્રેરાયા. તેથી, યહોવાહે આપણા પ્રત્યે જે પ્રેમાળ કૃપા બતાવી છે એનો વિચાર કરીએ તેમ, શું આપણે પણ તેમની ઉપાસના અને સ્તુતિ કરવા પ્રેરાઈએ છીએ? દાખલા તરીકે, યહોવાહના નામ પર દોષ લગાવવામાં આવે તો, તેમની પ્રતિષ્ઠા પર ડાઘ લાગશે એવી ચિંતાથી શું તમે તેમનો બચાવ કરવા પ્રેરાવ છો?

આવી જ એક બાબત, નવા નવા જ સત્યમાં આવેલા એક ખ્રિસ્તી ભાઈ અને તેમની પત્ની સાથે બની. તેઓ મોટરસાઈકલ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના એક સગાની દફનવિધિમાં ગયા હતા. એ બિનધાર્મિક વિધિ હતી અને ત્યાં હાજર રહેલાઓને મરહૂમ વ્યક્તિ વિષે કંઈક બોલવાનું જણાવવામાં આવ્યું. એક વ્યક્તિએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાન માણસ માટે પરમેશ્વરને એમ કહીને દોષ દીધો કે ‘પરમેશ્વર તેને સ્વર્ગમાં ઇચ્છે છે માટે તે તેને લઈ ગયા.’ આપણા ખ્રિસ્તી ભાઈ ચૂપ ન રહી શક્યા. તેમની પાસે બાઇબલ કે કોઈ નોંધ ન હતી છતાં તે આગળ ગયા. તેમણે પૂછ્યું, “શું તમને લાગે છે કે ક્ષમાશીલ, દયાળુ, સર્વશક્તિમાન પરમેશ્વર આવી પરિસ્થિતિને પરવાનગી આપે છે?” પછી તેમણે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વગર શાસ્ત્રવચનો ટાંકીને દસ મિનિટનો વાર્તાલાપ આપ્યો. એમાં તેમણે, આપણે શા માટે મૃત્યુ પામીએ છીએ, માણસજાતને મરણમાંથી છોડાવવા પરમેશ્વરે શું કર્યું છે અને પારાદેશ પૃથ્વી પર અનંતજીવન મેળવવા પુનરુત્થાનની અદ્‍ભુત આશા વિષે સમજાવ્યું. સો કરતાં વધુ લોકોએ થોડી વાર સુધી તાળીઓ પાડી. ભાઈ પાછળથી યાદ કરે છે: “મેં પહેલાં કદી પણ અનુભવ્યો ન હોય એવો આંતરિક આનંદ અનુભવ્યો. મને તેમનું ડહાપણ આપીને શિક્ષિત બનાવવા માટે અને તેમના પવિત્ર નામને બચાવવાની જે તક મળી એ માટે મેં યહોવાહનો આભાર માન્યો.”

યહોવાહને વફાદાર રહેવામાં તેમના શબ્દ બાઇબલ પ્રત્યે પણ વફાદારી બતાવવાનો સમાવેશ થાય છે. શા માટે? બાઇબલમાંથી યહોવાહ આપણને શીખવે છે કે આપણે કઈ રીતે જીવવું જોઈએ. એમાં આપેલા નિયમો અને સિદ્ધાંતો જીવન માટે ખૂબ જ ઉમદા અને સૌથી વધુ લાભદાયી છે. (યશાયાહ ૪૮:૧૭) યહોવાહના નિયમોને વળગી રહેવામાંથી ભટકાવી દેતા બીજાઓના દબાણને કે તમારી પોતાની નબળાઈને આધિન ન થાઓ. પરમેશ્વરના શબ્દને વફાદાર રહો.

પરમેશ્વરને વફાદાર રહેવામાં તેમની સંસ્થાને પણ વફાદાર રહેવાનો સમાવેશ થાય છે. જરૂર પડી ત્યારે, અમુક શાસ્ત્રવચનોની આપણી સમજણમાં વર્ષોથી કંઈક સુધારાઓ અને ફેરગોઠવણ કરવામાં આવી છે. હકીકત તો એ છે કે આપણને આત્મિક રીતે જે ખોરાક મળે છે એવો કોઈને મળતો નથી. (માત્થી ૨૪:૪૫-૪૭) નિઃશંક, યહોવાહે આધુનિક દિવસની તેમની સંસ્થાને ટેકો આપ્યો છે. શું આપણે પણ એમ ન કરી શકીએ? એ. એચ. મેકમીલને એમ જ કર્યું. પોતાના મૃત્યુના થોડા સમય પહેલાં, તેમણે કહ્યું: “મેં સપ્ટેમ્બર, ૧૯૦૦માં ૨૩ વર્ષની વયે પરમેશ્વરને મારું સમર્પણ કર્યું ત્યારથી, યહોવાહની સંસ્થાને, નાની શરૂઆતથી જગતવ્યાપી સંસ્થા સુધી વધતા જોઈ છે જેના સુખી લોકો ઉત્સાહથી તેમનું સત્ય જાહેર કરે છે . . . પૃથ્વી પર પરમેશ્વરની સેવા પૂરી કરવા સુધી પહોંચી ગયો છું ત્યારે, મને પહેલાં કરતાં વધુ ખાતરી થઈ છે કે યહોવાહે પોતાના લોકોને માર્ગદર્શન આપ્યું છે અને તેઓને જેની જરૂર છે એ યોગ્ય સમયે પૂરું પાડ્યું છે.” ઑગસ્ટ ૨૬, ૧૯૬૬માં ભાઈ મેકમીલનનું મૃત્યુ થયું ત્યાં સુધી, તેમણે ૬૬ વર્ષ વફાદારીપૂર્વક સેવા કરી. તે પરમેશ્વરની દૃશ્ય સંસ્થા માટે વફાદારીનું સારું ઉદાહરણ હતા.

સંસ્થાને વફાદાર રહેવા સાથે શું આપણે એકબીજાને વફાદાર રહીશું? ક્રૂર સતાવણીની ધમકીનો સામનો કરતા હોઈએ ત્યારે, શું આપણે આપણા ભાઈબહેનોને વફાદાર રહીશું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, નેધરલૅન્ડના આપણા ભાઈઓએ વફાદારીનું સુંદર ઉદાહરણ બેસાડ્યું. ગ્રોનીગન મંડળના એક વડીલ, ક્લૉસ ડે વ્રીસની નાઝી ગેસ્ટાપો દ્વારા ક્રૂર અને નિર્દયી રીતે પૂછપરછ કરવામાં આવી હતી. બાર દિવસ સુધી તેમને એકાંતવાસની સજા કરવામાં આવી જેમાં તેમને ફક્ત બ્રેડ અને પાણી આપવામાં આવતું હતું અને ફરીથી પ્રશ્નો પૂછવામાં આવતા હતા. તેમના તરફ બંદૂક તાકીને અને મારી નાખવાની ધમકી આપીને, જવાબદાર ભાઈઓ ક્યાં રહેતા હતા તથા બીજી મહત્ત્વની માહિતી જણાવવા તેમને બે મિનિટ આપવામાં આવતી હતી. ક્લૉસ ફક્ત એટલું જ કહેતા: “તમે મારી પાસેથી કંઈ કઢાવી નહિ શકો. . . . હું બેવફા નહિ બનું.” ત્રણ વખત તેમને બંદૂકથી ધમકી આપવામાં આવી. છેવટે ગેસ્ટાપો તેમને છોડીને ચાલ્યો ગયો અને ક્લૉસને બીજી જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે પોતાના ભાઈઓનો વિશ્વાસઘાત ન કર્યો.

શું આપણે આપણા સૌથી નજીકના સગા, એટલે કે આપણા લગ્‍નસાથી પ્રત્યે વફાદારી બતાવીશું? યહોવાહ ઈસ્રાએલ પ્રજાને આપેલા પોતાના કરારને વફાદાર રહ્યા તેમ, શું આપણે આપણા લગ્‍ન સોગંદને વફાદાર છીએ? ફક્ત પોતે જ મક્કમપણે વફાદાર રહેવાને બદલે, તમારા લગ્‍નસાથી સાથે પણ ગાઢ સંબંધ કેળવો. તમારું લગ્‍ન સલામત બનાવવા પહેલ કરો. ભેગા સમય પસાર કરો, એકબીજા સાથે મુક્ત રીતે અને દિલ ખોલીને વાતચીત કરો, એકબીજાને ટેકો અને ઉત્તેજન આપો, એકબીજાનું સાંભળો, સાથે હસો, સાથે રડો, સાથે રમો, એકબીજાના ધ્યેયોને પહોંચી વળવા સાથે કામ કરો, એકબીજાને ખુશ રાખો, મિત્રો બનો. બીજાઓ પ્રત્યે રોમાંચક લાગણીઓ વિકસાવવાનું ટાળવા ખાસ સાવધાન રહો. તમારા લગ્‍નસાથી સિવાય બીજી વ્યક્તિ સાથે પરિચય વધારવો અને બીજાઓ સાથે ગાઢ મિત્રતા કેળવવી ખોટું નથી, પરંતુ, રોમાંચક લાગણીઓ ફક્ત તમારા લગ્‍નસાથી પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ. તમારા બંને વચ્ચે બીજા કોઈને આવવા ન દો.—નીતિવચન ૫:૧૫-૨૦.

વિશ્વાસુ મિત્રો અને કુટુંબ પ્રત્યે વફાદાર રહો. વર્ષો પસાર થાય તેમ તેઓને ભૂલી ન જાઓ. તેઓની સાથે સંબંધ જાળવી રાખો, તેઓને પત્ર લખો, ફોન કરો કે તેઓની મુલાકાત લો. તમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પરંતુ તેઓને નિરાશ કરશો નહિ. તમે તેઓને ઓળખો છો અથવા તેઓ તમારા સંબંધી છે એમ કહીને તેઓને ખુશ કરો. તેઓ પ્રત્યેની વફાદારી, તમને સાચું છે એ કરવામાં ટકાવી રાખશે અને તમારા માટે ઉત્તેજનનો ઉદ્‍ભવ બનશે.—એસ્તેર ૪:૬-૧૬.

હા, સાચી વફાદારીમાં મૂલ્યવાન સંબંધો ટકાવી રાખવા માટે હકારાત્મક પગલાં લેવાનો સમાવેશ થાય છે. યહોવાહની પ્રેમાળ કૃપાનો બદલો વાળી આપવા તમારાથી બનતું બધું જ કરો. ખ્રિસ્તી મંડળ, તમારા લગ્‍નસાથી, કુટુંબ અને મિત્રો સાથેના વ્યવહારમાં યહોવાહની વફાદારીને અનુસરો. વફાદારી તમારા પાડોશી પ્રત્યે યહોવાહના ગુણો જાહેર કરે છે. ગીતકર્તાએ યોગ્ય જ કહ્યું: “હું સદા યહોવાહની કૃપા વિષે ગાઈશ; હું મારે મુખે પેઢી દરપેઢી તારૂં વિશ્વાસુપણું પ્રગટ કરીશ.” (ગીતશાસ્ત્ર ૮૯:૧) શું આપણે આવા પરમેશ્વર તરફ આકર્ષાઈશું નહિ? ખરેખર, “તેની કૃપા સર્વકાળ . . . ટકી રહે છે.”—ગીતશાસ્ત્ર ૧૦૦:૫.

[પાન ૨૩ પર ચિત્ર]

એ. એચ. મેકમીલન