સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

હેબ્રી ૪:૯-૧૧માં જણાવેલો “વિશ્રામ” શું છે અને કઈ રીતે કોઈ વ્યક્તિ “વિશ્રામમાં પ્રવેશ” કરી શકે?

પ્રેષિત પાઊલે પ્રથમ સદીના હેબ્રી ખ્રિસ્તીઓને લખ્યું: “દેવના લોકોને સારૂ વિશ્રામનો વાર હજી રહેલો છે. કેમકે જેમ દેવે પોતાનાં કામોથી વિશ્રામ લીધો, તેમ દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ.”—હેબ્રી ૪:૯-૧૧.

પાઊલે કહ્યું કે પરમેશ્વરે પોતાના કામમાંથી વિશ્રામ લીધો ત્યારે, તે દેખીતી રીતે જ, ઉત્પત્તિ ૨:૨માં બતાવેલી બાબતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે કહે છે: “દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે સાતમે દિવસે પૂરૂં કર્યું; અને પોતાનાં કરેલાં સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ [“વિશ્રામમાં” NW] રહ્યો.” શા માટે યહોવાહે ‘સાતમા દિવસે વિશ્રામ લીધો? એ કારણે નહિ કે તે “પોતાનાં કરેલાં સર્વ કામોથી” થાકી ગયા હતા. ત્યાર પછીની કલમમાં જોવા મળે છે: “દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમકે તે દિવસે દેવ પોતાનાં બધાં ઉત્પન્‍ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યો.”—ઉત્પત્તિ ૨:૩; યશાયાહ ૪૦:૨૬, ૨૮.

અગાઉના છ દિવસો કરતાં ‘સાતમા દિવસને’ યહોવાહે આશીર્વાદ આપ્યો અને પવિત્ર બનાવ્યો એ રીતે એ અલગ હતો, અર્થાત્‌ એ દિવસ સમર્પિત હતો અથવા ખાસ હેતુ માટે અલગ રાખવામાં આવ્યો હતો. એ હેતુ શું હતો? શરૂઆતમાં, યહોવાહે માણસજાત અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ જણાવ્યો હતો. યહોવાહે પ્રથમ પુરુષ અને તેની પત્નીને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૮) જોકે, યહોવાહે સંપૂર્ણ માણસજાતને પૃથ્વી પર સંપૂર્ણ શરૂઆત આપી હતી છતાં, પરમેશ્વરના હેતુ પ્રમાણે પૃથ્વી પર અમલ ચલાવવામાં અને એને સુંદર બગીચા જેવી બનાવવામાં સમય લાગવાનો હતો. આ રીતે, ‘સાતમા દિવસે’ યહોવાહે પૃથ્વી પર ઉત્પત્તિ કાર્યને આગળ વધારવાને બદલે એમાંથી વિશ્રામ લીધો જેથી, તેમણે જે ઉત્પન્‍ન કર્યું હતું એ તેમની ઇચ્છા પ્રમાણે વિકાસ પામે અને એ ‘દિવસના’ અંતે, પરમેશ્વરના હેતુ પ્રમાણે પરિપૂર્ણ થાય. પરંતુ, એ વિશ્રામ કેટલો લાંબો સમય રહેશે?

પાઊલે હેબ્રીઓને જે કહ્યું એના પર ફરી ધ્યાન આપો. પાઊલે કહ્યું કે “એ માટે દેવના લોકોને સારૂ વિશ્રામનો વાર હજી રહેલો છે.” તેમણે ખ્રિસ્તી ભાઈબહેનોને “વિશ્રામમાં પ્રવેશ કરવાને” વિનંતી કરી. આ બતાવે છે કે પાઊલે એ શબ્દો લખ્યા ત્યારે, પરમેશ્વરના વિશ્રામનો ‘સાતમો દિવસ’ ચાલી રહ્યો હતો એને લગભગ ૪,૦૦૦ વર્ષ થઈ ગયા હતા. યહોવાહનો માણસજાત અને પૃથ્વી માટેનો હેતુ, ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજના અંતે પૂરો નહિ થાય ત્યાં સુધી એ વિશ્રામવારનો અંત આવશે નહિ, કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે ‘વિશ્રામવારના પ્રભુ’ છે.—માત્થી ૧૨:૮; પ્રકટીકરણ ૨૦:૧-૬; ૨૧:૧-૪.

ભાવિમાં રહેલી એ અદ્‍ભુત આશાને ધ્યાનમાં રાખીને પાઊલે સમજાવ્યું કે કઈ રીતે એક વ્યક્તિ પરમેશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરી શકે. તેમણે લખ્યું: “દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.” આ આપણને બતાવે છે કે માણસજાતની શરૂઆત સંપૂર્ણ હતી છતાં, તેઓ પરમેશ્વરના વિશ્રામમાં પ્રવેશ્યા ન હતા. કારણ કે આદમ અને હવાએ, પરમેશ્વરના વિશ્રામવારના ‘સાતમા દિવસની’ તેઓ માટે કરેલી જોગવાઈ પ્રમાણે કર્યું નહિ. એને બદલે, તેઓએ પરમેશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને તેમનાથી સ્વતંત્ર થવાનું ચાહ્યું. હકીકતમાં, તેઓ પરમેશ્વરના પ્રેમાળ માર્ગદર્શનને સ્વીકારવાને બદલે શેતાનના ફાંદામાં ફસાઈ ગયા. (ઉત્પત્તિ ૨:૧૫-૧૭) તેથી, તેઓએ બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટે રહેવાની આશા ગુમાવી. ત્યારથી, સર્વ માણસજાત પાપ અને મરણની ગુલામ બની.—રૂમી ૫:૧૨, ૧૪.

જોકે, માણસજાતના બંડથી કંઈ પરમેશ્વરનો હેતુ અટકી ગયો ન હતો. તેમનો વિશ્રામનો દિવસ હજુ પણ ચાલુ છે. તેમ છતાં, યહોવાહે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા ખંડણીની પ્રેમાળ જોગવાઈ કરી જેથી, વિશ્વાસના આધારે જે કોઈ એનામાં ભરોસો કરે એ સર્વ પાપ અને મરણના સકંજામાંથી મુક્ત થવાની આશા રાખી શકે. (રૂમી ૬:૨૩) તેથી, પ્રેષિત પાઊલે ખ્રિસ્તી ભાઈબહેનોને ‘પોતાનાં કામોથી વિશ્રામ’ લેવા વિનંતી કરી. તેઓએ તારણ માટે પરમેશ્વરે કરેલી જોગવાઈને સ્વીકારવાની જરૂર હતી અને આદમ તથા હવાની જેમ પોતાની જાતે જ નિર્ણયો લેવાના ન હતા. વધુમાં, તેઓએ પોતાનાં સ્વાર્થી કાર્યોને છોડી દેવાની જરૂર હતી.

પોતાની સ્વાર્થી કે ભૌતિક ઇચ્છાઓને એક બાજુએ મૂકીને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવામાં આવે છે ત્યારે ખરેખર તાજગી મળે છે. ઈસુએ આમંત્રણ આપ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.”—માત્થી ૧૧:૨૮-૩૦.

પરમેશ્વરના વિશ્રામ વિષે અને એક વ્યક્તિ કઈ રીતે એમાં પ્રવેશી શકે એ વિષેની પાઊલની ચર્ચા ખરેખર યરૂશાલેમના હેબ્રી ખ્રિસ્તીઓ માટે ઉત્તેજન આપનારી હતી. કેમ કે તેઓના વિશ્વાસને લીધે તેઓની ઘણી સતાવણી અને મશ્કરી કરવામાં આવતી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧; ૧૨:૧-૫) એવી જ રીતે, પાઊલના શબ્દો આજે પણ સાચા ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે. પરમેશ્વરના ન્યાયી શાસન હેઠળ બગીચા જેવી સુંદર પરિસ્થિતિ લાવવાનું પરમેશ્વરનું વચન જલદી જ પરિપૂર્ણ થશે એ ધ્યાનમાં રાખીને, આપણે પણ પોતાનાં કાર્યોથી વિશ્રામ લેવો જોઈએ અને એ વિશ્રામમાં પ્રવેશવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ.—માત્થી ૬:૧૦, ૩૩; ૨ પીતર ૩:૧૩.

[પાન ૩૧ પર ચિત્રો]

વિશ્રામનો દિવસ પૂરો થશે ત્યારે બગીચા જેવી સુંદર પૃથ્વી માટેનું યહોવાહનું વચન પણ પરિપૂર્ણ થશે