સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ!

અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ!

અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ!

“તમે તમારાથી બનતું બધું જ કરો.” આ વ્યવહારુ સલાહ એક વાર યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યએ મિશનરિઓને આપી હતી. પરંતુ, શા માટે અનુભવી સેવકોને આવી સલાહ આપવામાં આવી? શું મોટા ભાગના મિશનરિઓ હિંમતથી માંકડ, સાપ, ગરમી, રોગ અને બીજી વિવિધ મુશ્કેલીઓનો સામનો નથી કરતા?

જોકે, યહોવાહના સાક્ષીઓના મિશનરિઓ પણ સામાન્ય સ્ત્રી અને પુરુષો જ છે. પરંતુ, યહોવાહ પરમેશ્વર અને સાથી ખ્રિસ્તીઓ માટેના ગહન પ્રેમને લીધે તેઓ પરદેશમાં સેવા કરવા પ્રેરાય છે. યહોવાહની સેવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરવાનો પ્રયત્ન કરે છે અને સામર્થ્ય માટે પરમેશ્વર તરફ મીટ માંડે છે.—એફેસી ૬: ૧૦.

મિશનરિ કાર્ય વિષે વધારે જાણવા, ચાલો આપણે કલ્પના કરીએ કે પશ્ચિમ આફ્રિકાના એક ખાસ મિશનરિ ઘરની આપણે એક દિવસની મુલાકાત લઈ રહ્યા છીએ.

મિશનરિ કાર્યનો એક દિવસ

સવારના લગભગ સાત વાગ્યા છે. અમે દિવસના શાસ્ત્રવચનની ચર્ચાના સમયે જ મિશનરિ ઘરે આવી પહોંચ્યા. દસ મિશનરિઓએ અમારો ઉષ્માભર્યો આવકાર કર્યો અને અમારા માટે નાસ્તાના ટેબલ પર જગ્યા કરી. અમે એકબીજાનો પરિચય કેળવીએ છીએ ત્યારે, વર્ષોથી મિશનરિ કાર્ય કરતા એક બહેન પોતાને પ્રચાર કાર્યમાં થયેલા રમૂજી અનુભવો કહેવા લાગ્યા. પરંતુ, દૈનિક વચનની ચર્ચાની શરૂઆત કરવામાં આવી ત્યારે અમે વાતચીત બંધ કરી. દિવસની ચર્ચા ફ્રેન્ચ ભાષામાં થાય છે. અમને એ ભાષા આવડતી નથી તોપણ, તેઓ પોતાને જે રીતે વ્યક્ત કરે છે એ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે પરદેશી ભાષા બોલતા એ મિશનરિઓએ ફ્રેન્ચ ભાષા પર સારું એવું પ્રભુત્વ જમાવ્યું છે.

શાસ્ત્રવચનની ચર્ચા પછી, હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યાર પછી નાસ્તો. અમે નાસ્તામાં સીરીયલ લઈએ છીએ ત્યારે, અમારી બાજુમાં બેઠેલા મિશનરિએ એમાં કેળાં કાપીને નાખવાનું કહ્યું. અમે કહ્યું કે અમને કેળાં ભાવતા નથી. પરંતુ, તેમણે અમને ખાતરી કરાવતા કહ્યું કે અમે એક વાર અહીંના કેળાં ખાઈશું તો, એનાથી અમારું મન બદલાઈ જશે. તેથી, અમે કેળાંનાં ટુકડા કાપીને સીરીયલમાં નાખ્યા. તેમણે કેટલું સાચું કહ્યું! આ કેળાં ખરેખર સ્વાદિષ્ટ અને આઇસક્રીમ જેવાં મીઠાં છે! પછી અમને જણાવવામાં આવ્યું કે આપવામાં આવેલી ફ્રેન્ચ બ્રેડ, મિશનરિ ઘરની સામેના રસ્તા પર આવેલી નાની દુકાનમાં વહેલી સવારે બનાવવામાં આવી હતી.

સવારના નાસ્તા પછી, અમે આખો દિવસ એક મિશનરિ યુગલ સાથે પસાર કરીશું. તેઓને આપણે બૅન અને કારેન કહીશું. અમે આ પશ્ચિમ આફ્રિકાના વિસ્તારમાં મળેલી સફળતા વિષે સાંભળ્યું છે અને અમે એ અહેવાલની ખાતરી કરવા આતુર છીએ.

અમે બસ સ્ટેન્ડ પર આવ્યા ત્યારે, ત્યાં ઘણા લોકો બસની રાહ જોતા હતા. થોડી જ વારમાં, અમારા મિશનરિ સાથીએ એક સ્ત્રી અને તેના દીકરા સાથે બાઇબલ વિષય પર ચર્ચા શરૂ કરી. ફ્રેન્ચ ભાષા જાણતા ન હોવાથી, અમે ફક્ત સ્મિત જ કરી શકીએ છીએ! એ સ્ત્રી ચોકીબુરજ અને સજાગ બનો!ની પ્રત સ્વીકારે છે ત્યાં સુધીમાં બસ આવી ગઈ. દરેક વ્યક્તિ એક સાથે બસમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે! અમે બસમાં ચઢ્યા ત્યારે, ટોળું અમને પાછળથી ધક્કા મારે છે. બસની છેલ્લી હરોળમાં સીધા ઊભા રહેવું પણ ખૂબ મુશ્કેલ છે. ડ્રાઇવરે બસ ચાલુ કર્યા પછી, અમે પડી ન જઈએ માટે કંઈક પકડ્યું. સમયાંતરે, બસ ઊભી રહે છે અને વધારેને વધારે લોકો એમાં ચઢે છે. અમે અમારી પાસે ઊભેલા મુસાફરો સાથે સ્મિતની આપલે કરીએ છીએ. કાશ, અમે તેઓ સાથે વાત કરી શકતા હોત!

બસ આગળ વધે છે તેમ, અમે બારીમાંથી રસ્તા પર ચાલતી પ્રવૃત્તિઓ જોઈ. બે સ્ત્રીઓ પોતાના માથા પર ભારે બોજો ઊંચકીને ચાલી રહી છે. એમાંની એક, પાણીનું મોટું વાસણ ઊંચકીને જઈ રહી છે. એક મહેનતુ માણસે ધંધો કરવા ફૂટપાથ પર કપડું પાથરીને અમુક વસ્તુઓ વેચવા માટે ગોઠવી દીધી છે. દરેક જગ્યાએ લોકો ખરીદવામાં કે પોતાની વસ્તુઓ વેચવામાં મશગુલ છે.

અચાનક મારી નજીક ઊભેલા બૅનનું ધ્યાન નીચે જાય છે કેમ કે તેમના પગ પર કંઈક ચટકી રહ્યું છે. એ શું છે? બસ ખીચોખીચ છે પરંતુ એ ફરીવાર ચટકે છે. બૅન ગમે તેમ કરીને નીચે જુએ છે. તેમના પગ પાસેના એક થેલામાં બતક છે કે જે થોડી થોડી વારે મોઢું બહાર કાઢીને તેમને ચાંચ મારતું હોય છે! બૅને જણાવ્યું કે બતકનો માલિક એને વેચવા માટે બજારમાં લઈ જાય છે.

અમે અમારા પ્રચાર વિસ્તારમાં આવી પહોંચ્યા ત્યારે, અમને એ જાણીને આનંદ થયો કે અમે આફ્રિકાના વિશિષ્ટ વિસ્તારની મુલાકાત લેવાના છીએ. પહેલાં ઘરે પહોંચતા, ઘરમાલિકને બોલાવવા માટે બૅન જોરથી તાળી પાડે છે. દુનિયાના આ વિસ્તારના લોકો આ રીતે “દરવાજો ખખડાવે છે.” એક યુવાન માણસ આવે છે અને કહે છે કે તે હમણાં વ્યસ્ત છે. પરંતુ, તે અમને મોડા પાછા આવવાનું કહે છે.

બીજા ઘરે, અમે એક સ્ત્રીને મળ્યા કે જે એવી ભાષા બોલે છે જેને બૅન પણ સમજી શકતા નથી. તે પોતાના દીકરાને બોલાવે છે અને બૅન જે કહે છે એનું ભાષાંતર કરવાનું કહે છે. બૅન બોલવાનું પૂરું કરે છે ત્યારે, સ્ત્રી મોટી પુસ્તિકા લે છે અને તેનો દીકરો પોતે તેને સમજાવવાનું વચન આપે છે. ત્રીજા ઘરે, ઘણા યુવાનો વરંડામાં બેઠા છે. બે વ્યક્તિ તરત જ ઊભી થઈને ખુરશી ખાલી કરી આપે છે જેથી મુલાકાતીઓ બેસી શકે. પછી, ઉપાસનામાં ક્રોસના ઉપયોગ વિષેની ચર્ચા થાય છે. આવનાર સપ્તાહે વધારે વાતચીતની ગોઠવણ કરવામાં આવે છે. હવે અમે પહેલાં ઘરે મળનાર વ્યસ્ત વ્યક્તિની ફરી મુલાકાત લેવા જઈએ છીએ. કોઈક રીતે તેણે યુવાનો સાથેની અમારી ચર્ચા સાંભળી હતી. તેને બાઇબલ વિષે ઘણા પ્રશ્નો છે અને તે બાઇબલ અભ્યાસ શરૂ કરવા વિષે કહે છે. પોતાના સમયપત્રકને જોયા પછી, બૅન એ જ સમયે પછીના સપ્તાહે પાછા ફરવાનું કહે છે. અમે બપોરના ભોજન માટે મિશનરિ ઘરે પાછા ફરતા હતા ત્યારે, બૅન અને કેરેને સમજાવ્યું કે તેઓએ બાઇબલ અભ્યાસ માટે ખૂબ કાળજીપૂર્વક યોજના કરવી પડે છે જેથી, એક જ સમયે તેઓ પાસે એટલા બધા બાઇબલ અભ્યાસ ન થઈ જાય કે તેઓ ચલાવી ન શકે.

તેઓ ફ્રેન્ચ ભાષા સરળતાથી બોલે છે એ માટે અમે તેઓની પ્રશંસા કરી. બૅન સમજાવે છે કે તે અને કારેન છ વર્ષથી મિશનરિ કાર્ય કરી રહ્યા છે અને હવે તેઓ સહેલાઈથી ફ્રેન્ચ ભાષા બોલી શકે છે. તોપણ, નવી ભાષા શીખવી એ કંઈ રમતની વાત નથી. તેઓ અમને ખાતરી કરાવે છે કે એ શીખવા માટે સતત પ્રયત્ન કરવાથી જરૂર ફળ મળે છે.

બધા મિશનરિઓ બપોરના ભોજન માટે સાડા બાર વાગે ભેગા મળે છે. અમને જાણવા મળ્યું કે દરરોજ અલગ અલગ મિશનરિઓને સવાર અને બપોરનું જમવાનું બનાવવાનું તેમ જ ત્યાર પછી વાસણો સાફ કરવાનું પહેલેથી જ સોંપવામાં આવ્યું હોય છે. આજે, એક મિશનરિ બહેને મસાલાવાળી તળેલી મરઘીનું અને બટાકાની તળેલી ફ્રેન્ચ ચીપ્સનું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે અને એની સાથે તેમણે ટામેટાંનું ખાસ કચુંબર પણ બનાવ્યું છે!

હવે બૅન અને કારેન બપોરે શું કરશે? તેઓ જણાવે છે કે બધા લોકો બપોરના તાપને લીધે ૧થી ૩ સુધી આરામ કરતા હોય છે. તેથી, સામાન્ય રીતે મિશનરિઓ પણ એ સમયનો અભ્યાસ કે આરામ કરવા માટે ઉપયોગ કરે છે. કારેને અમને કહ્યું કે નવા મિશનરિઓ બહુ જલદી જ આ આદતથી ટેવાઈ જાય છે ત્યારે, અમને પણ ખાસ આશ્ચર્ય થયું નહિ!

આરામ કર્યા પછી, અમે ફરી પ્રચાર કાર્યમાં નીકળીએ છીએ. બૅન એક રસ ધરાવતી વ્યક્તિનો સંપર્ક સાધવા પ્રયત્ન કરતા હતા અને એ આજે પણ ઘરે નથી. પરંતુ, બૅન તાળી પાડે છે ત્યારે બે યુવાનો દરવાજે આવ્યા. તેઓએ કહ્યું કે ઘરમાલિક કહીને ગયા છે કે બૅન તેમની મુલાકાતે આવશે. ઘરમાલિકે બાઇબલ અભ્યાસ માટે જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક લેવાનું પણ તેઓને ભારપૂર્વક કહ્યું હતું. અમે ખુશીથી એ પુસ્તક આપ્યું. ત્યાર પછી, અમે બીજા એક વિસ્તારમાં જવા બસ પકડી કે જ્યાં કારેન, રસ ધરાવનાર એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ કરે છે.

અમે ભીડવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, કારેન અમને જણાવે છે કે તે બીજા મુસાફરો સાથે ટેક્સીમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એક સ્ત્રીને મળી હતી. કારેને તે સ્ત્રીને મુસાફરી દરમિયાન એક પત્રિકા વાંચવા માટે આપી હતી. સ્ત્રીએ એ પત્રિકા વાંચી નાખી અને પછી બીજી વાંચવા માંગી. તેણે એ બહુ રસથી વાંચી. મુસાફરીના અંતે, કારેને એ સ્ત્રીના ઘરે તેની મુલાકાત લેવાની ગોઠવણ કરી અને પરમેશ્વર આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ પણ શરૂ કર્યો. આજે, કારેન એ મોટી પુસ્તિકામાંથી પાંચમો પાઠ આવરવાની છે.

અમે અમારા પ્રચાર કાર્યનો પૂરેપૂરો આનંદ માણ્યો છે. પરંતુ, મિશનરિ કાર્ય વિષે અમારે હજુ કેટલુંક જાણવાનું બાકી છે. અમારા યજમાન અમને કહે છે કે ઘરે પાછા ફરીશું ત્યારે, તેઓ અમારા માટે હળવો ખોરાક તૈયાર કરશે અને અમારા પ્રશ્નોના જવાબ પણ આપશે.

તેઓ કઈ રીતે ગતિ જાળવી રાખે છે

હવે અમે ઈંડાની ભુરજી, ફ્રેન્ચ બ્રેડ અને ચીઝની વાનગીઓનો આનંદ માણી રહ્યા છીએ. એ સાથે મિશનરિ જીવનની બીજી ઘણી બાબતો વિષે પણ જાણવા મળે છે. સામાન્ય રીતે, મિશનરિઓ સોમવાર આરામ માટે કે પોતાના વ્યક્તિગત કાર્ય માટે ફાળવે છે. મોટા ભાગના મિશનરિઓ એ દિવસે અમુક સમય કુટુંબ અને મિત્રોને પત્ર લખવામાં ફાળવે છે. ઘર તરફથી મળતા સમાચાર તેઓ માટે ખૂબ મહત્ત્વના છે. વળી, તેઓને પત્રો લખવાથી અને મેળવવાથી ઘણો આનંદ થાય છે.

મિશનરિઓ એકબીજા સાથે રહીને કામ કરતા હોવાથી, તેઓ સાથી મિશનરિઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓ અને આત્મિક બાબતોની ચર્ચા કરી સારો વાતચીત વ્યવહાર જાળવી રાખે એ ઘણું મહત્ત્વનું છે. મિશનરિઓ વ્યક્તિગત બાઇબલ અભ્યાસનું સમયપત્રક જાળવી રાખવા ઉપરાંત, દર સોમવારે સાંજે ચોકીબુરજનો અભ્યાસ પણ કરે છે. બૅન બતાવે છે કે વિવિધ પાર્શ્વભૂમિકાના મિશનરિઓ ભેગા રહેતા હોય ત્યારે, સ્વાભાવિક રીતે જ, નાના તફાવતો જોવા મળે છે. પરંતુ, કૌટુંબિક અભ્યાસની આત્મિક ગોઠવણ તેઓને શાંતિપૂર્ણ અને એકતાનું વાતાવરણ જાળવી રાખવામાં મદદ કરે છે. વધુમાં, તે ભારપૂર્વક જણાવે છે કે એનાથી તેઓને પોતે કંઈ છે એવું ન વિચારવા પણ મદદ મળે છે.

નમ્રતા પણ જરૂરી છે. મિશનરિઓને સેવા કરાવવા નહિ પરંતુ સેવા કરવા મોકલવામાં આવે છે. આપણા આ મિશનરિઓને જોવા મળ્યું છે કે કોઈ પણ ભાષામાં “હું દિલગીર છું,” એમ કહેવું ઘણું મુશ્કેલ છે, ખાસ કરીને કોઈએ અજાણતા કંઈ કર્યું હોય કે કહ્યું હોય ત્યારે માફી માંગવી. બૅન અમને બાઇબલમાંથી અબીગાઈલનું ઉદાહરણ યાદ કરાવે છે. તેણે પોતાના પતિના ખરાબ વ્યવહાર માટે માફી માંગી હતી અને આમ, વિનાશ તરફ દોરી જતી પરિસ્થિતિને હલ કરી હતી. (૧ શમૂએલ ૨૫:૨૩-૨૮) સારા મિશનરિ બનવા માટે ‘શાંતિમાં રહેવું’ એ ખૂબ જ મહત્ત્વનું છે.—૨ કોરીંથી ૧૩:૧૧.

મહિનામાં એક વાર મિશનરિઓ, કુટુંબને લગતી બાબતોની ચર્ચા કરવા તેમ જ સમયપત્રકમાં ફેરફાર કરવા એક સભા રાખે છે. ત્યાર પછી, બધા ખાસ મીઠાઈનો આનંદ માણે છે. આ ગોઠવણ અમને એકદમ વ્યવહારુ અને સ્વાદિષ્ટ લાગે છે.

સાંજનું ભોજન પૂરું થઈ ગયા પછી, અમે મિશનરિ ઘરની ટૂંકી મુલાકાત લઈએ છીએ. અમે જોયું કે ઘર સાદું છે છતાં, મિશનરિઓ એકબીજાના સહકારથી એને એકદમ સ્વચ્છ રાખે છે. ત્યાં ફ્રીજ, કપડાં ધોવાનું મશીન અને સ્ટવ છે. કારેન અમને કહે છે કે પશ્ચિમ આફ્રિકા જેવા ગરમીના દેશોમાં ઍરકન્ડિશન્ડ પણ હોય છે. યોગ્ય રહેઠાણ, પૌષ્ટિક ખોરાક અને આરોગ્યની સાદી સાવધાની મિશનરિઓને તંદુરસ્ત રહેવા અને સફળ થવામાં મદદ કરે છે.

હકારાત્મક બાબતો પર ધ્યાન આપવું

અમે જે જોયું એનાથી ઘણા પ્રભાવિત થયા. શું અમે પણ મિશનરિ કાર્ય કરી શકીએ? અમે કઈ રીતે નક્કી કરી શકીએ? અમારા યજમાન અમને અમુક બાબતો વિચારવાનું કહે છે.

સૌ પ્રથમ, તેઓ અમને કહે છે કે મિશનરિઓ કંઈ સાહસ ખેડવા જતા નથી. તેઓ, પરમેશ્વરનાં અદ્‍ભુત વચનો વિષે શીખવા ઇચ્છે છે એવી નમ્ર હૃદયની વ્યક્તિઓને શોધવા જાય છે. મિશનરિઓએ દર મહિને ઓછામાં ઓછા ૧૪૦ કલાક આપવાના હોય છે, તેથી પ્રચાર કાર્ય માટે પ્રેમ હોવો જરૂરી છે.

‘પરંતુ,’ અમને આશ્ચર્ય થાય છે કે ‘સાપ, ગરોળી અને માંકડ વિષે શું?’ ઘણા મિશનરિ કાર્યોમાં એનો સામનો કરવો પડે છે છતાં, બૅન અમને કહે છે કે મિશનરિઓ એનાથી ટેવાઈ જાય છે. તે વધુમાં જણાવે છે કે દરેક મિશનરિ સોંપણીમાં એક અજોડ ખૂબી રહેલી છે અને સમય જતાં, મિશનરિઓ પોતાની સોંપણીની હકારાત્મક બાબતો પર ધ્યાન આપે છે. અગાઉ “અલગ” તરીકે જોવામાં આવતી પરિસ્થિતિ જલદી જ સામાન્ય બની જાય છે અને કેટલાક એનો આનંદ પણ માણે છે. પશ્ચિમ આફ્રિકામાં વર્ષો સુધી સેવા કર્યા પછી, વ્યક્તિગત ફરજ પૂરી કરવા પોતાના ઘરે પાછા ફરનાર એક મિશનરિ બહેને કહ્યું કે, તે પોતાનું ઘર છોડીને મિશનરિ કાર્યમાં ગયા હતા એ સમય કરતાં, મિશનરિ કાર્ય છોડવાનો સમય તેમના માટે ઘણો અઘરો હતો. તેમની મિશનરિ સોંપણી તેમનું ઘર બની ગયું હતું.

શું તમે તૈયાર છો?

બૅન અને કારેને અમે વિચારી શકીએ એવી ઘણી બાબતો જણાવી. તમારા વિષે શું? શું તમે કદી પરદેશમાં મિશનરિ તરીકે કાર્ય કરવાનો વિચાર કર્યો છે? જો કર્યો હોય તો, તમે કલ્પના કરી હોય એના કરતાં પણ તમારો એ ધ્યેય તમારી વધુ નજીક છે. પરંતુ, એ માટે પૂરા સમયના પ્રચાર કાર્ય પ્રત્યે પ્રેમ હોવો અને લોકોને મદદ કરવાના કાર્યનો આનંદ માણવો સૌથી મહત્ત્વનું છે. યાદ રાખો કે મિશનરિઓ કંઈ વિશેષ માનવીઓ નથી. તેઓ પણ સામાન્ય માણસો છે. તેઓ આ કાર્યમાં પોતાનાથી બનતું બધું જ કરે છે.

[પાન ૨૭ પર ચિત્રો]

બાઇબલ વચનની ચર્ચાથી દિવસ શરૂ થાય છે

[પાન ૨૮, ૨૯ પર ચિત્રો]

આફ્રિકાનાં દૃશ્યો

[પાન ૨૯ પર ચિત્ર]

મિશનરિ તરીકેનું જીવન સંતોષપ્રદ બની શકે છે