સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઍન્ડીઝમાં વહેતું જીવનનું પાણી

ઍન્ડીઝમાં વહેતું જીવનનું પાણી

ઍન્ડીઝમાં વહેતું જીવનનું પાણી

ઍન્ડીઝ પર્વતમાળા પેરુ દેશની વચ્ચે આવેલી છે, જેનાથી આ દેશ બે ભાગોમાં વિભાજિત છે. એક બાજુ, પશ્ચિમમાં ઉજ્જડ પ્રદેશો છે તો, બીજી બાજુ, પૂર્વમાં ભરાવદાર લહેરાતું જંગલ જોવા મળે છે. આ પહાડોની હારમાળા પર પેરુના ૨ કરોડ ૭૦ લાખ લોકોનો ત્રીજો ભાગ રહે છે. તેઓમાંના અમુક ઍન્ડીઝ પહાડોની ટોચ પરના સમથળ વિસ્તારમાં રહે છે તો બીજાઓ, કેટલીક ઊંડી ઘાટીઓ અને ઉપજાવ ખીણોમાં રહેતા હોય છે.

ઍન્ડીઝ પર્વતો એટલા ચઢાવ-ઉતારવાળા છે કે બહારના લોકો સહેલાઈથી આવી શકતા નથી. તેથી, અહીં રહેનારા લાખો લોકો ઘણી રીતોએ બાકીની દુનિયાથી વિખૂટાં પડી ગયા છે કેમ કે તેઓને પોતાના વિસ્તાર સિવાય બીજા દેશોની કોઈ જાણકારી મળતી નથી.

ઝરણાંઓ પાસે નાનાં ગામડાંઓ બનાવીને રહેતા હોવાથી, તેઓને પોતાના પશુઓ લામા, અલ્પાકસ, વીક્યુના અને ઘેટાંઓ માટે જીવન જરૂરી પાણી મળી રહે છે. તેમ છતાં, ઍન્ડીઝમાં બીજા એક પ્રકારનું મહત્ત્વનું પાણી પણ વહે છે. એ ‘જીવતા પાણીનો ઝરો,’ યહોવાહ તરફથી આવતું તાજગી આપતું આત્મિક પાણી છે. (યિર્મેયાહ ૨:૧૩) ઍન્ડીઝના ઊંચા પહાડો પર રહેતા લોકોને પરમેશ્વર અને તેમના હેતુઓ વિષેનું ચોક્સાઈભર્યું જ્ઞાન મેળવવા મદદ કરવા યહોવાહ પોતાના સાક્ષીઓનો ઉપયોગ કરે છે.—યશાયાહ ૧૨:૩; યોહાન ૧૭:૩.

“સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય,” એવી પરમેશ્વરની ઇચ્છા હોવાથી, પહોંચવું મુશ્કેલ હોય એવી જગ્યાઓએ પણ આ સાક્ષીઓ લોકોને મળવાનો પ્રયત્ન કરીને તેઓને બાઇબલમાંથી જીવનનો સંદેશો આપે છે. (૧ તીમોથી ૨:૪) આ બાઇબલ આધારિત સંદેશો જ્ઞાન પ્રકાશિત કરનારો અને મહત્ત્વનો છે. એણે ત્યાં રહેતા પ્રામાણિક લોકોને એવી અંધશ્રદ્ધા, રિવાજો અને માન્યતાઓથી મુક્તિ મેળવવા મદદ કરી છે કે જેના કારણે, તેઓ મૃતજનો, દુષ્ટ આત્માઓ તથા કુદરતી પરિબળોથી ભયભીત રહેતા હતા. વધુમાં, આ સંદેશાએ તેઓને પૃથ્વી પર બગીચામય સુંદર પરિસ્થિતિમાં અંત વિનાના ભવ્ય જીવનની આશા આપી છે.

પ્રયત્નો કરવા

આવા દૂર દૂરના પ્રદેશોની મુલાકાત લેવા રાજ્ય પ્રચારકોએ ઘણી ફેરગોઠવણો કરવી પડે છે. લોકોના હૃદય સુધી પહોંચવા બાઇબલ શિક્ષકોને ઐમારા અને ક્યુચુઆ, એમ બે સ્થાનિક ભાષાઓનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે.

ઍન્ડીઝના ગામડાંઓમાં જવું કંઈ સહેલું નથી. એ વિસ્તારોમાં જવા માટે રેલવે અને સડકમાર્ગોનો વિકાસ ખૂબ મર્યાદિત પ્રમાણમાં થયો છે. ખરાબ વાતાવરણ અને ખાડા-ટેકરાવાળા રસ્તાઓ હોવાથી, ત્યાં વાહનોમાં મુસાફરી કરવી પણ જોખમી છે. તો પછી, સાક્ષીઓ કઈ રીતે લોકોને રાજ્ય સંદેશો પહોંચાડે છે?

રાજ્ય પ્રચારકોએ યશાયાહ પ્રબોધકની જેમ, હિંમતથી આ પડકારને ઝીલી લીધો છે: “હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૬:૮) તેઓએ ઉત્તર, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં મુસાફરી કરવા ત્રણ મોબાઈલ ઘરોનો ઉપયોગ કર્યો છે. બાઇબલ અને બાઇબલ સાહિત્યો ભરેલાં ઘણાં બૉક્સ લઈને પાયોનિયરોએ અથવા પૂરા સમયના સેવકોએ ત્યાં રહેતા મૈત્રીપૂર્ણ, પરોણાગત કરનારા અને નમ્ર હૃદયવાળા લોકોમાં સત્યનાં બી વાવ્યાં છે.

પર્વતો પર બનાવવામાં આવેલા માર્ગોના વળાંકો ખાસ કરીને જોખમકારક છે. આવા માર્ગો પરથી સહીસલામત પસાર થવા માટે અમુક વાહનોએ વાંકાચૂકા માર્ગ પરથી જવું પડતું હોય છે. આવા જ એક માર્ગ પર એક મિશનરિ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. છેલ્લી સીટ પર બેઠેલા મિશનરિએ બારીમાંથી જોયું તો, બસનું પાછળનું એક પૈડું ૧૯૦ મીટર ઊંડી ખીણની એકદમ કિનારી પરથી પસાર થઈ રહ્યું હતું! એ જોતા જ તેમણે બસ આગળ ન ગઈ ત્યાં સુધી આંખો બંધ કરી દીધી!

ઘણા માર્ગો ખૂબ જ સાંકડા અને ખરાબ હાલતમાં હોય છે. એક વખત ચઢાવ-ઉતારવાળા અને સાંકડા માર્ગે મોબાઈલ ઘર નીચે તરફ જતું હતું ત્યારે, સામેથી એક ટ્રક ઉપરની બાજુ આવી. તેથી, મોબાઈલ ઘરને ઉપરની તરફ પાછું લઈ જવું પડ્યું અને એવી જગ્યાએ ઊભું રાખ્યું જ્યાં બે વાહનો મુશ્કેલીથી પસાર થઈ શકે.

તેમ છતાં, આવા સતત પ્રયત્નોનું પરિણામ પણ એવું જ અદ્‍ભુત મળ્યું છે. શું તમે તેઓના પ્રયત્નો વિષે વધારે જાણવા ઇચ્છો છો?

ટીટીકાકા સરોવરને “પાણી પાવું”

ટીટીકાકા સરોવર ઍન્ડીઝ પર્વતમાળાના એક ઉચ્ચપ્રદેશમાં સમુદ્ર સપાટીથી ૩,૮૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આટલી ઊંચાઈએ આવેલું એ દુનિયાનું સૌથી મોટું સરોવર છે કે જેમાં વહાણોની પણ અવરજવર થઈ શકે. ટીટીકાકા સરોવરમાં જે ૨૫ નદીઓ મળે છે એમાંથી મોટા ભાગની નદીઓ હિમાચ્છાદિત પર્વતોના શિખરો પરથી વહેતી હોય છે. એમાંના અમુક પર્વતો ૬,૪૦૦ મીટર ઊંચા છે. આટલી ઊંચી સપાટી હોવાને કારણે ત્યાંનું વાતાવરણ ઠંડું છે તેથી બહારથી આવનારાઓ બીમારીનો ભોગ બને છે.

થોડા સમય અગાઉ, ક્યુચુઆ અને ઐમારા ભાષા બોલતું પાયોનિયરોનું એક જૂથ, ટીટીકાકા સરોવરની આસપાસના અમાનટાની અને ટેકીલ ટાપુઓ પર ગયું. તેઓ પોતાની સાથે રજૂઆત કરવા સ્લાઈડ શૉ લઈ ગયા જેનું શિર્ષક હતું, “ચર્ચને નજીકથી તપાસવું.” એમાં ખ્રિસ્તી જગતના કપટને ખુલ્લું પાડવામાં આવ્યું હતું. એનાથી સારો પ્રત્યુત્તર મળ્યો. એક માણસે ભાઈઓને આવકાર્યા અને તેઓ રહી શકે તથા બાઇબલ શીખવી શકે એ માટે ઘરમાં એક મોટો રૂમ આપ્યો.

અમાનટાની ટાપુ પર ભરેલી પહેલી સભામાં ૧૦૦ લોકો અને ટેકીલની સભામાં ૧૪૦ લોકો આવ્યા હતા. એની રજૂઆત ક્યુચુઆ ભાષામાં કરવામાં આવી. ટાપુ પર નવા રહેવા આવેલા એક યુગલે કહ્યું: “છેવટે એ સમય આવ્યો કે તમે યહોવાહના સાક્ષીઓએ અમને યાદ કર્યા. તમે અહીં આવો એ માટે અમે પ્રાર્થના કરતા હતા.”

આ બે મોટા ટાપુઓ ઉપરાંત, ટીટીકાકા સરોવર પાસેના લગભગ ૪૦ “તરતા” ટાપુઓમાં પણ પ્રચાર કરવામાં આવ્યો. તરતા ટાપુઓ? હા, આ ટાપુઓ ટૉટોરસ નામના બરુના બનેલા હોય છે, જે સરોવરમાં ઊંડું પાણી ન હોય એવી જગ્યાઓએ ઊગે છે. ટૉટોરસ પાણીની સપાટીની ઉપર આવે છે અને વધે છે. ટાપુ બનાવવા માટે અહીંના લોકો બરુને વાંકા વાળી દે છે, જેના મજબૂત જડ પાણીની અંદર જમીનમાં ખૂંપેલા હોય છે. તેઓ આ બરુને એકબીજાથી ગૂંથી દે છે, જેનાથી ઘાસફૂસથી બનેલું એક ભોંયતળિયું જેવું તૈયાર થાય છે. પછી, કાપેલા બરુને કીચડ સાથે મિશ્ર કરીને ભોંયતળિયામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે અને એને મજબૂત બનાવવામાં આવે છે. પછી આ ભોંયતળિયા પર લોકો બરુની ઝૂંપડીઓ બનાવીને રહેતા હોય છે.

યહોવાહના સાક્ષીઓએ ટીટીકાકા સરોવર પાસેના આ તરતા ટાપુઓ પર પ્રચાર કરવા ૧૬ બેઠકની એક બોટ લીધી છે. ટાપુઓ પર પહોંચ્યા પછી, સાક્ષીઓ બરુના બનાવેલા ભોંયતળિયા પર ચાલીને એક પછી એક ઘરે જાય છે. તેઓ કહે છે કે એના પર ચાલતી વખતે સપાટી થોડી હલતી હોય એમ લાગે છે. હા, મુસાફરીથી ઊબકા આવતા હોય તેઓ માટે આ જગ્યા બિલકુલ અનુકૂળ નથી.

ઐમારા બોલતા અસંખ્ય રહેવાસીઓ સમુદ્ર પાસેના અને દ્વીપકલ્પ સરોવરની એકદમ નજીકના ગામડાંઓમાં રહે છે. ત્યાં બોટ કે હોડી દ્વારા સહેલાઈથી જઈ શકાય છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે લગભગ ૪,૦૦,૦૦૦ લોકો આવા પ્રદેશોમાં રહે છે જ્યાં રાજ્ય સંદેશો આપવા ઘણી બોટનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક વખતે બોટ ખૂબ જ વ્યસ્ત હોય છે.

આત્મિક તરસ છિપાવવી

ઍન્ડીઝમાં જુલીકા પાસે શાન્તા લુકા ગામમાં રહેતા ફેલવીઑને તેના ઇવાન્જેલિકલ ચર્ચમાં નરક વિષેનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઘણાં વર્ષોથી તેને અનંતકાળના નરકની શિક્ષાનો ડર સતાવતો હતો. તે હંમેશા વિચારતો હતો કે કઈ રીતે પ્રેમાળ પરમેશ્વર માનવોને નરકની પીડા આપી શકે. યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવક, ટીટોએ એ ગામની મુલાકાત લીધી ત્યારે તે ફેલવીઑને મળ્યા.

ફેલવીઑએ પહેલાં એ જ પૂછ્યું કે, “શું તમારા ધર્મમાં નરકની પીડા વિષે શીખવવામાં આવે છે?” ટીટોએ જવાબ આપ્યો કે આવા શિક્ષણને પરમેશ્વર ધિક્કારે છે અને એ પ્રેમના દેવ, યહોવાહના નામ પર પણ કલંક લાવે છે. ટીટોએ ફેલવીઑને તેના જ બાઇબલમાંથી બતાવ્યું કે મૂએલાઓ કંઈ જાણતા નથી અને તેઓ માટે પરમેશ્વરના રાજ્યમાં સજીવન થઈને પૃથ્વી પર રહેવાની આશા છે. (સભાશિક્ષક ૯:૫; યોહાન ૫:૨૮, ૨૯) એનાથી ફેલવીઑની આંખો ખુલી ગઈ. તેણે તરત જ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને જલદી જ બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તી બન્યો.

કદર વ્યક્ત કરતું ગામ

કલ્પના કરો કે જે ગામના રહેવાસીઓએ ક્યારેય બાઇબલ જોયું ન હોય અથવા, જેઓએ ક્યારેય યહોવાહના સાક્ષીઓ વિષે કે તેઓના સુસમાચાર વિષે સાંભળ્યું ન હોય એવા ગામમાં પ્રચાર કરવો કેવો રોમાંચક અનુભવ છે! ત્રણ પાયોનિયર બહેનો રોઝા, એલીકા અને સીસીલાએ પણ આવો જ અનુભવ કર્યો હતો. તેઓએ સમુદ્ર સપાટીથી ૩,૬૦૦ મીટર ઊંચાઈએ આવેલા મધ્ય પેરુના ઈસ્કુચાકા અને કોનીકા ગામોમાં પ્રચાર કર્યો હતો.

તેઓ ગામમાં આવ્યા ત્યારે, તેઓ માટે રહેવાનું કોઈ સ્થળ ન હતું. તેથી, તેઓએ સ્થાનિક પોલીસ અધિકારી સાથે વાત કરી અને તેઓને મુલાકાત લેવાનું કારણ સમજાવ્યું. એનું શું પરિણામ આવ્યું? તેમણે આ બહેનોને આખી રાત પોલીસ સ્ટેશનમાં રહેવા દીધા. બીજા દિવસે, પાયોનિયરો કાયમી ઘર શોધી શક્યા જે પછી તેઓની ઉપાસનાનું કેન્દ્ર બન્યું.

ટૂંક સમયમાં જ ખ્રિસ્તના સ્મરણ પ્રસંગનો સમય આવ્યો. પાયોનિયરોએ ઈસ્કુચાકા ગામના બધાં જ ઘરોની મુલાકાત લીધી અને ઘણાં બાઇબલોનું વિતરણ કરીને બાઇબલ અભ્યાસો પણ શરૂ કર્યા. સ્મરણ પ્રસંગ પહેલાં તેઓએ એની આમંત્રણ પત્રિકા વહેંચી, જેમાં આ પ્રસંગની ઉજવણીનો હેતુ અને સ્મરણ પ્રસંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા પ્રતીકોનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. ભાઈઓના એક જૂથને આ પ્રસંગે મદદ કરવા આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓમાંથી એક ભાઈએ વાર્તાલાપ આપ્યો. આ ખાસ પ્રસંગે નાના ગામમાંથી પણ ૫૦ લોકોને હાજર રહેલા જોવા એ કેવા આનંદની વાત હતી! પહેલી વાર તેઓ સમજી શક્યા કે ખરેખર પ્રભુ ભોજનનો શું અર્થ થાય છે અને તેઓના હાથમાં બાઇબલ હોવું એ કેવો લહાવો છે!

ભારે બોજામાંથી મુક્તિ

જૂઠા ધર્મમાં જકડાયેલા લોકોને તાજગી આપતું બાઇબલ સત્યનું પાણી આપવું એ હંમેશા આનંદની બાબત રહી છે. પેસિક એક સમયે પ્રાચીન ઈંકા સામ્રાજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. ત્યાં રહેતા મોટા ભાગના લોકોને આજે પણ નરકનું બિનશાસ્ત્રીય શિક્ષણ શીખવવામાં આવે છે. તેઓના પાદરી શીખવે છે કે તેઓ પાદરીની મધ્યસ્થી દ્વારા જ સ્વર્ગમાં જઈ શકે છે.

તેથી, એ સમજી શકાય છે કે આવા લોકો તાજગી આપતા બાઇબલ સત્યના તરસ્યા હોય છે. યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવક, સેનટીગોને ઘરઘરના પ્રચાર કાર્યમાં એક માણસને સમજાવવાની તક મળી કે નમ્ર લોકો બગીચા સમાન પારાદેશ પૃથ્વી પર રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) સેનટીગોએ બાઇબલમાંથી બતાવ્યું કે મૃતજનો સજીવન થશે અને માણસજાતને અનંતજીવન મેળવવા યહોવાહના જ્ઞાનથી ભરપૂર કરવામાં આવશે. (યશાયાહ ૧૧:૯) આ માણસ પહેલાં કૅથલિક હતો. તે પિશાચવાદમાં માનતો હતો અને દારૂનો વ્યસની બની ગયો હતો. પરંતુ, હવે તેની પાસે બાઇબલ આધારિત આશા છે અને તે પારાદેશ પૃથ્વી પર જીવવાની આશા રાખે છે. તેણે પિશાચવાદને લગતી વસ્તુઓ બાળી નાખી અને પીવાનું પણ છોડી દીધું. તેણે અને તેના કુટુંબે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. સમય જતાં, કુટુંબના સર્વ લોકોએ યહોવાહ પરમેશ્વરને સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા લીધું.

પરોણાગતનો આવકાર

પહાડો પર રહેતા લોકો સારી પરોણાગત બતાવે છે. તેઓ ગરીબ અને ઝૂંપડીઓમાં રહેતા હોવા છતાં, મુલાકાતીઓને પોતાની પાસે જે હોય એ આપતા હોય છે. બાઇબલનાં ઉચ્ચ ધોરણો શીખ્યા પહેલાં, એક યજમાન મુલાકાતીને તેઓ વાત કરતા હોય ત્યારે ચાવવા માટે કોકીનનાં પાંદડાં આપતા હોય છે. પરંતુ, સાક્ષી બન્યા પછી, તેઓ પાંદડાં જેટલા જ મૂલ્યની એક ચમચી ખાંડની ઑફર કરતા હોય છે.

એક મિશનરિને એક ભાઈએ ફરી મુલાકાતમાં સાથ આપવા માટે કહ્યું. મુશ્કેલ ઢાળવાળા પહાડ પર ચઢીને તેઓએ તાળીઓ પાડીને ઘરમાલિકને જાણ કરી કે તેઓ ત્યાં આવી ગયા છે. તેઓને અંદર આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. ઘાસના છાપરાની ઝૂંપડીનો પ્રવેશમાર્ગ નીચો હોવાથી, તેઓ નીચા વળીને અંદર ગયા. તેઓ સાચવીને કીચડવાળા રૂમમાં આવ્યા જ્યાં માતાએ વચ્ચે ખોદવામાં આવેલા ખાડામાં ધાબળામાં પોતાના નાના બાળકને લપેટીને મૂક્યું હતું. મોટાઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે, તે બાળક બહાર આવી શકતું ન હોવા છતાં આનંદથી કીકીયારીઓ પાડતું હતું. તેઓએ રાજ્યના આશીર્વાદની જીવંત ચર્ચા કર્યા પછી, તે સ્ત્રી એક મોટા પાત્રમાં સ્થાનિક પીણું લાવી. પછી જલદી જ ભાઈઓ બીજી મુલાકાત લેવા પહાડની બીજી બાજુ ગયા.

ભરપૂર કાપણી

હવે આ પ્રદેશમાં લગભગ ૧૦૦ જેટલાં છૂટાછવાયાં જૂથોમાં હજાર કરતાં વધારે લોકો યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરે છે. લીમામાં સેવકાઈ તાલીમ શાળામાંથી સ્નાતક થયેલાઓને આ જૂથોને મંડળોમાં ફેરવવા માટે મોકલવામાં આવ્યાં છે. ખરેખર, લાંબા સમયથી જૂઠા ધર્મો અને અંધશ્રદ્ધામાં જકડાયેલા નમ્ર હૃદયના લોકોએ રાજ્યના સુસમાચાર દ્વારા મુક્તિ મેળવી છે! (યોહાન ૮:૩૨) સત્યના પાણી માટેની તેઓની તરસ સંતોષવામાં આવી છે.

[પાન ૧૦ પર ચિત્ર]

ટીટીકાકાના “તરતા” ટાપુઓ પર સાક્ષી આપવી