સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી જગતની ચાવી

સુખી જગતની ચાવી

સુખી જગતની ચાવી

“નાઝરેથના ઈસુ ફક્ત બે હજાર વર્ષથી જ નહિ, પણ સમગ્ર માનવ ઇતિહાસથી સૌથી મહાન વ્યક્તિ તરીકે જાણીતા છે,” એમ ટાઈમ સામયિકે કહ્યું. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે હજારો નમ્ર લોકોએ અનુભવ્યું કે ઈસુ ફક્ત મહાન જ નથી, પરંતુ તે બીજાઓની કાળજી પણ રાખે છે. તેથી, એમાં કંઈ આશ્ચર્યની વાત નથી કે તેઓ ઈસુને રાજા બનાવવા ઇચ્છતા હતા. (યોહાન ૬:૧૦, ૧૪, ૧૫) પરંતુ, અગાઉના લેખમાં જોયું તેમ, ઈસુએ રાજા બનવાનો નકાર કર્યો.

ઈસુનો જવાબ ઓછામાં ઓછા ત્રણ ઘટકો પર આધારિત હતો: માનવોના સ્વતંત્ર નિર્ણય પ્રત્યે તેમના પિતાનું દૃષ્ટિબિંદુ, જેમાં માનવ શાસનનો પણ સમાવેશ થાય છે; ઈસુ જાણતા હતા કે માનવોના શાસન ચલાવવાના સૌથી સારા પ્રયત્નો વિરુદ્ધ પણ એક શક્તિશાળી વ્યક્તિ કાર્ય કરે છે અને; આખી પૃથ્વી પર શાસન કરવા સ્વર્ગીય સરકાર સ્થાપિત કરવાનો પરમેશ્વરનો હેતુ. આપણે આ મુદ્દાઓને બારીકાઈથી તપાસીશું તેમ, આપણે જોઈ શકીશું કે સુખી જગત બનાવવાના માણસજાતના પ્રયત્નો શા માટે નિષ્ફળ જાય છે. આપણે એ પણ જોઈશું કે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવશે.

શું માનવો પોતાની રીતે રાજ કરી શકે?

પરમેશ્વરે માનવોને બનાવ્યા ત્યારે, તેમણે તેઓને પ્રાણીઓ પર રાજ કરવાની સત્તા આપી. (ઉત્પત્તિ ૧:૨૬) પરંતુ, માનવો પરમેશ્વરની સત્તા હેઠળ હતા. પ્રથમ પુરુષ અને સ્ત્રીએ એક ખાસ ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષના’ ફળથી દૂર રહીને પરમેશ્વરની આજ્ઞા પાળવાની હતી અને તેમને આજ્ઞાધીન રહેવાનું હતું. (ઉત્પત્તિ ૨:૧૭) પરંતુ, દુઃખની વાત છે કે આદમ અને હવાએ પોતાની સ્વતંત્ર ઇચ્છાનો દુરુપયોગ કર્યો અને પરમેશ્વરને આજ્ઞાધીન રહ્યા નહિ. મનાઈ કરેલું ફળ ખાવું એ ફક્ત ચોરીનું કાર્ય ન હતું. એમાં પરમેશ્વરની સર્વોપરિતા વિરુદ્ધ બળવો પોકારવાનો સમાવેશ થતો હતો. ધ જેરૂશાલેમ બાઇબલમાં ઉત્પત્તિ ૨:૧૭ની નિમ્નનોંધ બતાવે છે તેમ, આદમ અને હવાએ દાવો કર્યો કે “તેઓને પરમેશ્વર પાસેથી પૂરેપૂરી સ્વતંત્રતા જોઈતી હતી. એમ કરીને તેઓએ, પરમેશ્વરે પોતાને ઉત્પન્‍ન કર્યા છે એ હકીકતનો નકાર કર્યો, . . . આમ, પ્રથમ પાપે પરમેશ્વરની સત્તા પર હુમલો કર્યો હતો.”

મહત્ત્વનો નૈતિક વાદવિષય ઊભો થયો હોવાથી, પરમેશ્વરે આદમ અને હવા તથા તેઓના વંશજોને પોતાની રીતે જીવવાની પસંદગી કરવા દીધી, અને તેઓએ ખરાં-ખોટાં વિષેના પોતાનાં ધોરણો નક્કી કર્યા. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦; રૂમી ૨:૧૪) ખાસ કરીને, ત્યાર પછીથી માનવોએ જાતે જ નિર્ણયો લેવાની શરૂઆત કરી. પરંતુ શું તેઓ સફળ થયા? માનવ ઇતિહાસ જોતા આપણે કહી શકીએ છીએ કે તેઓ સફળ થયા નથી! સભાશિક્ષક ૮:૯ જણાવે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” માનવ શાસનનો આ દુઃખદ અહેવાલ યિર્મેયાહ ૧૦:૨૩ના શબ્દોને સાચા ઠરાવે છે જે કહે છે: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” ઇતિહાસ બતાવે છે કે ઉત્પન્‍નકર્તાની મદદ સિવાય માનવીઓ સફળતાપૂર્વક શાસન કરી શકતા નથી.

એ હકીકતથી ઈસુ પૂરેપૂરા સહમત હતા. પરમેશ્વરની મદદ સિવાય તે કંઈ પણ કાર્ય કરવાનું ઇચ્છતા ન હતા. તેમણે કહ્યું, “હું મારી પોતાની મેળે કંઈ કરતો નથી.” તેમ જ, “જે કામો તેને [પરમેશ્વરને] ગમે છે તે હું નિત્ય કરૂં છું.” (યોહાન ૪:૩૪; ૮:૨૮, ૨૯) તેથી, પરમેશ્વર તરફથી આપવામાં ન આવ્યા હોય એવા કોઈ પણ અધિકારને ઈસુ સ્વીકારવા ઇચ્છતા ન હતા. તેમ છતાં, એનો અર્થ એમ નથી કે ઈસુ પોતાના સાથી માનવીઓને મદદ કરવા ઇચ્છુક ન હતા. એને બદલે, તેમણે લોકોને ત્યારે અને ભવિષ્યમાં પણ સાચું સુખ મેળવવા મદદ કરવા પોતાની સર્વ શક્તિનો ઉપયોગ કર્યો. એટલે સુધી કે તેમણે માણસજાત માટે પોતાનું જીવન પણ આપી દીધું. (માત્થી ૫:૩-૧૧; ૭:૨૪-૨૭; યોહાન ૩:૧૬) ઈસુ જાણતા હતા કે “દરેક બાબતને માટે . . . વખત હોય છે.” એમાં આખી માણસજાત પર પરમેશ્વરની સર્વોપરિતાને જાહેર કરવાના તેમના સમયનો પણ સમાવેશ થાય છે. (સભાશિક્ષક ૩:૧; માત્થી ૨૪:૧૪, ૨૧, ૨૨, ૩૬-૩૯) તેમ છતાં, યાદ રાખો કે એદન બાગમાં આપણા પ્રથમ માબાપ સાપ દ્વારા વાત કરનાર દુષ્ટ આત્માની ઇચ્છાને આધીન થયા હતા. એ આપણું બીજા મુદ્દા તરફ ધ્યાન દોરે છે કે શા માટે ઈસુ રાજકારણમાં સંડોવાયા ન હતા.

જગતનો છૂપો શાસક

બાઇબલ આપણને કહે છે કે શેતાને પોતાની એક વાર ઉપાસના કરવાના બદલામાં ઈસુને ‘જગતના સઘળાં રાજ્યો તથા એઓનો મહિમા’ આપવાનું કહ્યું. (માત્થી ૪:૮-૧૦) ઈસુને જગત પર શાસન કરવાની ઑફર કરવામાં આવી હતી પરંતુ શેતાનની શરતે. ઈસુ એનાથી લલચાઈ ગયા ન હતા. શું એ ખરેખર લાલચ હતી? શું શેતાન ખરેખર આવી ભવ્ય ઑફર કરી શકે? હા, ઈસુએ પોતે શેતાનને “આ જગતનો અધિકારી” કહ્યો હતો અને પ્રેષિત પાઊલે પણ તેનું ‘આ જગતના દેવ’ તરીકે વર્ણન કર્યું.—યોહાન ૧૪:૩૦; ૨ કોરીંથી ૪:૪; એફેસી ૬:૧૨.

હકીકતમાં, ઈસુ જાણતા હતા કે શેતાનને માણસજાતના હિતમાં કોઈ રસ નથી. તેમણે શેતાનનું “મનુષ્યઘાતક” તથા “જૂઠો, અને જૂઠાનો બાપ” તરીકે વર્ણન કર્યું. (યોહાન ૮:૪૪) તેથી, એ દેખીતું છે કે જગત આવા દુષ્ટ આત્માની “સત્તામાં” રહેતું હોવાથી સાચું સુખ ક્યારેય મળી ન શકે. (૧ યોહાન ૫:૧૯) પરંતુ, શેતાન પાસે આવી સત્તા હંમેશ માટે રહેવાની નથી. ઈસુ હવે એક શક્તિશાળી આત્મિક વ્યક્તિ છે. તે જલદી જ શેતાન અને તેની અસરોનો નાશ કરશે.—હેબ્રી ૨:૧૪; પ્રકટીકરણ ૨૦:૧-૩.

શેતાન પોતે જાણે છે કે જગતના શાસક તરીકેના તેના દિવસો જલદી જ પૂરા થવાના છે. તેથી, નુહના સમયમાં જળપ્રલય અગાઉ કર્યું હતું તેમ, આજે પણ તે માનવોને ભ્રષ્ટ કરવા પોતાની સર્વ ચાલો અજમાવે છે. (ઉત્પત્તિ ૬:૧-૫; યહુદા ૬) પ્રકટીકરણ ૧૨:૧૨ કહે છે, “પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમકે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમકે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.” બાઇબલની ભવિષ્યવાણી અને જગતના બનાવો બતાવે છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) હવે થોડા જ સમયમાં, આપણે સર્વ દુઃખોમાંથી છુટકારો મેળવીશું.

સુખ લાવતી સરકાર

ઈસુએ રાજકારણમાં ભાગ ન લીધો એનું ત્રીજું કારણ એ છે કે, તે જાણતા હતા કે પરમેશ્વર આખી પૃથ્વી પર શાસન કરવા પોતાની સ્વર્ગીય સરકારની સ્થાપના કરવાના છે. બાઇબલ આ સરકારને પરમેશ્વરનું રાજ્ય કહે છે અને એ રાજ્ય ઈસુના શિક્ષણનો મુખ્ય વિષય હતો. (લુક ૪:૪૩; પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુએ તેમના શિષ્યોને એ રાજ્ય આવવા વિષે પ્રાર્થના કરવાનું શીખવ્યું, કેમ કે ત્યાર પછી જ ‘આકાશમાં તેમ જ પૃથ્વી પર તેમની ઇચ્છા’ પૂરી થશે. (માત્થી ૬:૯, ૧૦) તમને આશ્ચર્ય થઈ શકે કે, ‘જો આ રાજ્ય આખી પૃથ્વી પર શાસન કરવાનું હોય તો, માનવ સરકારોનું શું થશે?’

આનો જવાબ દાનીયેલ ૨:૪૪માં જોવા મળે છે, જે કહે છે: “તે [વર્તમાન જગતના અંતમાં શાસન કરી રહેલા] રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં [માનવીઓએ બનાવેલાં] રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) શા માટે પરમેશ્વરનું રાજ્ય પૃથ્વી પરના સઘળા રાજ્યોનો “ક્ષય” કરશે? કેમ કે આ રાજ્યો પરમેશ્વરનો અનાદર કરતા શેતાને એદન બાગમાં ઊભા કરેલા સ્વતંત્ર નિર્ણયને ઉત્તેજન આપે છે. માણસજાતના હિતની વિરુદ્ધમાં કાર્ય કરવા ઉપરાંત, જેઓ એવું વલણ બતાવે છે તેઓ પોતાને ઉત્પન્‍નકર્તાના વિરોધી બનાવે છે. (ગીતશાસ્ત્ર ૨:૬-૧૨; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) તેથી, આપણે પોતાને પૂછવું જોઈએ, ‘શું આપણે પરમેશ્વરના શાસનની તરફેણમાં છીએ કે વિરુદ્ધમાં છીએ?’

તમે કોની સર્વોપરિતાને પસંદ કરશો?

શાસન વિષે લોકોને ચોક્સાઈભર્યા જ્ઞાન પર આધારિત નિર્ણય લેવા મદદ કરવા, ઈસુએ પોતાના શિષ્યોને આ વસ્તુવ્યવસ્થાનો અંત આવે એ પહેલાં, “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ” કરવાની આજ્ઞા આપી હતી. (માત્થી ૨૪:૧૪) આજે દુનિયાભરમાં પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કોણ કરી રહ્યું છે? એ યહોવાહના સાક્ષીઓ છે. હકીકતમાં, આ સામયિકના મુખપૃષ્ઠ પર આ શબ્દો જોવા મળે છે, “યહોવાહના રાજ્યને જાહેર કરે છે.” આજે લગભગ ૬૦ લાખ યહોવાહના સાક્ષીઓ ૨૩૦ દેશોમાં રાજ્ય વિષેનું ચોક્સાઈભર્યું જ્ઞાન મેળવવા લોકોને મદદ કરે છે. *

રાજ્યમાં રહેલા આશીર્વાદો

ઈસુ હંમેશા પરમેશ્વરની ઇચ્છાના સુમેળમાં જીવ્યા. તેથી, તેમણે હાલની વ્યવસ્થાને રાજકારણ દ્વારા ટેકો આપવા કે એને સુધારવાનો પ્રયત્ન કરવા સ્વતંત્ર માર્ગ પસંદ કર્યો ન હતો. એને બદલે, તેમણે જગત સમસ્યાઓના એક માત્ર ઉકેલ, પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવા મહેનત કરી. તેમની વફાદારીને લીધે તેમને એ જ રાજ્યના રાજા તરીકે સ્વર્ગમાં મહિમાવાન શાસન આપવામાં આવ્યું. પરમેશ્વરને વફાદાર રહેવાનો કેવો મૂલ્યવાન બદલો!—દાનીયેલ ૭:૧૩, ૧૪.

આજે જે લાખો લોકો પોતાના જીવનમાં પરમેશ્વરના રાજ્યને પ્રથમ મૂકે છે અને તેમની ઇચ્છા પૂરી કરવામાં ઈસુને અનુસરે છે તેઓ પણ અદ્‍ભુત ભેટનો આનંદ માણશે. એ ભેટ, પરમેશ્વરના રાજ્યમાં પૃથ્વી પર આનંદ માણવાનો અમૂલ્ય લહાવો છે. (માત્થી ૬:૩૩) એ રાજ્યના પ્રેમાળ શાસન હેઠળ, પરમેશ્વર લોકોને અનંતજીવનની આશા સાથે સંપૂર્ણ જીવન આપશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) પહેલો યોહાન ૨:૧૭ કહે છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” શેતાન અને તેના અનુયાયીઓનો તથા લોકોને વિભાજિત કરતા રાષ્ટ્રવાદ, ભ્રષ્ટ વેપાર વ્યવસ્થા અને જૂઠા ધર્મોનો નાશ કરવામાં આવશે. પછી, પૃથ્વીને બગીચા સમાન સુંદર પારાદેશમાં ફેરવવામાં આવશે ત્યારે, એમાં હંમેશ માટે રહેવાનો કેવો અત્યુત્તમ આનંદ હશે!—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૭૨:૧૬.

હા, આ જગતમાં પરમેશ્વરનું રાજ્ય જ સાચું સુખ લાવી શકે છે અને એનો જે સંદેશો જાહેર કરવામાં આવે છે એનું યોગ્ય રીતે જ સુસમાચાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે એ સંદેશો સાંભળ્યો ન હોય તો, ફરી વાર યહોવાહના સાક્ષીઓ તમારા ઘરે આવે ત્યારે, શા માટે તેઓને આવકારીને આ સુસમાચાર સાંભળતા નથી?

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓની સતાવણી કરવામાં આવે અથવા તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તોપણ, પરમેશ્વરના રાજ્યને સમર્થન આપવા તેઓ રાજકારણમાં અથવા દુન્યવી સરકારો વિરુદ્ધ બળવો પોકારવામાં ભાગ લેતા નથી. (તીતસ ૩:૧) એને બદલે, તેઓ ઈસુએ અને પ્રથમ સદીના શિષ્યોએ કર્યું તેમ, આત્મિક અને બિનરાજકીય બાબતોમાં ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે. સાક્ષીઓ પ્રામાણિક લોકોને તેઓના સમાજમાં, કુટુંબમાં પ્રેમ, પ્રામાણિકતા, નૈતિક શુદ્ધતા અને સારાં નૈતિક કાર્યો જેવા બાઇબલના વિષયો પર સમજણ મેળવવા મદદ કરે છે. ખાસ કરીને તેઓ બાઇબલ સિદ્ધાંતોને જીવનમાં કઈ રીતે લાગુ પાડવા એ શીખવવા અને પરમેશ્વરના રાજ્યને માણસજાતની ખરી આશા તરીકે જોવા મદદ કરવા પ્રયત્ન કરે છે.

[પાન ૫ પર ચિત્રો]

ઇતિહાસે પુરવાર કર્યું છે કે પરમેશ્વરની મદદ વગર માનવીઓ સફળતાથી શાસન કરી શકે નહિ

[પાન ૫ પર ચિત્ર]

શેતાન “આ જગતનો અધિકારી” હોવાથી, તે ઈસુને ‘જગતના સઘળાં રાજ્યો’ આપવાનું કહી શક્યો

[પાન ૭ પર ચિત્રો]

ઈસુએ શીખવ્યું કે પરમેશ્વરના રાજ્યની ગોઠવણ હેઠળ જગત એક અદ્‍ભુત જગ્યા હશે