સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ધાર્મિક સહિષ્ણુતાનો દિવસ”

“ધાર્મિક સહિષ્ણુતાનો દિવસ”

“ધાર્મિક સહિષ્ણુતાનો દિવસ”

પોલૅન્ડમાં એક શાળાના આચાર્યએ યહોવાહના સાક્ષીઓ સાથે ચર્ચા કર્યા પછી, જિજ્ઞાસા ખાતર પોતાની શાળામાં “ધાર્મિક સહિષ્ણુતાનો દિવસ” રાખ્યો. તેમણે વિદ્યાર્થીઓમાંથી કૅથલિક, બૌદ્ધ અને યહોવાહના સાક્ષીઓને સ્વેચ્છાએ તેઓની માન્યતાઓ અને આચરણોને બીજા વિદ્યાર્થીઓ સમક્ષ ટૂંકમાં રજૂ કરવાનું જણાવ્યું. તરત જ, યહોવાહના સાક્ષીઓમાંથી ત્રણ તરુણ યુવાનો તૈયાર થયા.

એ દિવસ આવ્યો ત્યારે, સૌ પ્રથમ વક્તા પંદર વર્ષની માલ્વીના હતી. તેણે જણાવ્યું: “અમે આ શાળામાં દાખલ થયા એ પહેલેથી જ તમારામાંના ઘણા અમને ઓળખે છે, કેમ કે અમે તમારા ઘરે આવ્યા હતા. તમને કદાચ આશ્ચર્ય થશે કે અમે શા માટે દરેકના ઘરે જઈએ છીએ. કેમ કે અમે ખ્રિસ્તી ધર્મના સ્થાપક, ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરીએ છીએ. તેમણે જ્યાં પણ લોકો મળ્યા ત્યાં તેઓને પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કર્યો. પ્રેષિતો અને શરૂઆતના બીજા ખ્રિસ્તીઓએ પણ એમ જ કર્યું હતું. ઘણી જગ્યાઓએ યહોવાહના સાક્ષીઓ વિશ્વાસનાં કઠિન પરીક્ષણો સહન કરતા હોય છે, પરંતુ અમે ખુશ છીએ કે તમારા સર્વના સહકારને લીધે આપણી શાળામાં અમે શાંતિનો આનંદ માણીએ છીએ. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ!”

માલ્વીનાએ તેની રજૂઆતના નિષ્કર્ષમાં જણાવ્યું: “અમે શા માટે તમારા ઘરે આવીએ છીએ એનું બીજું પણ એક કારણ છે. અમને તમારી ચિંતા છે. બાઇબલ કહે છે કે જલદી જ માણસજાત દુનિયાને હચમચાવી દેતા બનાવો અનુભવશે. તેથી, ફરી વાર અમે તમારા ઘરે આવીએ ત્યારે સાંભળવા માટે સમય કાઢજો. અમે તમને જણાવવા ઇચ્છીએ છીએ કે કઈ રીતે આપણે બધા સુંદર પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકીએ.”

પછીનો વક્તા ૧૫ વર્ષનો મૅથ્યુસ હતો. મૅથ્યુસે તેના શ્રોતાઓને કહ્યું કે વર્ષોથી યહોવાહના સાક્ષીઓએ સુસમાચારનો પ્રચાર કરવા જુદી જુદી રીતોનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે, વર્ષ ૧૯૧૪માં મૂક ચલચિત્રોના યુગમાં સાક્ષીઓ “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” તરીકે જાણીતા સ્લાઈડ શૉ અને ફિલ્મો બતાવતા હતા જેમાં અવાજ પણ સંભળાતો હતો.

મૅથ્યુસે રૅડિયો દ્વારા રાજ્ય સંદેશાને ફેલાવવા વિષે જણાવ્યા પછી, યહોવાહના સાક્ષીઓએ વિકસાવેલી અજોડ કોમ્પ્યુટર સંચાલિત બહુભાષા ઈલેક્ટ્રોનિક ફોટોટાઈપસેટીંગ પદ્ધતિ (MEPS) વિષે વર્ણવ્યું. તેણે એ પણ જણાવ્યું કે યહોવાહના સાક્ષીઓએ કઈ રીતે ડૉક્ટરોને લોહી વિના ઇલાજ કરવાની સારવાર વિષે માહિતી પૂરી પાડીને મદદ કરી છે. તેણે કહ્યું, “હવે પોલૅન્ડના પ્રખ્યાત ડૉક્ટરો પણ અમારી તરફેણમાં ટીકા આપે છે અને દર વર્ષે વધુને વધુ બિનસાક્ષી દર્દીઓ લોહી વિના ઇલાજ કરાવે છે એના પર ખાસ ભાર મૂકી રહ્યા છે.”

મૅથ્યુસે નિષ્કર્ષમાં રાજ્યગૃહના બાંધકામ વિષે જણાવતા કહ્યું: “શું તમને અમારા રાજ્યગૃહની મુલાકાત લેવાનું ગમશે? ત્યાં આવવાની કોઈ ફી નથી અને ત્યાં કોઈ પૈસા પણ ઉઘરાવવામાં આવતા નથી.” સેનોવિશ શહેરના મહાસંમેલનનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું: “તમારે એ વિશાળ અને ઉપયોગી ઇમારત જોવી જ જોઈએ. શું આપણે ભેગા મળી ત્યાં ન જવું જોઈએ? અમારી પાસે એ વિષે કેટલાંક સૂચનો છે અને આપણી મિત્ર કટારઝેના એ વિષે આપણને કંઈક કહેશે.”

પછી પંદર વર્ષની કટારઝેનાએ ઉત્સાહથી કહ્યું: “સેનોવિશમાં યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનમાં આવવાનું અમે તમને આમંત્રણ આપીએ છીએ. એમાં યુવાનોની ચિંતાઓ વિષે ચર્ચા કરવામાં આવશે.” કટારઝેનાએ ખ્રિસ્તીઓની મુખ્ય ઉજવણી, ઈસુ ખ્રિસ્તના સ્મરણ પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો. તેણે શ્રોતાઓને ઉત્તેજન આપ્યું: “દુનિયાભરમાં ગયા વર્ષે આ ઉજવણીમાં ૧.૪ કરોડ લોકોએ હાજરી આપી હતી. શું તમારે પણ હવે પછીની ઉજવણીમાં ન આવવું જોઈએ?”

માલ્વીના, મૅથ્યુસ અને કટારઝેનાએ પોતાની રજૂઆત પછી શિક્ષકોને, યહોવાહના સાક્ષીઓ—પરમેશ્વરના રાજ્યને જાહેર કરનારા (અંગ્રેજી) પુસ્તક સાથે યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિઓ અને માન્યતાઓની ચર્ચા કરતી બે વીડિયો કૅસેટો ભેટ તરીકે આપી. * શિક્ષકોએ એનો સ્વીકાર કરીને આભાર માન્યો અને એને ઇતિહાસના વર્ગોમાં ઉપયોગમાં લેવાનું વચન આપ્યું.

આ કાર્યક્રમના અંતે, બાર વર્ષની માર્ટયાનાએ ભેગા મળેલા સર્વ માટે “યહોવાહ તમારો આભાર” શીર્ષકનું ગીત વગાડ્યું. આ યુવાન સાક્ષીઓએ “દેવથી હિંમતવાન” થઈને સારી સાક્ષી આપી. (૧ થેસ્સાલોનીકી ૨:૨) યુવાન સાક્ષીઓ માટે કેવું ઉત્તમ ઉદાહરણ!

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૨૬ પર ચિત્ર]

શાળામાં રજૂઆત કરતા પહેલાં માલ્વીના એની તૈયારી કરી રહી છે

[પાન ૨૬ પર ચિત્ર]

કટારઝેના રજૂઆત માટે શાસ્ત્રવચનોની પસંદગી કરે છે