સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન

યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન

મારો અનુભવ

યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન

રસેલ કરઝનના જણાવ્યા પ્રમાણે

પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એના સાત વર્ષ પહેલાં, સપ્ટેમ્બર ૨૨, ૧૯૦૭માં મારો જન્મ થયો હતો. અમારું કુટુંબ સૌથી મહત્ત્વની એક બાબતમાં ખૂબ ધનવાન હતું. અમારા વિષે થોડું જાણ્યા પછી, મને લાગે છે કે તમે પણ મારી સાથે સહમત થશો.

મારા દાદી કરઝન બાળપણથી જ પરમેશ્વર વિષે સત્યની શોધ કરતા હતા. યુવાન થયા પહેલાં તેમણે સત્યની શોધમાં પોતાના સુંદર વતન સ્વિટ્‌ઝર્લૅન્ડ, સ્પાઈટ્‌ઝમાં જુદા જુદા ચર્ચની મુલાકાત પણ લીધી હતી. તેમણે લગ્‍ન કર્યાના અમુક વર્ષો પછી, ૧૮૮૭માં કરઝન કુટુંબ અમેરિકાના સમુદ્ર કાંઠે રહેવા ગયું.

ઓહાયોમાં અમારું કુટુંબ ઠરીઠામ થયા પછી, લગભગ ૧૯૦૦માં મારા દાદીને એ ખજાનો મળ્યો જેની તે વર્ષોથી શોધ કરતા હતા. એ ખજાનો, ચાર્લ્સ ટેઝ રસેલનું જર્મન ભાષામાં અનુવાદ થયેલું સમય હાથવેંતમાં છે પુસ્તક હતું. તેમણે પારખી લીધું કે પોતે જે વાંચ્યું એમાં જ બાઇબલ સત્યનો પ્રકાશ છે. મારા દાદીને અંગ્રેજીમાં વધારે સમજ પડતી ન હતી છતાં, તેમણે અંગ્રેજી ચોકીબુરજ સામયિકનું લવાજમ ભર્યું. પછી તે બાઇબલ સત્ય શીખ્યા તેમ અંગ્રેજી ભાષા વિષે પણ થોડું વધારે શીખ્યા. જોકે, મારા દાદા આત્મિક બાબતોમાં દાદી જેટલો રસ બતાવતા ન હતા.

દાદી કરઝનને ૧૧ બાળકો હતાં. એમાં તેમના બે પુત્ર, જોન અને એડોલ્ફે તેમને મળેલા આત્મિક ખજાનાની કદર કરી. જોન મારા પપ્પા હતા અને તેમણે ૧૯૦૪માં સેંટ લુઈસ, મિસોરીમાં બાઇબલ વિદ્યાર્થીઓના મહાસંમેલનમાં બાપ્તિસ્મા લીધું, જેઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. મોટા ભાગના બાઇબલ વિદ્યાર્થીઓ પાસે વધારે પૈસા ન હોવાથી, સેન્ટ લુઈસમાં વર્લ્ડ ફેર ચાલતો હોય એ સમયે મહાસંમેલન ભરવાની ગોઠવણ કરવામાં આવતી હતી. તેથી, વર્લ્ડ ફેર દરમિયાન ખાસ ઘટાડવામાં આવેલા ટ્રેન ભાડાનો લાભ ઉઠાવીને વિદ્યાર્થીઓ મહાસંમેલનમાં જઈ શકતા હતા. પછી, ૧૯૦૭માં મારા કાકા એડોલ્ફે ન્યૂ યૉર્ક, નિગારા ફોલ્સના મહાસંમેલનમાં બાપ્તિસ્મા લીધું. મારા પપ્પા અને કાકા બાઇબલમાંથી જે સત્ય શીખ્યા હતા એનો ઉત્સાહથી પ્રચાર કરતા અને આખરે બંને પૂરા સમયના સેવકો (હવે પાયોનિયરો કહેવાય છે) બન્યા.

તેથી, ૧૯૦૭માં મારો જન્મ થયો ત્યારે અમારું કુટુંબ આત્મિક રીતે ધનવાન હતું. (નીતિવચન ૧૦:૨૨) વર્ષ ૧૯૦૮માં હું ઘણો નાનો હતો ત્યારે, મારા માબાપ, જોન અને ઈડા મને ઓહાયો, પુટ-ઈન-બે વિસ્તારમાં યોજાયેલા “વિજય તરફ” મહાસંમેલનમાં લઈ ગયા. ત્યાં પ્રવાસી નિરીક્ષક જોસેફ એફ. રધરફર્ડ મહાસંમેલનના સભાપતિ હતા. એના થોડાં સપ્તાહ પહેલાં તેમણે ઓહાયોના ડૉલ્ટન શહેરમાં અમારા કુટુંબની મુલાકાત લીધી હતી અને ત્યાંના બાઇબલ વિદ્યાર્થીઓને વાર્તાલાપ આપ્યો હતો.

જોકે, આ બધા બનાવો મને પોતાને યાદ ન હતા પરંતુ, ૧૯૧૧નું મેરીલૅન્ડ, માઉન્ટેન લેક પાર્ક નગરનું મહાસંમેલન મને હજુ યાદ છે. ત્યાં હું અને મારી નાની બહેન એસ્તર ચાર્લ્સ ટેઝ રસેલને પ્રથમ વાર મળ્યા હતા. એ વખતે તે બાઇબલ વિદ્યાર્થીઓના જગતવ્યાપી પ્રચારકાર્યની પ્રવૃત્તિની જવાબદારી સંભાળતા હતા.

જૂન ૨૮, ૧૯૧૪માં બોસ્નિયામાં આર્ચડ્યૂક ફર્ડીનાન્ડ અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે, મેં મારા કુટુંબ સાથે કોલંબસ, ઓહાયોમાં શાંતિપૂર્ણ મહાસંમેલનમાં હાજરી આપી હતી. શરૂઆતનાં વર્ષોમાં યહોવાહના લોકોના ઘણાં મહાસંમેલનોમાં હાજર રહેવાનો મને લહાવો મળ્યો હતો. કેટલાક મહાસંમેલનોમાં ફક્ત ૧૦૦ જેટલા લોકો ભેગા મળતા હતા. બીજાઓ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમોમાંના કેટલાકમાં ભેગા મળતા હતા.

યોગ્ય જગ્યાએ અમારું ઘર

લગભગ ૧૯૦૮થી ૧૯૧૮ દરમિયાન, અમે પીટ્‌સબર્ગ, પેન્સીલ્વેનિયા, અને ક્લીવલૅન્ડ, ઓહાયોની વચ્ચે ડૉલ્ટન શહેરમાં રહેતા હતા. ત્યાં અમારા ઘરે બાઇબલ વિદ્યાર્થીઓના નાના મંડળની સભાઓ ભરાતી હતી. અમારું ઘર ઘણા પ્રવાસી નિરીક્ષકોની પરોણાગત કરવાનું કેન્દ્ર બન્યું હતું. તેઓ અમારા કોઠારની પાછળ પોતાની ઘોડાગાડીઓ બાંધતા હતા અને ભેગા મળીને ઉત્તેજનકારક અનુભવો અને બીજા આત્મિક સત્યો અમને જણાવતા હતા. એ સમય કેવો ઉત્તેજનકારક હતો!

મારા પિતા શાળામાં શિક્ષક હતા, પરંતુ તેમના હૃદયમાં સૌથી મોટું શૈક્ષણિક કાર્ય ખ્રિસ્તી સેવાકાર્ય હતું. તે પોતાના કુટુંબને યહોવાહ વિષે શીખવતા હતા અને દરરોજ સાંજે અમે ભેગા મળીને કૌટુંબિક પ્રાર્થના કરતા હતા. વર્ષ ૧૯૧૯ની વસંતઋતુમાં પિતાએ ૧૭૫ યુ.એસ. ડૉલરમાં અમારી ઘોડાગાડી વેચી દીધી અને ૧૯૧૪ના મોડલની કાર લાવ્યા, જેથી અમે પ્રચાર કાર્યમાં વધારે લોકો સુધી પહોંચી શકીએ. વર્ષ ૧૯૧૯ અને ૧૯૨૨માં બાઇબલ વિદ્યાર્થીઓએ સીડાર પોઈન્ટ, ઓહાયોમાં યોજેલા ખાસ સંમેલનોમાં અમે એ કારમાં ગયા હતા.

હું, મારા માબાપ, એસ્તર અને મારો નાનો ભાઈ જોન સહિત અમારું આખું કુટુંબ જાહેર પ્રચાર પ્રવૃત્તિમાં સહભાગી થતું હતું. પ્રચારમાં પહેલી વાર ઘરમાલિકે મને બાઇબલનો એક પ્રશ્ન પૂછ્યો હતો જે હજુ પણ મને યાદ છે. એ વખતે હું લગભગ સાત વર્ષનો હતો. એ માણસે પૂછ્યું હતું, “બેટા, આર્માગેદ્દોન શું છે?” મારા પિતાની થોડી મદદ લઈને હું તેમને બાઇબલમાંથી જવાબ આપી શક્યો હતો.

પૂરા સમયનું સેવાકાર્ય સ્વીકારવું

અમારા કુટુંબે ૧૯૩૧માં કોલંબસ, ઓહાયોના સંમેલનમાં હાજરી આપી ત્યારે, અમે નવું નામ યહોવાહના સાક્ષીઓ મેળવીને ખૂબ રોમાંચિત થઈ ગયા. જોન તો એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે તેણે નક્કી ર્ક્યું કે મારે અને તેણે પાયોનિયરીંગ કાર્યમાં જોડાવું જ જોઈએ. * અમે પાયોનિયરીંગ શરૂ કર્યું, પછી મારા મમ્મી, પપ્પા અને એસ્તર પણ એમાં જોડાયા. અમારી પાસે એ કેવો ખજાનો હતો કે પરમેશ્વરના રાજ્યના સુસમાચાર જણાવવાનું આનંદી કાર્ય અમે કુટુંબ તરીકે ભેગા મળીને કર્યું! આ લહાવા માટે યહોવાહનો આભાર માનતા હું કદી થાકતો ન હતો. અમે ઘણા ખુશ હતા છતાં, આગળ અમારા માટે વધારે આનંદી અવસરો રાહ જોતા હતા.

ફેબ્રુઆરી, ૧૯૩૪માં મેં ન્યૂયૉર્ક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે (જેને બેથેલ કહેવાય છે) સેવા આપવાનું શરૂ કર્યું. જોન પણ થોડા સપ્તાહ પછી ત્યાં આવ્યો. તેણે તેની વહાલી જેસી સાથે ૧૯૫૩માં લગ્‍ન કર્યું ત્યાં સુધી, અમે બંને એક રૂમમાં સાથે રહેતા હતા.

જોન અને હું બેથેલમાં ગયા પછી, મારાં માબાપે દેશના ભિન્‍ન ભાગોમાં સેવા આપવા પાયોનિયરની સોંપણી સ્વીકારી. એસ્તર અને તેના પતિ જ્યોર્જ રેડ પણ તેઓ સાથે જોડાયા. અમારા માબાપે ૧૯૬૩માં પાર્થિવ જીવન પૂરું કર્યું ત્યાં સુધી પાયોનિયરીંગ કાર્ય ચાલુ રાખ્યું હતું. એસ્તર અને તેના પતિએ પોતાનું કુટુંબ વધાર્યું અને હું ઘણા ભત્રીજા અને ભત્રીજીઓથી આશીર્વાદિત થયો જેઓને હું ખૂબ પ્રેમ કરું છું.

બેથેલમાં સેવાકાર્ય અને સંગત

જોને બેથેલમાં પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કર્યો. તે સહેલાઈથી સાથે લઈ જવાય એવા નાના ગ્રામોફોન બનાવવાના પ્રોજેક્ટમાં બેથેલના બીજા ભાઈઓ સાથે કામ કરતો હતો. હજારો યહોવાહના સાક્ષીઓએ પોતાના ઘર-ઘરના સેવાકાર્યમાં એનો ઉપયોગ કર્યો હતો. જોન, લવાજમ ધારકોને મોકલવામાં આવતાં સામયિકો પર તેઓના સરનામાના લેબલવાળા કાગળ વીંટાળવા જે મશીનનો ઉપયોગ થતો એની ડિઝાઇન રચવામાં અને એ મશીન બનાવવામાં મદદ કરતો હતો.

મેં મારી બેથેલ સેવા પુસ્તકો બાંધવાના બાઇન્ડિંગ વિભાગથી શરૂ કરી હતી. એ સમયે ફૅક્ટરીમાં કામ કરતા યુવાનો હજુ પણ બેથેલમાં વફાદારીથી સેવા કરે છે. એમાં કેરી બાર્બર અને રોબર્ટ હાટ્‌સફેલ્ટનો પણ સમાવેશ થાય છે. તેઓની સાથે મને બીજા વહાલા ભાઈઓ પણ યાદ છે જેઓ મૃત્યુ પામ્યા છે, જેમ કે નાથાન નૉર, કાર્લ કેલિન, લેમન સ્વિંગ્લ, કાલુસ જેનસન, ગ્રાન્ટ સૂઈટર, જ્યોર્જ ગાનગેસ, ઑરેન હિબબાર્ડ, જોન સીઑરસ, રોબર્ટ પેન, ચાર્લ્સ ફેકેલ, બૅનો બ્રુઝક અને જોન પેરી. તેઓ વર્ષોથી વફાદારીપૂર્વક કામ કરતા હતા. તેઓએ ક્યારેય ફરિયાદ કરી ન હતી અને ક્યારેય “ઊંચા હોદ્દા” માટે આશા રાખી ન હતી. સંગઠનમાં વૃદ્ધિ થઈ તેમ, તેઓમાંથી કેટલાક વફાદાર અભિષિક્ત ખ્રિસ્તીઓને વધારે જવાબદારીઓ આપવામાં આવી. કેટલાકે યહોવાહના સાક્ષીઓમાં નિયામક જૂથના સભ્ય તરીકે પણ સેવા આપી.

આ આત્મત્યાગી વલણવાળા ભાઈઓ સાથે કામ કરવાથી મને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળ્યો. દુન્યવી નોકરીમાં કર્મચારીઓને પોતાના કામ માટે પગાર આપવામાં આવે છે. એ તેઓનો બદલો છે. પરંતુ, બેથેલમાં સેવા કરવી એ આત્મિક રીતે સમૃદ્ધ થવાનો લહાવો છે અને ફક્ત આત્મિક વ્યક્તિઓ જ આવા બદલાની કદર કરે છે.—૧ કોરીંથી ૨:૬-૧૬.

ભાઈ નાથાન નૉર ૧૯૨૩માં યુવાન વયે બેથેલમાં આવ્યા હતા અને ૧૯૩૨થી તે ફૅક્ટરીના નિરીક્ષક હતા. તે દરરોજ ફૅક્ટરીમાં એક આંટો મારીને કામ કરતા દરેકને વ્યક્તિગત રીતે મળતા હતા. તે દરેક વ્યક્તિમાં અંગત રસ ધરાવતા હોવાથી, અમારા જેવા બેથેલમાં નવા આવનાર તેમની કદર કરતા હતા. વર્ષ ૧૯૩૬માં અમે જર્મની પાસેથી નવું પ્રિન્ટિંગ પ્રેસ મેળવ્યું અને અમુક યુવાન ભાઈઓએ એને ગોઠવવા માટે ખૂબ મહેનત કરી હતી. તેથી, ભાઈઓ એ મશીન બરાબર ચલાવતા શીખી ન જાય ત્યાં સુધી, ભાઈ નૉરે એક મહિના સુધી વર્કડ્રેસ પહેરીને તેઓ સાથે કામ કર્યું હતું.

ભાઈ નૉર એટલા બધા મહેનતુ હતા કે અમે તેમની જેમ ખંતથી કામ કરી શકતા ન હતા. વળી, ભાઈ નૉર મનોરંજન કઈ રીતે કરવું એ પણ જાણતા હતા. જાન્યુઆરી ૧૯૪૨માં યહોવાહના સાક્ષીઓના જગતવ્યાપી પ્રચાર કાર્યની પ્રવૃત્તિ સંભાળવાની તેમને જવાબદારી મળી ત્યાર પછી પણ, તે અમુક સમયે બેથેલ કુટુંબના સભ્યો સાથે અને ગિલયડ મિશનરિ શાળાના વિદ્યાર્થીઓ સાથે ન્યૂયૉર્કમાં દક્ષિણ લેંસિંગ નજીકના મેદાનમાં બેઝબૉલ રમતા હતા.

એપ્રિલ ૧૯૫૦માં બેથેલ કુટુંબ દસ માળની નવી બંધાયેલી ઇમારતમાં રહેવા ગયું. અમારા રહેઠાણની એ ઇમારત ૧૨૪, કોલંબિયા હાઇટ્‌સ, બ્રુકલિન, ન્યૂયૉર્કમાં હતી. નવા ડાઇનિંગ હોલમાં અમે સર્વ સાથે બેસીને ખાઈ શકીએ એવી સગવડ હતી. લગભગ ત્રણ વર્ષ સુધી અહીં બાંધકામ ચાલતું હોવાથી, અમે મોર્નિંગ વર્શિપ પ્રોગ્રામ કરી શકતા ન હતા. એ પ્રોગ્રામ ફરીથી શરૂ થયો એ કેવો ખુશીનો સમય હતો! બેથેલમાં આવતા નવા સભ્યોના નામ યાદ રાખવા હું મદદ કરી શકું એ માટે, ભાઈ નૉરે મને ચેરમેન ટેબલ પર પોતાની સાથે બેઠક ફાળવી આપી. મોર્નિંગ વર્શિપ અને નાસ્તા માટે ૫૦ વર્ષ સુધી હું એ જ જગ્યાએ બેસતો હતો. ઑગસ્ટ ૪, ૨૦૦૦માં આ ડાઇનિંગ હૉલ બંધ થયા પછી, મને નવીનીકરણ કરેલા ડાઇનિંગ હૉલમાં નવી બેઠક ફાળવી આપવામાં આવી જે પહેલાં ટાવર હોટલ હતી.

પછી, ૧૯૫૦ના દાયકામાં થોડા સમય માટે મેં ફૅક્ટરીમાં લાઈનોટાઈપ મશીન પર કામ કર્યું, ત્યાં હું છાપખાના માટેની પ્લેટોમાં અક્ષરો ગોઠવવાનું કામ કરતો હતો. એ કામ મને ગમતું ન હતું તોપણ, એ મશીનની દેખરેખ રાખતા ભાઈ વિલિયમ પીટરસન મારી સાથે એટલું સારું રાખતા કે મેં ત્યાં કામ કરવામાં પણ આનંદ માણ્યો. પછી, ૧૯૬૦માં ૧૦૭, કોલંબિયા હાઇટ્‌સની નવી ઇમારતનું રંગકામ કરવા માટે સ્વયંસેવકોની જરૂર હતી. અમારા વધતા જતા બેથેલ કુટુંબ માટે આ નવી ઇમારતને તૈયાર કરવા મેં સ્વેચ્છાએ મારું નામ આપ્યું.

કોલંબિયા હાઇટ્‌સ, ૧૦૭ની નવી ઇમારતના રંગકામમાં મદદ કરવાને થોડા જ દિવસો થયા હતા ત્યાં જ, મને બેથેલમાં મુલાકાતીઓને આવકારવાની નવી સોંપણી મળી. છેલ્લા ૪૦ વર્ષોથી હું રિસેપ્શનીસ્ટ તરીકે સેવા આપું છું જે મેં બેથેલમાં ગાળેલાં વર્ષોમાં સૌથી અદ્‍ભુત છે. મુલાકાતી હોય કે બેથેલના નવા સભ્યો હોય, તેઓ ત્યાં જ આવતા અને રાજ્યના વધારામાં અમારા પ્રયત્નોનું પરિણામ જોવું સાચે જ રોમાંચક હતું.

બાઇબલના ખંતીલા વિદ્યાર્થીઓ

અમારું બેથેલ કુટુંબ આત્મિક રીતે સમૃદ્ધ હતું, કેમ કે એના સભ્યો બાઇબલને ચાહતા હતા. હું બેથેલમાં આવ્યો ત્યારે, પ્રૂફરીડર તરીકે કામ કરતી ઈમા હામીલ્ટનને મેં પૂછ્યું કે તેણે કેટલી વાર બાઇબલ વાંચ્યું છે. તેણે જવાબ આપ્યો, “પાંત્રીસ વાર, અને પછી મેં ગણવાનું બંધ કરી દીધું.” બીજા એક દૃઢ ખ્રિસ્તી, ઍન્ટોન કૉરેબેર પણ એ સમયે બેથેલમાં સેવા કરતા હતા, તે હંમેશા કહેતા: “બાઇબલનો હંમેશા ઉપયોગ કરો.”

વર્ષ ૧૯૧૬માં ભાઈ રસેલના મૃત્યુ પછી, તેમણે સોંપેલી સંગઠનની જવાબદારીને ભાઈ જોસેફ એફ. રધરફર્ડે ઉપાડી લીધી. રધરફર્ડ અસરકારક અને અનુભવી વક્તા હતા, તેમણે યહોવાહના સાક્ષીઓના કેસ માટે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં એક વકીલ તરીકે જોરદાર દલીલો કરી હતી. વર્ષ ૧૯૪૨માં રધરફર્ડના મૃત્યુ પછી ભાઈ નૉરે તેમની જગ્યા લીધી. જાહેરમાં બોલવા માટેની ક્ષમતા વિકસાવવા તેમણે ઘણી મહેનત કરી હતી. હું તેમના રૂમની બાજુમાં રહેતો હોવાથી, મેં ઘણી વાર તેમને વાર્તાલાપનો મહાવરો કરતા સાંભળ્યા હતા. આવા ખંતીલા પ્રયત્નોને કારણે સમય જતા તે એક સારા જાહેર વક્તા બન્યા.

ફેબ્રુઆરી ૧૯૪૨માં બેથેલના સર્વ ભાઈબહેનો શીખવવાની અને બોલવાની પોતાની ક્ષમતામાં સુધારો કરી શકે એ માટે મદદ કરવા ભાઈ નૉરે શાળાના કાર્યક્રમની સ્થાપના કરી. શાળા બાઇબલ સંશોધન અને જાહેરમાં બોલવા પર પ્રકાશ ફેંકતી હતી. એની શરૂઆતમાં, દરેકને બાઇબલના પાત્ર પર નાનો વાર્તાલાપ આપવાની સોંપણી કરવામાં આવતી. મારો પ્રથમ વાર્તાલાપ મુસા વિષે હતો. વર્ષ ૧૯૪૩માં આવી જ શાળાની શરૂઆત યહોવાહના સાક્ષીઓનાં મંડળોમાં પણ થઈ અને આજે પણ ચાલી રહી છે. બેથેલમાં હજુ પણ બાઇબલ જ્ઞાન મેળવવા અને અસરકારક શૈક્ષણિક રીતોને કેળવવા પર ભાર મૂકવામાં આવે છે.

ફેબ્રુઆરી ૧૯૪૩માં ગિલયડ મિશનરિ શાળાના પ્રથમ વર્ગની શરૂઆત થઈ. હમણાં ગિલયડનો ૧૧૧મો વર્ગ સ્નાતક થયો! અઠ્ઠાવન કરતાં પણ વધારે વર્ષોથી આ શાળાએ ૭,૦૦૦ કરતાં વધારે વ્યક્તિઓને જગતમાં મિશનરિ તરીકે સેવા કરવાની તાલીમ આપી છે. નોંધપાત્રપણે, ૧૯૪૩માં શાળાની શરૂઆત થઈ ત્યારે જગતભરમાં ફક્ત ૧,૦૦,૦૦૦ યહોવાહના સાક્ષીઓ હતા. હવે ૬૦ લાખ કરતાં વધારે લોકો છે જેઓ પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવામાં સહભાગી થાય છે.

મારા આત્મિક વારસાની કદર

ગિલયડ શાળાની સ્થાપના કરવામાં આવી એ પહેલાં, બેથેલમાંથી અમને ત્રણ વ્યક્તિઓને અમેરિકાના દરેક મંડળની મુલાકાત લેવાની સોંપણી કરવામાં આવી. ત્યાં અમે એક દિવસ, બે-ત્રણ દિવસ અથવા એક સપ્તાહ પણ રહીને મંડળોને આત્મિક રીતે દૃઢ કરવાનો પ્રયત્ન કરતા હતા. અમને ભાઈઓના સેવક કહેવામાં આવતા જેને પછીથી સરકીટ સેવક અથવા સરકીટ નિરીક્ષક નામ આપવામાં આવ્યું. તેમ છતાં, ગિલયડ શાળાની શરૂઆત થયા પછી મને ત્યાં પાછા જઈને અમુક અભ્યાસક્રમ શીખવવાનું કહેવામાં આવ્યું. મેં બેથી પાંચના વર્ગોમાં નિયમિત રીતે શિક્ષક તરીકે સેવા આપી અને હું નિયમિત શિક્ષકની અવેજીમાં હોવાથી ૧૪માં વર્ગને પણ શીખવ્યું. હું વિદ્યાર્થીઓ સમક્ષ યહોવાહના સંગઠનના આધુનિક દિવસના ઇતિહાસની શરૂઆતના નોંધપાત્ર બનાવોની સમીક્ષા કરતો હતો. એમાં મેં મારા ઘણા વ્યક્તિગત અનુભવોની પણ સમીક્ષા કરી હોવાથી, હું મારા સમૃદ્ધ આત્મિક વારસાની વધારે કદર કરવા પ્રેરાયો.

આટલાં વર્ષોમાં યહોવાહના લોકોના આંતરરાષ્ટ્રીય મહાસંમેલનોમાં હાજરી આપવાના બીજા એક લહાવાનો પણ મેં આનંદ માણ્યો છે. વર્ષ ૧૯૬૩માં મેં ૫૦૦ કરતાં પણ વધારે પ્રતિનિધિઓ સાથે જગત ફરતે “સનાતન સુવાર્તા” મહાસંમેલનોમાં જવા માટે મુસાફરી કરી હતી. વર્ષ ૧૯૮૯માં પોલૅન્ડ, વૉર્સોમાં; ૧૯૯૦માં બર્લિન, જર્મનીમાં; અને ૧૯૯૩માં મૉસ્કો, રશિયામાં ભરાયેલા મહાસંમેલનમાં પણ હું ગયો હતો. દરેક મહાસંમેલનમાં મને આપણા અમુક એવા ભાઈબહેનોને મળવાની તક મળી કે જેઓએ નાઝી શાસન અને સામ્યવાદી શાસન અથવા બંનેમાં દાયકાઓથી સતાવણી સહન કરી હતી. એ કેવા વિશ્વાસ દૃઢ કરનારા અનુભવો હતા!

યહોવાહની સેવામાં ખરેખર મારું જીવન સમૃદ્ધ છે! આત્મિક આશીર્વાદોની જોગવાઈનો ક્યારેય અંત આવતો નથી. ભૌતિક સંપત્તિથી તદ્‍ન ભિન્‍ન, આપણે આ કીમતી બાબતોમાં જેટલા વધારે સહભાગી થઈશું એટલી આપણી સંપત્તિમાં વધારો થશે. અમુક સમયે મને યુવાનો તરફથી સાંભળવા મળતું કે તેઓ પોતે પરમેશ્વરના સંગઠનની બહાર ઊછર્યા હોત અને દુન્યવી જીવનનો અનુભવ કરીને સત્યમાં આવ્યા હોત તો બાઇબલ સત્યની વધારે કદર બતાવી શકત.

યુવાનો જ્યારે આવું કહેતા ત્યારે મને હંમેશા દુઃખ થતું, કેમ કે તેઓ ખરેખર એમ કહેતા હતા કે યહોવાહના જ્ઞાનમાં ઉછેર નહિ થવો એ સૌથી સારું છે. તોપણ, એ લોકોનો વિચાર કરો કે જેઓએ બાઇબલ સત્ય મેળવ્યા પછી જીવનમાં પોતાની સર્વ ખરાબ આદતો અને ભ્રષ્ટ વિચારો છોડવાના હોય છે. મારા માબાપે પોતાના ત્રણેવ બાળકોનો ન્યાયીપણાના માર્ગમાં ઉછેર કર્યો હોવાથી હું હંમેશા તેઓનો આભાર માનું છું. જોન ૧૯૮૦માં મૃત્યુ પામ્યો ત્યાં સુધી યહોવાહનો વફાદાર સેવક હતો અને એસ્તર આજે પણ એક વફાદાર સાક્ષી છે.

આજે પણ હું ઘણા વફાદાર ખ્રિસ્તી ભાઈબહેનોને યાદ કરું છું કે જેઓ સાથે મેં સારી મિત્રતાનો આનંદ માણ્યો હતો. મેં બેથેલમાં હવે ૬૭ વર્ષ પસાર કર્યા છે. મેં લગ્‍ન કર્યા નથી છતાં, મારે ઘણા આત્મિક દીકરા-દીકરીઓ તેમ જ પૌત્ર-પૌત્રીઓ છે. જગતવ્યાપી આત્મિક કુટુંબના સર્વ વહાલા નવા સભ્યોને હજુ પણ હું મળું છું એનો વિચાર કરીને હું આનંદ માણું છું કેમ કે તેઓ દરેક કીમતી છે. “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે,” આ શબ્દો કેટલા સાચા છે!—નીતિવચન ૧૦:૨૨.

[ફુટનોટ]

^ મારું બાપ્તિસ્મા માર્ચ ૮, ૧૯૩૨માં થયું. મારે પાયોનિયરીંગ કરવું જ જોઈએ એવો નિર્ણય લીધા પછી હું બાપ્તિસ્મા પામ્યો.

[પાન ૨૦ પર ચિત્ર]

ડાબેથી જમણી બાજુ: મારો ભાઈ જોન મારા પપ્પાની ગોદમાં, એસ્તર, હું અને મારા મમ્મી

[પાન ૨૩ પર ચિત્રો]

વર્ષ ૧૯૪૫માં ગિલયડ શાળામાં શીખવતી વખતે

જમણી બાજુ ઉપર: ગિલયડ શાળાના શિક્ષક ઇડ્યુરડો કેલર, ફ્રીડ ફ્રાન્ઝ, હું અને આલ્બર્ટ શ્રોડર

[પાન ૨૪ પર ચિત્ર]

યહોવાહની સેવામાં મારા સમૃદ્ધ જીવન પર વિચાર કરતા