સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ તારણ આપે છે—કઈ રીતે?

ઈસુ તારણ આપે છે—કઈ રીતે?

ઈસુ તારણ આપે છે—કઈ રીતે?

“ઈસુ તારણ આપે છે!” “ઈસુ આપણા તારણહાર છે!” આવા સંદેશાઓ, જગતના ઘણા દેશોમાં ઇમારતોની દીવાલો પર અને બીજાં જાહેર સ્થળોએ જોવા મળે છે. કરોડો લોકો ખરેખર માને છે કે ઈસુ તેમના તારણહાર છે. જો તમે તેઓને પૂછો કે “કઈ રીતે ઈસુ આપણા તારણહાર છે?” તો તેઓ જવાબ આપશે, “ઈસુ આપણા માટે મરણ પામ્યા,” અથવા “ઈસુ આપણાં પાપો માટે મરણ પામ્યા.” હા, ઈસુના મરણ દ્વારા આપણા માટે તારણ શક્ય બન્યું છે. પરંતુ, કઈ રીતે એક માણસનું મરણ અસંખ્ય પાપની કિંમત ચૂકવી શકે? જો તમને પૂછવામાં આવે કે “કઈ રીતે ઈસુનું મરણ આપણને તારણ આપી શકે?” તો, તમે કેવો જવાબ આપશો?

બાઇબલમાં આનો સરળ, પરંતુ સ્પષ્ટ અને અર્થપૂર્ણ જવાબ આપવામાં આવ્યો છે. તેમ છતાં, એનું મહત્ત્વ સમજવા આપણે સૌ પ્રથમ, ઈસુના જીવન અને મરણને મુશ્કેલ સમસ્યાના હલ તરીકે જોવાની જરૂર છે. ફક્ત એનાથી આપણે ઈસુના મરણનું યોગ્ય મૂલ્યાંકન સમજી શકીશું.

આદમે પાપ કર્યું ત્યારે, પરમેશ્વરે ઈસુના જીવનનું બલિદાન આપીને પરિસ્થિતિને હાથ ધરી. એ પાપ કેવું ભયંકર હતું! પ્રથમ પુરુષ અને તેની પત્ની હવા સંપૂર્ણ હતા. સુંદર એદન બાગ તેમનું ઘર હતું. પરમેશ્વરે તેઓને પોતાના એ ઘરની કાળજી રાખવાનું અર્થપૂર્ણ કાર્ય સોંપ્યું હતું. તેઓએ પૃથ્વી પરના બીજાં જીવંત પ્રાણીઓની પણ કાળજી રાખવાની હતી. તેઓએ આખી પૃથ્વીને માનવોથી ભરી દઈને, પૃથ્વી પર પારાદેશને વિસ્તારવાનો હતો. (ઉત્પત્તિ ૧:૨૮) તેઓને કેવું આનંદી અને રોમાંચક કાર્ય સોંપવામાં આવ્યું હતું! વધુમાં, તેઓને એકબીજાની પ્રેમાળ સંગત હતી. (ઉત્પત્તિ ૨:૧૮) તેઓમાં કંઈ ખામી ન હતી. તેઓ સામે સુખી અનંતજીવન હતું.

તેથી, આદમ અને હવાએ કઈ રીતે પાપ કર્યું એ વિચારવું બહુ મુશ્કેલ લાગી શકે. પરંતુ, પ્રથમ માનવ યુગલે પોતાના ઉત્પન્‍નકર્તા, યહોવાહ પરમેશ્વરની વિરુદ્ધ બળવો પોકાર્યો. આત્મિક પ્રાણી શેતાન, ડેવિલે સાપનો ઉપયોગ કરીને યહોવાહને અનાજ્ઞાધિન રહેવા હવાને છેતરી અને આદમે હવાની જેમ જ કર્યું.—ઉત્પત્તિ ૩:૧-૬.

તેથી, ઉત્પન્‍નકર્તા હવે આદમ અને હવાને જે કરવાના હતા એ વિષે કોઈ શંકા જ ન હતી. કેમ કે તેમણે આજ્ઞા નહિ પાળવાના પરિણામ વિષે અગાઉથી સ્પષ્ટપણે જણાવ્યું હતું: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમકે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) તેથી, હવે એક સૌથી મહત્ત્વના પ્રશ્નનો જવાબ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.

માનવજાત મુશ્કેલ સમસ્યાનો સામનો કરે છે

મૂળ પાપે માનવજાત માટે ઘણી મુશ્કેલ સમસ્યાઓ ઊભી કરી. આદમે સંપૂર્ણ માણસ તરીકે જીવનની શરૂઆત કરી હતી. તેથી, તેનાં બાળકો સંપૂર્ણ રીતે અનંતજીવનનો આનંદ માણી શક્યા હોત. તેમ છતાં, આદમે એક પણ બાળકના પિતા થયા પહેલાં પાપ કર્યું. આદમને સજા જાહેર કરવામાં આવી ત્યારે તેનામાં સંતાન ઉત્પન્‍ન કરવાની ક્ષમતા હતી: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમકે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) આદમે પાપ કર્યું અને પરમેશ્વરે કહ્યું હતું એ પ્રમાણે તે ધીરે ધીરે મરણના મોંમાં જવા માંડ્યો, ત્યારે તેની સાથે સર્વ માણસજાતને પણ મરણની સજા થઈ.

યોગ્યપણે જ, પ્રેષિત પાઊલે પછીથી લખ્યું: “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમી ૫:૧૨) હા, આદમનાં બાળકો માટે અંત વિનાનું જે સંપૂર્ણ જીવન આગળ રહેલું હતું એને બદલે, હવે મૂળ પાપને કારણે તેઓનું ભવિષ્ય બીમારી, વૃદ્ધાવસ્થા અને મરણથી ભરેલું હતું.

કોઈક કહી શકે, “આ ન્યાય નથી. કેમ કે આદમની જેમ અમે પરમેશ્વરની આજ્ઞાને અનાજ્ઞાધીન રહેવાનું પસંદ કર્યું નથી. તો પછી, શા માટે અમારે અનંતજીવન અને સુખી ભાવિ ગુમાવવું જોઈએ?” આપણે જાણીએ છીએ કે પિતાએ કારની ચોરી કરી હોય અને અદાલત એની સજા પુત્રને કરે તો પુત્ર ફરિયાદ કરી શકે, “આ કંઈ ન્યાય નથી! મેં તો કંઈ ખોટું કર્યું નથી.”—પુનર્નિયમ ૨૪:૧૬.

પ્રથમ પુરુષ અને સ્ત્રીને પાપ કરવા છેતરીને શેતાનને એવું લાગ્યું હશે કે એનાથી પરમેશ્વર ગૂંચવણમાં મૂકાશે. માનવજાતિના ઇતિહાસની શરૂઆતમાં, એટલે કે એક પણ બાળકનો જન્મ થયા પહેલાં શેતાને હુમલો કર્યો હતો. આદમે પાપ કર્યું એ જ ક્ષણે મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો કે આદમ અને હવાનાં બાળકો વિષે યહોવાહ શું કરશે?

યહોવાહ પરમેશ્વરે જે ન્યાયી હતું એ જ કર્યું. ન્યાયી માણસ એલીહુએ જાહેર કર્યું કે, “દુષ્ટતા કરવી એ ઈશ્વરથી અળગું રહો; અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાઓ.” (અયૂબ ૩૪:૧૦) યહોવાહ વિષે પ્રબોધક મુસાએ પણ લખ્યું: “તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે; કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) આદમના પાપે સમસ્યા ઊભી કરી, પરંતુ સાચા પરમેશ્વરે એના ઉકેલની જોગવાઈ કરી હોવાથી પારાદેશ પૃથ્વી પર અનંતજીવનની આપણી આશા કોઈ છીનવી શકશે નહિ.

પરમેશ્વર એક સંપૂર્ણ ઉકેલની જોગવાઈ કરે છે

શેતાનને સજા જાહેર કરતી વખતે, પરમેશ્વરે માણસજાત માટે જે ઉકેલની જોગવાઈ કરી એનો વિચાર કરો. યહોવાહે શેતાનને કહ્યું: “તારી ને સ્ત્રીની [પરમેશ્વરના સ્વર્ગીય સંગઠન] વચ્ચે, તથા તારાં સંતાનની [શેતાનના નિયંત્રણ હેઠળનું જગત] ને તેનાં સંતાનની [ઈસુ ખ્રિસ્ત] વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં [શેતાનનું] માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે [ઈસુનું મરણ].” (ઉત્પત્તિ ૩:૧૫) બાઇબલની આ પ્રથમ ભવિષ્યવાણીમાં યહોવાહે જણાવેલા પોતાના હેતુમાં પોતાના આત્મિક દીકરાનો ઉલ્લેખ કર્યો, જે પૃથ્વી પર આવીને નિષ્પાપ સ્થિતિમાં સંપૂર્ણ માણસ ઈસુ તરીકે જીવવાના હતા અને મૃત્યુ પામવાના હતા અથવા તેમની એડીને છૂંદવામાં આવવાની હતી.

શા માટે પરમેશ્વરને સંપૂર્ણ માણસના મરણની જરૂર હતી? આદમ પાપ કરે તો તેના માટે યહોવાહે શું સજા રાખી હતી? શું એ સજા મરણ ન હતી? (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) પ્રેષિત પાઊલે લખ્યું, “પાપનો મૂસારો મરણ છે.” (રૂમી ૬:૨૩) આદમે પોતાના મરણથી પોતાના પાપની કિંમત ચૂકવી હતી. તેને જીવન આપવામાં આવ્યું હતું, પરંતુ તેણે પાપની પસંદગી કરી અને તે પોતાના પાપને લીધે મરણ પામ્યો. (ઉત્પત્તિ ૩:૧૯) તો પછી, એ પાપને કારણે શા માટે આખી માનવજાતિ સજા ભોગવે? તેઓના પાપના પ્રાયશ્ચિત્તમાં મરણ જરૂરી હતું. પરંતુ, કોનું મરણ આખી માનવજાતિના અપરાધને ઢાંકી શકે?

પ્રાચીન ઈસ્રાએલ પ્રજા માટે પરમેશ્વરના નિયમમાં “જીવને બદલે જીવ” આપવો જરૂરી હતો. (નિર્ગમન ૨૧:૨૩) આ સિદ્ધાંત પ્રમાણે આખી માનવજાતના પાપને ઢાંકી દેતા મરણનું મૂલ્ય, આદમે ગુમાવેલા મરણ જેટલું જ હોવું જોઈએ. ફક્ત બીજા સંપૂર્ણ માણસનું મરણ જ પાપની કિંમત ચૂકવી શકે. ઈસુ સંપૂર્ણ માણસ હતા. ખરેખર, આદમના સર્વ વંશજોને મરણમાંથી છુટકારો અપાવવા માટે ઈસુએ “ઉદ્ધારને સારૂ પોતાનું સ્વાર્પણ” કર્યું.—૧ તીમોથી ૨:૬; રૂમી ૫:૧૬, ૧૭.

ઈસુના બલિદાનનું મહાન મૂલ્ય

આદમના મરણનું કંઈ મૂલ્ય ન હતું; તે પોતાના પાપને લીધે મરણ પામ્યો. તેમ છતાં, ઈસુનું મરણ બહુ મૂલ્યવાન છે કેમ કે તે નિષ્પાપ મરણ પામ્યા. પાપી આદમના આજ્ઞાંકિત વંશજો માટે યહોવાહે ઈસુના સંપૂર્ણ જીવનને ખંડણી તરીકે સ્વીકાર્યું. ઈસુનું મૂલ્યવાન બલિદાન ફક્ત ભૂતકાળનાં આપણાં પાપોની જ કિંમત ચૂકવતું ન હતું. એમ હોત તો, આપણું કોઈ ભવિષ્ય જ ન હોત. કેમ કે આપણે પાપી જન્મ્યા હોવાથી ફરીથી ભૂલ કરવાના છીએ. (ગીતશાસ્ત્ર ૫૧:૫) તેથી, આપણે કેટલા આભારી છીએ કે ઈસુના મરણે આપણા માટે સંપૂર્ણતા મેળવવાની જોગવાઈ કરી છે, જે આદમ અને હવાના વંશજો માટે યહોવાહનો મૂળ હેતુ હતો!

આદમને એવા પિતા સાથે સરખાવી શકાય કે જે મૃત્યુ પછી આપણા માટે એવું નાણાંકીય દેવું (પાપ) મૂકી જાય છે જેમાંથી શક્યપણે બહાર નીકળવાનો કોઈ જ માર્ગ ન મળી શકે. બીજી બાજુ, ઈસુ એક એવા સારા પિતા છે જે પોતાના મરણ પછી આપણા માટે એવો વારસો છોડે છે, જે આદમે આપણને આપેલા દેવામાંથી ફક્ત મુક્ત જ નથી કરતો પરંતુ આપણે અનંતકાળ સુધી જીવીએ એની પણ જોગવાઈ કરે છે. ઈસુનું મરણ ફક્ત ભૂતકાળનાં પાપોને જ કાઢી નાખતું નથી; એ આપણા ભવિષ્ય માટે અદ્‍ભુત જોગવાઈ પણ કરે છે.

ઈસુ આપણા માટે મરણ પામ્યા હોવાથી તે તારણ આપે છે. તેમનું મરણ એ કેવી મૂલ્યવાન જોગવાઈ છે! આપણે એને આદમના પાપની જટિલ સમસ્યા માટે પરમેશ્વરના ઉકેલ તરીકે જોઈએ છીએ ત્યારે, યહોવાહમાં અને તે જે રીતે બાબતો હાથ ધરે છે એમાં આપણો વિશ્વાસ દૃઢ થાય છે. હા, ઈસુના મરણનો અર્થ, તેમના પર ‘વિશ્વાસ કરનારને’ પાપ, બીમારી, વૃદ્ધાવસ્થા અને મરણમાંથી છુટકારો મળવો થાય છે. (યોહાન ૩:૧૬) આપણા તારણ માટે પરમેશ્વરે જે પ્રેમાળ જોગવાઈ કરી છે એ માટે શું તમે આભારી છો?

[પાન ૫ પર ચિત્ર]

આદમ માનવજાતિ પર પાપ અને મરણ લાવ્યો

[પાન ૬ પર ચિત્ર]

યહોવાહે સંપૂર્ણ ઉકેલની જોગવાઈ કરી