સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ

જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ

જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ

શું તમે દેવનો ભય રાખનાર નુહ વિષે સાંભળ્યું છે કે જેમણે ગોળાવ્યાપી પૂર દરમિયાન જીવન બચાવનારું વહાણ બાંધ્યું હતું? આ અહેવાલ પ્રાચીન હોવા છતાં ઘણા લોકો એને જાણે છે. તેમ છતાં, ઘણા લોકોને ખબર નથી કે નુહ જે જીવન જીવ્યા એનો આપણા સર્વ માટે અર્થ રહેલો છે.

શા માટે આપણને આ હજારો વર્ષ જૂના અહેવાલમાં રસ હોવો જોઈએ? શું નુહની પરિસ્થિતિ અને આપણી પરિસ્થિતિમાં કંઈ સરખાપણું છે? જો હોય તો, આપણે કઈ રીતે તેમના ઉદાહરણમાંથી લાભ મેળવી શકીએ?

નુહના સમયનું જગત

બાઇબલના કાળક્રમ પ્રમાણે, નુહનો જન્મ આદમના મરણના ૧૨૬ વર્ષ પછી, એટલે કે ૨૯૭૦ બી.સી.ઈ.માં થયો હતો. નુહના સમયમાં પૃથ્વી હિંસાથી ભરેલી હતી અને આદમના મોટા ભાગના વંશજો તેઓના પૂર્વજોના બળવાખોર ઉદાહરણને અનુસર્યા હતા. આમ, “યહોવાહે જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.”—ઉત્પત્તિ ૬:૫, ૧૧, ૧૨.

ફક્ત માનવોની બળવાખોર વર્તણૂકથી જ યહોવાહ નાખુશ થયા ન હતા. પરંતુ, ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે: “દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી. . . . તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને દેવના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, કે જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.” (ઉત્પત્તિ ૬:૨-૪) આ કલમોને પ્રેષિત પીતરના અહેવાલ સાથે સરખામણી કરવાથી જોવા મળે છે કે “દેવના દીકરાઓ” અનાજ્ઞાંકિત દૂતો હતા. દુષ્ટ દૂતો અને સ્ત્રીઓથી જન્મેલાં વર્ણશંકર સંતાનો મહાવીર કહેવાયા.—૧ પીતર ૩:૧૯, ૨૦.

‘મહાવીરનો’ અર્થ “પાડી નાખનારા” અર્થાત્‌ બીજાઓને પાડી નાખવાનું કારણ બનનાર વ્યક્તિઓને બતાવે છે. તેઓ જુલમી ગુંડાગીરી કરતા હતા અને તેઓના પિતાનાં અનૈતિક પાપોને સદોમ અને ગમોરાહની દુષ્ટતા સાથે સરખાવવામાં આવ્યાં. (યહુદા ૬, ૭) તેઓ ભેગા મળીને પૃથ્વી પરની પરિસ્થિતિને વધારે દુષ્ટ બનાવતા હતા.

“પોતાના જમાનામાં ન્યાયી તથા સીધો માણસ”

દુષ્ટતા એટલી વધી ગઈ હતી કે પરમેશ્વરે માણસજાતનો વિનાશ કરવાનો નિર્ણય લીધો. પરંતુ, પ્રેરિત અહેવાલ જણાવે છે: “નુહ યહોવાહની દૃષ્ટિમાં કૃપા પામ્યો. . . . પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નુહ દેવની સાથે ચાલતો.” (ઉત્પત્તિ ૬:૮, ૯) વિનાશને લાયક દુષ્ટ જગતમાં ‘દેવ સાથે ચાલવું’ નુહ માટે કઈ રીતે શક્ય હતું?

નિઃશંક, નુહ પોતાના પિતા લામેખ પાસેથી ઘણું બધું શીખ્યા હતા. લામેખ આદમના સમયમાં વિશ્વાસુ માણસ હતા. લામેખે પોતાના પુત્રનું નામ નુહ (જેનો અર્થ “વિસામો” અથવા “દિલાસો”) પાડતા ભવિષ્યવાણી કરી: “જે ભૂમિને યહોવાહે શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એજ અમને દિલાસો આપશે.” પરમેશ્વરે ભૂમિ માટેના પોતાના શાપને દૂર કર્યો ત્યારે એ ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ.—ઉત્પત્તિ ૫:૨૯; ૮:૨૧.

માબાપ પરમેશ્વરનો ભય રાખનારા હોય તો, બાળકો પણ આત્મિક વ્યક્તિઓ જ બનશે એની કોઈ ખાતરી નથી. કેમ કે દરેક વ્યક્તિએ પોતે યહોવાહ સાથે વ્યક્તિગત સંબંધ બાંધવો જોઈએ. પરમેશ્વરને પસંદ હોય એવો માર્ગ અનુસરીને નુહ, ‘દેવ સાથે ચાલ્યા.’ નુહ પરમેશ્વર વિષે જે બાબતો શીખ્યા એને કારણે તેમની સેવા કરવા પ્રેરાયા. પરમેશ્વરે ‘સર્વ જીવનો પર જળપ્રલય’ લાવવાનો પોતાનો હેતુ નુહને જણાવ્યો ત્યારે, તેમનો વિશ્વાસ ડગમગી ગયો નહિ.—ઉત્પત્તિ ૬:૧૩, ૧૭.

આ અપવાદરૂપ વિનાશ આવશે એવી ખાતરી સાથે નુહે યહોવાહની આજ્ઞા પાળી: “તું પોતાને સારૂ દેવદારના લાકડાનું વહાણ બનાવ; તે વહાણમાં ઓરડી કરીને તેને માંહે તથા બહાર ડામર ચોપડ.” (ઉત્પત્તિ ૬:૧૪) વહાણ બનાવવા માટે પરમેશ્વરે જે માહિતી આપી હતી એ પ્રમાણે કરવું એ કંઈ નાનીસૂની વાત ન હતી. તોપણ, “દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” હકીકતમાં, “નુહે એમજ કર્યું.” (ઉત્પત્તિ ૬:૨૨) નુહે પોતાની પત્ની, પોતાના દીકરાઓ શેમ, હામ અને યાફેથ તથા તેઓની પત્નીઓની મદદથી એમજ કર્યું. યહોવાહે તેઓના આ વિશ્વાસને આશીર્વાદ આપ્યો. આજે કુટુંબો માટે કેવું સુંદર ઉદાહરણ!

વહાણ બનાવવામાં શાનો સમાવેશ થતો હતો? યહોવાહે નુહને પાણી અંદર ન જાય એવું ત્રણ માળનું તથા ૧૩૩ મીટર લાંબું, ૨૨ મીટર પહોળું અને ૧૩ મીટર ઊંચું એક મોટું વહાણ બનાવવાનું માર્ગદર્શન આપ્યું. (ઉત્પત્તિ ૬:૧૫, ૧૬) આ પ્રકારના વહાણની ક્ષમતા આજના દિવસના વિવિધ માલવાહક જહાજો જેટલી હતી.

કેવી મોટી જવાબદારી! દેખીતી રીતે જ એમાં, હજારો વૃક્ષોને કાપીને બાંધકામની જગ્યાએ લાવવાનો અને એને કાપીને પાટિયા કે પાટડા બનાવવાનો સમાવેશ થતો હતો. એમાં માંચડો બનાવવો, ખીલીઓ બનાવવી, પાણી વહાણમાં ન જાય માટે ડામર લાવવો, મોટાં વાસણો તથા સાધનો વગેરે બનાવવાનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યમાં વસ્તુઓ ખરીદવી, કામ કરનારાઓને મજૂરી આપવી અને વેપારીઓ સાથે વાટાઘાટો કરવાની જરૂર પડી હોય શકે. દેખીતી રીતે જ, સુથારીકામમાં નિપુણતા પણ જરૂરી હતી, જેથી ચોક્કસ જગ્યાએ પાટિયા કે થાંભલા ગોઠવીને યોગ્ય રીતે મજબૂત બાંધકામ થઈ શકે. વિચાર કરો કે આ બાંધકામ કરતા લગભગ ૫૦થી ૬૦ વર્ષ લાગ્યાં!

ત્યાર પછી, નુહે પૂરતો ખોરાક અને ઢોરઢાંખરના ઘાસચારા પર ધ્યાન આપવાનું હતું. (ઉત્પત્તિ ૬:૨૧) નુહે પ્રાણીઓને વહાણમાં ભેગાં કરવાનાં અને એના ટોળા પર નિયંત્રણ રાખવાનું હતું. નુહે દેવે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કર્યું અને કાર્ય પૂરું થયું. (ઉત્પત્તિ ૬:૨૨) તેની સફળતા પર ચોક્કસ યહોવાહનો આશીર્વાદ હતો.

“ન્યાયીપણાના ઉપદેશક”

વહાણ બાંધવા ઉપરાંત નુહે ચેતવણી આપી અને તે “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે પરમેશ્વરને વિશ્વાસુ રહ્યા. પરંતુ, “જળપ્રલય આવ્યો અને એ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી લોકોએ માન્યું જ નહિ.”—૨ પીતર ૨:૫; માત્થી ૨૪:૩૮, ૩૯, IBSI.

એ સમયની આત્મિક પરિસ્થિતિ ખરાબ હોવાથી એ સમજી શકીએ કે કઈ રીતે નુહના કુટુંબે પાડોશીઓની ઠઠ્ઠા-મશ્કરી અને બીજા લોકોના અત્યાચાર તથા અપમાનનો સામનો કર્યો હશે. લોકોને તેઓ પાગલ લાગતા હતા. તેમ છતાં, નુહ પોતાના કુટુંબને આત્મિક ઉત્તેજન અને ટેકો આપવામાં સફળ થયા, કેમ કે તેઓએ કદી પણ દુષ્ટ જગતના હિંસા, અનૈતિકતા અને બળવાખોર જેવા વલણને અપનાવ્યું ન હતું. તેમની વાણી અને કાર્યો વિશ્વાસ પ્રદર્શિત કરતા હતા અને આમ નુહે એ સમયના જગતને દોષિત ઠરાવ્યું.—હેબ્રી ૧૧:૭.

જળપ્રલયમાંથી બચવું

વરસાદ પડવાનો શરૂ થાય એના થોડા દિવસ પહેલાં પરમેશ્વરે નુહને વહાણમાં પ્રવેશવાનું કહ્યું. નુહનું કુટુંબ અને પ્રાણીઓ અંદર પ્રવેશ્યાં ત્યારે ‘યહોવાહે તેઓને તેમાં બંધ કર્યા.’ જળપ્રલય આવ્યો ત્યારે દેખીતી રીતે જ, અનાજ્ઞાધિન દૂતોએ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો અને વિનાશથી બચી ગયા. પરંતુ, બીજાઓનું શું થયું? વહાણની બહારના દરેક માનવો અને પ્રાણીઓ તથા મહાવીરોનો નાશ થયો! ફક્ત નુહ અને તેમનું કુટુંબ બચી ગયું.—ઉત્પત્તિ ૭:૧-૨૩.

નુહ અને તેમનું કુટુંબ એક ચંદ્ર વર્ષ અને દસ દિવસ વહાણમાં રહ્યા હતા. એ સમયે તેઓ પ્રાણીઓને ખોરાક-પાણી આપવામાં, કચરો સાફ કરવામાં અને સમયનું ધ્યાન રાખવામાં વ્યસ્ત હતા. જળપ્રલય વિષે ઉત્પતિ જે ચોક્કસ તારીખો આપે છે એ વહાણની ગતિની નોંધપોથી જેવી છે જે અહેવાલની ચોક્કસ માહિતી આપે છે.—ઉત્પત્તિ ૭:૧૧, ૧૭, ૨૪; ૮:૩-૧૪.

નિઃશંક, વહાણમાં નુહે પોતાના કુટુંબ સાથે આત્મિક બાબતોની ચર્ચા કરીને પરમેશ્વરનો આભાર પણ માન્યો. દેખીતી રીતે જ, નુહ અને તેમના કુટુંબને લીધે જળપ્રલય પહેલાંનો ઇતિહાસ હજુ પણ જળવાઈ રહ્યો છે. ભરોસાપાત્ર મૌખિક પ્રણાલિકાઓ અથવા ઐતિહાસિક લખાણો તેઓની પાસે હોવાથી જળપ્રલય દરમિયાન એ મનન કરવા માટે લાભદાયી માહિતી સાબિત થયું હશે.

નુહ અને તેમનું કુટુંબ ફરીથી સૂકી ભૂમિ પર આવ્યું ત્યારે કેવું ખુશ થયું હશે! સૌ પ્રથમ નુહે વેદી બાંધી અને તેઓને બચાવનારને પોતાના કુટુંબ તરફથી યાજકનું કાર્ય કરીને બલિદાનો ચઢાવ્યાં.—ઉત્પત્તિ ૮:૧૮-૨૦.

“જેમ નુહના સમયમાં થયું”

ઈસુ ખ્રિસ્તે કહ્યું: “નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.” (માત્થી ૨૪:૩૭) એવી જ રીતે, આજે ખ્રિસ્તીઓ પણ ન્યાયીપણાના ઉપદેશકો છે અને લોકોને પસ્તાવો કરવાની વિનંતી કરે છે. (૨ પીતર ૩:૫-૯) આપણે વિચારી શકીએ કે જળપ્રલય અગાઉ નુહના મનની સ્થિતિ કેવી હશે. શું તેમણે ક્યારેય અનુભવ્યું કે તેમનો પ્રચાર નિરર્થક છે? શું એ સમયે તે થાકી ગયા હતા? એ વિષે બાઇબલ કંઈ કહેતું નથી. આપણને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે નુહ પરમેશ્વરને આજ્ઞાધીન રહ્યા.

શું તમે નુહની પરિસ્થિતિને આપણી પરિસ્થિતિ સાથે સરખાવી શકો? તેમણે વિરોધ અને સતાવણીનો સામનો કર્યો હોવા છતાં તે યહોવાહને આજ્ઞાધીન રહ્યા. તેથી, યહોવાહે તેમને ન્યાયી ઠરાવ્યા. નુહનું કુટુંબ જાણતું ન હતું કે પરમેશ્વર કયા સમયે જળપ્રલય લાવવાના છે, પરંતુ તેઓ જાણતા હતા કે જળપ્રલય જરૂર આવશે. નુહને પરમેશ્વરમાં ભરોસો હોવાથી, તે મુશ્કેલીના સમયમાં અને નિરર્થક લાગતું પ્રચાર કાર્ય કરવામાં ટકી રહ્યા. ખરેખર, આપણને કહેવામાં આવ્યું: “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને [ઈશ્વરનો] ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું; તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.”—હેબ્રી ૧૧:૭.

કઈ રીતે નુહે આવો વિશ્વાસ મેળવ્યો? દેખીતી રીતે, યહોવાહ વિષે તે જે જાણતા હતા એ સર્વ બાબતો પર તેમણે મનન કર્યું અને ત્યાર પછી એ જ્ઞાન પ્રમાણે ચાલ્યા. એમાં કોઈ શંકા નથી કે નુહ પ્રાર્થના દ્વારા યહોવાહ સાથે વાત કરતા હતા. હકીકતમાં, તેમનો યહોવાહ સાથે એટલો ગાઢ સંબંધ હતો કે તે ‘દેવ સાથે ચાલ્યા.’ કુટુંબના શિર તરીકે નુહે સમય કાઢીને પોતાના ઘરનાની પ્રેમાળ કાળજી રાખી. એમાં તેમની પત્ની, ત્રણ દીકરા, તેમની પુત્રવધૂઓની આત્મિક કાળજી લેવાનો પણ સમાવેશ થતો હતો.

નુહની જેમ, આજે સાચા ખ્રિસ્તીઓ જાણે છે કે યહોવાહ જલદી જ આ દુષ્ટ વસ્તુવ્યવસ્થાનો અંત લાવશે. આપણે દિવસ અને ઘડી જાણતા નથી પરંતુ, આ ‘ન્યાયીપણાના ઉપાસકોની’ આજ્ઞાધીનતા અને વિશ્વાસને અનુસરવાનું પરિણામ ‘જીવનનો ઉદ્ધાર’ થશે એ આપણે જાણીએ છીએ.—હેબ્રી ૧૦:૩૬-૩૯.

[પાન ૨૯ પર બોક્સ]

શું એ ખરેખર બન્યું હતું?

માનવ ઉત્પત્તિનો અભ્યાસ કરનારાઓએ લગભગ સર્વ પ્રજા અને રાષ્ટ્રો પાસેથી, જળપ્રલયની લગભગ ૨૭૦ જેટલી દંતકથાઓ ભેગી કરી છે. નિષ્ણાત કાલુસ વેસ્ટરમૉન કહે છે, “જળપ્રલયનો અહેવાલ આખા જગતમાં જોવા મળે છે.” ઉત્પત્તિના અહેવાલની જેમ એ પણ આપણી સંસ્કૃતિ અને વારસાનો ભાગ છે. એ સાચે જ આશ્ચર્યકારક છે: “પૃથ્વી પર દરેક જગ્યાએ આપણને પ્રાચીન જળપ્રલયનો અહેવાલ જોવા મળે છે.” શા માટે આવી સમજણ? ટીકાકાર ઍન્રીકૉ ગાલબીઆટી કહે છે: “ભિન્‍ન અને વિસ્તૃતપણે વિખરાયેલા લોકોમાં જળપ્રલયની માહિતી જોવા મળે છે એ જ બતાવે છે કે જળપ્રલય ખરેખર થયો હતો.” તેમ છતાં, નિષ્ણાતોના અવલોકન કરતાં ખ્રિસ્તીઓ માટે સૌથી મહત્ત્વનું તો એ છે, કે ઈસુએ પોતે જળપ્રલયને માનવજાતના ઇતિહાસના એક સાચા બનાવ તરીકે રજૂ કર્યો હતો.—લુક ૧૭:૨૬, ૨૭.

[પાન ૩૦ પર બોક્સ]

પૌરાણિક કથામાં મહાવીર?

દેવો તથા માનવો અને “વીરપુરુષો” કે “અર્ધદેવ માનવો” વચ્ચેના જાતીય સંબંધની વાર્તાઓ ગ્રીસ, મિસર, યુગ્રેટીક, હુરીઅન અને મેસોપોટેમિયાની દંતકથા એમાં સામાન્ય છે. ગ્રીક દંતકથામાં દેવો ખૂબ સુંદરતા સાથે માનવોનું રૂપ ધારણ કરતા. તેઓ ખાતા, પીતા, સૂતા, જાતીય સંબંધ બાંધતા, લડાઈ-ઝગડા કરતા, છેતરતા અને બળાત્કાર પણ કરતા હતા. તેઓને પવિત્ર માનવામાં આવતા હોવા છતાં, તેઓ છેતરવામાં અને ગુનો કરવામાં કુખ્યાત હતા. અખીલસ જેવા વીરપુરુષોને દેવ અને માનવ એમ બંને કહેવામાં આવે છે. તેમાં તેઓ માનવો કરતાં વધુ ક્ષમતા હતી છતાં તેઓ અમર ન હતા. તેથી, મહાવીરો વિષે ઉત્પત્તિ જે માહિતી આપે છે એ પરથી આવી દંતકથાઓ ઉદ્‍ભવી હોય શકે.