સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કઈ રીતે ઢોંગને હાથ ધરો છો?

તમે કઈ રીતે ઢોંગને હાથ ધરો છો?

તમે કઈ રીતે ઢોંગને હાથ ધરો છો?

ગેથસેમા બાગમાં, યહુદા ઈસકારીઓત ઈસુ પાસે ગયો અને તેમને ‘ચૂમ્યો.’ આ પ્રેમાળ હેત બતાવવાની એક સામાન્ય રીત હતી. પરંતુ, યહુદાએ બતાવેલો આવો પ્રેમ એ રાત્રે ઈસુને પકડવા આવેલા લોકો માટે ઓળખચિહ્‍ન હતું. (માત્થી ૨૬:૪૮, ૪૯) યહુદા ઢોંગી હતો. ઢોંગ એટલે કે વ્યક્તિ પોતે જે નથી એ બતાવવાનો ડોળ કરે છે. એક ઢોંગી વ્યક્તિ પ્રમાણિકતાના બુરખામાં પોતાના ખોટા ઇરાદાઓને છૂપાવવાનો પ્રયત્ન કરે છે. ગ્રીક શબ્દમાંથી ભાષાંતર પામેલા “ઢોંગ” શબ્દનો અર્થ “જવાબ આપનાર વ્યક્તિ,” થાય છે તેમ જ એ નાટક ભજવનારને પણ લાગુ પડે છે. પરંતુ, સમય જતા, એ શબ્દ ફક્ત બીજાઓને છેતરવા માટે ડોળ કરનાર કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો.

તમે ઢોંગીઓ પ્રત્યે કેવું વલણ બતાવશો? દાખલા તરીકે, સિગારેટ બનાવનારાઓ, તેઓનું ઉત્પાદન તબીબી રીતે નુકસાનકારક પુરવાર થયું હોવા છતાં, ધૂમ્રપાન માટે પ્રોત્સાહન આપે છે ત્યારે, શું તમે ગુસ્સે થાવ છો? ઢોંગી સંભાળ રાખનાર, તેને કાળજી રાખવા આપેલી વસ્તુઓનો દુરુપયોગ કરે ત્યારે, શું તમે તેના પર ગુસ્સે થઈ જાવ છો? તમે ભરોસો મૂકી શકો એવો મિત્ર જૂઠો ઠરે ત્યારે, શું તમે દુઃખી થાવ છે? ધાર્મિક ઢોંગ જોઈને તમે કેવું અનુભવો છો?

“ઢોંગીઓ, તમને અફસોસ છે!”

ઈસુ પૃથ્વી પર હતા એ સમયની ધાર્મિક પરિસ્થિતિનો વિચાર કરો. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ પરમેશ્વરના નિયમના વફાદાર શિક્ષકો હોવાનો દેખાડો કરતા હતા. પરંતુ, વાસ્તવમાં તેઓ, લોકોને માનવીઓનું શિક્ષણ શીખવીને પરમેશ્વરથી દૂર લઈ જતા હતા. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ નિયમને વળગી રહેવાનું કહેતા હતા, પરંતુ, તેઓ પ્રેમ અને દયા જેવા પાયાના સિદ્ધાંતોની અવગણના કરતા હતા. જાહેરમાં તેઓ પરમેશ્વરના માર્ગમાં ચાલતા હોવાનો દેખાડો કરતા, પરંતુ ખાનગીમાં તેઓ દુષ્ટતા આચરતા હતા. તેઓ ક્યારેય પોતે આપેલા શિક્ષણ પ્રમાણે કાર્ય કરતા ન હતા. તેઓનો આ રીતે વર્તન કરવાનો હેતુ એ હતો કે “લોકો તેઓને જુએ.” તેઓને “ધોળેલી કબરના જેવા” કહેવામાં આવ્યા કે “જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માંહે મુડદાંનાં હાડકાંએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે.” હિંમતથી તેઓના ઢોંગને ખુલ્લો પાડતા ઈસુએ અવારનવાર તેઓને કહ્યું: “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે!”—માત્થી ૨૩:૫, ૧૩-૩૧.

જો તમે એ સમયમાં રહેતા હોત તો, બીજા નમ્ર હૃદયના લોકોની જેમ, તમને પણ આ પ્રકારનો ધાર્મિક ઢોંગ જોઈને ધર્મ પ્રત્યે ધૃણા થઈ હોત. (રૂમી ૨:૨૧-૨૪; ૨ પીતર ૨:૧-૩) પરંતુ, શું તમે શાસ્ત્રીઓ અને ફરોશીઓના ઢોંગને લીધે, ઈસુ અને તેમના શિષ્યોના શિક્ષણ સહિત બધા જ ધર્મો પ્રત્યે અણગમો બતાવતા હોત? શું એનાથી તમને જ ગેરલાભ ન થાત?

ધાર્મિક લોકોનો ઢોંગ જોઈને આપણામાં ધર્મ પ્રત્યે ધૃણા પેદા થઈ શકે છે. તેમ છતાં, એ ધૃણાએ આપણને સાચા ઉપાસકોની પ્રમાણિકતાને પારખતા અટકાવ્યા હોત. હકીકતમાં, ઢોંગીઓથી રક્ષણ મેળવવા ઊભી કરેલી દીવાલ આપણને આપણા સાચા મિત્રોથી અલગ પાડી દે છે. તેથી, ઢોંગીઓ પ્રત્યેનું આપણું વલણ વાજબી અને સમતોલ હોવું જોઈએ.

“સાવધાન રહો”

સૌ પ્રથમ, આપણે ઢોંગીઓને ઓળખી કાઢતા શીખવું જોઈએ. એ કંઈ સહેલી બાબત નથી. એક કુટુંબના સભ્યો, મોટી ખોટ પછી આ બાબત શીખ્યા. માતા કોમામાં હતી. તેની ખોટી સારવાર કરવાને લીધે કુટુંબે હૉસ્પિટલ પર કૉર્ટ કેસ કર્યો અને એ માટે તેઓએ એક વકીલ રોક્યો કે જે ચર્ચનો પ્રચારક હતો. હૉસ્પિટલે બાબતો થાળે પાડવા ૩૪ લાખ યુ.એસ ડૉલર ચૂકવ્યા તોપણ, કુટુંબની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. માતા અતિ ગરીબાવસ્થામાં મરણ પામી અને તેની દફનવિધિ માટે ચૂકવવાના પૈસા પણ ન હતા. શા માટે? કારણ કે વકીલે બધા પૈસા પડાવી લીધા હતા. આ વકીલ વિષે, કાયદાના સામયિકે લખ્યું: “તેણે જે પ્રકારનું વર્તન કર્યું એ પ્રમાણેનો જો પ્રચાર કર્યો હોત તો, . . . તેનો સંદેશો આ પ્રકારનો હોત: ચાલો આપણે ફસાવીએ.” આપણે એવા લોકો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકીએ?

ઈસુએ તેમના સમયના ધાર્મિક ઢોંગનો ભોગ બનેલા લોકોને સલાહ આપી કે “સાવધાન થાઓ.” (માત્થી ૧૬:૬; લુક ૧૨:૧) હા, આપણે સાવધ રહેવું જ જોઈએ. લોકો બહુ સારા હેતુઓ ધરાવવાનો અને એકદમ પ્રામાણિક હોવાનો ઢોંગ કરી શકે, પરંતુ, આપણે યોગ્ય સાવધાની રાખવી જોઈએ અને ઉપરછલ્લી બાબતોને તરત જ માની લેવી જોઈએ નહિ. જો આપણને જાણવા મળે કે બજારમાં નકલી ચલણી નોટ આવી ગઈ છે તો, શું આપણે એ બાબતમાં યોગ્ય કાળજી નહિ રાખીએ?

ઢોંગીઓ સાચાં ખ્રિસ્તી મંડળોમાં પણ જોવા મળે છે. એ વિષે ચેતવણી આપતા, શિષ્ય યાકૂબે કહ્યું: “તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનોમાં ખરાબા છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાખવામાં આવેલાં ઝાડો છે.”—યહુદા ૧૨.

તેથી, ‘સાવધાન રહેવાનો’ અર્થ એમ થાય છે કે પ્રેમાળ હોવાનો દાવો કરનારી, પરંતુ વાસ્તવમાં સ્વાર્થી હોય અને જેની માન્યતાઓ બાઇબલ આધારિત ન હોય એવી વ્યક્તિઓથી છેતરાવાનું ટાળવું. ઢોંગી વ્યક્તિઓ શાંત પાણીની સપાટી નીચે રહેલા અણીદાર ખડક જેવી હોય છે, તેઓથી સાવધ ન બનીએ તો, તેઓ આપણા આત્મિક વહાણને નુકસાન પહોંચાડી શકે છે. (૧ તીમોથી ૧:૧૯) ઢોંગીઓ આત્મિક તાજગીનાં ઘણાં વચનો આપી શકે, પરંતુ એ વરસાદ ન વરસાવતા “નિર્જળ વાદળાં” જેવાં બને છે. ફળરહિત ઝાડની જેમ, છેતરનારાઓ કોઈ પણ સાચા ખ્રિસ્તી ફળો પેદાં કરતા નથી. (માત્થી ૭:૧૫-૨૦; ગલાતી ૫:૧૯-૨૧) હા, આપણે આ પ્રકારના છેતરનારાઓથી સાવધાન રહેવાની જરૂર છે. તોપણ, એ સાવધાની આપણે બીજી વ્યક્તિઓના હેતુઓ વિષે શંકા કર્યા વગર રાખવી જોઈએ.

“કોઈને દોષિત ન ઠરાવો”

પોતાની ભૂલોને નજરઅંદાજ કરીને બીજાઓ પર આંગળી ચીંધવી અપૂર્ણ માનવીઓ માટે સહેલું છે! તેથી, આવા વલણથી આપણે ઢોંગી બનવાના જોખમમાં આવીએ છીએ. ઈસુએ કહ્યું: “ઓ ઢોંગી, પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.” આપણે આ સલાહને ધ્યાન આપી શકીએ: “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. . . . તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?”—માત્થી ૭:૧-૫.

કોઈ વખત બીજાઓ ઢોંગી લાગે એવાં કાર્યો કરતા હોય શકે ત્યારે, આપણે અધીરા બનીને તેઓને ઢોંગી તરીકેનું લેબલ ન આપવાની કાળજી રાખવી જોઈએ. દાખલા તરીકે, પ્રેષિત પીતર પણ અંત્યોખના વિદેશી અનુયાયીઓથી ‘પાછા હઠ્યા અને તેઓથી અલગ રહ્યા’ જેથી તે યરૂશાલેમથી આવેલા યહુદીઓને ખુશ કરી શકે. બાર્નાબાસ ‘પણ પીતર અને બીજાઓના ઢોંગથી ખેંચાઈ ગયા.’ પીતર ખ્રિસ્તી મંડળમાં વિદેશીઓ માટે માર્ગ ખોલવાનો લહાવો મળ્યો હતો એ તે જાણતા હતા છતાં, તેમણે એ પ્રમાણે કર્યું. (ગલાતી ૨:૧૧-૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૪-૨૮, ૩૪, ૩૫) પરંતુ, બાર્નાબાસ અને પીતરે જે ભૂલ કરી એને લીધે તેઓને શાસ્ત્રીઓ અને ફરોશીઓ કે યહુદા ઈસકારીઓત જેવા ગણવામાં આવ્યા નહિ.

“તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય”

ઈસુએ સલાહ આપી, “તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ.” (માત્થી ૬:૨) પ્રેષિત પાઊલે લખ્યું: “તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.” (રૂમી ૧૨:૯) તેમણે યુવાન તીમોથીને “શુદ્ધ હૃદયથી તથા . . . ઢોંગ વગરના વિશ્વાસથી પ્રીતિ” રાખવાનું ઉત્તેજન આપ્યું. (૧ તીમોથી ૧:૫) જો આપણો પ્રેમ અને વિશ્વાસ નિઃસ્વાર્થ અને નિખાલસ હશે તો, બીજાઓ આપણા પર ભરોસો મૂકશે. આપણે બીજાઓને દૃઢ કરનારા અને ઉત્તેજન આપનારા બનીશું. (ફિલિપી ૨:૪; ૧ યોહાન ૩:૧૭, ૧૮; ૪:૨૦, ૨૧) આ બધા ઉપરાંત, આપણે યહોવાહની સ્વીકૃતિ મેળવીશું.

બીજી બાજુ, ઢોંગ છેવટે ઢોંગી વ્યક્તિઓ માટે પ્રાણઘાતક નીવડશે અને ઢોંગને ખુલ્લો પાડવામાં આવશે. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “કેમકે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહિ થશે એવું કંઈ ગુપ્ત નથી.” (માત્થી ૧૦:૨૬; લુક ૧૨:૨) રાજા સુલેમાને કહ્યું: “કેમકે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાં દરેક કામનો દેવ ન્યાય કરશે.”—સભાશિક્ષક ૧૨:૧૪.

ત્યાં સુધી, બીજાઓના ઢોંગે આપણા પર એટલી બધી અસર થવા દેવી ન જોઈએ કે જેથી આપણે સાચા મિત્રોના પ્રેમથી વંચિત રહીએ. આપણે વધારે પડતા શંકાશીલ બન્યા વગર સાવધાની રાખી શકીએ. તેથી, ચાલો આપણે આપણો પ્રેમ અને વિશ્વાસ ઢોંગ વગરનો રાખીએ.—યાકૂબ ૩:૧૭; ૧ પીતર ૧:૨૨.

[પાન ૨૨, ૨૩ પર ચિત્રો]

શું તમે શાસ્ત્રીઓ અને ફરોશીઓના ઢોંગથી એટલા બધા અસર પામ્યા હોત કે ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોથી પણ તમે દૂર ગયા હોત?