વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
એદન બાગમાં સાપે કઈ રીતે હવાને ભલુંભૂંડું જાણવાના વૃક્ષ વિષે પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન કરવાનું કહ્યું?
ઉત્પત્તિ ૩:૧ બતાવે છે: “હવે યહોવાહ દેવનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” સર્પે કઈ રીતે હવા સાથે વાતચીત કરી હશે એ વિષે અલગ અલગ માન્યતાઓ છે. એક માન્યતા એવી છે કે શરીરની ભાષા કે હાવભાવ દ્વારા વાતચીત કરી હશે. દાખલા તરીકે, એક અંગ્રેજ પાદરી જોસફ બૅનસને ટીકા આપી: “એ અમુક પ્રકારનાં ઇશારાથી કર્યું હોય એવું લાગે છે. કેટલાક માને છે કે એ સમયે સાપ વિચારી શકતા હતા અને બોલી શકતા હતા, . . . પરંતુ આ બાબતનો કોઈ પુરાવો નથી.”
તેમ છતાં, ફક્ત હાવભાવનો ઉપયોગ કરીને, સાપે કઈ રીતે હવા સાથે વાતચીત કરી હશે કે મના કરેલા ફળને ખાવાથી તે પરમેશ્વર જેવી એટલે કે ભલુંભૂડું જાણનારી બનશે? વધુમાં, હવાએ પણ સાપે પૂછેલા પ્રશ્નનો જવાબ આપીને વાતચીતમાં ભાગ લીધો હતો. (ઉત્પત્તિ ૩:૨-૫) જો સાપે ફક્ત હાવભાવ કે શરીરની ભાષાનો ઉપયોગ કરીને વાતચીત કરી હોય તો, એ એવા નિષ્કર્ષ પર લઈ જાય છે કે હવાએ પણ હાવભાવથી જવાબ આપ્યો હશે, જ્યારે કે બાઇબલ કહે છે કે તેણે વાણીથી વાત કરી હતી.
આ બનાવનો ઉલ્લેખ કરીને પ્રેષિત પાઊલે ખ્રિસ્તી ભાઈબહેનોને ચેતવણી આપી: “મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભુલાવી, તેમ . . . તમારાં મન હરકોઈ રીતે ભ્રષ્ટ થાય.” પાઊલે, ‘જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારાના’ ભય વિષે કહ્યું. ભય એ હતો કે આ પ્રકારના “ઉત્તમ પ્રેરિતો” શરીરની ભાષા અને હાવભાવનો ઉપયોગ કરતા ન હતા. બીજાઓને ગેરમાર્ગે દોરવા તેઓ વાણી અને કપટી શબ્દોનો ઉપયોગ કરતા હતા.—૨ કોરીંથી ૧૧:૩-૫, ૧૩.
જોકે, એદન બાગમાં હવાને ગેરમાર્ગે દોરવા માટે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાં, એવું જોવા મળતું નથી કે સાપને ખરેખર સ્વરપેટી હતી. વાસ્તવમાં એની તેને કંઈ જરૂર ન હતી. પરમેશ્વરના દૂતે ગધેડી દ્વારા બલઆમ સાથે વાત કરી ત્યારે, આ પ્રાણીને કંઈ માનવીઓની જેમ સ્વરપેટીની જરૂર ન હતી. (ગણના ૨૨:૨૬-૩૧) આ ‘મૂંગા ગધેડાએ માણસની વાણી’ ઉચ્ચારી ત્યારે દેખીતી રીતે જ, એ વાણી પવિત્ર આત્માની શક્તિથી નીકળી હતી.—૨ પીતર ૨:૧૬.
જે આત્મિક પ્રાણીએ સાપનો ઉપયોગ કરીને હવા સાથે વાત કરી તેને બાઇબલ “જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન” તરીકે ઓળખાવે છે. (પ્રકટીકરણ ૧૨:૯) હવાએ સાંભળેલા સ્પષ્ટ શબ્દો ‘પ્રકાશના દૂતનો વેશ લેનાર,’ શેતાન બોલ્યો હતો.—૨ કોરીંથી ૧૧:૧૪.
[પાન ૨૭ પર ચિત્ર]
“તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો”