સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે રોંગ નંબર ડાયલ કર્યો છે”

“તમે રોંગ નંબર ડાયલ કર્યો છે”

રાજ્ય પ્રચારકોના અનુભવ

“તમે રોંગ નંબર ડાયલ કર્યો છે”

જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં લૅઈસીલ અને કેરોલીન નામની બે બહેનો સલામતીની કડક વ્યવસ્થાવાળા નિવૃત્ત લોકોની કોલોનીમાં ટેલિફોનથી સાક્ષી આપી રહી હતી. તેઓને બહુ ઓછા લોકો ઘરે મળ્યા, જેઓને પણ તેમના ખ્રિસ્તી સંદેશામાં ખાસ રસ ન હતો. તેથી, એક સ્ત્રીએ સારો પ્રત્યુત્તર આપ્યો ત્યારે, કેરોલીનને ખૂબ ઉત્તેજન મળ્યું.

કેરોલીને પૂછ્યું, “શું તમે શ્રીમતી બી છો?”

મૈત્રીભર્યો અવાજ આવ્યો, “ના, હું શ્રીમતી જી છું. તમે રોંગ નંબર ડાયલ કર્યો છે.”

ઉષ્માભર્યો અવાજ સાંભળીને કેરોલીને કહ્યું: “હું શ્રીમતી બીને જે કહેવા ઇચ્છતી હતી એ તમને પણ જણાવવા ઇચ્છું છું.” ત્યાર પછી, તેણે પરમેશ્વરના આવનાર રાજ્યના આશીર્વાદ વિષે તે સ્ત્રીને વાત કરી. મોટી પુસ્તિકા, દેવ આપણી પાસે શું માંગે છે? આપવાની ગોઠવણ કર્યા પછી શ્રીમતી જીએ પૂછ્યું: “તમે કયા ધર્મના છો?”

કેરોલીને જવાબ આપ્યો, “અમે યહોવાહના સાક્ષીઓ છીએ.”

“અરે, ધર્મ વિષે તો બિલકુલ સાંભળવું નથી! માફ કરજો, પણ હું તમને મળવા ઇચ્છતી નથી.”

કેરોલીને વિનંતી કરી, “પરંતુ શ્રીમતી જી, આપણે છેલ્લી ૨૦ મિનિટથી વાત કરી રહ્યા છીએ અને મેં તમને સૌથી અદ્‍ભુત આશા જણાવી છે. બાઇબલમાંથી તમને બતાવ્યું છે કે પરમેશ્વરનું રાજ્ય જલદી જ માનવજાત માટે શું કરવાનું છે. તમે આ બાબતો સાંભળીને ઘણા ખુશ થયા હતા અને એના વિષે વધારે જાણવા પણ ઇચ્છતા હતા. તમે યહોવાહના સાક્ષીઓ વિષે ખરેખર શું જાણો છો? તમે બીમાર હોવ તો શું તમે કારીગર પાસે જશો? યહોવાહના સાક્ષીઓ ખરેખર શું માને છે એ વિષે શા માટે મારી પાસેથી જાણતા નથી?”

થોડી વાર પછી જવાબ મળ્યો: “મને લાગે છે કે તમે સાચું કહો છો. તમે આવશો એ સારું થશે. પરંતુ, યાદ રાખજો કે તમે મારો ધર્મ ક્યારેય બદલી શકશો નહિ!”

કેરોલીને કહ્યું, “શ્રીમતી જી, હું ઇચ્છું તોપણ તમારો ધર્મ બદલી શકીશ નહિ. એ તો ફક્ત યહોવાહ જ કરી શકે છે.”

પછી કેરોલીને શ્રીમતી જી (બેટ્ટી)ની મુલાકાત લીધી અને તેને મોટી પુસ્તિકા આપી. એ મુલાકાત સારી રહી અને બેટ્ટી ફરી મુલાકાત માટે પણ સહમત થઈ. કેરોલીન આવી ત્યારે, બેટ્ટીએ કહ્યું કે મેં યહોવાહના સાક્ષીઓ સાથે ચર્ચા કરી હતી એ વિષે મારી કોલોનીની સ્ત્રીઓને જણાવ્યું હતું. ત્યારે સ્ત્રીઓએ એ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું હતું, “તું કઈ રીતે તેઓ સાથે ચર્ચા કરી શકી? એ લોકો તો ઈસુમાં પણ માનતા નથી!”

તરત જ કેરોલીને બેટ્ટીને પરમેશ્વરના રાજ્ય વિષેની ગયા વખતની ચર્ચાના મુખ્ય મુદ્દાને યાદ કરાવ્યો.

કેરોલીને પૂછ્યું, “રાજા કોણ હશે?”

બેટ્ટીએ કહ્યું, “કેમ વળી, ઈસુ ખ્રિસ્ત જ હશે.”

કેરોલીને કહ્યું, “બરાબર છે.” ત્યાર પછી તેણે યહોવાહના સાક્ષીઓની માન્યતા વિષે સમજાવવાનું ચાલુ રાખ્યું કે ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરના પુત્ર છે પરંતુ તે પરમેશ્વર સમાન અને ત્રૈક્યનો ભાગ નથી.—માર્ક ૧૩:૩૨; લુક ૨૨:૪૨; યોહાન ૧૪:૨૮.

થોડી વધારે મુલાકાતો પછી, બેટ્ટી દેખીતી રીતે જ આશાવાદી અને સુખી લાગતી હતી પરંતુ, તેનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તે પીડાતી હતી. હકીકતમાં, તેને કેન્સર હતું અને તેને મૃત્યુનો બહુ ડર લાગતો હતો. તેણે કબૂલ્યું, “કાશ, મેં આ બાબતો વર્ષો પહેલાં સાંભળી હોત તો મારો વિશ્વાસ પણ તમારા જેવો હોત.” કેરોલીને તેને બાઇબલમાંથી એક કલમ બતાવીને દિલાસો આપ્યો. એમાં મરણને લાંબી ઊંઘ તરીકે વર્ણવવામાં આવ્યું છે કે જેમાંથી વ્યક્તિ પુનરુત્થાનમાં ફરીથી ઊઠશે. (યોહાન ૧૧:૧૧, ૨૫) એનાથી બેટ્ટીને ઘણું ઉત્તેજન મળ્યું અને હમણાં તે નિયમિત બાઇબલ અભ્યાસનો આનંદ માણે છે. જોકે, ફક્ત તેના બગડતા જતા સ્વાસ્થ્યને લીધે તે રાજ્યગૃહની સભાઓમાં હાજરી આપી શકતી નથી.

કેરોલીન કહે છે: “એ સ્પષ્ટ છે કે દૂતો મને આ કાર્યમાં માર્ગદર્શન આપી રહ્યા છે. બેટ્ટીનો ‘રોંગ નંબર’ હતો અને સૌથી મોટી બાબત એ હતી કે તે ૮૯ વર્ષની છે!”—પ્રકટીકરણ ૧૪:૬.