સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના આમંત્રણને સ્વીકારવાથી ફળ મળે છે

યહોવાહના આમંત્રણને સ્વીકારવાથી ફળ મળે છે

મારો અનુભવ

યહોવાહના આમંત્રણને સ્વીકારવાથી ફળ મળે છે

મારિયા ડો સિયુ ઝાનાર્દીના જણાવ્યા પ્રમાણે

“યહોવાહ જાણે છે કે તે શું કરી રહ્યા છે. જો તેમણે તને આમંત્રણ મોકલ્યું હોય તો, તારે એને નમ્રપણે સ્વીકારવું જ જોઈએ.” મારા પિતાએ આ શબ્દો કંઈક ૪૫ વર્ષ પહેલાં કહ્યા હતા. એ શબ્દોએ મને યહોવાહના સંગઠન તરફથી પૂરા સમયની સેવિકા તરીકે મળેલું પ્રથમ આમંત્રણ સ્વીકારવામાં મદદ કરી. આજે પણ હું મારા પિતાની સલાહ માટે આભારી છું કારણ કે આ પ્રકારનાં આમંત્રણો સ્વીકારવાથી મને ઘણા લાભ થયા છે.

વર્ષ ૧૯૨૮માં મારા પિતાએ ચોકીબુરજનું લવાજમ ભર્યું અને બાઇબલમાં રસ ધરાવવા લાગ્યા. તે મધ્ય પોર્ટુગલમાં રહેતા હોવાથી, પરમેશ્વરના મંડળ સાથે ફક્ત ટપાલ દ્વારા મળતાં પ્રકાશનો અને મારા દાદાના બાઇબલથી સંપર્કમાં રહેતા હતા. વર્ષ ૧૯૪૯માં, હું ૧૩ વર્ષની હતી ત્યારે, અમારું કુટુંબ મારી માતાના વતન બ્રાઝિલમાં ગયું અને રીઓ દ જનીરોની સરહદે સ્થાયી થયું.

અમારા નવા પાડોશીએ અમને તેમના ચર્ચની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને અમે અમુક સમય ત્યાં ગયા પણ ખરા. મારા પિતાએ તેઓને નર્કાગ્‍નિ, જીવ અને પૃથ્વીનું ભવિષ્ય જેવા ગૂંચવતા પ્રશ્નો પૂછ્યા. પરંતુ, તેઓ પાસે એનો કોઈ જવાબ ન હતો. મારા પિતા કહેતા, “આપણે સાચા બાઇબલ વિદ્યાર્થીઓની રાહ જોવી પડશે.”

એક દિવસે, એક અંધ માણસે અમારા ઘરે આવીને ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોની ઑફર કરી. પિતાએ તેમને એ જ પ્રશ્નો પૂછ્યા અને તેમણે બાઇબલ આધારિત પ્રશ્નોના તર્કપૂર્ણ જવાબ આપ્યા. ત્યાર પછીના અઠવાડિયે, બીજા એક યહોવાહના સાક્ષીએ અમારી મુલાકાત લીધી. ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા પછી, તેમણે માફી માંગતા કહ્યું કે તેમને પ્રચાર કાર્યમાં જવાનું છે અને માત્થી ૧૩:૩૮માંથી વાંચીને બતાવ્યું કે આ કાર્ય આખા જગતમાં કરવાની જરૂર છે. પિતાએ કહ્યું: “શું હું તમારી સાથે આવી શકું?” તેમણે કહ્યું, “ચોક્કસ.” અમને ફરીથી બાઇબલ સત્ય મળ્યું હોવાથી અમે ખૂબ ખુશ હતા! ત્યાર પછીના સંમેલનમાં મારા પિતા બાપ્તિસ્મા પામ્યા. મેં પણ એ પછી તરત જ નવેમ્બર ૧૯૫૫માં બાપ્તિસ્મા લીધું.

મારા પ્રથમ આમંત્રણને સ્વીકારવું

દોઢ વર્ષ પછી, રીઓ દ જનીરોમાંની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાંથી મેં મોટું બદામી રંગનું કવર મેળવ્યું. એમાં મારા માટે પૂરા સમયના પ્રચાર કાર્યમાં જોડાવાનું આમંત્રણ હતું. એ સમયે મારી માતાની તબિયત બહુ ખરાબ રહેતી હોવાથી, મેં પિતાની સલાહ માંગી. તેમણે દૃઢતાથી જવાબ આપ્યો, “યહોવાહ જાણે છે કે તે શું કરી રહ્યા છે. જો તેમણે તને આમંત્રણ મોકલ્યું હોય તો, તારે એને નમ્રપણે સ્વીકારવું જ જોઈએ.” આ શબ્દોથી ઉત્તેજન મેળવીને મેં અરજી ભરી અને જુલાઈ ૧, ૧૯૫૭માં પૂરા સમયના સેવાકાર્યમાં જોડાઈ. મારી પ્રથમ સોંપણી રીઓ દ જનીરો રાજ્યના ટ્રેસ રિયોસ શહેરમાં હતી.

શરૂઆતમાં, અમે કૅથલિક બાઇબલનો ઉપયોગ કરતા ન હોવાથી ટ્રેસ રિયોસના રહેવાસીઓ અમારો સંદેશો સાંભળતા ન હતા. પરંતુ, અમે એક કૅથલિક માણસ, ગેરાલ્ડો રામાલોહ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે મદદ મળી. તેની મદદથી હું સ્થાનિક પાદરીની સહીવાળું બાઇબલ મેળવી શકી. ત્યારથી, જ્યારે પણ કોઈ વાંધો ઉઠાવતું ત્યારે, હું તેમને પાદરીની સહી બતાવતી અને પછી કોઈ પણ વધારે બોલતું નહિ. ગેરાલ્ડો પછીથી બાપ્તિસ્મા પામ્યો.

વર્ષ ૧૯૫૯માં ટ્રેસ રિયોસના મધ્યમાં સરકીટ સંમેલન રાખવામાં આવ્યું ત્યારે મને ઘણો જ આનંદ થયો. એ સમયે બાઇબલનો અભ્યાસ કરતા એક પોલીસ અધિકારીએ, આખા નગરમાં આ કાર્યક્રમની જાહેરાત કરતા બેનરો મૂકવાની ગોઠવણ કરી હતી. ત્રણ વર્ષ ટ્રેસ રિયોસમાં કાર્ય કર્યા પછી, મને સાઓ પાઊલોની પશ્ચિમેથી લગભગ ૧૧૦ કિલોમીટર દૂર આવેલા ઈટૂમાં નવી સોંપણી મળી.

લાલ, ભૂરાં અને પીળાં પુસ્તકો

મેં અને મારી પાયોનિયર સાથીએ ઘર માટે થોડી શોધ કર્યા પછી, અમને શહેરના મધ્યમાં એક પ્રેમાળ વિધવા, મારિયાના ઘરમાં રહેવાનું મળ્યું. મારિયા અમારી સાથે પોતાની દીકરીઓ જેવો જ વ્યવહાર રાખતી હતી. થોડા જ સમયમાં, ઈટૂના રોમન કૅથલિક બિશપે તેની મુલાકાત લીધી અને અમને ઘરમાંથી કાઢી મૂકવાનું કહ્યું. પરંતુ, તે મક્કમ રહી અને બિશપને કહ્યું: “મારા પતિ મરણ પામ્યા હતા ત્યારે, તમે મને દિલાસો આપવા કંઈ જ કર્યું ન હતું. આ યહોવાહના સાક્ષીઓએ હું તેઓના ધર્મની સભ્ય નથી છતાં મને મદદ કરી છે.”

એ જ સમય દરમિયાન મારિયાએ અમને જણાવ્યું કે ઈટૂના કૅથલિક પાદરીઓએ ચર્ચના સભ્યોને “શેતાન વિષેના લાલ પુસ્તકની” પ્રત સ્વીકારવાની મનાઈ કરી છે. તેઓ બાઇબલ આધારિત પ્રકાશન, “પરમેશ્વર સાચા ઠરો” (અંગ્રેજી) પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા હતા જે અમે એ સપ્તાહ દરમિયાન લોકોને રજૂ કરતા હતા. પાદરીઓએ લાલ પુસ્તક પર “પ્રતિબંધ” મૂક્યો હોવાથી, અમે ભૂરા પુસ્તક (નવાં આકાશ અને નવી પૃથ્વી, [અંગ્રેજી]) માટે પ્રસ્તાવના તૈયાર કરી. ત્યાર પછી, પાદરીઓએ આ ફેરફાર વિષે સાંભળ્યું ત્યારે, અમે પીળા રંગના (ધર્મએ માણસજાત માટે શું કર્યું છે?, [અંગ્રેજી]) પુસ્તકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અમારી પાસે વિવિધ રંગના ઘણાં પુસ્તકો હોવાથી, એ કેવા લાભદાયી સાબિત થયાં હતાં!

ઈટૂમાં લગભગ એક વર્ષ રહ્યા પછી, મને થોડા સમય માટે રીઓ દ જનીરોની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરી, બેથેલમાં રાષ્ટ્રીય સંમેલનની તૈયારીના કામ માટે આમંત્રણ આપતો ટેલિગ્રામ મળ્યો. મેં ખુશીથી એ આમંત્રણ સ્વીકારી લીધું.

વધારે લહાવા અને પડકારો

બેથેલમાં કામની કોઈ ખોટ ન હતી અને હું દરેક રીતે કામ કરવામાં ખુશ હતી. દરરોજ સવારે દૈનિક વચનની ચર્ચામાં અને સોમવારે સાંજે કૌટુંબિક ચોકીબુરજ અભ્યાસમાં હાજરી આપવી એ કેવું લાભદાયી હતું! ભાઈ ઓટો ઈસ્ટેલમાનની હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ અને બેથેલ કુટુંબના બીજા સભ્યોના અનુભવોએ મારા હૃદય પર ઊંડી અસર કરી હતી.

રાષ્ટ્રીય સંમેલન પૂરું થયા પછી, મેં ઈટૂ જવા માટે મારો સામાન તૈયાર કર્યો. પરંતુ, શાખા સેવક, ગ્રાન્ટ મિલરે મને બેથેલ કુટુંબના કાયમી સભ્ય થવા માટેનું આમંત્રણ આપતો પત્ર આપ્યો. એનાથી મને ઘણું જ આશ્ચર્ય થયું. હું બહેન હોસા યાઝિદિજયાન સાથે રહેતી હતી કે જે હજુ પણ બ્રાઝિલ બેથેલમાં સેવા કરે છે. એ સમયે બેથેલ કુટુંબમાં ફક્ત ૨૮ વ્યક્તિઓ હતી અને અમે સર્વ એકબીજાના ગાઢ મિત્રો હતા.

વર્ષ ૧૯૬૪માં જાઓ ઝાનાર્દી નામના પૂરા સમયના એક યુવાન સેવક, બેથેલમાં તાલીમ મેળવવા આવ્યા. ત્યાર પછી, તેમને નજીકમાં જ સરકીટ નિરીક્ષક તરીકે સોંપણી આપવામાં આવી. તે પોતાનો રીપોર્ટ આપવા માટે બેથેલમાં આવતા ત્યારે અમે એકબીજાને મળતા હતા. શાખાએ જાઓને સોમવારે સાંજે ચોકીબુરજ અભ્યાસમાં આવવાની પરવાનગી આપી હતી. એ કારણે, અમે સાથે વધારે સમય પસાર કરી શકતા હતા. અમે ઑગસ્ટ ૧૯૬૫માં લગ્‍ન કર્યું. ત્યાર પછી ખુશીથી હું મારા પતિ સાથે સરકીટ કાર્યમાં જોડાઈ.

એ સમયે બ્રાઝિલમાં પ્રવાસી કાર્ય કરવું કંઈક અંશે જોખમી હતું. હું અરનાહ, મીનાસ ગેરીયાસ રાજ્યમાં રહેતા પ્રકાશકોનાં વૃંદોની મુલાકાતને ક્યારેય ભૂલીશ નહિ. અમે ટ્રેનમાં જતા અને ત્યાર પછી બાકીના માર્ગે સૂટકેસ, ટાઈપરાઈટર, સ્લાઈડ પ્રૉજેક્ટ, પ્રચારની બૅગ અને સાહિત્યો ઊંચકીને ચાલતા હતા. એક વૃદ્ધ ભાઈ લ્યૂરીવાલ શાંટાલ અમને મદદ કરવા માટે હંમેશા સ્ટેશન પર અમારી રાહ જોતા.

અરનાહમાં સભાઓ ભાડાના ઘરમાં રાખવામાં આવતી હતી. અમે પાછળના નાના ઓરડામાં સૂતા હતા. ઓરડાની એક બાજુએ લાકડાં સળગાવવાનો ચૂલો હતો કે જેનો અમે રાંધવા અને પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરતા હતા. ભાઈઓ અમારા માટે ડોલમાં પાણી લાવી આપતા. નજીકમાં વાંસના ખેતરની મધ્યમાં એક ખાડો હતો જેનો અમે જાજરૂ તરીકે ઉપયોગ કરતા હતા. રાત્રે જંતુઓ ન આવે એ માટે અમે ગેસલેમ્પને ચાલુ રાખતા. કેમ કે આ જંતુઓને કારણે શાગા રોગ થઈ શકે છે. સવારે અમારા નાક ધુમાડાને કારણે કાળા થઈ જતા. એ કંઈક રસપ્રદ અનુભવ હતો!

પારાના રાજ્યમાં સરકીટ કાર્ય કરતા હતા ત્યારે, અમે ફરીથી શાખા કચેરીમાંથી મોટું બદામી રંગનું કવર મેળવ્યું. એ યહોવાહના સંગઠન તરફથી બીજું એક આમંત્રણ હતું અને આ વખતે પોર્ટુગલમાં જવાનું હતું! એ પત્રમાં અમને સોંપણીને સ્વીકારતા પહેલાં, લુક ૧૪:૨૮માં આપવામાં આવેલા સિદ્ધાંત પર મનન કરવાની સલાહ આપવામાં આવી હતી. કારણ કે ત્યાં સેવાકાર્ય પર પ્રતિબંધ હતો અને પોર્ટુગલના ઘણા ભાઈઓની સરકારે ધરપકડ કરી હતી.

શું અમે આ પ્રકારની સતાવણીનો સામનો કરવો પડે એવા દેશમાં જઈશું કે કેમ? જાઓએ કહ્યું, “જો પોર્ટુગલના ભાઈઓ ત્યાં રહીને વફાદારીથી યહોવાહની સેવા કરતા હોય તો, આપણે શા માટે ન કરી શકીએ?” મારા પિતાના ઉત્તેજન આપનાર શબ્દોને યાદ કરીને હું પણ સહમત થઈ: “જો યહોવાહે આપણને આમંત્રણ મોકલાવ્યું હોય તો, આપણે તેમનામાં ભરોસો મૂકીને એ સ્વીકારવું જ જોઈએ.” ત્યાર પછી જલદી જ, અમે વધુ માહિતી મેળવવા અને મુસાફરી માટે અમારા દસ્તાવેજો તૈયાર કરવા સાઓ પાઊલોની બેથેલ ઑફિસમાં ગયા.

જાઓ મારિયા અને મારિયા જાઓ

યુજિનિઓ નામનું અમારું વહાણ, સપ્ટેમ્બર ૬, ૧૯૬૯ના રોજ સાઓ પાઊલો રાજ્યના સંતુશ બંદરેથી ઊપડ્યું. સમુદ્રમાં નવ દિવસ મુસાફરી કર્યા પછી, અમે પોર્ટુગલ પહોંચ્યા. સૌ પ્રથમ અમે અમુક મહિનાઓ લિસ્બનના જૂના જિલ્લા અલફારમા અને મૉરારિયાની સાંકડી શેરીઓમાં અનુભવી ભાઈઓ સાથે કામ કરવામાં પસાર કર્યા. તેઓએ અમને સચેત બનવાની તાલીમ આપી જેથી પોલીસ અમને સહેલાઈથી પકડી શકે નહિ.

મંડળની સભાઓ ભાઈ-બહેનોના ઘરે રાખવામાં આવતી હતી. અમે જોઈએ કે પાડોશીઓ શંકાશીલ બન્યા છે ત્યારે, અમે તરત જ સભાનું સ્થળ બીજી જગ્યાએ બદલી નાખતા જેથી, ઘર પર પોલીસ ઓચિંતો છાપો ન મારે અથવા ભાઈઓની ધરપકડ કરવામાં ન આવે. અમે અમારા સંમેલનોને વનભોજન કહેતા. આ સંમેલનો લિસ્બનની સરહદે આવેલા મોન્સાન્ટો પાર્કમાં રાખવામાં આવતા જે કોસ્ટ ડા ક્રેપરિકાના જંગલ વિસ્તારની સરહદે આવેલું હતું. આ પ્રસંગે અમે સામાન્ય કપડાં પહેરતા અને સતર્ક એટેન્ડ્‌ન્ટ્‌સ અમુક સ્થળોએ ઊભા રહેતા. કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવતી લાગે ત્યારે, અમે રમતોની તૈયારીમાં લાગી જઈને પર્યટન ગોઠવતા અથવા લોકગીત ગાવાનું શરૂ કરી દેતા.

પોલીસ અમને સહેલાઈથી ઓળખી ન શકે માટે, અમે અમારા સાચા નામનો ઉપયોગ કરતા નહિ. ભાઈઓ અમને જાઓ મારિયા અને મારિયા જાઓ નામથી ઓળખતા હતા. અમારા નામ કોઈ પણ પત્રવ્યવહાર કે નોંધમાં ઉપયોગમાં લેવામાં આવતા ન હતા. એના બદલે અમને નંબર આપવામાં આવ્યા હતા. હું ભાઈઓના સરનામાને યાદ ન રાખવાનો પ્રયત્ન કરતી જેથી, જો હું પકડાઈ જાઉં તો, તેઓ સાથે વિશ્વાસઘાત ન કરી શકું.

પ્રતિબંધો છતાં, જાઓ અને મેં સાક્ષી આપવાની દરેક તકને ઝડપી લેવાનું નક્કી કર્યું હતું. અમે જાણતા હતા કે કોઈ પણ સમયે અમે અમારી આ સ્વતંત્રતાને ગુમાવી શકીએ છીએ. અમે આપણા પરમેશ્વર, યહોવાહ પર આધાર રાખવાનું શીખ્યા. કેમ કે અમારા રક્ષણ કરનાર તરીકે તેમણે પોતાના દૂતોનો એ રીતે ઉપયોગ કર્યો કે અમને એવું લાગ્યું જાણે અમે ‘અદૃશ્યને જોઈએ’ છીએ.—હેબ્રી ૧૧:૨૭.

એક પ્રસંગે, પેટ્રોમાં અમે ઘરઘરનું પ્રચાર કાર્ય કરતા હતા ત્યારે, એક એવા માણસને મળ્યા કે જે અમને સતત ઘરમાં આવવાનું કહેતો હતો. હું જે બહેન સાથે કામ કરતી હતી તેણે ખચકાયા વગર એ આમંત્રણ સ્વીકારી લીધું અને મારે પણ તેની સાથે જવા સિવાય કોઈ છૂટકો ન હતો. મેં પરસાળમાં લશ્કરી ગણવેશમાં કોઈનો ફોટો જોયો ત્યારે મને ખૂબ જ ડર લાગ્યો. હવે શું કરવું? અમારા યજમાને અમને બેસવાનું જણાવ્યું અને પછી મને પૂછ્યું: “જો તમારા દીકરાને લશ્કરમાં બોલાવવામાં આવે તો, શું તમે તેને જવા દેશો?” એ બહુ સંવેદનશીલ પરિસ્થિતિ હતી. મનમાં પ્રાર્થના કર્યા પછી, મેં શાંતિપૂર્વક જવાબ આપ્યો: “મારે કોઈ બાળકો નથી. અને મને ખાતરી છે કે જો મેં તમને એવો જ પ્રશ્ન પૂછ્યો હોત તો, તમે મને એવો જ જવાબ આપ્યો હોત.” તે ચૂપ રહ્યો. તેથી મેં કહેવાનું ચાલુ રાખ્યું: “હવે જો તમે મને પૂછો કે ભાઈ કે પિતાને ગુમાવવાનું દુઃખ કેવું હોય છે તો, એનો જવાબ હું તમને આપી શકું છું કારણ કે મારો ભાઈ અને મારા પિતા મરણ પામ્યા છે.” હું તેની સાથે વાત કરતી હતી ત્યારે, મારી આંખો ભરાઈ આવી અને મેં જોયું કે તેની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું કે તેની પત્ની હમણાં જ મરણ પામી હતી. મેં તેને ફરી સજીવન થવાની આશા વિષે સમજાવ્યું ત્યારે તેણે ધ્યાનપૂર્વક સાંભળ્યું. અમે વિનયી રીતે આવજો કહ્યું અને બાબતો યહોવાહના હાથમાં છોડીને સલામત રીતે નીકળી ગયા.

પ્રતિબંધ હતો છતાં, પ્રમાણિક લોકોને સત્યનું જ્ઞાન મેળવવા મદદ કરવામાં આવી. પોર્ટોમાં મારા પતિએ હોરોસીઓ નામના એક વેપારી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેમણે ઝડપથી પ્રગતિ કરી. ત્યાર પછી, તેમનો દીકરો એમિલ્યો જે એક ડૉક્ટર હતો, તેણે પણ સત્ય શીખીને બાપ્તિસ્મા લીધું. સાચે જ, યહોવાહના પવિત્ર આત્માને કોઈ પણ બાબત રોકી શકે નહિ.

“તમે કદી પણ જાણતા નથી કે યહોવાહ શાને પરવાનગી આપશે”

વર્ષ ૧૯૭૩માં બ્રસલ્ઝ, બેલ્જિયમમાં, મને અને જાઓને “પરમેશ્વરનો વિજય” આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં સ્પેઇન અને બેલ્જિયમ તેમ જ મોઝામ્બિક, અંગોલા, કેપ વર્દે, મડીરા અને એઝોર્સમાંથી હજારો ભાઈઓ હાજર હતા. ન્યૂયૉર્ક મુખ્યમથકેથી આવેલા ભાઈ નોરે નિષ્કર્ષમાં ટીકા આપતા કહ્યું: “યહોવાહની વિશ્વાસુપણે સેવા કરવાનું ચાલુ રાખો. તમે કદી પણ જાણતા નથી કે યહોવાહ શાને પરવાનગી આપશે. કોને ખબર કે આવતા વર્ષનું આંતરરાષ્ટ્રીય સંમેલન પોર્ટુગલમાં પણ ભરાય!”

ત્યાર પછીના વર્ષે પોર્ટુગલમાં પ્રચાર કાર્યને કાનૂની સ્વીકૃતિ આપવામાં આવી. ભાઈ નોરના શબ્દો સાચા પડ્યા અને વર્ષ ૧૯૭૮માં લિસ્બનમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન રાખવામાં આવ્યું. લિસ્બનની શેરીઓમાંથી પસાર થવું અને જાહેર પત્રિકા, સામયિકો અને જાહેર ભાષણનું આમંત્રણ આપવું એ કેવો લહાવો હતો! એ સ્વપ્ન હતું કે જે પૂરું થયું.

અમારો પોર્ટુગલના ભાઈઓ માટેનો પ્રેમ વધુ ગાઢ થયો હતો. તેઓમાંના ઘણાને જેલમાં નાખવામાં આવ્યા અને તેઓએ માર સહન કરીને પણ પોતાની ખ્રિસ્તી પ્રામાણિકતા જાળવી રાખી. અમે પોર્ટુગલમાં સેવાકાર્ય ચાલુ રાખવાનું ઇચ્છતા હતા. તેમ છતાં, એવું બન્યું નહિ. વર્ષ ૧૯૮૨માં જાઓને હૃદયની ગંભીર બીમારી થઈ અને શાખા કચેરીએ અમને પાછા બ્રાઝિલ જવાની વિનંતી કરી.

મુશ્કેલ સમય

બ્રાઝિલ શાખાના ભાઈઓ ઘણા મદદ કરનારા હતા અને અમને સાઓ પાઊલોમાં, ટાઉબટેના ક્વીરીમમાં સોંપણી આપવામાં આવી. જાઓની તંદુરસ્તી વધારેને વધારે ખરાબ થતી જતી હતી અને જલદી જ તે પથારીવશ થઈ ગયા. રસ ધરાવનારા બાઇબલ અભ્યાસ માટે અમારા ઘરે આવતા. પુસ્તક અભ્યાસ અને દરરોજની ક્ષેત્રસેવાની સભાઓ પણ અમારા ઘરે રાખવામાં આવતી હતી. આ ગોઠવણે અમને અમારી આત્મિકતા જાળવી રાખવા મદદ કરી.

ઑક્ટોબર ૧, ૧૯૮૫ના રોજ જાઓનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમણે, યહોવાહની સેવામાં પોતાનાથી બનતું બધું જ કર્યું હતું. તેમના મરણ પછી, હું ખૂબ જ દુઃખી અને ઉદાસ હતી. પરંતુ, મેં મારી સોંપણીમાં લાગુ રહેવાનું નક્કી કર્યું. એપ્રિલ ૧૯૮૬માં મારા પર બીજું એક વિઘ્ન આવ્યું. ઘરફોડુઓ મારા ઘરમાં આવીને મારી બધી જ વસ્તુઓ ચોરી ગયા. મારા જીવનમાં પહેલી વાર મેં એકલતા અને ભય અનુભવ્યો. એક પ્રેમાળ યુગલે મને થોડા સમય માટે તેમના ઘરે રહેવા બોલાવી જેના માટે હું ઘણી જ આભારી છું.

જાઓનું મરણ અને ચોરીને કારણે યહોવાહની મારી સેવામાં પણ અસર થઈ. પ્રચારમાં હું આત્મવિશ્વાસથી બોલી શકતી ન હતી. મારી મુશ્કેલી વિષે શાખા કચેરીને લખ્યા પછી, મને બેથેલમાં થોડો સમય રહેવાનું આમંત્રણ મળ્યું અને એના લીધે હું લાગણીમય રીતે સાજી થઈ શકી. એ સમય કેવો દૃઢ કરનારો હતો!

મારું લાગણીમય દુઃખ ઓછું થયું કે તરત જ, મેં સાઓ પાઊલોના ઈયુઆન નામના એક શહેરમાં સેવા કાર્યની સોંપણી સ્વીકારી. પ્રચાર કાર્યને લીધે હું વ્યસ્ત રહેતી હતી. પરંતુ, એવો પણ સમય હતો કે જેના લીધે હું નિરુત્સાહ થઈ જતી. એવા સમયે, હું ક્વીરીમના ભાઈઓને ફોન કરતી અને એક કુટુંબ થોડા દિવસ માટે મારી મુલાકાત લેવા આવતું. એ મુલાકાતો ખરેખર ઉત્તેજન આપનારી હતી! ઈયુઆનમાં મારા પ્રથમ વર્ષ દરમિયાન, અલગ અલગ ૩૮ ભાઈબહેનોએ મને મળવા માટે લાંબી મુસાફરી કરી હતી.

જાઓના મરણના છ વર્ષ પછી ૧૯૯૨માં મેં યહોવાહના સંગઠન તરફથી બીજું એક આમંત્રણ મેળવ્યું. આ વખતે મને સાઓ પાઊલોના ફ્રાન્કોમાં સોંપણી આપવામાં આવી કે જ્યાં હું હજુ પણ પૂરા સમયની સેવિકા છું. અહીંનો પ્રચાર વિસ્તાર ઘણો ફળદ્રુપ છે. વર્ષ ૧૯૯૪માં, મેં એક મેયર સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. એ સમયે તે બ્રાઝિલની કોંગ્રેસની બેઠક માટે કામ કરતા હતા. તેમનું સમયપત્રક વ્યસ્ત હોવા છતાં, દર સોમવારે બપોરે અમે અભ્યાસ કરતા હતા. દખલગીરી ટાળવા માટે તે પોતાના ફોનની સ્વીચ બંધ કરી દેતા. તેમણે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બંધ કરવા માંડ્યું અને સત્યની મદદથી પોતાનું લગ્‍નજીવન ફરીથી દૃઢ કર્યું. એ જોવું કેટલું આનંદદાયક હતું! પછી તેમણે અને તેમની પત્નીએ ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધું.

ભૂતકાળનો વિચાર કરતા, હું કહી શકું છું કે પૂરા સમયની સેવિકા તરીકે મારું જીવન આશીર્વાદોથી ભરપૂર રહ્યું છે. વળી, મને યહોવાહની સેવા કરવાની અમૂલ્ય તકો પણ મળી છે. યહોવાહે પોતાના સંગઠન દ્વારા આપેલા આમંત્રણને સ્વીકારવાથી મને ખરેખર ભરપૂર બદલાઓ મળ્યા છે. ભવિષ્યમાં પણ ગમે તે આમંત્રણ આવે, હું એ સ્વીકારવા ઉત્સુક છું.

[પાન ૨૫ પર ચિત્રો]

વર્ષ ૧૯૫૭માં પૂરા સમયના સેવાકાર્યમાં જોડાઈ ત્યારે અને આજે

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૩માં બ્રાઝિલ બેથેલ કુટુંબ સાથે

[પાન ૨૭ પર ચિત્ર]

ઑગસ્ટ ૧૯૬૫માં અમારું લગ્‍ન થયું ત્યારે

[પાન ૨૭ પર ચિત્ર]

પોર્ટુગલમાં કાર્ય પર પ્રતિબંધ હતો એ સમયે યોજેલું સંમેલન

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૧૯૭૮માં “વિજયી વિશ્વાસ” આંતરરાષ્ટ્રીય સંમેલન દરમિયાન લિસ્બનમાં વ્યસ્ત માર્ગમાં પ્રચાર કાર્ય કરતી વખતે