સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનો ભય રાખો અને તેમની આજ્ઞાઓ પાળો

યહોવાહનો ભય રાખો અને તેમની આજ્ઞાઓ પાળો

યહોવાહનો ભય રાખો અને તેમની આજ્ઞાઓ પાળો

“દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.”—સભાશિક્ષક ૧૨:૧૩.

૧, ૨. (ક) ભય કઈ રીતે આપણું શારીરિક રીતે રક્ષણ કરી શકે? (ખ) શા માટે અનુભવી માબાપ પોતાનાં બાળકોમાં યોગ્ય ભય કેળવવાનો પ્રયત્ન કરે છે?

 “જેમ હિંમત જીવનને જોખમમાં મૂકે છે તેમ, ભય એનું રક્ષણ કરે છે,” લીઓનાર્દો દ વિન્શીએ કહ્યું. ખોટું સાહસ વ્યક્તિને જોખમ પ્રત્યે આંધળી બનાવી દે છે પરંતુ ભય તેને જીવનની કાળજી રાખવાનું યાદ દેવડાવે છે. દાખલા તરીકે, જો આપણે કોઈ ભેખડની ધાર સુધી જઈને એની ઊંડાઈ જોઈએ તો, તરત જ પાછા હટી જઈશું. એવી જ રીતે, આપણે અગાઉના લેખમાંથી શીખ્યા તેમ, યહોવાહનો ભય રાખીને આપણે તેમની સાથે સારો સંબંધ બાંધીએ છીએ એટલું જ નહિ, આપણે પોતાને નુકસાન થતું પણ અટકાવીએ છીએ.

તેમ છતાં, આધુનિક દિવસના ઘણા ભય વિષે શીખી શકાય છે. નાનાં બાળકો વીજળીથી કે શહેરના ટ્રાફિકથી અજાણ હોવાથી, તેઓ સહેલાઈથી ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે. * અનુભવી માબાપ પોતાનાં બાળકોને તેઓની આસપાસના જોખમ વિષે અવારનવાર ચેતવણી આપીને તેઓમાં યોગ્ય ભય કેળવવાનો પ્રયત્ન કરે છે. માબાપ જાણે છે કે આ પ્રકારનો ભય પોતાનાં બાળકનું જીવન બચાવશે.

૩. શા માટે અને કઈ રીતે યહોવાહ આપણને આત્મિક જોખમો વિષે ચેતવણી આપે છે?

યહોવાહને પણ આપણા ભલા માટે એવી જ ચિંતા છે. એક પ્રેમાળ પિતા તરીકે, તે આપણને તેમના શબ્દ, બાઇબલમાંથી અને તેમના સંગઠન દ્વારા આપણા લાભની બાબતો શીખવે છે. (યશાયાહ ૪૮:૧૭) આપણને પરમેશ્વરના શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા આત્મિક જોખમો વિષે “વારંવાર” ચેતવણી આપવામાં આવે છે જેથી આપણે આ પ્રકારનાં જોખમો માટે ભય કેળવી શકીએ. (૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, IBSI; ૨ પીતર ૩:૧) ‘જો લોકોએ એવું હૃદય રાખ્યું હોત કે તેઓ પરમેશ્વરનો ડર રાખે ને સર્વ હુકમો સદા પાળે તો,’ સમગ્ર ઇતિહાસ દરમિયાન ઘણા આત્મિક વિનાશને ટાળી શક્યા હોત અને ઘણાં દુઃખોને દૂર કરી શક્યા હોત. (પુનર્નિયમ ૫:૨૯) આ ‘છેલ્લા સંકટના વખતોમાં’ કઈ રીતે આપણે યહોવાહનો ભય રાખતું હૃદય કેળવીને આત્મિક જોખમ ટાળી શકીએ?—૨ તીમોથી ૩:૧.

દુષ્ટતાથી દૂર રહો

૪. (ક) ખ્રિસ્તીઓએ કેવા પ્રકારનો ધિક્કાર કેળવવો જોઈએ? (ખ) પાપી વલણ પ્રત્યે યહોવાહ કેવું અનુભવે છે? (નિમ્નનોંધ જુઓ.)

બાઇબલ સમજાવે છે કે “દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાહનું ભય છે.” (નીતિવચનો ૮:૧૩) એક બાઇબલ શબ્દકોષ ધિક્કારનું આ રીતે વર્ણન કરે છે, “વ્યક્તિ અને વસ્તુઓ પ્રત્યે એવી લાગણી કે જેનો આપણે વિરોધ કરતા હોઈએ, જેનાથી ધૃણા થતી હોય, તિરસ્કાર કરતા હોઈએ અને એની સાથે વ્યક્તિ કોઈ પણ સંપર્ક કે સંબંધ રાખવા ઇચ્છતી નથી.” તેથી, યહોવાહના ભયમાં આંતરિક ધૃણા કે તેમની નજરમાં જે કંઈ ખરાબ છે એ સર્વ બાબતો પ્રત્યે ધિક્કાર બતાવવાનો સમાવેશ થાય છે. * (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) આપણો સહજ ભય ચેતવણી આપે છે ત્યારે આપણે ભેખડની ધાર પરથી પાછા હટી જઈએ છીએ તેમ, ખરાબ કાર્યોમાંથી પાછા ફરીએ છીએ. બાઇબલ કહે છે, “યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.”—નીતિવચનો ૧૬:૬.

૫. (ક) આપણે કઈ રીતે પરમેશ્વરનો ભય અને ખરાબ બાબતો પ્રત્યે ધિક્કાર કેળવી શકીએ? (ખ) આ બાબતમાં ઈસ્રાએલ રાષ્ટ્રનો ઇતિહાસ આપણને શું શીખવે છે?

પાપથી ચોક્કસ આવતા નુકસાનકારક પરિણામોને ધ્યાનમાં લઈને આપણે ખરાબ બાબતો પ્રત્યે ભય અને ધિક્કાર કેળવી શકીએ છીએ. બાઇબલ આપણને ખાતરી કરાવે છે કે આપણે જે વાવીશું એ જ લણીશું, પછી ભલે આપણે આપણા દેહ કે આત્મા પ્રમાણે વાવ્યું હોય. (ગલાતી ૬:૭, ૮) આ કારણે, યહોવાહ સ્પષ્ટપણે તેમની આજ્ઞાઓ ન પાળવાથી અને સાચી ઉપાસનાને છોડી દેવાથી આવતા અનિવાર્ય પરિણામો વિષેનું વિગતવાર વર્ણન કરે છે. પરમેશ્વરના રક્ષણ વગર, નાનું અને નિર્બળ ઈસ્રાએલ રાષ્ટ્ર, ક્રૂર અને શક્તિશાળી પડોશી દેશોનો ભોગ બની ગયું હોત. (પુનર્નિયમ ૨૮:૧૫, ૪૫-૪૮) ઈસ્રાએલીઓએ પોતાની અનાજ્ઞાધીનતાને લીધે ભોગવવા પડેલા કરુણ પરિણામોને બાઇબલમાં “દાખલો લેવા માટે” વિસ્તારપૂર્વક નોંધવામાં આવ્યા છે, જેથી આપણે બોધપાઠ લઈ શકીએ અને પરમેશ્વરનો ભય કેળવી શકીએ.—૧ કોરીંથી ૧૦:૧૧.

૬. પરમેશ્વરનો ભય રાખવાનું શીખતા હોઈએ ત્યારે, આપણે બાઇબલના કયા અનુભવોને વિચારણામાં લઈ શકીએ? (નિમ્નનોંધ જુઓ.)

આખા ઈસ્રાએલ રાષ્ટ્રને જે થયું એ સિવાય, બાઇબલ અમુક વ્યક્તિઓના જીવનના વાસ્તવિક અનુભવો વિષે જણાવે છે કે જેઓ ઈર્ષા, અનૈતિકતા, લોભ અને અભિમાનના ફાંદામાં ફસાઈ ગયા હતા. * આમાંના કેટલાક માણસોએ યહોવાહની ઘણાં વર્ષો સુધી સેવા કરી હતી; પરંતુ જીવનની મહત્ત્વની ક્ષણે તેઓ પરમેશ્વરનો ભય રાખવામાં દૃઢ રહ્યા ન હોવાથી તેઓએ ભયંકર પરિણામો ભોગવવાં પડ્યાં. બાઇબલનાં આવાં ઉદાહરણો પર મનન કરવાથી આપણે પણ એવી જ ભૂલો નહિ કરવાનો નિર્ણય લઈ શકીએ. જો આપણે પરમેશ્વરની સલાહને પહેલેથી ધ્યાન ન આપતા હોય અને વ્યક્તિગત રીતે દુઃખદ ઘટનામાં ફસાઈ જઈએ તો, એ કેટલું દુઃખદ કહેવાય! સામાન્ય રીતે લોકો માને છે કે જાત અનુભવથી એક સારા શિક્ષક બની શકાય છે પરંતુ એ સાચું નથી.—ગીતશાસ્ત્ર ૧૯:૭.

૭. યહોવાહ કોને પોતાના રૂપકાત્મક મંડપમાં આમંત્રણ આપે છે?

યહોવાહનો ભય કેળવવાનું બીજું એક કારણ એ છે કે આપણે તેમની સાથેના આપણા સંબંધને જાળવી રાખવા માંગીએ છીએ. આપણે યહોવાહની મિત્રતાનો આનંદ માણતા હોવાથી, તેમને નાખુશ કરતા ડરીએ છીએ. યહોવાહ કોને તેમના મિત્ર ગણે છે, તે કોને પોતાના રૂપકાત્મક મંડપમાં આમંત્રણ આપશે? ફક્ત એવી વ્યક્તિને “જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે.” (ગીતશાસ્ત્ર ૧૫:૧, ૨) જો આપણે આપણા ઉત્પન્‍નકર્તા સાથેના આ સંબંધને મૂલ્યવાન ગણતા હોઈશું તો, આપણે તેમની નજરમાં નિર્દોષ રહીને ચાલવાની કોશિશ કરીશું.

૮. માલાખીના સમયના ઈસ્રાએલીઓએ કઈ રીતે યહોવાહ સાથેની પોતાની મિત્રતાને સામાન્ય ગણી લીધી?

દુઃખદપણે, માલાખીના સમયના કેટલાક ઈસ્રાએલીઓએ પરમેશ્વર સાથેની પોતાની મિત્રતાને સામાન્ય ગણી લીધી. યહોવાહનો ભય રાખીને તેમને માન આપવાને બદલે, તેઓએ તેમને માંદા અને લંગડાં પ્રાણીઓનું બલિદાન ચઢાવ્યું. તેઓએ પરમેશ્વરનો ભય રાખ્યો નહિ, જે તેઓના લગ્‍ન પ્રત્યેના વલણમાં પણ જોવા મળ્યું. યુવાન સ્ત્રીઓ સાથે લગ્‍ન કરવા, તેઓએ પોતાની જુવાનીની પત્નીઓને નજીવા કારણોસર છૂટાછેડા આપ્યા. માલાખીએ તેઓને કહ્યું કે યહોવાહ ‘પત્ની ત્યાગને’ ધિક્કારે છે અને પોતાના કપટી વલણને લીધે તેઓ તેમના પરમેશ્વરથી દૂર જતા રહ્યા છે. તેઓએ ત્યજી દીધેલી પત્નીઓના આંસુઓથી રૂપકાત્મક રીતે વેદી ભરેલી હોવાથી, કઈ રીતે યહોવાહ તેઓના બલિદાનને સ્વીકારી શકે? યહોવાહનાં ધોરણો માટે આ પ્રકારના નિર્લજ્જ અપમાનને લીધે તેમણે પૂછ્યું: “મારો ડર ક્યાં છે?”—માલાખી ૧:૬-૮; ૨:૧૩-૧૬.

૯, ૧૦. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાહ સાથેની મિત્રતાને મૂલ્યવાન ગણીએ છીએ?

એવી જ રીતે, આજે પણ સ્વાર્થી અને અનૈતિક પતિઓ, પિતાઓ અથવા પત્નીઓ કે માતાઓએ તજી દીધેલા નિર્દોષ સાથી અને બાળકોના ભગ્‍ન હૃદયને યહોવાહ જુએ છે. તે ચોક્કસ તેઓને દિલાસો આપે છે. પરમેશ્વરનો મિત્ર લગ્‍નના મહત્ત્વને ઓછું કરી નાખનાર દુનિયાના વિચારને અપનાવશે નહિ. એને બદલે, તે ‘વ્યભિચારથી નાસીને’ યહોવાહની નજરે બાબતોને જોશે અને પોતાના લગ્‍નજીવનને વધારે દૃઢ કરવા સખત મહેનત કરશે.—૧ કોરીંથી ૬:૧૮.

૧૦ લગ્‍નમાં તેમ જ આપણા જીવનનાં બીજા પાસાઓમાં યહોવાહની નજરમાં જે ખરાબ છે એ સર્વ બાબતો ધિક્કારીને અને તેમની સાથેની મિત્રતાની ઊંડી કદર કરીને આપણે યહોવાહની સ્વીકૃતિ અને કૃપા મેળવીશું. પ્રેષિત પીતરે દૃઢતાથી કહ્યું: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) આપણી પાસે બાઇબલમાં ઘણાં ઉદાહરણો છે જે બતાવે છે કે જે સાચું છે એ કરવા વિવિધ સંજોગોમાં પણ કઈ રીતે પરમેશ્વરના ભયે લોકોને મદદ કરી.

ત્રણ વ્યક્તિઓએ પરમેશ્વરનો ભય રાખ્યો

૧૧. કયા સંજોગોમાં ઈબ્રાહીમને ‘દેવથી બીનાર’ કહેવામાં આવ્યા?

૧૧ બાઇબલમાં એક જ એવી વ્યક્તિ છે કે જેને યહોવાહ પોતાના મિત્ર કહે છે, એ ઈબ્રાહીમ છે. (યશાયાહ ૪૧:૮) યહોવાહે ઈબ્રાહીમ પાસેથી તેમના દીકરા, ઈસ્હાકનું બલિદાન માંગ્યું કે જેના દ્વારા તે પોતાનું વચન પરિપૂર્ણ કરવાના હતા કે ઈબ્રાહીમના સંતાનમાંથી મોટું રાષ્ટ્ર આવશે ત્યારે, ઈબ્રાહીમના પરમેશ્વર માટેના ભયની કસોટી થઈ. (ઉત્પત્તિ ૧૨:૨, ૩; ૧૭:૧૯) શું ‘યહોવાહના મિત્ર’ આ કઠિન કસોટીમાંથી પસાર થશે? (યાકૂબ ૨:૨૩) ઈબ્રાહીમે ઈસ્હાકને મારવા માટે છરો ઉગામ્યો એ જ સમયે, યહોવાહના દૂતે કહ્યું: “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમકે તેં તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે.”—ઉત્પત્તિ ૨૨:૧૦-૧૨.

૧૨. કઈ બાબતે ઈબ્રાહીમને પરમેશ્વરનો ભય રાખવા પ્રેર્યા અને આપણે પણ કઈ રીતે એવું જ વલણ બતાવી શકીએ?

૧૨ ઈબ્રાહીમે પહેલાં પણ પુરવાર કર્યું હતું કે પોતે યહોવાહનો ભય રાખે છે છતાં, આ પ્રસંગે તેમણે પરમેશ્વર પ્રત્યે વિશિષ્ટ ભય બતાવ્યો. ઈસ્હાકનું બલિદાન આપવાની તેમની સ્વેચ્છા આદરપૂર્વક આજ્ઞાધીનતા બતાવવા કરતાં વધારે હતી. ઈબ્રાહીમ સંપૂર્ણ વિશ્વાસથી પ્રેરાયેલા હતા કે તેમના સ્વર્ગીય પિતા જરૂર પડશે તો ઈસ્હાકને ફરીથી સજીવન કરીને પોતાનું વચન પરિપૂર્ણ કરશે. પાઊલે લખ્યું તેમ, ઈબ્રાહીમને ‘જે વચન [પરમેશ્વરે] તેને આપ્યું હતું તે પૂરૂં કરવાને પણ તે સમર્થ છે એવો પૂરો ભરોસો’ હતો. (રૂમી ૪:૧૬-૨૧) આપણે મોટાં બલિદાનો આપવા પડે તોપણ, શું આપણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તૈયાર છીએ? “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે” એમ જાણીને, શું આપણે પૂરેપૂરો ભરોસો રાખીએ છીએ કે આ પ્રકારની આજ્ઞાધીનતા લાંબા સમયે આપણને જ લાભ કરશે? (હેબ્રી ૧૧:૬) એ જ યહોવાહ માટે સાચો ભય છે.—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૧.

૧૩. શા માટે યુસફ પોતાને ‘દેવની બીક રાખનાર’ કહી શક્યો?

૧૩ આપણે પરમેશ્વરનો ભય બતાવનાર બીજી એક વ્યક્તિ, યુસફના ઉદાહરણને જોઈએ. પોટીફારના ઘરમાં સેવક તરીકે, યુસફે દરરોજ વ્યભિચારના દબાણનો સામનો કરવો પડતો હતો. દેખીતી રીતે જ એવો કોઈ પણ માર્ગ ન હતો કે જેનાથી તે અનૈતિકતા આચરવા માટે સતત દબાણ કરતી પોતાના ધણીની પત્નીના સંપર્કમાં આવવાનું ટાળી શકે. છેવટે, તેણે “તેનું વસ્ત્ર પકડ્યું” ત્યારે, તે “નાઠો, ને બહાર નીકળી ગયો.” કઈ બાબતે યુસફને તરત જ ખરાબ બાબતો બાજુ પર મૂકી દેવાની પ્રેરણા આપી? નિઃશંક, મહત્ત્વની બાબત એ હતી કે તે પરમેશ્વરનો ભય રાખતો હતો અને ‘એવું મોટું કુકર્મ કરીને, દેવનો અપરાધી’ થવાનું ઇચ્છતો ન હતો. (ઉત્પત્તિ ૩૯:૭-૧૨) યુસફ યોગ્ય રીતે જ પોતાને ‘દેવની બીક રાખનાર’ કહી શક્યો.—ઉત્પત્તિ ૪૨:૧૮.

૧૪. યુસફની દયાએ કઈ રીતે પરમેશ્વરનો સાચો ભય બતાવ્યો?

૧૪ વર્ષો પછી યુસફને પોતાના ભાઈઓ સાથે ભેટો થયો કે જેઓએ તેને નિષ્ઠુરપણે ગુલામીમાં વેચી દીધો હતો. તે સહેલાઈથી તેઓની ખોરાક માટેની તાકીદની જરૂરિયાતને પૂરી ન કરીને તેઓએ કરેલા ખરાબ કામનો બદલો લઈ શક્યો હોત. પરંતુ, બીજા લોકો સાથે જુલમથી વર્તવું એ પરમેશ્વરનો ભય બતાવતું નથી. (લેવીય ૨૫:૪૩) તેથી, યુસફે પણ પોતાના ભાઈઓના હૃદય પરિવર્તનના ભરપૂર પુરાવાઓ જોયા ત્યારે, તેઓને માયાળુપણે માફ કર્યા. યુસફની જેમ, પરમેશ્વર માટેનો ભય આપણને સારાથી ભૂંડાને જીતવા તેમ જ લાલચમાં નહિ પડવા મદદ કરશે.—ઉત્પત્તિ ૪૫:૧-૧૧; ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪; રૂમી ૧૨:૧૭-૨૧.

૧૫. શા માટે અયૂબની વર્તણૂકે યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો?

૧૫ પરમેશ્વરનો ભય રાખનારાઓમાં અયૂબનું પણ એક સરસ ઉદાહરણ છે. યહોવાહે શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઇશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” (અયૂબ ૧:૮) ઘણાં વર્ષોની, અયૂબની પ્રામાણિક વર્તણૂકે તેમના પિતા, યહોવાહના હૃદયને આનંદ પમાડ્યો હતો. અયૂબે પરમેશ્વરનો ભય રાખ્યો કારણ કે તે જાણતા હતા કે એમ કરવું સાચું છે અને એ જીવવાનો સૌથી ઉત્તમ માર્ગ છે. અયૂબે કહ્યું, “પ્રભુનો ભય તેજ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એજ બુદ્ધિ છે.” (અયૂબ ૨૮:૨૮) એક પરિણીત પુરુષ તરીકે, અયૂબ અયોગ્ય રીતે યુવાન સ્ત્રીઓ તરફ ક્યારેય આકર્ષાયા ન હતા અથવા તેમણે પોતાના હૃદયમાં વ્યભિચારી યુક્તિઓ પણ ભરી રાખી નહિ. તે ધનવાન હતા છતાં, તેમણે સંપત્તિમાં પોતાનો ભરોસો મૂક્યો નહિ અને દરેક પ્રકારની મૂર્તિપૂજાથી દૂર રહ્યા.—અયૂબ ૩૧:૧, ૯-૧૧, ૨૪-૨૮.

૧૬. (ક) કઈ રીતે અયૂબે હમદર્દી બતાવી? (ખ) અયૂબે કઈ રીતે બતાવ્યું કે તે માફી આપવામાં પાછા પડ્યા ન હતા?

૧૬ તેમ છતાં, પરમેશ્વરનો ભય રાખવાનો અર્થ, જે સારું છે એ કરવું તેમ જ ખરાબ બાબતોથી દૂર રહેવું થાય છે. અયૂબે પણ આંધળા, લંગડા અને ગરીબ લોકોમાં રસ લઈને તેઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી. (લેવીય ૧૯:૧૪; અયૂબ ૨૯:૧૫, ૧૬) અયૂબ સમજ્યા કે “માણસને મુસીબતમાં એના મિત્રોની હમદર્દી મળવી જોઈએ, જેણે ઈશ્વરનો ડર કાઢી નાખ્યો હોય એવા માણસ સુદ્ધાંને.” (યોબ ૬:૧૪ [અયૂબ], સંપૂર્ણ બાઇબલ) હમદર્દી ન રાખવામાં માફી ન આપવાનો અને રોષ ભરી રાખવાનો સમાવેશ થાય છે. પરમેશ્વરના માર્ગદર્શન પ્રમાણે, અયૂબે પોતાના ત્રણ સંગાથીઓ માટે પ્રાર્થના કરી કે જેઓએ તેમને ઘણું દુઃખ પહોંચાડ્યું હતું. (અયૂબ ૪૨:૭-૧૦) આપણને કોઈક રીતે દુઃખ પહોંચાડનાર ભાઈબહેનો પ્રત્યે, શું આપણે પણ એવું જ માફીનું વલણ ન બતાવવું જોઈએ? આપણને દુઃખ પહોંચાડનાર વ્યક્તિના હિતમાં પ્રાર્થના કરવાથી આપણને ખાર નહિ રાખવામાં મદદ મળી શકે. અયૂબે પરમેશ્વરનો ભય રાખ્યો અને એના બદલામાં ઘણી સારી બાબતોનો આનંદ માણ્યો. એ આપણને ‘યહોવાહે તેમના ભક્તોને વાસ્તે રાખી મૂકેલી ઉદારતાની’ ઝાંખી આપે છે.—ગીતશાસ્ત્ર ૩૧:૧૯; યાકૂબ ૫:૧૧.

પરમેશ્વરના ભય વિરુદ્ધ માણસોનો ભય

૧૭. માણસોનો ભય આપણને શું કરી શકે પરંતુ શા માટે આ પ્રકારનો ભય ટૂંકા ગાળાનો છે?

૧૭ પરમેશ્વરનો ભય આપણને જે સાચું છે એ કરવા પ્રેરે છે જ્યારે કે માણસનો ભય આપણા વિશ્વાસને કોરી ખાય છે. એ કારણે, પ્રેષિતોને ઉત્સાહી પ્રચારકો બનવાનું ઉત્તેજન આપતા ઈસુએ કહ્યું: “શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.” (માત્થી ૧૦:૨૮) ઈસુએ સમજાવ્યું કે માણસોનો ભય ટૂંકા ગાળાનો છે કેમ કે તેઓ આપણા ભાવિ જીવનની આશાનો નાશ કરી શકતા નથી. વધુમાં, આપણે પરમેશ્વરનો એટલા માટે ભય રાખીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે પરમેશ્વરના આદરયુક્ત ભયની શક્તિની સરખામણીમાં સર્વ રાષ્ટ્રોની શક્તિ કંઈ વિસાતમાં નથી. (યશાયાહ ૪૦:૧૫) ઈબ્રાહીમને યહોવાહની શક્તિમાં પૂરેપૂરો ભરોસો હતો કે તે પોતાના વિશ્વાસુ સેવકોને પાછા ઉઠાડશે. (પ્રકટીકરણ ૨:૧૦) તો પછી, આપણે પણ ખાતરીપૂર્વક કહી શકીએ: “જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?”—રૂમી ૮:૩૧.

૧૮. યહોવાહ તેમનો ભય રાખનારાઓને કઈ રીતે બદલો આપે છે?

૧૮ ભલે કુટુંબના સભ્યો કે શાળાના બદમાશ વિદ્યાર્થીઓ દ્વારા આપણો વિરોધ થતો હોય, પરંતુ આપણને જોવા મળશે કે “યહોવાહના ભયમાં દૃઢ વિશ્વાસ સમાએલો છે.” (નીતિવચનો ૧૪:૨૬) યહોવાહ આપણું સાંભળશે એવો ભરોસો રાખીને આપણે શક્તિ માટે તેમને પ્રાર્થના કરી શકીએ. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯) યહોવાહ તેમનો ભય રાખનારાઓને કદી પણ ભૂલી જતા નથી. તે પોતાના પ્રબોધક માલાખી દ્વારા આપણને ખાતરી કરાવે છે: “ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાહે તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાહનું ભય રાખનારાઓને સારૂ તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારૂ યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું.”—માલાખી ૩:૧૬.

૧૯. કયા પ્રકારના ભયનો અંત આવશે પરંતુ કયા પ્રકારનો ભય હંમેશ માટે રહેશે?

૧૯ પૃથ્વીના દરેક લોકો યહોવાહની ઉપાસના કરશે અને માણસોનો ભય જતો રહેશે એ સમય એકદમ નજીક છે. (યશાયાહ ૧૧:૯) ભૂખ, રોગચાળો, ગુનાખોરી અને યુદ્ધનો ભય જતો રહ્યો હશે પરંતુ, પરમેશ્વરનો ભય અનંતકાળ સુધી રહેશે. તેમના વિશ્વાસુ સેવકો સ્વર્ગમાં અને પૃથ્વી પર તેમને આધીન રહીને સતત આદર અને માન આપતા રહેશે. (પ્રકટીકરણ ૧૫:૪) ત્યાં સુધી, ચાલો આપણે સુલેમાને આપેલી સલાહને ધ્યાન આપીએ: “તારા હૃદયને પાપીઓની અદેખાઈ કરવા ન દે, પણ આખો દિવસ યહોવાહનું ભય રાખ; કેમકે નિશ્ચે બદલો [મળવાનો] છે; અને તારી આશા રદ જશે નહિ.”—નીતિવચનો ૨૩:૧૭, ૧૮.

[ફુટનોટ્‌સ]

^ કેટલાક પુખ્ત વયના લોકોને રોજિંદા જોખમી સંજોગોનો સામનો કરવો પડતો હોવાથી તેઓનો ડર નીકળી જાય છે. શા માટે ઘણા સુથારોએ પોતાની આંગળીઓ ગુમાવી દીધી એવું પૂછવામાં આવ્યું ત્યારે, એક અનુભવી કારીગરે જવાબ આપ્યો: “તેઓને વીજળીથી ચાલતી ઝડપી કરવતનો ભય લાગતો નથી.”

^ યહોવાહને પોતાને એ ધૃણાજનક લાગે છે. દાખલા તરીકે, એફેસી ૪:૨૯ ખરાબ ભાષાનું “મલિન વચન” તરીકે વર્ણન કરે છે. “મલિન” માટે ઉપયોગમાં લેવામાં આવેલા ગ્રીક શબ્દનું શાબ્દિક ભાષાંતર, ફળ, માછલી કે માંસના સડવાને બતાવે છે. આ શબ્દ, વિવિધ રીતે ધૃણાજનક બાબતોનું વર્ણન કરે છે કે જે આપણને ગંદી કે બીભત્સ વાણી પ્રત્યે હોવી જોઈએ. એવી જ રીતે, બાઇબલમાં પુનર્નિયમ ૨૯:૧૭ અને હઝકીએલ ૬:૯માં “મૂર્તિઓ” શબ્દ વાસ્તવમાં હેબ્રીમાં “છાણની મૂર્તિઓને” લાગુ પડે છે. છાણ કે મળ પ્રત્યેનું આપણું સામાન્ય વલણ, આપણને કોઈ પણ પ્રકારની મૂર્તિપૂજા પ્રત્યેના પરમેશ્વરના વલણને સમજવા મદદ કરે છે.

^ દાખલા તરીકે, કાઈન (ઉત્પત્તિ ૪:૩-૧૨); દાઊદ (૨ શમૂએલ ૧૧:૨-૧૨:૧૪); ગેઝી (૨ રાજા ૫:૨૦-૨૭); અને ઉરીયાહના (૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૧) બાઇબલ ઉદાહરણોનો વિચાર કરો.

શું તમને યાદ છે?

• આપણે ખરાબ બાબતોને ધિક્કારવાનું કઈ રીતે શીખી શકીએ?

• કઈ રીતે માલાખીના સમયના ઈસ્રાએલીઓએ યહોવાહની મિત્રતાને સામાન્ય ગણી લીધી?

• આપણે ઈબ્રાહીમ, યુસફ અને અયૂબનાં ઉદાહરણોમાંથી પરમેશ્વરના ભય વિષે શું શીખી શકીએ?

• કયો ભય હંમેશા રહેશે અને શા માટે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્ર]

અનુભવી માબાપ પોતાનાં બાળકોમાં યોગ્ય ભય કેળવે છે

[પાન ૨૦ પર ચિત્ર]

ભય આપણને હંમેશા જોખમથી દૂર રાખે છે તેમ, પરમેશ્વરનો ભય આપણને દુષ્ટતાથી દૂર રાખે છે

[પાન ૨૩ પર ચિત્ર]

અયૂબે પોતાના ત્રણ જૂઠા મિત્રોનો સામનો કર્યો ત્યારે પણ પરમેશ્વરનો ભય જાળવી રાખ્યો

[ક્રેડીટ લાઈન]

From the Bible translation Vulgata Latina, 1795