સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યિર્મેયાહ ૭:૧૬માં પરમેશ્વરે જે નિર્દેશન આપ્યું હતું એનો શું એવો અર્થ થાય છે કે મંડળમાંથી બિનપશ્ચાત્તાપી પાપીને બહિષ્કૃત કરવામાં આવે તો ખ્રિસ્તીઓએ તેના વિષે પ્રાર્થના કરવી ન જોઈએ?

અવિશ્વાસુ યહુદાહ વિરુદ્ધ ન્યાયચુકાદો જાહેર કર્યા પછી, યહોવાહે યિર્મેયાહને કહ્યું: “તે માટે તું આ લોકને સારૂ વિનંતી ન કર, ને તેને સારૂ વિલાપ તથા પ્રાર્થના ન કર, ને મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર; કેમકે હું તારૂં સાંભળનાર નથી.”—યિર્મેયાહ ૭:૧૬.

શા માટે યહોવાહે યિર્મેયાહને ઈસ્રાએલીઓ માટે પ્રાર્થના કરવાની મનાઈ કરી? દેખીતી રીતે જ, તેઓએ તેમના નિયમ વિરુદ્ધ ઘોર પાપ કર્યું હતું. તેઓ ખુલ્લેઆમ અને બેશરમ બની, ‘ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને, તથા ખોટા સમ ખાઈને, અને બઆલની આગળ ધૂપ બાળીને, અન્ય દેવોની પાછળ ચાલતા હતા.’ પરિણામે, યહોવાહે આ અવિશ્વાસુ યહુદીઓને કહ્યું: “જેમ તમારા સર્વ ભાઈઓનો, એટલે એફ્રાઈમના સર્વ વંશજોને, મેં ફેંકી દીધા, તેમ હું તમને મારી નજર આગળથી ફેંકી દઈશ.” સાચે જ, યિર્મેયાહ કે કોઈ પણ વ્યક્તિ યહોવાહને તેમનો ન્યાયચુકાદો રદ કરવા પ્રાર્થના કરે એ યોગ્ય ન હતું.—યિર્મેયાહ ૭:૯, ૧૫.

આ સંબંધી પ્રેષિત યોહાને પરમેશ્વરને યોગ્ય પ્રકારની પ્રાર્થના કરવા વિષે લખ્યું. પ્રથમ તેમણે ખ્રિસ્તીઓને ખાતરી આપી: “જો આપણે તેની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.” (૧ યોહાન ૫:૧૪) પછી બીજાઓના હિતમાં પ્રાર્થના કરવા વિષે યોહાને આગળ લખ્યું: “મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરવી.” (૧ યોહાન ૫:૧૬) ઈસુએ એવા પાપ વિષે પણ કહ્યું કે જે “માફ નહિ કરાશે.” એ પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ છે.—માત્થી ૧૨:૩૧, ૩૨.

તેથી, શું એનો અર્થ એ થાય છે કે ખ્રિસ્તી મંડળમાંથી બહિષ્કૃત થનાર બિનપશ્ચાત્તાપીએ “મરણકારક” પાપ કર્યું હોવાથી, તેના માટે પ્રાર્થના કરવી ન જોઈએ? એ જરૂરી નથી કેમ કે અમુક બનાવોમાં પાપ મરણકારક હોતું નથી. હકીકતમાં એ જાણવું બહુ મુશ્કેલભર્યું છે. એનું એક અજોડ ઉદાહરણ યહુદાહના રાજા મનાશ્શેહનું છે. તેણે જૂઠા દેવોની વેદી બાંધીને પોતાના દીકરાનું અગ્‍નિમાં બલિદાન આપ્યું, પિશાચવાદ આચર્યો અને યહોવાહના મંદિરમાં કોતરેલી મૂર્તિ મૂકી. બાઇબલ કહે છે કે મનાશ્શેહ અને લોકોએ ‘કુમાર્ગે ચઢીને જે પ્રજાઓનો યહોવાહે ઈસ્રાએલપુત્રો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ વધારે દુષ્ટતા’ કરી હતી. આ બધાં કારણોને લીધે યહોવાહે મનાશ્શેહને બેડીઓ પહેરાવીને બાબેલ લઈ જવા દેવાની સજા કરી.—૨ રાજા ૨૧:૧-૯; ૨ કાળવૃત્તાંત ૩૩:૧-૧૧.

મનાશ્શેહે ઘોર પાપ કર્યું હોવા છતાં, શું તેનાં પાપ મરણકારક હતાં? દેખીતી રીતે જ નહિ, તેના વિષે અહેવાલ આગળ કહે છે: “તે સંકટમાં આવી પડ્યો, ત્યારે તેણે પોતાના દેવ યહોવાહના કાલાવાલા કર્યા; અને પોતાના પિતૃઓના દેવની આગળ તે અતિશય દીન થઈ ગયો. તેણે એની પ્રાર્થના કરી, ત્યારે એણે તેની આજીજી માન્ય કરીને તેની વિનંતિ સાંભળી, અને તેને યરૂશાલેમમાં તેના રાજ્યમાં પાછો આણ્યો. આથી મનાશ્શેહે જાણ્યું કે યહોવાહ તેજ દેવ છે.”—૨ કાળવૃત્તાંત ૩૩:૧૨, ૧૩.

આમ, કોઈ વ્યક્તિને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે ત્યારે આપણે એવા નિષ્કર્ષ પર આવી જવું જોઈએ નહિ કે તેણે મરણકારક પાપ કર્યું હોવું જોઈએ. ખરેખર તેના હૃદયમાં શું છે એ જાહેર થવામાં વ્યક્તિને સમય લાગી શકે. તેથી, વારંવાર જણાવવામાં આવે છે કે બહિષ્કૃત કરવાનો હેતુ વ્યક્તિ પોતાના પાપનો સ્વીકાર કરે અને પસ્તાવો કરીને પાછી ફરે એવો છે.

વ્યક્તિ મંડળમાં આવતી ન હોવાથી તેના હૃદય અને વલણના ફેરફારોને સૌ પ્રથમ, તેની સાથે નજીકના ગાઢ સંબંધ ધરાવનાર લગ્‍ન સાથી કે કુટુંબના સભ્યો જોઈ શકે. આવા ફેરફારો જોવાથી તેઓ એવા નિષ્કર્ષ પર આવી શકે કે તેણે કંઈ મરણકારક પાપ કર્યું નથી. તેથી, તેઓ પ્રાર્થના કરી શકે કે તે પરમેશ્વરના પ્રેરિત શબ્દમાંથી સામર્થ્ય મેળવે અને યહોવાહ પોતાની ઇચ્છાના સુમેળમાં પાપીના હિતમાં જલદી જ કાર્ય કરશે.—ગીતશાસ્ત્ર ૪૪:૨૧; સભાશિક્ષક ૧૨:૧૪.

નજીકની કેટલીક વ્યક્તિઓ પૂરતા પુરાવાઓથી જોઈ શકે કે પાપીએ પસ્તાવો કર્યો છે. પરંતુ, મંડળ આ રીતે જોઈ શકતું નથી. તેથી, કોઈ વ્યક્તિ જાહેરમાં બહિષ્કૃત વ્યક્તિ માટે પ્રાર્થના કરે ત્યારે મંડળના સભ્યો ગૂંચવણમાં મૂકાઈ શકે અથવા વ્યથિત કે કઠોર પણ બની શકે. આ કારણે, કોઈ વ્યક્તિ પાપી માટે પ્રાર્થના કરવા ઇચ્છે તો, તેણે એ ખાનગીમાં કરવી જોઈએ. તેમ જ બીજી બાબતો મંડળના જવાબદાર ભાઈઓના હાથમાં છોડી દેવી જોઈએ.

[પાન ૩૧ પર ચિત્ર]

મનાશ્શેહે યહોવાહ આગળ કાલાવાલા કર્યા ત્યારે તેના ઘોર પાપને માફ કરવામાં આવ્યાં

[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Reproduced from Illustrierte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s