સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોનેરી નિયમ એ વ્યવહારુ છે

સોનેરી નિયમ એ વ્યવહારુ છે

સોનેરી નિયમ એ વ્યવહારુ છે

મોટા ભાગના લોકો સોનેરી નિયમને ઈસુના નૈતિક શિક્ષણ તરીકે જુએ છે. પરંતુ, તેમણે પોતે જણાવ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.”—યોહાન ૭:૧૬.

ખરેખર, ઈસુએ જે કંઈ પણ શીખવ્યું એ તેમને મોકલનાર અને આપણા ઉત્પન્‍નકર્તા યહોવાહ પરમેશ્વર તરફથી હતું. એ શિક્ષણમાં જાણીતા સોનેરી નિયમનો પણ સમાવેશ થાય છે.

પરમેશ્વરનો મૂળ હેતુ એ હતો કે સર્વ માણસજાત એકબીજા સાથે એવી રીતે વર્તે જેમ તેઓ બીજાઓ પાસેથી આશા રાખે છે. તેમણે માનવોને જે રીતે ઉત્પન્‍ન કર્યા હતા એમાં બીજાઓની કાળજી અને ચિંતા રાખવાનું સારું ઉદાહરણ બેસાડ્યું છે: “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.” (ઉત્પત્તિ ૧:૨૭) એનો અર્થ એમ થાય કે પરમેશ્વરે પોતાના વિશિષ્ટ ગુણો સાથે માનવોને ઉત્પન્‍ન કર્યા હતા જેથી, તેઓ જીવનમાં સુખ, શાંતિ અને એકતાનો હંમેશ માટે આનંદ માણી શકે. તેઓ પરમેશ્વરે આપેલા અંતઃકરણને યોગ્ય રીતે તાલીમ આપે તો, એ તેઓને બીજાઓ સાથે એવી રીતે વર્તવા માર્ગદર્શન આપશે જેમ તેઓ, બીજાઓ પોતાની સાથે વર્તે એવું ઇચ્છે છે.

મનુષ્યો સ્વાર્થી બને છે

માનવજાતની અદ્‍ભુત શરૂઆત થઈ હોવા છતાં, સમય જતા શું થયું? સાદા શબ્દોમાં કહીએ તો મનુષ્યો સ્વાર્થી થવા લાગ્યા. મોટા ભાગના લોકો પ્રથમ માનવ યુગલે જે કર્યું હતું એ વિષે બાઇબલમાં ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપવામાં આવેલા અહેવાલથી પરિચિત છે. પરમેશ્વરનાં સર્વ ન્યાયી ધોરણોનો વિરોધ કરનાર શેતાનના કહેવાથી, આદમ અને હવાએ સ્વાર્થીપણે પરમેશ્વરની સત્તાનો નકાર કર્યો અને સ્વતંત્રતા તથા જાતે નિર્ણય લેવાનું પસંદ કર્યું. તેઓના સ્વાર્થી અને બળવાખોર વલણથી તેઓને તો નુકસાન થયું જ, પરંતુ ભવિષ્યમાં થનાર તેઓના બાળકોને પણ એનું ભયંકર પરિણામ ભોગવવું પડ્યું. આમ, પછીથી સોનેરી નિયમ તરીકે જાણીતા બનેલા શિક્ષણને અવગણવાનું વિનાશક પરિણામ સ્પષ્ટ હતું. પરિણામે, “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

આખી માનવજાતે યહોવાહ પરમેશ્વરના પ્રેમાળ માર્ગો પર ચાલવાનું છોડી દીધું હોવા છતાં, યહોયાહે તેઓને તરછોડી દીધા ન હતા. દાખલા તરીકે, યહોવાહે ઈસ્રાએલ પ્રજાને માર્ગદર્શન માટે નિયમો આપ્યા હતા. એણે તેઓને, તેઓ જેમ ચાહતા હતા કે બીજાઓ પોતાની સાથે વર્તે, એવું જ બીજાઓ સાથે વર્તવાનું શીખવ્યું. એ નિયમમાં ચાકર, પિતૃહીન બાળકો અને વિધવાઓ સાથે પણ કઈ રીતે વર્તવું એનો સમાવેશ થતો હતો. એમાં હુમલો, અપહરણ અને ચોરી કરનારાઓની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ વિષે પણ જણાવવામાં આવ્યું હતું. બીજાઓના સ્વાસ્થ્યના હિતમાં મળમૂત્રના નિકાલને લગતા નિયમો આપવામાં આવ્યા હતા. જાતીય બાબતો વિષે પણ નિયમો આપવામાં આવ્યા હતા. યહોવાહ લોકોને પોતાના નિયમના સારાંશમાં કહે છે: “જેમ પોતા પર તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ.” આ વિધાન ઈસુએ પણ પછીથી કહ્યું હતું. (લેવીય ૧૯:૧૮; માત્થી ૨૨:૩૯, ૪૦) નિયમમાં ઈસ્રાએલીઓ મધ્યે રહેતા પરદેશી રહેવાસીઓ સાથે કઈ રીતે વર્તવું એ વિષે પણ કહેવામાં આવ્યું હતું. નિયમે આજ્ઞા આપી: “પરદેશીને તું હેરાન ન કર; કેમકે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો.” બીજા શબ્દોમાં કહીએ તો, ઈસ્રાએલીઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય એવાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની હતી.—નિર્ગમન ૨૩:૯; લેવીય ૧૯:૩૪; પુનર્નિયમ ૧૦:૧૯.

ઈસ્રાએલીઓ નિયમને અનુસર્યા ત્યાં સુધી યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો. દાઊદ અને સુલેમાનના રાજ દરમિયાન પ્રજા સમૃદ્ધ હતી; લોકો સુખી અને સંતોષી હતા. ઐતિહાસિક અહેવાલ આપણને કહે છે: “યહુદાહ તથા ઈસ્રાએલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઇપીને આનંદ કરતા હતા. . . . યહુદાહ તથા ઈસ્રાએલ પોતપોતાના દ્રાક્ષવેલા નીચે પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.”—૧ રાજા ૪:૨૦, ૨૫.

દુઃખની બાબત છે કે રાષ્ટ્રની શાંતિ અને સલામતી લાંબો સમય ટકી નહિ. પરમેશ્વરના નિયમ હોવા છતાં, ઈસ્રાએલીઓએ એને પાળ્યા નહિ; તેઓએ બીજાઓની કાળજી રાખવાને બદલે સ્વાર્થી વલણ અપનાવ્યું. વધુમાં, ઈસ્રાએલીઓએ ધર્મનો પણ ત્યાગ કર્યો જેના પરિણામે એકાદ વ્યક્તિએ જ નહિ પરંતુ આખી પ્રજાએ મુશ્કેલી વેઠવી પડી. છેવટે, ૬૦૭ બી.સી.ઈ.માં યહોવાહે બાબેલોનીઓને યહુદાહ રાજ્યના યરૂશાલેમ શહેર અને ત્યાંના ભવ્ય મંદિરનો નાશ કરવા દીધો. કયા કારણસર? “તમે મારાં વચનો સાંભળ્યાં નહિ, તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબેલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ; અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.” (યિર્મેયાહ ૨૫:૮, ૯) યહોવાહની શુદ્ધ ઉપાસનાને તરછોડવાની કેવી કિંમત ચૂકવવી પડી!

ઉત્તમ ઉદાહરણ

બીજી બાજુ, ઈસુ ખ્રિસ્તે ફક્ત સોનેરી નિયમને શીખવ્યો જ ન હતો પરંતુ એને અનુસરીને ઉત્તમ ઉદાહરણ પણ બેસાડ્યું હતું. તેમણે બીજાઓના હિતની સાચી ચિંતા બતાવી હતી. (માત્થી ૯:૩૬; માત્થી ૧૪:૧૪; લુક ૫:૧૨, ૧૩) એક વખતે, નાઈન નામના શહેર નજીક ઈસુએ અત્યંત દુઃખી એક વિધવાને પોતાના એકના એક પુત્રની દફનવિધિમાં જતા જોઈ. બાઇબલ અહેવાલ આપે છે: “તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી.” (લુક ૭:૧૧-૧૫) વાઈન્સ એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વડ્‌ર્સ પ્રમાણે, “કરુણા આવી” વક્તવ્ય “વ્યક્તિના હૃદયને જાણવું” સૂચવે છે. ઈસુએ તેના હૃદયની પીડાને અનુભવી અને એનાથી તે વિધવાના દુઃખને દૂર કરવા પ્રેરાયા. ઈસુએ વિધવાના પુત્રને સજીવન કરીને “તેની માને સોંપ્યો” ત્યારે તેને કેવો આનંદ થયો હશે!

છેવટે, પરમેશ્વરના હેતુના સુમેળમાં ઈસુએ સ્વેચ્છાએ સતાવણી સહન કરી અને પોતાના જીવનનું ખંડણી તરીકે બલિદાન આપ્યું, જેથી માનવજાત પાપ અને મરણની ગુલામીમાંથી છુટકારો મેળવી શકે. આમ, સોનેરી નિયમ પ્રમાણે જીવીને ઈસુએ ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું.—માત્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩; હેબ્રી ૪:૧૫.

સોનેરી નિયમને લાગુ પાડતા લોકો

શું આપણા સમયમાં એવા લોકો છે કે જેઓ સોનેરી નિયમ પ્રમાણે જીવતા હોય? હા છે અને તેઓ ફક્ત પોતાને અનુકૂળ હોય ત્યારે જ એને લાગુ પાડતા નથી. દાખલા તરીકે, નાઝી જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહોવાહના સાક્ષીઓએ પરમેશ્વરમાં પોતાનો વિશ્વાસ અને પાડોશી પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો તથા સોનેરી નિયમ સાથે સમાધાન કરવાનો નકાર કર્યો. સરકારે સર્વ યહુદીઓ વિરુદ્ધ ધિક્કાર અને ભેદભાવની ઝુંબેશમાં ભાગ લેવા દબાણ કર્યું ત્યારે પણ, સાક્ષીઓએ સોનેરી નિયમને અનુસરવાનું ચાલુ રાખ્યું. જુલમી છાવણીઓમાં પણ તેઓ સાથી માનવોની કાળજી રાખતા હતા, ખોરાકની અછત હોવા છતાં તેઓ યહુદીઓ કે બિનયહુદીઓ સાથે વહેંચીને ખાતા હતા. વધુમાં, સરકારે બીજાઓને મારી નાખવા માટે હથિયાર ઉપાડવાની આજ્ઞા આપી ત્યારે પણ, તેઓએ એમ કરવાનો નકાર કર્યો, જેમ તેઓ બીજાઓના હાથે મરવાનું ઇચ્છતા નહોતા. પોતાના જેવો જ બીજા પર પ્રેમ કરતા હોય એવી વ્યક્તિને તેઓ કઈ રીતે મારી નાખી શકે? તેઓના આવા નકારને લીધે ઘણાને જુલમી છાવણીમાં મોકલવામાં આવ્યા એટલું જ નહિ, કેટલાકને મારી નાખવામાં પણ આવ્યા.—માત્થી ૫:૪૩-૪૮.

આ લેખ વાંચશો તેમ, આ સોનેરી નિયમને લાગુ પાડવાના એક બીજા ઉદાહરણમાંથી તમે લાભ લઈ રહ્યા છો. યહોવાહના સાક્ષીઓને સમજાયું છે કે આજે ઘણા લોકોને કોઈ જાતની આશા નથી અને તેઓ નિઃસહાય હોવાથી સહન કરતા હોય છે. આ કારણે, સાક્ષીઓ સ્વેચ્છાએ પગલાં ભરીને બીજાઓને બાઇબલમાંથી મળતા વ્યવહારુ માર્ગદર્શન અને આશા વિષે શીખવવા મદદ કરે છે. આજે પૃથ્વી પરના દરેક ભાગમાં આ શૈક્ષણિક કાર્ય અજોડ રીતે કરવામાં આવે છે. એનું શું પરિણામ આવ્યું છે? યશાયાહ ૨:૨-૪માં ભાખ્યા પ્રમાણે “ઘણા લોકો,” હકીકતમાં જગત મધ્યે ૬૦ લાખ લોકો ‘યહોવાહના માર્ગો શીખ્યા છે અને તેમના માર્ગમાં ચાલે છે.’ શાબ્દિક અર્થમાં, તેઓ “પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં” બનાવવાનું શીખ્યા છે. તેઓએ આ મુશ્કેલીભર્યા સમયમાં શાંતિ અને સલામતી મેળવી છે.

તમારા વિષે શું?

એદન બાગમાં શેતાનના ઉશ્કેરવાથી સોનેરી નિયમની જે અવગણના કરવામાં આવી એનાથી માનવજાતિએ સહન કરવી પડતી યાતના અને પીડાનો વિચાર કરો. યહોવાહનો હેતુ જલદી જ પરિસ્થિતિને સારી કરવાનો છે. કઈ રીતે? “શેતાનનાં કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો.” (૧ યોહાન ૩:૮) એ પરમેશ્વરના રાજ્ય શાસન હેઠળ ન્યાયી અને શક્તિમાન ઈસુ ખ્રિસ્ત કરશે કે જેમણે સોનેરી નિયમ શીખવ્યો હતો અને એ પ્રમાણે જીવ્યા હતા.—ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; દાનીયેલ ૨:૪૪.

પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે અવલોક્યું: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી. આખો દિવસ તે કરુણાથી વર્તે છે, અને ઉછીનું આપે છે; તેનાં સંતાન આશીર્વાદ પામેલાં હોય છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૫, ૨૬) શું તમે સહમત નથી કે આજે મોટા ભાગના લોકો ‘કરુણાથી વર્તવાને અને ઉછીનું આપવાને’ બદલે ઝૂંટવી લે છે? હા, સોનેરી નિયમ પ્રમાણે ચાલીને આપણે શાંતિ અને સલામતી મેળવી શકીએ, કેમ કે એ વ્યક્તિને હમણાં અને ભવિષ્યમાં પરમેશ્વરના રાજ્ય હેઠળ આશીર્વાદોનો આનંદ માણવા મદદ કરે છે. પરમેશ્વરનું રાજ્ય પૃથ્વી પરની સર્વ દુષ્ટતા અને સ્વાર્થીપણાને કાઢી નાખશે અને અત્યારના મનુષ્યોના ભ્રષ્ટાચારી શાસનને બદલીને પરમેશ્વર નવું શાસન લાવશે. ત્યારે, સર્વ લોકો સોનેરી નિયમ પ્રમાણે જીવવાનો આનંદ માણશે.—ગીતશાસ્ત્ર ૨૯:૧૧; ૨ પીતર ૩:૧૩.

[પાન ૪, ૫ પર ચિત્રો]

ઈસુએ સોનેરી નિયમ ફક્ત શીખવ્યો જ ન હતો પરંતુ એ પ્રમાણે જીવીને ઉત્તમ ઉદાહરણ પણ બેસાડ્યું

[પાન ૭ પર ચિત્રો]

સોનેરી નિયમ પ્રમાણે ચાલવાથી સાચી શાંતિ અને સલામતી મળી શકે