સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“મારી પાસે શીખો”

“મારી પાસે શીખો”

“મારી પાસે શીખો”

“મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.”—માત્થી ૧૧:૨૯.

૧. શા માટે ઈસુ પાસેથી શીખવું આનંદદાયક અને ઉત્તેજન આપનારું છે?

 ઈસુ ખ્રિસ્તે હંમેશા સમજી વિચારીને, પોતાના ઉદાહરણથી શીખવ્યું. તે પૃથ્વી પર થોડો જ સમય રહ્યા પરંતુ, એ દરમિયાન તે સફળ અને સંતોષપ્રદ જીવન જીવ્યા. તેમણે પોતાનો આનંદ પણ જાળવી રાખ્યો. તેમણે શિષ્યો બનાવ્યા અને કઈ રીતે પરમેશ્વરની ઉપાસના કરવી, મનુષ્યોને પ્રેમ કરવો અને જગતને જીતવું એ પણ તેઓને શીખવ્યું. (યોહાન ૧૬:૩૩) તેમણે તેઓના હૃદયને આશાથી ભરી દીધું અને ‘સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું.’ (૨ તીમોથી ૧:૧૦) જો તમે તેમના શિષ્ય હોવ તો, શિષ્ય બનવાના અર્થ વિષે તમને શું લાગે છે? ઈસુએ શિષ્યો બનવા વિષે જે કહ્યું એને ધ્યાનમાં લઈને, આપણે પોતાના જીવનને કઈ રીતે સફળ બનાવવું એ શીખી શકીએ છીએ. એમાં તેમના દૃષ્ટિબિંદુને સ્વીકારીને કેટલાક પાયાના સિદ્ધાંતોને લાગુ પાડવાનો સમાવેશ થાય છે.—માત્થી ૧૦:૨૪, ૨૫; લુક ૧૪:૨૬, ૨૭; યોહાન ૮:૩૧, ૩૨; ૧૩:૩૫; ૧૫:૮.

૨, ૩. (ક) ઈસુના શિષ્ય બનવાનો શું અર્થ થાય છે? (ખ) ‘હું કોનો શિષ્ય છું’ એમ પોતાને પૂછવું શા માટે મહત્ત્વનું છે?

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ભાષાંતર કરવામાં આવેલા “શિષ્ય” શબ્દનો અર્થ, સામાન્ય રીતે, કંઈક બાબતો તરફ ધ્યાન આપવા પોતાના મનને વાળવું કે શીખવું થાય છે. એને લગતો શબ્દ આપણા લેખની મુખ્ય કલમ, માત્થી ૧૧:૨૯માં જોવા મળે છે: “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) હા, શિષ્ય શીખનાર હોય છે. સામાન્ય રીતે સુવાર્તાઓમાં, “શિષ્ય” શબ્દ ઈસુના ગાઢ અનુયાયીઓને લાગુ પડે છે કે જેઓ ઈસુ સાથે પ્રચાર કરવા ગયા અને ઈસુએ તેઓને શીખવ્યું. કેટલાક લોકોએ ખાનગીમાં ઈસુના શિક્ષણને સ્વીકાર્યું હોય શકે. (લુક ૬:૧૭; યોહાન ૧૯:૩૮) સુવાર્તાના લેખકોએ ‘યોહાન [બાપ્તિસ્મક]ના તથા ફરોશીઓના શિષ્યોનો’ પણ ઉલ્લેખ કર્યો. (માર્ક ૨:૧૮) ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી હતી કે તેઓ “ફરોશીઓના તથા સાદુકીઓના મત વિષે સાવધાન” રહે. તેથી, આપણે પોતાને પૂછી શકીએ ‘હું કોનો શિષ્ય છું?’—માત્થી ૧૬:૧૨.

જો આપણે ઈસુના શિષ્યો હોઈએ અને તેમની પાસેથી શીખ્યા હોઈએ તો, બીજાઓ આપણી હાજરીથી આત્મિક તાજગી અનુભવશે. તેઓ જોશે કે આપણે મનમાં વધારે નમ્ર અને હૃદયમાં રાંક બન્યા છીએ. જો આપણા હાથ નીચે બીજાઓ કામ કરતા હોય, આપણે માબાપ હોઈએ કે ખ્રિસ્તી મંડળમાં વડીલ તરીકે બીજાઓને ઉત્તેજન આપવા મુલાકાત લેતા હોય તો, શું તેઓ એવું અનુભવે છે કે ઈસુએ લોકોની જે રીતે કાળજી રાખી હતી એ રીતે જ આપણે તેઓની સંભાળ રાખીએ છીએ?

ઈસુ લોકો સાથે કઈ રીતે વર્ત્યા

૪, ૫. (ક) મુશ્કેલીમાં હતા એવા લોકો સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા એ વિષે આપણે ક્યાંથી જાણી શકીએ? (ખ) ઈસુ ફરોશીના ઘરે જમવા ગયા ત્યારે તેમને કયો અનુભવ થયો?

આપણે એ જાણવાની જરૂર છે કે ઈસુ લોકો સાથે, ખાસ કરીને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરનારાઓ સાથે કઈ રીતે વર્ત્યા. એ જાણવું કંઈ અઘરું નથી; કેમ કે બાઇબલમાં ઈસુ બીજાઓ સાથે અને એમાંય ખાસ કરીને મુશ્કેલીમાં હતા તેઓ સાથે કઈ રીતે વર્ત્યા એ વિષે ઘણા અહેવાલો જોવા મળે છે. એની સાથે આપણે એ પણ જોઈશું કે આવા લોકો સાથે ધાર્મિક આગેવાનો, ખાસ કરીને ફરોશીઓ કેવી રીતે વર્તતા હતા. એનાથી તમને સ્પષ્ટ તફાવત જોવા મળશે.

એકત્રીસ સી.ઈ.માં ઈસુ ગાલીલીમાં પ્રચાર કરતા હતા ત્યારે, “કોઈએક ફરોશીએ પોતાની સાથે જમવા સારૂ [ઈસુને] વિનંતી કરી.” ઈસુએ ખચકાયા વગર તરત જ તેના આમંત્રણને સ્વીકારી લીધું. “ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો. ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે, ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને, તે તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું.”—લુક ૭:૩૬-૩૮.

૬. “પાપી” સ્ત્રી કઈ રીતે ફરોશીના ઘરે આવી હોય શકે?

શું તમે એની કલ્પના કરી શકો? એક સંદર્ભ બતાવે છે: “(કલમ ૩૭)માં બતાવવામાં આવેલી સ્ત્રીએ સામાજિક રિવાજનો લાભ ઉઠાવ્યો હતો. એ રિવાજ પ્રમાણે ગરીબ લોકોને મિજબાનીમાંથી વધેલો ખોરાક લેવા દેવામાં આવતો હતો.” એ બતાવે છે કે એક વ્યક્તિને બોલાવવામાં આવી ન હોય છતાં તે કઈ રીતે ત્યાં આવી શકતી હતી. કદાચ ત્યાં બીજા લોકો પણ હતા કે જેઓ વધેલો ખોરાક લેવા મિજબાની પૂરી થવાની રાહ જોતા હતા. તેમ છતાં, આ સ્ત્રીનું વર્તન કંઈક અલગ જ હતું. તેણે બીજા લોકોની જેમ હરોળમાં ઊભા રહીને મિજબાની પૂરી થવાની રાહ જોઈ નહિ. એક “પાપી” તરીકે તેની શાખ સારી ન હતી એવું બધા જ જાણતા હતા. આથી, ઈસુએ પણ કહ્યું કે “એના પાપ ઘણાં [હતા]” એમ તે જાણે છે.—લુક ૭:૪૭.

૭, ૮. (ક) લુક ૭:૩૬-૩૮માં બતાવવામાં આવેલી પરિસ્થિતિમાં તમે હોત તો શું કર્યું હોત? (ખ) સીમોન કેવી રીતે વર્ત્યો?

કલ્પના કરો કે એ સમયે તમે પોતે ઈસુની જગ્યાએ હોત તો, તમે શું કર્યું હોત? એ સ્ત્રી તમારી પાસે આવી હોત તો શું તમને ઘૃણા થઈ હોત? આવી પરિસ્થિતિમાં તમારા પર કેવી અસર પડી હોત? (લુક ૭:૪૫) શું તમે ચોંકી ગયા હોત?

તમે બીજા મહેમાનો સાથે હોત તો, શું તમે પણ સીમોન ફરોશી જેવું કંઈક વિચાર્યું હોત? “તે જોઈને જે ફરોશીએ [ઈસુને] નહોતર્યો હતો તે વિચાર કરવા લાવ્યો, કે જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.” (લુક ૭:૩૯) પરંતુ એનાથી ભિન્‍ન, ઈસુ ખૂબ દયાળુ હતા. તે એ સ્ત્રીની સ્થિતિ અને મનની વ્યથાને સમજ્યા. અહેવાલ આપણને એ જણાવતો નથી કે આ સ્ત્રી કઈ રીતે પાપમાં ફસાઈ. જો તે ખરેખર વેશ્યા હોત તો, નગરના માણસો, ધર્મચુસ્ત યહુદીઓએ દેખીતી રીતે જ તેને મદદ કરી ન હોત.

૯. ઈસુએ કેવો જવાબ આપ્યો અને એનું કેવું પરિણામ આવ્યું હોય શકે?

પરંતુ, ઈસુ તેને મદદ કરવા ઇચ્છતા હતા. તેમણે સ્ત્રીને કહ્યું: “તારાં પાપ માફ થયાં છે.” પછી વધુમાં તેમણે કહ્યું: “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.” (લુક ૭:૪૮-૫૦) અહીં આ અહેવાલનો અંત આવે છે. કોઈ વાંધો ઉઠાવી શકે કે ઈસુએ તે સ્ત્રીને મદદ કરવા કંઈ ખાસ કર્યું ન હતું. તેમણે તો તેને આશીર્વાદ આપીને પાછી મોકલી હતી. શું તમને લાગે છે કે તે સ્ત્રી પોતાના ખરાબ માર્ગે પાછી ગઈ હશે? આપણે કંઈ પણ ખાતરીપૂર્વક કહી શકતા નથી, પરંતુ લુક ત્યાર પછી જે કહે છે એની નોંધ લો. તે બતાવે છે કે ઈસુ ‘શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા.’ લુકે એ પણ બતાવ્યું કે ઈસુ અને તેમના શિષ્યો સાથે “કેટલીએક સ્ત્રીઓ” પણ હતી કે જેઓ “પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી.” એમાં પસ્તાવો કરીને કદર કરનારી આ સ્ત્રી પણ હોય શકે. તેણે શુદ્ધ અંતઃકરણથી, જીવનમાં મળેલા નવા હેતુથી અને પરમેશ્વર માટેના ગહન પ્રેમથી પરમેશ્વરને ખુશ કરતા માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું હોય શકે.—લુક ૮:૧-૩.

ઈસુ અને ફરોશીઓ વચ્ચે તફાવત

૧૦. શા માટે સિમોનના ઘરે આવેલી સ્ત્રી અને ઈસુના અહેવાલને ધ્યાન પર લેવો લાભદાયી છે?

૧૦ આ જીવંત અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? શું એનાથી આપણને ઉત્તેજન નથી મળતું? કલ્પના કરો કે તમે સીમોનના ઘરમાં છો. તમે કેવું અનુભવ્યું હોત? શું તમે ઈસુ જેવો વર્તાવ કર્યો હોત કે યજમાન ફરોશી જેવું અનુભવ્યું હોત? ઈસુ પરમેશ્વરના દીકરા હોવાથી, આપણે તેમના જેવું જ અનુભવી કે વર્તી શકતા નથી. બીજી બાજુ, આપણે ઉતાવળા બનીને સીમોન ફરોશી જેવા બનવાનું પણ ઇચ્છતા નથી. ફરોશી જેવા બનવામાં કોઈ પણ ગર્વ અનુભવશે નહિ.

૧૧. શા માટે આપણે ફરોશીઓના વર્ગમાં આવવું જોઈએ નહિ?

૧૧ બાઇબલના અભ્યાસ અને બીજા પુરાવાઓથી, આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે ફરોશીઓ પોતાને લોકોનું રક્ષણ કરનાર અને રાષ્ટ્રનું ભલું કરનાર તરીકે ગણતા હતા. પરમેશ્વરનો નિયમ સ્પષ્ટ અને સમજવામાં રહેલો હતો, એ તેઓને ગમતું ન હતું. તેથી, જ્યાં પણ કોઈ નિયમ અમુક બાબતો લોકોના અંતઃકરણ પર રહેવા દે તો, ફરોશીઓ તરત જ વધારાના નિયમો બનાવી દેતા જેથી, લોકોને પોતાનું દિમાગ કસવાની જરૂર જ ન રહે. આ ધર્મગુરુઓએ નાનામાં નાની બાબતો માટે પણ નિયમો બનાવ્યા હતા. *

૧૨. ફરોશીઓ પોતાને કેવા ગણતા હતા?

૧૨ પ્રથમ સદીના યહુદી ઇતિહાસકાર જોસેફસ સ્પષ્ટ કહે છે કે ફરોશીઓ પોતાને દરેક કાર્યમાં નમ્ર, દયાળુ, ન્યાયી અને નિષ્પક્ષપાતી માનતા હતા. નિઃશંક, કેટલાક ફરોશીઓ એવા હતા પણ ખરા. તમારા મનમાં નીકોદેમસ આવી શકે. (યોહાન ૩:૧, ૨; ૭:૫૦, ૫૧) સમય જતાં, તેઓમાંના કેટલાકે પરમેશ્વરના માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૫) પ્રેષિત પાઊલે ફરોશીઓ જેવા અમુક યહુદી લોકો વિષે લખ્યું: “દેવ ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે.” (રૂમી ૧૦:૨) તેમ છતાં, સુવાર્તાના લેખકોએ બતાવ્યું કે સામાન્ય લોકો તેઓને અભિમાની, મગરૂર, સ્વ-ન્યાયી, ભૂલો શોધનારા, બીજાઓનો ન્યાય કરનારા અને નિયમો લાદનારા તરીકે જોતા હતા.

ઈસુ તેઓને કઈ રીતે જોતા હતા?

૧૩. ઈસુએ ફરોશીઓ વિષે શું કહ્યું?

૧૩ ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઢોંગી કહ્યા. “ભારે અને ઊંચકતાં મહા મુસીબત પડે એવા બોજો તેઓ માણસોની ખાંધો પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી.” હા, બોજો ભારે હતો અને લોકો પર નાંખવામાં આવેલી ઝૂંસરી પણ યોગ્ય ન હતી. ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને “મૂર્ખો” કહે છે. એક મૂર્ખ વ્યક્તિ સમાજ માટે બોજરૂપ છે. ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને “આંધળાઓ” પણ કહે છે. તેમણે કહ્યું કે તેઓએ ‘નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસને પડતાં મૂક્યાં છે.’ એવું કઈ વ્યક્તિ ઇચ્છશે કે ઈસુ તેને ફરોશીઓ જેવા ગણે?—માત્થી ૨૩:૧-૪, ૧૬, ૧૭, ૨૩.

૧૪, ૧૫. (ક) ઈસુ માત્થી લેવી સાથે જે રીતે વર્ત્યા એ ફરોશીઓના વર્તન વિષે શું બતાવે છે? (ખ) આ અહેવાલમાંથી આપણે કયો બોધપાઠ શીખી શકીએ?

૧૪ સુવાર્તાના અહેવાલોને વાંચતી કોઈ પણ વ્યક્તિ મોટા ભાગના ફરોશીઓના કઠોર વર્તનને જોઈ શકે છે. ઈસુએ કર ઉઘરાવનાર માત્થી લેવીને શિષ્ય બનવાનું આમંત્રણ આપ્યું પછી, એ લેવીએ તેમના માટે મોટી મિજબાની રાખી. અહેવાલ કહે છે: “ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેના શિષ્યોની વિરૂદ્ધ કચકચ કરીને કહ્યું, કે તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, . . . ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારૂ બોલાવવા હું આવ્યો છું.”—લુક ૫:૨૭-૩૨.

૧૫ એ પ્રસંગે બીજો એક મુદ્દો પણ ઈસુએ કહ્યો કે જેની લેવીએ કદર કરી: “યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો શો અર્થ છે, તે જઈને શીખો.” (માત્થી ૯:૧૩) ફરોશીઓ હેબ્રી પ્રબોધકોના લખાણમાં માનવાનો દાવો કરતા હતા છતાં, હોશીઆ ૬:૬માં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તેઓ કરતા ન હતા. જો કોઈ પ્રણાલીઓને આધીન રહેવામાં ભૂલ કરે તો, દયાળુ બનવાને બદલે તેઓ નિયમો પાળવાને વધારે મહત્ત્વ આપતા હતા. આપણે પણ પોતાને પૂછી શકીએ, ‘શું મારી શાખ એવી છે કે હું અમુક નિયમો વિષે કડક છું કે જેમાં હું મારા વ્યક્તિગત અભિપ્રાયો બીજા પર ઠોકી બેસાડું છું. અથવા શું બીજાઓ મને માયાળુ અને દયાળુ તરીકે જુએ છે?’

૧૬. ફરોશીઓનું વલણ કેવું હતું અને આપણે કઈ રીતે તેઓ જેવા બનવાનું ટાળી શકીએ?

૧૬ ફરોશીઓ દૂધમાંથી પણ પોરા કાઢતા હતા. તેઓ દરેક બાબતમાં વાંક કાઢતા હતા. તેઓ લોકો પર શંકા કરતા અને તેઓની ભૂલો બતાવ્યા કરતા હતા. ફરોશીઓ ફુદીનો, સૂવા અને જીરા જેવી વસ્તુઓનો દસમો ભાગ આપવા વિષે ઘમંડ કરતા હતા. તેઓ પોતાના કપડાંથી ધાર્મિકતાનો દેખાડો કરીને લોકોને અવળે માર્ગે દોરતા હતા. સાચે જ, જો આપણાં કાર્યો ઈસુના ઉદાહરણના સુમેળમાં હોય તો, આપણે બીજાઓની ભૂલો શોધીને એનો ઢંઢેરો પીટવાનું વલણ ટાળવું જોઈએ.

ઈસુએ કઈ રીતે સમસ્યાઓ હલ કરી?

૧૭-૧૯. (ક) ઈસુએ ગંભીર ગણાતી પરિસ્થિતિને કઈ રીતે હાથ ધરી એ સમજાવો. (ખ) કઈ બાબતે પરિસ્થિતિને વધારે તણાવપૂર્ણ અને અપ્રિય બનાવી? (ગ) લોહીવાથી પીડાતી સ્ત્રી ઈસુ પાસે આવી એ સમયે, તમે ત્યાં હોત તો કેવી પ્રતિક્રિયા બતાવી હોત?

૧૭ સમસ્યાઓ હલ કરવામાં ઈસુ અને ફરોશીઓ વચ્ચે આભ-જમીનનો ફરક હતો. ઈસુએ ગંભીર સમસ્યા બની શકે એવી પરિસ્થિતિને કઈ રીતે હાથ ધરી એનો વિચાર કરો. એક સ્ત્રીને ૧૨ વર્ષથી લોહીવા થયો હતો. તમે એ અહેવાલ લુક ૮:૪૨-૪૮માં વાંચી શકો.

૧૮ માર્કનો અહેવાલ બતાવે છે કે એ સ્ત્રી ‘બીહીને ધ્રૂજી ગઈ’ હતી. (માર્ક ૫:૩૩) શા માટે? કારણ કે તે જાણતી હતી કે તેણે પરમેશ્વરનો નિયમ તોડ્યો છે. લેવીય ૧૫:૨૫-૨૮ અનુસાર, લોહીવા થયો હોય એ સ્ત્રી, લોહીવા રહે ત્યાં સુધી અને પછી પણ એક અઠવાડિયા સુધી અશુદ્ધ ગણાતી. તેથી, એ નિયમ પ્રમાણે તે જે કંઈ વસ્તુઓ કે વ્યક્તિઓને અડકી એ સર્વ અશુદ્ધ બન્યા. કેમ કે ઈસુ પાસે પહોંચવા, ટોળામાંથી રસ્તો કરતી વખતે તે સ્ત્રીએ ઘણી ધક્કામુક્કી કરવી પડી હશે. આપણે ૨૦૦૦ વર્ષ પછી પણ આ અહેવાલને વાંચીએ છીએ ત્યારે, આ સ્ત્રી પર દયા આવી જાય છે.

૧૯ જો તમે એ દિવસે ત્યાં હાજર હોત તો, તમે એ પરિસ્થિતિને કઈ રીતે જોઈ હોત? તમે શું કહ્યું હોત? નોંધ લો કે ઈસુએ આ સ્ત્રીના લીધે ઊભી થયેલી સમસ્યાનો ઉલ્લેખ કર્યા વગર તેના પ્રત્યે દયા, પ્રેમ અને સહાનુભૂતિ બતાવી.—માર્ક ૫:૩૪.

૨૦. જો આજે લેવીય ૧૫:૨૫-૨૮ પ્રમાણે કરવાનું હોત તો, આપણે કયા પડકારોનો સામનો કરવો પડ્યો હોત?

૨૦ શું આપણે આ બનાવમાંથી કંઈક શીખી શકીએ? ધારો કે તમે મંડળમાં વડીલ છો. વળી, માની લો કે આજે પણ લેવીય ૧૫:૨૫-૨૮માં આપવામાં આવેલી આજ્ઞાને પાળવાની છે. તોપણ, એક બહેને ન છૂટકે એ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો, તમે શું કરશો? શું તમે તેને બધાની સામે ઉતારી પાડીને સખત ઠપકો આપશો? તમે કહેશો, “ના, ના, હું ક્યારેય એવું નહિ કરું! ઈસુના ઉદાહરણને અનુસરીને, હું તેની સાથે પ્રેમાળ રીતે, માયાળુપણે, સહાનુભૂતિ બતાવવાના બધા જ પ્રયત્નો કરીશ.” ઘણું જ સરસ! તેમ છતાં, ઈસુના પગલે ચાલવું સહેલું નથી.

૨૧. ઈસુએ લોકોને નિયમ વિષે શું શીખવ્યું?

૨૧ ઈસુ લોકો સાથે જે રીતે વર્ત્યા અને ઉત્તેજન આપ્યું એમાંથી તેઓએ તાજગી મેળવી. પરમેશ્વરનો નિયમ સ્પષ્ટ હતો, એનો અર્થ એ થયો કે તેઓએ નિયમમાં જે હતું એ જ કરવાનું હતું. જો પરમેશ્વરનો નિયમ સામાન્ય લાગતો હોય તો, લોકોએ પોતાના અંતઃકરણનો વધારે ઉપયોગ કરવાનો હતો. તેઓએ પોતાના નિર્ણયો દ્વારા પરમેશ્વર માટેનો પ્રેમ બતાવવાનો હતો. આમ, નિયમ બોજરૂપ ન હતો. (માર્ક ૨:૨૭, ૨૮) પરમેશ્વરે પોતાના લોકોને પ્રેમ કર્યો, સતત તેઓના ભલા માટે કાર્ય કર્યું અને તેઓએ ભૂલ કરી ત્યારે દયા પણ બતાવી. ઈસુ પણ યહોવાહ જેવા જ હતા.—યોહાન ૧૪:૯.

ઈસુના શિક્ષણનું પરિણામ

૨૨. ઈસુના ઉદાહરણમાંથી તેમના શિષ્યોને કયા પ્રકારનું વલણ રાખવામાં મદદ મળી?

૨૨ ઈસુનું સાંભળ્યું અને તેમના શિષ્ય બન્યા એ સર્વએ તેમણે આપેલા આમંત્રણની સત્યતાની કદર કરી: “કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૩૦) તેઓએ કદી પણ એવું અનુભવ્યું નહિ કે ઈસુએ તેઓની સાથે કઠોર વ્યવહાર કર્યો હોય કે ઠપકો આપ્યો હોય. તેઓ સ્વતંત્ર, આનંદી અને પરમેશ્વર તેમ જ એકબીજા સાથેના સંબંધમાં વધારે આત્મવિશ્વાસ અનુભવતા હતા. (માત્થી ૭:૧-૫; લુક ૯:૪૯, ૫૦) ઈસુમાંથી તેઓ શીખ્યા કે આત્મિક રીતે આગેવાની લેનારા બનવાનો અર્થ, બીજાઓને તાજગી આપનારા બનવું તથા મન અને હૃદયથી નમ્રતા બતાવવી થાય છે.—૧ કોરીંથી ૧૬:૧૭, ૧૮; ફિલિપી ૨:૩.

૨૩. ઈસુ સાથે રહેવાથી શિષ્યો કયો મહત્ત્વનો બોધપાઠ શીખ્યા અને એનાથી તેઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા?

૨૩ વધુમાં, ઘણા લોકોએ હૃદયથી બતાવ્યું કે ઈસુ સાથે એકતામાં રહેવું અને તેમના જેવું વલણ બતાવવું કેટલું મહત્ત્વનું છે. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.” (યોહાન ૧૫:૯, ૧૦) જો તેઓએ પરમેશ્વરના સેવક તરીકે તેમની સફળતાપૂર્વક સેવા કરવી હોય તો, તેઓએ ઈસુ પાસેથી જે શીખ્યા હતા એને પોતાના જીવનમાં લાગુ પાડવા ખંતીલો પ્રયત્ન કરવાનો હતો. વળી, એમાં કુટુંબના સભ્યો અને મિત્રો તેમ જ બીજા લોકોને જાહેરમાં પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવાનો તથા શિક્ષણ આપવાનો સમાવેશ થતો હતો. મંડળમાં વધારો થતો જાય તેમ, તેઓએ વારંવાર પોતાને યાદ કરાવવાની જરૂર હતી કે આ જ સાચો માર્ગ છે. આમ, ઈસુએ જે શીખવ્યું એ સત્ય હતું અને તે જે રીતે જીવન જીવ્યા એ રીતે કરવા માટે શિષ્યો આતુર હતા.—યોહાન ૧૪:૬; એફેસી ૪:૨૦, ૨૧.

૨૪. ઈસુના ઉદાહરણમાંથી આપણે શું શીખીએ છીએ?

૨૪ આપણે આ લેખમાં અમુક મુદ્દાઓની ચર્ચા કરી, એના પરથી તમે જોઈ શકો છો કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે? શું તમે સહમત થાવ છો કે ઈસુ હંમેશા સમજી વિચારીને અને પોતાના ઉદાહરણથી શીખવતા હતા? એમ હોય તો, ઈસુ આપણને ઉત્તેજન આપે છે: “જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.”—યોહાન ૧૩:૧૭.

[ફુટનોટ]

^ “[ઈસુ અને ફરોશીઓ વચ્ચેનો] મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ છે કેમ કે પરમેશ્વર વિષેની તેમની સમજણમાં આભ-જમીનનો ફરક જોવા મળે છે. ફરોશીઓ અનુસાર, પરમેશ્વર મનુષ્ય પાસેથી માંગણી કરે છે; જ્યારે ઈસુ અનુસાર તે કૃપાળુ અને દયાળુ છે. જોકે, ફરોશીઓ એ બાબતનો નકાર કરતા ન હતા કે પરમેશ્વર દયાળુ અને પ્રેમ કરનારા છે. પરંતુ, તેમના મત પ્રમાણે, પરમેશ્વરે તોરાહ [નિયમ] ભેટમાં આપીને પ્રેમ અને દયા બતાવી છે વળી, એમાં આપવામાં આવેલા નિયમો પાળી શકાય છે. . . . ફરોશીઓએ ઘણા બધા મૌખિક નિયમો આપ્યા હોવાથી, એને અનુસરવાને ફરોશીઓ તોરાહ [નિયમ]ને અનુસરવા બરાબર ગણતા હતા. . . . ઈસુએ પ્રેમ વિષેની બે આજ્ઞાઓ આપી અને એને બધા જ નિયમો કરતાં વધારે મહત્ત્વ આપ્યું. (માત્થી ૨૨:૩૪-૪૦) ઈસુએ તેઓના પોતાના બોજરૂપ નિયમો પાળવાનો નકાર કર્યો હોવાથી . . . તે ફરોશીઓના દુશ્મન બની ગયા કે જેઓ પોતાના અંતઃકરણના આધારે નિર્ણયો લેવાની તક આપતા ન હતા.”—ધ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્ષનરી ઑફ ન્યૂ ટેસ્ટામેન્ટ થિઓલોજી.

તમે કેવો જવાબ આપશો?

• તમારા માટે ઈસુના શિષ્ય બનવાનો શું અર્થ થાય છે?

• ઈસુ લોકો સાથે કઈ રીતે વર્ત્યા?

• ઈસુએ જે રીતે શીખવ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

• ફરોશીઓ અને ઈસુ કઈ રીતે અલગ હતા?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮, ૧૯ પર ચિત્રો]

ઈસુ અને ફરોશીઓમાં લોકો પ્રત્યેના વલણમાં કેવો આભ-જમીનનો ફરક હતો!