સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શુભસંદેશના આશીર્વાદો

શુભસંદેશના આશીર્વાદો

શુભસંદેશના આશીર્વાદો

“દીનોને વધામણી [અથવા શુભસંદેશ] કહેવા સારુ યહોવાહે મને અભિષિક્ત કર્યો છે; ભગ્‍ન હૃદયોવાળાને સાજા કરવા સારુ, . . . સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારુ . . . તેણે મને મોકલ્યો છે.”​—⁠યશાયાહ ૬૧:૧-૩.

૧, ૨. (ક) ઈસુએ પોતાની કેવી ઓળખ આપી? (ખ) ઈસુએ જણાવેલો શુભસંદેશ કયા આશીર્વાદો લાવતો હતો?

 નાઝારેથમાં ઈસુ સાબ્બાથના દિવસે સભાસ્થાનમાં ગયા. અહેવાલ જણાવે છે કે “યશાયાહ પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી, કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમકે . . . સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કર્યો છે.” ઈસુએ એ ભવિષ્યવાણી આગળ વાંચી. પછી, તે બેસી ગયા અને કહ્યું કે “આજ આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.”​—⁠લુક ૪:૧૬-૨૧.

આમ, ભવિષ્યવાણી પ્રમાણે ઈસુએ શુભસંદેશો જણાવનાર અને દિલાસો આપનાર તરીકે પોતાની ઓળખ આપી. (માત્થી ૪:૨૩) ખરેખર, ઈસુએ શુભસંદેશો જણાવ્યો! તેમણે પોતાના સાંભળનારાને કહ્યું: “જગતનું અજવાળું હું છું; જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” (યોહાન ૮:૧૨) તેમણે એમ પણ કહ્યું કે “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો; અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહાન ૮:૩૧, ૩૨) ખરેખર, ઈસુ પાસે “અનંતજીવનની વાતો” હતી. (યોહાન ૬:૬૮, ૬૯) અજવાળું, જીવન, સ્વતંત્રતા, સાચે જ મહાન આશીર્વાદો છે!

૩. ઈસુના શિષ્યોએ કયો શુભસંદેશો જાહેર કર્યો?

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ. પછી, ઈસુના શિષ્યોએ શુભસંદેશો ફેલાવવાનું ચાલુ રાખ્યું. તેઓએ “રાજ્યની આ સુવાર્તા” ઈસ્રાએલીઓ અને બીજી પ્રજાઓને પણ જણાવી. (માત્થી ૨૪:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૭; રૂમી ૧:૧૬) જેઓએ સાંભળ્યું, તેઓ યહોવાહ પરમેશ્વરને ઓળખતા થયા. તેઓ ધાર્મિક ગુલામીમાંથી સ્વતંત્ર થયા. તેમ જ, તેઓ “દેવના ઈસ્રાએલ,” નવી આત્મિક પ્રજાનો ભાગ બન્યા, જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં હંમેશ માટે રાજ કરવાની આશા છે. (ગલાતી ૫:૧; ૬:૧૬; એફેસી ૩:૫-૭; કોલોસી ૧:૪, ૫; પ્રકટીકરણ ૨૨:૫) સાચે જ એ અમૂલ્ય આશીર્વાદો કહેવાય!

આજનું પ્રચાર કાર્ય

૪. આજે કઈ રીતે શુભસંદેશો જાહેર કરવાનું કામ પૂરું થઈ રહ્યું છે?

સૌ પ્રથમ ઈસુને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું, એ આજે અભિષિક્ત ખ્રિસ્તીઓ પૂરું કરી રહ્યા છે. તેઓને ‘બીજાં ઘેટાંની’ બનેલી ‘મોટી સભાનો’ પૂરેપૂરો સાથ છે. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) તેથી, આજે માની ન શકાય એટલા મોટા પ્રમાણમાં શુભસંદેશાનો ફેલાવો થઈ રહ્યો છે. આજે ૨૩૫ દેશોમાં યહોવાહના સાક્ષીઓ જઈને ‘દીનોને વધામણી કહે . . . છે; ભગ્‍ન હૃદયોવાળાને સાજા કરવા સારુ, બંદીવાનોને છૂટકારાની તથા કેદીઓને કેદખાનું ઉઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા સારુ; યહોવાહે માન્ય કરેલું વર્ષ, આપણા દેવના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા સારુ; સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા સારુ’ જાય છે. (યશાયાહ ૬૧:​૧, ૨) આમ, શુભસંદેશો જાહેર કરવાનું કાર્ય ઘણા લોકોને આશીર્વાદ અને “ગમે તેવી વિપત્તિમાં” દિલાસો આપવાનું ચાલુ રાખે છે.​—⁠૨ કોરીંથી ૧:૩, ૪.

૫. શુભસંદેશો જાહેર કરવામાં, યહોવાહના સાક્ષીઓ કઈ રીતે ચર્ચોથી જુદા છે?

એ સાચું છે કે ખ્રિસ્તીરાષ્ટ્રના ચર્ચો પણ અમુક રીતે પ્રચાર કરે છે. ઘણા તેઓના મિશનરીઓને જુદા જુદા દેશોમાં પ્રચાર કરવા મોકલે છે. દાખલા તરીકે, ઑર્થોડોક્ષ ખ્રિસ્તી મિશન સેન્ટર મેગેઝિન મડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા અને ઝીમ્બાબ્વેમાંના તેઓના મિશનરીઓ વિષે અહેવાલ આપે છે. તેમ છતાં, બીજાં ચર્ચોની જેમ જ, ઑર્થોડોક્ષ ચર્ચના બધા લોકો કંઈ પ્રચાર કાર્યમાં ભાગ લેતા નથી. જ્યારે કે યહોવાહના સાક્ષીઓમાં બધા જ શુભસંદેશો જાહેર કરવા પોતાનાથી બનતું બધું જ કરે છે. તેઓ જાણે છે કે પ્રચાર કાર્ય તેઓના વિશ્વાસની સાબિતી આપે છે. પાઊલે કહ્યું હતું: “ન્યાયીપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે.” તેથી, એકલો વિશ્વાસ પૂરતો નથી, પણ એની સાથે સારાં કાર્યો કરવા જોઈએ, નહિ તો એ વિશ્વાસ નકામો છે.​—⁠રૂમી ૧૦:૧૦; યાકૂબ ૨:⁠૧૭.

કાયમી આશીર્વાદો લાવતો શુભસંદેશ

૬. આજે કયો શુભસંદેશો જાહેર કરવામાં આવી રહ્યો છે?

યહોવાહના સાક્ષીઓ સૌથી સારો સંદેશો જાહેર કરી રહ્યા છે. તેઓ બાઇબલમાંથી લોકોને જણાવે છે કે ઈસુએ આપણા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. જેથી, આપણે યહોવાહ સાથે સારો સંબંધ રાખી શકીએ, પાપોની માફી મેળવી શકીએ અને કાયમી જીવનની આશા પામીએ. (યોહાન ૩:૧૬; ૨ કોરીંથી ૫:૧૮, ૧૯) તેઓ એ પણ જણાવે છે કે યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં સ્થપાયું છે. એના રાજા તરીકે ઈસુ ખ્રિસ્તનો અભિષેક થયો છે. તેમ જ, એ રાજ્ય દ્વારા પૃથ્વી પરથી બધા દુઃખોનો જલદી જ અંત આવશે અને પૃથ્વી પર સુખ-શાંતિ આવશે. (પ્રકટીકરણ ૧૧:૧૫; ૨૧:૩, ૪) યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે, તેઓ બધાને જણાવે છે કે આ “યહોવાહે માન્ય કરેલું વર્ષ” છે, હમણાં જ શુભસંદેશ સાંભળીને નિર્ણય લો. તેઓ ચેતવણી પણ આપે છે કે જલદી જ ‘દેવનો પ્રતિકારનો [કોપનો] દિવસ’ આવશે. એ દિવસે યહોવાહ પોતાનું કહેવું નહિ માનનારા દુષ્ટોનો વિનાશ કરશે.​—⁠ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧.

૭. કયો અનુભવ યહોવાહના સાક્ષીઓનો સંપ બતાવે છે અને શા માટે તેઓમાં એવો પ્રેમ છે?

આજે દુનિયામાં ઘણી આફતો આવી રહી છે ત્યારે, ફક્ત આ જ એવો શુભસંદેશ છે જે કાયમી આશીર્વાદો લાવે છે. જેઓ એ પ્રમાણે જીવશે, તેઓ સંપીલા અને આખી દુનિયામાં આવેલા સાચા ખ્રિસ્તીઓના કુટુંબનો ભાગ બને છે. તેઓની વચ્ચે દેશો, જાતિઓ કે ઊંચ-નીચનો કોઈ ભેદભાવ નથી. તેઓએ ‘પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લીધું’ છે. (કોલોસી ૩:૧૪; યોહાન ૧૫:૧૨) ગયા વર્ષે આ મધ્ય આફ્રિકાના એક દેશમાં જોવા મળ્યું હતું. એક સવારે એની રાજધાનીના લોકો ગોળીબારના અવાજથી જાગી ગયા. સરકાર ઊથલાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. જ્યારે જાતિવાદ ઊભો થયો, ત્યારે એક યહોવાહના સાક્ષીઓના કુટુંબ પર આરોપ મૂકવામાં આવ્યો કે, તેઓ બીજી જાતિના સાક્ષીઓને આશરો આપે છે. કુટુંબે જવાબ આપ્યો: “અમારા ઘરમાં ફક્ત યહોવાહના સાક્ષીઓ જ છે.” હા, તેઓ માટે જાતિનો ભેદભાવ નહિ, પણ એ સમયે જરૂરી દિલાસો આપતો ખ્રિસ્તી પ્રેમ વધારે મહત્ત્વનો હતો. તેઓની એક સંબંધી જે સાક્ષી ન હતી, તેણે કહ્યું: “બધા ધર્મોના લોકોએ પોતાના સાથીઓ સાથે દગો કર્યો, પણ ફક્ત યહોવાહના સાક્ષીઓએ એમ ન કર્યું.” યુદ્ધથી વેરવિખેર થયેલા દેશોમાંથી ઘણા એવા જ અનુભવો બતાવે છે કે યહોવાહના સાક્ષીઓ સાચે જ ‘બંધુમંડળ પર પ્રીતિ રાખે છે.’​—⁠૧ પીતર ૨:⁠૧૭.

શુભસંદેશ લોકોને બદલે છે

૮, ૯. (ક) શુભસંદેશો માનનારા કેવા કેવા ફેરફારો કરે છે? (ખ) શુભસંદેશાની કેવી અસર થાય છે, એના અનુભવો જણાવો.

પાઊલે જણાવ્યા પ્રમાણે આ શુભસંદેશમાં “હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.” (૧ તીમોથી ૪:૮) એ ફક્ત આવનાર સુંદર ભાવિ વિષે જ જણાવતો નથી, પરંતુ ‘હમણાંના જીવનમાં પણ’ સુધારો કરે છે. યહોવાહના સાક્ષીઓ પોતે જીવનમાં બાઇબલનું શિક્ષણ લાગુ પાડે છે અને યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૧) તેઓ ન્યાયીપણું અને વફાદારી જેવા ગુણો કેળવે છે તેમ, તેઓનો સ્વભાવ જ બદલાઈ જાય છે.​—⁠એફેસી ૪:⁠૨૪.

ફ્રેંકોનો વિચાર કરો. તેનો સ્વભાવ આકરો હતો. જ્યારે પણ કંઈ ખોટું થતું, ત્યારે તે બહુ જ ગુસ્સે ભરાઈ જતો અને તોડ-ફોડ કરતો. તેની પત્ની યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખતી હતી. સમય જતાં, તેઓની સારી રીતભાત પરથી ફ્રેંકો જોઈ શક્યો કે તેણે ફેરફારો કરવાની જરૂર છે. તે પણ બાઇબલમાંથી શીખવા લાગ્યો અને આખરે પવિત્ર આત્માના ફળ, શાંતિ અને સંયમ બતાવવા લાગ્યો. (ગલાતી ૫:​૨૨, ૨૩) બેલ્જિયમમાં ૨૦૦૧માં ૪૯૨ લોકોએ બાપ્તિસ્મા લીધું, એમાં તે એક હતો. એલેહાન્ડ્રોનો પણ વિચાર કરો. એ યુવાન ડ્રગ્સનો એવો ગુલામ બની ગયો કે તે કચરા પેટી પર જીવતો થઈ ગયો. એટલે કે કચરા પેટીમાંથી જે કંઈ વેચવા જેવું મળે, એ વેચીને તે પોતાની કુટેવ સંતોષતો. તે બાવીસ વર્ષનો હતો ત્યારે, યહોવાહના સાક્ષીઓ તેને મળ્યા અને એલેહાન્ડ્રોને બાઇબલનું શિક્ષણ લેવાનું ઉત્તેજન આપ્યું. તે સહમત થયો. તે દરરોજ બાઇબલ વાંચતો અને યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જતો. તેણે એટલી ઝડપથી પોતાના જીવનમાં સુધારા કર્યા કે છ મહિનામાં તો તે શુભસંદેશો જાહેર કરવા લાગ્યો. ગયા વર્ષે પનામામાં ૧૦,૧૧૫ જણાએ પ્રચાર કર્યો, એમાંનો તે એક હતો.

નમ્ર લોકો માટે આશીર્વાદ!

૧૦. શુભસંદેશો કોણ સાંભળે છે અને કઈ રીતે તેઓ જીવનમાં ફેરફારો લાવે છે?

૧૦ યશાયાહે ભાખ્યું હતું કે દીન અથવા નમ્ર લોકોને શુભસંદેશ કહેવામાં આવશે. આ નમ્ર લોકો કોણ છે? બાઇબલ પ્રમાણે તેઓ ‘કાયમી જીવન માટે યહોવાહને શોધનારા’ છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:​૪૮, NW) એવા નમ્ર લોકો દરેક સમાજમાં મળી આવે છે. તેઓ પોતે દિલથી સત્યનો સંદેશો સ્વીકારે છે. તેઓ શીખે છે કે ફક્ત યહોવાહના આશીર્વાદો જ તેઓને સુખી બનાવી શકે છે, કેમ કે આ જગત પાસે દુઃખો સિવાય કશું જ નથી. (૧ યોહાન ૨:૧૫-૧૭) જો કે યહોવાહના સાક્ષીઓ શુભસંદેશો આપવા લોકોના દિલ સુધી કઈ રીતે પહોંચે છે?

૧૧. પાઊલે કહ્યું તેમ કઈ રીતે શુભસંદેશો પ્રચાર કરવો જોઈએ?

૧૧ પાઊલે કોરીંથીના ભાઈઓને જે લખ્યું એનો વિચાર કરો: “ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે તમને દેવ વિષેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. કેમકે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાએલો, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો.” (૧ કોરીંથી ૨:૧, ૨) પાઊલે બીજાઓની આગળ પોતાના જ્ઞાનનો દેખાડો કર્યો નહિ. તેમણે ફક્ત પરમેશ્વરનું જ્ઞાન આપ્યું, જે આજે બાઇબલમાં મળી આવે છે. તેમના સાથીદાર, તીમોથીને તેમણે જે ઉત્તેજન આપ્યું, એની પણ નોંધ લો: “તું સુવાર્તા પ્રગટ કર; . . . તત્પર રહે.” (૨ તીમોથી ૪:૨) તીમોથીએ પણ યહોવાહના સંદેશનો પ્રચાર કરવાનો હતો. પાઊલે તીમોથીને એમ લખ્યું: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.”​—⁠૨ તીમોથી ૨:⁠૧૫.

૧૨. આજે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે પાઊલના પગલે ચાલે છે?

૧૨ યહોવાહના સાક્ષીઓ પાઊલનો નમૂનો અને તેમણે તીમોથીને કહેલા શબ્દો અનુસરે છે. તેઓ લોકોને આશા અને દિલાસો આપે છે તેમ, તેઓ બાઇબલની શક્તિ જોઈ શકે છે અને એનો ભરપૂર ઉપયોગ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૨; ૨ તીમોથી ૩:૧૬, ૧૭; હેબ્રી ૪:૧૨) ખરું કે તેઓ બાઇબલ પરના પુસ્તકો પણ લોકોને આપે છે, જેથી તેઓ પોતાના સમયમાં બાઇબલ વિષે વધારે શીખી શકે. પરંતુ, તેઓનું મૂળ શિક્ષણ બાઇબલમાંથી છે. તેઓ જાણે છે કે યહોવાહની પ્રેરણાથી લખાયેલું બાઇબલ નમ્ર લોકોના દિલમાં પ્રેરણા જગાડશે. વળી, એનો ઉપયોગ કરવાથી તેઓનો પોતાનો વિશ્વાસ દૃઢ થાય છે.

“શોક કરનારાઓને દિલાસો”

૧૩. ગયા વર્ષે શું બન્યું, જેનાથી શોક કરનારાને દિલાસાની જરૂર છે?

૧૩ ગયા વર્ષે એક પછી બીજી આફત દુનિયા પર આવી પડી, એટલે ઘણાને દિલાસાની જરૂર છે. ગયા સપ્ટેમ્બરમાં અમેરિકામાં બહુ જ કરુણ બનાવો બની ગયા. ન્યૂ યૉર્કમાંના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વૉશિંગ્ટન, ડી.સી. પાસેના પેન્ટાગોન પર ત્રાસવાદીઓએ નિર્દયી હુમલા કર્યા. એ હુમલાથી આખા દેશને કેવો આઘાત લાગ્યો! આવા સંજોગોમાં, યહોવાહના સાક્ષીઓ બનતો પ્રયત્ન કરે છે કે તેઓ ‘શોક કરનારાઓને દિલાસો આપી’ શકે. તેઓ કઈ રીતે એમ કરે છે, એના અમુક અનુભવો હવે પછી જણાવવામાં આવ્યા છે.

૧૪, ૧૫. બાઇબલનો ઉપયોગ કરીને કઈ રીતે ભાઈ-બહેનોએ શોક કરનારાને દિલાસો આપ્યો?

૧૪ એક યહોવાહની સાક્ષી લોકોને શુભસંદેશો કહેવામાં પોતાનો પૂરો સમય આપે છે. તેને રસ્તામાં એક સ્ત્રી મળી. તેને તેણે પૂછ્યું કે ત્રાસવાદીના હુમલા વિષે તેને કેવું લાગે છે. તે સ્ત્રી રડવા લાગી. તેણે કહ્યું કે તેને ઘણો આઘાત લાગ્યો છે અને તે કંઈક મદદ કરવા ચાહે છે. આપણી બહેને જણાવ્યું કે પરમેશ્વર આપણને બધાને ચાહે છે અને તેણે યશાયાહ ૬૧:૧, ૨ વાંચી સંભળાવ્યું. તે સ્ત્રીને આ શબ્દોથી દિલાસો મળ્યો, જેણે કહ્યું કે બધા જ હમણાં શોકમાં છે. તેણે એક પત્રિકા લીધી અને આપણી બહેનને જણાવ્યું કે તેના ઘરે ફરીથી આવે.

૧૫ આપણા બે ભાઈઓ શુભસંદેશો જણાવી રહ્યા હતા ત્યારે, તેઓ એક માણસને મળ્યા. તેઓએ તેને જણાવ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જે કરુણ બનાવ બની ગયો એ જોતાં, તેઓ તેને શાસ્ત્રમાંથી દિલાસો આપતા શબ્દો બતાવવા ચાહતા હતા. તેણે હા પાડી ત્યારે, તેઓએ ૨ કોરીંથી ૧:૩-૭ વાંચી જેમાં આ શબ્દો પણ છે: ‘ખ્રિસ્તને આશરે પુષ્કળ દિલાસો મળે છે.’ એ માણસે કદર બતાવી કે યહોવાહના સાક્ષીઓ લોકોને દિલાસો આપતો સંદેશો જણાવતા હતા અને કહ્યું: “તમે જે સારું કાર્ય કરો છો એના પર પરમેશ્વરના આશિષ રહો.”

૧૬, ૧૭. કરુણ ઘટનાને કારણે નિરાશ અને દુઃખી લોકોને બાઇબલમાંથી મદદ આપતા બે અનુભવો શું બતાવે છે?

૧૬ એક ભાઈ બાઇબલ વિષે જાણવા ચાહતી વ્યક્તિઓને ફરીથી મળતા હતા. એક સ્ત્રીના ઘરે એનો દીકરો તેમને મળ્યો. ભાઈએ તેને સમજાવ્યું કે જે બનાવ બની ગયો, પછી પોતાના વિસ્તારના લોકો કેમ છે, એ જોવા તે નીકળ્યા હતા. એ માણસને નવાઈ લાગી કે યહોવાહના સાક્ષીઓ સમય કાઢીને લોકો બરાબર છે કે કેમ એ જોવા નીકળે છે. એ માણસે જણાવ્યું કે જ્યારે એ બધું બન્યું, ત્યારે પોતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સાવ નજીક કામ કરતો હતો. તેણે એમ પણ પૂછ્યું કે પરમેશ્વર શા માટે આવું થવા દે છે ત્યારે, ભાઈએ બાઇબલમાંથી અમુક કલમો વાંચી, જેમાં ગીતશાસ્ત્ર ૩૭:૩૯ પણ હતી. એ કહે છે: “યહોવાહ ન્યાયીઓનું તારણ કરે છે; સંકટની વેળાએ તે તેઓનો કિલ્લો છે.” પછી, એ માણસે પૂછ્યું કે ભાઈનું કુટુંબ કેમ છે. તેમ જ, ભાઈને ફરી પાછા આવવા જણાવ્યું અને તે પોતાને મળવા આવ્યા એ માટે ખૂબ કદર કરી.

૧૭ ત્રાસવાદીઓના એ હુમલા પછી, યહોવાહના સાક્ષીઓએ દિલાસો આપ્યો હોય એવા હજારો અનુભવોમાંનો એક આ પણ છે. સાક્ષીઓ લોકોની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તેઓ એક સ્ત્રીને મળ્યા, જે બનાવોને કારણે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. તેઓએ તેને ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪ વાંચી સંભળાવી: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી [હિંસામાંથી] તે તેઓના આત્માઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.” એ શબ્દો કેવા સમયસરના છે! એ સ્ત્રીએ તેઓને એ કલમો ફરીથી વાંચવા કહ્યું અને તેઓને વાતચીત કરવા ઘરમાં બોલાવ્યા. આમ, તેની સાથે બાઇબલની ચર્ચા શરૂ થઈ.

૧૮. એક ભાઈને લોકો માટે પ્રાર્થના કરવા કહેવામાં આવ્યું ત્યારે, તેમણે કઈ રીતે તેઓને દિલાસો આપ્યો?

૧૮ આપણા એક ભાઈ રેસ્ટોરંટમાં નોકરી કરે છે, જે ધનવાન લોકોના વિસ્તારમાં છે. ત્યાંના લોકો આ પહેલાં શુભસંદેશો સાંભળવા તૈયાર ન હતા. પરંતુ, ત્રાસવાદીના હુમલાઓ પછી, એ સમાજમાં ગભરાટ છવાઈ ગયો. હુમલાઓ પછીના શુક્રવારે સાંજે, એ રેસ્ટોરંટની મેનેજરે દરેક જણને રેસ્ટોરંટની બહાર આવવા કહ્યું. તેમ જ, મીણબત્તીઓ સળગાવીને હુમલામાં માર્યા ગયેલા લોકોને સારું મૌન પાળવા જણાવ્યું. આપણા ભાઈ પણ તેઓની લાગણીઓને માન આપીને બહાર ગયા અને શાંતિથી એક બાજુ ઊભા રહ્યા. મેનેજરને ખબર હતી કે તે યહોવાહના સાક્ષી છે. તેથી, બીજા બધાએ મૌન પાળી લીધા પછી, તેણે આપણા ભાઈને બધા લોકોના માટે પ્રાર્થના કરવા કહ્યું. આપણા ભાઈએ પ્રાર્થના કરીને, એમાં બધાના શોક વિષે જણાવ્યું અને એમ પણ કહ્યું કે બધા શોક કરનારા માટે દિલાસો છે. તેમણે કહ્યું કે એવો સમય આવશે જ્યારે આવા બનાવો બનશે નહિ. તેમ જ, આ સમય એવો છે જ્યારે સર્વ બાઇબલમાંથી સત્ય શીખીને પરમેશ્વર યહોવાહ પાસેથી દિલાસો મેળવી શકે છે. “આમેન” કહ્યા પછી, મેનેજરે ભાઈ પાસે આવીને આભાર માન્યો અને તેને ભેટી પડી. તેમ જ, ભાઈને જણાવ્યું કે આવી પ્રાર્થના તેણે કદી સાંભળી નથી. રેસ્ટોરંટ બહાર ભેગા મળેલા બીજા ૬૦ કરતાં વધારે લોકોએ પણ મેનેજરની જેમ જ કર્યું.

સમાજ માટે આશીર્વાદ

૧૯. કયો અનુભવ બતાવે છે કે યહોવાહના સાક્ષીઓના ધોરણો ઊંચા છે?

૧૯ ખાસ કરીને આ દિવસોમાં, ઘણાનું કહેવું છે કે યહોવાહના સાક્ષીઓ ખરેખર આશીર્વાદરૂપ છે. તેઓ શાંતિ અને પ્રમાણિકતાથી શુદ્ધ જીવન જીવે છે, જેની બીજા પર સારી અસર જ થશે. મધ્ય એશિયાના એક દેશમાં, સાક્ષીઓ એક રિટાયર્ડ અધિકારીને મળ્યા, જે અગાઉના રાજની સલામતી એજન્સીમાં હતા. તેમણે કહ્યું કે એકવાર તેમને જુદા જુદા ધાર્મિક સંગઠનોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે યહોવાહના સાક્ષીઓના સંગઠનમાં જોયું ત્યારે, તે તેઓની પ્રમાણિકતા અને સારા વર્તનથી ઘણા પ્રભાવિત થયા. તે તેઓના દૃઢ વિશ્વાસની પ્રશંસા કરીને કહે છે કે તેઓનું શિક્ષણ બાઇબલ પ્રમાણે જ છે. તેથી, તે પણ બાઇબલની વધારે ચર્ચા કરવા સહમત થયા.

૨૦. (ક) યહોવાહના સાક્ષીઓનો ગયા વર્ષનો અહેવાલ શું બતાવે છે? (ખ) હજુ ઘણું કામ છે એમ કઈ રીતે કહી શકાય અને શુભસંદેશો જણાવવાનું આપણું કાર્ય કેવું છે?

૨૦ એવા હજારો અનુભવો છે, જેમાંથી થોડા જ અહીં આપવામાં આવ્યા છે. એ બતાવે છે કે યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૧ના વર્ષમાં જોરશોરથી શુભસંદેશો જણાવ્યો છે. * તેઓએ લાખો લોકો સાથે વાત કરીને શોક કરનારાને દિલાસો આપ્યો અને તેઓની સેવા સફળ થઈ છે. યહોવાહ પરમેશ્વરને સમર્પણ કરી બાપ્તિસ્મા પામનારાની સંખ્યા ૨,૬૩,૪૩૧ હતી. આખી દુનિયામાં શુભસંદેશો ફેલાવનારની સંખ્યામાં ૧.૭ ટકાનો વધારો થયો. વળી, ઈસુના મરણની યાદગીરીના પ્રસંગે ૧,૫૩,૭૪,૯૮૬ લોકો ભેગા મળ્યા હતા, એ બતાવે છે કે હજુ ઘણું કામ બાકી રહેલું છે. (૧ કોરીંથી ૧૧:૨૩-૨૬) ચાલો આપણે શુભસંદેશ સાંભળવા ચાહનારાને શોધી કાઢીએ. વળી, યહોવાહે માન્ય કરેલું વર્ષ છે ત્યાં સુધી, દુઃખી લોકોને દિલાસો આપીએ. એ ખરેખર મહાન કાર્ય છે! યશાયાહના શબ્દો સાચે જ આપણા દિલની વાત કહે છે: “હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે.” (યશાયાહ ૬૧:૧૦) “પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્‍ન કરશે,” તેમ આપણને શુભસંદેશ ફેલાવવાનો લહાવો આપતા રહે, એવી આશા રાખીએ છીએ.​—⁠યશાયાહ ૬૧:⁠૧૧.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓનો ૨૦૦૧ના વર્ષનો અહેવાલ પાન ૧૯-૨૨ પર મળી આવે છે.

તમને યાદ છે?

• ઈસુએ જણાવેલા શુભસંદેશથી નમ્ર લોકોને કયા લાભ થયા?

• ઈસુના પ્રથમ સદીના શિષ્યોનો સંદેશ માનનારા લોકોને કયા આશીર્વાદો મળ્યા?

• આજે શુભસંદેશ સ્વીકાર કરનારાને કયા આશીર્વાદ મળ્યા છે?

• શુભસંદેશો જણાવવાના કાર્યને આપણે કેવું ગણીએ છીએ?

[Questions]

[પાન ૧૯-૨૨ પર ચાર્ટ]

2001 SERVICE YEAR REPORT OF JEHOVAH’S WITNESSES WORLDWIDE

[પાન ૧૫ પર ચિત્રો]

યહોવાહના સાક્ષીઓ શુભસંદેશો જણાવવાનું પોતાનું કાર્ય કદી ભૂલતા નથી

[પાન ૧૭ પર ચિત્રો]

શુભસંદેશો સ્વીકાર કરનારા આખી દુનિયામાં ફેલાયેલા એક સંપીલા કુટુંબનો ભાગ બને છે