સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સામાજિક ભેદભાવની સમસ્યાઓ

સામાજિક ભેદભાવની સમસ્યાઓ

સામાજિક ભેદભાવની સમસ્યાઓ

“દરેકને સમાન હક્ક હોવા જોઈએ, પરંતુ એવી કોઈ સરકાર નથી કે જે એમ કરી શકે.”

એમ ઓગણીસમી સદીના ફ્રેન્ચ લેખક ઓનોરે ડ બાલસાકે કહ્યું. શું તમે તેમની સાથે સહમત થાવ છો? ઘણા લોકો એવું જ માને છે કે સમાજમાં ઊંચનીચના ભેદભાવ હોવા જોઈએ નહિ. તેમ છતાં, આજે આ ૨૧મી સદીમાં અનેક સમાજમાં ઊંચનીચનો ભેદભાવ જોવા મળે છે.

કેલવિન કુલીજ ૧૯૨૩-૧૯૨૯માં અમેરિકાના પ્રમુખ હતા. તે સમાજમાં ઊંચનીચની સમસ્યા વિષે ઘણા જ ચિંતિત હતા. તેથી, તેમણે કહ્યું કે “દરેક પ્રકારના ભેદભાવને સંપૂર્ણ રીતે દૂર કરવા જરૂરી છે.” તેમ છતાં, કુલીજની સત્તાના લગભગ ૪૦ વર્ષ પછી, નાત-જાતની સમસ્યાઓ વિષે અભ્યાસ કરનાર, કર્નર કમિશને જણાવ્યું કે અમેરિકાના સમાજમાં બે ભાગલા પડવાનો ભય છે: “એક તરફ કાળા અને બીજી તરફ ગોરા, બંને એકદમ અલગ હતા.” કેટલાક લોકોનું કહેવું છે કે આજે એ દેશમાં એમ જ થયું છે, “ધનવાન-ગરીબ અને ઊંચનીચના ભેદભાવો વધી રહ્યા છે.”

બધાને એકસમાન કરવા કેમ આટલું બધું અઘરું છે? એનું મુખ્ય કારણ મનુષ્યનો સ્વભાવ છે. ભૂતપૂર્વ યુ.એસ. કોંગ્રેસના સભ્ય વિલ્યમ રાનડૉફ હાસ્ટે એક વખત આમ કહ્યું હતું: “સર્વ મનુષ્યોને એક રીતે સમાન ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે, એ છે ઊંચનીચના ભેદભાવની તેઓની ઇચ્છા.” તેમના કહેવાનો શું અર્થ હતો? ઓગણીસમી સદીના ફ્રૅન્ચ લેખક ઍન્રી બૅકે વધારે સ્પષ્ટ રીતે આમ કહ્યું: “સમાનતાને અઘરી બનાવનાર બાબત એ છે કે આપણે ફક્ત આપણાથી ઉપર હોય, તેઓ સાથે જ સરખા થવાનું ઇચ્છીએ છીએ.” બીજા શબ્દોમાં, સમાજમાં ઉચ્ચ પદવી પર છે તેઓ સાથે જ લોકો સમાન થવા ઇચ્છે છે; પરંતુ મોટા ભાગે લોકો પોતાની પદવી છોડવા કે પોતાનાથી નીચા હોદ્દાના છે તેઓને માન અને લાભો આપવા તૈયાર નથી.

પ્રાચીન સમયોમાં લોકો સામાન્ય, ઉચ્ચ વર્ગમાં અથવા રાજવંશી કુટુંબમાં જન્મતા હતા. આજે પણ એ અમુક દેશોમાં સાચું છે. તેમ છતાં, આજે મોટા ભાગના દેશોમાં પૈસાથી નક્કી થાય છે કે વ્યક્તિ ગરીબ, મધ્યમ કે ઉચ્ચ વર્ગની છે. એટલું જ નહિ, પરંતુ તે કઈ જાતની છે અને ભણેલી-ગણેલી છે કે નહિ એના પરથી વર્ગો બને છે. કેટલાક દેશોમાં, તે પુરુષ કે સ્ત્રી હોવા પર આધારિત છે કારણ કે સ્ત્રીઓને નીચલા વર્ગની ગણવામાં આવે છે.

શું આશાનું કોઈ કિરણ છે?

માનવ હક્કના નિયમોને કારણે અમુક પ્રમાણમાં સામાજિક ભેદભાવો દૂર કરવામાં મદદ મળી છે. અમેરિકામાં એવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે કે કોઈ એક જાતિના લોકોને બાકીના સમાજથી અલગ પાડવા નહિ. દક્ષિણ આફ્રિકામાં રંગભેદને એક ગુનો ગણવામાં આવે છે. ગુલામી હજુ જોવા મળે છે, પછી ભલેને મોટા ભાગના જગતમાં એ ગુનો કહેવાય. દુનિયાના અમુક ભાગોમાં અમુક લોકો જમીન લઈ શકતા ન હતા, પરંતુ અદાલતના ચુકાદાને કારણે હવે તેઓને પોતાનો હક્ક મળ્યો છે. તેમ જ ભેદભાવ દૂર કરવા નિયમો બનાવ્યા હોવાથી એવા વર્ગના લોકોને મદદ પણ મળી છે.

શું એનો એવો અર્થ થાય કે હવે ક્યાંય સામાજિક ભેદભાવો રહ્યા નથી? ના, જરાય નહિ. જોકે, અમુક પ્રમાણમાં ઊંચનીચના ભેદભાવો ઓછા થઈ રહ્યા છે છતાં, બીજા પ્રકારના ભેદભાવો પણ ઊભા થઈ રહ્યા છે. કૉમ્પ્યુટર યુગમાં ભેદભાવનું યુદ્ધ (અંગ્રેજી) નામનું પુસ્તક કહે છે: “આજે અમીરો અને મજૂરો વચ્ચે ફરક હોવો જોઈએ નહિ, પરંતુ તેઓમાં અનેક ભાગલા પડી રહ્યા હોવાથી તેઓ ગુસ્સે છે.”

શું ભેદભાવનો કદી અંત આવશે? હા, હવે પછીનો લેખ બતાવશે તેમ, આશાનું કિરણ રહેલું છે.