ભલું કરતા રહો
ભલું કરતા રહો
‘પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.’—એફેસી ૫:૯.
૧. આજે લાખો લોકો કઈ રીતે ગીતશાસ્ત્ર ૩૧:૧૯ સાથે સહમત થાય છે?
યહોવાહ પરમેશ્વરને ગૌરવ આપવું એ જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે. યહોવાહની ભલાઈ માટે આજે લાખો લોકો તેમને ભજે છે. યહોવાહના વિશ્વાસુ સેવકો તરીકે, આપણે પણ રાજા દાઊદ સાથે પૂરા દિલથી સહમત થઈએ છીએ: “જેઓ કહે છે, ‘પ્રભુ અમારો બચાવ કરશે’ તેઓ ઉપર તમારી ભલાઈ કેટલી બધી છે!”—ગીતશાસ્ત્ર ૩૧:૧૯, IBSI.
૨, ૩. પ્રચાર કરવાના આપણા કાર્ય સાથે આપણું વર્તન અને વાણી સારા ન હોય તો શું બની શકે?
૨ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવા માટે, આપણે તેમની ભલાઈના ગુણગાન ગાવા પ્રેરાઈએ છીએ. એ કારણે આપણે ‘યહોવાહનો આભાર માનવા, સ્તુતિ કરવા અને તેમના રાજ્યના ગૌરવ વિષે બોલવા’ પણ પ્રેરાઈએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩) એટલા માટે આપણે ઉત્સાહથી તેમના રાજ્યનો પ્રચાર કરીને શિષ્યો બનાવવાનું કાર્ય કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) પરંતુ, આપણા પ્રચાર કાર્યની સાથે સાથે આપણું વર્તન અને વાણી પણ સારા હોવા જોઈએ. નહિ તો આપણે યહોવાહનું પવિત્ર નામ બદનામ કરીશું.
૩ ઘણા લોકો પરમેશ્વરની ઉપાસના કરવાનો દાવો તો કરે છે, પણ તેઓનું જીવન બાઇબલના ધોરણો પ્રમાણે હોતું નથી. જેઓ ભલાઈ કરવાનું કહે તો છે પણ કરતા નથી, તેઓ વિષે પ્રેષિત પાઊલે લખ્યું: “હે બીજાને શિખવનાર, શું તું પોતાને શિખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું પોતે વ્યભિચાર કરે છે? . . . શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે, તમારે લીધે વિદેશીઓમાં દેવના નામની નિંદા થાય છે.”—રૂમી ૨:૨૧, ૨૨, ૨૪.
૪. આપણી સારી વર્તણૂકની શું અસર પડે છે?
૪ યહોવાહના નામને બદનામ કરવાના બદલે, આપણા સારા વર્તનથી એને ગૌરવ આપવા પ્રયત્ન કરીએ છીએ. ખ્રિસ્તી મંડળમાં જેઓ નથી તેઓ પર આની ઊંડી અસર પડે છે. એનાથી આપણા વિરોધીઓનું મોં બંધ થાય છે. (૧ પીતર ૨:૧૫) પરંતુ, સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણી સારી વર્તણૂકથી લોકો યહોવાહના સંગઠન તરફ ખેંચાય છે. જેથી, તેઓ પણ યહોવાહને મહિમા આપે અને કાયમી જીવન પામે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.
૫. હવે આપણે કયા પ્રશ્નો વિચારીશું?
૫ જો કે આપણે અપૂર્ણ હોવાથી, કઈ રીતે યહોવાહનું નામ બદનામ કરનારું વર્તન ટાળી શકીએ અને સત્ય-ચાહકોને ઠોકરરૂપ ન બનીએ? વળી, કઈ રીતે આપણે ભલાઈ બતાવવામાં સફળ બની શકીએ?
પ્રકાશનું ફળ
૬. ‘અંધારાના નિષ્ફળ કામોમાંના’ અમુક કયા છે, પણ ખ્રિસ્તીઓમાં કેવા ગુણો હોવા જોઈએ?
૬ યહોવાહના સાચા સેવકો તરીકે, આપણે એવા આશીર્વાદોનો આનંદ માણીએ છીએ, જે આપણને ‘અંધારાનાં નિષ્ફળ કામો’ ટાળવા મદદ કરે છે. એવા કામોમાં જૂઠું બોલવું, ચોરી કરવી, ખરાબ ભાષા, જાતીયતા વિષે ગંદી વાતો, શરમાવે એવું વર્તન, ચેનચાળા અને દારૂડિયા બનવાનો સમાવેશ થાય છે. (એફેસી ૪:૨૫, ૨૮, ૩૧; ૫:૩, ૪, ૧૧, ૧૨, ૧૮) એવા કામો કરવાને બદલે, આપણે ‘પ્રકાશનાં સંતાનો તરીકે ચાલીએ.’ પ્રેષિત પાઊલ કહે છે કે “પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.” (એફેસી ૫:૮, ૯) તેથી, પ્રકાશમાં ચાલતા રહીને આપણે ભલાઈ બતાવી શકીશું. પરંતુ, આ કેવો પ્રકાશ છે?
૭. ભલાઈ બતાવતા રહેવા આપણે શું કરવાની જરૂર છે?
૭ જો યહોવાહના પ્રકાશમાં ચાલીશું તો, ભલે આપણે અપૂર્ણ છીએ તેમ છતાં, ભલાઈ બતાવી શકીશું. ગીતોના લેખકે ગાયું: “મારા પગોને સારૂં તારૂં વચન દીવારૂપ છે; તે મારા માર્ગને સારૂ અજવાળારૂપ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) જો આપણે ‘સર્વ પ્રકારની ભલાઈ દ્વારા પ્રકાશનું ફળ’ બતાવવા માંગતા હોઈએ, તો આપણે આ પ્રમાણે કરવાની જરૂર છે. એક તો બાઇબલના પ્રકાશનો પૂરેપૂરો નિયમિત લાભ લેતા રહીએ. બીજું, બાઇબલ પર આધારિત પુસ્તકોનો સારી રીતે અભ્યાસ કરીએ. ત્રીજું કે આપણે સભાઓમાં ભેગા થઈએ ત્યારે, એની નિયમિત ચર્ચા કરીએ. (લુક ૧૨:૪૨; રૂમી ૧૫:૪; હેબ્રી ૧૦:૨૪, ૨૫) તેમ જ, “જગતનું અજવાળું” અને “તેના [યહોવાહના] ગૌરવનું તેજ” ઈસુ ખ્રિસ્ત છે. તેથી, આપણે તેમને અને તેમના શિક્ષણમાંથી શીખતા રહેવાની જરૂર છે.—યોહાન ૮:૧૨; હેબ્રી ૧:૧-૩.
પવિત્ર આત્માનું ફળ
૮. આપણે શા માટે ભલાઈ બતાવી શકીએ છીએ?
૮ યહોવાહના શબ્દ, બાઇબલનો પ્રકાશ ખરેખર આપણને ભલાઈ બતાવતા રહેવા મદદ કરે છે. તેમ જ, એમ કરવા આપણને યહોવાહના પવિત્ર આત્મા, અથવા પવિત્ર શક્તિની પણ મદદ મળે છે. એનું કારણ એ છે કે ભલાઈ “પવિત્ર આત્માનું ફળ” છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણે યહોવાહના પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલીશું તો, એ આપણામાં ભલાઈનો આ સુંદર ગુણ કેળવશે.
૯. લુક ૧૧:૯-૧૩માંના ઈસુના શબ્દો પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
૯ આપણે ખરેખર પવિત્ર આત્માની મદદથી ભલાઈ બતાવીને, યહોવાહને ખુશ કરવા માંગીએ છીએ. એ જ માટે આપણને ઈસુના શબ્દો પ્રમાણે કરવાની પ્રેરણા મળે છે: “તમે માગવાનું ચાલુ રાખો, ને તમને મળશે; તમે શોધતા રહો તો તમને જડશે; દરવાજો ખટખટાવતા રહો, અને તે તમારે માટે ખોલવામાં આવશે. જે માગે છે તે દરેકને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવે છે. તમને પિતાઓને હું કહું છું કે જો તમારો દીકરો તમારી પાસે રોટલી માગે તો શું તમે તેને પથ્થર આપશો? જો તે માછલી માગે તો શું તમે સાપ આપશો? જો તે ઈંડું માગે તો શું તમે વીંછી આપશો? જો તમે પાપી સ્વભાવના હોવા છતાં તમારાં સંતાનોને સારી વસ્તુઓ આપતા હો, તો સ્વર્ગમાંના તમારા ઈશ્વરપિતા તેથીય વધારે કરશે અને જેઓ તેમની પાસે માગે છે તેઓને પવિત્ર આત્મા પણ આપશે એ કેટલું વિશેષ ખાતરીભર્યું છે!” (લુક ૧૧:૯-૧૩, IBSI) ચાલો આપણે ઈસુની સલાહ માનીને, યહોવાહના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરીએ. જેથી, આપણે એની મદદથી ભલાઈ બતાવતા રહીએ.
‘સારું કરતા રહો’
૧૦. નિર્ગમન ૩૪:૬, ૭ યહોવાહની ભલાઈના કયા પાસાઓ વિષે જણાવે છે?
૧૦ યહોવાહ પાસેથી આવતા બાઇબલના પ્રકાશથી અને તેમના પવિત્ર આત્માની મદદથી આપણે સારું કરતા રહી શકીએ. (રૂમી ૧૩:૩) આપણે નિયમિત બાઇબલનો અભ્યાસ કરતા રહીશું તો, આપણે યહોવાહની ભલાઈ વિષે વધારેને વધારે શીખી શકીશું. ગયા લેખમાં આપણે યહોવાહની ભલાઈના જુદા જુદા પાસાની, નિર્ગમન ૩૪:૬, ૭માંથી ચર્ચા કરી. જેમાં આપણે વાંચીએ છીએ: “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર.” ખરેખર, એ રીતે યહોવાહની ભલાઈના પાસાની ચર્ચા કરી, એનાથી આપણને ‘સારું કરતા રહેવા’ મદદ મળશે.
૧૧. યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, એની આપણા પર કેવી અસર થવી જોઈએ?
૧૧ યહોવાહના એ શબ્દો આપણને દયાળુ અને કૃપાળુ બનીને, તેમને અનુસરવા મદદ કરે છે. “દયાળુઓને ધન્ય છે; કેમકે તેઓ દયા પામશે.” (માત્થી ૫:૭; લુક ૬:૩૬) યહોવાહ કૃપાળુ છે, એ જાણીને આપણને પણ બીજાઓ પ્રત્યે કૃપાળુ બનવા પ્રેરણા મળે છે, જેમાં આપણે પ્રચાર કરીએ છીએ એ લોકોનો પણ સમાવેશ થાય છે. આ પાઊલની સલાહની સુમેળમાં છે: “તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.”—કોલોસી ૪:૬.
૧૨. (ક) યહોવાહ કોપ કરવામાં ધીમા છે, એ જોતાં આપણે બીજાઓ પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ? (ખ) યહોવાહની પ્રેમભરી કૃપા આપણને શું કરવા દોરે છે?
૧૨ યહોવાહ કોપ કરવામાં ધીમા છે. આપણે હંમેશા ભલું કરવા ચાહીએ છીએ, એથી આપણે ભાઈ-બહેનોની ભૂલો પર નહિ, પણ તેઓના સદ્ગુણો પર ધ્યાન આપીશું. (માત્થી ૭:૫; યાકૂબ ૧:૧૯) યહોવાહ પ્રેમભરી કૃપા આપણને પણ બીજાઓ પ્રત્યે પ્રેમાળ બનવા પ્રેરણા ઉત્તેજન આપે છે, ભલેને એકદમ મુશ્કેલ સંજોગો હોય. ખરેખર, આ ગુણ જરૂરી છે.—નીતિવચન ૧૯:૨૨.
૧૩. યહોવાહ ‘સત્યથી ભરપૂર’ છે, એ જોતાં આપણી બોલી કેવી હોવી જોઈએ?
૧૩ યહોવાહ પરમેશ્વર ‘સત્યથી ભરપૂર’ છે. તેથી, આપણે ‘દેવના સેવકોને શોભે એવી રીતે સત્યના વચન પ્રમાણે’ ચાલવા ચાહીએ છીએ. (૨ કોરીંથી ૬:૩-૭) યહોવાહને સાત બાબતો પ્રત્યે ધિક્કાર છે, એમાં “જૂઠાબોલી જીભ” અને “અસત્ય ઉચ્ચરનાર જૂઠો સાક્ષી” પણ છે. (નીતિવચન ૬:૧૬-૧૯) તેથી, યહોવાહને ખુશ કરવાની આપણી દિલની ઇચ્છા ‘અસત્ય દૂર કરીને સાચું બોલવા’ પ્રેરણા આપે છે. (એફેસી ૪:૨૫) ચાલો આપણે આ મહત્ત્વની રીતે હંમેશાં ભલાઈ બતાવતા રહીએ.
૧૪. આપણે શા માટે માફી આપવા તૈયાર રહેવું જોઈએ?
૧૪ મુસાએ સાંભળેલા યહોવાહના શબ્દો આપણને બીજાઓને માફી આપવા પ્રેરે છે, કેમ કે યહોવાહ હંમેશા માફ કરવા તૈયાર છે. (માત્થી ૬:૧૪, ૧૫) તેમ જ, યહોવાહ એવા લોકોને શિસ્ત આપતા અચકાશે નહિ, જે પાપીઓ પસ્તાવો કરીને બદલાતા નથી. તેથી, યહોવાહના ધોરણો પ્રમાણે મંડળ શુદ્ધ રાખવાની બાબત આવે છે ત્યારે, આપણે તેમના ધોરણો પ્રમાણે જ ચાલીએ.—લેવીય ૫:૧; ૧ કોરીંથી ૫:૧૧, ૧૨; ૧ તીમોથી ૫:૨૨.
ખાસ સંભાળ રાખો
૧૫, ૧૬. એફેસી ૫:૧૫-૧૯માંની પાઊલની સલાહ, જે સારું છે એ કરવા આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૫ આ શેતાનના જગતમાં, ભલાઈ કરતા રહેવું કંઈ સહેલી વાત નથી. એટલે યહોવાહના પવિત્ર આત્માથી ભરપૂર થવાની અને આપણે જે રીતે જીવીએ છીએ, એના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પાઊલે એફેસીમાંના ભાઈઓને અરજ કરી હતી: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો. મધપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ; ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હૃદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ.” (એફેસી ૫:૧૫-૧૯) ખરેખર, એ સલાહ આપણા માટે આ મુશ્કેલીમાં વધારે લાગુ પડે છે.—૨ તીમોથી ૩:૧.
૧૬ આપણે ભલાઈ બતાવતા રહેવું હોય તો, આપણા જીવન પર ચાંપતી નજર રાખવી, જેથી આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જ ચાલીએ. (યાકૂબ ૩:૧૭) આપણે ખોટું કરવાથી એકદમ દૂર રહીને પવિત્ર આત્માથી ભરપૂર રહીએ, જેથી એની દોરવણી પ્રમાણે જ ચાલીએ. (ગલાતી ૫:૧૯-૨૫) આપણને સભાઓ અને સંમેલનોમાં જે શિક્ષણ મળે છે, એ તરત જ લાગુ પાડીને, જે સારું છે એ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ. એફેસીના ભાઈઓને પાઊલે જે કહ્યું, એ યાદ અપાવે છે કે આપણે યહોવાહની ભક્તિ કરવા માટે ભેગા મળીએ છીએ ત્યારે, દિલથી ગીતો ગાઈને પણ લાભ મેળવીએ છીએ. એમાંના ઘણા ગીતો ભલાઈ જેવા સદ્ગુણો પર છે.
૧૭. બહુ જ બીમાર હોવાને કારણે નિયમિત સભાઓમાં ન જઈ શકતા હોય, એવા ભાઈ-બહેનોએ શાની ખાતરી રાખવી જોઈએ?
૧૭ પરંતુ આપણા એવા ભાઈ-બહેનો વિષે શું, જેઓ બહુ જ બીમાર છે અને નિયમિત સભાઓમાં આવી શકતા નથી? તેઓની લાગણીનો વિચાર કરો, કેમ કે તેઓ ચાહે છે છતાં, યહોવાહની ઉપાસના કરવા તેઓ ભાઈ-બહેનો સાથે ભેગા મળી શકતા નથી. ખરેખર, તેઓ ખાતરી રાખી શકે કે યહોવાહ તેઓના સંજોગો સમજે છે. વળી, તે તેઓને સત્યનો પ્રકાશ અને પોતાનો પવિત્ર આત્મા આપતા રહેશે. તેમ જ, તેઓને જે સારું છે એ કરતા રહેવા જરૂર મદદ કરશે.—યશાયાહ ૫૭:૧૫.
૧૮. ભલાઈ કરતા રહેવા માટે આપણને શું મદદ કરશે?
૧૮ આપણે ભલાઈ કરતા રહેવા આપણી સોબત પર પણ ધ્યાન રાખવું જોઈએ. જેઓ “શુભદ્વેષી” અથવા ભલાઈ ન ચાહતા હોય, તેઓથી આપણે દૂર રહેવું જોઈએ. (૨ તીમોથી ૩:૨-૫; ૧ કોરીંથી ૧૫:૩૩) આવી સલાહ પાળવાથી, આપણે યહોવાહના પવિત્ર આત્માની વિરુદ્ધ જઈશું નહિ, પણ એની દોરવણી પ્રમાણે ચાલીશું. (એફેસી ૪:૩૦) તેમ જ, ભલાઈ ચાહનારા અને યહોવાહના પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલનારા લોકો ઓળખાઈ આવે છે. આપણે જો તેઓની સંગત કરીને તેઓની દોસ્તી રાખીશું, તો જે સારું છે એ કરવા આપણને મદદ મળશે.—આમોસ ૫:૧૫; રૂમી ૮:૧૪; ગલાતી ૫:૧૮.
ભલાઈથી ભલું જ થાય છે
૧૯ આપણે સદા યહોવાહના પ્રકાશમાં, તેમના પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ અને આપણા જીવન પર ચાંપતી નજર રાખીએ. એમ કરવાથી, આપણે ભૂંડા માર્ગે નહિ જઈએ અને જે સારું છે એ કરતા રહીશું. એનાથી આપણું અને બીજાઓનું ભલું થશે. દક્ષિણ આફ્રિકાના એક યહોવાહના યુવાન સાક્ષી, ઝોન્ગેઝીલીનો અનુભવ સાંભળો. એક સવારે તે શાળાએ જતો હતો ત્યારે, તેણે પોતાના બૅંકના ખાતામાં કેટલા પૈસા છે, એ જોવાનું વિચાર્યું. ઑટોમેટિક મશીને આપેલી રસીદમાં (અમેરિકાના) ૬,૦૦૦ ડૉલરની મોટી રકમ જોવા મળી. બૅંકના ચોકીદાર અને બીજાઓએ તેને ઉત્તેજન આપ્યું કે જલદીથી એ રકમ ઉપાડીને, બીજી બૅંકમાં ખાતુ ખોલાવી જમા કરાવી દે. પરંતુ, તે જેઓ સાથે રહેતો હતો એ યહોવાહના સાક્ષીઓએ જ તેને એમ કરવાની ના પાડી.
૨૦ બીજા દિવસે, ઝોન્ગેઝીલીએ બૅંકમાં જઈને એ વિષે જણાવ્યું. ફક્ત ત્યારે જ જાણવા મળ્યું કે તેનો અને એક ધનવાન વેપારીના ખાતાનો નંબર લગભગ સરખો જ હતો. પેલા વેપારીએ ભૂલથી ઝોન્ગેઝીલીના ખાતામાં પૈસા જમા કરાવી દીધા હતા. વેપારીના માનવામાં જ આવતું ન હતું કે ઝોન્ગેઝીલીએ દગો કર્યો નહિ. તેથી તેણે તેને પૂછ્યું: “તારો ધર્મ કયો છે?” ઝોન્ગેઝીલીએ સમજાવ્યું કે પોતે યહોવાહનો એક સાક્ષી છે. બૅંકના ઑફિસરોએ પણ તેના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે “યહોવાહના સાક્ષીઓ જેવા બધા લોકો પ્રમાણિક હોત તો કેવું સારુ!” ખરેખર, પ્રમાણિકતા અને ભલાઈ જોઈને બીજા લોકો યહોવાહને મહિમા આપવા પ્રેરાય છે.—હેબ્રી ૧૩:૧૮.
૨૧ આપણી ભલાઈની બીજાઓ પર સારી અસર પડે, એ માટે કંઈક મોટા મોટા કામો કરવાની જરૂર નથી. દાખલા તરીકે, સામોઆ ટાપુઓમાં પાયોનિયર કાર્ય કરતા એક યુવાન યહોવાહના સાક્ષીને હૉસ્પિટલમાં જવું પડ્યું. ડૉક્ટર પોતાને બોલાવે એની રાહ જોતા તે લાઈનમાં બેઠા હતા. તેમણે જોયું કે તેમની બાજુમાં બેઠેલી ઉંમરવાળી સ્ત્રી ખૂબ જ બીમાર હતી. તેથી, આપણા ભાઈએ ગોઠવણ કરી કે પોતાનો વારો એ સ્ત્રી લે, જેથી ડૉક્ટર પહેલાં તેને મદદ કરી શકે. થોડા દિવસો પછી, આ સ્ત્રી આપણા ભાઈને બજારમાં મળી. તેણે તરત જ તેમને ઓળખી કાઢ્યા અને હૉસ્પિટલમાં આપેલી મદદ વિષે યાદ કરીને કહ્યું: “હવે મને ખબર પડી કે યહોવાહના સાક્ષીઓ સાચે જ બીજાઓને ચાહે છે.” આ પહેલાં તે યહોવાહના સાક્ષીઓનું સાંભળતી નહિ, પણ તેને બતાવેલી ભલાઈનું સારું પરિણામ આવ્યું. તે બાઇબલની ચર્ચા કરવા તૈયાર થઈ અને યહોવાહનું શિક્ષણ લેવા લાગી.
૨૨. જે સારું છે એ કરતા રહેવાની એક મહત્ત્વની કઈ રીત છે?
૨૨ મોટે ભાગે તમને પણ એવા અનુભવો થયા હશે, જે બતાવતા હોય કે ભલાઈનું કરવાથી ભલું જ થાય છે. આપણે ભલું કરતા રહીએ, એ માટે સૌથી સારી રીત યહોવાહના રાજ્યનો પ્રચાર છે. (માત્થી ૨૪:૧૪) ચાલો આપણે આ મૂલ્યવાન કાર્ય ઉત્સાહથી કરતા રહીએ. તેમ જ, એ ધ્યાનમાં રાખીએ કે જેઓ સાંભળશે તેઓનું ભલું કરવાની આ એક રીત છે. ખાસ મહત્ત્વનું તો એ કે આપણું સેવાકાર્ય અને સારી વર્તણૂક યહોવાહને ગૌરવ આપે છે, જેમની પાસેથી ભલાઈ આવે છે.—માત્થી ૧૯:૧૬, ૧૭.
જે સારું છે એ કરતા રહીએ
૨૩. આપણું પ્રચાર કાર્ય શા માટે ભલાઈનું કામ છે?
૨૩ આપણું સેવાકાર્ય ભલાઈનું કાર્ય છે, એમાં કોઈ શંકા નથી. એનાથી આપણું પોતાનું અને જેઓ બાઇબલનો સંદેશો સાંભળે છે, તેઓનું પણ જીવન બચી શકે. (માત્થી ૭:૧૩, ૧૪; ૧ તીમોથી ૪:૧૬) આપણે કોઈ નિર્ણયો લેવાના હોય ત્યારે, જે ખરું છે એ કરવાની દિલની ઇચ્છા આપણને આ પ્રશ્નો વિચારવા મદદ કરશે: ‘આ નિર્ણયની મારા પ્રચાર કાર્ય પર શું અસર પડશે? હું જે નિર્ણય લેવા વિચારું છું, એ ખરેખર સારો છે? શું એ મને મદદ કરશે, જેથી હું બીજાઓને સહાય કરું કે તેઓ “સનાતન સુવાર્તા” સ્વીકારે અને યહોવાહ સાથે સારો સંબંધ બાંધી શકે?’ (પ્રકટીકરણ ૧૪:૬) યહોવાહની સેવામાં આગળ વધતા રહેવા, જે કોઈ નિર્ણય મદદ કરે એનાથી આપણે ખરેખર સુખી થઈશું.—માત્થી ૬:૩૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
૨૪, ૨૫. મંડળમાં આપણે કઈ રીતે ભલાઈ બતાવી શકીએ અને ભલાઈ બતાવતા રહીએ તો આપણે શાની ખાતરી રાખી શકીએ?
૨૪ ભલાઈથી જે સારા પરિણામો આવે છે એ કદી ન ભૂલીએ. મંડળને પૂરો ટેકો આપીને, એમાં ભલું કરવા જે કંઈ થાય એ કરીને આપણે ભલાઈ બતાવતા રહીએ. આપણી સભાઓમાં નિયમિત જઈને, એમાં ભાગ લેવાથી પણ આપણે જે સારું છે એ કરીએ છીએ. આપણને ત્યાં જોઈને અને સારી રીતે તૈયાર કરેલા જવાબો સાંભળીને ભાઈ-બહેનો ઉત્તેજન પામશે. તેમ જ, સભા માટેની જગ્યાની સંભાળ લેવા આપણે ખુશીથી પૈસા આપીએ. (૨ રાજા ૨૨:૩-૭; ૨ કોરીંથી ૯:૬, ૭) હા, “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.”—ગલાતી ૬:૧૦.
૨૫ ભલાઈ દેખાડવા માટેના દરેક સંજોગો આપણે અહીં જણાવી શકતા નથી. તેથી, આપણે ડગલેને પગલે બાઇબલની મદદથી નિર્ણયો લઈએ. યહોવાહના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરીએ અને ભલાઈ તથા યહોવાહની સંપૂર્ણ ઇચ્છા પૂરી કરવા બનતું બધું જ કરીએ. (રૂમી ૨:૯, ૧૦; ૧૨:૨) પછી, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે ભલાઈ બતાવવા માટે, યહોવાહ આપણને પુષ્કળ આશીર્વાદ આપશે.
તમારો જવાબ શું છે?
• જે સૌથી સારું છે એ આપણે કઈ રીતે કરી શકીએ?
• ભલાઈને શા માટે ‘પ્રકાશનું ફળ’ કહેવામાં આવે છે?
• ભલાઈને ‘પવિત્ર આત્માનું ફળ’ શા માટે કહેવામાં આવે છે?
• આપણી ભલાઈની કેવી અસર પડે છે?
[Questions]
૧૯-૨૧. લોકોને ભલાઈ બતાવવાના પરિણામો વિષે અનુભવો જણાવો.
[પાન ૧૭ પર ચિત્ર]
યહોવાહનો પવિત્ર આત્મા અને બાઇબલ આપણને ભલાઈ બતાવવા મદદ કરે છે
[પાન ૧૮ પર ચિત્રો]
ભલાઈ કરવાથી ભલું જ થાય છે