સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભલાઈ સૌથી ઉત્તમ

યહોવાહની ભલાઈ સૌથી ઉત્તમ

યહોવાહની ભલાઈ સૌથી ઉત્તમ

‘સૈન્યોના દેવ યહોવાહની સ્તુતિ કરો, કેમકે યહોવાહ સારા છે!’​—⁠યિર્મેયાહ ૩૩:⁠૧૧.

૧. આપણે શા માટે યહોવાહની ભક્તિ કરવા પ્રેરાઈએ છીએ?

 યહોવાહ પરમેશ્વરની ભલાઈ સંપૂર્ણ છે. એ તેમણે રચેલા વિશ્વ પરથી દેખાઈ આવે છે. એ ખરેખર આપણી ખુશી માટે સૌથી ઉત્તમ રીતે બનાવાયું છે. (ઉત્પત્તિ ૧:૩૧) ગીતશાસ્ત્રના લેખકે તેમના વિષે કહ્યું કે “તું ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૮) યહોવાહે જે અદ્‍ભુત રીતે સુંદર વિશ્વની રચના કરી છે, એ આપણે કદી પણ પૂરેપૂરી રીતે સમજી શકીશું નહિ. (સભાશિક્ષક ૩:૧૧; ૮:૧૭) પરંતુ, આપણે જેટલું જાણીએ છીએ, એટલાથી પણ આપણે યહોવાહની ભલાઈ માટે તેમની ભક્તિ કરવા પ્રેરાઈએ છીએ.

૨. ભલાઈ એટલે શું?

ભલાઈ એટલે શું? એ એક સદ્‍ગુણ છે. એટલું જ નહિ, પરંતુ એ તો પવિત્ર આત્માના ફળનો ભાગ પણ છે, જે કાયમ બીજાઓનું ભલું કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણે બીજાઓનું ભલું કરીએ ત્યારે, આપણે તેઓ પ્રત્યે ભલાઈ બતાવીએ છીએ. આ જગતમાં અમુક જણ જેને ભલું માનતા હોય, એને બીજા ભૂંડું માનશે. જો કે આપણે સુખ-શાંતિનો આનંદ માણવો હોય તો, ભલાઈનું એક જ ધોરણ હોવું જોઈએ. એ ધોરણ કોણ નક્કી કરી શકે?

૩. ઉત્પત્તિ ૨:૧૬, ૧૭ આપણને ભલાઈના ધોરણ વિષે શું જણાવે છે?

યહોવાહ પરમેશ્વર ભલાઈનું ધોરણ નક્કી કરે છે. માનવ ઇતિહાસની શરૂઆતમાં, યહોવાહે પહેલા માણસને હુકમ આપ્યો: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમકે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) તેથી, ભલા-ભૂંડા વિષેનું જ્ઞાન માનવીઓએ પોતાને બનાવનાર પાસેથી લેવું જોઈએ.

આપણે સર્વ પાપી છતાં, યહોવાહની ભલાઈ

૪. આદમે પાપ કર્યું પછી, યહોવાહે મનુષ્યોને કઈ આશા આપી?

પ્રથમ માનવ આદમે પાપ કર્યું અને ભલાઈનું ધોરણ નક્કી કરવાના યહોવાહના હક્કનો નકાર કર્યો. તેથી, મનુષ્યો હંમેશ માટે સુખ-શાંતિમાં સંપૂર્ણ જીવન જીવે, એવી આશા પર પાણી ફરી વળ્યું. (ઉત્પત્તિ ૩:૧-૬) તેમ છતાં, આદમના બાળકો પાપ અને મરણનો વારસો મેળવવા જન્મે એ પહેલાં, યહોવાહે ભાખ્યું કે એક સંપૂર્ણ સંતાન આવશે. ખરું જોતાં, “જૂનો સર્પ” એટલે કે શેતાનને જણાવતા, યહોવાહ જાહેર કરે છે: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (પ્રકટીકરણ ૧૨:૯; ઉત્પત્તિ ૩:૧૫) યહોવાહે એ નક્કી કર્યું કે તે પાપી મનુષ્યોને છુટકારો અપાવશે. જો કે આપણે એ માટે લાયક નથી. તેમ છતાં, યહોવાહે ભલાઈ બતાવી કે જે કોઈ પોતાના વહાલા દીકરાના ખંડણી તરીકે આપેલા બલિદાનમાં વિશ્વાસ કરશે, તે જીવન પામશે.​—⁠માત્થી ૨૦:૨૮; રૂમી ૫:૮, ૧૨.

૫. વારસામાં ભૂંડું વલણ મેળવ્યું હોવા છતાં, આપણે કઈ રીતે ભલાઈ બતાવી શકીએ છીએ?

જો કે આદમના પાપને કારણે, આપણે ભૂંડું વલણ વારસામાં મેળવ્યું છે. (ઉત્પત્તિ ૮:૨૧) પરંતુ, યહોવાહ આપણને મદદ કરે છે, જેથી આપણે અમુક હદે તો ભલાઈ બતાવી શકીએ છીએ. તેમના પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન આપણને ફક્ત ‘સર્વ સારાં કામ કરવાને સારું તૈયાર થવા જ’ શિક્ષણ આપતું નથી. એ આપણને યહોવાહની નજરમાં જે ભલું છે એ કરવા પણ મદદ કરે છે. (૨ તીમોથી ૩:૧૪-૧૭) પરંતુ, બાઇબલના શિક્ષણથી લાભ મેળવવા અને ભલાઈ બતાવવા, આપણું વલણ ગીતશાસ્ત્રના લેખક જેવું હોવું જોઈએ: “તું ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે; તારા વિધિઓ મને શીખવ.”​—⁠ગીતશાસ્ત્ર ૧૧૯:⁠૬૮.

યહોવાહની ભલાઈની કદર

૬. દાઊદ રાજાએ કરારકોશ યરૂશાલેમમાં મૂકાવ્યા પછી, લેવીઓએ ગાયેલા ગીતમાં કયા શબ્દો હતા?

અગાઉના ઈસ્રાએલના રાજા દાઊદે, યહોવાહની ભલાઈની કદર કરી અને તેમની સલાહ માંગી. તેમણે કહ્યું કે “યહોવાહ ઉત્તમ તથા ન્યાયી છે, માટે પાપીઓને તે પોતાનો માર્ગ બતાવશે.” (ગીતશાસ્ત્ર ૨૫:૮) ઈસ્રાએલી લોકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને પથ્થરની શિલા પર લખાયેલા દશ નિયમો હતા, જે કરારકોશમાં રાખવામાં આવ્યા હતા. દાઊદ એ કરારકોશ ઈસ્રાએલની રાજધાની, યરૂશાલેમમાં લઈ આવ્યા પછી, લેવીઓએ ગીત ગાયું, જેમાં આ શબ્દો હતા: “યહોવાહનો આભાર માનો, કેમકે તે કૃપાળુ છે; કેમકે તેની દયા સદાકાળ ટકે છે.” (૧ કાળવૃત્તાંત ૧૬:૩૪, ૩૭-૪૧) ખરેખર, લેવીઓને એ ગાતા સાંભળવાનો કેવો આનંદ હશે!

૭. પરમ પવિત્ર સ્થાનમાં કરારકોશ મૂકાયો અને સુલેમાને પ્રાર્થના કરી પછી શું થયું?

દાઊદના દીકરા સુલેમાને યહોવાહ માટે બાંધેલા મંદિરના સમર્પણ વખતે પણ, કદર કરતા એ જ શબ્દો ગાવામાં આવ્યા હતા. નવા બંધાયેલા મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં કરારકોશ મૂકાયા પછી, લેવીઓએ યહોવાહને માટે ગીત ગાતા કહ્યું: “તે સારો છે, કેમકે તેની કૃપા સર્વકાળ ટકે છે.” એ પ્રસંગે મંદિર મેઘથી ભરાઈ ગયું, જે યહોવાહનું ગૌરવ ત્યાં છે એમ બતાવતું હતું. (૨ કાળવૃત્તાંત ૫:૧૩, ૧૪) સુલેમાને સમર્પણની પ્રાર્થના કરી પછી, “આકાશથી અગ્‍નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં.” એ જોઈને, ‘સર્વ ઇસ્રાએલપુત્રોએ ફરસબંધી પર પોતાનાં મુખ ભૂમી સુધી નમાવીને ભજન કર્યું, ને યહોવાહની ઉપકારસ્તુતિ કરી, ને કહ્યું કે તે ઉત્તમ છે; તેની કૃપા સર્વકાળ ટકે છે.’ (૨ કાળવૃત્તાંત ૭:૧-૩) એ ૧૪ દિવસની ભવ્ય ઉજવણી પછી, “જે મહેર યહોવાહે દાઊદ, સુલેમાન તથા તેના ઈસ્રાએલી લોકો પર રાખી હતી, તેને લીધે આનંદ કરતા તથા મનમાં હરખાતા” ઈસ્રાએલીઓ પોતપોતાના ઘેર પાછા ફર્યા.​—⁠૨ કાળવૃત્તાંત ૭:⁠૧૦.

૮, ૯. (ક) યહોવાહની ભલાઈ માટે ઈસ્રાએલીઓએ તેમની સ્તુતિ કરી હોવા છતાં, આખરે તેઓએ શું કર્યું? (ખ) યિર્મેયાહ દ્વારા યરૂશાલેમ વિષે શું ભાખવામાં આવ્યું હતું અને એ કઈ રીતે પૂરું થયું?

દુઃખની વાત છે કે ઈસ્રાએલીઓએ યહોવાહની સ્તુતિના જે ગીતો ગાયા, એ પ્રમાણે તેઓ જીવ્યા નહિ. સમય જતાં, યહુદાહના લોકો યહોવાહને ફક્ત ‘હોઠોથી માન આપવા’ લાગ્યા. (યશાયાહ ૨૯:૧૩) યહોવાહના જેવી ભલાઈ બતાવવાને બદલે, તેઓ જે ભૂંડું હતું એ કરવા લાગ્યા. તેઓ મૂર્તિપૂજા, અનૈતિક કામો, ગરીબો પર જુલમ અને બીજી ઘણી ખરાબ બાબતો કરવા લાગ્યા. તેથી, ૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમનો નાશ થયો અને યહુદાહના લોકોને ગુલામીમાં લઈ જવામાં આવ્યા.

આમ, યહોવાહે પોતાના લોકોને શિસ્ત આપી. તેમ છતાં, યિર્મેયાહ પ્રબોધક દ્વારા તેમણે ભાખ્યું કે યરૂશાલેમમાં હજુ પણ આવો સાદ સંભળાશે: “સૈન્યોના દેવ યહોવાહની સ્તુતિ કરો, કેમકે યહોવાહ સારો છે, ને તેની કૃપા સદાકાળ ટકે છે.” (યિર્મેયાહ ૩૩:૧૦, ૧૧) હા, એમ જ બન્યું પણ ખરું. એ દેશ ૭૦ વર્ષો સુધી ઉજ્જડ પડી રહ્યો. પછી, ૫૩૭ બી.સી.ઈ.માં બાકી રહેલા યહુદીઓ યરૂશાલેમ પાછા ફર્યા. (યિર્મેયાહ ૨૫:૧૧; દાનીયેલ ૯:૧, ૨) તેઓએ મોરીયાહ પર્વત પરના મંદિરની વેદી ફરીથી બાંધી અને ત્યાં અર્પણો ચઢાવવા લાગ્યા. તેઓ પાછા ફર્યા એના બીજા વર્ષે મંદિરનો પાયો નંખાયો, એ કેટલી ખુશીની વાત કહેવાય! એઝરાએ કહ્યું કે “જ્યારે બાંધનારાઓએ યહોવાહના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાહની સ્તુતિ કરવાને તેઓએ ઈસ્રાએલના રાજા દાઊદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડાં આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા. તેઓએ યહોવાહની સ્તુતિ કરતાં તથા તેનો ઉપકાર માનતાં સામસામા ઊભા રહીને ગાયું, કે તે મહેરબાન છે, ઈસ્રાએલ પર તેની દયા સદાકાળ સુધી ટકે છે.”​—⁠એઝરા ૩:૧-૧૧.

૧૦. ગીતશાસ્ત્ર ૧૧૮ની કયા શબ્દોથી શરૂઆત થાય છે અને અંત આવે છે?

૧૦ ગીતશાસ્ત્રમાં યહોવાહની ભલાઈના એવા જ ગીતો મળી આવે છે. એમાં ૧૧૮મું ગીત પણ છે, જે પાસ્ખાપર્વના અંતે ઈસ્રાએલી કુટુંબો ગાતા હતા. એ ગીતની શરૂઆત અને અંત લગભગ આવા જ શબ્દોથી થાય છે: “યહોવાહનો ઉપકાર માનો; કેમકે તે ઉત્તમ છે; તેની કૃપા સર્વકાળ ટકે છે.” (ગીતશાસ્ત્ર ૧૧૮:૧, ૨૯) શક્ય છે કે ૩૩ સી.ઈ.માં ઈસુએ પોતાના મરણની આગલી રાત્રે, વિશ્વાસુ પ્રેષિતો સાથે છેલ્લે આ જ ગીત ગાયું હશે.​—⁠માત્થી ૨૬:⁠૩૦.

‘તારું ગૌરવ મને દેખાડ’

૧૧, ૧૨. મુસાએ યહોવાહના ગૌરવની એક ઝલક જોઈ ત્યારે, તેમણે શું સાંભળ્યું?

૧૧ યહોવાહની ભલાઈ અને તેમની પ્રેમભરી કૃપા વચ્ચેનો સંબંધ, એઝરાના સમયથી સદીઓ પહેલાં જોવામાં આવ્યો હતો. ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે, તેઓએ સોનાના વાછરડાની પૂજા કરી. એ કારણે મૂર્તિપૂજકો માર્યા ગયા. એ પછી, મુસાએ યહોવાહ પરમેશ્વરને અરજ કરી: “કૃપા કરીને તારૂં ગૌરવ મને દેખાડ.” પરંતુ, યહોવાહને ખબર હતી કે પોતાને જોઈને મુસા જીવતો રહી શકશે નહિ, એટલે તેમણે કહ્યું: “હું મારી સઘળી ભલાઇનું દર્શન તને કરાવીશ.”​—⁠નિર્ગમન ૩૩:૧૩-૨૦.

૧૨ બીજા દિવસે સિનાય પર્વત પર, યહોવાહની ભલાઈ મુસા આગળથી પસાર થઈ. એ સમયે, મુસાને પરમેશ્વરની ભલાઈની ફક્ત એક ઝલક જોવા મળી અને તેણે સાંભળ્યું કે “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી, અને અનુગ્રહ [અથવા “પ્રેમાળ કૃપાથી,” NW] તથા સત્યથી ભરપૂર; હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; અને દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવનાર; બાપના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાંનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.” (નિર્ગમન ૩૪:૬, ૭) આ શબ્દો જણાવે છે કે યહોવાહની ભલાઈનો સંબંધ તેમની કૃપા અને તેમના બીજા ગુણો સાથે છે. એના પર વિચાર કરવાથી, બીજાને ભલાઈ બતાવવા આપણને મદદ મળશે. ચાલો આપણે યહોવાહની ભલાઈના આ સુંદર વર્ણનમાં બે વાર જણાવેલા ગુણ વિષે વિચારીએ.

‘યહોવાહ . . . પ્રેમાળ કૃપાથી ભરપૂર’

૧૩. યહોવાહની ભલાઈના વર્ણનમાં કયો ગુણ બે વાર જણાવાયો છે અને એ શા માટે યોગ્ય છે?

૧૩ ‘યહોવાહ . . . પ્રેમાળ કૃપાથી ભરપૂર; . . . હજારો પર કૃપા રાખનાર’ પરમેશ્વર છે. મૂળ હેબ્રીમાં ‘પ્રેમાળ કૃપા’ ભાષાંતર થયેલા શબ્દનો અર્થ સાચો પ્રેમ પણ થાય છે. મુસાએ સાંભળેલા યહોવાહના શબ્દોમાં ફક્ત ‘પ્રેમાળ કૃપા’ એવો ગુણ છે જે બે વાર જણાવાય છે. એ ખરેખર યોગ્ય છે કેમ કે યહોવાહનો મુખ્ય ગુણ પ્રેમ છે! (૧ યોહાન ૪:૮) યહોવાહની સ્તુતિના ગીતમાંના જાણીતા શબ્દો આ ગુણ પર ભાર મૂકે છે: “યહોવાહ સારો છે, ને તેની કૃપા સદાકાળ ટકે છે.”

૧૪. ખાસ કરીને, યહોવાહની ભલાઈ અને પ્રેમનો આનંદ કોણ માણે છે?

૧૪ યહોવાહ ‘પ્રેમાળ કૃપાથી ભરપૂર’ છે, એમાં પણ તેમની ભલાઈ દેખાય આવે છે. ખાસ કરીને તે પોતાના વિશ્વાસુ સેવકોની જે રીતે સંભાળ રાખે છે, એમાં એ દેખાય આવે છે. (૧ પીતર ૫:૬, ૭) યહોવાહના સેવકો પોતાના અનુભવ પરથી કહી શકશે કે યહોવાહ તેમના ભક્તો પર કેટલો પ્રેમ રાખે છે. (નિર્ગમન ૨૦:૬) ઈસ્રાએલી પ્રજાએ યહોવાહના પ્રેમનો હંમેશા અનુભવ કર્યો નહિ, કેમ કે તેઓએ તેમના દીકરા ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો. પરંતુ, યહોવાહની ભલાઈ અને પ્રેમ સર્વ વિશ્વાસુ સેવકો પર કાયમ રહેશે.​—⁠યોહાન ૩:⁠૩૬.

યહોવાહ, દયાળુ તથા કૃપાળુ

૧૫. (ક) મુસાએ સિનાય પર્વત પર સાંભળેલા શબ્દોની શરૂઆત કઈ રીતે થઈ? (ખ) દયા એટલે શું?

૧૫ મુસાએ સિનાય પર્વત પર જે શબ્દો સાંભળ્યા, એની શરૂઆત આ રીતે થઈ: “યહોવાહ, યહોવાહ, દયાળુ તથા કૃપાળુ.” અહીં “દયા” ભાષાંતર થયેલો શબ્દ, મૂળ હેબ્રીમાં “આંતરડાં” પણ થઈ શકે. તેમ જ, એ “ગર્ભાશય” માટેના શબ્દને મળતો આવે છે. આમ, દયામાં એવી લાગણીનો સમાવેશ થાય છે, જે વ્યક્તિના હૃદયના ઊંડાણમાંથી આવે છે. પરંતુ, દયામાં ફક્ત કોઈ માટે દુઃખી થવાનો જ સમાવેશ થતો નથી. એ દયાથી આપણે બીજાઓના દુઃખમાં રાહત આપવા કંઈક કરવા પ્રેરાઈએ છીએ. દાખલા તરીકે, પ્રેમાળ વડીલ જુએ કે કોઈ ભાઈ કે બહેનને દયાની જરૂર છે ત્યારે, તે ‘ઉમંગથી દયા રાખે’ છે.​—⁠રૂમી ૧૨:૮; યાકૂબ ૨:૧૩; યહુદા ૨૨, ૨૩.

૧૬. યહોવાહ કૃપાળુ છે એમ આપણે શા માટે કહીએ છીએ?

૧૬ યહોવાહની ભલાઈ તેમની કૃપામાં પણ દેખાય આવે છે. કૃપાળુ વ્યક્તિ ‘બીજાની લાગણી ખૂબ ધ્યાનમાં રાખે છે’ અને ખાસ કરીને પોતાનાથી ઉંમરમાં કે અનુભવમાં ‘નાના’ વ્યક્તિઓ પ્રત્યે વધારે પ્રેમથી વર્તે છે. એનું ઉત્તમ ઉદાહરણ યહોવાહ છે, જે પોતાના વિશ્વાસુ સેવકો પર અપાર કૃપા રાખે છે. દાખલા તરીકે યહોવાહે કૃપા બતાવીને, પોતાના સ્વર્ગદૂતો દ્વારા દાનીયેલ પ્રબોધકને તેમના ઘડપણમાં હિંમત આપી. વળી, તેમણે કુંવારી મરિયમને કૃપા બતાવીને દૂત દ્વારા જણાવ્યું કે ઈસુને જન્મ આપવા તેને પસંદ કરવામાં આવી હતી. (દાનીયેલ ૧૦:૧૯; લુક ૧:૨૬-૩૮) યહોવાહના લોકો તરીકે, આપણે ઊંડી કદર કરીએ છીએ કે તે બાઇબલ દ્વારા આપણને મદદ આપીને કૃપા બતાવે છે. આપણે તેમની ભલાઈની ખરેખર કદર કરીએ છીએ અને બીજાઓ સાથે એવા જ કૃપાળુ બનવા ચાહીએ છીએ. મંડળમાં લાયકાત ધરાવતા ભાઈઓ જ્યારે કોઈને ખોટા માર્ગેથી પાછો વળવા મદદ કરે, ત્યારે એ જ રીતે “નમ્ર ભાવે” કૃપા બતાવે.​—⁠ગલાતી ૬:⁠૧.

કોપ કરવામાં ધીમા પરમેશ્વર

૧૭. શા માટે આપણે આભારી છે કે યહોવાહ કોપ કરવામાં ધીમા છે?

૧૭ ‘મંદરોષી દેવ.’ આ શબ્દો યહોવાહની ભલાઈના બીજા એક પાસા તરફ ધ્યાન ખેંચે છે. યહોવાહ ધીરજથી આપણી ભૂલો સહી લે છે. તે આપણને નબળાઈઓ પર જીત મેળવવા અને પ્રગતિ કરવા સમય આપે છે. (હેબ્રી ૫:૧૨–૬:૩; યાકૂબ ૫:૧૪, ૧૫) યહોવાહની ધીરજનો લાભ એવા લોકોને પણ મળે છે જેઓ હજુ તેમના ભક્તો બન્યા નથી. તેઓને હજુ સમય છે કે યહોવાહનો સંદેશો સાંભળીને, તેઓ પસ્તાવો કરે. (રૂમી ૨:૪) ખરું કે યહોવાહ ધીરજવાન છે છતાં, અમુક સમયે તેમની ભલાઈને કારણે તે ગુસ્સે થાય છે. જેવી રીતે સિનાય પર્વત પાસે ઈસ્રાએલીઓ સોનાના વાછરડાની પૂજા કરવા માંડ્યા ત્યારે તેમનો કોપ સળગી ઊઠ્યો. એવી જ રીતે શેતાનના આ દુષ્ટ જગતનો તે અંત લાવશે, ત્યારે યહોવાહનો કોપ હજુ વધારે દેખાઈ આવશે.​—⁠હઝકીએલ ૩૮:૧૯, ૨૧-૨૩.

૧૮. સત્યની વાત આવે છે ત્યારે, યહોવાહ અને નેતાઓ કઈ રીતે અલગ પડે છે?

૧૮ ‘યહોવાહ સત્યથી ભરપૂર છે.’ યહોવાહ આજના નેતાઓથી કેટલા અલગ છે, કેમ કે માનવીઓ વચનો તો ઘણા આપે છે પણ એ પાળતા નથી! પરંતુ, યહોવાહના ભક્તો બાઇબલના દરેક શબ્દ પર પૂરો ભરોસો રાખી શકે છે. યહોવાહ સત્યથી ભરપૂર હોવાથી, આપણે હંમેશાં તેમના વચનો પર ભરોસો રાખી શકીએ છીએ. યહોવાહ પોતાની ભલાઈને કારણે હંમેશાં આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણને પુષ્કળ પ્રમાણમાં સત્યનું જ્ઞાન પૂરું પાડે છે.​—⁠ગીતશાસ્ત્ર ૪૩:૩; ૬૫:⁠૨.

૧૯. પસ્તાવો કરનાર પાપીઓને, યહોવાહ કેવી ભલાઈ બતાવે છે?

૧૯ “યહોવાહ . . . અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર છે.” યહોવાહ પોતાની ભલાઈને કારણે, પસ્તાવો કરનાર પાપીને માફ કરવા તૈયાર છે. ખરેખર, આપણે કેટલા આભારી છીએ કે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા પાપોની માફી મળે, એવી આપણા પ્રેમાળ યહોવાહ પરમેશ્વરે ગોઠવણ કરી છે. (૧ યોહાન ૨:૧, ૨) આપણે ઘણા જ ખુશ છીએ કે જે કોઈ ઈસુના ખંડણી તરીકે આપેલા બલિદાનમાં વિશ્વાસ કરે, તે યહોવાહ સાથે સારા સંબંધનો આનંદ માણી શકે છે. તેમ જ, યહોવાહે વચન આપેલી નવી દુનિયામાં કાયમી જીવનની પણ તેને આશા છે. સાચે જ, યહોવાહની આવી ભલાઈ જોઈને, આપણે તેમની ખરા દિલથી ભક્તિ કરવા પ્રેરાઈએ છીએ!​—⁠૨ પીતર ૩:⁠૧૩.

૨૦. યહોવાહ હંમેશાં દુષ્ટતા ચલાવી લેશે નહિ, એની શું સાબિતી છે?

૨૦ ‘યહોવાહ દોષિતને નિર્દોષ નહિ જ ઠરાવશે.’ યહોવાહની ભલાઈ માટે તેમની ભક્તિ કરવાનું આ એક બીજું કારણ છે. ભલાઈનું મહત્ત્વનું પાસું એ છે કે એમાં ખોટું ચાલી જતું નથી. વળી, “પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે . . . પ્રગટ થશે, ત્યારે . . . જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. તેઓ . . . શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) પછી, યહોવાહના બચી ગયેલા સેવકો એવી નવી દુનિયામાં જીવનનો પૂરેપૂરો આનંદ માણી શકશે, જ્યાં દુષ્ટ લોકો નહિ હોય, જેઓ ભલું કરવામાં માનતા જ નથી.​—⁠૨ તીમોથી ૩:૧-૩.

યહોવાહની ભલાઈને અનુસરો

૨૧. આપણે શા માટે ભલાઈ બતાવવી જોઈએ?

૨૧ ખરેખર, આપણી પાસે યહોવાહની સ્તુતિ કરવા અને તેમની ભલાઈ માટે આભાર માનવાના ઘણા કારણો છે. તેમના ભક્તો તરીકે, શું આપણે પણ હરેક રીતે ભલાઈ બતાવવી ન જોઈએ? આપણે એમ જ કરવું જોઈએ, કેમ કે પ્રેષિત પાઊલે પોતાના સાથી ખ્રિસ્તીઓને અરજ કરી: “પ્રભુનાં પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારાં થાઓ.” (એફેસી ૫:૧) આપણા પરમેશ્વર યહોવાહ કાયમ ભલાઈ બતાવે છે અને આપણે પણ એમ જ કરવું જોઈએ.

૨૨. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૨ આપણે પૂરા દિલથી યહોવાહની સેવા કરતા હોઈએ તો, આપણે પણ તેમની જેમ જ ભલાઈ બતાવવા ચાહીશું. પરંતુ, આપણે પાપી આદમના વંશજો હોવાથી, જે સારું છે એ કરવું આપણને મુશ્કેલ લાગે છે. જો કે હવે પછીના લેખમાં આપણે જોઈશું કે શા માટે આપણે ભલાઈ બતાવી શકીએ છીએ. તેમ જ, આપણે જુદી જુદી રીતો જોઈશું, જેના દ્વારા આપણે યહોવાહને અનુસરી શકીએ, કેમ કે તેમની ભલાઈ સૌથી ઉત્તમ છે.

તમારો જવાબ શું છે?

• ભલાઈનો શું અર્થ થાય?

• યહોવાહની ભલાઈનું વર્ણન બાઇબલની કઈ કલમો કરે છે?

• યહોવાહની ભલાઈ કઈ રીતોએ દેખાઈ આવે છે?

• યહોવાહની જેમ આપણે શા માટે ભલાઈ બતાવવી જોઈએ?

[Questions]

[પાન ૧૨ પર ચિત્ર]

યહોવાહે અગાઉ પોતાના લોકોને સજા કરી, કેમ કે તેઓએ પોતાનું વચન પાળ્યું નહિ

[પાન ૧૨ પર ચિત્ર]

વિશ્વાસુ શેષભાગ યરૂશાલેમ પાછો ફરે છે

[પાન ૧૩ પર ચિત્ર]

યહોવાહની ભલાઈનું સુંદર વર્ણન મુસાએ સાંભળ્યું

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહ બાઇબલમાંથી આપણને મદદ કરે છે, એમાં તેમની ભલાઈ દેખાય છે