સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“રડતું” ઝાડ અને એનાં ઉપયોગી “આંસુ”

“રડતું” ઝાડ અને એનાં ઉપયોગી “આંસુ”

“રડતું” ઝાડ અને એનાં ઉપયોગી “આંસુ”

યિર્મેયાહ ૫૧:૮ કહે છે, “દુઃખને સારૂ શેરીલોબાન [“મલમ,” NW] લો.” દરદમાં ખૂબ જ રાહત આપતા અને એને જલદી મટાડતા આ મલમ વિષેની શોધ આપણને એજીન સમુદ્રના ખીઅસ ટાપુ પર લઈ જાય છે.

ઉનાળાની શરૂઆતમાં, ખીઅસના ખેડૂતો પાક મેળવવા માટે અજોડ રીતે તૈયારી કરે છે. તેઓ ઝાડની આસપાસ સફાઈ કર્યા પછી, સફેદ માટીથી લીંપણ કરે છે. એ એક જાતનું ગુંદરનું ઝાડ છે, જેને મેસ્ટિક અથવા રાળનું ઝાડ કહેવામાં આવે છે. ત્યાર પછી, ખેડૂતો એ ઝાડની છાલ ઉપર છેદ કરે છે ત્યારે એમાંથી રસનાં “ટીપાં” ઝરવા લાગે છે. બે કે ત્રણ અઠવાડિયાં પછી, એ રસના ટીપાં થીજી જાય છે. ખેડૂતો એને થડ પરથી અથવા નીચે લીંપણ કરેલી જમીન પરથી એકઠો કરી લે છે. આ ગુંદરના રસને મેસ્ટિક કહેવામાં આવે છે જેમાંથી મલમ બનાવવામાં આવે છે.

તેમ છતાં, આ મેસ્ટિકને ભેગું કરતાં પહેલાં એ ધીરજ અને સખત મહેનત માગી લે છે. આ વાંકાચૂકા રાખોડી ઝાડનું થડ બહુ જ ધીમે ધીમે વધે છે. એ ઝાડને વિકાસ પામતા ૪૦-૫૦ વર્ષ લાગે છે અને એની ઊંચાઈ સામાન્ય રીતે બેથી ત્રણ મીટરની હોય છે.

થડની છાલને કાપીને ઝરતા રસને ભેગો કર્યા પછી પણ એને તૈયાર કરવા માટે ઘણી પ્રક્રિયા કરવાની જરૂર પડે છે. રસના ટીપા થીજી ગયા પછી, ખેડૂતો એને ભેગા કરીને ચાળે છે, ધુએ છે. એના કદ તેમ જ ગુણવત્તા પ્રમાણે નોખા પાડે છે. પછી, એ કણોને વધારે સાફ કરવામાં આવે છે અને ત્યાર બાદ એને ઘણા ઉપયોગમાં લઈ શકાય છે.

એ ઝાડનો ઇતિહાસ

ગ્રીકમાં ગુંદર માટે જે શબ્દ વાપરતા હતા, એમાંથી અંગ્રેજી શબ્દ “મેસ્ટિક” આવે છે, જેનો અર્થ “દાંત પીસવું” થાય છે. આ નામ બતાવે છે કે પ્રાચીન સમયમાં લોકોના મોંમાંથી દુર્ગંધ ન નીકળે એ માટે તેઓ એને ચુઈંગમની જેમ ચાવતા હતા.

પાંચમી સદી બી.સી.ઈ.ના ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસ પાસે એ મેસ્ટિક ગુંદર વિષેની સૌથી પ્રાચીન માહિતી મળે છે. એપોલોડોરસ, ડાયસકોરડીસ, થિઓસ્કોરીથીસ અને હિપોક્રેટિસ જેવા બીજા પ્રાચીન લેખકો અને ડૉક્ટરોએ પણ એવો ઉલ્લેખ કર્યો હતો કે એને દવા તરીકે વાપરી શકાય છે. જોકે એ ઝાડ ભૂમધ્ય સમુદ્રની ફરતે આવેલા વિસ્તારોમાં થાય છે, છતાં લગભગ ૫૦ સી.ઈ.થી મોટા ભાગે મેસ્ટિક ગુંદરનું ઉત્પાદન કાયઓસ ટાપુ પર થાય છે. વળી, કાયઓસ ટાપુને જીતી લેનાર રોમનો, પછી જીઓગ્સ અને ત્યાર પછી તુર્કના લોકો પણ એ ઝાડમાંથી ઝરતા રસને કારણે એની પાછળ પડ્યા હતા.

ગુંદરના અનેક ઉપયોગ

પ્રાચીન ઇજિપ્તના ડૉક્ટરો મરડો અને સંધિવા જેવા વિવિધ રોગોની સારવાર માટે એ ઝાડના (રસ)નો ઉપયોગ કરતા. તેઓ ધૂપદાનીમાં અને શબમાં ભરવા માટે પણ એનો ઉપયોગ કરતા. કદાચ એ જ ઝાડમાંથી ‘ગિલઆદ શેરીલોબાન’ અર્થાત્‌ મલમ બનાવવામાં આવ્યો હોય શકે. એટલું જ નહિ પરંતુ, બાઇબલમાં એવું પણ જોવા મળે છે કે એનો દવા, અત્તર તરીકે અને મૃતદેહને સડી જતો અટકાવવા સુગંધી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. (યિર્મેયાહ ૮:૨૨; ૪૬:૧૧) એવું પણ કહેવામાં આવે છે કે બાઇબલમાં જણાવેલા સુગંધીદાર પવિત્ર ધૂપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોમાંનો એક, આ મેસ્ટિક ઝાડની કોઈ એક જાતિમાંથી હોય શકે.​—⁠નિર્ગમન ૩૦:૩૪, ૩૫.

આજે, મેસ્ટિક ગુંદરનો ફર્નિચર પરના ઓઈલ પેઈન્ટ અને સંગીતનાં વાજિંત્રોનું રક્ષણ કરવા માટેનું તેલ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. તેમ જ વિદ્યુતરોધન, વોટરપ્રૂફ વસ્તુઓની બનાવટમાં અને કપડાંનો રંગ પાક્કો બનાવવા પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત, ચામડાંનો રંગ પાક્કો કરવા અને અનેક પ્રકારના ગુંદરો બનાવવામાં પણ મેસ્ટિકનો ઉપયોગ થાય છે. એની મીઠી સુગંધ અને બીજા ગુણોને લીધે એનો સાબુ, સૌંદર્ય પ્રસાધનો અને અત્તરમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

મેસ્ટિકનો જગતવ્યાપી દવાઓની ૨૫ સરકારી યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરબના દેશોમાં એનો દેશી દવા બનાવવામાં હજુ પણ ઉપયોગ કરવામાં આવે છે. એ ગુંદર દાંત ભરવાના સિમેન્ટમાં અને દવાની કૅપ્સ્યુલનું અંદરનું પડ બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

“રડતા” મેસ્ટિક ઝાડના અનેક ઉપયોગી “આંસુમાંથી” બનતા મલમે સદીઓથી દરદમાં રાહત અને સાજાપણું આપ્યું છે. તેથી, યોગ્ય રીતે જ યિર્મેયાહની ભવિષ્યવાણી કહે છે: ‘દુઃખને સારૂ મલમ લો.’

[પાન ૩૧ પર ચિત્રો]

ખીઅસ

મેસ્ટિકની લણણી

મેસ્ટિક ઝાડનો થીજી ગયેલો “રસ” કાળજીપૂર્વક એકઠો કરવામાં આવે છે

[ક્રેડીટ લાઈન્સ]

Chios and harvest line art: Courtesy of Korais Library; all others: Kostas Stamoulis