સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહે અમને સહન કરતા અને અડગ રહેતા શીખવ્યું

યહોવાહે અમને સહન કરતા અને અડગ રહેતા શીખવ્યું

મારો અનુભવ

યહોવાહે અમને સહન કરતા અને અડગ રહેતા શીખવ્યું

એરીસ્ટોટેલીસ એપોસ્ટોલીડીશના જણાવ્યા પ્રમાણે

કૉકેસસના પહાડી વિસ્તારની ઉત્તર દિશાએ પીએટઆઈગોર્સક આવેલું છે. ત્યાં ખનીજ સંપત્તિ મળી આવતી હોવાથી અને શાંત વાતાવરણને લીધે એ રશિયાનું જાણીતું શહેર છે. અહીં મારો જન્મ ૧૯૨૯માં ગ્રીક શરણાર્થી કુટુંબમાં થયો હતો. સ્તાલિનના સુધારાવાદી આંદોલન, આતંક અને જાતિમૂલોચ્છેદના લગભગ દસ વર્ષ પછી, અમે ફરીથી શરણાર્થી બન્યા અને અમને કમને ગ્રીસમાં જવું પડ્યું.

ગ્રીસ, પાઇરીઅસમાં ગયા પછી, “શરણાર્થી” શબ્દનો અર્થ જ અમારા માટે બદલાઈ ગયો. અમે જાણે બિલકુલ અજાણ્યા હોય એવું અનુભવતા હતા. જોકે, મેં અને મારા મોટા ભાઈએ પ્રખ્યાત ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ, સોક્રેટીસ અને એરિસ્ટોટલ પરથી પોતાનાં નામો રાખ્યાં હતાં છતાં, એ નામોથી અમને કોઈ ભાગ્યે જ બોલાવતું હતું. દરેક જણ અમને રશિયન ગઠિયા કહીને બોલાવતા હતા.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયાના થોડા જ સમય પછી, મારી મમ્મી મરણ પામી. તે અમારા ઘરની મુખ્ય વ્યક્તિ હોવાથી તેને ગુમાવવી મોટી ખોટ હતી. જોકે, તે થોડા સમયથી માંદી રહેતી હોવાથી, તેણે મને અમુક ઘરકામ કરવાનું શીખવ્યું હતું. આ તાલીમ મારા જીવનના પાછલા સમયમાં ઘણી ઉપયોગી પુરવાર થઈ.

યુદ્ધ અને છુટકારો

યુદ્ધ, નાઝીઓનો કબજો અને બીજા દેશોના સતત બોંબમારાને લીધે, દરેક દિવસ અમારા જીવનનો છેલ્લો દિવસ હોય એમ લાગતું હતું. ગરીબી, ભૂખમરો અને મરણનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. અમારા ત્રણ જણનું ગુજરાન ચલાવવા, હું ૧૧ વર્ષનો હતો ત્યારથી જ મારા પપ્પા સાથે સખત મહેનત કરવા લાગ્યો. યુદ્ધ ચાલતું હોવાથી અને ગ્રીક ભાષાનું જોઈએ એટલું જ્ઞાન ન હોવાથી હું વધુ શિક્ષણ પણ લઈ શક્યો નહિ.

ઑક્ટોબર ૧૯૪૪માં ગ્રીસ જર્મનીથી સ્વતંત્ર થયું. થોડા જ સમય પછી, હું યહોવાહના સાક્ષીઓના સંપર્કમાં આવ્યો. એ સમયની દુઃખદ અને કંગાળ પરિસ્થિતિમાં, પરમેશ્વરના રાજ્ય હેઠળ મળનાર ઉજ્જ્વળ ભવિષ્યની બાઇબલ આશા મારા હૃદયને સ્પર્શી ગઈ. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) આ પૃથ્વી પર સુખ-શાંતિવાળા જીવન વિષે પરમેશ્વરે આપેલું વચન મારા જખમ પર ખરેખર મલમ જેવું પુરવાર થયું. (યશાયાહ ૯:૭) વર્ષ ૧૯૪૬માં મેં અને મારા પિતાએ યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું.

ત્યાર પછીના વર્ષે, પાઇરીઅસના બીજા એક નવા મંડળમાં મને આજે સામયિક સેવક તરીકે ઓળખાતી સૌથી પહેલી સોંપણી મળી ત્યારે ઘણો જ આનંદ થયો. અમારો વિસ્તાર પાઇરીઅસથી લંબાઈને ૫૦ કિલોમીટર દૂર આવેલા ઇલ્યૂસસ સુધી ફેલાયો હતો. એ સમયે, ઘણા અભિષિક્ત ખ્રિસ્તીઓ મંડળમાં સેવા આપતા હતા. મને તેઓની સાથે કામ કરવાનો અને તેઓ પાસેથી શીખવાનો અદ્‍ભુત લહાવો મળ્યો હતો. મેં તેઓની સંગતનો આનંદ માણ્યો કેમ કે પ્રચાર કાર્ય કરવા માટે જરૂરી ઉત્સાહી પ્રયત્નો વિષે તેઓ પાસે અસંખ્ય અનુભવો હતા. તેઓની જીવન ઢબ સ્પષ્ટ બતાવી આપતી હતી કે યહોવાહની વિશ્વાસુપણે સેવા કરવા ખૂબ ધીરજવાન અને દૃઢ રહેવાની જરૂર છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૨) હું કેટલો ખુશ છું કે આજે આ વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓનાં ૫૦ કરતાં વધારે મંડળો છે!

અણધારી મુશ્કેલીઓ

થોડા સમય પછી, હું ઈલીનના પરિચયમાં આવ્યો. તે પાટ્રસ શહેરની એક પ્રેમાળ અને ઉત્સાહી ખ્રિસ્તી બહેન હતી. અમે ૧૯૫૨ના અંતમાં સગાઈ કરી. પરંતુ, એના થોડા જ મહિનાઓ પછી, ઈલીન ગંભીર રીતે બીમાર પડી. ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે તેને બ્રેઈન ટ્યૂમર થયું હતું અને તેની હાલત બહુ જ ખરાબ હતી. તેનું તરત જ ઑપરેશન કરવાનું હતું. ઘણા પ્રયત્નો પછી, અમે ઍથેન્સમાં એક ડૉક્ટરને શોધી શક્યા કે જેમની પાસે પૂરતી સુવિધા ન હતી છતાં, આપણી ધાર્મિક માન્યતાને માન આપીને લોહી આપ્યા વગર ઑપરેશન કરવા તૈયાર હતા. (લેવીય ૧૭:૧૦-​૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:​૨૮, ૨૯) ઑપરેશન પછી, ડૉક્ટરોએ મારી ભાવિ પત્નીની બચવાની આશા તો આપી પરંતુ, તેઓએ એમ પણ જણાવ્યું કે ફરીથી પરિસ્થિતિ બગડી શકે છે.

આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ? શું મારે સગાઈ તોડી નાખવી જોઈએ? ના! અમારી સગાઈ વખતે મેં તેને વચન આપ્યું હતું અને હું મારી ‘હાʼને હા જ રાખવા ઇચ્છતો હતો. (માત્થી ૫:​૩૭) મેં કદી પણ તેને છોડી દેવાનું વિચાર્યું ન હતું. તેની મોટી બહેને તેની કાળજી લીધી અને ઈલીન થોડી સાજી થઈ ગઈ. ત્યાર પછી, ડિસેમ્બર ૧૯૫૪માં અમે લગ્‍ન કર્યું.

ત્રણ વર્ષ પછી, ઈલીનના એ રોગે ફરીથી ઊથલો માર્યો અને એ જ ડૉક્ટરે બીજું ઑપરેશન કર્યું. આ વખતે તેમણે ગાંઠને પૂરેપૂરી કાઢી નાખવા મગજમાં ઊંડે સુધી ઑપરેશન કર્યું. પરિણામે, મારી પત્નીનું એક બાજુનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું અને તેને બોલવામાં ઘણી તકલીફ પડવા લાગી. હવે અમારા બંને સમક્ષ એકદમ નવી મુશ્કેલીઓ ઊભી થઈ. એક નાનું કામ કરવું પણ મારી વહાલી પત્ની માટે મુશ્કેલ બની ગયું. તેની બગડતી જતી પરિસ્થિતિને લીધે અમારે રોજિંદા કાર્યમાં મોટા ફેરફારો કરવા પડ્યા. વધુમાં, એ ખૂબ ધીરજ અને ખંતીલો પ્રયાસ માગી લેતું હતું.

આ સમયે મારી માતા પાસેથી મેળવેલી તાલીમ કામમાં આવી. દરરોજ વહેલી સવારે, હું ભોજનની મોટા ભાગની બધી જ તૈયારી કરી લેતો અને ત્યાર પછી ઈલીન રાંધતી. અમે ઘણી વાર પૂરા સમયના સેવકો, અમારા બાઇબલ વિદ્યાર્થીઓ અને મંડળના ગરીબ ભાઈબહેનોને ઘરે જમવા બોલાવતા. તેઓ અમારા સ્વાદિષ્ટ ભોજનની ખૂબ પ્રશંસા કરતા! હું અને ઈલીન ભેગા મળીને ઘરના બીજાં કામો પણ કરતા જેથી અમારું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત રહેતું હતું. આવી પરિસ્થિતિ ૩૦ વર્ષ રહી.

કમજોર છતાં ઉત્સાહી

કમજોર હોવા છતાં મારી પત્નીનો યહોવાહ માટેનો પ્રેમ અને તેમની સેવા માટેનો ઉત્સાહ ઓછો થઈ ગયો ન હતો. એ મારા માટે અને બીજાઓ માટે ખરેખર ઉત્તેજન આપનારું હતું. સમય જતાં અને સતત પ્રયત્નોથી, ઈલીન બહુ જ ઓછા શબ્દોથી પણ પોતાને વ્યક્ત કરી શકતી હતી. તેને રસ્તા પર આવતા-જતા લોકોને બાઇબલમાંથી સુસમાચાર જણાવવાનું ખૂબ ગમતું હતું. હું કામકાજ માટે બહાર જતો ત્યારે, તેને મારી સાથે લઈ જતો અને લોકોની વધારે અવરજવર હોય ત્યાં એકબાજુ કાર ઊભી રાખતો. તે કારની બારી ખોલીને વટેમાર્ગુઓને ચોકીબુરજ અને સજાગ બનો!ની પ્રત આપતી. એક સમયે તેણે બે કલાકમાં ૮૦ સામયિકો આપ્યાં. બહુ થોડા જ સમયમાં તેણે મંડળના સ્ટૉકના બધા જ જૂનાં સામયિકો પૂરા કરી નાખ્યા. ઈલીન પ્રચાર કાર્યની બીજી રીતોમાં પણ નિયમિત હતી.

મારી પત્ની અશક્ત હોવા છતાં મારી સાથે નિયમિત સભાઓમાં આવતી. ગ્રીસમાં યહોવાહના સાક્ષીઓની સતાવણી થતી હોવાથી, અમારે સંમેલનો કે મહાસંમેલનો માટે બીજા દેશોમાં જવું પડતું. તેમ છતાં, તે ક્યારેય એ ચૂકતી ન હતી. તેની અમુક મર્યાદાઓ હોવા છતાં, તે ઑસ્ટ્રિયા, જર્મની, સૈપ્રસ અને બીજા દેશોનાં મહાસંમેલનોમાં આવી હતી. યહોવાહની સેવામાં મને વધારે જવાબદારીઓ મળી ત્યારે, હું તેની જોઈએ એટલી કાળજી લઈ શકતો ન હતો. તોપણ તેણે ક્યારેય ફરિયાદ કરી ન હતી.

આ સ્થિતિ મારા માટે સહનશીલ બનવા અને ટકી રહેવા લાંબા સમયની તાલીમ પુરવાર થઈ. મેં ઘણી વાર યહોવાહની મદદ અનુભવી. ભાઈબહેનોએ અમને મદદ કરવા માટે ઘણાં બલિદાનો આપ્યાં અને ડૉક્ટરોએ પણ અમને ઘણો ટેકો આપ્યો. જોકે, અમારા સંજોગોને લીધે હું પૂરા સમયની નોકરી કરી શકતો ન હતો છતાં, મુશ્કેલીઓના સમય દરમિયાન, અમે કદી પણ જીવન જરૂરિયાતની કોઈ અછત અનુભવી ન હતી. તોપણ, અમે યહોવાહની સેવા અને રાજ્ય હિતોને હંમેશા અમારા જીવનમાં મોખરે રાખ્યા.​—⁠માત્થી ૬:⁠૩૩.

ઘણા લોકોએ અમને પૂછ્યું છે કે એ મુશ્કેલીના સમય દરમિયાન કઈ બાબતે અમને સહન કરવા મદદ કરી. હું એ સમય વિષે વિચારું છું ત્યારે, ખાતરીપૂર્વક કહી શકું છું કે બાઇબલનો વ્યક્તિગત અભ્યાસ, પરમેશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના, નિયમિત ખ્રિસ્તી સભાઓમાં જવાથી અને પ્રચાર કાર્યમાં ઉત્સાહથી ભાગ લેવાથી અમને સહન કરવા અને દૃઢ રહેવામાં ખૂબ મદદ મળી છે. અમે હંમેશાં ગીતશાસ્ત્ર ૩૭:૩-૫ના શબ્દોમાંથી ઉત્તેજન મેળવતા: “યહોવાહ પર ભરોસો રાખ, . . . જેથી તું યહોવાહમાં આનંદ કરીશ; . . . તારા માર્ગો યહોવાહને સોંપ; તેના પર ભરોસો રાખ, અને તે તને ફળીભૂત કરશે.” વળી, ગીતશાસ્ત્ર ૫૫:૨૨ની કલમ અમારા માટે ઘણી જ ઉત્તેજન આપનાર હતી: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” એક બાળક પોતાના પિતા પર પૂરેપૂરો ભરોસો રાખે છે તેમ, અમે ફક્ત યહોવાહ પર ભરોસો જ રાખ્યો નહિ પરંતુ બધી બાબતો તેમના પર છોડી દીધી.​—⁠યાકૂબ ૧:⁠૬.

એપ્રિલ ૧૨, ૧૯૮૭ના રોજ, મારી પત્ની અમારા ઘરના આંગણે પ્રચાર કરી રહી હતી. એ સમયે, લોખંડનો ખુલ્લો દરવાજો જોરથી બંધ થયો જેનાથી, તે રોડ પર ફેંકાઈ ગઈ અને તેને ગંભીર ઈજા થઈ. પરિણામે, પછીના ત્રણ વર્ષ સુધી તે કોમામાં રહી. તે ૧૯૯૦ની શરૂઆતમાં મરણ પામી.

તનમનથી યહોવાહની સેવા કરવી

વર્ષ ૧૯૬૦માં, મને નિકાઈયા, પાઇરીઅસમાં મંડળના સેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. ત્યારથી, મને પાઇરીઅસના બીજાં ઘણાં મંડળોમાં સેવા કરવાનો લહાવો મળ્યો છે. જોકે, મારા પોતાનાં બાળકો નથી છતાં, મને ઘણાં આત્મિક બાળકોને સત્યમાં દૃઢ કરવાનો લહાવો મળ્યો છે. તેઓમાંના કેટલાક આજે મંડળમાં વડીલો, સેવકાઈ ચાકર, પાયોનિયર અને બેથેલ કુટુંબના સભ્યો તરીકે સેવા કરે છે.

વર્ષ ૧૯૭૫માં ગ્રીસમાં ફરી લોકશાહી શાસન શરૂ થયું પછી, યહોવાહના સાક્ષીઓ મુક્ત રીતે પોતાનાં સંમેલનો ભરી શકતા હતા. હવે જંગલોમાં સંતાઈને સંમેલનો યોજવાના દિવસો જતા રહ્યા હતા. અમારામાંના કેટલાકે પરદેશમાં ઘણી વાર સંમેલનોનું આયોજન કર્યું હતું. હવે એ અનુભવ ઘણો લાભદાયી પુરવાર થયો. મને ઘણાં વર્ષો સુધી વિવિધ સંમેલન સમિતિમાં સેવા કરવાનો લહાવો મળ્યો.

ત્યાર પછી, ૧૯૭૯માં ગ્રીસમાં ઍથેન્સની સરહદે સૌ પ્રથમ સંમેલન હૉલ બાંધવાની યોજના કરવામાં આવી. મને વ્યવસ્થામાં મદદ કરવા અને આ મોટી બાંધકામ યોજનાને પૂરી કરવાનું કામ સોંપવામાં આવ્યું. આ કાર્ય પણ ખૂબ ધીરજ અને મહેનત માગી લેતું હતું. ત્રણ વર્ષ સુધી હજારો સ્વયંસેવક ભાઈબહેનો સાથે કામ કરવાથી અમારા પ્રેમ અને એકતામાં વધારો થયો. એની યાદો મારા હૃદયમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ છે.

કેદીઓની આત્મિક જરૂરિયાતોને સંતોષવી

થોડાં વર્ષો પછી, પ્રચાર કાર્યનું એક નવું ક્ષેત્ર ખૂલ્યું. મારા મંડળના વિસ્તાર કોરીડાલોસ નજીક, ગ્રીસની સૌથી મોટી જેલ છે. એપ્રિલ ૧૯૯૧થી, મને યહોવાહના સાક્ષીઓના એક સેવક તરીકે દર સપ્તાહે આ જેલની મુલાકાત લેવા નિયુક્ત કરવામાં આવ્યો. અહીં મને રસ ધરાવનાર વ્યક્તિઓ સાથે બાઇબલ અભ્યાસ ચલાવવાની અને સભાઓની ગોઠવણ કરવાની પરવાનગી આપવામાં આવી. તેઓમાંના ઘણાએ પરમેશ્વરના શબ્દની શક્તિથી પોતાના જીવનમાં મોટા મોટા ફેરફારો કર્યા. (હેબ્રી ૪:​૧૨) એનાથી જેલના કર્મચારીઓ અને બીજા કેદીઓ પર ઊંડી અસર પડી. મેં બાઇબલ અભ્યાસ કર્યો હતો તેઓમાંના કેટલાક કેદીઓ મુક્ત થયા છે અને હવે રાજ્યના પ્રચારકો છે.

મેં કેટલોક સમય ડ્રગ્સનો વેપાર કરનારા ત્રણ કુખ્યાત કેદીઓ સાથે પણ અભ્યાસ કર્યો. તેઓ પરમેશ્વરનું જ્ઞાન મેળવતા ગયા તેમ, બાઇબલ અભ્યાસમાં દાઢી કરીને, વાળ વ્યવસ્થિત રીતે ઓળીને અને ગ્રીસના સૌથી ગરમ મહિના ઑગસ્ટમાં પણ, શર્ટ અને ટાઈ પહેરીને આવવા લાગ્યા! જેલના સંચાલક, વ્યવસ્થા જાળવનાર અધિકારી અને બીજા કર્મચારીઓ તેઓને જોવા માટે પોતાની ઑફિસોમાંથી બહાર ધસી આવતા. કેમ કે તેઓ એ માની શકતા ન હતા!

જેલમાં સ્ત્રીઓના વિભાગમાં પણ ઉત્તેજનકારક અનુભવ થયો. એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો કે જેને ખૂનના આરોપ હેઠળ આજીવન કેદની સજા થઈ હતી. તે પોતાના બળવાખોર સ્વભાવને લીધે જાણીતી હતી. તોપણ બાઇબલ સત્યએ તેનામાં એવા નોંધપાત્ર ફેરફારો કર્યા કે ઘણાએ તેની પ્રશંસા કરી કે હવે તે સિંહમાંથી ઘેટા જેવી બની છે! (યશાયાહ ૧૧:૬, ૭) તેણે જલદી જ જેલની અધિકારીનો આદર અને વિશ્વાસ જીતી લીધો. તેને સારી રીતે આત્મિક પ્રગતિ કરતા અને યહોવાહને પોતાનું સમર્પણ કરવા સુધી પહોંચતા જોઈને હું ખુશ હતો.

અશક્ત અને વૃદ્ધોને મદદ કરવી

મારી પત્નીને માંદગી સામે લાંબો સમય લડત આપતી જોઈ હોવાથી, હું અમારામાંના બીમાર અને વયોવૃદ્ધોની જરૂરિયાતોને વધારે સમજી શકતો હતો. આવી વ્યક્તિઓને મદદ કરવા આપણાં પ્રકાશનોમાં વખતોવખત આવતા ઉત્તેજનકારક લેખોએ તેઓમાં મારો રસ ઉત્પન્‍ન કર્યો છે. હું એ લેખોનો આનંદ માણું છું અને એને ભેગા પણ કરું છું. કેટલાંક વર્ષો પછી, મેં સો કરતાં વધારે લેખો ભેગા કર્યા હતા જે જુલાઈ ૧૫, ૧૯૬૨ના ચોકીબુરજ (અંગ્રેજી)ના “વયોવૃદ્ધ અને અશક્તોની કાળજી રાખવી” લેખથી શરૂ થતા હતા. આમાંના ઘણા લેખો દરેક મંડળના માંદા અને વયોવૃદ્ધ લોકોને મદદ કરવા માટે લાભદાયી હતા.​—⁠૧ યોહાન ૩:૧૭, ૧૮.

અમારા મંડળના બીમાર અને વયોવૃદ્ધ લોકોની કાળજી રાખવા ઇચ્છતા ભાઈબહેનો માટે વડીલોએ એક જૂથ બનાવ્યું. દિવસ દરમિયાન કે આખી રાત રહી શકતા હોય, પોતાનું વાહન પૂરું પાડી શકતા હોય અથવા ૨૪ કલાક સાથે રહી શકતા હોય એવી વિવિધ ટુકડીઓમાં અમે સ્વયંસેવકોને વહેંચી દીધા. છેલ્લી ટુકડી તાકીદે ગમે ત્યારે મદદ કરવા તૈયાર હતી.

આ પ્રકારના પ્રયત્નોનું પરિણામ ઘણું ઉત્તેજનકારક હતું. દાખલા તરીકે, એકલા રહેતા એક બીમાર બહેનની નિયમિત ખબર કાઢવા જતા મુલાકાતીએ એક દિવસ તેમને ઘરમાં જમીન પર બેભાન પડેલા જોયા. અમે નજીકમાં જ રહેતી એક બહેનને જણાવ્યું કે જેની પાસે કાર હતી. માંદા બહેનને તે ફક્ત દસ મિનિટમાં જ પૂરઝડપે કાર હંકારીને હૉસ્પિટલમાં લઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે એનાથી તેનું જીવન બચી ગયું.

અશક્ત અને વયોવૃદ્ધ વ્યક્તિઓએ આ જૂથના સભ્યો પ્રત્યે પોતાની કદર વ્યક્ત કરી એ ખૂબ જ આનંદ આપનારી બાબત હતી. પરમેશ્વરની નવી દુનિયામાં આ ભાઈબહેનો સાથે સંપૂર્ણ તંદુરસ્તીમાં રહેવાની આશા કેવી હૃદયસ્પર્શી છે! મુશ્કેલીના સમયમાં તેઓ મદદ મેળવીને સહન કરી શક્યા છે એ જાણવું સાચે જ બદલો આપનારું છે.

લાગુ રહેવાથી બદલો મળે છે

હમણાં હું પાઇરીઅસના મંડળમાં વડીલ તરીકે સેવા આપું છું. વધતી જતી ઉંમર અને સ્વાસ્થ્યની સમસ્યાઓ હોવા છતાં, હું ઘણો ખુશ છું કે હું હજુ પણ મંડળની પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લઈ શકું છું.

વર્ષોથી, જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓ, કઠિન સમસ્યાઓ અને અણધાર્યા બનાવો ખૂબ હિંમત અને ધીરજ માંગી લે છે. તોપણ, યહોવાહે મને આ મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવા જરૂરી મદદ પૂરી પાડી છે. ઘણી વાર, મેં ગીતકર્તાના આ શબ્દોની સત્યતા અનુભવી છે: “હે યહોવાહ, જ્યારે મેં કહ્યું, મારો પગ લપસી જાય છે, ત્યારે, તારી કૃપાએ મને ઝીલી લીધો. મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.”​—⁠ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯.

[પાન ૨૫ પર ચિત્ર]

મારી પત્ની ઈલીન સાથે, ૧૯૫૭માં તેના બીજા ઑપરેશન પછી

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૯માં જર્મનીના ન્યૂમ્બર્ગ મહાસંમેલનમાં

[પાન ૨૮ પર ચિત્ર]

બીમાર અને વયોવૃદ્ધોને મદદ કરતું ભાઈબહેનોનું જૂથ