સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

મુસાના નિયમમાં નજીકના સગા સાથે લગ્‍ન કરવાની જે મનાઈ કરવામાં આવી હતી એ આજે ખ્રિસ્તીઓને કેટલી હદ સુધી લાગુ પડે છે?

યહોવાહે ઈસ્રાએલ રાષ્ટ્રને આપેલા નિયમોમાં લગ્‍ન અને લગ્‍નવિધિ વિષે કોઈ જ સવિસ્તાર માહિતી આપવામાં આવી ન હતી. તેમ છતાં, તેમણે અમુક સંબંધનાં લગ્‍નો કરવાની મનાઈ કરી હતી. દાખલા તરીકે, લેવીય ૧૮:૬-૨૦માં, ‘નજીકના સગા’ સાથે લગ્‍ન કરવાની મનાઈ કરતી યાદી જોવા મળે છે. એમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે કે વ્યક્તિએ કયા નજીકના સગા સાથે લગ્‍ન કરવું જોઈએ નહિ. જોકે, ખ્રિસ્તીઓ મુસાના નિયમ હેઠળ અથવા એ નિયમોથી બંધાયેલા નથી. (એફેસી ૨:૧૫; કોલોસી ૨:૧૪) તેમ છતાં, એનો અર્થ એ નથી કે ખ્રિસ્તીઓ લગ્‍ન સાથીની પસંદગી કરતી વખતે આ બાબતોને અવગણી શકે. શા માટે આવાં લગ્‍નો કરવાની મનાઈ કરવામાં આવી છે એના અસંખ્ય કારણો છે.

સૌ પ્રથમ, નજીકના સગા સાથે લગ્‍ન કરવા વિષેના સામાજિક નિયમો છે અને ખ્રિસ્તીઓ જે દેશમાં રહેતા હોય એના નિયમોને પાળવા એ તેઓની ફરજ છે. (માત્થી ૨૨:૨૧; રૂમી ૧૩:૧) જોકે, આવા નિયમો જુદા જુદા દેશોમાં જુદા જુદા હોય છે. આધુનિક સમયના આ પ્રકારના નિયમો ખાસ કરીને આનુવંશિકતાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા હોય છે. એ સાચું છે કે નજીકના સગા સાથે લગ્‍ન કરવાથી થતા બાળકોમાં આનુવંશિક ખામી કે રોગ થઈ શકે છે. આ અને “મુખ્ય અધિકારીઓને આધીન” રહેવાના કારણોસર, ખ્રિસ્તીઓ સ્થાનિક લગ્‍ન નિયમોની અવગણના કરીને લગ્‍ન કરી શકતા નથી.

ત્યાર પછી, વ્યક્તિ રહે છે એ સમાજમાં કઈ બાબતો સ્વીકાર્ય છે અને કઈ બાબતો સ્વીકાર્ય નથી એ આવે છે. આજે મોટા ભાગના સમાજમાં એકદમ નજીકના સગા સાથે લગ્‍ન કરવાને વ્યભિચાર ગણવામાં આવે છે અને તેઓના રીતિરિવાજો કે નિયમો આવા લગ્‍નની સખત મનાઈ કરતા હોય છે. જોકે, ખાસ સંબંધની મનાઈ અલગ અલગ સંસ્કૃતિ પ્રમાણે હોય શકે, પરંતુ, બ્રિટાનીકા વિશ્વકોશ કહે છે, “સામાન્ય નિયમ તરીકે, એક જ કુટુંબની બે વ્યક્તિઓ વચ્ચેની ગાઢ આનુવંશિકતાને કારણે એના પર વધારે પ્રતિબંધ મૂકવામાં આવે છે અથવા તેમની વચ્ચેના જાતીય સંબંધને વખોડવામાં આવે છે.” આવા સંબંધમાં વ્યભિચારનો સમાવેશ થતો ન હોય ત્યારે પણ ખ્રિસ્તીઓએ પોતાના સમાજના રિવાજો અને કાયદાઓને અવગણવા જોઈએ નહિ કે જેનાથી ખ્રિસ્તી મંડળ અને પરમેશ્વરના નામ પર કલંક આવે.​—⁠૨ કોરીંથી ૬:⁠૩.

વળી, પરમેશ્વરે આપેલા આપણા અંતઃકરણની પણ આપણે ઉપેક્ષા કરવી જોઈએ નહિ. દરેક વ્યક્તિમાં જન્મથી જ ખરું-ખોટું અને સારું-ખરાબ પારખવાની સૂઝ હોય છે. (રૂમી ૨:૧૫) તેઓનું અંતઃકરણ તેઓને જણાવશે કે કઈ બાબત સામાન્ય અને યોગ્ય છે તેમ જ કઈ બાબત અસ્વાભાવિક અને ખરાબ છે. જો ન જણાવે તો, તેઓનું અંતઃકરણ ખરાબ આચરણોથી બૂઠું અને નિષ્ઠુર બની ગયું છે. યહોવાહે ઈસ્રાએલીઓને નજીકના સગા સાથે લગ્‍ન નહિ કરવાનો નિયમ આપ્યો ત્યારે પણ, એનો ઉલ્લેખ કર્યો હતો. આપણે વાંચીએ છીએ: “મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો; અને કનાન દેશ જેમાં હું તમને લઇ જાઉં છું, તેનાં કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમજ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.” (લેવીય ૧૮:૩) ખ્રિસ્તીઓ બાઇબલ શિક્ષણથી કેળવાયેલા પોતાના અંતઃકરણને મૂલ્યવાન ગણે છે અને તેઓ દુન્યવી લોકોના ખરા અને ખોટાના વિકૃત જ્ઞાનથી એને ભ્રષ્ટ થવા દેતા નથી.​—⁠એફેસી ૪:​૧૭-​૧૯.

તો પછી, આપણે કયા નિષ્કર્ષ પર આવી શકીએ? જોકે, ખ્રિસ્તીઓ મુસાના નિયમ હેઠળ નથી છતાં, તેઓનું અંતઃકરણ તેઓને સ્પષ્ટ રીતે કહે છે કે પિતા અને પુત્રી, માતા અને પુત્ર, ભાઈ અને બહેન જેવા એકદમ નજીકના સગા વચ્ચેના લગ્‍ન ખ્રિસ્તી સમાજમાં બિલકુલ સ્વીકાર્ય નથી. * દૂરનાં સગા સાથે લગ્‍ન કરવાના હોય તો, ખ્રિસ્તીઓ એ વાતની ખાતરી રાખે છે કે આવા અધિકૃત લગ્‍ન માટેના કાયદાઓ અને નિયમો છે તથા એ સમાજ અને સંસ્કૃતિમાં પણ સ્વીકાર્ય છે. તેઓએ એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ જેથી, આપણે બાઇબલ જે સલાહ આપે છે એના સુમેળમાં ચાલી શકીએ: “સર્વમાં લગ્‍ન માનયોગ્ય ગણાય.”​—⁠હેબ્રી ૧૩:⁠૪.

[ફુટનોટ]

^ આ વિષય પર વિગતવાર માહિતી માટે, ચોકીબુરજ (અંગ્રેજી) માર્ચ ૧૫, ૧૯૭૮ના પાન ૨૫-૬ પરના “નજીકના સગા સાથે લગ્‍ન​—⁠ખ્રિસ્તીઓએ એને કઈ રીતે જોવું જોઈએ?” લેખ જુઓ.