સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?

શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?

શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?

“બાપ . . . તમને બીજો [“સહાયક,” IBSI] તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા.”​—⁠યોહાન ૧૪:​૧૬, ૧૭.

૧. યરૂશાલેમના એક ઘરમાં છેલ્લા કલાકો દરમિયાન, ઈસુએ શિષ્યોને કઈ મહત્ત્વની માહિતી આપી?

 “પ્રભુ, તું ક્યાં જાય છે?” યરૂશાલેમના એક ઘરમાં ઈસુ સાથે પસાર કરેલા છેલ્લા કલાકો દરમિયાન પ્રેષિતોએ તેમને આ પ્રશ્ન પૂછ્યો હતો. (યોહાન ૧૩:​૩૬) એ ચર્ચામાં ઈસુએ તેઓને જણાવ્યું કે તેમનો પોતાના પિતા પાસે પાછા જવાનો સમય હવે થઈ ગયો છે. (યોહાન ૧૪:૨૮; ૧૬:૨૮) હવે તે તેઓને શીખવવા અને તેઓના પ્રશ્નોના જવાબો આપવા માનવ તરીકે રહેશે નહિ. તેમ છતાં, તેમણે તેઓને ખાતરી અપાવતા કહ્યું: “હું બાપને વિનંતી કરીશ, ને તે તમને બીજો [સહાયક] તમારી પાસે સદા રહેવા માટે આપશે.”​—⁠યોહાન ૧૪:​૧૬.

૨. ઈસુએ શિષ્યોને પોતાના ગયા પછી શું મોકલવાનું વચન આપ્યું?

ઈસુએ એ સહાયકની ઓળખ આપી અને સમજાવ્યું કે એ તેઓને કઈ રીતે મદદ કરશે. તેમણે તેઓને કહ્યું: “પહેલાંથી એ વચનો મેં તમને કહ્યાં ન હતાં, કેમકે હું તમારી સાથે હતો. પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું. . . . મારૂં જવું તમને લાભકારક છે; કેમકે જો હું નહિ જાઉં, તો [સહાયક] તમારી પાસે આવશે નહિ; પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. . . . તોપણ જે સત્યનો આત્મા, તે જ્યારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે.”​—⁠યોહાન ૧૬:​૪, ૫, ૭, ૧૩.

૩. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓ પર ક્યારે “સત્યનો આત્મા” મોકલવામાં આવ્યો? (ખ) પવિત્ર આત્મા કઈ રીતે તેઓ માટે ખાસ “સહાયક” હતો?

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં આ વચન પૂરું થયું. પ્રેષિત પીતરે બતાવ્યું: “એ ઈસુને દેવે ઊઠાડ્યો છે, અને તે વિષે અમે સર્વે સાક્ષી છીએ. માટે દેવને જમણે હાથે તેને ઉપર લઇ લેવામાં આવ્યો, અને બાપ પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેણે રેડ્યું છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:​૩૨, ૩૩) આપણે હવે પછી જોઈશું તેમ, પેન્તેકોસ્તના રોજ પવિત્ર આત્મા રેડાયા પછી, શરૂઆતના ખ્રિસ્તીઓ માટે એ ઘણી બધી બાબતો કરી શક્યો. પરંતુ, ઈસુએ વચન આપ્યું હતું કે “સત્યનો આત્મા” તેમણે ‘જે જે તેઓને કહ્યું એ બધું તેઓના સ્મરણમાં લાવશે.’ (યોહાન ૧૪:૨૬) એ આત્મા તેઓને ઈસુના સેવાકાર્યને અને શિક્ષણને તેમ જ તેમણે બોલેલા શબ્દે શબ્દ યાદ કરાવવાનો હતો જેથી, તેઓ એને લખી શકે. પ્રથમ સદી સી.ઈ.ના અંતમાં વૃદ્ધ પ્રેષિત યોહાને સુવાર્તા લખવાની શરૂઆત કરી હતી ત્યારે, ખાસ કરીને આ આત્મા મદદરૂપ પુરવાર થયો હતો. એ સુવાર્તામાં ઈસુએ પોતાના મરણના સ્મરણ પ્રસંગની સ્થાપના કરતી વખતે જે અમૂલ્ય સલાહ આપી હતી એનો પણ સમાવેશ થાય છે.​—⁠યોહાન અધ્યાય ૧૩-​૧૭.

૪. કઈ રીતે ‘સત્યના આત્માએ’ શરૂઆતના અભિષિક્ત ખ્રિસ્તીઓને મદદ કરી?

ઈસુએ શિષ્યોને એ પણ વચન આપ્યું હતું કે પવિત્ર આત્મા “તમને બધું શિખવશે” અને “સર્વ સત્યમાં દોરી જશે.” પવિત્ર આત્મા તેઓને બાઇબલની ગહન બાબતો સમજવામાં અને તેઓના વિચારો, સમજણ તથા હેતુઓમાં એકતા જાળવી રાખવામાં મદદ કરવાનો હતો. (૧ કોરીંથી ૨:​૧૦; એફેસી ૪:​૩) આમ, પવિત્ર આત્માએ શરૂઆતના ખ્રિસ્તીઓને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર’ તરીકે કાર્ય કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓને ‘વખતસર [આત્મિક] ખોરાક આપવા’ મદદ કરી.​—⁠માત્થી ૨૪:⁠૪૫.

પવિત્ર આત્મા સાક્ષી આપે છે

૫. (ક) નીશાન ૧૪ ૩૩ સી.ઈ.ની રાતે ઈસુએ શિષ્યોને કઈ આશા આપી? (ખ) ઈસુના વચનને પૂરું કરવામાં પવિત્ર આત્મા કઈ ભૂમિકા ભજવવાનો હતો?

ઈસુએ ૩૩ સી.ઈ.ની નીશાન ૧૪ની રાતે શિષ્યોને જણાવ્યું કે તે તેઓને સ્વર્ગમાં બોલાવશે અને તેઓ તેમની તથા તેમના પિતા સાથે રહેશે. તેમણે કહ્યું: “મારા બાપના ઘરમાં રહેવાનાં ઠેકાણાં ઘણાં છે, નહિ તો હું તમને કહેત; કેમકે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ; જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો].” (યોહાન ૧૩:૩૬; ૧૪:​૨, ૩) આમ, તેઓ તેમની સાથે સ્વર્ગમાં રાજ કરવાના હતા. (લુક ૨૨:​૨૮-​૩૦) તેઓએ આ સ્વર્ગીય આશાને મેળવવા પરમેશ્વરના આત્મિક દીકરાઓ તરીકે ‘આત્માથી જનમ’ લેવાનો હતો. તેમ જ, તેઓએ સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે રાજાઓ અને યાજકો તરીકે સેવા કરવા અભિષિક્ત થવાનું હતું.​—⁠યોહાન ૩:​૫-૮; ૨ કોરીંથી ૧:​૨૧, ૨૨; તીતસ ૩:​૫-૭; ૧ પીતર ૧:​૩, ૪; પ્રકટીકરણ ૨૦:⁠૬.

૬. (ક) સ્વર્ગીય તેડાની શરૂઆત ક્યારથી થઈ અને એ કેટલા લોકોએ મેળવ્યું? (ખ) તેડવામાં આવેલા લોકો શાનાથી બાપ્તિસ્મા પામ્યા?

આ ‘સ્વર્ગીય તેડું’ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.થી શરૂ થયું અને મોટા ભાગે ૧૯૩૫ના દાયકાની મધ્યમાં પૂરું થયું. (હેબ્રી ૩:૧) આત્મિક ઈસ્રાએલના ભાગ તરીકે પવિત્ર આત્માથી મુદ્રિત થયેલાની સંખ્યા ૧,૪૪,૦૦૦ની છે. તેઓને “માણસોમાંથી ખરીદવામાં આવ્યા.” (પ્રકટીકરણ ૭:૪; ૧૪:​૧-૪) તેઓ ઈસુના આત્મિક શરીર, તેમના મંડળ અને તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા હતા. (રૂમી ૬:૩; ૧ કોરીંથી ૧૨:​૧૨, ૧૩, ૨૭; એફેસી ૧:​૨૨, ૨૩) પાણીના બાપ્તિસ્મા અને પવિત્ર આત્માથી નિયુક્ત થયા પછી, તેઓ મરણ પર્યંત પોતાના માર્ગમાં પ્રમાણિકતા જાળવી રાખે છે.​—⁠રૂમી ૬:​૪, ૫.

૭. શા માટે ફક્ત અભિષિક્ત ખ્રિસ્તીઓ જ સ્મરણ પ્રસંગના પ્રતીકોમાં ભાગ લે છે?

આ અભિષિક્ત ખ્રિસ્તીઓનું આત્મિક ઈસ્રાએલ, યહોવાહ અને “દેવના ઈસ્રાએલ” વચ્ચે કરવામાં આવેલા નવા કરારમાં આવ્યું. (ગલાતી ૬:૧૬; યિર્મેયાહ ૩૧:​૩૧-​૩૪) આ નવા કરારને ખ્રિસ્તના લોહી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો. ઈસુએ પોતાના મરણના સ્મરણ પ્રસંગને સ્થાપિત કર્યો ત્યારે એનો ઉલ્લેખ કર્યો. લુક નોંધે છે: “તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, કે આ મારૂં શરીર છે, તે તમારે સારૂ આપવામાં આવે છે; મારી યાદગીરીમાં આ કરો. તેજ પ્રમાણે વાળુ કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું, કે આ પ્યાલો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” (લુક ૨૨:​૧૯, ૨૦) એક લાખ ચુંમાળીસ હજાર અભિષિક્ત ખ્રિસ્તીઓનો શેષભાગ હજુ પણ પૃથ્વી પર છે. તેઓ ખ્રિસ્તના મરણના સ્મરણપ્રસંગે સાંકેતિક અર્થ ધરાવતા રોટલી અને દ્રાક્ષદારૂના પ્રતીકોમાં ભાગ લે છે.

૮. અભિષિક્તો કઈ રીતે જાણી શકે કે તેઓને સ્વર્ગીય તેડું મળ્યું છે કે નહિ?

અભિષિક્તો કઈ રીતે જાણી શકે કે તેઓને સ્વર્ગીય તેડું મળ્યું છે? તેઓ પવિત્ર આત્માની સાક્ષી મેળવે છે. પ્રેષિત પાઊલે તેઓ વિષે લખ્યું: “જેટલા દેવના આત્માથી દોરાય છે, તેટલા દેવના દીકરા છે. . . . આપણા આત્માની સાથે પણ [પવિત્ર] આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવનાં છોકરાં છીએ; હવે જો છોકરાં છીએ, તો વારસ પણ છીએ; એટલે દેવના વારસ છીએ, અને ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર છીએ; તેની સાથે મહિમા પામવાને સારૂ જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો.” (રૂમી ૮:​૧૪-​૧૭) પવિત્ર આત્માની આ સાક્ષી એટલી શક્તિશાળી હોય છે કે સ્વર્ગીય તેડું મળ્યા વિષે કોઈ શંકા રહેતી નથી. જો કોઈને જરા પણ શંકા થાય તો, પોતાને એ તેડું મળ્યું નથી એવા તર્કપૂર્ણ નિષ્કર્ષ પર આવીને તેઓ સ્મરણ પ્રસંગના પ્રતીકોમાં ભાગ લેતા નથી.

પવિત્ર આત્મા અને બીજા ઘેટાં

૯. સુવાર્તાઓ અને પ્રકટીકરણના પુસ્તકમાં કયા બે ટોળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

આત્મિક ઈસ્રાએલ મર્યાદિત સંખ્યાના ખ્રિસ્તીઓનું બનેલું હોવાથી, ઈસુએ તેઓનો “નાની ટોળી” તરીકે ઉલ્લેખ કર્યો. તેઓ નવા કરારના ‘વાડાના’ છે પરંતુ, એનાથી ભિન્‍ન, અગણિત “બીજા ઘેટાં” વિષે ઈસુએ કહ્યું કે તેઓએ હજુ ભેગા થવાનું છે. (લુક ૧૨:૩૨; યોહાન ૧૦:૧૬) અંતના સમયમાં ભેગા થયેલા બીજા ઘેટાં “મોટી સભા” બનાવશે. તેઓ “મોટી વિપત્તિમાંથી” બચવા નિર્માણ થયેલા છે અને તેઓને પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે. રસપ્રદ બાબત છે કે પ્રથમ સદી સી.ઈ.ના અંતમાં યોહાન પોતાના સંદર્શનમાં આ મોટા ટોળા અને આત્મિક ઈસ્રાએલના ૧,૪૪,૦૦૦ સભ્યો વચ્ચેના સ્પષ્ટ તફાવતને જુએ છે. (પ્રકટીકરણ ૭:​૪, ૯, ૧૪) શું બીજા ઘેટાંના લોકો પણ પવિત્ર આત્મા મેળવે છે? જો તેઓ મેળવતા હોય તો, એ તેઓને કઈ રીતે અસર કરે છે?

૧૦. બીજા ઘેટાં કઈ રીતે “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા લે છે?

૧૦ બીજા ઘેટાંનાં જીવનોમાં પણ પવિત્ર આત્મા ખરેખર મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ “બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે” બાપ્તિસ્મા લઈને યહોવાહને પોતાનું સમર્પણ કરે છે. (માત્થી ૨૮:૧૯) તેઓ યહોવાહની સર્વોપરિતાને સ્વીકારે છે. તેઓ ખ્રિસ્તને પોતાના રાજા અને તારણહાર તરીકે આધીન રહે છે અને પરમેશ્વરના આત્મા, સક્રિય બળને પોતાના જીવનમાં ફેરફારો કરવા દે છે. દિવસે દિવસે, તેઓ “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” જેવાં “પવિત્ર આત્માના ફળો” વિકસાવવા પ્રયત્ન કરે છે.​—⁠ગલાતી ૫:૨૨, ૨૩.

૧૧, ૧૨. (ક) અભિષિક્તો કઈ ખાસ રીતે પવિત્ર થયા છે? (ખ) કઈ રીતે બીજા ઘેટાં શુદ્ધ અને પવિત્ર થયા છે?

૧૧ બીજા ઘેટાં, પરમેશ્વરના શબ્દ અને પવિત્ર આત્માથી પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે. ન્યાયી અને ખ્રિસ્તની કન્યા તરીકે, અભિષિક્તોએ પોતાને ખાસ રીતે શુદ્ધ તથા પવિત્ર કરી દીધા છે. (યોહાન ૧૭:૧૭; ૧ કોરીંથી ૬:​૧૧; એફેસી ૫:​૨૩-​૨૭) પ્રબોધક દાનીયેલ તેઓને “પરાત્પરના પવિત્રો” કહે છે કે જેઓ “મનુષ્યપુત્ર,” ઈસુ ખ્રિસ્ત હેઠળ રાજ્ય મેળવે છે. (દાનીયેલ ૭:​૧૩, ૧૪, ૧૮, ૨૭) પ્રાચીન સમયમાં, મુસા અને હારૂન દ્વારા, યહોવાહે ઈસ્રાએલ રાષ્ટ્રને જાહેર કર્યું: “હું યહોવાહ તમારો દેવ છું; એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમકે હું પવિત્ર છું.”​—⁠લેવીય ૧૧:⁠૪૪.

૧૨ ‘પવિત્રીકરણનો’ સામાન્ય રીતે આવો અર્થ થાય છે: “અલગ કે પવિત્ર કરવાની ક્રિયા કે કામ અથવા કોઈ ખાસ સેવા કે યહોવાહ પરમેશ્વરના ઉપયોગ માટે અલગ રાખવું; પવિત્ર, દોષમુક્ત કે શુદ્ધ હોવું.” વર્ષ ૧૯૩૮ના ચોકીબુરજ (અંગ્રેજી)માં બતાવવામાં આવ્યું કે યહોનાદાબ અથવા બીજા ઘેટાંઓએ “જાણવું જ જોઈએ કે મોટા ટોળાના ભાગ બનવા અને પૃથ્વી પર જીવવા દરેક વ્યક્તિ માટે સમર્પણ અને પવિત્રીકરણ જરૂરી છે.” પ્રકટીકરણના પુસ્તકમાં મોટા ટોળા વિષે જણાવવામાં આવ્યું છે કે તેઓએ “પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં.” વળી, તેઓ યહોવાહની ‘તેમના મંદિરમાં રાતદહાડો સેવા’ કરે છે. (પ્રકટીકરણ ૭:​૯, ૧૪, ૧૫) પવિત્ર આત્માની મદદથી, બીજા ઘેટાં યહોવાહની જરૂર પ્રમાણે પવિત્ર રહેવા પોતાનાથી બનતું બધું જ કરે છે.​—⁠૨ કોરીંથી ૭:⁠૧.

ખ્રિસ્તના ભાઈઓનું સારું કરવું

૧૩, ૧૪. (ક) ઘેટાં અને બકરાના ઈસુના દૃષ્ટાંત અનુસાર, ઘેટાંઓનું તારણ શાના પર આધારિત છે? (ખ) આ અંતના સમયમાં, બીજા ઘેટાંએ ખ્રિસ્તના ભાઈઓને કઈ રીતે ટેકો આપ્યો છે?

૧૩ ઈસુ ખ્રિસ્તે ઘેટાં અને બકરાના દૃષ્ટાંતમાં બીજા ઘેટાં અને નાની ટોળી વચ્ચેના ગાઢ સંબંધને બતાવ્યો. આ દૃષ્ટાંતમાં “જગતના અંત” વિષેની તેમની ભવિષ્યવાણીનો પણ સમાવેશ થાય છે. એમાં ઈસુએ સ્પષ્ટ રીતે બતાવ્યું કે બીજા ઘેટાંના સભ્યોનું તારણ તેઓના અભિષિક્તો સાથેના વ્યવહાર પર આધારિત છે. આ અભિષિક્તોને ઈસુએ “મારા ભાઈઓ” કહ્યા. તેમણે બતાવ્યું: “રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, કે મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કરેલું છે તેનો વારસો લો. . . . હું તમને ખચીત કહું છું, કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.”​—⁠માત્થી ૨૪:૩; ૨૫:​૩૧-​૩૪, ૪૦.

૧૪ “તમે તે કર્યું” વક્તવ્ય, ખ્રિસ્તના પવિત્ર આત્માથી અભિષિક્ત થયેલા ભાઈઓને આપવામાં આવેલી મદદનો ઉલ્લેખ કરે છે. આ ભાઈઓ સાથે શેતાનના જગતે ખરાબ વ્યવહાર કર્યો, અરે, તેઓમાંના કેટલાકને તો તેઓએ જેલમાં પણ નાખી દીધા. તેઓને પૂરતો ખોરાક અને કપડાંની જરૂર હતી, તેમ જ તેઓના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની હતી. (માત્થી ૨૫:​૩૫, ૩૬) આ અંતના સમયમાં, એટલે કે વર્ષ ૧૯૧૪થી, ઘણા અભિષિક્તો આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયા. યહોવાહના સાક્ષીઓનો ઇતિહાસ બતાવે છે કે તેઓને પોતાના વફાદાર સંગાથીઓ, બીજા ઘેટાંની મદદ મળી અને એમ કરવા પવિત્ર આત્માએ તેઓને પ્રેર્યા હતા.

૧૫, ૧૬. (ક) પૃથ્વી પરના ખ્રિસ્તના ભાઈઓને કઈ પ્રવૃત્તિમાં બીજા ઘેટાંએ ખાસ મદદ કરી છે? (ખ) અભિષિક્તોએ કઈ રીતે બીજા ઘેટાં માટેની પોતાની કદર વ્યક્ત કરી છે?

૧૫ ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરવાની’ પરમેશ્વરે આપેલી સોંપણીને પૂરી કરવામાં, બીજા ઘેટાં આ અંતના સમયમાં પૃથ્વી પરના ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને ખાસ મદદ કરે છે. (માત્થી ૨૪:૧૪; યોહાન ૧૪:૧૨) પૃથ્વી પરના અભિષિક્તોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે જ્યારે કે બીજા ઘેટાંની સંખ્યા લાખોમાં વધી રહી છે. તેઓમાંના હજારો પાયોનિયર કે મિશનરીઓ પૂરા સમયના પ્રચારકો તરીકે સેવા આપીને “પૃથ્વીના છેડા સુધી” સુસમાચાર ફેલાવી રહ્યા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) બીજાઓ પ્રચાર કાર્યમાં શક્ય એટલા સહભાગી થાય છે અને આ મહત્ત્વના કાર્યમાં ખુશીથી આર્થિક ટેકો આપે છે.

૧૬ પોતાના સંગાથીઓ, બીજા ઘેટાં પાસેથી મળતી આવી મદદ માટે ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ કેટલા આભારી છે! ચાકર વર્ગે ૧૯૮૬માં બહાર પાડેલા ‘શાંતિના સરદાર’ હેઠળ જગતવ્યાપી સલામતી (અંગ્રેજી) પુસ્તકમાં આ રીતે પોતાની કદર વ્યક્ત કરી છે: “બીજા વિશ્વયુદ્ધ પછી ‘જગતના અંત’ વિષેની ઈસુની ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ રહી છે એમાં મોટા ભાગનો યશ, મહત્ત્વની ભૂમિકા ભજવનાર ‘બીજા ઘેટાંનું’ બનેલું ‘મોટું ટોળું’ લઈ જાય છે. . . . તેઓએ માત્થી ૨૪:૧૪માંની [ઈસુની] ભવિષ્યવાણીને પૂરી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાથી, અમે આ આંતરરાષ્ટ્રીય, અગણિત, ‘મોટા ટોળાનો’ ઘણો જ આભાર માનીએ છીએ!”

‘તેઓ આપણા વગર પરિપૂર્ણ થશે નહિ’

૧૭. પૃથ્વી પર પ્રાચીન સમયના વિશ્વાસુ વ્યક્તિઓનું થનાર પુનરુત્થાન કઈ રીતે અભિષિક્ત ‘વગર પરિપૂર્ણ નહિ બને?’

૧૭ એક અભિષિક્ત તરીકે, પ્રેષિત પાઊલે ખ્રિસ્ત પહેલાં થઈ ગયેલા વિશ્વાસુ પુરુષો અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરતા લખ્યું: “એ સર્વે વિષે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહિ. કેમકે દેવે આપણે [અભિષિક્તો] માટે એથી વિશેષ સારૂં કંઈક નિમાર્ણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.” (હેબ્રી ૧૧:​૩૫, ૩૯, ૪૦) ખ્રિસ્ત અને તેમના ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ભાઈઓ સ્વર્ગમાં હજાર વર્ષ સુધી રાજાઓ અને યાજકો તરીકે રાજ કરશે અને પૃથ્વી પરના લોકોને ખ્રિસ્તના ખંડણીમય બલિદાનના લાભો આપશે. આમ, બીજા ઘેટાં મન અને શરીરમાં ‘પરિપૂર્ણ થશે.’​—⁠પ્રકટીકરણ ૨૨:​૧, ૨.

૧૮. (ક) બાઇબલ અહેવાલો બીજા ઘેટાંને કઈ કદર વ્યક્ત કરવા પ્રેરે છે? (ખ) કઈ આશામાં બીજા ઘેટાં “દેવનાં છોકરાંના પ્રગટ થવાની” વાટ જુએ છે?

૧૮ આ સર્વ બાબતો બીજા ઘેટાંના મન પર ઊંડી અસર પાડે છે કે ગ્રીક શાસ્ત્રવચનોમાં ખ્રિસ્ત અને તેમના અભિષિક્ત ભાઈઓ તથા યહોવાહના હેતુઓને પરિપૂર્ણ કરવામાં તેઓની ખાસ ભૂમિકાને કેમ આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેથી, તેઓ આર્માગેદનમાં અને હજાર વર્ષના શાસન દરમિયાન “દેવનાં છોકરાંના પ્રગટ થવાની” વાટ જુએ છે તેમ, અભિષિક્ત વર્ગને બધી જ રીતે ટેકો આપવાને પોતાનો અજોડ લહાવો ગણે છે. તેઓ “નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે” એની રાહ જુએ છે.​—⁠રૂમી ૮:​૧૯-​૨૧.

સ્મરણ પ્રસંગે આત્મામાં એક થયેલા

૧૯. અભિષિક્ત જનો અને તેઓના સંગાથીઓ માટે ‘સત્યના આત્માએ’ શું કર્યું છે અને તેઓ કઈ ખાસ રીતે માર્ચ ૨૮ની સાંજે એકતામાં આવશે?

૧૯ ઈસુએ ૩૩ સી.ઈ. નીશાન ૧૪ના રોજ સમાપ્તિ પ્રાર્થના કરતા કહ્યું: “હું . . . વિનંતી કરૂ છું, કે તેઓ બધા એક થાય; હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તેં મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.” (યોહાન ૧૭:​૨૦, ૨૧) પ્રેમને લીધે, પરમેશ્વરે અભિષિક્તો અને જગતની આજ્ઞાંકિત માણસજાતના તારણ માટે પોતાના દીકરાને તેના જીવનનું બલિદાન આપવા મોકલ્યો. (૧ યોહાન ૨:​૨) “સત્યનો આત્મા” ખ્રિસ્તના ભાઈઓ અને તેમના સંગાથીઓને એકતામાં લાવ્યો છે. માર્ચ ૨૮ની સાંજે, સૂર્યાસ્ત બાદ, આ બંને ટોળાના લોકો ખ્રિસ્તના સ્મરણ પ્રસંગને ઉજવવા ભેગા મળશે. તેઓ, યહોવાહે પોતાના વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓને માટે જે કર્યું છે એને યાદ કરશે. આ મહત્ત્વના પ્રસંગે ત્યાં હાજર રહીને, તેઓ પોતાની એકતા જાળવી રાખવા અને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાના પોતાના નિર્ણયને દૃઢ કરશે. આમ, તેઓ પુરાવો આપે છે કે યહોવાહ જેઓને પ્રેમ કરે છે એવા લોકો મધ્યે રહેવાનો તેઓ આનંદ માણે છે.

સમીક્ષા

• શરૂઆતના ખ્રિસ્તીઓ પર ક્યારે “સત્યનો આત્મા” રેડવામાં આવ્યો અને એ કઈ રીતે “સહાયક” પુરવાર થયો?

• અભિષિક્તોને કઈ રીતે ખબર પડે છે કે તેઓએ સ્વર્ગીય તેડું મેળવ્યું છે?

• કઈ રીતે પરમેશ્વરનો આત્મા બીજા ઘેટાં પર કાર્ય કરે છે?

• કઈ રીતે બીજા ઘેટાંએ ખ્રિસ્તના ભાઈઓને મદદ કરી છે અને શા માટે તેઓ અભિષિક્તો ‘વગર પરિપૂર્ણ થઈ શકશે નહિ?’

[Questions]

[પાન ૨૧ પર ચિત્ર]

પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.માં શિષ્યો પર “સત્યનો આત્મા” રેડવામાં આવ્યો હતો

[પાન ૨૩ પર ચિત્રો]

બીજા ઘેટાંએ ખ્રિસ્તના ભાઈઓને પરમેશ્વરે સોંપેલા પ્રચાર કાર્યમાં મદદ કરી છે