સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વચ્છતા ખરેખર એનો શું અર્થ થાય છે?

સ્વચ્છતા ખરેખર એનો શું અર્થ થાય છે?

સ્વચ્છતા ખરેખર એનો શું અર્થ થાય છે?

યુરોપ અને અમેરિકામાં ૧૮મી અને ૧૯મી સદી દરમિયાન ગંદકીને લીધે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આથી, એ સમયના મિશનરિઓએ જે પ્રચાર કર્યો એને “સ્વચ્છતાનો સિદ્ધાંત” કહેવામાં આવ્યો. આ સિદ્ધાંતે ગંદકીને પાપ સમાન ગણ્યું, જ્યારે કે સ્વચ્છતા વ્યક્તિને પરમેશ્વરની નજીક લાવે છે એમ કહેવામાં આવ્યું. એને લીધે જ આ કહેવત પ્રખ્યાત બની કે, “સ્વચ્છતા એજ પ્રભુતા છે.”

આ ખ્યાલ વિલ્યમ અને કૅથરિન બુથે સ્થાપેલા મુક્તિફોજ પંથમાંથી લેવામાં આવ્યો હતો. હૅલ્થ ઍન્ડ મૅડિસીન ઈન ધ ઇવેન્જિલિકલ ટ્રૅડિશન અનુસાર, તેઓનું શરૂઆતનું સૂત્ર હતું: “સૉપ, સૂપ એન્ડ સાલ્વેશન.” (સાબુ, સૂપ અને તારણ.) ત્યાર પછી, લુઈ પાશ્ચર અને બીજાઓએ બૅક્ટેરિયાથી થતા રોગો વિષે બતાવ્યું ત્યારે, જાહેર સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનીને કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી.

તરત જ લેવામાં આવેલાં પગલાંઓમાં, અદાલતમાં સાક્ષીને બાઇબલને ચૂમવાની મના કરવામાં આવી. શાળા અને રેલવે સ્ટેશન પરથી સાર્વજનિક ઉપયોગ માટે રાખવામાં આવેલા પાણી પીવાના ગ્લાસને દૂર કરવામાં આવ્યા. અરે, ધાર્મિક વિધિમાં બધા માટે ઉપયોગમાં લેવામાં આવતા કપને બદલે દરેકને પોતાનો વ્યક્તિગત કપ લાવવાનું જણાવવામાં આવ્યું. હા, સ્વચ્છતાની શરૂઆત કરનારાઓને આ બાબતમાં લોકોને સજાગ કરવામાં સફળતા મળી હોય એવું લાગ્યું. લોકો હવે સ્વચ્છતાને એટલું મહત્ત્વ આપવા લાગ્યા કે એક લેખકે એને “સ્વચ્છતા પ્રત્યેના લગાવનું” પરિણામ કહ્યું.

તેમ છતાં, આ “સ્વચ્છતા પ્રત્યેનો લગાવ” ઉપરછલ્લો જ હતો. જલદી જ, વેપારીઓએ સાબુને કેવળ સુંદર દેખાવાના એક સાધનમાં ફેરવી દીધો. ચાલાકીથી બનાવવામાં આવેલી જાહેરાતોએ ગ્રાહકોને ભરમાવ્યા કે અમુક સાબુ વાપરવાથી તેઓનો સમાજમાં મોભો વધશે અને બીજાઓ તેઓની ઈર્ષા કરશે. ટીવી આવી કલ્પનાને જાણે વાસ્તવિક હોય એ રીતે રજૂ કરે છે. ટીવી સીરીયલો અને જાહેરાતોમાં જોવા મળતા પ્રખ્યાત અને દેખાવડા લોકો ભાગ્યે જ પોતાના ઘરમાં સાફ-સફાઈ કરતા હોય છે, આંગણામાં ઝાડું મારતા હોય છે, કચરો ઉઠાવતા હોય છે અથવા પોતાના પાલતું બિલાડી કે કૂતરાના મળમૂત્રને સાફ કરતા હોય છે.

વળી, બીજું એક કારણ એ પણ છે કે બહાર કામ કરવા જવાથી પૈસા મળે છે. જ્યારે ઘરકામ કે બીજી સફાઈ કરવાથી કોઈ પૈસા મળતા નથી. જો પૈસા મળતા ન હોય તો, શા માટે સ્વચ્છતાને લગતી કાળજી રાખવી જોઈએ? એના પરિણામે, આજે કેટલાક લોકો વિચારે છે કે સ્વચ્છતા એ ફક્ત વ્યક્તિગત સ્વચ્છતાને લાગુ પડે છે.

સ્વચ્છતાને પરમેશ્વર કઈ દૃષ્ટિએ જૂએ છે?

એમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં સ્વચ્છતા વિષે લોકો સજાગ બન્યા હતા એનાથી તેઓની રહેણીકરણીમાં પણ સુધારો થયો હતો. આથી યોગ્ય રીતે જ, સ્વચ્છતા એ પવિત્ર અને શુદ્ધ પરમેશ્વર યહોવાહનો ગુણ છે અને એ તેમના તરફથી આવે છે. તે આપણને આપણા સર્વ માર્ગોમાં પવિત્ર અને શુદ્ધ બનવાનું શીખવે છે.​—⁠યશાયાહ ૪૮:૧૭; ૧ પીતર ૧:​૧૫.

આ બાબતમાં યહોવાહે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. સ્વચ્છતા તેમ જ તેમના બીજા અદૃશ્ય ગુણો પરમેશ્વરની સૃષ્ટિમાં સ્પષ્ટ જોવા મળે છે. (રૂમી ૧:૨૦) આપણે જોઈએ છીએ કે ઉત્પન્‍ન કરવામાં આવેલી વસ્તુઓથી કંઈ પ્રદૂષણ થતું નથી. પૃથ્વી પરના પર્યાવરણના ઘણાં ચક્રો પોતે જ અદ્‍ભુત રીતે સફાઈ કરે છે. વળી, આપણે સ્વચ્છ અને આરોગ્યપ્રદ જીવન જીવીએ એ માટે એને બનાવવામાં આવ્યાં છે. આ પ્રકારની સ્વચ્છતા ફક્ત શુદ્ધ મનના ઉત્પન્‍નકર્તા પાસેથી જ આવી શકે. તેથી, આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે પરમેશ્વરના ઉપાસકો પોતાના જીવનનાં દરેક પાસાઓમાં શુદ્ધ હોવા જ જોઈએ.

શુદ્ધતાનાં ચાર પાસાઓ

બાઇબલ ચાર પાસાઓની શુદ્ધતા વિષે બતાવે છે અને પરમેશ્વરના ઉપાસકોએ એ પ્રમાણે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. ચાલો આપણે એ સર્વનો વિચાર કરીએ.

આત્મિક. આ શુદ્ધતાને સર્વ પ્રકારની સ્વચ્છતામાં સૌથી વધારે મહત્ત્વની ગણી શકાય, કારણ કે એનાથી વ્યક્તિને અનંતજીવનની આશા મળે છે. તેમ છતાં, મોટા ભાગના લોકો આ શુદ્ધતા પ્રત્યે કંઈ ખાસ ધ્યાન આપતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો, આત્મિક રીતે શુદ્ધ રહેવાનો અર્થ, પરમેશ્વરે આપેલા સાચી અને જૂઠી ઉપાસનાના નિયમોનો કદી પણ ભંગ ન કરવો થાય છે. કેમ કે પરમેશ્વરની નજરમાં સર્વ પ્રકારની જૂઠી ઉપાસના અશુદ્ધ છે. પ્રેષિત પાઊલે લખ્યું: “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે, મલિન વસ્તુને અડકો મા; એટલે હું તમારો અંગીકાર કરીશ.” (૨ કોરીંથી ૬:​૧૭) આ બાબતમાં શિષ્ય યાકૂબે પણ સ્પષ્ટ રીતે કહ્યું: “જગતથી પોતાને નિષ્કલંક રાખવો એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.”​—⁠યાકૂબ ૧:​૨૭.

પરમેશ્વર પોતાની સાચી ઉપાસના સાથે જૂઠી ઉપાસનાની ભેળસેળને જરાય સ્વીકારતા નથી. જૂઠી ઉપાસનામાં ઘણી વાર અશુદ્ધ કૃત્યો અને ધૃણાસ્પદ મૂર્તિઓ કે દેવોની ભક્તિ કરવાનો સમાવેશ થાય છે. (યિર્મેયાહ ૩૨:૩૫) આમ, સાચા ખ્રિસ્તીઓને અશુદ્ધ ઉપાસનામાં કોઈ પણ પ્રકારે ભાગ ન લેવાની વિનંતી કરવામાં આવી છે.​—⁠૧ કોરીંથી ૧૦:૨૦, ૨૧; પ્રકટીકરણ ૧૮:૪.

નૈતિક. આ બાબતમાં પણ પરમેશ્વર શુદ્ધતા અને અશુદ્ધતા વચ્ચેનો સ્પષ્ટ તફાવત બતાવે છે. જગતની પરિસ્થિતિ વિષે એફેસી ૪:૧૭-૧૯ વર્ણન કરે છે, “તેઓની બુદ્ધિ અંધકારમય થએલી હોવાથી, . . . તેઓ દેવના જીવનથી દૂર છે. તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.” આવી અનૈતિક વિચારસરણી ઘણી સીધી અને આડકતરી રીતોએ વ્યક્ત કરવામાં આવે છે. આથી, ખ્રિસ્તીઓએ સાવધ રહેવાની જરૂર છે.

પરમેશ્વરને પ્રેમ કરનારાઓ જાણે છે કે વેશ્યાગીરી, સજાતીય સંબંધ, લગ્‍ન પહેલાં સેક્સ અને પોર્નોગ્રાફી યહોવાહના નૈતિક શુદ્ધતાનાં ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેમ છતાં, આ પ્રકારનું વર્તન, મનોરંજન અને ફેશનની દુનિયામાં એકદમ સામાન્ય થઈ ગયું છે. તેથી, ખ્રિસ્તીઓએ એનાથી સાવધ રહેવું જોઈએ. ખ્રિસ્તી સભામાં કે સામાજિક પ્રસંગોએ ટૂંકા કે અડધું અડધ શરીર દેખાય એવાં કપડાં પહેરવાથી બીજાઓનું વ્યક્તિના શરીર પર બિનજરૂરી ધ્યાન ખેંચાય છે. વળી, એનાથી વ્યક્તિ નૈતિક શુદ્ધતામાંથી પડી ગઈ હોય એવું લાગે છે. આવાં કપડાં પહેરવાથી ખ્રિસ્તી સંગતમાં દુન્યવી અશુદ્ધ વિચારો લાવવા ઉપરાંત, આપણે બીજાઓમાં પણ અશુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરી શકીએ છીએ. આ બાબતમાં ખ્રિસ્તીઓએ “જે જ્ઞાન ઉપરથી” છે એ બતાવવા સખત પ્રયત્ન કરવો જોઈએ.​—⁠યાકૂબ ૩:⁠૧૭.

માનસિક. વ્યક્તિના મનમાં ખરાબ વિચારો ભરેલા હોવા જોઈએ નહિ. ઈસુએ દરેક અશુદ્ધ કે ખરાબ વિચાર વિષે ચેતવણી આપતા કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:​૨૮; માર્ક ૭:​૨૦-​૨૩) આ શબ્દો અશ્લીલ ચિત્રો અને ફિલ્મ જોવાને, લંપટ કે અનૈતિક સાહિત્ય વાંચવાને અને એવા સંગીતને સાંભળવાને પણ લાગુ પડે છે. આમ, ખ્રિસ્તીઓએ પોતાને અશુદ્ધ કરતા વિચારો કે ખરાબ વાણી અને કાર્યોને ટાળવા જ જોઈએ.​—⁠માત્થી ૧૨:૩૪; ૧૫:૧૮.

શારીરિક. બાઇબલ પવિત્રતા અને શારીરિક શુદ્ધતા વચ્ચેનો ગાઢ સંબંધ બતાવે છે. દાખલા તરીકે, પાઊલે લખ્યું: “વહાલાઓ, . . . આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.” (૨ કોરીંથી ૭:૧) તેથી, સાચા ખ્રિસ્તીઓએ પોતાના શરીર, ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ. સાફ-સફાઈ અને નહાવા માટે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય એવા વિસ્તારોમાં પણ ખ્રિસ્તીઓએ સ્વચ્છ અને સુઘડ રહેવા પોતાનાથી બનતું બધું જ કરવું જોઈએ.

શારીરિક શુદ્ધતામાં દારૂનો અતિરેક, તમાકુ અને શરીરને અશુદ્ધ કે નુકસાન કરતા કોઈ પણ પ્રકારના કેફી પદાર્થોથી દૂર રહેવાનો સમાવેશ થાય છે. ગીતોનું ગીતમાં વર્ણન કરવામાં આવેલા ઘેટાંપાળકને શૂલ્લામીના કપડાંની મીઠી સુગંધ ખૂબ જ ગમતી હતી. (ગીતોનું ગીત ૪:૧૧) આપણે પણ વ્યક્તિગત રીતે શુદ્ધ રહીએ એ ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે એનાથી આપણે આપણામાંથી આસપાસ ફેલાતી દુર્ગંધને ટાળીએ છીએ. અત્તર કે પરફ્યુમ આપણા શરીરને મહેકતું કરી શકે પરંતુ એ કંઈ નિયમિત સ્નાન અને સ્વચ્છ કપડાંની અવેજીમાં નથી.

સમતોલ દૃષ્ટિબિંદુ રાખવું

શારીરિક શુદ્ધતાની બાબત આવે છે ત્યારે લોકો વધારે પડતું કરે છે. એક બાજુ, સ્વચ્છતા વિષેનો જુસ્સો આપણા જીવનનો આનંદ છીનવી લઈ શકે છે. વળી, એ આપણો વધારે પડતો સમય પણ માગી લે છે. બીજી બાજુ, ગંદા અને અસ્તવ્યસ્ત ઘરોનું સમારકામ કરાવવું મોંઘું પડે છે. આપણે આપણા ઘરને સ્વચ્છ તથા વ્યવસ્થિત રાખવા માટે સમતોલ બનવાની જરૂર છે.

તમારું ઘર સાદું રાખો. ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હોય ત્યારે, એને સાફ-સૂથરું રાખવામાં મુશ્કેલી પડે છે. વળી, આ પ્રકારનાં અસ્તવ્યસ્ત ઘરોમાં કચરો પણ સહેલાઈથી વાળી શકાતો નથી. સાદા અને વ્યવસ્થિત ઘરોને સ્વચ્છ રાખવામાં ઓછો સમય લાગે છે. બાઇબલમાં પણ સાદા જીવન ઢબની ભલામણ કરવામાં આવી છે: “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”​—⁠૧ તીમોથી ૬:૮.

ઘર સુઘડ રાખો. ઘરને સ્વચ્છ રાખવું એ ઘરમાં રહેતી દરેક વ્યક્તિની જવાબદારી છે. ઘરના ઓરડાઓ વ્યવસ્થિત ન હોય તો, પછી ધીમે ધીમે ઘર પણ ગંદુ અને અસ્તવ્યસ્ત થઈ જાય છે. વ્યવસ્થિતનો અર્થ, દરેક વસ્તુઓ એની યોગ્ય જગ્યાએ હોવી થાય છે. દાખલા તરીકે, મેલાં કપડાં તમારા બેડરૂમમાં ગમે ત્યાં પડેલા હોવા જોઈએ નહિ. વળી, રમકડાં અને બીજાં સાધનો આમતેમ પડેલાં હોય તો એ જોખમી સાબિત થઈ શકે. સારી ટેવ નહિ પાડવાને કારણે ઘરમાં જ ઘણા અકસ્માતો થાય છે.

સ્પષ્ટ રીતે જ, શુદ્ધતા અને ખ્રિસ્તી જીવન માર્ગને અલગ પાડી શકાય એમ નથી. પરમેશ્વરના માર્ગ વિષે કહેતી વખતે, પ્રબોધક યશાયાહે ‘પવિત્રતાના માર્ગ’ વિષે જણાવ્યું. વળી, તે એની ગંભીરતા વિષે પણ કહે છે કે “તેમાં થઈને કોઈ પણ અશુદ્ધ જશે નહિ.” (યશાયાહ ૩૫:૮) હા, હમણાં જ સ્વચ્છતા માટે સારી ટેવો વિકસાવીને, આપણે પરમેશ્વરના એ વચનમાં દૃઢ વિશ્વાસ બતાવીએ છીએ કે તે જલદી જ આ પૃથ્વીને સ્વચ્છ અને સુંદર પારાદેશ પૃથ્વીમાં બદલી નાખશે. ત્યાર પછી, આ સુંદર ગ્રહ પર, સર્વ માણસજાત યહોવાહ પરમેશ્વરના સ્વચ્છતા વિષેનાં સંપૂર્ણ ધોરણોને પૂરેપૂરા અનુસરીને તેમને મહિમાવંત કરશે.​—⁠પ્રકટીકરણ ૭:૯.

[પાન ૬ પર ચિત્ર]

ઘરને સ્વચ્છ રાખવું એ ઘરમાં રહેતી દરેક વ્યક્તિની જવાબદારી છે

[પાન ૭ પર ચિત્ર]

પૃથ્વી પોતે જ અદ્‍ભુત રીતે પોતાને સ્વચ્છ રાખે છે