તેઓએ કાંટાની વેદના સહન કરી
તેઓએ કાંટાની વેદના સહન કરી
“મને શિક્ષા આપવા સારૂ શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો.” —૨ કોરીંથી ૧૨:૭.
૧. આજે લોકોને કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
શું તમે લાંબા સમયથી કોઈ દુઃખ સહન કરી રહ્યા છો? એમ હોય તો, હિંમત રાખો. આ ‘સંકટના વખતોમાં’ યહોવાહ પરમેશ્વરના વિશ્વાસુ સેવકોને ખૂબ જ સહન કરવું પડે છે. તેઓએ સખત સતાવણી, કુટુંબમાં મુશ્કેલીઓ, બીમારી, પૈસાની ચિંતા, લાગણીની લડત, પ્રિયજનનું મરણ અને એવી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. (૨ તીમોથી ૩:૧-૫) ઘણા દેશોમાં ખોરાકની અછત અને યુદ્ધોને કારણે લોકોના જીવન ભયમાં આવી પડે છે.
૨, ૩. કાંટારૂપી મુશ્કેલીઓને કારણે આપણું વલણ કેવું બની જઈ શકે અને એ શા માટે જોખમી છે?
૨ આવી મુશ્કેલીઓની વ્યક્તિ પર ઊંડી અસર થઈ શકે, ખાસ કરીને જ્યારે એકસાથે ઘણી મુશ્કેલીઓ આવી જાય. તેથી, નીતિવચનો ૨૪:૧૦ કહે છે: “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારૂં બળ થોડું જ છે.” સાચે જ, મુશ્કેલીઓને કારણે થતી નિરાશા આપણને અંદરોઅંદર કોરી ખાય શકે અને અંત સુધી ટકી રહેવાના આપણા નિર્ણને નબળો પાડી શકે. એમ કઈ રીતે બની શકે છે?
૩ નિરાશા આપણી આશાને ડગમગાવી શકે. દાખલા તરીકે, આપણી નાની અમથી મુશ્કેલીને પહાડ જેવી મોટી બનાવી દઈને, આપણે પોતાને ‘બિચારા’ ગણવા માંડીએ. અરે, કોઈ તો વળી પરમેશ્વરને પણ ફરિયાદ કરે કે “તમે મારા પર આવું શા માટે વીતવા દો છો?” આવું વલણ જો આપણા દિલમાં ઘર કરી જાય, તો એ આપણા આનંદ અને ભરોસાને ઊધઈની જેમ કોરી ખાશે. પછી, યહોવાહનો સેવક એટલો નિરાશ બની જઈ શકે કે તે ‘વિશ્વાસની સારી લડાઈ લડવાનું’ પડતું મૂકે.—૧ તીમોથી ૬:૧૨.
૪, ૫. ઘણી વખત કઈ રીતે આપણી મુશ્કેલીઓ પાછળ શેતાન હોય છે, પણ આપણે કઈ ખાતરી રાખી શકીએ?
૪ યહોવાહ કંઈ આપણા પર મુશ્કેલીઓ લઈ આવતા નથી. (યાકૂબ ૧:૧૩) આપણા પર અમુક કસોટીઓ આવે છે કેમ કે આપણે તેમને વિશ્વાસુ રહેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. હકીકતમાં, યહોવાહની ભક્તિ કરનારા દરેક તેમના મહા દુશ્મન, શેતાનનું નિશાન બને છે. શેતાન, ‘આ જગતનો દેવ’ જાણે છે કે તેને માટે થોડો જ સમય રહેલો છે. તેથી તે પ્રયત્ન કરે છે કે યહોવાહના સેવકો યહોવાહની ઉપાસના કરવાનું છોડી દે. (૨ કોરીંથી ૪:૪) શેતાન બની શકે એટલા દુઃખો આપણા ભાઈઓ પર લાવે છે. (૧ પીતર ૫:૯) ખરું કે, તે સીધેસીધો આપણી બધી મુશ્કેલીઓ લાવતો નથી, પણ મુશ્કેલીઓનો લાભ ઊઠાવી આપણને નબળા પાડે છે.
૫ જો કે શેતાન ભલે ગમે એટલો ચાલાક હોય, તોપણ આપણે તેને હરાવી શકીએ છીએ! કઈ રીતે? આપણે યહોવાહ પરમેશ્વરની મદદથી એમ કરી શકીએ. યહોવાહ આપણને મદદ આપે છે, જેથી આપણે શેતાનના કપટોથી અજાણ્યા ન રહીએ. (૨ કોરીંથી ૨:૧૧) યહોવાહનું વચન, બાઇબલ સાચા ખ્રિસ્તીઓની મુશ્કેલીઓ વિષે ઘણું જણાવે છે. પ્રેષિત પાઊલ વિષે જણાવતા, બાઇબલ ‘દેહમાં કાંટાની’ વાત કરે છે. ચાલો આપણે જોઈએ કે શા માટે બાઇબલ એ શબ્દોનો ઉપયોગ કરે છે. પછી, આપણે જોઈ શકીશું કે કસોટીઓ પર જીત મેળવવા, યહોવાહની મદદ માંગનાર આપણે એકલા જ નથી.
કાંટા જેવી કસોટીઓ
૬. “દેહમાં કાંટો” છે, એમ પાઊલના કહેવાનો શું અર્થ હતો અને એ શું હોય શકે?
૬ પાઊલની બધી રીતે કસોટીઓ થઈ હતી. તે આમ લખવા પ્રેરાયા: “મને શિક્ષા આપવા સારૂ શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, કે જેથી હું અતિશય વડાઈ ન કરૂં.” (૨ કોરીંથી ૧૨:૭) પાઊલના દેહમાં આ કયો કાંટો હતો? કાંટો ઊંડો ઊતરી જાય ત્યારે બહુ જ પીડા આપે છે. તેથી, આ ઉદાહરણ સૂચવે છે કે શારીરિક, લાગણીમય કે પછી બંને રીતે પાઊલને કંઈક બહુ પીડા આપતું હતું. એમ પણ હોય શકે કે પાઊલ આંખની કે પછી બીજી કોઈ બીમારીને કારણે લાચાર હોય શકે. એ કાંટો કદાચ એવી વ્યક્તિઓ પણ હોય શકે, જેઓ પાઊલ ખરેખર પ્રેષિત હોવાની અને તેમનું પ્રચાર અને શિક્ષણ કાર્ય વિષે શંકા ઊઠાવતા હતા. (૨ કોરીંથી ૧૦:૧૦-૧૨; ૧૧:૫, ૬, ૧૩) ભલે એ કાંટો ગમે તે રૂપમાં હતો, પણ પાઊલ સાથે જ રહ્યો અને એ પીડા દૂર થઈ નહિ.
૭, ૮. (ક) મૂળ ભાષા પ્રમાણે, દેહનો કાંટો પાઊલને માર્યા કરતો હતો, એનો શું અર્થ થાય? (ખ) આપણે હમણાં કાંટા જેવી વેદના સહી લઈએ એ શા માટે મહત્ત્વનું છે?
૭ મૂળ ભાષામાં કહેવામાં આવે છે કે એ કાંટો પાઊલને માર્યા કરતો હતો. અહીં વપરાયેલું ગ્રીક ક્રિયાપદ “આંગળીના સાંધા” માટેના શબ્દમાંથી આવે છે. એ શબ્દનો શાબ્દિક અર્થ માત્થી ૨૬:૬૭માં અને સાંકેતિક અર્થ ૧ કોરીંથી ૪:૧૧માં મળી આવે છે. એ કલમોમાં મુક્કાઓ મારવામાં આવે એવો અર્થ થાય છે. યહોવાહ અને તેમના સેવકોને તો શેતાન પળેપળે ધિક્કારે છે. તેથી, એ કાંટો પાઊલને મારતો રહ્યો, એનાથી શેતાન ખૂબ જ ખુશ થયો હશે. આજે પણ આપણે ‘દેહમાંના કાંટાને’ કારણે મુશ્કેલી સહન કરીએ છીએ ત્યારે, શેતાન એટલો જ ખુશ થાય છે.
૮ તેથી, આપણે પણ પાઊલની જેમ જાણવાની જરૂર છે કે આવા કાંટાઓની વેદના કઈ રીતે સહન કરવી. એમ કરવામાં આપણા જીવન-મરણનો સવાલ છે! હંમેશા યાદ રાખીએ કે યહોવાહ આપણને નવી દુનિયામાં કાયમી જીવન આપવા માંગે છે, જ્યાં કાંટારૂપી મુશ્કેલીઓ નહિ હોય. એ અદ્ભુત ઇનામ જીતવા માટે, યહોવાહ આપણને તેમના પવિત્ર વચન, બાઇબલમાં ઘણા ઉદાહરણો આપે છે. એ બતાવે છે કે તેમના વિશ્વાસુ સેવકો દેહના કાંટાઓની વેદના સહન કરીને જીત મેળવી છે. તેઓ પણ આપણી જેમ જ સામાન્ય અને અપૂર્ણ લોકો હતા. એ સાક્ષીઓની “મોટી વાંદળારૂપ ભીડ” છે, એમાંથી અમુક વિષે વિચાર કરવાથી આપણને ‘ઠરાવેલી શરતમાં ધીરજથી દોડવા’ મદદ મળશે. (હેબ્રી ૧૨:૧) તેઓ જે સહન કર્યું, એના પર મનન કરવાથી, આપણો ભરોસો વધશે. પછી, ભલે શેતાન આપણા માર્ગમાં ગમે એટલા કાંટા બીછાવે, પણ આપણે સહન કરી શકીશું.
મફીબોશેથને દુઃખ દેતા કાંટા
૯, ૧૦. (ક) મફીબોશેથે દેહના કયા કાંટાનો અનુભવ કર્યો? (ખ) રાજા દાઊદે મફીબોશેથ પર કઈ કૃપા બતાવી અને આપણે કઈ રીતે એ અનુસરી શકીએ?
૯ દાઊદના જિગરી દોસ્ત યોનાથાનના પુત્ર, મફીબોશેથનો વિચાર કરો. તે પાંચ વર્ષનો હતો ત્યારે, ખબર આવી કે તેના પિતા, યોનાથાન અને દાદા, રાજા શાઊલ માર્યા ગયા છે. મફીબોશેથની સંભાળ રાખનારી ગભરાઈ ગઈ અને “તેને લઈને નાઠી; અને એમ બન્યું કે તે ઉતાવળી દોડતી હતી, તેથી તે પડી ગયો, ને લંગડો થયો.” (૨ શમૂએલ ૪:૪) આ અપંગતા મફીબોશેથ માટે કાંટારૂપી બની ગઈ હશે અને તેણે આખી જીંદગી એ સહન કરવી પડી.
૧૦ દાઊદ રાજા બન્યા એના થોડા વર્ષો પછી, યોનાથાન માટેના પુષ્કળ પ્રેમને કારણે, તેમણે મફીબોશેથ પર કૃપા બતાવી. દાઊદે તેને શાઊલની સઘળી મિલકત પાછી આપી અને શાઊલની જમીન ખેડવા તેના ચાકર સીબાને રાખ્યો. દાઊદ રાજાએ મફીબોશેથને એમ પણ કહ્યું: “તું હમેશાં મારી મેજ પર ભોજન કરજે.” (૨ શમૂએલ ૯:૬-૧૦) એમાં કોઈ શંકા નથી કે દાઊદની કૃપાથી મફીબોશેથને ઘણો દિલાસો મળ્યો અને પોતાની અપંગતા સહન કરવા મદદ મળી હશે. ખરેખર આપણા માટે કેટલું સુંદર ઉદાહરણ! જે કોઈ ‘દેહનો કાંટો’ સહન કરતા હોય, તેઓ પર આપણે જરૂર કૃપા રાખવી જોઈએ.
૧૧. સીબાએ મફીબોશેથ વિષે શું દાવો કર્યો, પણ શું બતાવે છે કે એ તદ્દન જૂઠું બોલતો હતો? (ફૂટનોટ જુઓ.)
૧૧ પછીથી, મફીબોશેથે દેહનો હજુ બીજો કાંટો સહન કરવો પડ્યો. રાજા દાઊદ પોતાના દીકરા, આબ્શાલોમના બંડને કારણે યરૂશાલેમથી નાસી રહ્યા હતા. એ સમયે મફીબોશેથના ચાકર સીબાએ તેને દગો દઈને રાજા દાઊદની આગળ તેની નિંદા કરી. સીબાએ કહ્યું કે મફીબોશેથ બેવફા હતો અને એટલે જ યરૂશાલેમમાં રહ્યો હતો, જેથી તે રાજા બની શકે. * દાઊદ સીબાની વાતમાં આવી ગયો અને તેણે મફીબોશેથની બધી મિલકત એ કપટીને આપી દીધી!—૨ શમૂએલ ૧૬:૧-૪.
૧૨. મફીબોશેથે અઘરા સંજોગોમાં શું કર્યું અને કઈ રીતે તે આપણા માટે સુંદર ઉદાહરણ છે?
૧૨ આખરે, મફીબોશેથ રાજા દાઊદને મળ્યો ત્યારે, તેણે તેને જણાવ્યું કે હકીકત શું હતી. તે દાઊદ સાથે જવા માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે, સીબા તેને બદલે પોતે જવા તૈયાર થયો. આમ સીબાએ મફીબોશેથ સાથે ઠગાઈ કરી. શું દાઊદે આ બાબત થાળે પાડી? હા, પણ પૂરેપૂરી નહિ. તેણે મિલકત એ બંનેને વહેંચી આપી. આમ, મફીબોશેથ માટે આ દેહનો એક વધારે કાંટો બન્યો હોય શકે. એ માટે શું તે નિરાશ થઈ ગયો? શું તેણે દાઊદના નિર્ણય સામે બંડ કર્યું કે પોતાને અન્યાય થઈ રહ્યો હતો? ના, તેણે નમ્રતાથી રાજાની ઇચ્છા માન્ય રાખી. તેણે સરસ વલણ રાખીને, રાજા સલામતીમાં પાછો આવ્યો, એના પર વધારે ધ્યાન આપ્યું. ખરેખર, મફીબોશેથ આપણને સુંદર ઉદાહરણ બેસાડ્યું, અને અપંગતા, નિંદા અને નિરાશા સહન કરી.—૨ શમૂએલ ૧૯:૨૪-૩૦.
નહેમ્યાહ મુશ્કેલીઓ સહન કરે છે
૧૩, ૧૪. નહેમ્યાહ યરૂશાલેમની દિવાલો બાંધવા ગયા ત્યારે, તેમણે કયા કાંટાઓની પીડા સહન કરવી પડી?
૧૩ નહેમ્યાહે સહન કરેલી કાંટારૂપી મુશ્કેલીઓનો વિચાર કરો. એ સમય પાંચમી સદી બી.સી.ઈ. હતો, જ્યારે તે એવા યરૂશાલેમ શહેર પાછો ફર્યો, જેની દિવાલો પણ ન હતી. એ શહેર ખૂબ અસલામત હતું અને પાછા ફરેલા યહુદીઓ સાવ નિરાશ અને યહોવાહની નજરમાં અશુદ્ધ હતા. તેમ જ, તેઓમાં કોઈ ગોઠવણ ન હતી. ખરું કે રાજા આર્તાહશાસ્તાએ નહેમ્યાહને યરૂશાલેમની દિવાલો બાંધવાની રજા આપી હતી. પરંતુ, જલદી જ તેને અનુભવ થયા જે બતાવતા હતા કે આજુબાજુના રાજ્યોના અધિકારીઓ એની એકદમ વિરોધમાં હતા. તેઓએ જ્યારે ‘સાંભળ્યું કે ઈસ્રાએલીઓને મદદ કરવામાં કોઈક રસ ધરાવે છે ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.’—નહેમ્યાહ ૨:૧૦, IBSI.
૧૪ એ વિરોધીઓએ નહેમ્યાહના કામમાં ભંગ પાડવા બધા રસ્તા અપનાવી જોયા. તેઓની ધમકી, જૂઠાણા, નિંદા, નીચા પાડવાના પ્રયત્નો, અરે તેને નિરાશ કરવા જાસૂસો મોકલવા, આ બધું જ દેહમાંના કાંટાની જેમ નહેમ્યાહને ખૂબ જ ખૂંચ્યું હશે. શું તે આ દુશ્મનોની સામે હારી ગયા? ના! તેમણે યહોવાહમાં પૂરો ભરોસો રાખ્યો અને પડતું મૂક્યું નહિ. તેથી, છેવટે યરૂશાલેમની દિવાલો બંધાઈ ગઈ અને એ કાયમી સાક્ષી બની કે નહેમ્યાહને યહોવાહનો પૂરો સાથ હતો.—નહેમ્યાહ ૪:૧-૧૨; ૬:૧-૧૯.
૧૫. યહુદીઓની કઈ મુશ્કેલીઓ નહેમ્યાહને કાંટાની જેમ ખૂંચતી હતી?
૧૫ યહોવાહના લોકોની આગેવાની લેનાર પણ નહેમ્યાહ હતા, એટલે તેમણે તેઓની સમસ્યાઓ પણ ઉકેલવી પડતી હતી. એ મુશ્કેલીઓ પણ તેમને કાંટાની જેમ ઊંડે સુધી ખૂંચતી હતી, કેમ કે એનાથી યહોવાહ સાથેના લોકોના સંબંધ પર અસર પડતી હતી. ધનવાન લોકો ઘણું જ વ્યાજ લેતા હતા. તેઓના ગરીબ ભાઈઓએ દેવું ચૂકવવા અને ઈરાની કર ભરવા માટે પોતાની જમીન અને પોતાના બાળકોને પણ ગુલામ તરીકે વેચવા પડતા હતા. (નહેમ્યાહ ૫:૧-૧૦) ઘણા યહુદીઓ સાબ્બાથના નિયમો તોડતા હતા અને લેવીઓની જરૂરિયાતો તથા મંદિરની દેખરેખ રાખતા ન હતા. વળી, કેટલાકે “આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં.” આ બધું જોઈને નહેમ્યાહને કેટલું દુઃખ થયું હશે! પરંતુ, એમાંની કોઈ પણ કાંટારૂપી મુશ્કેલીઓ નહેમ્યાહને રોકી શકી નહિ. દરેક સંજોગમાં તે પૂરા ઉત્સાહથી યહોવાહના ન્યાયી નિયમોને વળગી રહેનાર સાબિત થયા. નહેમ્યાહની જેમ જ, આપણે પણ બીજાના ખોટા કામોના રંગે રંગાઈએ નહિ અને ગમે એ થાય, યહોવાહની સેવા કરવાનું ચાલુ જ રાખીએ.—નહેમ્યાહ ૧૩:૧૦-૧૩, ૨૩-૨૭.
બીજા ઘણા વિશ્વાસુ સેવકો
૧૬ બાઇબલમાં બીજા એવા ઘણા ઉદાહરણો છે, જે બતાવે છે કે વિશ્વાસુ લોકોએ કાંટારૂપી સંજોગો સહન કર્યા હતા. એવા સંજોગો ઊભા કરનાર મુખ્ય બાબત કુટુંબના ઝઘડા હતા. એસાવની બે પત્નીઓ, તેના માબાપ, “ઇસ્હાક તથા રિબકાહના જીવને સંતાપરૂપ હતી.” રિબકાહે તો ત્યાં સુધી કહ્યું કે એ પત્નીઓના કારણથી પોતે જીવનથી કંટાળી ગઈ હતી. (ઉત્પત્તિ ૨૬:૩૪, ૩૫; ૨૭:૪૬) હાન્નાહનો વિચાર કરો. પોતાના પતિની બીજી પત્ની પનિન્નાહ, “તેને બહુ ચીડવતી હતી,” કેમ કે હાન્નાહ વાંઝણી હતી. હાન્નાહે ઘરમાં આ પીડા વધારે સહન કરવી પડતી હશે. વળી, આખું કુટુંબ શીલોહ યજ્ઞ કરવા માટે જતું ત્યારે પણ પન્નિનાહ સગાં-સંબંધીઓની આગળ ચીડવીને હાન્નાહને નીચી પાડતી હશે, જાણે કે બળતામાં ઘી નાખવું.—૧ શમૂએલ ૧:૪-૭.
૧૭ હવે દાઊદનો વિચાર કરો. તેણે અદેખાઈમાં પાગલ બનેલા પોતાના સસરા, શાઊલ રાજાને કારણે કેટલું બધું વેઠવું પડ્યું. દાઊદે પોતાનો જીવ બચાવવા એન-ગેદીના રાનમાં નાસી જવું પડ્યું, જ્યાં તેણે જોખમી ખડકો ચડવા પડ્યા અને ગુફાઓમાં રહેવું પડ્યું. આ અન્યાય ખરેખર તેને પુષ્કળ પીડા આપતો હશે, કેમ કે તેણે શાઊલનું કંઈ જ બગાડ્યું ન હતું. તેમ છતાં, તેણે વર્ષો સુધી ગુનેગારની જેમ નાસ-ભાગ કરવી પડી, કેમ કે શાઊલ અદેખો હતો.—૧ શમૂએલ ૨૪:૧૪, ૧૫; નીતિવચનો ૨૭:૪.
૧૮ હોશીઆ પ્રબોધક પર જે કૌટુંબિક આફત આવી પડી, એની કલ્પના કરો. તેની પત્ની વ્યભિચારી બની ગઈ. એ જાણે હોશીઆના દિલમાં કાંટાઓની જેમ ખૂંચ્યા કરતું હશે. વળી, એટલું જાણે ઓછું હોય એમ તેણે વ્યભિચારથી બે બાળકોને જન્મ આપ્યો. એ કારણે હોશીઆના દિલ પર શું વીત્યું હશે, એ વિચારો!—હોશીઆ ૧:૨-૯.
૧૯. મીખાયાહ પ્રબોધકને કઈ સતાવણી સહન કરવી પડી?
૧૯ દેહમાં બીજો કાંટો સતાવણી છે. મીખાયાહ પ્રબોધકનો વિચાર કરો. તેણે જોયું કે દુષ્ટ રાજા આહાબની આસપાસ જૂઠા પ્રબોધકોનો મેળો જામ્યો હતો અને આહાબે તેઓનું જૂઠાણું ખુશીથી માની લીધું હતું. એ જોઈને ન્યાયી મીખાયાહના દિલમાં કેટલી પીડા થઈ હશે. પરંતુ, મીખાયાહે આહાબને જણાવ્યું કે એ બધા પ્રબોધકો તો “જૂઠું બોલનાર આત્મા” દ્વારા બોલતા હતા ત્યારે, તેઓના આગેવાને શું કર્યું? તેણે ‘મીખાયાહને ગાલ પર તમાચો માર્યો’! વળી, એટલું પૂરતું ન હોય એમ, રામોથ-ગિલઆદ પર જીત નહિ મળે એવી યહોવાહની ચેતવણી પ્રત્યે આહાબે કેવું વલણ બતાવ્યું? આહાબે હુકમ આપ્યો કે મીખાયાહને કેદ કરીને, દુઃખની રોટલી તથા પાણી આપવામાં આવે. (૧ રાજાઓ ૨૨:૬, ૯, ૧૫-૧૭, ૨૩-૨૮) તેમ જ, યિર્મેયાહને પણ યાદ કરો, જેમની ખૂની લોકોએ સખત સતાવણી કરી હતી.—યિર્મેયાહ ૨૦:૧-૯.
૨૦. નાઓમીએ શું સહેવું પડ્યું અને તેને કયો બદલો મળ્યો?
૨૦ આપણા પ્રિયજન મરણ પામે, એ એક બીજી દુઃખદ બાબત છે જે દેહમાં કાંટાની જેમ ખૂંચી શકે. નાઓમીએ પોતાના પતિ અને બે દીકરાને મરણમાં ગુમાવ્યા. એ દુઃખ છતાં, તે બેથલેહેમ પાછી આવે છે. તે પોતાના મિત્રોને કહે છે કે તેને નાઓમી નહિ, પણ મારા કહી બોલાવવી, જેનો અર્થ તેના અનુભવોની કડવાશ બતાવતો હતો. જો કે અંતે, યહોવાહે તેને પૌત્ર આપીને બદલો આપ્યો, જે મસીહનો વંશજ બન્યો.—રૂથ ૧:૩-૫, ૧૯-૨૧; ૪:૧૩-૧૭; માત્થી ૧:૧, ૫.
૨૧, ૨૨. અયૂબે કયા દુઃખો સહન કરવા પડ્યા અને એવા સંજોગોમાં તે કઈ રીતે વર્ત્યો?
૨૧ અયૂબનો વિચાર કરો જેણે પોતાના વહાલા દશેય બાળકોના અચાનક અને હિંસક મરણના સમાચાર સાંભળ્યા. એટલું જ નહિ, પણ તેણે સર્વ ઢોરઢાંક અને પોતાના ચાકરો ગુમાવ્યા. એકાએક જાણે કે એની દુનિયાનો અંત આવી રહ્યો હતો! પછી, હજુ તો તે માંડ માંડ એ બધું સહન કરતો હતો ત્યારે, શેતાને તેને ખૂબ બીમાર કર્યો. અયૂબને લાગ્યું હશે કે આ રોગ તેનો જીવ લઈને જ જંપશે. તેની પીડા એટલી બધી હતી કે તેને લાગ્યું કે પોતે મરણ પામે તો જ રાહત મળશે.—અયૂબ ૧:૧૩-૨૦; ૨:૭, ૮.
૨૨ વળી, જાણે કે આ બધું પૂરતું ન હોય એમ, શોક અને દુઃખથી હારેલી તેની પત્નીએ તેને કહ્યું કે “દેવને શાપ દે, અને મરી જા.” ખરેખર, તેના પીડાઈ રહેલા દેહમાં આ કાંટાએ કેટલું દરદ આપ્યું હશે! પછી, અયૂબના ત્રણ મિત્રો આવ્યા. તેઓએ તેને દિલાસો આપવાને બદલે, લાંબી-ચોડી દલીલો કરીને તેના પર આરોપ મૂક્યો કે તેણે ચોક્કસ પાપ કર્યા હશે, એટલે જ આ દુઃખો તેના પર આવી પડ્યા છે. તેઓની ખોટી દલીલોથી જાણે કે દેહમાંનો કાંટો વધારેને વધારે અંદર ખૂંચતો જતો હતો. એ પણ યાદ રાખો કે અયૂબ જાણતો ન હતો કે શા માટે આ બધું બની રહ્યું હતું; તેમ જ, તે જાણતો ન હતો કે પોતે બચી જશે. તોપણ, “એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ, અને દેવને દોષ દીધો નહિ.” (અયૂબ ૧:૨૨; ૨:૯, ૧૦; ૩:૩; ૧૪:૧૩; ૩૦:૧૭) ભલે એકસાથે ઘણા કાંટાની પીડા સહન કરવી પડી છતાં, તે યહોવાહને બેવફા બન્યો નહિ. ખરેખર, એ કેટલું ઉત્તેજન આપે છે!
૨૩. આપણે શીખ્યા તેમ, વિશ્વાસુ જનો કઈ રીતે દેહમાંના કાંટા સહન કરી શક્યા?
૨૩ આ તો ઘણા વિશ્વાસુ જનોમાંથી થોડાના જ અનુભવો છે. બાઇબલમાં હજુ ઘણા એવા અનુભવો છે. એ બધા જ વિશ્વાસુ સેવકોએ “દેહમાં કાંટો” સહન કરવો પડ્યો છે. તેઓએ જાતજાતની મુશ્કેલીઓ સહન કરી! તોપણ, એ બધાના અનુભવમાં એક વાત સરખી જ હતી. તેઓમાંથી કોઈએ પણ યહોવાહની સેવા પડતી મૂકી નહિ. ભલે ગમે એવી કપરી મુશ્કેલીઓ આવી, છતાં તેઓ યહોવાહની મદદથી શેતાન પર જીત મેળવી શક્યા. એમ કઈ રીતે બન્યું? હવે પછીનો લેખ એનો જવાબ આપશે. તેમ જ, આપણને બતાવશે કે આપણે પણ દેહમાંના કાંટાની જેમ ખૂંચતી કોઈ પણ કસોટીઓ સહન કરી શકીએ છીએ.
[ફુટનોટ]
^ મફીબોશેથ જેવો નમ્ર અને ઊંડી કદર કરનાર, કઈ રીતે સત્તાને માટે લાલચ કરીને એવો કપટી બની શકે? એમાં કોઈ શંકા નથી કે તેના પિતા, યોનાથાન જે રીતે વિશ્વાસુ સાબિત થયા હતા, એ તે જાણતો હતો. યોનાથાન, રાજા શાઊલનો દીકરો હતો. તેમ છતાં, તેણે નમ્રતાથી સ્વીકાર્યું કે ઈસ્રાએલ પર રાજા તરીકે, યહોવાહે દાઊદને પસંદ કર્યો હતો. (૧ શમૂએલ ૨૦:૧૨-૧૭) મફીબોશેથના માબાપ યહોવાહનો ડર રાખનારા અને દાઊદના ખાસ મિત્રો હતા. તેથી, યોનાથાને પોતાના પુત્રને રાજા બનવાના સપના દેખાડ્યા નહિ હોય.
તમારો જવાબ આપશો?
• આપણે સહીએ છીએ એ મુશ્કેલીઓને શા માટે દેહમાંના કાંટા સાથે સરખાવી શકાય?
• મફીબોશેથ અને નહેમ્યાહે સહેવા પડ્યા, એવા અમુક કાંટા કયા હતા?
• બાઇબલમાંથી અમુક સ્ત્રી-પુરુષો વિષે આપણે શીખ્યા, જેઓએ દેહમાંના કાંટા સહન કર્યા હતા. એમાંથી તમને કયો અનુભવ વધારે ગમ્યો અને શા માટે?
[Questions]
૧૬-૧૮. ઇસ્હાક અને રિબકાહ, હાન્નાહ, દાઊદ અને હોશીઆના કુટુંબમાં કઈ મુશ્કેલીઓ ઊભી થઈ?
[પાન ૧૫ પર ચિત્રો]
મફીબોશેથે અપંગતા, નિંદા અને નિરાશા સહન કરવી પડી
[પાન ૧૬ પર ચિત્ર]
નહેમ્યાહે વિરોધ છતાં પડતું ન મૂક્યું