સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ

પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ

પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ

તમે જાણતા હશો કે પ્રાણીઓ કુદરતી નિયમને આધારે જીવે છે. ઘણા મશીનોને જેમ માહિતી આપીએ તેમ ચાલે છે. પરંતુ, મનુષ્યોને એ રીતે ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે કે તેઓ સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. તમે એ કઈ રીતે કહી શકો? યહોવાહ પરમેશ્વર સર્વ ન્યાયી સિદ્ધાંતો ઘડનાર છે. તેમણે પ્રથમ મનુષ્યોને ઉત્પન્‍ન કર્યા ત્યારે, આમ કહ્યું હતું: “પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ.” પરમેશ્વરને આપણા જેવું દૈહિક શરીર નથી. પરંતુ, આપણને તેમની “પ્રતિમા” પ્રમાણે બનાવવામાં આવ્યા છે, એટલે કે આપણે અમુક હદે તેમના જેવા ગુણો બતાવીએ છીએ. મનુષ્યો પાસે ખરું-ખોટું નક્કી કરવાની અને પોતાના સિદ્ધાંતો પ્રમાણે જીવવાની ક્ષમતા રહેલી છે. યહોવાહે એમાંના ઘણા સિદ્ધાંતો બાઇબલમાં આપ્યા છે.​—ઉત્પત્તિ ૧:૨૬; યોહાન ૪:૨૪; ૧૭:૧૭.

હા, કદાચ તમે વિચારશો કે ‘બાઇબલમાં તો ઘણા સિદ્ધાંતો મળી આવે છે. પરંતુ, હું એ બધા જ કઈ રીતે જાણી શકું? એ તો શક્ય જ નથી.’ એ ખરું છે. પરંતુ, આનો વિચાર કરો: પરમેશ્વરના બધા જ સિદ્ધાંતો આપણા લાભ માટે છે. વળી, અમુક સિદ્ધાંતો તો બીજા કરતાં પણ વધારે મહત્ત્વના છે. ઈસુએ માત્થી ૨૨:૩૭-૩૯માં જે કહ્યું એના પરથી તમે જોઈ શકશો કે મુસાના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાઓ અને એને લગતા સિદ્ધાંતોમાં, અમુક વધારે મહત્ત્વના હતા.

તો પછી, કયા સિદ્ધાંતો વધારે મહત્ત્વના છે? બાઇબલમાં આપવામાં આવેલા મુખ્ય સિદ્ધાંતો એ છે, જે યહોવાહ સાથેના આપણા સંબંધ પર સીધેસીધી અસર કરે છે. જો આપણે તેઓને હૃદયમાં ઉતારીશું તો, યહોવાહ આપણને હોકાયંત્રની જેમ દોરનાર થશે. તેમ જ, બીજા અનેક સિદ્ધાંતો છે જે લોકો સાથેના આપણા સંબંધને અસર કરે છે. એવા સિદ્ધાંતો લાગુ પાડવાથી સ્વાર્થી વલણ સામે લડવા આપણને મદદ મળશે.

ચાલો આપણે બાઇબલમાં મળી આવતા મહત્ત્વના સત્યોમાંનું એક જોઈએ. એ સત્ય શું છે અને એ આપણને કઈ રીતે અસર કરે છે?

‘તું જ આખી પૃથ્વી પર પરાત્પર છે’

પવિત્ર શાસ્ત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે આપણા સર્જનહાર યહોવાહ તે જ સર્વોપરી છે. તેમની બરાબર કોઈ આવી શકે એમ નથી. બાઇબલમાં લખેલું એ સનાતન સત્ય છે.​—ઉત્પત્તિ ૧૭:૧; સભાશિક્ષક ૧૨:⁠૧.

ગીતશાસ્ત્રના એક લેખકે, યહોવાહ વિષે આમ લખ્યું: ‘તું જ આખી પૃથ્વી પર પરાત્પર છે.’ દાઊદ રાજાએ આમ લખ્યું: “હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે.” પ્રબોધક યિર્મેયાહ પણ આમ લખવા પ્રેરાયા હતા: “હે યહોવાહ, તારા જેવો કોઈ નથી; તું મોટો છે, ને સામર્થ્યમાં તારૂં નામ મોટું છે.”​—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; ૧ કાળવૃત્તાંત ૨૯:૧૧; યિર્મેયાહ ૧૦:⁠૬.

પરમેશ્વર વિષેના એ સત્યો આપણે જીવનમાં કેવી રીતે લાગુ પાડવા જોઈએ?

એ સ્પષ્ટ છે કે જીવનમાં ખરેખર આપણા સર્જનહાર જ સર્વોપરી હોવા જોઈએ. કદાચ આપણને પોતાની તરફ લોકોનું ધ્યાન દોરવાની આદત હોય શકે. એવું વર્તન આપણે ટાળીએ એ શું યોગ્ય નથી? એક સારો સિદ્ધાંત છે કે “જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.” (૧ કોરીંથી ૧૦:૩૧) દાનીયેલ પ્રબોધકે એના વિષે સારું ઉદાહરણ બેસાડ્યું છે.

બાઇબલ આપણને જણાવે છે કે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને એક સપનું આવ્યું. એનાથી તે ગભરાયો અને તેને એનો અર્થ જાણવો હતો. એ કારણથી બધા જ મૂંઝવણમાં હતા, ત્યારે દાનીયેલે રાજાને એનો અર્થ જણાવ્યો. શું દાનીયેલે પોતાના વખાણ કર્યા? ના, તેણે એનો મહિમા “આકાશમાં એક દેવ છે કે જે મર્મ ખોલે છે” તેને આપ્યો. દાનીયેલ આગળ કહે છે: “બીજા માણસો કરતાં મારામાં કંઈ વધારે જ્ઞાન હોવાથી આ મર્મ મને પ્રગટ થયો છે એમ તો નથી.” ખરેખર, દાનીયેલ પરમેશ્વરના સિદ્ધાંત પ્રમાણે ચાલનાર હતા. તેથી દાનીયેલના પુસ્તકમાં તે પરમેશ્વરને “અતિ પ્રિય” છે, એમ ત્રણ વાર કહેવામાં આવ્યું.​—દાનીયેલ ૨:૨૮, ૩૦; ૯:૨૩; ૧૦:૧૧, ૧૯.

દાનીયેલના પગલે ચાલશો તો તમને પણ લાભ થશે. દાનીયેલના પગલે ચાલવા માટે યોગ્ય હેતુ હોવો જોઈએ. તમે જે કંઈ કરો છો એ માટે કોને યશ મળવો જોઈએ? ભલે તમે ગમે એ સંજોગમાં હોવ, છતાં તમે બાઇબલના આ મહત્ત્વના સિદ્ધાંત પ્રમાણે ચાલી શકો છો કે યહોવાહ સર્વોપરી પરમેશ્વર છે. એમ કરવાથી તમે પણ તેમની નજરમાં “અતિ પ્રિય” બનશો.

સ્વાર્થ વધી રહ્યો છે તેમ સારા સંબંધો જાળવી રાખવા કંઈ સહેલું નથી. તેથી ચાલો આપણે એવા બે સિદ્ધાંતો તપાસીએ, જે એકબીજા સાથે સારા સંબંધો કેળવવા મદદ કરી શકે.

“નમ્ર ભાવથી”

સ્વાર્થી લોકો મોટે ભાગે અસંતોષી હોય છે. તેઓને જીવનમાં બધી સારી ચીજો જોઈએ છે, અને એ પણ હમણાં જ. એવા લોકો નમ્રતાને નબળાઈ ગણે છે. તેઓ માને છે કે બીજાઓએ જ ધીરજ બતાવવી જોઈએ. આગળ વધવા માટે તેઓ કંઈ પણ કરશે. શું તમારે પણ તેઓની જેમ વર્તવું જોઈએ?

પરમેશ્વરના સેવકો દરરોજ એવા વલણનો સામનો કરે છે, પરંતુ તેઓએ લોકોના જેવા બનવાની જરૂર નથી. અનુભવી ખ્રિસ્તીઓ આ સિદ્ધાંત સાથે સહમત થશે કે “જે પોતાનાં વખાણ કરે છે તે નહિ, પણ જેનાં વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.”​—૨ કોરીંથી ૧૦:૧૮.

ફિલિપી ૨:​૩, ૪માં મળતો સિદ્ધાંત પણ મદદ કરશે, જે ઉત્તેજન આપે છે કે “પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.” એમ કરવાથી “તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ” રાખશો.

અગાઉના સમયમાં હેબ્રી લોકોમાં ગિદઓન નામે એક ન્યાયાધીશ હતો, જે ઘણો નમ્ર હતો. તે ઈસ્રાએલનો આગેવાન થવા ચાહતો ન હતો. તેને એ કામ સોંપવામાં આવ્યું ત્યારે પોતે એ માટે લાયક નથી, એમ તેણે જણાવ્યું. તેણે આમ કહ્યું: “મનાશ્શેહમાં મારૂં કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.”​—ન્યાયાધીશ ૬:૧૨-૧૬.

તેમ જ, યહોવાહે ગિદઓનને જીત અપાવી પછી, એફ્રાઈમના લોકો તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા. ત્યારે ગિદઓને શું કર્યું? શું તે જીત મેળવ્યા પછી ફૂલાઈ ગયો હતો? ના, પણ તેણે નમ્ર ભાવથી જવાબ આપીને મોટી આફત ટાળી. તેણે કહ્યું: “તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” ગિદઓન ખરેખર નમ્ર હતો.​—ન્યાયાધીશ ૮:૧-૩.

ખરું કે આ બાબતો ઘણાં વર્ષો અગાઉ થઈ હતી. તેમ છતાં, એ અહેવાલમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે ગિદઓનનું વલણ આજના લોકો કરતાં એકદમ અલગ હતું અને એ પ્રમાણે જીવવાથી તેને લાભ થયો.

આજે આપણે સ્વાર્થી બનીશું તો નમ્ર નહિ બની શકીએ. બાઇબલના સિદ્ધાંતો એવું સ્વાર્થી વલણ દૂર કરવા મદદ કરે છે. તેમ જ, પરમેશ્વર અને બધાની સાથે સારો સંબંધ કેળવવા મદદ કરે છે.

બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી આપણે સ્વાર્થી વલણ ટાળીશું. એમ કરીને આપણે ખોટી રીતે લાગણીશીલ નહિ બનીએ. આપણે ન્યાયી સિદ્ધાંતો વિષે વધારે શીખીશું તેમ, યહોવાહ પરમેશ્વરને વધુ સારી રીતે ઓળખીશું. હા, બાઇબલ વાંચતી વખતે યહોવાહના સિદ્ધાંતોની ખાસ નોંધ લેવાથી આપણને લાભ થશે.​—⁠બૉક્સ જુઓ.

યહોવાહે મનુષ્યોને પ્રાણીઓથી ચડિયાતા બનાવ્યા છે, કેમ કે પ્રાણીઓ કુદરતી નિયમને આધારે જીવે છે. પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાનો અર્થ, તેમના સિદ્ધાંતો પાળવા થાય છે. આમ, આપણે નૈતિક રીતે શુદ્ધ રહીશું અને હોકાયંત્રની જેમ બાઇબલ આપણને પરમેશ્વરની નવી વ્યવસ્થામાં લઈ જશે. બાઇબલ આશા આપે છે કે જલદી જ આખી પૃથ્વી પર નવી વ્યવસ્થા આવશે, ‘જેમાં ન્યાયીપણું વસશે.’​—૨ પીતર ૩:૧૩.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

બાઇબલના અમુક મદદરૂપ સિદ્ધાંતો

કુટુંબમાં:

“કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”​—⁠૧ કોરીંથી ૧૦:⁠૨૪.

“પ્રીતિ . . . પોતાનું જ હિત જોતી નથી.”​—⁠૧ કોરીંથી ૧૩:૪, ૫.

“તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે.”​—⁠એફેસી ૫:⁠૩૩.

“સ્ત્રીઓ, . . . તમે પોતાના પતિઓને આધીન રહો.”​—⁠કોલોસી ૩:⁠૧૮.

“તારા પોતાના બાપનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.”​—નીતિવચનો ૨૩:૨૨.

શાળામાં અને નોકરી-ધંધામાં:

‘ખોટાં ત્રાજવાં કંટાળારૂપ છે; દુષ્ટની કમાણી ઠગારી છે.’​—⁠નીતિવચનો ૧૧:૧, ૧૮.

‘ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી; પણ એને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરવા.’​—⁠એફેસી ૪:⁠૨૮.

“જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.”​—⁠૨ થેસ્સાલોનીકી ૩:⁠૧૦.

“પ્રભુને સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.”​—⁠કોલોસી ૩:⁠૨૩.

“અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.”​—⁠હેબ્રી ૧૩:૧૮.

પૈસાની બાબતમાં:

“જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.”​—⁠નીતિવચનો ૨૮:⁠૨૦.

“રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ.”​—સભાશિક્ષક ૫:૧૦.

સ્વાર્થી ન બનો:

“પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી.”​—⁠નીતિવચનો ૨૫:⁠૨૭.

“બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મોઢે તારાં વખાણ ન કર.”​—⁠નીતિવચનો ૨૭:⁠૨.

“હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.”​—⁠રૂમી ૧૨:⁠૩.

“કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.”​—ગલાતી ૬:⁠૩.

[પાન ૫ પર ચિત્ર]

દાનીયેલે બધો જ યશ પરમેશ્વરને આપ્યો

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરના સિદ્ધાંતો આપણને લોકો સાથે સારો સંબંધ બાંધવા અને સુખી થવા મદદ કરે છે

[પાન ૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

U.S. Fish & Wildlife Service, Washington, D.C./Robert Bridges