સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાયઝાન્ટીયમમાં ચર્ચ અને સરકાર

બાયઝાન્ટીયમમાં ચર્ચ અને સરકાર

બાયઝાન્ટીયમમાં ચર્ચ અને સરકાર

ખ્રિસ્તી ધર્મના સ્થાપકના મનમાં એ એકદમ સ્પષ્ટ હતું કે પોતાના શિષ્યો અને પરમેશ્વરથી દૂર જઈ રહેલા જગતમાં આસમાન જમીનનો ફરક હોવો જોઈએ. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.” (યોહાન ૧૫:૧૯) એ સમયના રાજકીય સત્તાના પ્રતિનિધિ, પીલાતને ઈસુએ કહ્યું: “મારૂં રાજ્ય આ જગતનું નથી.”​—યોહાન ૧૮:⁠૩૬.

“પૃથ્વીના છેડા સુધી” પ્રચાર કરવાની જવાબદારી ઉપાડવા માટે ખ્રિસ્તીઓને દુન્યવી બાબતોમાં માથું મારવાનું ન હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) ઈસુની જેમ પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ પણ રાજકારણમાં ભાગ લેવાનો ન હતો. (યોહાન ૬:૧૫) એ સ્પષ્ટ હતું કે વિશ્વાસુ ખ્રિસ્તીઓએ

સરકારી ઑફિસમાં હોદ્દો કે રાજકીય જવાબદારી ધરાવતા ન હતા. પરંતુ, સમય જતાં એ બધું બદલાઈ ગયું.

‘જગતનો ભાગ’

ઈસુના શિષ્યોના મરણ પછી થોડા સમય બાદ, ધર્મગુરુઓ જગત પ્રત્યે પોતાના વિચારો બદલાવા લાગ્યા. તેઓ ફક્ત એવું જ માનતા ન હતા કે “રાજ્ય” જગતમાં છે, પરંતુ એનો ભાગ પણ છે. એ નવો ધર્મ કેવી રીતે બાયઝાન્ટાઈનના મુખ્ય શહેરમાં, એટલે બાયઝાન્ટીયમમાં (હાલનું ઇસ્તંબૂલ), પૂર્વીય રોમન સામ્રાજ્યના રાજકારણમાં ફસાઈ ગયું, એની તપાસ કરવાથી ઘણું શીખવા મળશે.

ધર્મ આગેવાની લેતો હોય એવા સમાજમાં, બાયઝાન્ટીયમમાં એના મથક સાથે બાયઝાન્ટાઈન ચર્ચની સત્તા ચાલતી હતી. ચર્ચના ઇતિહાસકાર પાનાઓટીસ ક્રિસ્ટૉએ એક વાર આમ લખ્યું: “બાયઝાન્ટાઈનના લોકો પોતાના સામ્રાજ્યને પરમેશ્વરનું રાજ્ય માનતા હતા.” તેમ છતાં, સમ્રાટ તેઓના વિચારો સાથે સહમત ન હતો. તેથી, સમય જતાં ચર્ચ અને સરકાર વચ્ચે ઘણી તકરાર ચાલી. ધી ઓક્ષર્ફ્ડ ડિક્ષનરી ઑફ બાયઝાન્ટીયમ આમ કહે છે: “કોન્સ્ટેન્ટીનોપલ [અથવા બાયઝાન્ટીયમ]ના બિશપો પોતાનો રંગ બદલતા રહેતા. જેમ કે તેઓ શક્તિશાળી સમ્રાટથી ડરતા . . . સમ્રાટના ઇશારાથી નાચતા . . . અને સમ્રાટની ઇચ્છાઓનો સખત વિરોધ પણ કરતા.”

કોન્સ્ટેન્ટીનોપલનો વડો, પૂર્વીય ચર્ચનો વડો બન્યો અને તેનો ઘણો પ્રભાવ હતો. એ જ સમ્રાટના માથા પર મુગટ પહેરાવતો, એટલે તેની પાસેથી એવી અપેક્ષા પણ રાખતો કે તે ચર્ચની રક્ષા કરશે. એ વડો ઘણો ધનવાન હતો, કારણ કે પૂર્વીય ચર્ચની મિલકત તેના કબજામાં હતી. તેમ જ અસંખ્ય પાદરીઓ તેના ઇશારા પર ચાલતા, એટલે તેઓ પરની સત્તાથી પણ તે ઘણો શક્તિશાળી થયો હતો.

એ ચર્ચના વડાને મોટે ભાગે સમ્રાટની સામે થવાની સત્તા હતી. તે તેને બહિષ્કૃત કરવાની ધમકી આપી શકતો, પરમેશ્વરના નામે તે મન ફાવે તેમ કરી શકતો અથવા સમ્રાટોને હટાવવા માટે બીજી રીતો પણ વાપરી શકતો.

પાટનગરની બહાર ધીમે ધીમે સરકારી સત્તા ઓછી થઈ તેમ બિશપો શહેરમાં શેર બનવા લાગ્યા. એટલે સુધી કે શહેરના સૂબાઓ જેટલી પોતે સત્તા ધરાવવા લાગ્યા, જેઓને પસંદ કરવા પોતે મદદ કરતા. પછી બિશપો કોર્ટમાં અને વેપાર ધંધામાં માથું મારવા લાગ્યા, ખાસ કરીને ચર્ચને લગતું કંઈ હોય ત્યારે, અરે કોઈ વખત તો ન હોય ત્યારે પણ દખલ કરવા લાગ્યા. એનું મુખ્ય કારણ એ હતું કે હજારો ને હજારો પાદરીઓ બિશપની સત્તામાં હતા.

રાજકારણ અને વેચાતા હોદ્દાઓ

ઉપર જોયું તેમ, ધર્મગુરુઓ રાજકારણમાં ડૂબેલા હતા. એટલું જ નહિ, પરંતુ અનેક પાદરીઓ અને તેઓના કાર્યો કરવા ઘણા પૈસાની જરૂર હતી. મોટા ભાગના ઊંચા હોદ્દાવાળા પાદરીઓ એશઆરામમાં જીવતા. જેમ ચર્ચ માલદાર અને સત્તાવાળું બનતું ગયું, તેમ પાદરીઓએ ગરીબાઈ અને પવિત્રતાનું જીવન છોડી દીધું. તેથી, ઘણા પાદરીઓ અને બિશપોએ પૈસા આપીને હોદ્દાઓ વેચાતા લીધા. આ રીતે ચર્ચમાં નાનાથી મોટા સુધી બધે જ આવું ચાલતું હતું. પાદરીઓને અમીર લોકોનો સાથ હોવાથી તેઓ હોદ્દા માટે પૈસા લઈને સમ્રાટ પાસે દોડી જતા.

આમ પૈસાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા ધર્મગુરુઓ પણ ખરીદી શકાતા હતા. વર્ષ (૯૭૮-૧૦૫૦ સી.ઈ.)માં સમ્રાજ્ઞી ઝોએ પોતાના પતિ રૉમાનશ ત્રીજાને મારી નંખાવ્યો. જેથી તે પોતાના પ્રેમી સમ્રાટ મીખાએલ ચોથાને પરણી શકે. પછી તેમણે ચર્ચના વડા એલેક્ષીસને ઉતાવળે પોતાના મહેલમાં બોલાવ્યો. ત્યારે તેણે જાણ્યું કે રૉમાનશ મરણ પામ્યો છે અને લગ્‍નવિધિ કરવાની છે. વળી, એ ગુડ ફ્રાયડે હોવાથી સાંજે ચર્ચ એની ઉજવણી કરવાનું હતું, એથી એલક્ષીસ માટે આ કંઈ સહેલું ન હતું. તેમ છતાં, સમ્રાજ્ઞીએ આપેલી મોટી ભેટ લઈને, તેણે તેની માંગ પૂરી કરી.

સમ્રાટને તાબેદાર

બાયઝાન્ટાઈન સામ્રાજ્યના ઇતિહાસમાં, સમ્રાટ પોતે કોન્સ્ટેન્ટીનોપલ ચર્ચના વડાને પસંદ કરતો. એ સમયમાં સમ્રાટની ઇચ્છા વિરુદ્ધ કોઈ ચર્ચનો વડો બની ન શક્તો અને લાંબુ સમય ટકી પણ ન શકતો.

વર્ષ (૧૨૬૦-૧૩૩૨)માં સમ્રાટ આનડૉનીકશ બીજાને નવ વાર ચર્ચના વડા બદલાવવાની જરૂર જણાઈ. મોટા ભાગના કિસ્સામાં તેમનો એવો ધ્યેય હતો કે જે તેના કહ્યા પ્રમાણે કરે, એને જ વડો બનાવવો. ધી બાયઝાન્ટાઈન્સ નામના પુસ્તક અનુસાર, એક ચર્ચના વડાએ તો સમ્રાટને લખાણમાં વચન આપ્યું કે “એને જે કહેવામાં આવશે તે જ પોતે કરશે, પછી ભલેને એ ગમે એટલું ખોટું હોય, અને તેને નારાજ કરે એવું તે કંઈ કરશે નહિ.” સમ્રાટોએ બે વાર ચર્ચની વિરુદ્ધ પોતાની મરજી પ્રમાણે રાજકુંવરને ચર્ચનો વડો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પછી, સમ્રાટ રૉમાનશ પહેલાએ પોતાના સોળ વર્ષના પુત્ર થીઓફીલેક્ટને ચર્ચનો વડો બનાવ્યો.

જો સમ્રાટના કહ્યા પ્રમાણે ચર્ચનો વડો ન કરે તો, તેને હોદ્દો છોડી દેવાની ફરજ પાડવામાં આવતી, અથવા ચર્ચની કમિટિને હુકમ થતો કે તેને કોઈ પણ હિસાબે હોદ્દા પરથી દૂર કરવામાં આવે. બાયઝાન્ટીયમ પુસ્તક આમ નોંધે છે: “બાયઝાન્ટાઈનના સમયમાં ઉચ્ચ સત્તાવાળા સમ્રાટો [આવીને] બિશપોની પસંદગી કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.”

તેના પક્ષમાં ચર્ચના વડાઓ હોવાથી સમ્રાટ ચર્ચની કમિટિમાં પણ બેસતો. ધાર્મિક લેખમાં શું લખવું, બિશપો તથા ધર્મ સામે થનાર સાથે દલીલ કરવી, એ બધું જ પોતે જણાવતો અને તેઓની સામે તેની આખરી દલીલ મોત હતી. એટલું જ નહિ, પરંતુ ચર્ચની કમિટિ જે નિયમો બહાર પાડે એ પોતે પાસ કરતો અને અમલમાં મૂકાવતો. જેઓ તેનો વિરોધ કરે તેઓ પર તે રાજદ્રોહનો આરોપ મૂકતો એટલું જ નહિ, પરંતુ તેઓ ચર્ચ અને પરમેશ્વરના દુશ્મન છે એવો આરોપ પણ તેના પર મૂકતા. “ચર્ચમાં એવું કંઈ ન થવું જોઈએ જે સમ્રાટને માન્ય ન હોય,” એવું છઠ્ઠી સદીના ચર્ચના એક વડાએ કહ્યું. કોર્ટમાં બિશપો હમેશાં એવા વ્યક્તિને શોધતા ફરતા જેઓ ચાલાક હોય, તેઓના ઇશારાથી નાચે અને ખટપટ કર્યા વગર સહેલાઈથી ખરીદી શકાય.

દાખલા તરીકે, (૭૯૯-૮૭૮ સી.ઈ.)માં ચર્ચના વડા ઇગ્‍નેસીયસે મુખ્ય મંત્રી બારડાશ સાથે કૉમુનિયો લેવાની મના કરી ત્યારે તેણે એનો બદલો લીધો. ઇગ્‍નેસીયસ પર રાજદ્રોહનો આરોપ મૂકવા બારડાશે કાવતરું યોજ્યું. પછી એ ચર્ચના વડાનો દેશનિકાલ કરવામાં આવ્યો. એની જગ્યા લેવા માટે મંત્રીએ ચૂંટણી કરાવીને પૉટીઅશને વડીલ તરીકે નિયુક્ત કર્યો. છ દિવસમાં તે સામાન્ય વ્યક્તિ ચર્ચની કમિટિમાં ઉભો રહ્યો અને સમય જતાં તે ચર્ચનો મુખ્ય વડીલ બન્યો. શું ખરેખર પૉટીઅશ એ જવાબદારી માટે લાયક હતો? તેના વિષે એવું કહેવામાં આવે છે કે તે “સત્તાનો ભૂખ્યો, અતિશય અભિમાની અને રાજકારણમાં ગુરુ હતો.”

રાજાને ખુશ રાખતો ધર્મ

ઑર્થોડૉક્સ અને ધર્મત્યાગી દલીલો મોટા ભાગે રાજકારણમાં દબાઈ જતી. તેથી, સમ્રાટના કહેવા પ્રમાણે નવી માન્યતાઓ આવી. સામાન્ય રીતે સમ્રાટ પોતે માન્યતા નક્કી કરતો અને ચર્ચના વડાઓ એને આધીન રહે એમ અપેક્ષા રાખતો.

દાખલા તરીકે, વર્ષ (૫૭૫-૬૪૧ સી.ઈ.)માં સમ્રાટ હેરાક્લીઅસના રાજ્યમાં આકરી દલીલ ચાલી કે ખ્રિસ્ત કેવા છે, એથી તેના સામ્રાજ્યના ભાગલા પડવા લાગ્યા. એ અટકાવવા માટે તેણે સખત પ્રયત્નો કર્યા. તેઓ વચ્ચે સમાધાન કરવા માટે તેણે નવી માન્યતા શરૂ કરી કે પરમેશ્વર એક * છે. પછી, પોતાના દક્ષિણ સામ્રાજ્યની સાથે દોસ્તી બાંધવા હેરાક્લીઅસે, ઍલેક્ઝાંડ્રિયાના કોરેશ ફાસીને ચર્ચનો વડો બનાવ્યો. સમ્રાટને જે માન્યતા પસંદ હતી એ જ કોરેશ ફાસી માન્ય કરતો. પછી, સમ્રાટે કોરેશને ચર્ચનો વડો જ નહિ પરંતુ, તેને ઇજિપ્ત અને બીજા સ્થાનિક શાસકો પર અધિકારી ઠરાવ્યો. કોરેશે થોડી ઘણી સતામણી દ્વારા દબાણ મૂકીને ઇજિપ્તના મોટા ભાગના ચર્ચોનું દિલ જીતી લીધું.

કડવા પરિણામો

આ બનાવો પરથી જોવા મળે છે કે તેઓ પાસે ઈસુનું જરાય શિક્ષણ ન હતુ. ઈસુએ પોતાના શિષ્યો વિષે પ્રાર્થનામાં કહ્યું હતું કે તેઓ આ ‘જગતના ભાગ નથી.’​—⁠યોહાન ૧૭:૧૪-૧૬.

બાયઝાન્ટાઈન સમયમાં કહેવાતા ખ્રિસ્તી ધર્મગુરુઓ, તેમ જ તેના પછી જેઓ આવ્યા તેઓએ રાજકારણમાં અને યુદ્ધોમાં ભાગ લીધો હોવાથી ભારે કિંમત ચૂકવી પડી છે. આપણે આ ટૂંકો ઇતિહાસ તપાસ્યો એમાંથી તમે શું શીખ્યા? શું બાયઝાન્ટાઈન ચર્ચના ધર્મગુરુઓ પર પરમેશ્વરની તથા ઈસુ ખ્રિસ્તની કૃપા હતી?​—⁠યાકૂબ ૪:⁠૪.

સાચા ખ્રિસ્તીઓ, એ ધર્મગુરુઓની માફક રાજકારણમાં કોઈ રીતે માથું મારતા નથી. રાજકારણ અને ધર્મના આ મિશ્રણે તો, ઈસુએ શીખવેલા સાચા ધર્મ પર કલંક લગાડ્યું છે. ચાલો આપણે ઇતિહાસમાંથી શીખીએ અને ‘જગતનો ભાગ ન બનીએ.’

[ફુટનોટ]

^ એક પરમેશ્વરની માન્યતામાં માનનારાઓનું કહેવું હતું ભલે ખ્રિસ્તને પરમેશ્વર અને માનવના બંને રૂપ છે, પણ તેમનો એક જ હેતુ છે.

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

“જાણે પોતે પરમેશ્વર બની બેઠા”

વર્ષ (૧૦૦૦-૧૦૫૯)માં મીખાએલ સીરૂલારીઅસ ચર્ચનો વડો એક ફક્ત ઉદાહરણ છે જે સ્વાર્થના કારણે સરકારમાં દખલગીરી કરતો જોવા મળે છે. સીરૂલારીઅસ ચર્ચનો વડો બન્યો એટલાથી ધરાયો ન હતો, તેથી હજુ આગળ વધવા ચાહતો હતો. તેના વિષે એમ કહેવામાં આવે છે કે તે ગર્વિષ્ઠ, અહંકારી અને સખત હઠીલો હતો. “તે પોતે જાણે પરમેશ્વર હોય એવું વર્તન કરતો હતો.”

સીરૂલારીઅસ સત્તાનો ભૂખ્યો હોવાથી ૧૦૫૪માં રોમમાંના પોપનો વિરોધી બન્યો. તેમ જ, સમ્રાટને એ સ્વીકારવા ફરજ પાડી. સીરૂલારીઅસ એ જીતથી ખુશ હોવાથી તેણે મીખાએલ પાંચમાંને રાજા બનાવ્યો અને રાજ્ય દૃઢ કરવા તેને મદદ કરી. એક વર્ષ પછી તેણે સમ્રાટને દબાણ કરીને તેની જગ્યાએ (૧૦૦૫-૧૦૬૧)માં ઇસ્હાક કોમ્નીનસને રાજા બનાવ્યો.

પછી ચર્ચ અને સમ્રાટ વચ્ચે લડાઈ ચાલી. સીરૂલારીઅસને લોકોનો સાથ હતો. તેથી તેણે ધમકીઓ આપી, માંગ કરી અને લડાઈ પણ કરી. એ સમયના એક ઇતિહાસકારે કહ્યું: “તેણે બધાની જ આગળ સમ્રાટને ધમકી આપી અને કહ્યું કે ‘બેવકૂફ. મેં તને સત્તા અપાવી છે, પરંતુ હવે હું તને બરબાદ કરીશ.’” તેમ છતાં, ઇસ્હાક કોમનીએસે તેને પકડીને જેલમાં નાખ્યો અને પછી ઇમબ્રોસા ટાપુ પર દેશનિકાલ કર્યો.

આવા ઉદાહરણો આપણને બતાવે છે કે કોન્સ્ટેન્ટીનોપલ ચર્ચના વડાઓ કેટલી ઊથલ-પાથલ કરી શકતા હતા, તેમ જ સમ્રાટનો વિરોધ કરવામાં પણ તેઓ ગભરાતા ન હતા. સમ્રાટને રાજકારણમાં આવા હોંશિયાર, સમ્રાટ અને લશ્કરને ખરીદી શકતા હોય એવા લોકોનો ઘણી વાર સામનો કરવો પડ્યો હતો.

[નકશા/પાન ૯ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

બાયઝાન્ટાઈન સામ્રાજ્યનો વિસ્તાર

ભૂમધ્ય સમુદ્ર

કાળો સમુદ્ર

કોન્સ્ટેન્ટીનોપલ

રોમ

ઍલેક્ઝાંડ્રિયા

રેવીના

નાઇસીઆ

એફેસસ

અંત્યોખ

યરૂશાલેમ

મેસીડોનિયા

[ક્રેડીટ લાઈન]

Map: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[પાન ૧૦, ૧૧ પર ચિત્રો]

કોમ્નીનસ

મીખાએલ ચોથો

રોમનસ ત્રીજો (ડાબે)

સમ્રાજ્ઞી ઝો

રોમનસ પહેલો (ડાબે)

[ક્રેડીટ લાઈન્સ]

કોમ્નીનસ, રોમનસ ત્રીજો અને મીખાએલ ચોથો: Courtesy Classical Numismatic Group, Inc.; સમ્રાજ્ઞી ઝો: Hagia Sophia; રોમનસ પહેલો: Photo courtesy Harlan J. Berk, Ltd.

[પાન ૧૨ પર ચિત્ર]

પોતીઅસ

[પાન ૧૨ પર ચિત્ર]

હેરાક્લીઅસ અને તેનો પુત્ર

[ક્રેડીટ લાઈન્સ]

હેરાક્લીઅસ અને પુત્ર: Photo courtesy Harlan J. Berk, Ltd.; all design elements, pages 8-12: From the book L’Art Byzantin III Ravenne Et Pompose