ભય—યોગ્ય અને અયોગ્ય
ભય—યોગ્ય અને અયોગ્ય
ભય એટલે શું? સામાન્ય રીતે કંઈક નુકસાન કે જોખમ થવાની આશંકા હોય ત્યારે થતી દુઃખની લાગણી, જેના કારણે વ્યક્તિ સાવધ, ભયભીત કે બેચેન બની ઊઠે છે. જો કે ભયનો એવો અર્થ પણ થાય કે જે કંઈ નુકસાન કે જોખમ થવાનું હોય એ શાંતિથી સ્વીકારવું અથવા એના વિષે વિચારવું. એમ કરવાથી, વ્યક્તિ વાજબી રીતે સાવચેતીથી અને સમજી વિચારીને પગલાં ભરી શકે છે.
બાઇબલ જણાવે છે કે યોગ્ય ભય પણ છે અને અયોગ્ય ભય પણ છે. આમ, યોગ્ય ભય વ્યક્તિને આવનાર જોખમથી સાવચેત કરે છે. તેથી, તે આફત ટાળી શકે છે. પરંતુ, અયોગ્ય ભય વ્યક્તિને એટલી ભયભીત બનાવી દઈ શકે કે તેની બધી આશા પર પાણી ફરી વળે અને તે અંદરોઅંદર ભાંગી પડે, એટલે સુધી કે એનું મરણ પણ થઈ શકે.
ઉત્પત્તિ ૯:૨માં વપરાયેલો “બીશે” શબ્દ, પશુ-પ્રાણીને લાગુ પડે છે. યહોવાહે નુહ અને તેના દીકરાઓને જણાવ્યું કે “પૃથ્વીનાં સર્વ પશુઓ . . . તમારાથી બીશે તથા ડરશે.” નુહ અને તેનું કુટુંબ વહાણમાં એક વર્ષ રહ્યું, અને તેમની સાથે વહાણની અંદર હતા એ પ્રાણીઓ અને પક્ષીઓને તેઓનો ભય હતો અને એનાથી તેઓ પર કાબૂ રાખવામાં મદદ મળી. એ જ પ્રમાણે, જળપ્રલય પછી તેઓ વહાણ બહાર આવ્યા ત્યારે, યહોવાહે નુહને ખાતરી આપી કે સર્વ પ્રાણીઓને તેઓનો ભય રહેશે. એને માનવ અનુભવ પણ સાબિત કરી આપે છે. નેચરલ હિસ્ટરીના અમેરિકન મ્યુઝિયમમાં, પ્રાણીઓની સંભાળ રાખનાર ડૉ. જ્યોર્જ જી. ગુડવીને કહ્યું: “સામાન્યપણે, ચિત્તો માણસ પર હુમલો કરશે નહિ. જો કે તેની છેડતી કરવામાં આવે કે જખમ થયા હોય તો, પ્રાણી કોઈ પણ માણસ પર હુમલો કરશે.” એ જ પ્રમાણે, નાગ જેવા ઝેરીલા સાપ મોટા ભાગે મનુષ્યને કરડવાને બદલે, સાવચેતીથી સરકી જાય છે. ખરું કે માનવે અમુક પ્રાણીઓ પર સખત ક્રૂરતા બતાવી છે અને તેઓને હિંસક બનાવી દીધા છે છતાં, મોટા ભાગે શરૂઆતમાં મૂકવામાં આવેલો ભય હજુ જોવા મળે છે. એ યહોવાહે ઉત્પત્તિ ૧:૨૬-૨૮માં જણાવ્યા પ્રમાણે છે, કે શરૂઆતથી જ પ્રાણી જગત માનવને આધીન રહેવાનું હતું.
યહોવાહ પરમેશ્વરનો ભય રાખવો લાભદાયી છે. એ આપણા ઉત્પન્નકર્તા માટેનો ભક્તિભાવ છે અને તેમને કદી નાખુશ ન કરીએ, એ માટેનો યોગ્ય ભય છે. આપણે તેમને નાખુશ કરવા ચાહતા નથી કેમ કે તેમણે જે પુષ્કળ પ્રેમ અને દયા બતાવી, એની આપણે ઊંડી કદર કરીએ છીએ. તેમ જ, તેમને સર્વોપરી અને સર્વશક્તિમાન માનીએ છીએ, જેમને પોતાનું કહ્યું ન માનનારાને શિક્ષા કરવાનો, અરે મોતની સજા આપવાની પણ સત્તા છે.
યહોવાહની ભક્તિ કરનારાને તેમનો યોગ્ય ભય હોય એ મહત્ત્વનું છે. એવો ભય “તે બુદ્ધિનો આરંભ છે,” હા, “એ જ્ઞાનનો આરંભ છે.” (ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦; નીતિવચનો ૯:૧૦) એ અયોગ્ય ભય નથી જે તોડી પાડે, પણ “યહોવાહનું ભય શુદ્ધ છે.” (ગીતશાસ્ત્ર ૧૯:૯) તેથી, યોગ્ય ભયની વ્યાખ્યા નીતિવચનો ૮:૧૩ આપે છે: “દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાહનું ભય છે.” એ વ્યક્તિને ખોટું કરવાથી રોકશે, કેમ કે “યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે.”—નીતિવચનો ૧૬:૬.
આદમ અને હવાએ યહોવાહનો યોગ્ય અને લાભદાયી ભય ન રાખ્યો અને તેમના માર્ગમાંથી ભટકી ગયા. એ કારણે તેમનામાં અયોગ્ય ભય કે ડર પેદા થયો, એટલે યહોવાહથી તેઓ સંતાવા લાગ્યા. આદમે કહ્યું કે “મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, ને હું . . . બીધો.” (ઉત્પત્તિ ૩:૧૦) આદમના પુત્ર કાઈને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો, પછી તેને પણ એવો જ ડર લાગ્યો હતો. શક્ય છે કે એ જ બીકને કારણે તેણે નગર બાંધ્યું હોય શકે.—ઉત્પત્તિ ૪:૧૩-૧૭.
હેબ્રી ૧૨:૨૮માં ખ્રિસ્તીઓને યહોવાહનો યોગ્ય ભય રાખવાનું કહેવામાં આવે છે: “આપણે દેવનો ઉપકાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ.” સ્વર્ગમાંના એક દૂત, જેની પાસે સનાતન સુવાર્તા છે, તેણે જાહેર કરતા કહ્યું કે “દેવથી બીહો ને તેને મહિમા આપો.” (પ્રકટીકરણ ૧૪:૬, ૭) ઈસુએ યહોવાહના યોગ્ય ભય અને માણસના અયોગ્ય ભય વચ્ચે તફાવત બતાવતા જે કહ્યું, એ માત્થી ૧૦:૨૮ જણાવે છે: “શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.” પ્રકટીકરણ ૨:૧૦માં ઈસુએ ખ્રિસ્તીઓને એમ પણ સલાહ આપી કે “તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીતો ના.” યહોવાહ માટેનો ખરો પ્રેમ આપણામાંથી માણસની બીક દૂર કરશે, જે તેમના માર્ગમાંથી આપણને ભટકાવી શકે.
જો કે યોગ્ય ભયમાં દુન્યવી સત્તા માટેના આદરનો સમાવેશ થાય છે, કેમ કે ખ્રિસ્તીઓ જાણે છે કે પોતે ગુનેગાર બને તો સત્તા ન્યાયી સજા આપે, એ પરમેશ્વરનો ગુસ્સો પણ દર્શાવી શકે છે.—રૂમી ૧૩:૩-૭.
ઈસુએ ભાખ્યું હતું કે છેલ્લા દિવસોમાં ભયાનક બનાવો બનશે અને પૃથ્વી પર ભયનું વાતાવરણ છવાઈ જશે. તેમણે જણાવ્યું કે એવા બનાવોને કારણે “બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે.” (લુક ૨૧:૧૧, ૨૬) આ રીતે પૃથ્વી પરના બધાને જ અસર થશે, પણ યહોવાહના સેવકોએ યશાયાહ ૮:૧૨નો સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ: “જેનાથી તેઓ બીએ છે તેનાથી તમે બીશો નહિ.” પ્રેષિત પાઊલ સમજાવે છે: “દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે.”—૨ તીમોથી ૧:૭.
એક શાણા માણસે મનુષ્યનો, તેના કાર્યો અને મુશ્કેલ અનુભવોનો ઊંડો અભ્યાસ કર્યા પછી કહ્યું: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.”—સભાશિક્ષક ૧૨:૧૩.