વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
હેબ્રી ૧૨:૪ કહે છે કે “હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડ્યું નથી,” (પ્રેમસંદેશ) એનો શું અર્થ થાય છે?
“લોહી રેડવા સુધી લડવું” એમ દર્શાવે છે કે પોતાનો જીવ આપવો અથવા તો મૂળ ભાષા પ્રમાણે પોતાનું લોહી રેડવું.
પ્રેષિત પાઊલ જાણતા હતા કે ઘણા હેબ્રી ખ્રિસ્તીઓએ પોતાના નવા ધર્મના કારણે “દુઃખોનો મોટો હુમલો સહન” કર્યો હતો. (હેબ્રી ૧૦:૩૨, ૩૩) એ બાબત પર ધ્યાન દોરતા, પાઊલે ગ્રીસમાં રમાતી રમતો સાથે સરખામણી કરી, જેમાં દોડ, કુસ્તી, બૉક્સિંગ, ભાલા અને ગોળા ફેંકવાનો પણ સમાવેશ થતો હતો. પાઊલે હેબ્રી ૧૨: ૧માં ખ્રિસ્તીઓને એ રમતોની ભાષામાં આગ્રહ કર્યો: “આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારૂ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.”
પછી, હેબ્રી ૧૨:૪માં પાઊલ દોડનારનું નહિ, પણ બૉક્સરનું ઉદાહરણ વાપરે છે. (એ બંને ઉદાહરણો ૧ કોરીંથી ૯:૨૬માં જોવા મળે છે.) પ્રાચીન સમયમાં બૉકસરની મુઠ્ઠી અને કાંડા પર ચામડાના પટ્ટા બાંધવામાં આવતા હતા. એ પટ્ટાની સાથે ઘણી વાર “લોખંડ, સીસું અથવા ખીલીના માથા જેવા બટન જડવામાં આવતા, જેથી એકબીજાને સખત ઈજા પહોંચે.” એ ક્રૂર રમતોમાં લોહી વહેતું અને અમુક વખતે મરણ પણ થઈ જતું.
ભલે ગમે એ હોય, પણ યહોવાહના વિશ્વાસુ સેવકોએ મરણ સુધી સતાવણી સહન કરી હોય અને ‘લોહી રેડવા સુધી લડ્યા’ હોય, એવા હેબ્રી ખ્રિસ્તીઓ પાસે અઢળક ઉદાહરણો હતા. નોંધ લો કે પ્રાચીન વિશ્વાસુ સેવકો પર જે વીત્યું હતું, એના પર પાઊલ ધ્યાન દોરે છે:
“તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યો ગયા; તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા; તેઓ કંગાલ, રીબાએલા તથા પીડાએલા હતા.” એના પછી પાઊલે આપણા વિશ્વાસના અગ્રેસર એટલે ઈસુ પર ધ્યાન દોર્યું: ‘તેમણે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે.’—હેબ્રી ૧૧:૩૭; ૧૨:૨.
હા, ઘણાએ મરણ સુધી, “લોહી રેડવા સુધી લડવું પડયું” હતું. તેઓની લડત અવિશ્વાસના કારણે પાપ કરી બેસે એવી ન હતી. તેઓએ સખત જુલમ સહન કર્યો એટલું જ નહિ, પરંતુ મરણ સુધી તેઓ વિશ્વાસુ રહ્યા હતા.
અમુક અંશે સતાવણી ઓછી થયા પછી ઘણા નવા વ્યક્તિઓ ખ્રિસ્તી બનીને યરૂશાલેમ મંડળમાં આવ્યા, જેઓએ કદાચ આકરી કસોટી અનુભવી નહિ હોય. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૪-૬૦; ૧૨:૧, ૨; હેબ્રી ૧૩:૭) તેમ છતાં, તેઓમાંના અમુક નજીવી સતાવણીના કારણે ‘નિર્ગત અને નિરાશ થઈને થાકી જતા હતા.’ (હેબ્રી ૧૨:૩) તેઓને પ્રગતિ કરીને વિશ્વાસમાં મક્કમ બનવાની જરૂર હતી. એમ કરવાથી તેઓ સહન કરતાં શીખી શકત, પછી ભલેને જુલમ સહેવાથી પોતાનું જીવન પણ ગુમાવું પડે.—હેબ્રી ૬:૧; ૧૨:૭-૧૧.
આપણા સમયમાં ઘણા ખ્રિસ્તીઓએ ‘લોહી રેડવા સુધી લડ્યા’ છે. તેઓ પોતાની ખ્રિસ્તી માન્યતામાં એકના બે ન થયા હોવાથી તેઓને મોતની સજા થઈ હતી. પાઊલે હેબ્રી ૧૨:૪માં જે લખ્યું એનાથી ડરવાને બદલે, પરમેશ્વરને વફાદાર રહેવા માટે, એ હદ સુધી જવા પણ આપણને એમાંથી હિંમત મળે છે. પછી હેબ્રી ખ્રિસ્તીઓને એ જ પત્રમાં પાઊલે આમ લખ્યું: “આપણે દેવનો ઉપકાર માનીએ, જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ.”—હેબ્રી ૧૨:૨૮.