સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘અમારો પ્રેમ ગાઢ બન્યો છે’

‘અમારો પ્રેમ ગાઢ બન્યો છે’

‘અમારો પ્રેમ ગાઢ બન્યો છે’

હોક્કાઇડો, જાપાનમાં શુક્રવાર, માર્ચ ૩૧, ૨૦૦૦ના રોજ, ૨૩ વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં પડી રહેલો ઉસુ પર્વતનો જ્વાળામુખી અચાનક ફાટી નીકળ્યો. ત્યાંના હજારો રહેવાસીઓને એ જોખમી વિસ્તારમાંથી નીકળી જવાની ફરજ પાડવામાં આવી. ઘણાએ પોતાનાં ઘરો અને નોકરીઓ ગુમાવવી પડી, પરંતુ ખુશીની બાબત છે કે બધાનું જીવન બચી ગયું. ત્યાંથી નીકળી ગયેલા લોકોમાં ૪૬ યહોવાહના સાક્ષીઓ પણ હતા. પરંતુ, તેઓ નિસહાય ન હતા.

જ્વાળામુખી ફાટી નીકળ્યો એ દિવસથી જ, ત્યાં સેવા આપતા પ્રવાસી ખ્રિસ્તી સેવકની મદદથી રાહત કાર્યની ગોઠવણ કરવાનું શરૂ થઈ ગયું. બહુ જલદી જ, નજીકનાં મંડળોમાંથી રાહત પુરવઠો આવવા લાગ્યો. જાપાનની શાખાના નિરીક્ષણ હેઠળ, તાત્કાલિક રાહત સમિતિ બનાવવામાં આવી અને જાપાનના દરેક ભાગમાંના યહોવાહના સાક્ષીઓ તરફથી રાહત ફંડમાં ભરપૂર પ્રદાન આવ્યું. આત્મિક પ્રવૃત્તિઓમાં મદદ કરવા, યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવકોને, સૌથી વધુ અસરગ્રસ્ત મંડળમાં મોકલવામાં આવ્યા તથા સરકીટ નિરીક્ષકે લાગણીમય અને આત્મિક ટેકો પૂરો પાડવા વારંવાર એ વિસ્તારની મુલાકાત લીધી.

એ મુશ્કેલીભર્યા સમયે પણ, અસરગ્રસ્ત વિસ્તારના સાક્ષીઓએ સલામત જગ્યાનાં ખાનગી ઘરોમાં ખ્રિસ્તી સભાઓ ભરવાનું ચાલુ રાખ્યું. જ્યાં રાજ્યગૃહ આવેલું હતું એ વિસ્તાર ખાલી કરવાનો હુકમ રદ કરવામાં આવ્યો ત્યારે, ભાઈઓ ત્યાં પાછા ગયા. તેઓએ જોયું કે રાજ્યગૃહ એક તરફ નમી ગયું હતું, એની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને એને ઘણું નુકસાન થયું હતું. રાજ્યગૃહથી થોડા જ અંતરે ફાટી નીકળેલા જ્વાળામુખીના મુખમાંથી હજુ પણ ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. સાક્ષીઓએ વિચાર્યું કે ‘શું આ જ રાજ્યગૃહમાં સભાઓ ભરવાનું ચાલું રાખવું યોગ્ય છે? શું આ રાજ્યગૃહનું સમારકામ થઈ શકે?’

છેવટે નજીકના સલામત વિસ્તારમાં નવું રાજ્યગૃહ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ માટે પ્રાદેશિક બાંધકામ સમિતિએ જરૂરી સહાય પૂરી પાડી. દેશભરના સાક્ષીઓએ પ્રદાન તરીકે મોકલેલા નાણાંનો રાજ્યગૃહ બાંધકામમાં ઉપયોગ કરવામાં આવ્યો. તાત્કાલિક જમીન લેવામાં આવી અને સેંકડો સ્વયંસેવકોની મદદથી થોડા જ સમયમાં નવું રાજ્યગૃહ તૈયાર થઈ ગયું. રવિવાર, જુલાઈ ૨૩, ૨૦૦૦ના રોજ એ નવા બાંધેલા રાજ્યગૃહમાં ભરવામાં આવેલી પ્રથમ સભામાં ૭૫ વ્યક્તિઓએ હાજરી આપી હતી. હાજર રહેનારાઓમાંથી ઘણાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. એ જ વર્ષના ઑક્ટોબરમાં રાજ્યગૃહનું સમર્પણ થયું ત્યારે, સ્થાનિક મંડળના એક વડીલે કહ્યું: “જ્વાળામુખીને લીધે ઘણી મુશ્કેલીઓ અને દુઃખો સહન કરવા પડ્યા. પરંતુ, આ બાંધકામને લીધે અમારો ડર હર્ષમાં પરિણમ્યો છે. યહોવાહ અને આપણા વહાલા ખ્રિસ્તી ભાઈબહેનો માટેનો અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો છે!”

[પાન ૧૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ઉસુ પર્વતનો જ્વાળામુખી: AP Photo/Koji Sasahara