સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આત્મ-ત્યાગી વલણથી સેવા કરવી

આત્મ-ત્યાગી વલણથી સેવા કરવી

મારો અનુભવ

આત્મ-ત્યાગી વલણથી સેવા કરવી

ડોન રેનડેલના જણાવ્યા પ્રમાણે

મારી મમ્મી ૧૯૨૭માં મૃત્યુ પામી ત્યારે હું ફક્ત પાંચ વર્ષનો હતો. તોપણ, તેના વિશ્વાસે મારા જીવનમાં જબરજસ્ત અસર કરી હતી. કઈ રીતે?

મારા પપ્પા એક સૈનિક હતા. મમ્મીએ તેમની સાથે લગ્‍ન કર્યા ત્યારે, તે ઇંગ્લૅંડના ચર્ચની એક ચુસ્ત સભ્ય હતી. આ વાત પહેલા વિશ્વયુદ્ધ અગાઉની છે. વર્ષ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે, પાદરી પોતાની વ્યાસપીઠ પરથી લોકોને લશ્કરમાં ભરતી થવા ઉત્તેજન આપતો હતો. પરંતુ, મમ્મી તેનો વિરોધ કરતી હતી. પાદરીએ મમ્મીને કહ્યું હતું, “ઘરે જા અને આવા પ્રશ્નોની ચિંતા ન કરીશ!” પરંતુ, એનાથી તેને સંતોષ ન થયો.

વર્ષ ૧૯૧૭માં યુદ્ધ એની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું ત્યારે, મમ્મી “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન” તરીકે જાણીતો સ્લાઈડ શૉ જોવા ગઈ. એ જોઈને તેને ખાતરી થઈ કે પોતાને સત્ય મળ્યું છે. પછી તે તરત જ ચર્ચ છોડીને બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સંગત કરવા લાગી, જેઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. તે યૉવિલ મંડળની સભાઓમાં જતી, જે ઇંગ્લૅંડના સમરેસ્ટમાં અમારા ગામ પશ્વિમ કૉકરથી એકદમ નજીક હતું.

થોડા જ સમયમાં મારી મમ્મીએ તેને મળેલા સત્ય વિષે પોતાની ત્રણ બહેનોને જણાવ્યું. યૉવિલ મંડળના વૃદ્ધ ભાઈબહેનોએ મને જણાવ્યું કે કઈ રીતે મારી મમ્મી અને તેની નાની બહેન માઈલે, સાઇકલ લઈને અમારા વિશાળ ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહથી બાઇબલની સમજણ આપતા મદદરૂપ પુસ્તકો, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)નું વિતરણ કરતા હતા. પરંતુ, દુઃખદપણે મારી મમ્મીને ક્ષયનો રોગ થયો કે જેનો એ સમયે કોઈ જ ઇલાજ ન હતો. તે જીવનના છેલ્લા ૧૮ મહિના દરમિયાન બીમાર અવસ્થામાં ખાટલામાં જ રહી હતી.

આત્મ-ત્યાગી વલણ બતાવવું

મમ્મી બીમાર હતી ત્યારે મારા માસી માઈલે અમારી સાથે રહેતા હતા. તે મારી તથા મારી સાત વર્ષની બહેન જૉનની કાળજી રાખતા હતા. મમ્મી મૃત્યુ પામી ત્યારે, તરત જ માસીએ પપ્પાને જણાવ્યું કે તે અમારી કાળજી રાખવા માટે અમારી સાથે રહેવા ઇચ્છે છે. પપ્પાને આ મહત્ત્વની જવાબદારીમાં મદદ મળતી હોવાથી, તેમણે તરત જ ખુશીથી હા પાડી અને માસી માઈલેને હંમેશ માટે અમારી સાથે રાખવા સહમત થઈ ગયા.

હવે માસી અમારી સાથે રહેતા હોવાથી અમે ઘણા ખુશ હતા અને તે અમને ખૂબ વહાલા હતા. પરંતુ, શા માટે તેમણે આવો નિર્ણય લીધો? ઘણાં વર્ષો પછી, માસી માઈલેએ અમને કહ્યું કે મારી મમ્મીએ જોન અને મારામાં બાઇબલ સત્યના જે મૂળ નાખ્યા હતા એને મજબૂત કરવાને તે પોતાની જવાબદારી ગણતા હતા. તે એ પણ જાણતા હતા કે મારા પિતા એ ક્યારેય નહીં કરે કેમ કે તેમને ધર્મમાં કોઈ રસ ન હતો.

છેવટે, અમને માસી માઈલેએ કરેલા બીજા એક વ્યક્તિગત નિર્ણયની પણ ખબર પડી. અમારી સારી રીતે કાળજી રાખવા તેમણે ક્યારેય લગ્‍ન નહિ કરવાનું નક્કી કર્યું હતું. કેવું આત્મ-ત્યાગી વલણ! તેમનું અમારા પર એટલું બધું ઋણ હતું કે હું અને જોન તેમના હંમેશાં આભારી રહીશું. માઈલે માસીએ અમારી સાથે રહીને જે કંઈ શીખવ્યું અને અમારા માટે ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું એ અમારા હૃદયમાં ઠસી ગયું હતું.

નિર્ણય લેવાનો સમય

હું અને જોન ગામડાની ચર્ચ ઑફ ઇંગ્લૅંડ સ્કૂલમાં ભણતા હતા. ત્યાં પણ માઈલે માસીએ અમારા ધાર્મિક શિક્ષણ વિષે સ્કૂલના પ્રિન્સિપાલને દૃઢપણે જણાવ્યું હતું. બીજાં બાળકો ચર્ચમાં જતા ત્યારે, અમે ઘરે જતા રહેતા અને પાદરી શાળામાં ધાર્મિક ઉપદેશ આપવા આવે ત્યારે, અમને બીજાં બાળકોથી અલગ બેસાડીને બાઇબલની કલમો મોઢે કરવા આપવામાં આવતી. એ મારા માટે ખાસ કરીને પાછળથી ખૂબ જ ઉપયોગી સાબિત થયું, કેમ કે એ કલમો મારા મનમાં ઠસી ગઈ હતી.

મેં ૧૪ વર્ષની ઉંમરે ચીઝ બનાવતી સ્થાનિક ફેક્ટરીમાં ચાર વર્ષની તાલીમ લેવા શાળા છોડી. હું પિયાનો વગાડવાનું પણ શીખ્યો અને બોલરૂમ ડાન્સીંગ (યુગલ નૃત્ય) તથા સંગીત મારો શોખ હતો. બાઇબલ સત્યના મૂળ મારા હૃદયમાં હોવા છતાં, એનાથી હું હજુ પ્રેરિત થયો ન હતો. પછી માર્ચ ૧૯૪૦માં, એક દિવસે એક વૃદ્ધ સાક્ષીએ મને કંઈક ૧૧૦ કિલોમીટર દૂર સ્વીનડનમાં સંમેલનમાં તેમને સાથ આપવાનું આમંત્રણ આપ્યું. બ્રિટનના યહોવાહના સાક્ષીઓના પ્રમુખ નિરીક્ષક આલ્બર્ટ ડી. શ્રોડરે જાહેર વાર્તાલાપ આપ્યો હતો. એ સંમેલન મારા માટે વળાંક બિંદુ સાબિત થયું.

બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. હવે હું મારા જીવનમાં કંઈક કરવા માગતો હતો. મેં યૉવિલના રાજ્યગૃહમાં પાછા જવાનું નક્કી કર્યું. હું પહેલી સભામાં ગયો એ જ દિવસે પહેલી વાર ફળિયાના સાક્ષી કાર્ય વિષે જણાવવામાં આવ્યું. મારું બાઇબલ જ્ઞાન બહુ ઓછું હોવા છતાં, હું સ્વેચ્છાએ આ કાર્યમાં જોડાયો. મારા ઘણા કહેવાતા મિત્રોને આશ્ચર્ય થયું અને તેઓએ પસાર થતા મારી મજાક પણ ઉડાવી!

જૂન ૧૯૪૦માં હું બ્રિસ્ટોલ શહેરમાં બાપ્તિસ્મા પામ્યો. એક જ મહિનામાં મેં પૂરા સમયના સેવાકાર્યમાં નિયમિત પાયોનિયર તરીકે નામ નોંધાવ્યું. થોડા વખત પછી, મારી બહેને પણ પાણીના બાપ્તિસ્માથી પોતાનું સમર્પણ કર્યું ત્યારે, મને ખૂબ આનંદ થયો.

યુદ્ધ સમયે પાયોનિયરીંગ

યુદ્ધ શરૂ થયાના એક વર્ષ પછી, મને લશ્કરમાં જોડાવાનો આદેશ આપતો પત્ર મળ્યો. મારી ધાર્મિક માન્યતાને લીધે યૉવિલમાં મેં લશ્કરમાં નહિ જોડાવા વિષે જણાવ્યું હોવાથી, મારે બ્રિસ્ટોલની અદાલતમાં હાજર થવાનું હતું. હું જોન વિન સાથે સિન્ડરફર્ડ, ગ્લોસ્ટરશાયર અને પછી હેવફર્ડવેસ્ટ અને કારમાથન, વેલ્સમાં પાયોનિયરીંગ કરવા જોડાયો *. પછી, કારમાથનમાં અદાલતે મને ત્રણ મહિનાની સ્વાનસે જેલમાં સજા કરી અને સાથે ૧૭૨૫ રૂપિયાનો દંડ પણ કર્યો. એ સમયે આ રકમ બહુ મોટી હતી. હું એ પૈસા ભરી શક્યો ન હોવાથી મને ફરીથી ત્રણ મહિનાની જેલની સજા થઈ.

ત્રીજી સુનાવણીએ મને પૂછવામાં આવ્યું: “શું તું જાણતો નથી કે બાઇબલ કહે છે, ‘કાઈસારના તે કાઈસારને ભરી આપો’?” મેં કહ્યું, “હા, હું જાણું છું પરંતુ હું એ કલમને પૂરી કરવા માગું છું જે કહે છે: ‘દેવનાં તે દેવને ભરી આપો.’ અને એ જ હું કરી રહ્યો છું.” (માત્થી ૨૨:૨૧) થોડા સપ્તાહ પછી મને લશ્કરી સેવાની ફરજમાંથી મુક્તિ આપતો પત્ર મળ્યો.

વર્ષ ૧૯૪૫ની શરૂઆતમાં મને લંડનના બેથેલ કુટુંબમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. એ પછીના શિયાળામાં જગતવ્યાપી પ્રચાર કાર્યમાં આગેવાની લેનાર નાથાન એચ. નૉર અને તેમના સેક્રેટરી મિલ્ટન જી. હેન્સેલે લંડનની મુલાકાત લીધી. મિશનરી તાલીમ માટે વૉચટાવર ગિલયડ સ્કૂલના આઠમા વર્ગની યાદીમાં, લંડનના આઠ યુવાન ભાઈઓનાં નામ હતાં, એમાં મારું નામ પણ હતું.

મિશનરી સોંપણીઓ

યુદ્ધના સમયે, મે ૨૩, ૧૯૪૬માં અમે ફ્યુએના નાના કોર્નિશ બંદરેથી લીબર્ટી વહાણમાં બેઠા. અમે બંદર છોડ્યું ત્યારે, બંદરના વડા, કૅપ્ટન કૉલેન્ઝે સાઇરન વગાડ્યું જે એક યહોવાહના સાક્ષી હતા. દેખીતી રીતે જ, ઇંગ્લૅંડનો સમુદ્રકાંઠો દૂર થતો ગયો તેમ, અમારા સર્વની લાગણીઓ મિશ્ર હતી. ઍટલૅંટિક મહાસાગર પસાર કરતી વખતે ખૂબ દરિયાઈ તોફાન હોવા છતાં, ૧૩ દિવસ પછી અમે સલામત રીતે અમેરિકા આવી પહોંચ્યા.

અમે ઑગસ્ટ ૪-૧૧, ૧૯૪૬માં ક્લીવલૅન્ડ, ઓહાયોમાં આઠ દિવસના આંતરરાષ્ટ્રીય આનંદી રાષ્ટ્રો દેવશાહી સંમેલનમાં હાજરી આપી જે એક યાદગાર અનુભવ હતો. ત્યાં બીજા ૩૨ દેશોના ૩૦૨ સહિત આઠ હજાર પ્રતિનિધિઓ હાજર હતા. એ મહાસંમેલનમાં સજાગ બનો! * સામયિક અને બાઇબલ અભ્યાસ માટે “પરમેશ્વર સાચા ઠરો” (અંગ્રેજી) ઉત્સાહી ટોળા આગળ બહાર પાડવામાં આવ્યા.

અમે ૧૯૪૭માં ગિલયડમાંથી સ્નાતક થયા અને બીલ કોપ્સન તથા મને ઇજિપ્તમાં સોંપણી મળી. પરંતુ, અમે ત્યાં જઈએ એ પહેલાં મને બ્રુકલિન બેથેલમાં રીચર્ડ એબ્રાહમસન પાસેથી ઑફિસની અમુક સારી તાલીમ લેવાનો લાભ મળ્યો. અમે એલેક્ષાંડ્રિયાના સમુદ્રકાંઠે ઊતર્યા અને હું થોડા જ સમયમાં મધ્ય-પૂર્વની જીવન ઢબથી ટેવાઈ ગયો. તેમ છતાં, અરબી શીખવું કંઈ સહેલું ન હતું. મારે સાક્ષી આપવા ઉપયોગમાં લેવા માટે ચાર ભાષામાં કાર્ડ બનાવવા પડ્યા.

બીલ કોપ્સન સાત વર્ષ રહ્યા પરંતુ એક વર્ષ પછી મને ફરીથી વિઝા ન મળવાને કારણે મારે એ દેશ છોડવો પડ્યો. હું મિશનરી સેવાના એ વર્ષને યાદ કરું છું ત્યારે, એ મારા જીવનના સૌથી ફળદાયી દિવસો હતા. મારી પાસે દર સપ્તાહે ૨૦ કરતાં વધારે બાઇબલ અભ્યાસો ચલાવવાનો લહાવો હતો. તેઓમાંના કેટલાકે સત્ય સ્વીકાર્યું છે અને આજે પણ તેઓ પૂરા ઉત્સાહથી યહોવાહની સેવા કરે છે. પછી ઇજિપ્તમાંથી મને સાઇપ્રસ જવાની સોંપણી મળી.

સાઇપ્રસ અને ઇઝરાએલ

મેં નવી ભાષા ગ્રીક શીખવાનું શરૂ કર્યું અને સ્થાનિક બોલીથી પરિચિત થયો. પછીથી, ઍન્થોની સાઈડર્સને ગ્રીસમાં મોકલવામાં આવ્યા ત્યારે મને સાઇપ્રસમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એ સમયે સાઇપ્રસની શાખા કચેરી ઇઝરાએલની દેખરેખ રાખતી હતી. મને અમુક સમયે બીજા ભાઈઓ સાથે ઇઝરાએલમાં કેટલાક સાક્ષીઓની મુલાકાત લેવાનો લહાવો મળ્યો.

ઇઝરાએલની મારી પ્રથમ મુલાકાતમાં અમે હૈફાની એક રેસ્ટોરંટમાં નાનું સંમેલન ભર્યું જેમાં ૫૦થી ૬૦ વ્યક્તિઓએ હાજરી આપી હતી. અમે અલગ અલગ રાષ્ટ્રનાં વૃંદો પાડીને છ ભાષાઓમાં સંમેલન કાર્યક્રમ રજૂ કર્યો! બીજા એક પ્રસંગે હું યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી એક ફિલ્મને જેરુસલેમમાં બતાવી શક્યો અને મેં જાહેર વાર્તાલાપ પણ આપ્યો. એ વિષેનો અહેવાલ અંગ્રેજી છાપામાં આવ્યો હતો.

એ સમયે સાઇપ્રસમાં લગભગ ૧૦૦ સાક્ષીઓ હતા અને તેઓએ પોતાના વિશ્વાસ માટે સખત લડત આપવાની હતી. ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીઓએ ઉશ્કેરેલા ટોળાઓ અમારાં સંમેલનોમાં ખલેલ પહોંચાડતા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં સાક્ષી આપતી વખતે મેં પથ્થરનો માર ખાવાનો નવો અનુભવ પણ કર્યો. એવા સમયે જલદીથી ભાગી નીકળવાનું મારે શીખવું પડ્યું! આવી હિંસક સતાવણીમાં પણ, વધારે મિશનરીઓને આ દેશમાં મોકલવામાં આવ્યા જે ખરેખર અમારા માટે વિશ્વાસ દૃઢ કરનારું હતું. ડેનિસ અને મૅવિસ મેથ્યુસ સાથે જોન હલી અને બેરિલ હેવુડ ફૅમાગુસ્તામાં મારી સાથે જોડાયા, જ્યારે કે ટૉમ અને મેરી ગુલ્ડન અને મૂળ સાઇપ્રસના લંડનમાં જન્મેલા નીના કૉન્સટાન્ટી, લિમાસોલ ગયા. એ સમયે બીલ કોપ્સનને પણ સાઇપ્રસમાં મોકલવામાં આવ્યા અને પછીથી બર્ટ તથા બેરિલ વેઈસી પણ તેમની સાથે જોડાયા.

બદલાયેલા સંજોગોને અનુકૂળ થવું

વર્ષ ૧૯૫૭ના અંતમાં હું બીમારીમાં પટકાયો હોવાથી મારું મિશનરી કાર્ય ચાલુ રાખી શક્યો નહિ. તેથી, મેં નાછૂટકે સાજા થવા માટે ઇંગ્લૅંડ પાછા જવાનો નિર્ણય કર્યો. ત્યાં મે, ૧૯૬૦ સુધી મેં મારું પાયોનિયરીંગ ચાલુ રાખ્યું. મારી બહેન અને તેમના પતિએ મને પ્રેમાળપણે સહારો આપ્યો, પરંતુ હવે સંજોગો બદલાયા હતા. જોન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોય એમ લાગતું હતું. મારી ૧૭ વર્ષની ગેરહાજરી દરમિયાન, તે પોતાના પતિ અને દીકરીની સંભાળ રાખવા ઉપરાંત મારા પિતા અને માસી માઈલેની પણ પ્રેમાળપણે કાળજી રાખતી હતી. તેઓ આ સમયે ઘણા વૃદ્ધ હતા અને તેઓની તબિયત પણ સારી રહેતી ન હતી. દેખીતી રીતે જ મારે માસીના આત્મ-ત્યાગી ઉદાહરણને અનુસરવાની જરૂર હતી. તેથી, મારા પપ્પા અને માસી મરણ પામ્યા ત્યાં સુધી હું તેઓ સાથે રહ્યો.

ઇંગ્લૅંડમાં સ્થાયી થવું એકદમ સહેલું હતું પરંતુ થોડા દિવસો આરામ લીધા પછી, મેં મારી સોંપણીમાં પાછા ફરવાની ફરજ અનુભવી. આખરે તો, શું યહોવાહની સંસ્થાએ મને તાલીમ આપવા પાણીની જેમ પૈસા ખરચ્યા ન હતા? તેથી, ૧૯૭૨માં હું મારા ખર્ચે સાઇપ્રસમાં ફરીથી પાયોનિયરીંગ કરવા ગયો.

એ પછીના વર્ષે નાથાન એચ. નૉર મહાસંમેલનની ગોઠવણ કરવા આવ્યા. તેમને ખબર પડી કે હું પાછો આવ્યો છું ત્યારે, તેમણે આખા ટાપુ પર સરકીટ નિરીક્ષક તરીકે મારી નિમણૂક કરી. ચાર વર્ષ સુધી મેં આ લહાવાનો આનંદ માણ્યો. તેમ છતાં, એ સોંપણી હિંમત માંગી લેતી હતી કેમ કે મારે મોટે ભાગે ગ્રીકમાં જ બોલવાનું હતું.

મુશ્કેલીનો સમય

સાઇપ્રસના ઉત્તરીય કિનારે, પૂર્વ કેરનીઆ નજીક કારાકુમી ગામમાં, મેં અને ગ્રીક બોલતા સાઇપ્રસના સાક્ષી ભાઈ પૉલ આન્ડ્રેઉએ ભેગા મળીને એક ઘર લીધું. સાઇપ્રસની શાખા કચેરી નિકોસિયામાં કેરનીઆના પહાડોની દક્ષિણે આવેલી હતી. વર્ષ ૧૯૭૪માં જુલાઈની શરૂઆતમાં હું નિકોસિયામાં હતો ત્યારે, એક કાવતરા હેઠળ રાષ્ટ્રપતિ માકોરીઅસનો મહેલ સળગતા જોયો. પછી, મુસાફરી કરવામાં ખતરો ન હતો ત્યારે હું જલદીથી કેરનીઆ ગયો અને ત્યાં અમે સરકીટ સંમેલન માટેની તૈયારી કરી. બે દિવસ પછી મેં સાંભળ્યું કે બંદર પર પ્રથમ બૉંબ નાંખવામાં આવ્યો હતો. મેં જોયું તો તુર્કીની દુશ્મન લશ્કરી ટુકડીઓને લઈ આવતા હેલીકોપ્ટરોથી વાદળો ભરેલાં હતાં.

હું બ્રિટિશ નાગરિક હોવાથી, તુર્કીના સૈનિકોએ મને નિકોસિયાની સરહદે છોડી મૂક્યો. ત્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓએ મારી પૂછપરછ કરી અને પછી શાખા કચેરીનો પણ સંપર્ક સાધી આપ્યો. બે દુશ્મન દેશોની સરહદ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થવું ઘણું મુશ્કેલ હતું. ત્યાં ટેલીફોન અને વીજળીના વાયરો આમતેમ વિખરાયેલા પડ્યા હતા અને મકાનો પણ પડી ભાંગ્યાં હતાં. રસ્તાઓ એકદમ સૂમસાન હતા. તોપણ યહોવાહ પરમેશ્વર સાથેના મારા વાતચીત સંચારમાં કોઈ ખલેલ પડી ન હતી એનાથી હું કેટલો ખુશ હતો! મારા જીવનના સૌથી દુઃખદ સમયમાં પ્રાર્થનાએ મને ટકાવી રાખ્યો.

મેં મારી બધી જ માલમિલકત ગુમાવી હતી પરંતુ શાખા કચેરીમાં સલામતી મેળવી શક્યો હોવાથી હું ખુશ હતો. તેમ છતાં, આ પરિસ્થિતિ પણ થોડો સમય જ ટકી. થોડા દિવસોમાં દુશ્મનોએ ઉત્તરે આવેલા ટાપુના ત્રીજા ભાગ પર કબજો જમાવી દીધો. તેથી, અમારે બેથેલ ખાલી કરવું પડ્યું અને અમે લિમાસોલમાં ગયા. આ ધાંધલને લીધે અસર પામેલા ૩૦૦ ભાઈબહેનોની કાળજી રાખતી સમિતિમાં કામ કરી શક્યો હોવાથી હું ખુશ હતો, એમાંના ઘણાઓએ પોતાનાં ઘરો પણ ગુમાવ્યાં હતાં.

સોંપણીમાં વધારે ફેરફારો

જાન્યુઆરી ૧૯૮૧માં નિયામક જૂથે મને ગ્રીસમાં જઈને આથેન્સના બેથેલ કુટુંબમાં જોડાવાનું કહ્યું. પરંતુ, એ વર્ષના અંતમાં મને પાછો સાઇપ્રસ બોલાવવામાં આવ્યો અને શાખા સમિતિના સભ્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી. એન્થ્રીઆસ કૉન્ડોયોરગીસ અને તેમના સાઇપ્રસના પત્ની મારૉને પણ લંડનથી ત્યાં મોકલવામાં આવ્યા. તેઓ મારા માટે “દિલાસારૂપ” સાબિત થયા.​—⁠કોલોસી ૪:​૧૧.

વર્ષ ૧૯૮૪માં થીયોડર જારટ્‌સની ઝોન મુલાકાત પૂરી થયા પછી, તેમણે મને નિયામક જૂથ તરફથી એક પત્ર આપ્યો જેમાં ફક્ત એટલું જ જણાવ્યું હતું: “ભાઈ જારટ્‌સની ઝોન મુલાકાત પૂરી થયા પછી તમે તેમની સાથે ગ્રીસમાં જાઓ એવું અમે ઇચ્છીએ છીએ.” કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ અમે ગ્રીસમાં પહોંચ્યા ત્યારે, શાખા સમિતિએ નિયામક જૂથ તરફથી બીજો એક પત્ર વાંચ્યો. એમાં એ દેશની શાખા સમિતિના સભ્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી.

એ સમયે ગ્રીસમાં ધર્મત્યાગ ફાટી નીકળ્યો હતો. ગેરકાયદે ધર્માંતરના પણ ઘણા આરોપો મૂકવામાં આવ્યા હતા. દરરોજ યહોવાહના લોકોની ધરપકડ કરવામાં આવતી અને તેઓને અદાલતમાં લાવવામાં આવતા. જે ભાઈબહેનોએ સતાવણીમાં પણ પ્રમાણિકતા જાળવી રાખીને સહન કર્યું તેઓને મળવાનો કેવો લહાવો હતો! તેઓમાંના કેટલાક કેસોની સુનાવણી માનવ હક્કોની યુરોપિયન કોર્ટમાં થઈ, જેના અદ્‍ભુત પરિણામોની ગ્રીસના પ્રચાર કાર્ય પર સારી અસર પડી. *

ગ્રીસમાં સેવા કરી રહ્યો હતો ત્યારે, હું આથેન્સ, થેસ્સાલોનીકા અને રોડસ તથા ક્રેત ટાપુઓ પરના યાદગાર મહાસંમેલનોમાં ગયો હતો. એ ચાર વર્ષો મારા માટે ખૂબ જ આનંદી અને ફળદાયી હતા. પરંતુ, બીજો એક ફેરફાર પણ આવી રહ્યો હતો. મારે ૧૯૮૮માં સાઇપ્રસ પાછા ફરવાનું હતું.

સાઇપ્રસ અને ગ્રીસમાં પાછા ફરવું

સાઇપ્રસમાં મારી ગેરહાજરી દરમિયાન, ભાઈઓએ નિકોસિયાથી થોડા કિલોમીટર દૂર નિસુમાં નવી શાખા કચેરી ઊભી કરી હતી. યહોવાહના સાક્ષીઓના બ્રુકલિન મુખ્યમથકેથી આવેલા ભાઈ કેરી બાર્બરે સમર્પણ વાર્તાલાપ આપ્યો હતો. ટાપુ પર હવે બાબતો વધારે થાળે પડી હતી અને મને ત્યાં પાછા આવવાનો મોકો મળ્યો હોવાથી હું ખૂબ ખુશ હતો. તેમ છતાં, થોડા જ સમયમાં સંજોગો ફરીથી બદલાયા.

નિયામક જૂથે ઉત્તર ઍથેન્સથી થોડા કિલોમીટર દૂર ગ્રીસમાં નવું બેથેલ ઘર બાંધવાની યોજનાને અનુમતિ આપી. હું અંગ્રેજી અને ગ્રીક બોલી શકતો હોવાથી, મને ૧૯૯૦માં નવા બાંધકામના સ્થળે આંતરરાષ્ટ્રીય સેવકોના બનેલા કુટુંબ માટે દુભાષિયા તરીકે જવાનું આમંત્રણ મળ્યું. ઉનાળાની વહેલી સવારે છ વાગ્યે બાંધકામના સ્થળ પર આંતરરાષ્ટ્રીય કુટુંબ સાથે, અનેક ગ્રીક ભાઈબહેનોનો સ્યંવસેવકો તરીકે આવકાર કરવાનો આનંદ મને હજુ પણ યાદ છે! તેઓનો આનંદ અને ઉત્સાહ મને હંમેશાં યાદ રહેશે.

ગ્રીક ઑર્થોડૉક્સ પાદરીઓ અને તેઓના ટેકેદારો બાંધકામના સ્થળે આવીને અમારા કામમાં ખલેલ પહોંચાડવા બહુ પ્રયત્ન કરતા. પરંતુ, યહોવાહે અમારી પ્રાર્થના સાંભળી અને અમારું રક્ષણ થયું. એપ્રિલ ૧૩, ૧૯૯૧માં નવા બેથેલ ઘરનું સમર્પણ જોવા હું ગ્રીસમાં હાજર રહ્યો હતો.

મારી વહાલી બહેનને ટેકો આપવો

એ પછીના વર્ષે હું રજાઓમાં મારી બહેન અને તેમના પતિ સાથે રહેવા ઇંગ્લૅંડ ગયો. દુઃખની બાબત છે કે હું ત્યાં હતો ત્યારે જ મારા બનેવીને બે હાર્ટ ઍટેક આવ્યા અને તે મૃત્યુ પામ્યા. જોને મારા મિશનરી કાર્ય દરમિયાન મને ઉદાર ટેકો આપ્યો હતો. લગભગ દર અઠવાડિયે તે મને ઉત્તેજનકારક પત્ર લખતી હતી. કોઈ પણ મિશનરી માટે આવો સંપર્ક કેવો આશીર્વાદ છે! હવે તે વિધવા બની, તેનું સ્વાસ્થ્ય પણ સારું ન હતું અને તેને ટેકાની જરૂર હતી. મારે શું કરવું જોઈએ?

જોનની પુત્રી થેલ્મા અને તેનો પતિ મંડળની એક બીજી વિધવા બહેનની કાળજી રાખતા હતા, જે અમારી પિત્રાઈ હતી અને સખત બીમાર રહેતી હતી. તેથી, ઘણી પ્રાર્થનાઓ કર્યા બાદ હું એવા નિર્ણય પર આવ્યો કે મારે જોનની કાળજી રાખવા રોકાવું જોઈએ. આ ગોઠવણ કંઈ સહેલી ન હતી પરંતુ, મારી પાસે યૉવિલનાં બે મંડળોમાંના એક પેન મીલમાં વડીલ તરીકે સેવા કરવાનો લહાવો હતો.

પરદેશના જે ભાઈઓ સાથે મેં સેવા કરી હતી તેઓ ટેલિફોન અને પત્ર દ્વારા મારી સાથે નિયમિત સંપર્કમાં રહે છે અને એ માટે હું ઘણો આભારી છું. જો હું ગ્રીસ કે સાઇપ્રસ પાછા જવાની મારી ઇચ્છા જણાવું તો, હું જાણું છું કે મારા ભાઈઓ તરત જ મને મુસાફરીની ટિકિટો મોકલશે. પરંતુ, હું હવે ૮૦ વર્ષનો છું અને મારી આંખો કે મારું સ્વાસ્થ્ય મને પહેલાં જેટલો સાથ આપતા નથી. હવે હું પહેલાંના જેવો સક્રિય ન હોવાથી ઘણી વાર નિરાશ થઈ જાઉં છું. પરંતુ બેથેલ સેવામાં ગાળેલાં વર્ષોએ મને સારી આદતો વિકસાવવા મદદ કરી છે જે આજે પણ મારા માટે ઉપયોગી છે. દાખલા તરીકે, હું હંમેશાં સવારનો નાસ્તો કરતા પહેલાં દૈનિક વચન વાંચું છું. હું લોકો સાથે ભળીને તેઓને પ્રેમ કરવાનું પણ શીખ્યો છું જે સફળ મિશનરી સેવાની એક ચાવી છે.

યહોવાહની સેવામાં પસાર કરેલાં કંઈક ૬૦થી વધારે અદ્‍ભુત વર્ષોને યાદ કરું છું તેમ, હું જાણું છું કે પૂરા સમયનું સેવાકાર્ય સૌથી વધારે રક્ષણ અને સૌથી સારું શિક્ષણ પૂરું પાડે છે. હું મારા પૂરા હૃદયથી યહોવાહ માટેના દાઊદના શબ્દોનું મનન કરું છું: “તું મારો ઊંચો ગઢ છે, અને સંકટને સમયે મારો આશ્રયદાતા થયો છે.”​—⁠ગીતશાસ્ત્ર ૫૯:⁠૧૬.

[ફુટનોટ્‌સ]

^ સપ્ટેમ્બર ૧, ૧૯૯૭ના ચોકીબુરજમાં પાન ૨૫-​૨૮ પર જોન વિનનો “મારું હૃદય આભારથી ઉભરાય છે” અનુભવ જુઓ.

^ અગાઉ કોન્સોલેશનથી જાણીતું હતું.

^ ચોકીબુરજ ડિસેમ્બર ૧, ૧૯૯૮ પાન ૨૦-૧, અને ચોકીબુરજ (અંગ્રેજી) સપ્ટેમ્બર ૧, ૧૯૯૩ પાન ૨૭-૩૧; સજાગ બનો! એપ્રિલ ૮, ૧૯૯૭ પાન ૧૧-૧૩ અને જાન્યુઆરી ૮, ૧૯૯૮ (અંગ્રેજી) પાન ૨૧-૨ પર જુઓ.

[પાન ૨૪ પર નકશો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ગ્રીસ

સાઇપ્રસ

ફેમાગુસ્તા

લિમાસોલ

કેરનીઆ

નિકોસિયા

આથેન્સ

[પાન ૨૧ પર ચિત્ર]

મમ્મી, ૧૯૧૫માં

[પાન ૨૨ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૬માં ગિલયડના આઠમા વર્ગના બીજા ભાઈઓ સાથે હું (ડાબી બાજુથી ચોથો) બ્રુકલિન બેથેલની અગાસી પર

[પાન ૨૩ પર ચિત્ર]

ઇંગ્લૅંડમાં પહેલી વાર પાછો ફર્યો ત્યારે માઈલે માસી સાથે