સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક્લોવિસનું બાપ્તિસ્મા ફ્રાંસમાં કૅથલિક ધર્મનો ૧૫૦૦ વર્ષનો ઇતિહાસ

ક્લોવિસનું બાપ્તિસ્મા ફ્રાંસમાં કૅથલિક ધર્મનો ૧૫૦૦ વર્ષનો ઇતિહાસ

ક્લોવિસનું બાપ્તિસ્મા ફ્રાંસમાં કૅથલિક ધર્મનો ૧૫૦૦ વર્ષનો ઇતિહાસ

સપ્ટેમ્બર ૧૯૯૬એ પોપ જોન-પોલ બીજાએ ફ્રાંસમાં એક ચર્ચની મુલાકાત લીધી, ત્યાં એક બૉંબ મળી આવ્યો, જેની સાથે આવો સંદેશો લખેલો હતો, “પોપના નામે બૉંબ-ધડાકો.” એ પોપે ફ્રાંસની પાંચ વાર મુલાકાત લીધી હતી. એમાંની એ છેલ્લી મુલાકાત વખતે લોકોએ તેમનો સખત વિરોધ કર્યો હતો. તોપણ, લગભગ ૨,૦૦,૦૦૦ લોકો પોપ સાથે ભેગા મળ્યા અને ફ્રાંસના રીમ્ઝ શહેરમાં ફ્રેન્કીસ રાજા ક્લોવિસ, કૅથલિક બન્યો એની યાદગીરીમાં ૧૫૦૦ વર્ષ ઉજવ્યાં હતાં. આ રાજા કોણ હતો અને તેણે લીધેલું બાપ્તિસ્મા શા માટે ફ્રાંસનું બાપ્તિસ્મા કહેવામાં આવ્યું? એ દિવસની ઉજવણીનો લોકોએ શા માટે આટલો બધો વિરોધ કર્યો?

નાશ પામતું સામ્રાજ્ય

સૅલીન ફ્રાંક જાતિના રાજા, ચિલ્ડ્રીક પહેલાને ત્યાં લગભગ ૪૬૬ સી.ઈ.માં પુત્ર જન્મ્યો. તેનું નામ ક્લોવિસ પાડવામાં આવ્યું. જર્મનની એ જાતિ પર ૩૫૮ સી.ઈ.માં ચઢાઈ કરીને, રોમ તેઓ પર રાજ કરવા લાગ્યું. પછી રોમે તેઓને આજે બેલ્જિયમ નામથી ઓળખાતા વિસ્તારમાં રહેવાની પરવાનગી આપી. એ શરતે કે તેઓ સરહદની રક્ષા કરે અને રોમ માટે સૈનિકો પૂરા પાડે. ફ્રાંક લોકો રોમનો સાથે એટલા ભળી ગયા કે તેઓએ છેવટે રોમની સંસ્કૃતિ અપનાવી લીધી. ચિલ્ડ્રીક પહેલો રોમનોનો મિત્ર હતો. તેથી, તેણે વિઝિગોથ અને સેક્સન જેવી બીજી જર્મન જાતિઓ વિરુદ્ધ લડાઈ કરી. એનાથી તેણે ફ્રેંચ-રોમનો પાસેથી માન મેળવ્યું.

રોમન રાજ્યમાં ગૉલ, ઉત્તરમાં આવેલી રાઈન નદીથી લઈને દક્ષિણમાં પિરેનીઝ સુધી ફેલાયેલું હતું. પરંતુ, ૪૫૪ સી.ઈ.માં રૂમી સેનાપતિ આઇશિસનું મૃત્યુ થયું, એના પછી તેની ગાદી સંભાળી શકે એવું કોઈ જ ન હતું. એ ઉપરાંત, ૪૭૬ સી.ઈ.માં રોમનો છેલ્લો સમ્રાટ રોમ્યુલસ ઑગસ્ટ્યુલસ લસની સત્તાનું પતન થયું. છેવટે રોમન સામ્રાજ્યના પશ્ચિમ ભાગમાં અશાંતિ ઊભી થઈ. તેથી, ગૉલ જાણે પાકા ફળ જેવું બની ગયું, જેને કોઈ પણ તોડી શકતું હતું. ક્લોવિસ પોતાના પિતાની ગાદી પર આવ્યો પછી પોતાના રાજ્યની સરહદ વધારવા લાગ્યો એમાં કંઈ નવાઈ ન હતી. વર્ષ ૪૮૬ સી.ઈ.માં સ્વાસૉં શહેરની નજીક રોમના છેલ્લા પ્રતિનિધિને તેણે ગૉલમાં હરાવ્યો. એ જીતથી તે ઉત્તરમાં સૉમ નદીથી પશ્ચિમમાં આવેલી લુઆર નદી સુધી અને મધ્ય તથા પશ્ચિમ ગૉલમાં રાજ કરવા લાગ્યો.

ભાવિનો રાજા

ફ્રાંકના લોકો જર્મનીની અનેક જાતિઓની જેમ કૅથલિક ન હતા. તેમ છતાં, ક્લોવિસના લગ્‍ન બર્ગંડીની રાજકુમારી ક્લૉટીલ્ડા સાથે થયા અને એની તેના ઉપર ઊંડી અસર થઈ. ક્લૉટીલ્ડા ચુસ્ત કૅથલિક હતી. તેથી, તે પોતાના પતિને કૅથલિક બનાવવા તેની પાછળ પડી ગઈ હતી. ચુરનો ગ્રેગરી છઠ્ઠી સદીમાં ઇતિહાસકાર હતો. તેના કહ્યા પ્રમાણે ૪૯૬ સી.ઈ.માં ક્લોવિસે, ક્લૉટીલ્ડાને વચન આપ્યું કે આલ્મૅનિક એટલે ટૉલ્બેક (ઝ્યુલપીચ, જર્મની) સામેના યુદ્ધમાં તારો પરમેશ્વર મને જીત અપાવશે તો, હું કૅથલિક બની જઈશ. એ યુદ્ધમાં ક્લોવિસનું લશ્કર હારવાની અણી પર હતું, છતાં આલ્મૅનિક રાજા માર્યો ગયો અને તેનાં લશ્કરોએ શરણાગતિ સ્વીકારી. એથી, ક્લોવિસે માની લીધું કે ક્લૉટીલ્ડાના પરમેશ્વરે જ તેને જીત અપાવી છે. રિવાજ પ્રમાણે ડિસેમ્બર ૨૫, ૪૯૬ સી.ઈ.માં રીમ્ઝના મુખ્ય દેવળમાં “સંત” રેમિજસે ક્લોવિસને બાપ્તિસ્મા આપ્યું. તેમ છતાં, અમુક લોકોનું માનવું છે કે તેનું બાપ્તિસ્મા મોટે ભાગે ૪૯૮-૯ સી.ઈ.માં થયું હતું.

ક્લોવિસે દક્ષિણ પૂર્વના બર્ગંડી રાજ્યને પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો. પરંતુ, તેણે ૫૦૭ સી.ઈ.માં વ્યુઉઈ એટલે પ્વાટીએ નજીક જીત મેળવી. તેથી, ગૉલનો મોટા ભાગનો દક્ષિણ પશ્ચિમનો વિસ્તાર તેના હાથમાં આવી ગયો. એ જીતના માનમાં પૂર્વ રોમન સામ્રાજ્યના સમ્રાટ આનાસ્તાસિસે, ક્લોવિસને રોમનો પ્રતિનિધિ બનાવ્યો. આમ, ક્લોવિસને પશ્ચિમના સર્વ રાજાઓ કરતાં પણ ઉચ્ચ હોદ્દો મળ્યો અને ફ્રેંચ-રોમન લોકોની નજરમાં તેણે ખૂબ જ માન મેળવ્યું.

આ રીતે ક્લોવિસે પૂર્વની રાઈન નદીના આસપાસના વિસ્તારોને પોતાના કબજામાં લીધા પછી, પૅરિસને પોતાની રાજધાની બનાવી. ક્લોવિસે પોતાના જીવનનાં છેલ્લા વર્ષોમાં પોતાનું રાજ્ય મજબૂત કરવા, સેલેક ફ્રાંકો માટે નિયમો બનાવ્યા. એ માટે તેણે ચર્ચની સમિતિને ઑર્લેઆંમાં બોલાવી, જેથી એના સભ્યો ચર્ચ અને સરકાર વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ એ સમજાવે. તેનું મરણ ૨૭ ડિસેમ્બર, ૫૧૧ સી.ઈ.માં થયું. એ સમયે, ગૉલના પોણા ભાગ પર તે એકલો જ શાસન કરતો હતો.

ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે કે ક્લોવિસે કૅથલિક ધર્મ અપનાવ્યો એ, “પશ્ચિમી યુરોપના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના હતી.” શા માટે એ બિન-ખ્રિસ્તી રાજાનું ધર્માંતર ખૂબ મહત્ત્વનું હતું? એનું મહત્ત્વનું કારણ એ હતું કે ક્લોવિસે એરીઅન ધર્મને બદલે કૅથલિક ધર્મ અપનાવ્યો હતો.

એરીઅનનો મતભેદ

લગભગ ૩૨૦ સી.ઈ.માં ઍલેક્ઝાંડ્રિયા, ઇજિપ્તનો પાદરી, એરીઅસ ત્રૈક્ય વિષે કંઈક અલગ શીખવવા લાગ્યો. એરીઅસે કહ્યું કે પુત્ર અને પિતા એક ન હોય શકે. પુત્ર, પરમેશ્વર કે પિતાની બરાબર પણ થઈ શકતો નથી, કેમ કે પુત્રની શરૂઆત હતી. (કોલોસી ૧:૧૫) તેમ જ એરીઅસ એવું પણ માનતો હતો કે પવિત્ર આત્મા એક વ્યક્તિ છે, પણ તે પિતા અને પુત્રથી ઊતરતી છે. આ શિક્ષણ ઘણું લોકપ્રિય થયું તેમ એનાથી ચર્ચમાં મતભેદો ઊભા થયા. વર્ષ ૩૨૫ સી.ઈ.માં નાઈસીઆની સમિતિએ એરીઅસના શિક્ષણને લીધે તેને દેશનિકાલ કર્યો. *

તેમ છતાં, એમ કરવાથી મતભેદો ઠંડા પડ્યા નહિ. એ શિક્ષણો વિષેનો વાદવિવાદ લગભગ ૬૦ વર્ષ સુધી ચાલ્યો અને સમ્રાટ થઈને આવનારાઓમાંથી કોઈ એ શિક્ષણની તરફેણમાં હતા તો કોઈ એની વિરુદ્ધમાં હતા. પછી સમ્રાટ થિઑડૉશસ પહેલાએ ૩૯૨ સી.ઈ.માં ત્રૈક્યનું શિક્ષણ અને કૅથલિક ધર્મ, રોમન સામ્રાજ્યનો મુખ્ય ધર્મ બનાવ્યો. સમય જતાં, એક જર્મન બિશપ ઉલ્ફિયાસ ગોથ લોકોને એરીઅન પંથમાં દોરતો હતો. પછી જર્મનની બીજા જાતિઓ પણ આ રીતે ઝડપથી કહેવાતા “ખ્રિસ્તી ધર્મમાં” જોડાઈ ગઈ. *

ક્લોવિસ આવ્યો ત્યાં સુધીમાં તો ગૉલમાં કૅથલિક ચર્ચ માટે કપરો સમય ચાલી રહ્યો હતો. ત્યાંના કૅથલિક પાદરીઓ મરણ પામતા ત્યારે એરીઅન વિઝિગોથ્સ તેઓના બદલે બીજા પાદરીઓને લાવતા ન હતા. એ ઉપરાંત, ખ્રિસ્તી ધર્મના બે ભાગ પડી રહ્યા હતા, અને બંને પક્ષના પાદરીઓ રોમમાં એકબીજાનું ખૂન કરતા હતા. વળી, જાણે એટલું પૂરતું ન હોય તેમ, અમુક કૅથલિક લેખકોએ એવી અફવા ફેલાવી કે ૫૦૦ સી.ઈ.માં દુનિયાનો અંત આવશે. તેથી, ફ્રાંકો લોકોને પોતાની માન્યતા છોડીને કૅથલિક ધર્મ અપનાવવાનું મહત્ત્વનું લાગ્યું કારણ કે “સંતોનો નવો યુગ શરૂ થવાનો હતો.”

પરંતુ, ક્લોવિસનો ધ્યેય શું હતો? તેનો ફક્ત ધાર્મિક સ્વાર્થ જ ન હતો, પરંતુ ખરો ધ્યેય તો સત્તા મેળવવાનો હતો. કૅથલિક ધર્મ અપનાવવાથી ક્લોવિસે ગૉલ અને રોમન લોકો પાસેથી વાહ વાહ મેળવી કે જેઓમાં મોટા ભાગના લોકો કૅથલિક હતા. તેમ જ ઉચ્ચ હોદ્દો ધરાવતા ચર્ચના પાદરી વર્ગનો પણ તેને સાથ હતો. આમ, તેણે પોતાના સમયના સર્વ રાજકીય દુશ્મનો પર જીત મેળવી. ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે કે “ગૉલ પર તેની જીત મેળવવાથી તેઓના દુશ્મન એરીઅન લોકોની સતાવણીથી છુટકારો મળ્યો.”

ક્લોવિસ ખરેખર કેવો હતો?

વર્ષ ૧૯૯૬માં તેના બાપ્તિસ્માની યાદગીરીનો દિવસ નજીક આવતો હતો ત્યારે, રીમ્ઝના આર્ચબિશપ ઝરાર ડીફવાએ કહ્યું કે ક્લોવિસે “સમજી-વિચારીને કૅથલિક બનવાનો નિર્ણય લીધો હતો.” તેમ છતાં, ફ્રેન્ચ ઇતિહાસકાર અરનેસ્ટ લાવીસે કહ્યું: “ક્લોવિસે કૅથલિક ધર્મ અપનાવ્યો એનાથી તે સુધર્યો ન હતો; સુવાર્તાના શિક્ષણથી તેના હૃદયમાં દયા અને શાંતિથી રહેવાની પ્રેરણા થઈ ન હતી.” તેમ જ બીજા એક ઇતિહાસકારે કહ્યું: “તે ઓડીન [નોર્સ દેવતા]ને પ્રાર્થના કરવાને બદલે, ખ્રિસ્તને પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ તે પહેલાં હતો તેવો જ રહ્યો.” જે રીતે કોન્સ્ટન્ટાઈને ફક્ત નામ પૂરતો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, તેમ ક્લોવિસે પણ પોતાની સત્તાને મજબૂત કરવા માટે એમ જ કર્યું. પછી, તેણે પોતાના સર્વ દુશ્મનોને એક પછી એક મારી નાખ્યા. એ હદ સુધી કે તેણે “પોતાના સર્વ સગા સંબંધીઓને પણ મારી નંખાવ્યા.”

ક્લોવિસના મરણ પછી લોકો તેને એક ક્રૂર યોદ્ધાને બદલે સંત માનવા લાગ્યા. ક્લોવિસના મૃત્યુના લગભગ સો વર્ષ પછી ચુર્સના ગ્રેગરીએ તેના વિષે લખ્યું. તેણે તેને કોન્સ્ટન્ટાઈન સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે “ખ્રિસ્તી ધર્મ” અપનાવનાર તે પહેલો રૂમી સમ્રાટ હતો. વળી, તેણે એવો દાવો પણ કર્યો કે ક્લોવિસે બાપ્તિસ્મા લીધું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. એ રીતે ગ્રેગરી તેને ઈસુ ખ્રિસ્ત સાથે સરખાવવાનો પ્રયત્ન કરતો હતો એવું લાગે છે.​—⁠લુક ૩:૨૩.

નવમી સદીમાં રીમ્ઝના બિશપ એંકમારે પણ એવું જ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મુખ્ય ચર્ચો યાત્રીઓને આકર્ષવા માટે હરીફાઈમાં હતા ત્યારે, તેણે પોતાના “સંત” રિમિજસ વિષે એવી રીતે લખ્યું, જેથી પોતાના ચર્ચની વાહ-વાહ થાય અને એ ધનવાન બને. એમાં તેણે લખ્યું કે જેમ પવિત્ર આત્માથી ઈસુને અભિષિક્ત કરવામાં આવ્યા હતા, તેમ ક્લોવિસના બાપ્તિસ્મા વખતે એક સફેદ કબૂતર તેને અભિષિક્ત કરવા તેલ લાવ્યું હતું. (માત્થી ૩:૧૬) આમ, એંકમારે ક્લોવિસ, રીમ્ઝ અને રાજપદને જોડીને, એવો વિચાર ઘડી કાઢ્યો કે ક્લોવિસ પરમેશ્વરનો અભિષિક્ત હતો. *

મતભેદોથી ભરેલો તહેવાર

અગાઉના ફ્રાંસના પ્રમુખ ચાર્લ્સ ડી ગૉલીએ એક વાર આમ કહ્યું: “મારા મત પ્રમાણે ફ્રાંસનો ઇતિહાસ ક્લોવિસથી શરૂ થાય છે, જેને ફ્રાંક જાતિએ રાજા તરીકે પસંદ કર્યો અને તેણે તેઓને ફ્રાંસ નામ આપ્યું.” પરંતુ, બધા લોકો આવું માનતા નથી. ક્લોવિસ કૅથલિક બન્યો એને ૧૫૦૦ વર્ષ થયા પછી એના તહેવાર વિષે ઘણા મતભેદો ઊભા થયા. વર્ષ ૧૯૦૫થી કૅથલિક ધર્મ અને સરકાર કાયદેસર અલગ હોવાથી, ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો કે સરકાર કેમ ધાર્મિક તહેવારોમાં માથું મારે છે. રીમ્ઝ શહેરની કાઉન્સિલે જાહેર કર્યું કે પોપ માટે પોડિયમ બનાવવાનો ખર્ચો તેઓ આપશે ત્યારે, એક સંસ્થા અદાલતમાં કેસ લઈ ગઈ અને અદાલતે એ ફેંસલો રદ કર્યો, કારણ કે એ ગેરકાયદેસર હતું. ઘણા લોકો એવું માનતા હતા કે કૅથલિક ધર્મ ફ્રાંસના નૈતિક વિચારો પર ફરીથી રાજ કરવા લાગશે અને ક્લોવિસ રાષ્ટ્રવાદી છે. એનાથી એ તહેવાર વિષે વધારે ગૂંચવણ ઊભી થઈ હતી.

ઇતિહાસમાં જે બન્યું હતું એ કારણથી ઘણા લોકોએ એ તહેવાર વિષે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે ક્લોવિસે બાપ્તિસ્મા લીધું એનાથી ફ્રાંસ કૅથલિક ધર્મ પાળતું નથી. પરંતુ, ફ્રેંચ-રોમન લોકો આ ધર્મ તો પહેલેથી જ માનતા આવે છે. તેઓ દાવો કરે છે કે તેના બાપ્તિસ્માથી જ કંઈ ફ્રાંસનો જન્મ થયો નથી. તેઓ માને છે કે શાર્લમેનના રાજ્યના ૮૪૩ સી.ઈ.માં ભાગલા થયા ત્યારે ફ્રાંસનો પ્રથમ રાજા ક્લોવિસ નહિ પરંતુ ચાર્લ્સ ધી બૉલ્ડ હતો.

કૅથલિક ધર્મના ૧૫૦૦ વર્ષ

કૅથલિક ધર્મ જે ફ્રાંસમાં ૧૫૦૦ વર્ષથી “ચર્ચની સૌથી મોટી દીકરી” તરીકે ઓળખાય છે એની આજે શું સ્થિતિ છે? ફ્રાંસમાં ૧૯૩૮ સુધીમાં સૌથી વધારે લોકોએ કૅથલિક ધર્મ અપનાવ્યો હતો. આજે ફિલિપાઈન્સ તથા અમેરિકા એનાથી આગળ નીકળી ગયું હોવાથી ફ્રાંસનો છઠ્ઠો નંબર આવે છે. જોકે ફ્રાંસમાં ૪૫ કરોડ લોકો કૅથલિક ધર્મ પાળે છે, પરંતુ એમાંથી ફક્ત ૬૦ લાખ લોકો જ નિયમિત ચર્ચમાં જાય છે. તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે ફ્રાંસમાં રહેતા કૅથલિક લોકોમાંથી ૬૫ ટકા લોકોને “ચર્ચમાં શીખવવામાં આવતા નૈતિક ધોરણોમાં જરાય રસ નથી.” એમાંના પાંચ ટકા લોકો માટે ઈસુ “જરાય મહત્ત્વના નથી.” એ કારણથી પોપે ૧૯૮૦માં ફ્રાંસની મુલાકાત લીધી ત્યારે પ્રશ્ન પૂછ્યો હતો: “ફ્રાંસ, તારા બાપ્તિસ્મા સમયનાં વચનોનું શું થયું?”

[ફુટનોટ્‌સ]

^ ઑગસ્ટ ૧, ૧૯૮૪ના ચોકીબુરજ (અંગ્રેજી)ના પાન ૨૪ પર જુઓ.

^ મે ૧૫, ૧૯૯૪ના ચોકીબુરજ (અંગ્રેજી)ના પાન ૮-૯ પર જુઓ.

^ લુઈસ નામ ક્લોવિસ પરથી આવ્યું છે. એના પરથી ૧૯ ફ્રેંચ રાજાઓનાં નામ પાડવામાં આવ્યાં. (એમાં લુઈસ સત્તરમો અને લુઈસ-ફિલિપનો પણ સમાવેશ થાય છે.)

[પાન ૨૭ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

વિઝિગોથ

સેક્સન

ગૉલ

રાઈન નદી

પિરેનીઝ

રોમ

સ્વાસૉં

સૉમ નદી

લુઆર નદી

રીમ્ઝ

વ્યુઉઈ

પ્વાટીએ

પૅરિસ

[પાન ૨૬ પર ચિત્ર]

ક્લોવિસના બાપ્તિસ્માનું ચૌદમી સદીનું ચિત્ર

[ક્રેડીટ લાઈન]

© Cliché Bibliothèque nationale de France, Paris

[પાન ૨૮ પર ચિત્ર]

ફ્રાંસમાં રીમ્ઝના મુખ્ય ચર્ચની બહાર ક્લોવિસના બાપ્તિસ્માની શિલ્પકૃતિ (વચ્ચે)

[પાન ૨૯ પર ચિત્ર]

ક્લોવિસનું બાપ્તિસ્મા ઊજવવા આવેલા જોન પોલ બીજાની ફ્રાંસની મુલાકાતે મતભેદ ઊભો કર્યો